પૈડાં ફરતાં રહે - 13 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પૈડાં ફરતાં રહે - 13

13

સવારના સાતેક વાગ્યા. લીલાછમ ડુંગરો પાછળથી ઉગતા સુરજ મહારાજ જોઈને એને હાથ જોડયા. ઢાબો ખુલી ગયેલો. ચૂલો ધુમાડા કાઢતો હતો અને સગડી પાસે હેન્ડલ ગોળ ફેરવી કારીગર ચા બનાવતો હતો. મેં મીઠું માંગ્યું અને દાંતે ઘસી એક લોટો લઈ અધ્ધરથી કોગળા કરી લીધા. અમે બે એ ચા પીધી. મેં મોં ઉપર ગમછો ફેરવ્યો અને માથામાં કાંસકો. કપડાંની કરચલી હાથેથી ભાંગી તૈયાર. ત્યાં તો બહાર જ ઉભેલા લોકો દોડ્યા. 'એ.. સરદાર એક્સપ્રેસ આવી. આજે તો ટાઇમસર છે.' કહેતા એક નોકરીયાત લાગતા ભાઈ દોડ્યા. એની પાછળ બધા જ. પડાપડી થાય ત્યાં ડ્રાઇવર ઉતર્યો. એ મરાઠી હતો. ઊંધા ચંદ્ર આકારની ટિપિકલ મૂછ. (મને ટિપિકલ જેવો શબ્દ આવડે છે એની નવાઈ લાગી ને? કેટલાક અંગ્રેજી શબ્દો સહેલા પડે એટલે ગામડામાં પણ ઈ જ વપરાય.) જડબાં અને ચહેરાનો દેખાવ જ કહી આપે કે તે મરાઠી છે. અમે ગુડમોર્નિંગ જેવું 'કસા આહે' કર્યું અને એની સીટ મેં લીધી. 1212 આજે રૂસણે હતી! માંડ તો અંધારે ઘાટ ચડાવેલી!

આ બસ વહેલી સવારે ચાર વાગે મહારાષ્ટ્રથી ઉપડીને આવતી હતી. લગભગ શિરડી કે કોપરગાંવથી. લગભગ આખી ભરેલી. તોયે સરખા એવા લોકો અહીં ઉતર્યા.

કંડકટરમાં કાર્તિક હતો. એણે તો બારણું લોક કરી ચાવી રાખી લીધી. કહે 'હું સ્ટેન્ડિંગ પેસેન્જર હમણાં નથી લેવાના તો પણ આઠદસ લઈશ. પોણી બસ ભરેલી છે. તમે લોકો લાઈન કરશો અને સોશિઅલ ડિસ્ટન્સ રાખી દૂર ઉભશો તો જ ખોલીશ.'

લોકોને એ ગમ્યું નહીં. થોડી હોહા થઈ. બેચાર લોકો સવાર સવારમાં ગાળ પણ બોલ્યા. હું નીચે ઉતરી એમની સામે ખાલી અદબ વાળી ડોળા કાઢી ઉભો રહ્યો. આ ભૂમિપાલ બાપુ લાલ આંખ કરે તો ભલભલા ધ્રુજી જાય. તેઓ તો આગળ ધસવા ગયા પણ મેં આ બાપુનો બળુકો હાથ ખાલી આડો રાખ્યો. તેઓ અટક્યા. કેબિનમાં હજી કોઈ એનાઉન્સ કરવા આવ્યું નહોતું.

બધા લાઈનમાં ઉભા. બિચારા દસબાર લોકોને મૂકી બસ ઉપાડવાનું મને ગમ્યું તો નહીં. કોરોના હળવો થયા પછી એટલું તો જરૂરી હતું. કોણ બિચારાઓને થોડા માણસો માટે રાહ જોવરાવે? બીજી બસ ક્યારે આવી કોને ખબર! મેં અને કાર્તિકે એક એક કરી એ દસ બાર ને પણ લઈ લીધા. બસ થોડી ચિક્કાર ભરાઈ ગઈ. જગ્યા રાખી કોઈને ચા પીવી હોય તો જઈ પાંચ મિનિટમાં આવવા કહ્યું. બધા આવી ગયા એટલે બસ ઉપાડી.

મેં સાઈબાબાની આરતીની કોઈએ આપી એ પેનડ્રાઈવ વગાડવા મૂકી.

એ જ સીધો ઢાળ અત્યારે સરખી બ્રેકને લઈ મારા કંટ્રોલમાં હતો. આજુબાજુની ઉઠીને આળસ મરડતી વનરાજીને કારણે બધું વાદળી ભૂરું લાગતું હતું. ઝાકળ પણ મોટાં પાંદડાં પર મોતી જેવી ચમકતી હતી.

અમે દોઢેક કલાકમાં વઘઈ આવી પહોંચ્યા. ઓલા સાહેબ ડ્યુટી પુરી કરી તાડી કે 'બીજું કાંઈક' પી ને આળસમાં બગાસાં ખાતા હાથમાં સળગતી સિગરેટ લઈ બેઠા હતા. મને જૂની ફિલમમાં જોયેલો દારૂડિયો એક્ટર યાદ આવ્યો. પણ એ તો બધે તાકતો તૈયાર બેઠો હોય, આ સાહેબ, મગર શિકાર કરી ઘાટ પર પડી હોય એવા સુસ્ત હતા. મેં હોર્ન વગાડ્યું. એમનું ધ્યાન ગયું ને નવાઈ સાથે ડોક હલાવી. એમના હાથ તો હાલશે નહીં એમ લાગ્યું.

છેક સુરત કોઈ મુશ્કેલી વિના પહોંચ્યા. અહીં તો મેં બે જણનું ટિફિન કાલે કહી દીધેલું ઈ આવી ગ્યું તું. સોરી. મારે સરખી ભાષા બોલવાની છે.

એક જાણીતો કંડકટર મળ્યો. કહે , 'નાથગર ગોસાઈ બાવાનું સાંભળ્યું ? બિચારા..'

મને ફાળ પડી. કાલે જ યાદ કરેલા. એના કોઈ ખબર કેમ નથી ઈ પૂઈછું તું. એને ખબર હતી ઈ એણે મને કીધું. જીવણ મા'રાજ ને રફીક તો વડોદરાથી આગળ કોઈ ડ્યુટી કરીને આજે ઓફ માં ઘેર જાશે. મેં એ 'ખબરપત્રી'ને શું થયું ઈ પૂછ્યું. ઈ કયે,

'લે, તમને ખબર નથી? આજના છાપામાં છે.' મને કહે.

'ક્યાંથી ખબર હોય? ગઈકાલે સવારથી સતત ભાગભાગ કરીએ છીએ.'

મને ઓલો જોક યાદ આવ્યો. વાંદરો સિંહને લાફો મારીને આગળ જઈ છાપું વાંચતો બેસી ગયો. સિંહે આવીને પૂછ્યું કે આગળ કોઈ વાંદરો ગ્યો? તો ઇ કહે ઓલો સિંહને લાફો મારી ભાગી ગ્યો ઇવડો ઇ? સિંહ કયે 'લે, હમણાં બન્યું ને છાપામાં યે આવી ગ્યું!' એમ બાવાજી કોઈને ટીપીને આવી ગ્યા હશે.

એ કંડકટર કહે 'અરે, એણે આખી બસનાં પેસેન્જર બચાવ્યા. પછી પોતે કૂદી પડ્યા ત્યાં દાઝીને હોસ્પિટલમાં ગયા. અત્યારે ભાવનગર તખ્તસિંહજી હોસ્પિટલમાં છે.'

કાર્તિકે નાથગર ગોસાઈને જોયા હતા એટલું જ. ઓળખતો નહોતો છતાં પણ વાત એને રસ પડે એવી લાગી. કહે કે માંડીને વાત કરો.

અમે બસડીપો બાજુનાં બિલ્ડીંગમાં ઉપર આવેલી અમારી ડોરમીટરી કે એસટીની ધરમશાળામાં ગ્યા. અમારું ટિફીન ખોલીને ખાવા બેઠા. એને અમારી સાથે જમવા ઓફર કર્યું. એણે કેન્ટીનમાંથી ઉસળપાંવ મગાવેલાં ઈ અમારી હારે, સોરી, સાથે ખોલીને બેઠો.

એણે કહેવું શરૂ કર્યું.

'અરે નાથગર ગોસાઈ અને રફીક મન્સૂરીની પેર હતી. એમને ટ્રીપ તો બીજી એસાઇન થઈ 'તી પણ છેલ્લી ઘડીએ એમને ઓલી શ્રમિકોને પાછા લાવતી બસમાં વડોદરાથી ભાવનગર ને ત્યાંથી મહુવા બાજુ મોકલ્યા.

વડોદરા ખીચોખીચ ભરેલી ટ્રેન આવી. જેટલા ચાલીને, બસમાં કે ટ્રેનમાં બે ત્રણ મહિના પહેલાં ગયેલા એ બધા પાછા ગુજરાતને શરણે જ આવ્યા. પહેલાં જવા માટે ને હવે આવવા માટે હોબાળાઓ થયા. વળી સરકાર કોઈને રોજી રોટી રળવાની તક આપતી નથી, ભૂખે મારે છે એવું કહેવાનું રાજકારણ શરૂ થયું. વળી કલેક્ટરે બસો એરેન્જ કરી. લાઈન ની લાઈન ટ્રેનમાંથી ઉતરે એટલે ટોળાં બની દોડે જે બસ પહેલી મળે ઈ પકડવા. નજીકનાં શહેરની હોય તો પણ ચાલે.

તો નાથગર બાવાની બસ નવસારીથી હવડે જ આવી 'તી. ( મેહાણી લાગે સે. જીવણ મહારાજ, ઈને હાચું ગુજરાતી બોલાવો ને!) બાવાજી દાઢી ઓળતા જેવા બસમાં ચડ્યા કે બારણું ધમધમાવતા મજૂર જેવા નેવું સો જુવાનો દોડ્યા. રફીક તરત દોડ્યો. બધાને લાઈન કરાવવા કડક થયો તો બિચારાને ગાળો પડી. એક તો 'આ તો ***માંનો છે, મારો *** સાલાને' કહેતો એની ઉપર થુકવા પણ ગયો. અત્યાર સુધી સંયમ રાખી ઉભેલા રફીકનો પિત્તો ગયો. એને બે અડબોથ મારી શક્યો હોત પણ ઓલાને કોલરથી પકડી જમાદારને સોંપી દીધો. એ કોઈ શ્રમજીવી નો'તો. ઈવડો ઈ તો ભાડુતી મજૂર હતો. પોલીસ જમાદારે એને બસસ્ટોપ પાસે જ લારી લઈ ઉભેલો લોકડાઉનમાં પકડેલો. એને બે દંડા મારી છોડ્યો ત્યાં એ દરમ્યાનમાં મજૂરોએ બારીમાંથી હાથ નાખી દરવાજો ખોલી નાખેલો. એ લોકો અંદર ઘુસી જગ્યા માટે મારામારી કરવા લાગેલા.

રફીકે અમુક ઉભેલાઓને બીજી બસ થોડી વારમાં મુકાશે કહી ઉતરવા કહ્યું. કોઈ ઉતર્યા નહીં. આખરે સિત્તેરની ફૂલ કેપેસિટી, અત્યારે ચાલીસ લેવાના હોય- એની સામે સો મજૂરોથી પેક થયેલી બસ વડોદરાથી ઉપાડવા રફીકે ઘંટડી મારી.

આમથી તેમ શરીર વાંકુંચૂંકુ કરી જગ્યા કરતો રફીક ચિક્કાર બસમાં ટિકિટ આપવા નીકળ્યો. નાથગરે તો જે જલ્દી છૂટ્યા કરી બસ ભગાવી. અર્ધો રસ્તો વટાવી બસ તારાપુર ચોકડી વટાવી બગોદરા, ધોલેરા થઈ જવાની હતી.

તારાપુર ચોકડીથી થોડેક જ આગળ ગ્યા ત્યાં નાથગરે એકદમ બસ ઉભી રાખી દીધી.

અહીં ડ્રાઈવર અને બસ વચ્ચે આખું પાર્ટીશન હતું. ગુર્જરનગરી બસ હતી. નાથગરે બે વાર પાર્ટીશન પર જોરથી ધમ ધમ કર્યું. કોઈએ સાંભળ્યું લાગ્યું નહીં.

નાથગર બાવા ડ્રાઇવર કેબિનમાંથી કૂદીને નીચે ઉભા પડ્યા. એણે કંડક્ટરની બારી પાસે દોડીને બૂમ મારી. 'રફીક, જલ્દી ગેઇટ ખોલ. ઈમરજન્સી ગેટ પણ. જલ્દીઇઇઇ…' એણે રાડ નાખી. પછી બારીમાંથી ડ્રાઈવર ગાંડો થઈને બુમો પાડતો હોય એમ જોતા એક મજૂરને કીધું, 'બસમાં આગ લાગી છે. જીવતા રેવું હોય તો કૂદવા માંડો.'

આ એક જ વાકયે બારણું ખુલી ગયું. રફીકે બૂમ પાડી કીધું, 'ધક્કામુક્કીને બદલે એક એક જાવ. જલ્દી ઉતરશો.'

એણે મજૂરોને ધક્કા મારતાં બહાર નીચે ફેંક્યા. ગોસાઈ થોડી જગ્યા થતાં દોડીને બસમાં ચડ્યા ને બસમાં ગિયરબોક્સ પાસે પડેલો સળિયો લઈ બારીના કાચ ઉપર ઝીંક્યો. પોતે જ અમુક ધક્કા મારી રસ્તો રોકી રહેલા મજૂરોને કોણી મારી, બેય બાજુ હાથ વીંઝી આપોઆપ એક લાઈન કરાવી. પોતે કૂદકો મારી બસનો આગળ સાઈડનો ઇમરજન્સી ગેઈટ ખોલી નાખ્યો. રફીકે પાછલો.

એક મિનિટમાં બસ ખાલી થઈ ગઈ. રફીક ઉતરવા ગયો ત્યાં હાથમાંથી કેશ ભરેલી ચામડાની પટ્ટાવાળી બેગ સામેથી ધસી આવતા મંણસોના પ્રવાહમાં બસમાં પાછી ખેંચાઈ ગઈ. રફીક આ સો મજૂરોને દૂર હડસેલતો હતો ત્યાં નાથગર બાવા ઉતરી ગયેલા એ કેશ બેગ બચાવી લેવા અંદર કૂદી પડ્યા.

બસમાં આગળ એન્જીન પાસે સ્પાર્ક જોઈ એણે બસ ઉભાડેલી. હવે આગળથી સળગવા લાગેલી બસમાં ચડી એમણે એ કેશની થેલી ગમે તેમ કરી લઈને બહાર રફીક તરફ ફેંકી. બસમાં આગળ તરફ આગ ઓલવવાના ગેસનો બાટલો હતો એ તરફ રીતસર ડોલ્ફિન માછલી જેવી ડાઈ મારી. બાટલો લીધો અને પીન ખોલે એટલી વારમાં તો બસે આગળથી આગ પકડી લીધી. નાથગર બાવાજીની દાઢી ઉપર પણ તણખો પડ્યો. એક ક્ષણમાં આગ બાવાજીને લપેટમાં લઈ રહી. રફીકે પાછા અંદર દોડી એને ઊંધા ધક્કો મારી સીધી લાત જ મારી. બાવાજી નીચે રેતીમાં ઊંધા પડ્યા. એ મોંએ અને હાથ, છાતી પાસે સરખા એવા દાઝી ગયા હતા. રફીક પણ ખુલ્લા ઇમરજન્સી ગેઇટમાંથી છલાંગ લગાવતો બહાર કૂદી પડ્યો.

એ સાથે બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ. ભૂ.. ભૂ.. અવાજ સાથે આગની બસથી પણ ઊંચી જ્વાળાઓ આકાશ તરફ જવા લાગી. બળતાં ટાયરોની ગંધ, શ્વાસ રોકતા કાળા ધૂમાડાના ગોટેગોટા અને લબકારા મારતી જ્વાળાઓની ગરમીથી નાથગરે બધાને આઘા ખસેડી લીધા.

મને કેમ આ બધી ખબર? તો નીચે ઉતરતા લોકોને ખસેડતું કોણ હતું? બાવાજીની પહેલી બૂમ સાંભળી જે આવ્યો એને કોલર કે બાવડું પકડી આ ચિક્કાર ગિરદીમાં ઉભા કોણે કર્યા? આ તમારી સામે ઉભો એણે.

હું ભાવનગર પે'લાં વરતેજ આવે ત્યાં મારે કામે જતો 'તો. ઓફ ડ્યુટી.

રફીકે નજીકની ટ્રકમાં ચડી બગોદરા પહોંચી ડીપો, પોલીસ અને 108 ને ફોન કરવા કીધું. બગોદરા વાહન મળે પછી પણ પહોંચતાં અડધો પોણો કલાક તો થાય. એટલે દાઝીને પડેલા બાવજીએ કોઈ વાહન ઉભું રખાવવા કહ્યું. એની પહેલાં કોઈ રાજદૂત નીકળ્યું એની પાછળ બેસી રફીક બગોદરા જવા નીકળી ગ્યો.

મેં બાવાજીને નજીકના તળાવ કે ખાબોચિયું જે ક્યો, એનું પાણી છાંટયું ને એમાંથી જ ચાંગળુ પીવરાવ્યું.

બગોદરા ખબર પડતાં ભેગા ચેનલ ને છાપાંવાળા દોડતાં આવ્યા.

એક ખાસ પક્ષના લોકોએ તો મજૂરોને મારી નાખવાની સાજીશ થઈ, બીજો ગોધરા કાંડ થતો રહી ગ્યો ને એવું મેટર તૈયાર રાખ્યું પણ કંડકટર મુસલમાન છે એ એ લોકોએ જાણ્યું. એ લોકો મુસલમાનને પોતાની તરફ ખેંચતા હોય છે એટલે ઈવડી ઈ વાત દબાઈ ગઈ. ભલું થાઓ રફીકનું.

બીજી બસ તો આ નિર્જન રસ્તે ક્યાંથી આવે? થોડા ઠીક થયેલા નાથગર બાવાજીએ જ કોઈ ટ્રકમાં આ બધાને પાછળ ઠાઠામાં બેસાડી ડ્રાઇવરને પોતાની બાજુમાં બેસાડી દાઝેલા શરીરે બીજા અઢી કલાક ચલાવી ભાવનગર પહોંચાડ્યા. એ ટ્રક ડ્રાઇવરની તાકાત નહોતી કે બાવાજી જેટલી સ્પીડે જઈ શકે. જલ્દી પહોંચવું જરૂરી હતું. ભાવનગર આવતાં મેં જ એને દાખલ કર્યા. મેં ને રફીકે રિપોર્ટ કર્યો. અમે બે સવારની ભાવનગર સુરતમાં જ આવ્યા. હું સુરતથી વાપી જવા સ્ટાર્ટ થાઉં છું. અહીં કલાક રેસ્ટ લઈને કામે ચડીશ.

લ્યો, કલાક થ્યો. જાઉં ત્યારે. રામરામ.'

કહી એ ગયો.

હું અને કાર્તિક એક બીજા સામે જોઈ રહ્યા. મારી વાચા હણાઈ ગઈ 'તી ને કાર્તિક આવી નોકરીનાં ભયસ્થાનોનો વિચાર કરી છળી મરેલો.

મેં નીચે ઉતરી સ્ટોલ પરથી વાસી છાપું લીધું. હેડિંગ જોયું - 'એસટીની ઘોર બેદરકારી. એકસો વીસ ગરીબ મજૂરો કાળનો કોળિયો બનતા રહી ગયા.'

બેદરકારી !!

ક્રમશઃ