કેસુ ની જોડી
મુકેશપંડયા
આનંદ અને નારણ બંને એકજ કંપનીમાં અને એકજ વિભાગમાં કામ કરતા હતા. બંનેનો એકજ દિવસે કંપનીમાં ઇન્ટરવ્યુ હતો ત્યારથી જ બંને વચ્ચે દોસ્તીના બંધન બંધાયા હતા. ઓફિસમાં બંનેના ટેબલ પણ આજુબાજુમાં જ હતા.ઓફિસ સમય દરમ્યાન બંને લગભગ સાથેજ જોવા મળતા.બંને જણા ચા-નાસ્તો, જમવાનું પણ લગભગ જોડે બેસીને જ કરતા હતા.સમગ્ર કંપનીમાં તેમને સૌ કેશવ-સુદામાની જોડી કહીને મજાક કરી લેતા. નારણ અત્યંત સામાન્ય ઘરનો હતો એટલે તેને નોકરી કરવા સિવાય અન્ય રીતે પણ પૈસાનું ઉપાર્જન કરવું પડતુ હતું. તે માટે તે પાર્ટ ટાઇમ અન્ય નોકરી કે પછી અન્ય સિઝનલ ધંધા પણ કરતો રહેતો.આનંદ તેની સ્થિતીથી વાકેફ હતો એટલે કયારેય તેને ખોટો ખરચ કરવા દેતો નહીં.ઓફિસ બાહર ચાય-નાસ્તા માટે જતા કે પછી કંપનીના અથવા પોતાના અંગત-પારિવારીક કામ માટે કયાંય પણ જતા તો આનંદ નારણને કયારેય પૈસા ચુકવવા દેતો નહી અને શક્ય હોય તો નાસ્તા સહિતની નાની મોટી વસ્તુ ખરીદીને નારણનાં બાળકો માટે મોકલાવતો. દિવાળી,ઉતરાયણ કે હોળી જેવા તહેવારોમાં નારણ ફટાકડા,પતંગ,પિચકારી-ફૂગ્ગા વગેરેનો ધંધો કરતો તો આનંદ હંમેશા તેની પાસેથીજ વસ્તુઓ ખરીદીને તેને મદદરૂપ થતો અને વધુમાં સ્ટાફનાં અન્ય સભ્યોને પણ તેની પાસેથીજ વસ્તુઓ ખરીદવા માટે આગ્રહ કરતો. આનંદ પોતે અમીર કે પૈસાદાર ઘરનો ન હતો પરંતુ નારણ કરતાં તે થોડો વધારે સમૃધ્ધ હતો અને કંપનીમાં સારો પગાર હોવાથી આર્થિક સમસ્યા ખાસ હતી નહીં વળી તેની પત્ની પણ સિલાઇકામમાં નિપુણ હોવાથી સારૂ એવું કમાતી હતી. આનંદનાં ત્રણ બાળકોનો સ્કૂલ ફી સહિતનો બધો ખરચો તેના પિતા વહન કરતા હતા એટલે તે બાબતે પણ તેને કોઇ તકલીફ ન હતી.લોકોને મદદરૂપ થવાના તેના સ્વભાવના કારણે તે મિત્ર નારણને આડકતરી રીતે મદદરૂપ થવામાં આનંદ અનુભવતો. બે દિવસથી નારણ થોડો બેચેન અને બેમૂડ રહેતો હતો.આનંદે તેની ઉદાસી અને બેચેનીનું કારણ પુછયું તો તે જવાબ આપવાનું ટાળવા લાગ્યો.પરંતુ આનંદ કારણ જાણવા માટે તેની પાછળ પડી ગયો તો નારણને મજબૂર થઇને કહેવું પડયું."તેના ઘરમાં વરસાદનું પાણી પડે છે તેથી ધાબુ ચોમાસા પહેલા આખુ ધાબુ ખોલીને રિપેર કરાવવું ખુબજ જરૂરી છે, અન્યથા વરસાદનું પાણી ઘરમાં પડશે અને તેના કારણે ભારે નુકશાન થઇ શકે છે." તેની સમસ્યા સાંભળીને આનંદે તેને નવી તકનીક મુજબ ધાબા પર કેમિકલ પથરાવીને સમસ્યાથી છુટકારો મેળવવાની સલાહ આપી. તો નારણે જણાવ્યું "આ કામ અગાઉ તે બે વખત કરાવી ચુકયો છે તેના કારણે પાંચ-છ વર્ષ તકલીફ ના પડી પરંતુ હવે તે પણ શક્ય નથી.સમગ્ર ધાબાના સાંધા ખુલી ગયા છે અને અંદરના સળીયા સાવ ખવાઇ ગયા છે,જેના કારણ ઘરની અંદર છતમાં મોટા ગાબડા પડી ગયા છે જેમાંથી સળીયા પણ દેખાવા લાગ્યા છે."આનંદે ધાબુ રિપેરીંગનાં કામના ખરચ વિષે પુછયું તો લગભગ લાખ રૂપિયા જેટલો ખરચ થવાનું નારણે જણાવ્યું.આનંદે નારણને કંપનીમાંથી લોન લઇને તે કામ કરાવી લેવાની વાત કરી તો તેના જવાબમાં નારણે કહ્યું " કંપનીનાં નિયમ મુજબ નોકરીનાં પાંચ વર્ષ નથી થયા એટલે લોન નહીં આપે".અંતે આનંદની સલાહ મુજબ નારણે પીએફની રિફંડેબલ લોન લઇને ધાબુ રિપેર કરાવવાનું નક્કી કર્યું.પરંતુ તેમાં પણ સમસ્યા આવીને ઉભી રહી.પીએફમાં જમા રકમ સામે મળતી લોન રકમ જરૂરત કરતા ઓછી મળતી હતી.તો બાકીની ખૂટતી રકમ માટે આનંદે તેની પાસેના શેર નો સોદો કરીને પૈસા ઊભા કરવાની વાત કરીતો તેમા સમસ્યાએ હતીકે તેની પાસે જે કંપનીનાં વધારે શેર હતા તેનો ભાવ પડતર કિંમત કરતા પણ ઓછો હતો.અંતે આનંદે પીએફ ની લોન લીધા બાદ ખૂટતી રકમની મદદ કરીને નારણની સમસ્યા દૂર કરી દીધી.
થોડા સમયબાદ નારણે તેની પાસેના શેરની સારી બજાર કિંમત મળતા તે વેચી દીધા.પીએફની લોન સહિત આનંદનાં નાણા ચૂકતે કરીને બેંક લોન લઇ કાયમી આવક માટે એક ઓટોરીક્ષા વસાવી લીધી.તે ઓફિસ જતા પહેલા સવારે આઠ થી દસ વાગ્યા સુધી રીક્ષા ચલાવીને આવક મેળવતો અને ઓફિસથી છુટયા બાદ તે થોડા કલાક રીક્ષા ચલાવીને વધારાની આવક ઉભી કરી લેતો જેનાથી રીક્ષાની લોનનો હપ્તો ચુકવાવામાં રાહત રહેતી.
00000 થોડા દિવસબાદ નારણે આનંદ સાથે અચાનક બોલચાલ બંધ કરી દીધી.આનંદને જયારે એ વાતનો અંદાજ આવ્યો કે નારણ આજકાલ તેનાથી દૂર દૂર રહેવા લાગ્યો છે અને બરાબર વાતચીત પણ નથી કરતો ત્યારે તેને નવાઇ લાગી અને લાખ વિચાર કર્યા બાદ પણ તેને નારણના બદલાયેલા વર્તનનો જવાબ મળ્યો નહીં. છતાં આનંદે મન મોટુ રાખીને નારણને તેની નારાજગીનું કારણ પુછયું તો તે ઉડાઉ જવાબ આપીને ચાલ્યો ગયો.થોડા દિવસ બાદ નારણે પોતાનીં બેઠકનું સ્થાન પણ બદલી નાખ્યુ. સ્ટાફના અન્ય સાથી કર્મચારીઓ દ્વારા આનંદે નારણની તેના તરફની નારાજગીનું કારણ જાણવાની કોશીશ કરી તો કોઇની પાસેથી તેને કારણ જાણવા ન મળ્યું,ઉપરાંત સૌએ નારણના આવા વર્તન પ્રત્યે નવાઇ દર્શાવી. થોડા સમય બાદ આનંદે નારણની બાબતમાં વિચારવાનું છોડી દીધુ અને પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો. થોડા દિવસો બાદ આનંદને તેની ઓફિસમાં તેનો એક જૂનો કર્મચારી અને મિત્ર અરૂણ પોતાના પીએફ અંગેના કામ માટે આવ્યો.અરૂણ પોતાનું કામ પૂર્ણ થયા બાદ સ્ટાફના સૌ લોકોને મળીને અંતમાં આનંદને મળવા ગયો.અરૂણ જયારે આ કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે નારણ અને આનંદ ત્રણે સારા મિત્રો હતા.અરૂણે નારણ વિષે આનંદને પુછયું તો નારણ બે દિવસની રજા પર હોવાનું આનંદે જણાવ્યું. આનંદ અરૂણને લઇને કેન્ટીનમાં જઇને બેઠો અને ચા-નાસ્તાનો ઓર્ડર આપીને વાતોએ વળગ્યા.વાતવાતમાં આનંદે અરૂણને નારણના વહેવાર વિષે જણાવ્યું.નારણની નારાજગીનું શું કારણ છે તેની પણ તેને જાણ ન હોવાનું અરૂણને જણાવ્યું. આનંદની વાત સાંભળીને અરૂણે આનંદને આ મુદ્દે તેનો ખાસ વાંક ન હોવાનું જણાવ્યું.તો અરૂણની વાતથી આનંદને ભારે નવાઇ લાગી. આનંદે અરૂણને પુછયુ “મારો વાંક ? આમાં મારો વાંક શું છે ? અને આ વાત તું કયા આધારે કહી રહ્યો છે ?” અરૂણે આનંદને જણાવ્યું “તારા અને નારણના કિસ્સામાં હું સમજયો છું ત્યાં સુધી મોટાભાગે તો નારણનોજ વાંક છે.જોકે આનંદ તારો પણ થોડો વાંક છે.” અરૂણની વાત સાંભળીને આનંદને ભારે આશ્ચર્ય થતા તેણે પૂછયું “અરૂણ એ તું કઇ રીતે કહી શકે ? જયારે તને આ મુદ્દે કશીજ ખબર નથી.” “મને થોડા દિવસ પહેલા નારણ મળ્યો હતો. હું મારી ઓફિસથી છુટીને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇને ઉભો હતો,તે દિવસે મને ઓફિસમાં થોડુ મોડુ થઇ ગયુ હતુ.બસ સ્ટેન્ડ પર નારણે રીક્ષા મારી પાસે લાવીને ઉભી કરી મને બેસી જવાનું કહ્યું અને મને ઘેર છોડી દેવાની વાત કરી.પરંતુ મેં તેને ના પાડી તો તે જબરદસ્તી કરવા લાગ્યો એટલે પછી હું જુઠ્ઠુ બોલ્યો કે મારે ઘેર નહીં અન્ય જગ્યાએ કામ છે મારે ત્યાં જવું જરૂરી છે.હું જુઠ્ઠુ એટલા માટે બોલ્યો કે હું તેને બેવડું નુકશાન કરાવવા માંગતો ન હતો.કેમકે જો હું તેની રીક્ષામાં બેસત તો તે મારી પાસેથી પૈસા ના લેત અને વળી તે મારા કારણે બીજા ગ્રાહક પણ ગુમાવવા પડત.પણ પછી તે મને જબરદસ્તી ચા પીવા ચાહની લારી પર લઇ ગયો અને તે સમય દરમ્યાન મને તારા વિષે ફરિયાદ કરી અને કહ્યું કે હવે તે તારી સાથે ખાસ વાતચીત નથી કરતો.” “પણ અરૂણ,નારણે મારી પાસે તો કશી ફરિયાદ કરી જ નથી.” “તે મને ખબર નથી આનંદ,પણ તેને તારા વર્તનથી ખોટુ લાગ્યું છે.” “ મારા કયા વર્તનથી?મેં તેની સાથે કશુંજ ખરાબ વર્તન કયારેય નથી કર્યું.” “ત્યારે સાંભળ,થોડા દિવસ પહેલા સાંજે કંપનીના કોઇક કામ માટે તુ ભાડાની રીક્ષા કરીને ગયો હતો?” “હા,અને ઘણી વખત કંપનીના કામ માટે મારે જવું પડે છે.” “સારુ,દિવાળીના દિવસે તારા પિતા અને માતા વહેલી સવારે દેવ-દર્શન કરવા ગયા હતા ત્યારે તેં તારા પિતા-માતા માટે રીક્ષા ભાડે રાખી હતી?” “હા,પણ આ બધા મુદ્દા સાથે નારણને શું લેવા-દેવા?” “છે,આ મુદ્દાઓ પરજ નારણને લેવા-દેવા છે.” “તેં આ બંને સમય દરમ્યાન નારણની રીક્ષાનો ઉપયોગ કરવાનો આગ્રહ કેમ ના રાખ્યો?” “ઓહ,તો આમ વાત છે.સાહેબને આ વાતોનું ખોટુ લાગ્યુ છે,એમને !” “હા,જોકે મિત્રના અધિકાર તરીકે તેનો મુદ્દો ખોટો પણ નથી આનંદ.” “તારી અને નારણની બંનેની વાતથી સંમત છું પરંતુ નારણે તેના કારણ જાણવા મારી સાથે વાત કરવી જોઇએ ને.” “એવા તો શું કારણ છે ? તુ મને તો જણાવી જ શકે છે.” “અરૂણ તેં કેમ તે દિવસે તેની રીક્ષામાં બેસવાની ના પાડી ? એટલા માટે કે મિત્રને નુકશાન ના થાય બરાબરને! મેં પણ એ વિચારીનેજ દિવાળીના દિવસે મારા પિતા-માતા માટે બીજાની રીક્ષા ભાડે રાખી હતી.જો હું તેને રીક્ષા લઇને આવવાનું કહેત તો તે મારી પાસેથી પૈસા ના લેત અને તહેવારના દિવસોમાં તે સવારની ચાર-પાંચ કલાકની ઘરાકી ગુમાવત તે અલગ.એટલે મેં મારા પિતા-માતા માટે બીજાની રીક્ષા ભાડે રાખી અને એ રીક્ષાવાળા ભાઇ લાંબા સમયથી મારા પિતા-માતાને દિવાળીના દિવસે દેવ-દર્શન માટે લઇ જાય છે એટલે તેમને મારાથી એકદમ ના પણ કેવી રીતે કહેવાય ?” “અને એક સાંજે ઓફિસના કામે ગયો ત્યારે તુ નારણની રીક્ષામાં કેમ ના ગયો ? તે સમયે તું નારણને ફાયદો કરાવી શકત કે નહીં?” “સો ટકા, હું તે દિવસે તેની રીક્ષા લઇ જવા માટે જ વિચારતો હતો અને મેનેજરને તે બાબતે મેં વાત પણ કરી હતી,પરંતુ મેનેજરે સ્પસ્ટ કહ્યું રીક્ષામાં જઇને કંપનીની શાખ બગાડવાની જરૂર નથી,અને ભવિષ્યમાં પણ કંપનીના કામ માટે કાર લઇનેજ જવા માટે કહ્યું.પછી હું શું કરી શકું”? આનંદની સ્પસ્ટતાથી અરૂણે થોડો સમય ખામોશ રહ્યા બાદ કહ્યું “આનંદ તારી વાત એકદમ સાચી છે,મેં તને કહ્યું જ હતું કે તારો વાંક નથી,કેમકે મને ખાતરી હતી કે ચોક્કસ કારણસર તેં આમ કર્યું હશે અને નારણની સમજશક્તિ,સ્વભાવ અને મર્યાદાઓથી તો આપણે વાકેફ છીએ જ,છતાં તેં હંમેશા મોટુ મન રાખ્યું છે તો આ વખતે પણ મોટુ મન રાખીને તેની ગુસ્તાખીને નજરઅંદાજ કરી દેજે. અરૂણ,આજે પણ તે નાદાનને હું મિત્ર તરીકે જ દેખુ છું.લોકો અમને ‘’કૃષ્ણ-સુદામા’’ની જોડી કહે છે તો પછી તેને પુરવાર તો કરવીજ પડે ને.અને મને ખબર છે કે તું હવે જઇને તેની ખબર લઇશ એટલે નારણને તેની ભૂલ સમજાશે પછી તે મારી પાસે આવશે અને કશું જ બોલ્યા વગર મારી જોડે જમવા બેસી જશે. અરૂણ,હું તે દિવસની રાહ જોઇશ.
સમાપ્ત