નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 15 Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 15


મિત્રો, સોપાન 14માં આપણે જોયું કે હરિતાની જેમ પરિતા પણ માનસિક રીતે હર્ષના નેજા હેઠળ આવી ગઈ. પરિતાને તેનો અભ્યાસ કરાવવાનું શરુ પણ થઈ ગયું. હરિતાને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ. તે હવે ઘેર આવી ગઈ છે. આજે શરદ પૂર્ણિમા છે અને પંદર દિવસ પછી આવશે દિવાળી. બેસતા વર્ષે આ ત્રણે પરિવાર જો કોઈ વિઘ્ન ન આવે તો યાત્રા-પ્રવાસ શરૂ કરશે. તો ચાલો આપણે જોડાઈ જઈએ આ નિર્મળ, દૂરંદેશી દ્રષ્ટિ ધરાવનાર ત્રિપુટી સાથે ...
સોપાન 15ની પાંખે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ...!!
સોપાન 15.

આસો સુદ પૂનમનો દિવસ એટલે શરદ પૂર્ણિમા. શરદપૂર્ણિમા એ શરદઋતુનું મનમોહક પર્વ છે. આ દિવસે રાત્રે નિરભ્ર આકાશમાં સોળે કળાએ ખીલેલો ચંદ્ર પણ માણવા જેવો હોય છે. ચંદ્રની આ શીતળ ચાંદનીમાં ચોખાના પૌવાને સાકર અને દૂધ સાથે ભેળવીને તૈયાર કરેલી તપેલીઓ ફ્લેટની અગાશીમાં મૂકવામાં આવી હતી. તેમાં ચંદ્ર પોતાની ચાંદનીનાં કોમળ કિરણોની ધાર કરી રહ્યો હતો. તો હર્ષ, હરિતા અને પરિતા તપેલીની આસપાસ બેઠા વાતો કરે રહ્યાં હતાં. કવિતા અને રુદ્ર એમની રમતમાં રત હતાં. એકાએક હરિતા ચંદ્ર પર નજર રાખી હર્ષને કહે, ...
"અરે ઓ પૂનમના ચંદ્ર તું આજે કેમ લાગી રહ્યો છે આ દિલથી વધારે રૂપાળો."
ત્યાં હર્ષ તેનો પ્રત્યુત્તર વાળતાં બોલ્યો ...
"ચાંદની થકી છે ચંદ્ર, ચાંદનીના હૈયાના તેજે રૂપાળો."
આ શાયરી ચાલતી હતી એટલે પરિતાથી ન રહેવાયું અને તે
બોલી ... "આજની આ ચાંદની વહેચાઈ ગઈ બે ભાગમાં, એક
વસી છે આભમાં, બીજી વસી છે આપમાં." આમ ત્રણે જણ મજાક મસ્તી કરી રહ્યાં હતાં.
એટલામાં ચેતનાબહેન અને સોનલબહેન બે મોટી
તપેલીઓમાં ગરમાગરમ બટેટાવડાં લઈને આવ્યાં. હર્ષ, હરિતા અને પરિતા નીચે જરુરી ચીજવસ્તુઓ તથા પાથરણાં લેવા ગયા. તેઓ બધું લાવ્યા અને સાથે સરસ્વતીબહેન આવ્યાં. દૂધ-પૌઆ અને ગરમા ગરમ બટેટાવડાંની મહેફિલની તૈયારી થતાં જ હર્ષ તેના પપ્પા, હરસુખભાઈ તથા રવિન્દ્રભાઈને બોલાવી લાવ્યો.
બધાએ આજની શરદ પૂનમની રાત્રિ મહેફિલમાં
ભોજન સાથે મન ભરીને શીતળતા ભરેલા પૂર્ણ ચંદ્રને માણી રહ્યા છે. આજની પૂનમની મિજબાનીની આ સફર પ્રેમીઓને પ્રેમમાં ઝૂલાવતી યાદગાર રાત પણ બની રહેવાની. ત્રણે પ્રેમી પંખીડાં દિલથી એકબીજાની મજાકનો આનંદ લઈ રહ્યાં છે અને જમી રહ્યાં છે. આમ આ શરદ મહેફિલ પર્ણ થઈ. સૌ સ્વપ્ને મઢી આ રાતને માણતાં ઊંઘી ગયાં.
આમને આમ દિવાળીની રજાઓ પણ આવી ગઈ. આજે 27 ઓક્ટોબર, ગુરુવાર. બે દિવસ પછી
દિવાળી પર્વ ચાલુ થશે જે ભાઈબીજ સુધી ચાલશે.
આ તહેવારોમાં દારૂખાનું ફોડવાની મઝા આવશે. તેની સાથે અવનવી વસ્તુઓ ખાવાની મઝા કંઈક ઔર જ આવશે. એમાંય નડિયાદનાં પ્રખ્યાત હાર્દિકનાં મઠીયાં અને ચોળાફળી ખાવાની મજા પણ આવશે. જો કે ચેતનાબહેને ઘેર જ મઠીયાં અને ચોળાફળી બનાવ્યાં છે, તે પણ હાર્દિકને ટક્કર મારે તેવાં. એ તો જે હોય તે, શરૂ તો થવા દો તહેવાર એટલે ખબર પડી જશે. મજા આવશે.
ત્યાં તો આવી ગઈ 29 તારીખ, વાધબારસ ...
આ દિવસે હરિતા અને પરિતા વહેલા ઊઠી ગયા.
તેઓએ તેમના ઘરના ઊંબરાનું પૂજન કર્યું. સ્વસ્તિક કરી દીવા કર્યા. પછી તે બંને હર્ષના ઘરે ભેગા થયા. તેમણે બજોઠ પર લાલ કપડું પાથરી માતા સરસ્વતીનું સ્થાપન કર્યું અને માતાજીની પૂજા કરી.
આ પછી હર્ષે સમજાવ્યું કે વાઘ નહીં પણ 'વાગ્' અર્થાત વાણી. આ દિવસે આપણે એટલા માટે માતા સરસ્વતીની પૂજા કરી કે તેઓ આપણી વાણી, ભાષા તથા બુદ્ધિ ભ્રષ્ટ થતી અટકાવે તથા આપણા આચાર અને વિચારને સારા રાખે. આપણા વિચારોને ઉન્નત બનાવે. સમજ પડે કે ના પડે તો પણ રુદ્ર અને કવિતા પણ આ પૂજા જોડાયાં હતા. પછી તો ચેતનાબહેને ત્રણે ઘરનો પ્રસાદ માતાજીને પાસે લાવીને મૂક્યો. ત્રણે પરિવારે એકત્ર થઈને માતા સરસ્વતીની આરતી કરી અને પ્રસાદ ધરાવ્યો.
આ પછી હરેશભાઈએ જણાવ્યું કે આજના આ દિવસને "ગૌવત્સ દ્વાદશી'ના તરીકે પણ મનાવવામાં આવે છે. આ નિમિત્તે ગાય તેમજ તેના વાછરડાનું પૂજન કરવામાં આવે છે. ગાયનો બીજો અર્થ થાય 'વસુ', તેથી આ દિવસ "વસુ બારસ"ને પણ કહેવામાં આવે છે. તેમણે આગળ વાત કરતાં જણાવ્યું કે એક માન્યતા અનુસાર એવી કથા છે કે ... એક રાજાને તેમની અમાનવીય વ્યવહાર ધરાવતી રાણીએ રાજાને વાછરડો રાંધીને ખવડાવ્યો. આ પછી તેને પસ્તાવો થતાં ગાય અને વાછરડાની પૂજા કરી.
ત્યારથી આ દિવસે ગાય અને વાછરડાની પૂજા થાય છે. વૈષ્ણવમાર્ગી ભાવિકો આ દિવસે ગાય તેમજ વાછરડાની પૂજા કરી તેમને અડદનાં વડાં ખવડાવે છે. આવી વાતોથી બધાને ઘણી મજા આવી.
આ પછી બધા જ હર્ષના ઘરે જ રોકાયા. શુભ તહેવારોની શરૂઆત અહીંથી થતાં આજ સવારની ચા તથા નાસ્તો અહીં જ ગોઠવાયો. દરેકને મોટા મગ ભરીને ચા તથા મઠીયાં, સુવાળી, ચોળાફળી, સેવ, ગાંઠિયા, ફૂલવડી, ભાખરવડી, ચવાણું, બિસ્કીટ વગેરે પિરસાયું. બધાએ ખૂબજ મઝા સાથે આજનો દિવસ માણ્યો.
વાક્ બારસ પછી આવી ધનતેરસ. આસો માસની વદ તેરસ ધનતેરસ. આ દિવસે ઘર, દુકાન તેમજ ઓફિસ શણગારી તેની આગળ રંગોળી કરવામાં આવે છે. વાઘબારસની રાત્રે હરિતા અને પરિતાએ પણ મોડા સુધી જાગ્યાં અને ત્રણે ફ્લેટનાં દ્વાર રંગોળીથી સુશોભિત કર્યાં. હર્ષ, હરિતા અને પરિતાની મમ્મીએ પણ આ કાર્યમાં છોકરીઓને પ્રોત્સાહન આપ્યું. સવારે બધા વહેલ ઊઠ્યા અને મા લક્ષ્મીનું પૂજા-અર્ચના કર્યું. હરેશભાઈ, હરેન્દ્રભાઈ તથા હરસુખભાઈ ત્રણે પોતપોતાની દુકાને તેમજ ઓફિસે ગયા. ત્યાં લક્ષ્મી પૂજા કરવામાં આવી.
બપોરે સૌ જમી પરવારીને હરસુખભાઈના ઘરે બેઠા બેઠા વાતો કરત હતા. દિવાળીના પ્રવાસ અંગે વાતચીત ચાલતી હતી. સૌ આનંદની મઝા માણી રહ્યા હતા. હરિતા અને પરિતા હરિતાના રૂમમાં જ હતાં. આ સમયે પરિતા હરિતાને હું આવું છું કહીને ઉઠીને ગઈ. હરિતાને એમ જ છે કે પરિતા તેના ઘેર ગઈ એટલે તે સૂઈ ગઈ. પરંતુ પરિતા હરિતાના ધરેથી સીધી હર્ષના ઘરમાં ગઈ.
હર્ષ ઊંઘી ગયેલો હતો પરતું પદરવનો સંચાર થતાં તે જાગી ગયો. તેને એવો ભાસ થયો કે પરિતા જ આવી હશે. આમેય પરિતા હર્ષ પ્રત્યે હવે ઢળતી જતી હતી અને ઉત્કટ લાગણી ધરાવતી થઈ હતી. હર્ષના ભાવવિશ્વમાં પણ પરિતા એક મૂર્તિ સ્વરુપે સ્થાપિત થઈ ચૂકી હતી. હર્ષને પણ પરિતાનો સ્પર્શ આનંદ આપતો હતો. તે તેને નિરાશ કરી શકે તેમ ન હતો, છતાં પણ મર્યાદા જાળવવા કોશિશ કરતો.
પરિતા તો આવીને સીધી જ હર્ષને બાઝી પડી અને ઉત્કટ આવેશમાં આવી રડવા લાગી. ધીમે ધીમે તે હર્ષ સાથે પકડ વધારે મજબૂત બાનવી રહી હતી જેથી હર્ષ પણ મુઝાતો હતો.. તે કેટલીય વાર સુધી તેની પીઠ પર હાથ ફેરવતો રહ્યો, સાથે સાથે મર્યાદાનું ઉલ્લંઘન ના થાય તેની કાળજી રાખતો. અહીં તો મુનિ બ્રહ્મચર્યનુ પાલન કરતા બેઠા છે તો સામે પરિતા રૂપી મેનકા તેનો તપો ભંગ કરાવવાનું પણ લઈને બેઠી છે. પરિતા એવું માને છે કે ભૂખ લાગે એટલે જમી જ લેવું જોઈએ. જ્યારે હર્ષ એ અલગ માટીનો છે. છતાં આ સ્રી ચરિત્ર આગળ ભલભલા હારી જાય ગયા છે ! જોકે હર્ષે સમજાવી પટાવીને તેના ઘણાં વખાણ પણ કર્યાં. તેણે આજની ડેરીમિલ્ક પરિતાના નામ પર કરી દીધી. બંનેએ એકબીજાને ખાધી ખવડાવી. પછી તો કાનાએ મીરાંને એક દીર્ધ ચુંબન દઈ તેને પરત મોકલી દીધી. હર્ષ ફરી સૂઈ ગયો.
થોડીવાર થઈ હશે એટલામાં તો બંને પરીઓ કિલ્લોલતી આવી પહોંચી, સાથે રાયવર માટે ચા અને નાસ્તો લાવી. હરિતા અને પરિતા રસોડામાં ગયાં ત્રણ પ્યાલા ચા અને ત્રણ ડીશ નાસ્તો તૈયાર કર્યો. ત્રણે ડાઈનિંગ ટેબલ પર બેઠાં. ત્રણેય જણે વાતો કરતાં કરતાં નાસ્તો કરતાં હતાં તે દરમિયાન હર્ષ તે બંનેને મનથી માપતો રહેતો હતો. તેના મનને કાંઈ સમજાતું નથી. તેના દિલે પણ બંને પ્રત્યેના આકર્ષણ સાથે એક અનેરી જ લાગણી પ્રગટ થતી જતી હતી. એક જ મ્યાનમાં બે તલવાર કેમ રાખવી તેનો સંઘર્ષ પણ.
એટલામાં ફોનની રિંગ રણકી એટલે હર્ષે ઉભા થઈ ફોન લીધો. કરમસદથી તેના મામાની દીકરી શ્વેતા નો ફોન હતો. હર્ષે તેની મમ્મીને બોલાવી ફોન આપ્યો. હર્ષનાં મમ્મી વાતો કરતાં રડી રહ્યાં હતાં. હરિતા અને પરિતા તરત દોડ્યાં અને ઘેર જઈ બધાને વાત કરતાં તેઓ બધા આવી ગયા. વાત જાણે એમ બની કે ચેતનાબહેનના આણંદ રહેતા મોટાભાઈ અને ભાભી વડોદરાથી આણંદ આવી રહ્યા હતા ત્યારે વઘાસી પાસે કાર અકસ્માત થયો હતો અને તે બંનેને પ્રમુખ સ્વામી હોસ્પિટલ, કરમસદમાં દાખલ કર્યા છે. બંનેની તબીયત ગંભીર છે.
હરેશભાઈએ ધડિયાળમાં નજર કરી તો ચાર વાગ્યાનો સમય થયો હતો. હરેશભાઈએ જવા માટે ચેતનાબહેનને તૈયારી કરવા કહ્યું. એટલે તરત જ રવિન્દ્રભાઈએ પણ સાથે આવવા તૈયારી દર્શાવી. હરેશભાઈની ગાડીમાં હર્ષ ને ચેતનાબહેન ગોઠવાયા તો રવિન્દ્રભાઈ સાથે સોનલબેન, સરસ્વતીબહેન, રુદ્ર અને કવિતા. બંને ગાડી કરમસદ જવા રવાના થઈ. અહીં સુરત રહી ગયા છે માત્ર હરસુખભાઈ, હરિતા અને પરિતા.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
આગળ શું થયું હશે! કેવી પરિસ્થિતિનું સર્જન થશે આ તો આવનારો સમય બતાવશે. ત્યાં સધી આપની રજા લઈ એ. અરે હા, આપનો અભિપ્રાય જરુર આપજો અને રેટિંગ પણ કરજો.
હવે મળીશું આગળ સોપાન 16માં.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ).
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐