આટલી મોટી રકમ ની ઑફર સાંભળી ને ભીખુભા ના આંખ ના ડોળા બહાર આવી ગયા હતા. મગજ કામ કરવાનું બંધ થઈ ગયું હતું અને વિચારો માં સરી પડ્યા હતા. ચપટી વગાડી ને શેઠ ભીખુભા ને વર્તમાન માં ખેંચી લાવ્યા અને કહ્યું " શું વિચાર્યું તમે, આ કેસ તમે ઉકેલવા તૈયાર છો? જો હા હોય તો મને કહો તો હું મારા ખાસ માણસ ચંદુ ને કહું તો તે તમારી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપશે." ભીખુભા ના મોઢા પર થોડો ડર દેખાતો હતો પ્રતીઉતર માં ભીખુભા એ કહ્યું " શેઠ મને થોડો વિચારવા નો સમય આપો હું તમને સાંજ સુધી માં જવાબ આપુ." શેઠ એ આ સાંભળતાં ની સાથે કહ્યું " હા મારે કોઈ ઉતાવળ નથી તમે કાલે જવાબ આપશો તો પણ ચાલશે, મારે એક જરૂરી કામ છે તો હું રજા લઉ અને તમે મને ફોન પર તમારો નિર્ણય જણાવી દેજો." આટલું કહી ને શેઠ ત્યાં થી જતા રહ્યા.
સાંજ ના સમયે ભીખુભા એકદમ સૂનમૂન થઈ ને બેઠા હતા એટલા માં તેમનો ખાસ મિત્ર બકુલ ત્યાં આવ્યો અને બોલ્યો " શું વાત છે આજે મારા જાસૂસ મિત્ર ના હોશ કેમ ઉડેલા છે?" આ સાંભળતાં જ ભીખુભા એ તેના પરમ મિત્ર ને તમામ વાત કરી. વાત સાંભળતા જ બકુલ બોલ્યો " ભાઈ, તું આવા બધા કેસ હાથ માં ના લે, જે તારાથી ઉકેલવા મુશ્કેલ હોય, તું ભૂત ની વાત કરે છે જ્યાં સુધી હું તને ઓળખું છું ત્યાં સુધી તું રાત્રે પણ ઘર ની બધી લાઈટો ચાલુ રાખી ને સુવે છે. તને ભૂત ની આટલી બીક લાગે છે તો કેસ કેમનો ઉકેલીશ? ના પાડી દે શેઠ ને કે આ કામ તારા થી થાય તેમ નથી." આવા શબ્દો સાંભળતાં ભીખુભા બોલી ઉઠ્યા " બકુલ્યા તું વાત તો સાવ સાચી કરે છે પણ તને તો ખબર છે ને કે આ કોરોના એ સાવ ધંધો ઠપ કરી દિધો છે, મારી પાસે અત્યારે કોઈ કામ નથી માટે આ કેસ હું હાથમાં થી જવા દઈ શકું તેમ નથી. શેઠ આ કામ કરવાની ખૂબ મોટી રકમ આપે છે જો આ અઢી લાખ નો ચેક." અઢી લાખ સાંભળતાં બકુલ એ ચેક જોવા હાથ માં લીધો અને આશ્ચર્ય થી બોલ્યો "શું વાત કરે છે તું?, આટલી મોટી રકમ, ભાઈ મને તો લાગે છે કે સાચે જ ત્યાં ભૂત હશે, તું શેઠ ને ના પાડી દે." ભીખુભા ગુસ્સા થી બકુલ ને જોતા બોલ્યા "બકૂલ્યા તારે મને હિંમત આપવાની હોય તેના બદલે તું મને વધારે ડરાવે છે. એક કામ કર ને તારી પાસે પણ અત્યારે કઈ કામ તો છે નહી તો તું પણ ચાલ મારી સાથે આપણે સાથે મળી ને કેસ ઉકેલીશું અને બંને અડધા અડધા પૈસા વહેંચી લઈશું, એમ પણ તને ક્યાં ભૂત ની બીક લાગે છે?" ભીખુભા નો પ્રસ્તાવ જ એવો હતો કે બકુલ તેને ના ન પાડી શક્યો અને થોડું વિચાર્યા બાદ તૈયાર થઈ ગયો. ભીખુભા એ પણ પોતાનો નિર્ણય બદલાઈ જાય તે પહેલાં શેઠ ને ફોન કરી દીધો કે તે કેસ ઉકેલવા તૈયાર છે અને તેની સાથે એ પણ જણાવ્યું કે સાથે તેનો એક મિત્ર પણ આ કેસ માં મદદ કરવા હવેલી એ તેમની સાથે જશે. આ સાંભળતાં શેઠ ની ખુશી નો પણ પાર ન રહ્યો અને કહ્યું કે કાલે જ તમે બંને હવેલી એ જવા તૈયાર થઈ જાઓ સવારે હું ગાડી મોકલી આપીશ જે તમને હવેલી એ પહોંચતા કરી દેશે. પરિસ્થિતિ એવી હતી કે ભીખુભા કેસ લેવા ન માંગતા હતા છતાં પણ મંદી માં લીધે મજબૂરી માં આ કેસ પણ હાથ માં લેવો પડ્યો પણ સાથે તેમને એક શાંતિ પણ હતી કે તેમનો મિત્ર બકુલ પણ તેમની સાથે આવવા તૈયાર હતો.