ભાગ : ૦૫
અને હું....?
જય.... જય... ( સ્મિત સાથે ) તમે પણ મને ખૂબ જ...
હા... બોલ
તમે પણ... જય...
આગળ કહો ને...
લાગણીવશ થતાં બંને એકબીજાની નજીક આવે છે,
કહો ને હારિકા....
જય... મને અહીં ખૂબ ગમે છે સૌ સાથે મમ્મી પપ્પા અને તમારી જોડે ખૂબ ખૂબ ખૂબ ગમે છે.
જય.... ચાલો હવે રાત બહુ થઈ ગઈ છે સૂઇ જઈએ...
ના....બેસો ને... આવો સમય નહીં મળે...
ના... જય... વધુ ના બેસાય... હવે રાત થઈ ગઈ મમ્મી પપ્પા રાહ જોતા હશે.
કોના આપણાં મમ્મી પપ્પા..?
જય... બહુ વાયડા અને મસ્તીખોર થઈ ગયા છો હો તમે. એમ કહી કમરે ચીંટિયો ભરી એ રૂમ બહાર જવા નીકળે છે.
ત્યાં જયદીપ તેનો હાથ પકડી નજીક લઈ આવે છે.
હારિકા.... હારિકા....
હા જય કહો ને
(બંનેના શ્વાસ જાણે હરણ ગતિ એ ચાલી રહ્યા છે, ધબકાર તો જાણે બંને એકમેકના ચોખ્ખા સાંભળી શકતા હોય એ હાલત રૂપે છે.)
હારિકા.... હું.. હું....
( એવામાં પવનને લીધે બારી ભણકાર કરે છે.)
અને વાત અહીં જ અધૂરી રહી જાય છે.
બંને વ્હાલથી બાથ ભરી સૂવા માટે પોતપોતાની રૂમમાં જાય છે.
બીજે દિવસે સૌ સાથે નાસ્તો કરી જુદા પડે છે.
માધવભાઈ કહે છે, " હારિકા... દીકરા અહીં જ રહેવા આવી જાવ ને..!! " ( હરખમાં સહજભાવ સાથે બોલાય ગયું..)
હારિકા કહે.... " શું..!!"
તરત જ જયદીપ કહે છે... એટલે હારિકા તમે આ રીતે આવતા રહેજો પપ્પા એમ કહે છે.
ફરી સાંજના સમયે હારિકાના ઘરે સૌ ભેગા થાય છે હજી જયદીપ આવ્યો ના હોય એ પહેલાં કિશોરભાઈ કહે છે, હારિકા..... હારિકા..... હારિકા
અરે પપ્પા શું થયું....??
કશું જ નહી હું તો પરીક્ષા લેતો હતો તું કેટલી જલ્દી આવે છે.... ( હસે છે) સાંભળ, મેં અને તારી મમ્મીએ એક છોકરો તારાં માટે જોયો છે. થોડાં દિવસો પછી એ લોકો અહીં તને જોવા આવશે.
આ સાંભળતા જ હારિકાનું મોં થોડું ઉદાસ થઈ ગયું પણ પપ્પા સામે હસતાં મુખે કહે સારું. પણ મનમાં એક
જ વિચાર કે હવે ઘરે કહી જ દઉં કે મને જયદીપ ગમે છે. આ વાત સતત તેના મનમાં ઘૂમરી ખાતી હતી. હારિકા રૂમમાં બેઠી બેઠી આ વાત ને લઈને ખૂબ ચિંતિત થવા લાગી અને ભાવુક થઈ રડવા લાગે છે એવામાં જયદીપ રૂમમાં આવી હારિકાને આ રીતે જોઈ અચાનક બોલી ઉઠે છે, "હારિકા... કેમ તું.." ત્યાં તરત જ હારિકા " હોઠ પર હાથ રાખી તેને ચૂપ થવા કહે છે અને આંસુ લૂછી કહે છે કંઇ નહીં...ચાલો અધૂરું લેખન પૂરુ કરીએ."
જયદીપ રૂમ આમ જ બંધ કરી તરત હારિકાની પાસે બેસી તેના આંસુ લૂછે છે સાથે પ્રેમભાવથી ગાલ પર આવેલ હારિકાના કાળા ભમ્મર કેશની ઘટાદાર લટને તેના કાન પાછળ કરતા કહે છે," કેમ રડો છો તમે.... મને નહીં કહો... "
ત્યાં તરત જ હારિકા લાગણીવશ થઈ જયદીપને આલિંગન કરી રડવા લાગે છે અને હીબકાં ભરતી ભરતી કહે છે.. "જય... જય... પપ્પા મમ્મી મારા માટે કોઈ છોકરો જોયો છે...."
આ સાંભળી જયદીપ પણ થોડા આશ્ચર્યચકિત થઈ જાય છે... પણ હિંમત રાખી તે કહે છે.. હારિકા તમે જોયો તે છોકરા ને...
ના.. જય, મને કોઈ ઇચ્છા નથી તેને મળવાની... મારે નથી કરવા લગ્ન તેની સાથે.
એકદમ નાની છોકરીની જેમ હારિકા રડતી રડતી જયદીપ જોડે નાદાન અને નિર્દોષભાવે વાતો કરે છે.
આ ઘટના સાંભળી બંને એ આજે તો નહિવત લેખન કર્યું અને બંને છૂટા પડયાં. જયદીપ ઘરે જવા નીકળી જાય છે. આ તરફ હારિકા પોતાની રૂમમાં પોતે થાકી ગઈ છે એમ કહી તરત જ ઉદાસ ચહેરે સૂઈ જાય છે. કિશોરભાઈ તરત જ માધવભાઈને ફોન કરે છે.
જયશ્રી કૃષ્ણ, માધવ ભાઈ...
જયશ્રી કૃષ્ણ.... જયશ્રી કૃષ્ણ.. કિશોરભાઈ કેમ છો?
જયદીપ આવ્યો.??
ના.. ના હજી નથી આવ્યો.
સારું લ્યો ત્યારે હવે સાંભળો.. હું અને હારિકાના મમ્મી જ્યારથી જયદીપ અહીં આવ્યો છે ત્યારથી લઈ હારિકા ત્યાં રોકાય એ બધી ઘટના માં અમને એક વાત સતત મનમાં આવી રહી છે કે અમારે તમારાં મહેમાન થવું છે.
આ સાંભળતા જ માધવભાઈ ખુશ થઈ જાય છે.
કિશોર ભાઈ, સાચું કહું મને તો દીકરી મળી જશે હો
માધવભાઈ તમને દીકરી અને મને દીકરો. ( બંને ફોન પર વાત કરતા કરતા હસે છે.)
માધવ ભાઈ એ તરત હારિકા માટે જે છોકરો જોવાનો હતો એ જયદીપ જ છે એ કહી આખી કહાની કહી દીધી કે તમારે પણ આ જ રીતે જયદીપને કહેવાનું છે.
ચારેય એ એકબીજાં જોડે વાત કરી ટૂંક સમયમાં સાથે મળી આગળનું સુંદર આયોજન નક્કી કરવાની વાત કહી.
ત્યાં જ જયદીપ ઘરમાં પ્રવેશે છે સૌ સાથે જમતા હોય છે એવા માં તેના મમ્મી કહે છે દીકરા એક છોકરી તારાં માટે જોઈ છે તારાં જેમ જ ભણેલી અને સુંદર એટલે આવતા રવિવારે તું હારિકાને ત્યાં લેખન માટે ના જતો આપણે મળવા જવાનું છે. (ક્રમશઃ)