[અસ્વીકરણ]
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
*******
ભાગ : ૧
છેલ્લાં થોડાં વર્ષોથી આ સાહિત્યની દુનિયામાં સક્રિય થયેલો જયદીપ હવે ટૂંક સમયમાં પોતાનું પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યો હતો. આમ તો સાહિત્ય અને કલાનો વારસો તેને લોહીમાં જ મળ્યો હતો. પોતાનાં વ્યવસાયિક વિષય ની સાથે રહી આ સાહિત્યની દુનિયા પણ તેના માટે ખૂબ મહત્વ ધરાવતી હતી.
જયદીપ એ નક્કી કર્યું કે તે પોતાના આગામી પુસ્તકમાં નવોદિત લેખકોની દસ રચનાનો સમાવેશ કરશે જેમાં પાંચ પદ્ય અને પાંચ ગદ્ય વિભાગીય રચના હશે. તેને સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા આ અંગે એક જાહેરાત રજૂ કરી થોડા જ દિવસોમાં તેના મેઇલ આઇડી પર ઘણા લોકોની કૃતિ સૂચિત માહિતી અનુસાર આવવા લાગી. એવામાં એક દિવસ તેને એક મેઇલ આવે છે. જેમાં લખ્યું હોય છે કે,
શ્રી.
જયદિપ એમ. શર્મા
નમસ્કાર,
આપના આગામી પુસ્તક પ્રકાશન અને નવોદિત લેખકોને પ્રોત્સાહન રૂપે એક પહેલ વિષય અંગે જાહેરાત દ્વારા માહિતી મળી જે વાંચી ખૂબ આનંદ થયો. આ કોરોના કાળમાં હું પણ લેખન કાર્ય કરી પોતાની અંદર રહેલી એ કલાને બહાર લાવી છું. જોગાનુજોગ આપણે એક જ શહેરના હોવાથી આપની વર્તમાનપત્રોમાં આવતી રચના અવારનવાર વાંચું છું. આપ જો સહકાર આપો તો હું આપની સાથે આ પુસ્તકમાં આપની એક સહાયક લેખક તરીકે મદદ કરી શકું જેથી મને વધુ લેખન વિશે કલમ ઘડાઈ જાય ને આપની સાથે પુસ્તક વિષય નું જ્ઞાન અને માહિતી મળે સાથે હું મારી એક રચના પણ પ્રકાશિત કરાવી શકું.
આપ જો તક આપો તો હું આપની સાથે સાહિત્ય વિષય સાથે રહીને ઘણું શીખી અને જાણી શકીશ.
આપના પ્રતિસાદની રાહ રહેશે.
આપની વિશ્વાસુ,
હારિકા જે. ચૌહાણ
હારિકા એ આપેલા ફોન નંબર પર જયદીપ એ કોલ કરી પ્રાથમિક જાણકારી લીધી અને એકવાર રૂબરૂ મળવાનું વિચાર્યું જેથી વધુ સારી રીતે આગામી આયોજન પર ધ્યાન આપી શકાય. બંને લોકો સાંજે પાંચ વાગે રાજવી કોફી પોઈન્ટ પર મળવાનું નક્કી કરે છે.
જયદીપ નક્કી કરેલા સ્થળ પર પહોંચી જાય છે એવા માં હારિકા નો ફોન આવે છે...
" હેલ્લો, જયદીપ તમે ક્યાં છો હું અહીં નક્કી કરેલ સ્થળ ની બહાર ઉભી છું." તરત જ જયદીપ એ કહ્યું કે હું અંદર છું અને મેં પ્લેન ગ્રે શર્ટ પહેર્યો છે આપ અંદર આવો.
દૂરથી આવી રહેલી હારિકા ક્યાં અસ્તિ રહેવાની હતી. કાળા અને ચમકદાર લાંબા કેશ, ઘઉંવર્ણી સુંદર નાજુક કાયામાં નમણો ચહેરો , કેરી ના ફાડા જેવી સુંદર મોટી આંખો, ગુલાબ ની પાંદડી તો ક્યાંયે ઝાંખી પડે એવા મોહક સ્મિત સાથે તેના મુલાયમ હોઠ, ક્રોસ બફ હેર સ્ટાઇલ માં એકદમ સિમ્પલ મેકઅપ સાથે એ નજીક આવી રહી હોય છે.
જયદીપ તમે જ ને...?
હા, હારિકા..... બેસો ને. શું મંગાવવું ચા કે કોફી..?
જયદીપ આપણે કોફી પીએ તો...
ઉત્તમ... ચાલો કોફી પીએ.
કોફી પીતા પીતા જયદીપ અને હારિકા એ પોતાના અભ્યાસ ક્ષેત્ર અને સાહિત્ય ક્ષેત્ર ની ખૂબ વાતો કરી. પ્રથમ મુલાકાત હોવા છતાં બંનેનો સ્વભાવ ખૂબ જ નિખાલસ, મળતાવડો અને લાગણીશીલ હતો એટલે જરા પણ એવું ના લાગ્યું કે પહેલી વાર મળતા હોય.
બંને પોતાની નોકરી કરીને સાંજે સાડા પાંચ વાગે હારિકાના ઘરે જ આગામી પુસ્તક પર કામ કરતા હતાં. હારિકા ના પપ્પા સરકારી કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતાં. એટલે ઘરનું વાતાવરણ ખૂબ જ સમજણ વાળું અને વિવેકી હતું. થોડો સમય પસાર થયો પછી તો જયદીપ ને હારિકા ના ઘરે દીકરાની જેમ જ માન આદર મળવા લાગ્યું સામે હારિકાને પણ જયદીપ ના ઘરે ખૂબજ આદર ભાવ મળતો.
દિવસો વીતતાં ગયાં હારિકા એક સહાયક લેખક તરીકે કામ કરતા કરતા એક ખૂબ ગાઢ મિત્ર રૂપે જયદીપ જોડે રહેવા લાગી. ઘણીવાર લેખનનું કામ એટલું ચાલે કે રાતે બાર વાગી જાય. હારિકા ના મમ્મી જયદીપ ને ત્યાં જ રોકી લેતા કે બેટા અહીં જ સૂઇ જાવ. સવારે નાસ્તો કરીને જજો.
એક દિવસ જયદીપ તેની ઓફિસ પર હતો એવાં માં હારિકાના મમ્મીનો ફોન આવે છે.
બેટા, જયદીપ... તારા માસા કોલેજ થી આવ્યા અને હજી રૂમ માં પ્રવેશ કર્યો એવા માં એમને ચક્કર આવ્યા અને એ પડી ગયાં છે બેટા મેં સીધો તને જ ફોન કર્યો છે. હારિકા ચિંતા વાળી છે જો તું આવી જા તો વધુ સારું.
જયદીપ ઓફિસે થી સીધો હારિકાના ઘરે જાય છે. સાથે ફેમિલી ડોક્ટર ને જાણ કરે છે
એટલે તે પણ ત્યાં પહોંચી જાય છે. ડોક્ટર તપાસ કરે છે અને કહે છે, ચિંતા જેવું કશું નથી વઘારે કામગીરી ને લીધે થોડી નબળાઈ અને લો બ્લડ પ્રેશર થઈ ગયું હતું. હું દવા લખી આપું છું એ લેશે અને આરામ કરશે એટલે એક - બે દિવસમાં એકદમ સારું થઈ જશે. જયદીપ ડોક્ટર ને બહાર છોડવા જાય છે અને સાથે સાથે દવા લઈ ને ફરી પાછો હારિકાના ઘરે આવે છે.
" મમ્મી, મને નથી કહી શકાતું... હું શું શહેર બહાર હતી.... જયદીપ ને બિચારા ને તમે દોડાવ્યા... એને પણ કેટલાં કામ હોય..." હારિકા તેના મમ્મી ને મીઠો ઠપકો આપતા કહે છે એવા માં જયદીપ ત્યાં પહોંચી જાય છે.
(ક્રમશઃ)