રામ તેરી ગંગા રાહુલ ઝાપડા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામ તેરી ગંગા










દિવાળીના એક દિવસ પહેલા ગંગા સાસરેથી પીયર આવી રહી હતી, ભાલકાંઠાના ખોરપાટા ગામડેથી સુરતના એક સારા ઘરમાં તેનું સગપણ કરીને પીતાએ દિકરીને સાસરે વળાવેલ. ગંગાના પતી મોહનને મુંબઇમાં દરીયાકાંઢે નોકરી હતી એટલે પતીપત્ની મુંબઇમાં જ રહેતા, આથી ખોરપાટે આવવાનો સમય બહું ન મળતો, પણ એક વર્ષ થઇ ગયું હોવાથી ગંગાએ પતી મોહન સામે જીદ કરી અને દિવાળીના પર્વ પર બન્ને ખોરપાટા બે દિવસ રહેવા આવતા હતા.

શહેરના માર્ગેથી રસ્તો ખોરપાટાના રસ્તે વળ્યો અને ગંગાને પોતાના ગામની મહેક આવવા લાગી. ખેતર અને વગડો તેને પોતાની તરફ બોલાવા લાગ્યો. ધીમે ધીમે વાતો વાયરો તેને મદહોશ કરવા લાગ્યો અને તે ઉદાસ થવા લાગી.


*****



શહેરના ઝાકમઝોળથી દુર રહેતું ભાલકાંઠાનું સુંદર અને રડીયામણું ગામ એટલે ખોરપાટા, ગામના માયાળું લોકો અને તેમની જીવનશૈલી પણ એવીજ સુંદર. ભીલ જાતીનું પ્રમાણ ધરાવતું ગામ અને તેની સુંદરતા પણ કંઇક અલગ જ! આવા જ એક ભીલ પરીવારના ઘરે પરીવારના લોકો રોજ કરતા કંઇક ઉતાવળથી જ ઘરકામ કરી રહ્યા હતા,

"હેડ ઝટ કર.. જવાન થય જઇ તોય હજી એવીન એવી જ રહી આ સોડી... હાવ ટાઢી બોર જેવી સુ..." આજે ગંગાને છોકરા વાળા જોવા આવાના હોવાથી ગંગાની માતા કંકુબા ઘર માથે લઇને ફરતા હતા. ઘરના બધા લોકો તૈયારીમાં લાગી ગયા હતા, હમણા જ છોકરાવાળા આવી જશે અને આવું જોશે તો!!! ગંગાની ભાભી ઝમકુ નાનુ બાળક લઇને કામ કરતી, તેને પણ બેસવાનો વિસામો ન હતો, પોતાનાથી થતી બધી જ મહેનત તે કરી રહી હતી. રાવજીભાઇ સવારમાં વહેલા ઉઠી ઢોર ઢાંખરનું કામ પતાવી શહેરમાં હટાણું લેવા જતા રહ્યા હતા.

"ઝટ કરોને ગંગીબુન... પસ બા તમન નઇ પણ મન વઢસે..." માથાનો ચોટલો ગુંથવા ઝમકુ કાચકો ગોતતી હતી અને ગંગાને સમજાવતી હતી પણ ગંગા મેડીની પછીતની બારીથી પાછળની શેરીમાં આવેલ દિવાળીબાના ઘરને ટગીટગીને જોતી હતી. દિવાળીબા આંગણામાં બાંધેલ બકરીને બે રૂપીયાની વેચાતી લીધેલ ગદબ (એક ઘાસ) નાખી રહ્યા હતા અને જાણે શીખામણ આપતા હોય તેમ પોતાના હાથ હલાવીને સમજાવી રહ્યા હતા.

ભાભી પાસે વાળ ઓળાવી ધબકતા હૈયે ગંગા ઘરેથી કોઈ જોવે નહી તેમ પાછળની શેરીએ પહોચી, તે દિવાળીબાના ઘરે પહોચે એ પહેલા ટપાલવાળો ભાઇ તેમને ટપાલ આપી રહ્યો હતો, દોડતા પગે તે તેમની નજીક પહોચી અને ટપાલી ટપાલ વાંચે એ પહેલા જ ત્યા પહોચી ગઇ,

"લાઓ ભૈ, તમ તમાર જાઓ... હું એમન વાચી આપીસ હો...."

"ભલ ગંગીબુન... તાણ હું જઉ..." એટલું કહી ટપાલી ચાલ્યો ગયો.

દિવાળીબા ગંગાને જોઇ રહ્યા હતા, સજીધજીને તૈયાર થયેલ દિકરીને જોઇ મખણા લીધા અને આંખોની પાંપણ ભારે થઇ ગઇ, ઓજલ મીચાવતા જ ખારા પાણીની બુંદ નીચે ન પહોચતા તેમા જ ફસાઇ રહ્યું. હાથના ઇશારેથી દિકરીને સમજાવતા અને કંઇક કહેવા માંગતા હતા કે ચીંતા ના કર, સૌ સારા વાના થશે અને સારો દિવસ આવશે..

ગંગાના હાથ ધ્રુજતા હતા એક તરફ કાગળ તો બીજી તરફ ચારે બાજુ નજર ફેરવથી ગંગાને ચીંતા હતી કે કોઇ જોઇ ન જાય, નહી તો હતી ન હતી થઇને રહેશે. બોલી ન શકતા દિવાળીબા પરીસ્થિતી સમજી ગયા અને ગંગાને ઘરમાં આવવા જણાયું. ગંગાબાના હાથના ઇશારાને જો કોઇ સૌથી સારૂ સમજતું તો તે ગંગા જ હતી. કઅગળ ખોલવાની પણ તેને હિંમત ચાલતી ન હતી, શું લખ્યું હશે? સારુ તો હશે ને!! આવશે તો ખરો ને!! એવા કેટકેટલાય વિચારો તેને આવવા લાગ્યા. દિવાળીબાએ તેને હિમ્મત આપી અને કાગળ ખોલી ધબકતા હૈયે વાચવાનું કહ્યું.


"જય શ્રી કૃષ્ણ...

બા, તમે સારા હશો એવી આશા સ મન... આમ તો દિવારી પરની મારી રજાઓ મંજુર થઇ જઇ હતી અન તમન બધાન મલવા ઘેર આવાનો જ હતો. તમે ચીંતા ન કરતા, જે થયું સ એ બધું હુ જાણુ સુ અન હું તમન કહુ શુ ક એ માની જશે અને માર વાત પર વિસવાસ કરશે. જેવી રજાઓ મલશે ક તરત આવીન રાવજીકાકાના પગે પડીને તેમને હું મનાવીશ અન પારકા બની જયેલને પોતાના મુ કરી લેવાનો. પણ અમારુ કાય નક્કી ના હોય બા, આમ અચાનક જ સરહદ પર દશ્મન દેશે આપણા દેશની દિવારીને હોરીમાં બદલવા રાસી કામ કરીયા અન અમન ટેનીગ વારાની પણ રજાઓ કેન્સલ કરી નાખી. તમને મલવાની, પેલી જાવલીન(ગંગાને તે જાવલી કહેતો ) મળવાની અને એન તારા ઘરનું પાણી ભરાવાના બહું કોડ સ અન એ કોડ હુ પુરા કરીશ. જે થયું એ કદાચ ભગવાન ઇસતો હશે, બા તું એને એકવાર મનાવજે કે મારી વાટ જોવે અને રાવજીકાકાને પણ મનાવજે...

અહિ બધું ઠાળે પડતા જ ઝટ આઇશ... તમારા રામલાને તમારી બહુ યાદ આવે સે...

ભારતમાતાની જય

તમારો
રામ


કાગળ વાંચવાનું પુરુ થતા જ ચારે આંખો જે કેટલાય સમયથી રામની રાહ જોઇ અને સારા દિવસની વાટ જોતી હતી તેની પર પાણી ફરી વળ્યું. માની આંખો દિકરાને જોવા અને જે કામે બહા છે એ વાત સતત તેમને ડરાવતી. એકનો એક દિકરો ખોઇ બેસવાનો તેમને ભય હતો.

"બા... હવ મારુ સુ???" એટલું કહી ગંગા જાણે નોધારી થઇ ગઇ હોય તેમ દિવાળીબાના કંધે માંથુ મુકી રડવા લાગી. દિવાળીબાને વાચા ન હતી પણ તોય ઘણું કહેવું હતુ, માથે હાથ મુકી દિકરીને થાબળતા રહ્યા પણ તેમને આશ્વાસન આપનાર કોણ? ઝમકુ મેડીએથી નણંદ અને દિવાળીબાને જોઇ રહી હતી, તેની આંખોમાં પણ ઝરમરીયા આવી ગયા. દિવાળીબાને ગંગા કોઇ બીજાની થાય એ પોસાય તેમ ન હતું પણ રાવજીભાઇની ઝીદ આગળ કોનું ચાલે? અને જે બન્યું હતું ત્યારના તો બન્ને ઘર વચ્ચે જોવાનાય દિવસ રહ્યા ન હતા ત્યા સમજાવાની તો વાત જ શું કરવી?

ગંગાને છાની રાખીને દિવાળીબાએ ઘર તરફ તેને મોકલી અને પોતે દિકરાના ફોટાને જોઇ મનને હળવું કરવા લાગ્યા.




****



શહેરની અંદર આવેલ શાળાના પટ્ટાવાળાની નોકરી કરતા દાળજીભાઇ સ્વભાવે ખુબ સારા વ્યક્તી તો શાળાની બહાર એકખુણાંમાં નાનકડો ગલ્લો ધરાવતા રાવજીભાઇ પણ તેમના જેવા જ માયાળું અને કોઇનું દુ:ખ જોઇ ન શકતા. દાળજીભાઇ પોતાનું વતન છોડી રાવજીભાઇના ગામ ખોરપાટમાં આવીને વસવાટ કર્યો. દાળજીભાઇના કુટુંબમાં કોઇ ન હતું એટલે રાવજીભાઇના પિતાએ તેમના સાસરીમાં એક સગાની દિકરી દિવાળી જે મુંગી હતી તેમની સાથે દાળજીને ઘરગ્રંથીએ જોડ્યા. સમય વિતતા દિવાળીબેન અને દાળજીભાઇના ઘરે એક દિકરો જનમ્યો, આ દિકરો એટલે રામ. આ બાજુ રાવજીભાઇના ઘરે એક દિકરા વિરમનો જન્મ થયો અને ત્યાર બાદ દિકરીનો જનમ થયો જેનું નામ રાખ્યું ગંગા. ગંગાના નામકરણના દિવસે જ રાવજીભાઇએ દિકરી ગંગાનો હાથ દાળજીભાઇના દિકરા રામના નામે કરી નાખ્યો, આમ આ મીત્રતા વેવાઇમાં બદલાઇ ગઇ.

રામ અને ગંગા સાથે જ મોટા થતા ગયા, રામ ગંગા કરતા બે ત્રણ વર્ષ મોટો હતો. સાથે જ ભણવા જતા અને રમતા, આમ ને આમ તેઓ મોટા થતા ગયા.

એક દિવસ સાંજે શાળા છુટતા દાળજીભાઇ નોકરીથી ઘરે આવતા હતા, રાવજીભાઇ બીમાર હોવાથી એ દિવસે ગલ્લે ગયા ન હતા. દાળજીભાઇ પોતાની ધુનમાં સાયકલ લઇને આવતા હતા કે રસ્તાં પંક્ચર પડ્યું, ફટાફટ પોતાની સાથે રાખેલ સામાન વડે પંક્ચર કરી તેઓ ગામ માર્ગે આગળ વધ્યા. સાંજ ધીમે ધીમે યૌવન માંથી ઢળતી જતી હતી અને રાતનો જન્મ થતો જતો હતો. ગામના સીમાડે પહોચવાની બસ નજીક જ હતા કે રાતના અંધારાને કારણે પાછળથી આવતી સરકારી બસના ડ્રાઇવરે બસને જોયા વિના જ સાયકલ સાથે ભટકાળી દિધી. સાયકલ સાથે જ દાળજીભાઇ બસ નીચે આવી ગયા અને તેમનું માંથુ બસના ટાયર નીચે છુંદાઇ ગયું. કોઇએ વિચાર્યુય નહી હોય અને આ હસતા ખેલતા પરીવારનું એક પંખી છીનવાઇ ગયું, દિકરા અને પત્નીને નોધારા મુકી તેઓ ચાલ્યા ગયા.

મુંગા દિવાળીબા અને રામનો કોઇ સહારો ન રહ્યો, રાવજીભાઇ તેમની જરૂર પડે મદદ કરતા પણ સ્વાભિમાની દિવાળીબા માનથી તેમને ના પાડતા. દિવાળીબા મજુરીકામ કરતા અને પેટે પાટા બાંધી દિકરાને ભણાવતા. રામ અને ગંગા મોટા થતા ગયા અને હવે તેઓ સમજણા પણ થઇ ગયા હોવાથી સાથે રમવાનું ટાળતા. બન્ને વચ્ચે સંબંધના તાર મજબુત થતા જતા હતા અને વડીલોએ કરેલ સગપણ દિલથી પણ મજબુતીના તાતણે બંધાતું જવા લાગ્યું.

ગંગા મેડીએથી રામના ઘરને જોઇ રહેતી તો બહાર ઢાળેલ ખાટલા પર લેશન કરતો રામ પણ ક્યારેક ક્યારેક ડોક ઉંચી કરીને ગંગાને જોઇ લેતો. બન્ને વચ્ચે જો જોવાનું કોઇ માધ્યમ હતું તો તે હતી આ પ્રેમભરી બારી.



"હેડને અલી ગંગુડી.. પસ મેળે જવાનું મોડુ થૈ જાસે..." ગંગાની બહેનપણી લીલી તેને તૈયાર કરીને જલદી મેળે જવા માંગતી હતી પણ જલદી તૈયાર થાય એ થોડી ગંગા!! લાલ ઘાઘરીને લીલા રંગની ઓઢણી, મોરભાતનું કાપડુને સુંગંધીદાર તેલ નાખી સરસ મજાનો ચોટલો વાળી યૌવનના પગથીયે ચડતી ગંગા આજે કામણગારી પુતડી લાગતી હતી. જ્યારથી યુવાન થઇ છે ત્યારના ગામના જુવાનીયાની નજરે તેને પામવાની ગાંડી ઘેલસા લાગેલ. રામ પણ ચોરી ચોરી તેને હમેશા જોયા કરતો, ઘણા સમયથી તેઓએ વાત પણ કરી ન હતી. રામને પણ મુછનો દોરો ફુટી ગયો હતો અને તેની કાયા પણ એક પુરુષ જેવી બનતી જતી હતી, કદમાં તે સહેજ ઉંચો અને રંગે ઘંઉવર્ણો આ બાંકો જુવાન ગામની છોકરીયોના હૈયે રાજ કરતો હતો.

મેળામાં આવેલ બંગડીયુની દુકાને ગંગા પોતાની સહેલીયો સાથે મળીને ભાતભાતનીને જાતજાતની વસ્તુઓ જોતી. કોઇ લીલી તો કોઇ લાલ બંગડીયું મુલવાવતું પણ ગંગાની નજર તો સામે ઉભેલ રામમાં પરોવાયેલ હતી. કંઇ ન બોલતા બન્ને પંખીડા દિલથી એકબીજાની વાતુ કરી રહ્યા હતા. રામ ઘણી હિંમત કરીને એ દુકાન નજીક આવ્યો,

"હુ મુલાવો સો... કહો તો કંઇક લઇ આલુ!!" રામે ધીમા સાદે કહ્યું.

શરમાતા ચહેરે ગંગા ઉંધી ફરી ગઇ, શરમથી તેના ગાલ રાતા ચોળ થઇ ગયા. બાજુમાં ઉભેલ લીલી આ બધુ સાંભળતી હતી અને મલકાતી હતી તો રાધાનો તો કાળજા કપાઇને વેર વિખેર થઇ જતો.

"કે ને અલી.. આટલું પેમથી કે સ ન તું નચરી શરમાય.. બરી..." લીલીએ કહ્યું.

"જા ભુડી.. તુય સુ નાટેક કર..." ગંગાએ લીલીને પીઠ પર મારતા કહ્યું.

"એ... રામલા.. જા અઇથી.. એન કૈ નૈ લેવું.." લીલી રામને આંખ મારતા કહ્યું.

ગંગા આટલુ સાંભળતા જ ફરી અને જતા રામનો હાથ પકડી લીધો, ઓંચીતા પકડેલ હાથનો સ્પર્ષ બન્નેના છેક હૈયે જઇને અથડાયા.


"ઇનુ તો માર કૈક કરવુ પડસે હો... આ મારા બાપની બીક ના હોત ન તો ચે દાળાનું ઇન કાસર મેં કાઢી નાસ્યું હોત..." દેશીદારૂની પોટલી પીતા વિરમ બોલ્યો. ગુસ્સા અને દારૂના મિલનથી રાતીચોળ આંખે તેજ તણખા વરસતા હતા. વિરમને મન રાધા વસેલી, કેટલીયવાર તેણે ખેતરે અને પાદરે રાધાનો હાથ ઝાલી પોતાના પ્રેમનો ઇજહાર કરી ચુકેલો પણ આ ગોરી રાધા પોતાનું હૈયુ રામને દઇ બેઠેલ. આ કારણથી તેણે ક્યારેય વિરમનો પ્રેમ સ્વિકાર્યો જ નહી.

"ઇ તો સમય આવે બધુય થાય ભેરૂ... લે તું આ પેમનો પીયાલો પી..." વિરમના દારૂડિયા મીત્ર વાલજીએ દારૂ આપતા પાનો ચઢાવ્યો. આમ તો વાલજીને મન પણ રાધા વસી ગયેલ પણ કોઇને કહેતો ન હતો.

"હેડો હેડો પસ મેરે જવાન મોડુ થી જાય.." એટલુ કહી દારૂડીયા ટોળકી ઊભી થઇ અને મેળે જવા નીકળી.

"ઇની તો આદત સ આમ કરવાની... " એટલું કહીને ગંગાએ રામનો હાથ મુક્યોને લીલીએ ખુંખારો ખાતા રાધાને કોણી માણી. રાધા પણ જાણે ખુશ હોય તેમ બધાની ખુશીમાં પોતાનું મન પરોવા લાગી.

"તો બોલો શું લેસો?" રામે ગંગાની આંખોમાં આંખો પરોવતા કહ્યું, આજે ગંગામાં તેને બાળપણની કોઇ સખી નહી પણ એક કામણ પાથરતી કાચની પુતળી નજરે આવતી હતી. જુવાનીના કમાડ ખોલતી ગંગાની ઉભરતી કાયાને તે આજે આમ પ્રથમવાર નીહાળી રહ્યો.

"તુ કે'ન.. તુ જે કૈસ એ લૈસ.. બહ"

ગંગાના આ વાક્યએ રામને તનમનથી જગાડી દિધો અને દુકાનની ચારે બાજુ પોતાની નશીલી આંખો દોડાવા લાગ્યો. મનના મોરલા મન મુકીને નાચવા લાગ્યા કે હૈયાની પ્યારી ઢેલડી માટે શું લે? બંગડી, ચુંદડી, હાર, વિંટી, શણગાર... પણ કયો શણગાર લઉ?? આ બધી ગુંચવણ વચ્ચે રામની નજર સામે જ પડેલ એક ખાના પર પડી. ખાનામાં પીત્તળની કેટલીય ડોડીયો (ગળામાં પહેરવાનું એક નાનુ ગોળ આકારનું બોક્ષ જેવું ઘરેણું.) હતી. ફટાક કરતી બે ડોડીયો રામે ઉઠાવી લિધી અને દુકાનદાર જોડેથી બે કાળી દોરીયો લઇ એક એક ડોડી એ દોરીઓમાં પરોવી દિધી.

"લે તાણ આ એક તારા હાટુ ન એક માર હાટુ, પેરીલે તાણ.. આ મેરો યાદ રાખજે... મારુ દલડુ આન અંદર પુરી ને તન આપુશું..." એટલુ કહી રામે ડોડી ગંગાના હાથમાં આપી. રાધાનીય ઇચ્છા હતી કે રામ એક દિવસ લગ્નની માળા તેના ગળે નાખે પણ આજે આ દ્રશ્ય જોઇ તેની આંખે ઝરમરીયા આવી ગયા.

"તે હાથમાં શી કામ આપે.. ગરે જ પેરાઇ દેન..." લીલીએ અટહાસ્ય કર્યું અને રામે પણ મોકો ન છોડતા ગંગાના ગળે એ ડોડી પહેરાવી દિધી. આજે મેળો રામ અને ગંગા માટે કંઇક અનેરો રંગ પાથરતો હતો. પણ કહેવાય છે ને કેટલીક ખુશીયો બાદ દુ:ખના પોટલા માટે પડ તૈયાર રહેવું પડે છે. ખબર નહી આ પ્રેમી પંખીડાની સફર પણ કુદરત કેટલે લઇ જશે??


મેળો એની ચરમસીમાએ પહોચ્યો હતો અને આ પ્રેમીપંખીડા ક્યારેક દુકાને તો ક્યારેક ચકડોળે મોઝ કરતા હતા. સુંદર ચાલતી આ સફર વચ્ચે જ વિરમ આવી પહોચ્યો અને તેની નજર રામ-ગંગા પર પડી. બન્નેને આમ સાથે જોઇ તેના અંગ અંગથી ગુસ્સો ઝરવા લાગ્યો અને આટલું પુરતુ ન હોય તેમ વળી બાજુમાં રાધા પણ દેખાઇ ગઇ. વિરમનો પારો સાતમા આસમાનને પણ વટાઇ ગયો અને માકડાનો ખેલ જોતા રામને પાછળથી પકડીને ખેચ્યો,

"ભર્યા મેરે તું આમ માર બુન જોડે ઉભો રે સે.... તન થોડીય લાજ નૈ આપી તારા બાપે..." એટલું કહી રામને ધક્કો માર્યો. અચાનક થયેલ હુમલાથી રામને કંઇ સમજાણું નહી, તોય આ નવલોહીયા રામને બરાબરનો ગુસ્સામાં આવી ગયો અને લડત આપવા તૈયાર જ હતો,

"વિરમભઇ... કોઇ પારકી બઇ જોડે નઇ ઉભો... તમેય તાણ થોડી મરીયાદા રાખો નઇતો પસ..."

"નઇતો પસ શુ?? નઇ તો શું અલા બાયલા??" રામ અને વિરમ વચ્ચે ઝઘડો વધી ગયો, ગંગા પણ ઘબરાઇ ગઇ અને બુમાબુમ કરવા લાગી. બન્ને એકબીજાને બાથે પડી ગયા, વિરમે તો દારૂ પીધેલ એટલે નશામાં બહુ જોર ન ચાલ્યું અને રામ તેની ઉપર ચડી ગયો. મેળામાં આવેલ સમજુ લોકોએ બન્નેને અલગ કર્યા અને મામલો ઢાળે પાડ્યો.

વિરમને રામ દિઢ્યોય પસંદ ન હતો પણ શું કરી શકે? બાપ સામે પણ ઘણી વખત વિરમને ઝઘડો થઇ જતો પણ રાવજીભાઇ સામે થોડી ચાલે? આમને આમ સમય વિતતો રહ્યો, રામ રોજ શહેરમાં ભણવા જતો અને સારા માર્કે પાસ થતો જતો. દારુની લતના કારણે રાવજીભાઇએ જલદી વિરમના વિવાહ કરી નાખ્યા.રાધાનો પ્રેમ પણ અધુરો રહી જતા તેને પણ તેના બાપુએ વાલજી સાથે તેના હાથ પીળા કરી નાખ્યા. રામ અને ગંગા દર વર્ષે મેળામાં જતા અને એ દુકાનેથી પીત્તળની ડોડી ખરીદતા અને પોતાના પ્રેમને મજબુત તાતણે બાંધતા જતા. રાવજીભાઇ પણ હવે રામનું બારમું પુરુ થતા રામ-ગંગાના લગ્નનું વિચારવા લાગ્યા. સમય બહુ દુર ન હતો બન્ને પ્રેમી પંખીડાને એક થવાનો.

"લા આ રાધા મારા રૂદિયાની રાણી હતી ને એણે મન પ્રેમ ના આપ્યો, અન આજ જો એ તારી બનીને રહિ જઈ.." દારૂ પીતા પીતા વીરમે વાલજીને કહ્યું અને વાલજીનો પારો ચડી ગયો.

"વીરમીયા... થોડુ સંભારીન બોલ... એ માર ઘરવારી હ..."

"તાર ઘરવારી પહી એ પેલા મારી પેમીક..."
આવી રોજ રોજની ઘટપટો અને અપમાનને કારણે હવે તેમની વચ્ચે પણ વેર વધવા લાગ્યું. આ બાજુ રામ પણ બારમુ પાસ કરીને શહેરના મીત્રોની સલાહથી સરકારી અને બીજા ખાતાઓમા ફોર્મ ભરવા લાગ્યો અને પરીક્ષાઓ આપવા લાગ્યો.

સાંજનો સમય હતો, સંધ્યા સોળેકળાએ ખીલીને બપોરના તાપને મારતી જતી હતી, રાતા થતા સુરજનું રૂપ ખુલ્લા ખેતરેથી જોવા લાયક લાગતું હતું. લાંબા પગલે કાચા માર્ગેથી દોડી આવતા રામ પર ગામ નજીક છાણા વિણતી ગંગા અને તેની સહેલીયોની નજર પડી. ગંગાને સમજાણું નહી કે રામ કેમ લાબા પગલે ઘરે જતો હતો? છાણા વીણી બધી સહેલીયો ગામ તરફ વળી અને પોતપોતાના ઘરે ચાલી. છાણા મુકી ગંગાએ ભાભી પાસે પાણી માગ્યું અને પાણી પીવે એ પહેલા તો કેટલા જુવાનીયાનુ ટોળુ તેમના ઘરની ખડકીમાં આયું. આગણાંમાં પહોચી તેમણે ધોળી પસેડી નીચે મુકી અને ભાભી-નણંદના મુખેથી કારમી ચિસ નીકળી ગઇ.

ખેતરમાં કોઇ અજાણ્યા દુશ્મને વિરમને મોતના ઘાટે ઉતારી દિધો હતો. તેના અંતિમ સંસ્કાર પતાવી બીજા દાડે પંચાયત બેસાડાઇ. કોઇને કંઇ ખબર ન હતી કે કોણે આ કામ કર્યું? કેટલીક છોકરીયોએ રામ તરફ આંગળી ચીંધતી હતી, તેઓએ રામને ત્યાથી ભાગતા ભાગતા ઘરે આવતા જોયો હતો જેની શાક્ષી ખુદ ગંગા પણ હતી.

દિવાળીબાના પગ નીચેથી જમીન ખસી ગઇ જ્યારે આ વાત તેમને જાણી, દિકરો ખોવાનું જેટલું દુ:ખ રાવજીભાઇને હતું એથીય વધું ગુસ્સો તેમને થનાર જમાઇ પર હતો. પંચાયતે રામને બોલાયો અને આખી વાત જાણવાની કોશીશ કરી જેમા રામે જણાયું કે,

"એ દાડે મન રાવજીકાકાએ ઇમના સેતરે વિરમભઇ માટે સા (ચા) લઇન મોકલ્યો હતો એટલે મુ સેતરે જયો હતો.. મુ સેતરે પોચ્યો તો વિરમભઇ એમના ભઇબંધ્ધો જોડે સેતરે ગાજીપો ખેલતા હતા. વિરમભઇ મન ઝાઝો ગમાડતા નથ એ મન ખબર હતી એટલે હું ચા આપી ન ફટાફટ ઘેર આવા નીકરી જ્યો... બા એકલી હતી અન સાજ થવા આઇ હતી એટલે બકરીયોય દોવાની અન ચારો નાખવાનો હતો એટલે હું ઇમ ફટાફટ આવતો હતો... શંકરભગવાનના હમ ખઉ સું મે કૈ નૈ કર્યુ..." એટલું કહી રામ ગળગળો થઇ ગયો. પંચાયત પાસે પણ કોઇ સબુત ન હતુ કે રામે તેની હત્યા કરી સ એટલે રામને જવા દિધો અને તેના ભઇબંધોને પકડ્યા. તેઓએ પણ એવું જ કહ્યું કે ચા પીને સૌ પોતપોતાના ખેતરે જતા રહ્યા હતા પછી સાંજ થતી જતી હતી પણ વિરમ આવતો ન હતો એટલે તેઓ ત્યા ગયા તો વિરમ ઉંધા માથે પડ્યો હતો અને લોહી જતું હતું. પંચાયતે પણ કોઇ સબુત ન હોવાથી કોઇને દોશી ન ગણ્યા અને રાવજીભાઇને શાંતી અને ધીરજ આપી.

આ બાજુ રામે શહેરમાં જઇને ફોર્મ ભરીને પરીક્ષા આપી હતી તેનું પરીણામ આવી ગયું અને તે ઉતિર્ણ થઇ ગયો. ટુંક સમયમાં જ તેને દેશની સેવા માટે ટ્રેનીંગમાં જવાનું થયુ. રાવજીભાઇને મન આ વાતથી શંકાની ગાંઠ મજબુત બંધાણી અને તેમણે ગંગાને રામ અને દિવાળીબા જોડે બોલવાનું બંધ કરાવી દિધું.

"રામ તન મારા હમ સ.. તે ભઇને નથી મારીયોન?? હાચુ બોલજે..." રાતના સમયે ખડકીથી બહાર આવીને અંધારામાં ગંગા રામને મળવા આવી અને રામનો હાથ પોતાના માથા પર મુકી તેણે પુછ્યું.

"તનય માર પર ભરોહો નથ!! હું હલકુ કામ કરવાનું તો સેટુ પણ વિચારમય ન લાવું ગાંડી.. તોય તારા વિસવાસ માટ કઉ શું ક મન તારા અને બાના બેઉના હમ બસ..."

"તો પસ આમ ગામ સોડી ન ચમ જાસ??"

"અર આતો નોકરી સ... મારુ પેલેથી સપનું હતુ ક હું સરહદે સેવા કરુ..."

"પણ બાપુ તો કઇક અલગ વિચાર સ... એમને મન તારી ઉપેર જ સક હ..."

"પણ હુય શું કરુ?? ચમ કરીન કઉ એમને ખાતરી આપુ કે મે ના કર્યુ... તન ખબર સ તે દા'ડે હું આ કેવા આયો ત ચેવો મન ધક્કો મારીન કાઢી મુચ્યો... અન માર બાને ય ધક્કો માર્યો...."

"તો હવ આપણું હુ??? એતો મન બીજે પૈણાવા માગસ... હું મરી જાએ પણ એવું નઇ કરું.." એટલું કહી ગંગા રડવા લાગી અને રામની છાતીએ વિંટળાઇ ગઇ. રામે પણ તેને પોતાની આગોશમાં લઇ લીધી અને બન્ને પ્રેમીપંખીડા એકમેકમાં પરોવાઇ ગયા.

થોડાક સમય બાદ, "હું ટેનીંગમથી આવુ તા લગી તુ રોચી રાખ... પસ જોઇ લેસુ બધુ..."

"મું તો બધુય સોડી દઇશ પણ આ મલક હામે ચા લગન લડીસ... જો નઇ થાય તો હુ મરી જઇશ..."

"અર ઘેલી થઇ કે શું?? આમ હું વિચારે ભોડી..... મરે આપણા દશમન..."

બન્ને પંખીડા અલગ થયા અને પોતપોતાના ઘરે વળ્યા, સમય આવતા જ રામ ગંગા અને દિવાળીબાથી આઅલગ થઇને ટ્રેનીંગમાં જતો રહ્યો અને આ બાજુ રાવજીભાઇ એકપછી એક માંગા લાવવા લાગ્યા. ગંગા પણ જેટલું બને તેટલા પ્રયાસ કરીને લગન રોકવાનો પ્રયત્ન કરતી. રામની ટ્રેનીંગ પુરી થઇ ન હતી અને હવે રાવજીભાઇ પણ સમજી ગયા હતા કે ગંગા નાટક કરે છે એટલે તેમણે પણ પોતાને મારી નાખવાની ધમકી આપી અને બાપના જીવ ખાતર ગંગાએ હા પાડવી પડી.

સુરતથી છોકરા વાળા જોવા આયા, ગંગા છુપી રીતે રામના ઘરે ગઇ અને એ જ વખતે ટપાલ આવી કે રામ આવી નહી શકે એટલે ગંગાએ બાપના જીવ ખાતર હા પાડવી પડી. રાવજીભાઇ પણ થાપ ખાવા ન હતા માંગતા એટલે તાત્કાલીક પરણેતર પણ ગોઠવી દિધા.

"ખોરપાટાવાળા ઉતરી જાઓ...." ડ્રાઇવરે બુમ મારી અને ગાડીની બ્રેક વાગી કે ગંગા ભુતકાળની નીસરણી પરથી પાછી નીચે ઉતરી.

ગંગા અને મોહન ધીમા પગે ગામ તરફ આગળ વધ્યા, એક એક ડગલે ગંગાનું હૈયુ ધબધબ કરતું હતું, ગામની શેરી અને બધુ ઘણુ બદલાઇ ગયુ હતું. તેની આગળ પાછળ રામ અને તેની યાદો તરવરવા લાગી, સામેથી આવતા રામનો હાથ ગંગાના ગળે વિંટળાયો અને ગંગાએ એ ઝાલી લિધો, તરત તેને સમજાઇ ગયું કે આ તેનો ભ્રમ હતો. ગંગાના હાથમાં ગળે બાંધેલ ડોડી આવી, ગંગાની આખે આસુંની નદી વહેવા લાગી, દિલનો ભાર ઓછો કરવો હતો પણ કઇ રીતે કરે? મોહને ઘણીવાર પેલી ડોડી કાઢી નાખવા જણાવેલ પણ તે કાઢતી જ નહી.

બન્ને ગામ તરફ આગળ વધતા જતા હતા....


"આવો આવો મોહનજી... આય બટા આય..." રાવજીભાઇએ બન્નેને આવકાર્યા અને કંકુબેને જમાઇ અને દિકરીના ઓરણા લિધા.

સાંજ થઇ ગઇ હતી એટલે બધા જમાવાનું પતાવી પથારીએ વળ્યા, ગંગા મેડીએ પોતાના રૂમમાં જઇને બારીએથી રામના ઘર તરફ જોવા લાગી. ઝમકુએ ગંગાના ખભે હાથ મુકી તેને દિલાસો આપ્યો,
"જે વિતી ગયું તેને ભુલી જાઓ ગંગીબુન..." રામના ઘરે અંધારુ હતું, ઘરડી દિવાળીબા આંગણામાં ઢોળીયો ઢાળીને આકાશ તરફ જોઇ રહ્યા હતા, બાજુમાં સુતેલ કુતરો પોતાની પુંછડી પટપટાવી રહ્યો હતો. ગંગાએ એક નીસાસો નાખ્યો અને બારી બંધ કરી પલંગ પર આડી પડી અને ક્યારે નીંદર આવી એ ખબર જ ન રહી.

ગંગાના લગનનો દાડો આવી ગયો, અંગે પીઠી ચોળેલ અને હાથે મહેદી લાગેલ દુલ્હન પતીની જગ્યાએ પોતાના પ્રેમી, પોતાના ભેરૂની રાહ જોઇને બેઠી હતી. હમણા આવશે... હમણા આવશે એ માણીગર મોરલો અને મને અહિથી લઇ જશે! સાંજ ઢળી અને રાત પણ થઇ ગઇ, રાત ઢળી અને દિવસ ઉગી ગયો. રાવજીભાઇના આંગણે જાન પહોચી ગઇ અને ગંગા રામની મટીને મોહનની થઇ ગઇ. રામના નામની ડોડી અને મોહનના નામનું મંગળસુત્ર પહેરી ગંગા ચોરીના ફેરા ફરી ગઇ.

દિકરીને વળાવાનો સમય આવ્યો, ખડતલ બાપની આંખો ભીંજાણી, માનું હ્દય ધબકાણું, ભાભીની સખી ચાલી સાસરે. આંગણા બહાર દિવાળીબા એકવાર પોતાની દિકરી અને એક સમયે બનનાર પુત્રવધુને આશિર્વાદ દેવા આવીને ઉભા રહ્યા. આ ટાણે રાવજીભાઇને પણ દિકરીને રોકવું યોગ્ય ન લાગ્યું અને મળવા જવા દિધી. દિવાળીબા અને ગંગા એકબીજાને ભેટીને રડવા લાગ્યા, દિવાળીબાની આંખો વાતવરણને વાચા આપીને રડુ રડુ કરી રહી હતી. માં-દિકરી અલગ થયા અને ગંગા શણગારેલ ગાડી પાસે આવીને ઉભી રહી.

ગામની મુખ્ય શેરીએથી ભીડને ચીરતો મોટા પગે રામ ગંગાની સામે આવીને ઉભો રહી ગયો. રામને આવવામાં ઘણું મોડુ થઇ ગયું હતુ અને તેની રુદિયાની રાણી આજે બીજાના નામની ચુંદડી ઓઢી સાસરે ચાલી. હાથમાં રહેલ બેગ નીચે પડી ગઇ, આંખે મજધારે વરસાદ વરસ્યો, હૈયે ડુમો બાજ્યો અને બન્ને હાથની મુઠીયો વાળી રામ પોતાને રોકવાનો ઘણો પ્રયાસ કરવા લાગ્યો તેમ છતાય ન રહેવાયું અને ગંગા તરફ ધસ્યો. ભીડ વચ્ચેથી ગંગાની નજર રામ તરફ પડી અને તે પણ ભાંગી પડી, ભાગીને પોતાના પ્રીયતમને મળવા આગળ વધી પણ રાવજીભાઇએ દિકરીનો હાથ પકડી લિધો અને કંઇપણ બોલ્યા વગર મોઢુ હલાવી ના પાડી.

ધસી આવતા રામની આગળ દિવાળીબા આવી ગયા અને આખી પરીસ્થિતીને કાબુમાં લેવા માંડ્યા, રામ પણ સમજુ હતો, જો આમ તે ગંગાને મળે તો ગામની અને બાપ સમાન રાવજીકાકાની આબરુ જાય. પડી ભાંગેલ ઇમારત સમો રામ પણ વેરવિખેર થઇ નીચે બેસી ગયો. ગંગાને ગાડીમાં બેસાડી રાવજીભાઇ દિકરીને વળાવી આવ્યા. જતી ગાડીમાંથઈ ગંગા ફક્ત રામને જ ચોયા કરતી હતી, ગાડી માંથી જ્યા સુધી દેખાયું ત્યા સુધી તે રામને જોતી રહી.

રામને ગામમાં રહેવું અસહ્ય થઇ પડ્યું અને ત્રીજા દિવસે જ ગામ મુકીને તે દિવાળીબાને એકલા મુકી એક જોગીની માફક ચાલ્યો ગયો તે આજ દિન સુધી ગામમાં પાછો ન ફર્યો. એક વર્ષ થઇ ગયું પણ હજી સુધી તે ગામડે આવ્યો ન હતો, ફક્ત એકવાર દિવાળીબા પર કાગળ આવ્યો હતો કે તે ક્યાય ગયો નથી અને એક માંને છોડીને બીજી માંની સેવા કરવા લાગ્યો છે. સમયસર તે દિવાળીબા માટે રૂપીયા મોકલાવતો અને તેનાથી મુંગીમા પોતાના દિવસો પુરા કરતી.


ગંગાના પરણીને ગયાના ૬ મહિના બાદ વાલજી દારૂના નશામાં તેની પત્ની રાધા સામે બધી હકીકત જણાવા લાગ્યો. તેણે જણાયું કે વિરમની કાળી નજર હજી પણ રાધા પર હતી અને અવાર નવાર તે રાધાને પામવાના સપના જોતો જે વાલજીથી સહન ન થયું અને એક દિવસ ખેતરે કોઇ ન હતું અને વિરમ દારૂના નશામાં ધુત હતો, આ સમય તે જવા દેવા માંગતો ન હતો અને ધારીયાના એક જ ઘાએ સમય તેણે વિરમને ટાઢો કરી નાખ્યો.

રાધા બધી જ વાત પંચાયતને જણાવી દિધી, પંચાયતે વાલજીને પોલીસને હવાલે કર્યો, રાવજીભાઇને જ્યારે હકીકત જાણવા મળી ત્યારે પોતાના નિર્ણય ઉપર એટલો જ અફસોસ થયો. હવે કઇ થઇ શકે તેમ ન હતું અને દિકરા જેવા રામને રાવણ માની ફકીર બનાવી દિધો. પોતાના મીત્રના લોહી અને સંસ્કાર પર પણ તેમને વિશ્વાસ ન પડ્યો એ વાતે પોતાની જાતને કોસવા લાગ્યા. કેટકેટલાય કાગળ લખીને રામની માફી માંગી અને ઘરે આવી જવા કહ્યું.

"ગંગાબુન ઉઠો.... દિ માથે ચડ્યો સ.... ઉઠો...." ઝમકુએ ગંગાને જગાડી.

નાહીધોઇ ગંગા પ્રેમની શેરીએ વળી અને રામના ઘરની આગળ જઇને ઉભી રહી, દિવાળીબા તરત પોતાની દિકરીને ઓળખી ગયા અને ઘરમાં બોલાવી. ઘરમાં જતા જ ઓસળીમાં રામનો સુંદર ફોટો લગાવેલ હતો જે જોઇ ગંગા ઓસીયાળી થઇ ગઇ. દિવાળીના પ્રસંગે દિવાળીબાં માટે તે સાડલો લાવી હતી તે આપ્યો અને પોતાની સાથે વિનંતી કરીને રાવજીભાઇના ઘરે લઇ ગઇ. રાવજીભાઇ પણ ભાભીના પગે પડીને રડુરડુ થઇ ગય. માફી માગે તો કયા મોઢેથી? દેવ જેવઆ દિકરાને ગુમાવવા છતા એ માએ સૌને માફ કરી દિધા, બધાએ ખુશીથી દિવાળી મનાવી. આંગણે દાવા કર્યા અને એ રાતે ગંગાએ તેના બાપુ પાસે વચન માંગ્યું કે જ્યા સુધી રામ ન આવે ત્યા સુધી તેઓ દિવાળીબાને પોતાના ઘરે જ રાખે, રાવજીભાઇએ પણ દિકરીને વચન આપ્યું.

બે દિવસ રોકાઇને ગંગા પાછી સાસરે જવાની તૈયારીમાં લાગી ગયા કે એક છોકરો દોડતો દોડતો આવ્યો,

"એ મિલીટ્રીની ગાડી આવીસ અન દિવાળીબાનું ઘર પુસ સ...." આંગણામાં ઉભેલ ગંગાનું હૈયું રામને જોવા ઉતાવળું થવા લાગ્યું. બધા દિકરીને મુકવા બહાર આવ્યા હતા, દિવાળીબાના કાને પણ આ વાત પડી કે દિકરાને જોવા ડોક ઉંચી કરીને એકીટસે શેરી તરફ જોઇ રહ્યા.

ગાડી રાવજીકાકાના ઘરની આગળ ઉભી રહી અને ત્રીરંગામા વિંટળાએલ દુશ્મન સામે હોળી રમેલ શહિદ રામનો પાર્થિવ દેહ સૈનીકો નીચે લઇને ઉતર્યા.

દિવાળીબાના માથે આભ તુટી પડ્યું, ગંગાથી આ દ્ર્શ્ય જોવાયું નહી અને ત્યા જ બેહોશ થઇ ગઇ. રાવજીભાઇ અને ગામનો દરેક વ્યક્તી રડતી આંખે ભારતમાતાના પુત્રને આખરી વિદાય આપવા યાત્રામાં જોડાયા.



સમાપ્ત.