સમસમ્ વાતો પવનનો આવાજ અને ધમધમ્ આવતો એ પાટાનો આવાજ એકમેકની સાથે તાલ પુરી સંગીતનો મહિમા બતાવી રહ્યા હતા. રૅલવેના દરવાજા આગળ બેઠેલા બે છોકરા રાજ અને ગોપાલ હાથમાં કંતન વિંટેલ પાણીની બોટલ લઇને આગળના પ્લેટફોર્મની રાહ જોઇ રહ્યા હતા. લાલ રંગની જમીનને નાના શીંગડા વાળી ગાયો તેમના દિલમા એક અલગ કુતુહલ પેદા કરી રહી હતી. ૧૪-૧૫ વર્ષના એ મિત્રો જીવનમાં પ્રથમવાર અમદાવાદના એક નાનકડા ગામડેથી આમ બહાર નીકળ્યા હતા એટલે આ સૌરાષ્ટ્રની રાજકોટ તરફની જીવન સંસ્કૃતી જોઇને જાણે કોઇ નવી સૃષ્ટીમા પગલું મુક્યુ હોય અને જે લાગણી થાય તેવી લાગણી અનુભવી રહ્યા હતા.
આગળનું સ્ટેન્ડ આવવાની જાણ તેમને ગાડી ધીમી પડતા જ થઇ ગઇ અને જાણે રણ મેદાનમાં ઉતરવાના હોય તેમ સજ્જ થઇ ગયા. ગાડી ઉભી રહેતા જ ભાગ્યા અને પાણીની પરબ ગોતવા લાગ્યા. પરબ તરફ ઊંચી નજર કરી તો પરબ થોડીક દુર હતી અને બે ત્રણ વ્યક્તિ પાણી ભરી રહ્યા હતા. પોતાનો નંબર આવતા જ ગોપાલે બોટલ ભરી અને વડીલોએ આપેલ સુચના પ્રમાણે બન્ને મિત્રો ભાગ્યા. સ્ટેન્ડ નાનું હોવાથી ગાડી પણ ચાલું થઇ ગઇ અને બન્ને ગભરાયા. રાજ ખાલી હાથે હતો એટલે રફતાર પકડી પણ ગોપાલના હાથમાં મોટી બોટલ એટલે પાછળ રહી ગયો.
"જલદી કર ગોપલા.. ફાસ્ટ થઇ ગાડી." રાજે ગાડીમાંથી હાથ લાંબો કરીને બુમ મારી.
ગાડીની ઝડપ અને ગોપાલની ધકધક એકસાથે વધતી હતી. કપાળે પરસેવો વર્યો અને ક્યાક રહી જઇશ તો એવી ચીંતામાં ગાડીને પકડવામાં બોટલ નીચે પડી ગઈ. બોટલ લેવા જાય તો ગાડી છુટી જાય, બન્ને તરફના મુશ્કેલ ભર્યા સમયમાં તેણે બોટલને જતી કરી અને રાજે ગોપાલનો હાથ પકડી લીધો. જેમ પાછળ પડેલ હડકાયા કુતરાથી છુટકારો મળતા હાશકારો થાય તેવી હાલત ગોપાલની હતી. પરસેવેથી લથબથ શરીર, હાંફતી કાયા કેડેથી વાંકી વળી ગઇ અને શાંતી થઈ ત્યાંજ કોઇએ પાછળથી બુમ મારી,
"પાણી લાયા કે નૈ?"
બન્ને એકબીજાના મોઢા જોવા માંડ્યા. શું જવાબ આપવો એ સમજાતું ન હતું. કંઈ ન સુજ્યું એટલે બન્ને મોઢુ નીચુ કરીને ચુપ રહ્યા. અંતે પેલા ભાઈથી રહેવાયું નહી એટલે તે ત્યાં આવ્યો અને પાણી માંગ્યું. બોટલ તો હતી જ નહી તો શું કહે?
રાજને થોડીવાર તો કંઈ સંભળાયુ જ નહી અને પેલા યમ જેવા માણસના હોઠ ફફડતા જોઇ રહ્યો. ફટાક કરતી આવેલ પડછંદ કાયા વાળા એ હાથની ઝાપટથી ધોળા દુધ જેવો રાજનો ગાલ લાલ ટામેટા જેવો થઇ ગયો અને આંખે ઝરમરીયા આવી ગયા.
કાળુ, જીવણ અને રામજી વાકડી મુછોમાં થોડાક ધોળા વારની ભેળસેળ આવી ગઈ થઈ. જવાનીનો માર્ગ વટાવ પર પહોચેલ ત્રણેય મિત્રો તેમની પત્નીયો લાલી, કાંતા અને ચંદા સાથે રૅલવેમાં યાત્રા કરવા નીકળ્યા હતા. તેમની સાથે વિધવા કંકુ પણ હતી. ગોપાલ આ વિધવાનો એકનો એક દિકરો હતો અને રાજ જીવણ અને લાલીનો દિકરો હતો. રાજને થપ્પડ મારનાર તેનો બાપ જીવણ જ હતો. સૌરાષ્ટ્ર ફરતા ફરતા આવતી કાલે શ્રાવણ મહિનાની આઠમ હોવાથી તેઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે દ્વારીકા તરફના માર્ગે આગળ વધી રહ્યા હતા.
ગાડી સાંજ પડતા સુધીમાં દ્વારકા પહોચી ગઈ અને બધા ત્યાંથી એક ધર્મશાળામાં ગયા. સવાર પડતા જ સૌ કોઈ વહેલા વહેલા ભગવાના દર્શન કરવા ગયા. મેળાનો દિવસ હોવાથી તેમને દર્શન કરવામાં અને બજારમાં ફરતા સાંજ પડી ગઈ. મંદર તરફના રસ્તેથી ધર્મશાળાના માર્ગ પર એક માજી હાથમાં વાટકો લઇને મળ્યા. ઊમર અને ગરીબાઈના કારણે તેમનું શરીર સુકાઈ ગયું હતું. અશક્તિને કારણે તેમનું આખું શરીર ધ્રુજતું હતું. ભક્તોના આ ટોળા પાસે પહોચીને તેમણે હાથ લાંબો કર્યો,
"બટા આ દુ:ખીયારીન કૈ આપતા જાઓ." તેમના શબ્દો સાંભળીને કંકુ પૈસા આપવા ગઈ ત્યાં જ કાળુએ રોકી.
"આવા તો કેટલાય રખડતા હોય ઐ, બધાન આપવા જસો તો આ ઘરના સોકરા શું કરશે? કામ ધંધા કરતા બર પડ એટલે આમ નીકરી પડ આ તો." કોઈ મોટો અપરાધ કરનારને જે હિન ભાવથી જોવામાં આવે છે કંઈક એવા જ નિષ્ઠુર ભાવથી તેઓ તે ઘરડી સ્ત્રીને જોઈ રહ્યા અને બધા આગળ વધ્યા. રામુએ કંકુનો હાથ જાણે તેને પૈસા આપતા રોકવા માટે ઝાલ્યો હોય તેવા ભાવે હાથ પકડી રાખ્યો હતો. જાણે વિધવા કંકુને સમજાવતો હોય તેમ તે હાથ પકડીને આગળ વધ્યો અને સમજાવતા સમજાવતા તે કંકુનો હાથ દબાવા લાગ્યો. કંકુ રામુની દાનત સમજી ગઈ કે તેણે કેમ હાથ પકડ્યો છે. તેણે રામજી સામુ જોવું તો તે મૂછો નીચે મંદમંદ હસી રહ્યો હતો. કંકુએ તરત જ પોતાનો હાથ લઈ લીધો અને સાડીનો સણકો સરખો કરી ચાલતી થઈ. ભગવાનના દ્વારે આવેલ રામુ પાછળથી જતી કંકુને જોઈ રહ્યો હતો.
ગાડીનો સમય રાતનો હતો અને ભીડ પણ ખુબ જ હતી એટલે બધાએ સવારમાં પાછું જવાનું વિચારી ત્યાં જ રાત રોકાયા. સવારમાં સહું તૈયાર થઇ ગાડીમાં બેસી ગયા અને સફર આગળ વધવા લાગી. બપોર સુધીમાં તેમણે ઘર તરફનો અડધો રસ્તો કાપી નાખ્યો હતો અને એક સ્ટેન્ડ આવ્યું જ્યાં ગાડી અડધો કલાક રોકાઈ. બધાએ દાસ્તા પાણી કર્યા અને બેઠા હતા કે બે માસી અંદર ચડ્યા અને હાથથી તાળી પાડતા બધાના પાસેથી પૈસા ઉઘરાવવા લાગ્યા. બન્ને માસીમાં એક આધેડ વયના હતા જ્યારે બીજા ૨૩ની આસપાસના હતા. યુવાન માસીનું રૂપ એક સ્ત્રીને પણ શરમાવે તેવું હતું. ગોરુ બદન, વાસુકી નાગ જેવો ચોટલો, દાઢીમાં તલ અને માજરી આંખો વાળો ચહેરો જોતા કોઈપણ ભુલ કરી બેસે તેમને સ્ત્રી સમજવાનું. તેમના હાથે મહેદી અને ગાલે ખાડા પડતા હતા તો હોઠતો જાણે હમણા ગાંડીવની પણસ છુટસે! એક અપ્સરાને શરમાવે તેવા રુપ વાળા માસીને જોતા જ પેલા ત્રણેયના મોઢે પાણી આયા.
"એ લાય કઉશું, લાય અલ્યા.." ઝાડો સુરને બે હાથનો ફટાકો જોરથી વાગ્યો. ત્રણેય તેમને ખીજવવા લાગ્યા અને પોતાની બાજુમાં બેસાડી વાતો કરવા લાગ્યા અને તેમની સામે પોતાની મર્દાંગી દેખાડવા લાગ્યા.
"બોલો મારુ ઘર માંડો તો કો એટલા પૈસા આપું." જીવણ બોલ્યો અને ત્રણેય હસવા લાગ્યા.
"રોયાઓ અમાર બોનું સંભાળો એટલે બસ, ઈન સંભાળવાની તમાર તાકાત બારની વાત સ." આધેડ વય વાળા માસી બોલ્યા.
"અરે એક વાર આવી તો જોવો... પસ કેજો."
ગાડી ઊપડી અને ઘણી વાર થઈ ગઈ બન્ને માસી નીરાશ થઈને ઉતરી ગયા. ત્રણેય સ્ત્રીઓ પોતાના ધણીને જોઈ રહી પણ કંઈ બોલી શકી નહી. બન્ને છોકરાઓ પણ તેમનો આવો વ્યવહાર જોતા રહી ગયા.
આગળ જતા નવું સ્ટૅન્ડ આવ્યું અને એક પેટી વગાડવા વાળો ભાઈ તેની દિકરી સાથે ભજન ગાતો અંદર ચડ્યો. ભજનના તાલે ચારેય સ્ત્રીઓ અને ડબ્બાની અન્ય સ્ત્રીઓ પોતાના હાથની તાળીયોનો સુર પુરાવવા લાગી. ભજન પુરું થતા પેલી નાની દિકરી બધાની સામે હાથ લાંબો કરી આશા ભરી નજરે જોવા લાગી. ડબ્બામાં આજે બીજુ તો કોઈ ન હતું પણ આ દર્શનાર્થીઓથી જ ખીચોખીચ ભરી હતી. આખા ડબ્બામાંથી પેલી દિકરીના હાથમાં ફક્ત એક રુપીયો અને બે ખાટીમીઠી ગોળીયો આવ્યો. ગોળીયો રાજ અને ગોપાલે આપી હતી અને એક રુપીયો કંકુએ મુક્યો હતો. કેવો છે મનુષ્ય?
અંતે હવે આવ્યું રંગીલુ રાજકોટ શહેર. સમય બહું થઇ ગયો હતો, બધા ચા પીવા બધા નીચે ઊતર્યા અને થોડો નાસ્તો અને ચા પાણીનું કામ પતાવી ગાડીમાં બેસી ગયા. થાકથી ગોપાલ માંના ખોળામાં ઉંઘ્યો હતો, ગાડી ખીચોખીચ ભરેલ હતી. રાજ પણ તેની માંની બાજુમાં બેસી ગયો.
ધીમાં પગ ભરતી એક સ્ત્રી અને તેની આગળ સામાન લઇને ચાલતો તેનો ભાઈ ગાડીની અંદર ચડ્યા. બહનેને સારા દિવસો હતા જેથી તેનો ભાઈ તેને પીયર લઇ જતો હતો. તેના એક હાથમાં સમાન હતો અને તેણે ચારેબાજુ નજર ફેરવી પણ ક્યાય કોઇ સીટ ખાલી દેખઈ નહી. નીરાશ થઈને ભાઈબહેન એમ જ ઉભા રહ્યા. ગાડી પણ પોતાનું કામ કરતી કોલસા ખાઈને રસ્તે આગળ વધવા લાગી. સમય પસાર થતો જતો હતો અને રસ્તો પણ કપાતો જતો હતો. હવે આમ બે જીવનો ભાર એક જગ્યાએ ઉભા રહીને સહન કરવામાં તે બહેનને ખુબ તકલીફ પડવા લાગી. બહેનની આવી હાલત જોઈ ન શકતા અંતે તેના ભાઇએ સીટ પર બેઠેલા દરેકને થોડીક જગ્યા આપવા વિનંતી કરી પણ ત્યાં ક્યા કોઈ માણસ નામે જીવ બેઠો હતો? કોઇએ તેમને જગ્યા ન આપી. સાથે સાથે રામજીની ચલમના ધુમાડાના ગોટા પણ વેરી બન્યા હતા અને પેલી બહેનને ઉધરસ આવવા લાગી.
"આમ ખબર તો હોયને કે આટલી ભીડમા ન અવાય, લો ભોગવો.." પોતાની જગ્યા પર પલાઠી વારતા જીવણ પેલા ભાઇને સમજણના પાઠ શીખવતા બોલ્યો. પેલાઓની પાસે કોઇ જવાબ ન હતો અને હશે તો કદાચ દેવા નહી માંગતા હોય.
"બેન થોડીક વાર બેસવા દોને." પેલી ગર્ભવતી બહેન ન રહેવાતા લાચારી ભર્યા શબ્દોથી બોલી.
"બે દિ નો થાક સે. સવારના આમા ધક્કા ખઇએ છીએ છેક દ્વારકાથી." કાંતા છીંકણી ભરતા બોલી. જાણે કોઈ બદલો લેતી હોય તેમ મોહ મચકોડતી ઉંધી ફરી ગઈ.
તરુણ ગોપાલથી આ જોઈ શકાતું ન હતું. પોતાની સહેજ જગ્યા જેની ઉપર એ બેઠો હતો ત્યાં ઉભો થઇને બોલ્યો,
"લો બેન અહિ બેસી જાવ."
"આખી વાટ આમ ઉભો રઈશ કે શું? ધરમ કરવા નીકળી ગઇ સું તે. બેસ સાનીમાની." ઉભા થયેલ ગોપાલનો હાથ નીચે કરી પાછો બેસાડ્યો અને કઠોર સ્વરમાં કાળુ બોલ્યો. ગોપાલ પોતાની જગ્યાએ બેસી ગયો અને પેલી સ્ત્રીને જોતો રહ્યો. બહેનની પીડા જોઇ બન્ને મીત્રનું દિલ તડપતું હતું પણ પેલા યમ જેવા તેમને બાંધીને બેઠા હતા. સહન કરવા સીવાય કઇ જ ઉપાય ન હતો.
થોડીવારમાં કંકુંએ દિકરાને હાથ પકડી ઉભો કર્યો. પોતાના કપડા ઠીક કરતા તે પોતે પણ ઉભી થઇ ગઈ.
"લો બે'ન બેસી જાવ. હું ઊભી રઉ સું. " કકુંથી હવે રહેવાતું ન હતું. પેલા તેમને છણકાવીને ચુપ કરતા હતા પણ અંતે કંકુ ઉભી થઈ ગઈ.
કદાચ આટલો હાશકારો એ સ્ત્રીને તેના આખા જીવનમાં નહી થયો હોય. તેણીએ બે હાથ જોડીને દિલથી કંકુનો આભાર માન્યો. રણમાં ભુલા પડે મુસાફરને કોઈએ ઠંડા પાણીનો ભરેલ લોટો આપ્યો હોય અને જેટલી હાશ તેને થઈ હોય, તેવી જ પરિસ્થિતી પેલા બે જીવ વાળા બહેનની હતી.
"લો દયાની પુતળી ઉભી થઇ ગઇ, હવે ભોગવ છેક ૧૦૦ કિલોમીટર લગન ઉભો ઉભો પરવાસ." ત્રણેય બાઇયો એકબીજાના કાનમાં મો મચકોડતા ખુચપુચ કરવા લાગી, રાજ, ગોપાલ અને કંકું ત્યાંથી દરવાજા બાજું આવીને મીઠો પવન ખાવા લાગ્યા. સાંજ ઢળતાનો સુરજ પોતાની રાતી રશ્મિઓને ધરતીના દર્શન કરાવવા મોકલી રહ્યો હતો. પોતાનું કમજોર શરીર જાણે ધરતીને બતાવવા માંગતો ન હોય તેમ તે ક્યારેક ક્યારેક વાદળોમાં છુપાઈને સરમના છાંટણાને લુછી આવતો. દરવાજા પર ઉભેલ ત્રણેયના મોઢા ઉપર હરખ હતો ને પગમાં થાક હતો. સુકુનની સાંસ લેતી પેલી બહેનને જોઈને તેઓ પોતાની યાત્રા સફળ થઈ હોય તેમ માનતા હતા.
અમદાવાદ પહોચતા પહોચતા લોકલ ગાડીને રાત થઈ ગઈ. સામે સીટ પર બેઠેલ રામુચલમ ફુકતો દરવાજા પાસે બેઠેલ કંકુને જોઇ રહ્યો હતો. તેની નજરોમાં બસ કંકુને પામવાની ધુન દેખાતી હતી જે શક્ય ન બનતા ક્રોધમાં દેખાતો હતો. કંકુ બન્ને છોકરા જોડે નીચે બેઠી બેઠી તેમના માંથા પર હાથ ફેરવતી હતી. છોકરાઓ થાકથી ઉંઘી ગયા.
ગાડીમાંથી બહાર દેખાતી દુનીયા કેટલી શાંત હતી! ચારે તરફ અંધારાની ચાદર પથરાતી જતી હતી. આમ પણ કૃષ્ણ પક્ષ હોવાથી રાત પણ આંખોમાં મેશ આંગીને કંઈક વધારે જ શ્યામ રંગની લાગતી હતી. ઠંડો પવન ઝોરઝોરથી ફુંકાતો હતો. ગાડીમા બેઠેલ દરેક મુસાફરની આંખો પર નીંદરરાણી પોતાનો હુકમ જમાવતી જતી હતી. કંકુ ઊભી થઈ અને બાથરૂમ તરફ આગળ વધી. થોડીક વારમા તે બાથરૂમનો દરવાજો ખોલીને બહાર આવવા નીકળી કંકુ કે કોઈએ તેને ઝોરથી અંદર ધક્કો માર્યો અને બાથરુમ બંધ કરી દિધું. આમ અચનાક થયેલ હુમલાથી ગભરાયેલ કંકુ ચીસ પાડવા ગઈ કે પેલાએ તેના મોઢે ડુમો દિધો અને તેની ચીસ ત્યાંજ મૃત્યુ પામી. કંકુએ બાથરૂમના અંધકારમાં પણ તે ચહેરો ઓળખી લીધો. આખોમાં ભરેલ હવસ લઈને રામું ભગવાનના દ્વારે જઇને આયો હતો તેવું પણ ભુલી ગયો અને આ કારી રાતની સાક્ષી બનાઇ કંકુને. થોડીક વારના દ્વંદ્વયુદ્ધ બાદ એ અબાળા હવસના પુજારી રામુનો શીકાર બની ગઈ.
"કોઇને કઇ કિધુને તો એકના એક દિકરાનું મોઢું નૈ ભાર, રંડાપો એળે જશે કંકુ યાદ રાખજે." આટલું કહીને મોઢેથી હાથ લઇ બહાર નીકળી ગયો. તેના ચહેરા પર મીથ્યાહાસ્ય તરવરતું હતું. ઘણા દિવસથી જે લાગ જોઈને તે બેઠો હતો તે લાગ આજે તેને મળી ગયો હતો. મુછોના આંકળીયા ઠીક કરતો કરતો તે પોતાની સીટ પર આવીને બેસી ગયો.
આખે આંસું અને હૈયે દર્દ લઇને કંકુ ઘણો સમય બાથરૂમમાંજ બેસી રહી. કેમ કરતા સંસારનો સામનો કરવો એ તેને સમજાતું ન હતું. અમદાવાદ આવવાનો સમય થઈ ગયો હતો અને દિકરાની કાજે એ અબળા પોતાની અપવિત્ર થયેલી કાયા ધોઈને બહાર આવી. તેદી નજર સામે જ પોતાના સગો જેઠ રામુ હસી રહ્યો હતો. મોટાભાઈ સમા જેઠનો જુલમ વેઠતી એ સ્ત્રી પોતાની જાતને ધીક્કારતી ગાડીના દરવાજે આવીને સામે નજર ફેરવવા લાગી. ઝરમર વરસતો વરસાદ બહાર ધરતીને અને અંદર કંકુના કપડા ભીંજવી રહ્યો હતો.
અમદાવદનું પ્લેટફોર્મ આવ્યુને દુર ક્યાક ગીત સંભળાતું હતું.
કાચી માટીના આપણે હંસલા,
એક દિ' ઉડી જાવાના રે.....
સમાપ્ત.