Unfinished Love (Season 2) - 8 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 8

પાંચ વર્ષ પહેલાં છૂટા પડી ગયેલા પ્રેમી સિધ્ધાર્થ અને તારા પાંચ વર્ષ પછી અનાયાસે મળી ગયા અને આ પાંચ વર્ષના લેખાજોખા કરવા બન્ને મળવાના છે.ચાલો વાંચીએ એમની મુલાકાત વિશે.

તારાને ઓફિસથી પાછા આવતા ૭ વાગી ગયા હોય છે. અર્જુન ઓફિસથી સીધો બ્રોકર સાથે ફ્લેટ જોવા ગયો જેથી મમ્મીને બને એટલા જલ્દી બોલાવી શકે.

તારા ઘરે પહોંચીને સિતારા અને પોતાના માતા-પિતા સાથે વાત કરે છે. તારા નંદાબેનને સિધ્ધાર્થ સાથેની આજની મુલાકાત વિશે કહે છે. નંદાબહેન તારાને ટોકતા કહે છે કે તું એને મળવા જરૂર જા, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે, તું જે દર્દ સહન કરી ચૂકી છે, એને ફરીથી તારી ઉપર હાવી ના થવા દઈશ. એ હજી પણ કોઈનો પતિ છે અને તું હજી પણ એની પ્રેમિકા! તારા બોલી હા માં, હું મારું ધ્યાન રાખીશ અને ફરીથી એ દર્દને મારી પર હાવી નહીં થવા દઉં.

પિંક રંગની સાડી સાથે બ્લેક કલમકારી બ્લાઉસ અને મોટી ગોલ્ડ એરિંગમાં તારા ખૂબ સુંદર લાગી રહી હતી. એના ખભા સુધીના ખુલ્લા વાળ અને કાજળવાળી સુંદર આંખો અને એજ વિક્ટોરિયા સિક્રેટનું પરફ્યૂમ!

સિધ્ધાર્થ બરાબર ૭.૫૦ એ તારાને રૂમ નંબર મેસેજ કરી ચુક્યો હોય છે. તારા સિધ્ધાર્થના રૂમની બહાર પહોંચીને બેલ વગાડતા પહેલા એક સેકન્ડ માટે દરવાજા પર ઊભી રહીને પોતાની આંખો બંધ કરે છે. પોતાના હૃદયની હરેક ધડકન સાંભળતી તારા કોઈ ટીનએજર જેવીજ ઉત્સુકતા અનુભવે છે.

આંખ ખોલતા જ એ દરવાજા પર સિધ્ધાર્થને જુવે છે. કદાચ એ પણ એટલોજ ઉત્સુક છે. સિધ્ધાર્થ એને હાથ પકડીને રૂમની વચ્ચે લઇ જાય છે. આખા રૂમમાં તારાના મનપસંદ ઓર્ચીડના ફૂલો હતા. રૂમની વચ્ચે પાંચ કેક હતી, દરેક વર્ષની એક અને દરેક કેકની બાજુમાં એ વર્ષની ગિફ્ટ! સિધ્ધાર્થ તારાના કાન પાસે જઈને એકદમ ધીરેથી કહે છે, તું સાડીમાં બહુ જ સુંદર લાગી રહી છે. તારા શરમાતી નજરે, સિધ્ધાર્થને જોઈ રહે છે, બ્લેક કલરના પેન્ટ અને બ્લુ ચેકસના શર્ટમાં સિધ્ધાર્થ હેન્ડસમ લાગતો હોય છે. સિધ્ધાર્થ તારાના બંને હાથ પોતાના હાથમાં લે છે અને બધી આંગળી એકબીજામાં પરોવીને તારાને કહે છે કે તારા તું સાચી હતી. જો વ્યક્તિ પોતે ખુશ ના હોય તો કોઈને ખુશ નથી રાખી શકતો. હું તારા વગર એકદમ અધૂરો થઈ ગયો હતો. તારા ગયા પછી ગઈ કાલે પહેલી વાર હું આરામથી સૂઈ શક્યો! કેટલી રાતો મેં સિગરેટ પીને કાઢી છે, આટલું બોલતા એ નીચે જોઈ લે છે. તારાને આજે પોતાનો સિધ્ધાર્થ એ દિવસની જેમ લાચાર નહોતો લાગી રહ્યો. પોતાના પ્રેમનો આમ સ્વીકાર કરતો, આ સિધ્ધાર્થ આજે તારાને પોતાના જેવો લાગ્યો. જે રીતે સિધ્ધાર્થ આજે પોતાના પ્રેમને સૌથી ઉપર રાખી રહ્યો હતો, તારાએ એને જ તો પામવો હતો!

તારા સિધ્ધાર્થને કપાળ પર એક વ્હાલભર્યું ચુંબન કરીને એનું માથું ઉપર કરે છે. એની આંખોમાં રહેલા આંસુને લૂછતાં એને હગ કરી લે છે. બન્ને બેડ પર બેસે છે. તારા સિધ્ધાર્થના ખભા પર માથું મૂકી દે છે.

સિધ્ધાર્થ કહે છે કે આપણે અલગ થવા માટે નથી મળ્યા! આપણું આમ એક બીજા સાથે ફરી ટકરાવું આપણા ભાગ્યમાં લખેલું છે. તું જ્યારે મારા જીવનમાં પહેલી વાર આવી ત્યારે જ મોડું થઈ ગયું હતું છતાં આપણો પ્રેમ આપણને જોડી ગયો. તે મને પૂછ્યું હતું કે હું તને શોધવા આવીશ? મેં જવાબમાં ના કહી હતી પણ, તારા ગયા પછી મેં ઘણા પ્રયત્નો કર્યા તને શોધવાના જેમાં.હું નિષ્ફળ રહ્યો આ એ એટલે જ મેં આ ટ્રાન્સફરની ઓફર સ્વીકારી લીધી.

આજે કોઈ પ્રયત્નો વગર તું મારા જીવનમાં પાછી આવી ગઈ તો કંઇક તો લખ્યું હશે ને આપણાં ભાગ્યમાં કે આમ વારે વારે જોડાઈ જઈએ છે!

હા મેં કહ્યું હતું કે મને તારી પાસેથી, આપણા સંબંધ પાસેથી કોઈ અપેક્ષા નથી. મીરા અને બાળકો સાથેનું જીવન હું સ્વીકારી ચુક્યો હતો પણ હું ખોટો હતો. હું ખુશ નથી. મારા પરિવાર માટે એક ATMથી વધારે કંઈ જ નથી બની શક્યો. તારા ગયા પછી જ મને સમજાયું કે હું તો જીવતા જ તારી સાથે શીખ્યો. અત્યાર સુધી તો ફક્ત કેલેન્ડર જ બદલાઈ રહ્યું હતું. તારા, હું હવે તારા વગર નથી જીવવા માંગતો.

મારુ અહીંયા પ્રમોશન સાથે ટ્રાન્સફર થયું છે. મીરા પણ જાણે છે કે હું ખુશ નથી, હા કારણ વિશે એ અજાણ છે પણ હું એને સત્ય કહી દેવા માંગુ છું. એ મને પ્રેમ કરે છે પણ મારી સાથે ખુશ નહીં રહી શકે કારણકે હું તને પ્રેમ કરું છું.

તારા, મારે તારી સાથે ઘરડા થવું છે. મારા અંતિમ સમયે તારા ખોળામાં માથું મૂકીને આવતા જન્મમાં શરૂઆતથી ફક્ત તારા થઈને રહેવું છે. સિધ્ધાર્થ, પોતાના ખભા પર માથું મૂકીને બેઠેલી તારાની હડપચી પકડીને એની આંખોમાં આંખો નાખીને, એની એકદમ નજીક જઈને પૂછે છે કે, શું તું મારા જીવનમાં પાછી આવીશ? શુ તું મારી સાથે લગ્ન કરીશ? તારી સાથે મારુ નામ જોડીશ? સિધ્ધાર્થની તારા બનવું ગમશે તને?

તારા અને સિધ્ધાર્થ બન્નેની આંખોમાંથી આંસુ વહેવા માંડે છે. બન્ને ક્યાંય સુધી એકબીજાના આલિંગનમાં રહે છે.
તારા સ્વસ્થ થતા કહે છે કે સિધ્ધાર્થ,ચાલને જમી લઈને. સિધ્ધાર્થ રેસ્ટોરન્ટમાં ફોન કરીને ડિનર લઇ આવો, એટલું જ કહે છે, એટલે તારા સમજી જાય છે કે એણે પહેલેથી ગોઠવણ કરી લીધી છે. તારાએ પોતાના સવાલનો જવાબ ના આપ્યો એ નોટિસ કરવા છતાં સિધ્ધાર્થ ચૂપ રહ્યો.

પહેલા તારાએ પાંચે કેક કાપી અને દરેક કેક પાસે મુકેલી ગિફ્ટ ખોલી. બે બોક્સમાં તારાનું ફેવરિટ પરફુમ હતું. ત્રીજામાં તારાની ફેવરિટ ફોસીલ બ્રાન્ડની મોટા ડાયલવાળી ઘડિયાળ અને ચોથમાં સ્વરોસ્કીનું બ્રેસલેટ હતું. જ્યારે પાંચમા બોક્સનો વારો આવ્યો ત્યારે સિધ્ધાર્થ, તારાની આગળ ઘૂંટણિયે બેસી ગયો અને બોક્સમાંથી ડાયમંડ રિંગ કાઢતા એને પૂછ્યું, "મારી બનીશ"?

ત્યાંજ ડોરબેલ વાગતા, તારાએ સિધ્ધાર્થને પોતાના હાથનો ટેકો આપીને ઉભો કર્યો.પોતાના ફેવરિટ પનીર નૂડલ, ક્રિસ્પી કોર્ન અને મેક્સિકન રાઈસ જોતા તારા સિધ્ધાર્થને ફરી એકવાર ટાઈટ હગ કરી લે છે. વોશરૂમમાં હાથ ધોવાના બહાને તારા મોટુ ધ્રુસકુ ખાઈને રડી લે છે. બહાર નીકળીને ખોટું ખોટું હસતા કહે છે કે ચાલને જલ્દી જમી લઈએ!

સિધ્ધાર્થ જાણી ચુક્યો છે કે તારા રડીને બહાર આવી છે પણ એ ફરીથી ચૂપ રહેવાનું પસંદ કરે છે. એને વિશ્વાસ છે કે એની તારા એને બધું કહેશે.

તારા જમતા-જમતા, પોતાની કંપની વિશે, પોતાના એકલા ગુજારેલ પાંચ વર્ષ વિશે અને પોતાની ટ્રાન્સફર વિશે કહે છે. ત્યાંજ સિધ્ધાર્થ પૂછે છે કે પેલી છોકરી કોણ છે, તારા dpમાં? તારા કહે છે કે એ અર્જુનની દીકરી છે જે મને માં માને છે અને એટલેજ અર્જુને કહ્યું હતું કે એ મારી આજ છે.

સિધ્ધાર્થ લગભગ એક ધબકાર ચુકી જાય છે. એના શબ્દ થથરાવા માંડે છે. એ કહે છે કે એટલે.... શુ તું?

તારા કહે છે કે હા, હું અર્જુન સાથે પરણવાની છું જેથી સીતારાને માં-બાપ બન્ને મળી શકે. મને તારી ઉપર હક આપવા બદલ તારો આભાર. મને તારી બનાવવાના વિચાર માટે તારો આભાર, પણ હું સીતારાની માં છું અને એટલે હવે અર્જુનની પત્ની બનવા જઇ રહી છું.

કેમ તારાએ, સિધ્ધાર્થને ખોટું કહ્યું? જે સિધ્ધાર્થ એની જિંદગી હતો, એ એની દરેક પ્રાર્થનાનું ફળ હતો, એની દરેક મનોકામનનું પરિણામ હતો એને જ, તારા પોતાના જીવનમાં નથી ઇચ્છતી?

વાંચતા રહો અધુરા પ્રેમનો આગળનો ભાગ.
✍️©આનલ ગોસ્વામી વર્મા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED