Unfinished Love (Season 2) - 6 books and stories free download online pdf in Gujarati

અધુરો પ્રેમ ( સીઝન ૨) - 6



પાછળના ભાગમાં આપણે જોયું કે પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડેલા સિદ્ધાર્થ અને તારા એક બીજાથી અલગ થયા પછી આજે પહેલી વાર મળ્યા હતા. બને સ્થળ અને કાળનું ભાન ભુલીને એકબીજામાં ખોવાઈ ગયા હતા.

હવે આગળ.......

તારા અને સિદ્ધાર્થ એકબીજાના આલિંગનમાંથી છુટા પડે છે. તારા આગળ ચાલે છે અને સિધ્ધાર્થ એની પાછળ. રેસ્ટોરન્ટમાં બેઠેલો અર્જુન તારાને વેવ કરતા, તારા અને સિદ્ધાર્થ અર્જુનના ટેબલ તરફ જાય છે. સિદ્ધાર્થ, તારા માટે ખુરશી ખેંચે છે. તારાની બરાબર સામેની ખુરશી ખેંચી પોતે બેસી જાય છે.

અર્જુન મોઢામાંથી સીટી મારતો પહેલા તારાને અને પછી સિદ્ધાર્થને જોઈ રહે છે અને પછી ગળામાં કંઈક ખરાશ બાઝી ગઈ હોય એમ ગળામાંથી અવાજ કરે છે. એની બરાબર સામે બેઠેલી તારા જાણે તંદ્રામાંથી નીકળતી હોય એમ ભાનમાં આવે છે.

તારા: (સિદ્ધાર્થ તરફ જોઈને) આ સિદ્ધાર્થ છે, મારા એક્સ સહકર્મચારી અને (અર્જુન તરફ જોતાજ)

અર્જુન: (અર્જુન પોતે બોલી ઉઠે છે) હું તારાની આજ છું. અર્જુન, અર્જુન ભાટિયા.

સિદ્ધાર્થ: (એક સેકન્ડ માટે ચૂપ થઇ જાય છે પણ તરત જ અર્જુન સાથે હાથ મિલાવતા બોલે છે) હું એની આવતીકાલ છું, જે ગઈકાલ પણ હતી અને કદાચ આજ પણ છે.(તારા સામે જોતા) હા, હવે અમે સાથે કામ નથી કરતા પણ.....

તારા: (સિદ્ધાર્થને ટોકતા) સુગરફ્રી કોફી?

સિદ્ધાર્થ: હા, મારી કોઈ પસંદ બદલાતી નથી.

અર્જુન: સિદ્ધાર્થ, તમે હેન્ડસમ છો અને તમારો અવાજ બહુ અલગ છે.

તારા: હા, એક વાર સાંભળ્યા પછી પ્રેમમાં પડી જવાય એવો.

સિદ્ધાર્થ: હા,મારો અવાજ મારા પ્રેમને પણ બહુ ગમે છે.

અર્જુન: વાહ તારા, મને તો આજે ખબર પડી કે, તું પણ ફ્લર્ટ કરી શકે છે.

સિદ્ધાર્થ: એ બીજું પણ ઘણું કરી શકે છે.

અર્જુન: પોતાની કોલ્ડ કોફીને ન્યાય આપતો, મને લાગે છે મારે હવે જવું જોઈએ, કદાચ હું કબાબમાં હડ્ડી બની રહી રહેલ છું.

તારા: હા, હું થોડી વારમાં આવું છું.

સિદ્ધાર્થ: (અર્જુનના જતા જ તારા સામે આંખોમાં આંખો નાખીને). શું એ તારી આજ છે? શું એ?

તારા: (સિદ્ધાર્થની આંખોમાં ઈર્ષા અને પ્રેમનું મિશ્રણ જોતા) ના સિદ્ધાર્થ, તારા પ્રેમ કરી ચુકી.

સિદ્ધાર્થ: (તારાનો હાથ પકડીને) કેમ જતી રહી તું મને આમ છોડીને? કેટલો તડપ્યો હું તારા વગર? મારાથી આમ નહિ જીવાય.

તારા: (આંખમાં આંસુ સાથે), હું પણ તારા વગર તડપી છું સિદ્ધાર્થ, દિવસ રાત તડપી છું.

સિદ્ધાર્થ: મને વચન આપ કે, હવે તું મન છોડીને ક્યાંય નહિ જાય?

તારા: મીરા અને બાળકો કેમ છે?

સિદ્ધાર્થ: વાત ના બદલ તારા.

તારા:આપણે છુટ્ટા પડીયે.આ બધી વાતો હમણાં નથી કરવી. મને થોડો સમય જોઈએ છે.

સિદ્ધાર્થ, તારાના માથા પર હાથ મૂકીને, એને કપાળ પર ચૂમતા કહે છે. તારે જોઈએ તેટલો સમય લઈ લે, હું અહીંયા જ છું. તારા સ્મિત કરે છે. મનમાં વિચારે છે કે એને ખબર છે મને ક્યારે શેની જરૂર છે. પાંચ વર્ષ પછી પોતાનો પ્રેમ પાછો પામીને તારા સ્વગની અનુભૂતિ કરે છે. સિદ્ધાર્થ તારાનો મોબાઈલ માંગે છે અને પોતાનો નંબર ડાયલ કરે છે. બંને હસી પડે છે. સિદ્ધાર્થે પ્રથમ વખત પણ તારાનો નંબર આવી રીતે જ લીધો હતો. કદાચ કશું જ નથી બદલાયુ. સિદ્ધાર્થ તારાનો હાથ પકડીને લિફ્ટ સુધી લઇ જાય છે.લિફ્ટ આવતા જ પાંચમાં માળનું બટન દબાવી, તારાની સાથે અંદર પ્રવેશે છે. લિફ્ટ પાંચમાં માળે પહોંચતા, તારાને ફરી એક વાર કપાળ પર કિસ કરી, એ એના રૂમમાં જાય ત્યાં સુઘી લિફ્ટની અંદર ઉભો રહે છે. તારાના રૂમનું બારણું બંધ થતા સિદ્ધાર્થ પોતાના રૂમમાં જાય છે.


તારા પોતાના રૂમમાં જતા જ સોફા પર ફસડાઈ પડે છે. પોતાના હાથને ચૂંટણી ખણતા, એક વાર ફરી પોતાની જાતને પૂછે છે કે જે બન્યું એ સત્ય હતું કે કલ્પના? સિદ્ધાર્થ એક સંપૂર્ણ પ્રેમી હતો. તારાને ક્યારે શું સાંભળવું છે, ક્યારે એને હૂંફની જરૂર છે, ક્યારે વ્હાલની જરૂર છે, એ બધું સિદ્ધાર્થ તારાથી પણ વધારે જાણતો અને સમજતો અને એટલે તો તારા સિદ્ધાર્થ વગર આટલી અધૂરી હતી. ઓહ સિદ્ધાર્થ! કેમ તું મને મારાથી પણ વધારે ઓળખે છે? કેમ તું મારા પ્રેમનું એક માત્ર ઠેકાણું છે? હવે જો હું તૂટી જઇશ તો ફરી નહિ ઉભરી શકું. તારા પોતાનું સિદ્ધાર્થને હગ કરવું, પોતાનો હાથ પકડવો, પોતાના પર હક કરવો એ યાદ કરતા મલકાઈ પડે છે. આજે આટલા વર્ષે એને સંપૂર્ણ મહેસુસ થાય છે. પ્રેમમાં હોવું એટલે તો આટલું સુંદર છે! આજુબાજુ બધું સુંદર લાગવા માંડે છે. તારા, ઘરે વિડિઓ કોલ કરે છે અને બધાની સાથે વાત કરે છે. નંદાબેનની ચકોર આંખોએ તારાના મો પર આવેલ ચમકને જોઈને પૂછી પણ લીધું કે તારા બધું બરાબર છે ને? તારાએ કહ્યું હા માં, હવે બધું બરાબર છે. પછી વાત બદલી નાખી. ફોન પતાવીને તારા ફ્રેશ થવા ગઈ. પોતાને મિરરમાં જોતી તારાને, સિદ્ધાર્થનો ચહેરો દેખાયો. પાંચ વર્ષમાં થોડા સફેદ વાળ અને રીડીગ ગ્લાસને બાદ કરીએ તો સિદ્ધાર્થ એવો જ હતો. કદાચ વધારે હેન્ડસમ લાગતો હતો. તારાને પોતાને આશ્ચર્ય થતું હતું કે એને સિદ્ધાર્થને માટે કોઈજ ગુસ્સો, કોઈજ ફરિયાદ ન હતી. એ સિદ્ધાર્થને એટલો જ, ના કદાચ પહેલાથી પણ વધારે પ્રેમ કરતી હતી. હા, એ પોતાને થયેલ તકલીફ અને દર્દને ભૂલી ન હતી પણ આજે જે થયું એ કિસ્મતે એની સાથે પહેલા પણ કર્યું હતું અને આજે ફરીથી સિધ્ધાર્થને એની ઝોળીમાં નાખી દીધો. તારાએ નક્કી કરી લીધું કે હવે એ કોઈ દર્દને પોતાની ઉપર હાવી નહિ થવા દે. સિદ્ધાર્થને જ્યારે મળશે ત્યારે હંમેશની જેમ એનો પ્રેમ જ જીતશે, એની ફરિયાદ નહીં.

ત્યાંજ એના રૂમનું ઇન્ટરકોમ વાગ્યું. એને ફોન ઉપાડીને કહ્યું બોલ, કેમ જતો રહ્યો? સામેથી જવાબ મળ્યો જતી તો તું રહી હતી, હવે નહિ જવા દઉં. Dpમાં આ બાળકી કોણ છે. તારા સિદ્ધાર્થનો અવાજ સાંભળીને ચોકી ગઈ. પણ સિધ્ધાર્થ આવો જ હતો. તારા વિશે બધુંજ જાણવા માંગતો. તારાએ કહ્યું કાલે સાંજે મળીએ. હું મળીને વિગતે જણાવીશ. તું છું ને કાલે? સિદ્ધાર્થે જવાબ આપ્યો હું તો હવે કાયમ છું. હજી એ લોકો એકબીજાની મુંબઇ થયેલી બદલીથી અજાણ છે. ઓકે કાલ સુધી તારું ધ્યાન રાખજે અને યાદ રાખજે હું તારી સાથે હમેંશા છું.

સિદ્ધાર્થનો ફોન મૂકીને તારા અર્જુનના રૂમ તરફ જાય છે. જે રીતે અર્જુન રેસ્ટોરન્ટ માંથી જતો રહ્યો હતો અને હજી સુધી એના તરફથી કોઈજ મેસેજ ન હતો એના પરથી નક્કી હતું કે એને કંઈક ખટકી રહ્યું છે અને એટલેજ તારાએ એને મળવા જવાનું નક્કી કર્યું હતું.

સિધ્ધાર્થ રૂમ પર આવીને ઘરે વિડિઓ કોલ પર વાત કરી ચુક્યો હતો. મીરાએ સિદ્ધાર્થના મોઢા પર કંઈક જુદીજ ચમક જોઈને પૂછ્યું પણ ખરું કે, તું ઘણો ખુશ લાગે છે જેનો સિદ્ધાર્થે કોઈ જવાબ ન આપ્યો. ફ્રેશ થયા પછી, પોતાના મોબાઇલ પર તારાના dp ને જોતા એ તારાના વિચારોમાં ખોવાઈ ગયો. પાંચ વર્ષમાં એની હેર સ્ટાઇલ સિવાય કંઈજ નથી બદલાયું. એણે તારાની આંખોમાં પોતાના માટે એજ લાગણી જોઈ હતી. હા અર્જુન વિશે અને dpમાં રહેલા બાળકીના ફોટો વિશે એને ચોક્કસ જાણવું હતું પણ અત્યારે એ પોતાની તારાને ખૂબ પ્રેમ આપવા માંગતો હતો જાણે પાંચ વર્ષનો હિસાબ ચૂકવવા માંગતો હોય. સિદ્ધાર્થ કાલની રાહ જોવા માંડ્યો. એને તારા પાસેથી એ પાંચ વર્ષની દરેક ક્ષણ વિશે જાણવું હતું. પોતાના વિશે કહેવું હતું. આજે કેટલા વર્ષે એને ઊંઘ આવતી હોય એવું લાગ્યું. એ તારાના ફોટાને જોતા સુઈ ગયો.

તારા અર્જુનને સિધ્ધાર્થ વિશે જણાવશે? અર્જુનનું શુ રિએકશન હશે? સિધ્ધાર્થ અને તારાની મુલાકાત કેવી હશે?
વાંચતા રહો અધુરો પ્રેમ(સીઝન ૨).

✍️CA આનલ ગોસ્વામી વર્મા
તમારા પ્રતિભાવની પ્રતીક્ષામાં
💐💐💐









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED