વનપરી Hetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

વનપરી

વિશાળ વડદાદાની બખોલમાં બેઠેલી પારિજાત પોતાના સપનાને કોસી રહી હતી.
નાનપણથી જ એ પોતાને વનપરી માનતી અને ફૂલોનો મુગટ, ફૂલોના ઘરેણાં પહેરવા એને ખૂબજ ગમતાં. એના પિતા જ્યારે પણ ક્યાં ફરવા જવું છે એમ પૂછતાં ત્યારે પારિજાત ફ્ટ દઈને એકજ જવાબ આપતી જંગલમાં.
નામ પ્રમાણે જ ખૂબ જ નાજુક નમણી હતી પારિજાત .ખૂબ જ માસૂમ ચહેરો, લાંબા લીસા ઝાડની ઘટા જેવા વાળ. હરણી જેવી આંખો,સુરખાબ સરખી ગ્રીવા , સસલાં જેવી ભોળી પારિજાતનું ગાતા ગાતોળ જેવું હાસ્ય સાંભળીને જાણે જંગલ જીંવત થતું હોય એવું લાગે.
ઉંમર થતાં એના પિતાએ એના માટે યોગ્ય જીવનસાથી શોધવાની શરૂઆત કરી. ઘણા યુવકો જોયા પછી એમનું મન વનરાજ પર ઠર્યું જે એક ફોરેસ્ટ ઓફિસર હતો.
વનરાજ ની લગભગ સાડા છ ફૂટ હાઈટ હતી.સપ્રમાણ કસાયેલું શરીર, મીલેટ્રીક્ટ વાળ, લીંબુની ફાડ જેવી આંખો ,અણીયાળી મૂછો એના રૂઆબ માં વધારો કરતી હતી. તેને બધા રાજ કહીને બોલવામાં.તેનું મૂળવતન સુરેન્દ્રનગર હતું.
રવિવારના દિવસે વનરાજ, એના મમ્મી અને પપ્પા પારિજાતને જોવા આવ્યા. પારિજાત તો કોઇને પણ ગમી જાય એવી હતી. પારિજાતને પણ વનરાજ ગમી ગયો એનું મુખ્ય કારણ એ ફોરેસ્ટ ઓફિસર હતો. ત્રણ મહિના પછી લગ્ન લેવાયા.
દુલ્હનના વેશમાં પારિજાત જાણે વર્ષા ઋતુમાં વનરાજી ઓઢીને શોભતી ધરા જેવી લાગી રહી હતી. લગ્ન પછી અઠવાડિયું સુરેન્દ્નનગર રહીને જ્યાં વનરાજની ડ્યુટી હતી ત્યાં જવા નીકળ્યા. જંગલમાં જ રહેવાનું હતુ એથી પારિજાત બેહદ ખુશ હતી.
એમની કાર જંગલમાં પ્રવેશી. કાચા ઉબડખાબડ રસ્તા પર કાર ઉછળતી હતી. આમ તેમ વળાંકોના કારણે વારેવારે તે વનરાજને અથડાતી હતી. તે અલગ જ સંવેદના અનુભવી રહી હતી પણ રાજ તો એના કામના વિચારોમાં ખોવાયેલો હતો.
સામે એક ખુલ્લી જગ્યા આવી .ગાડી બ્રેક મારીને ઉભી રહી. પારિજાત અને રાજ નીચે ઉતર્યાં. પારિજાત તો ઉતરીને જાણે સપનું જોતી હોય તેમ બધું જોવામાં ખોવાઈ ગઈ. સામે નળીયાવાળુ બેઠા ઘાટનું ચાર રૂમનું ઘર હતું. એક બાજુ મોટો વડ હતો એની નીચે સિમેન્ટનો ઓટલો ચણેલો હતો. ચારેય બાજુ મોટાં મોટાં ઝાડ ઉભા હતા એટલે બધે જ છાંયડો હતો. ઘરની બહાર લાઇનસર લાલ કલરના કુંડા ગોઠવેલા હતાં.જેમાં જાસૂદ ,ચાંદની, મોગરો જેવા અનેક ફૂલ છોડ વાવેલાં હતા.રાજ તો ઉતરીને અંદર જતો રહ્યો. અંદરથી એક માણસ આવીને સમાન લઈ ગયો. પારિજાત ગોળ ગોળ ફરીને બધું જોઈ રહી હતી આજે એ ખરેખર એક જીવતા જંગલમાં કાયમ માટે રહેવા આવી ગઈ હતી.
રાજ અંદરથી પોતાની બાઈકની ચાવી લઈને બહાર આવ્યો. એણે એક કેડી જે જંગલ તરફ જતી હતી એ બાજુ બાઇક ભગાવી. પારિજાત સ્તબ્ધ બની ગઈ. અરે મને અંદર પણ ના લઇ ગયા કશું બોલ્યા , કહ્યાં વગર જતાં પણ રહ્યા. આ થોડા દિવસમાં એણે અનુભવ્યું હતું કે રાજને જાણે એનામાં કોઈ રસ જ નથી. એ થોડી ઉદાસ થઈ ગઈ. એ જાતે જ અંદર ચાલી. અંદર પ્રવેશતાં જ વચ્ચે મોટો ચોક હતો આજુબાજુ ચાર ઓરડા હતાં.
"હાં હાં ઉભા રયો વહુ દિકરાં "
કહેતાં એક પંચાવન સાઇઠ વર્ષના જાજરમાન માડી હાથમાં લોટોને આરતી લઈને આવતા દેખાયા.
પારિજાત અટકી ગઈ. માડીએ પારિજાતની નજર ઉતારી અને આરતી કરી.
"હવે આવ બેટાં. આ ઘર તારુ છે ને તારે સાચવવાનું છે."
પારિજાત અંદર આવીને માડીને પગે લાગી.
"સુખી રે'જો દિકરા " કહી માડીએ ઓવારણાં લીધાં. હાથ પકડીને એમણે આખું ઘર બતાવ્યું.
"મારુ નામ સીતા હું અહી રાજસાહેબ માટે રસોઈ કરૂં છું અને તમારૂ નામ શું બેટાં ?"
"પારિજાત "
" ઓહો પારિજાત તો પછવાડે ખૂબ જ ફોર્યું છે. પણ હું તો તને પરી જ કહીશ. વનની પરી"
સાંભળીને પારિજાત શરમાઇ ગઇ.
"તમે આરામ કરો હું રસોઈ બનાઈ દઉં."
"અરે હું પણ મદદ કરીશ"
"ના બેટાં તમારે શું કામ કરવી પડે હું છું ને. અને રાજ સાહેબને બધુ એકદમ વ્યવસ્થિત જોઈએ થોડું પણ આઘુપાછું હોય તો આવી બન્યું જ સમજો. આમ બહુ સારા છે પણ કડક પણ એટલાં જ. ગુસ્સે થાય ત્યારે કોઈનાય નહીં પણ હવે તમે આવી ગયા છે એટલે એ થોડા નરમ પડશે."
પારિજાત સાંભળીને ગભરાઈ.એને કોઈ દિવસ ઊંચા અવાજે કોઈએ કશું કહયું ન હતું. એ ધીરે પગલે રૂમમાં ગઈ. જંગલમાં રહેવાનો આનંદ વિસરાઇ ગયો. એણે એના અને રાજના કપડાં કબાટમાં ગોઠવ્યા. એને વાંચવાનો ખૂબ શોખ હોવાથી થોડી બુક્સ સાથે લાવી હતી જે સામે મૂકેલા સેલ્ફમાં ગોઠવ્યા.પછી થોડી વાર પલંગમાં આડી પડી.ત્યાં એને બાઈકનો અવાજ આવ્યો.તે દોડતી બહાર ગઈ. રાજે એની સામું જોયું ના જોયું ને રૂમમાં ચાલ્યો ગયો.થોડીવારમાં એણે એકદમ ત્રાડ પાડી.
"સીતાબેન.......'
સીતામા અને પારિજાત દોડતા રૂમમાં આવ્યા. જોયું તો બધા કપડાં કબાટની બહાર હતા. પારિજાતની બુક્સ પણ નીચે ફેંકાઈ ગઈ હતી.
"આ બધું કોણે કર્યું ? કોણ મારા કબાટને અડ્યું "
પરિજાત તો ઝાડના પત્તા જેમ થર થર કાંપવા લાગી.
"સાહેબ એ ' તો વહુરાણીને ખબર નહીં હોય એટલે .."
"તો સમજાવી દો એને મારી કોઈ વસ્તુને અડે નહીં એ "વચ્ચેથી વાત કાપતા વનરાજ બોલ્યો
'હા હા સમજાવી દઈશ."
પારિજાતની આંખમાં આંસુ ધસી આવ્યા.
"જમવાનું તૈયાર છે ?"
"હા હમણાં જ પીરસી દઉં."
સીતાબાએ દોડીને થાળી પીરસીને ટેબલ પર મૂકી. વનરાજ એકલો જ જમી રહ્યો હતો. પારિજાત એકબાજુ સંકોચાઈને ઉભી રહી.એને પૂછવાની યે જરૂર ના લાગી રાજને. જમીને એ ફરી બહાર જતો રહ્યો.
પારિજાત અને સીતામા એ રૂમ ફરી ગોઠવ્યો. પારિજાતને તો શું કરવું એ જ સમજણ ન હતી પડતી.
"સાહેબ થોડા કડક છે પણ અંદરથી માખણ જેવાં મુલાયમ પણ છે હોં બધું થોડા દિવસમાં સરખું થઇ જશે હોં ચિંતા ના કરતાં દીકરાં "
પારિજાત સીતામાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
જ્યારે પણ વનરાજ ઘરમાં હોય પારિજાત ભયના ઓથાર નીચે ફફડતી રહેતી. એને એ જ ડર રહેતો કે ક્યાંક કોઈક ભૂલ થઈ ગઈ તો મારૂ આવી બનશે.
એના મમ્મી પપ્પાનો ફોન આવતો ત્યારે હમેંશા કહેતી કે
"હું અહીં ખૂબ જ ખુશ છું. વનરાજ મારો ખૂબ જ ખ્યાલ રાખે છે."
એને ખોટું બોલવું ગમતું નહીં પણ એને ખબર હતી કે સાચું જણાવીશ તો માબાપ ને ખૂબ જ દુઃખ થશે.
પારિજાતે હવે પોતાને અહીંના વાતાવરણ પ્રમાણે ઢાળી દીધી હતી, એ વધારે સમય ફૂલ છોડની માવજતમાં ગાળતી. ઘરની પાછળ એણે માળી પાસે શાકભાજી ઉગાવડાવ્યા. એ જાતે બધાની દેખરેખ રાખતી.એ ઝાડ પાન સાથે વાતો કરતી રહેતી. આ કારણે ઘણા એને અસ્થિર મગજની ગણવા લાગ્યા પણ ફક્ત સીતામા જ એની પરિસ્થિતિ જાણતા હતા.વનરાજ ઘરમાં હોય એટલો સમય એ સીતામાની પાછળ સંતાઈ રહેતી.
એની કાળજીભરી માવજતના કારણે ઘરની ચારે બાજુ રંગબેરંગી ફૂલો અને વનરાજીની આખું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. એણે એકબાજુ પક્ષીઓ માટે જાળીની દિવાલો કરીને વચ્ચે ચણ નાંખવાનું ચાલુ કર્યું. એમાં અનેક પ્રકારના પક્ષી આવતાં ઘણાબધા મોર આવતાં પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠતું . સવારે મોર ગહેકતો ત્યારે ખૂબ જ આહલાદક વાતાવરણ બની જતું. મોર કળા કરીને નાચતો એ જોઈ પારિજાત પણ નાચી ઉઠતી. મોર પણ જાણે પારિજાતનો આભાર વ્યક્ત કરતો હોય તેમ પોતાનાં પીછાં ખંખેરતો. પારિજાત બધા પીંછા એકઠા કરી લેતી.
વનરાજ એક દિવસ નવરો હતો એ બહાર વરંડામાં નાંખેલાં ટેબલ ખુરશી પર ચા નાસ્તો કરવા બેઠો. આજે એનું ધ્યાન આ બદલાવ પર પડ્યું એણે સીતામાને બૂમ પાડીને બોલવ્યા.
"સીતાબેન આ માળીએ બહુ મહેનત કરી લાગે છે. જુઓ તો ખરા કેટલા સરસ બધા ફૂલછોડ થઈ ગયા છે. ઝાડ પણ સારા વધ્યા છે.
સીતાબેને જોયું કે આજે વનરાજ થોડો સારા મૂડમાં છે.
"સાહેબ આ બધું તો વહુ બેટાંના કારણે છે એ ખૂબ જ માવજત કરે છે.'
"એમ'
"હા."
પારિજાત બારણા પાછળથી સાંભળીને ફફડી રહી હતી કે હમણાં મારૂ આવી બનશે.
"બોલાવો તો એને "
સીતામા અંદર પાર જાતને લેવા ગયા. એ ડરતી હતી પણ સીતામા એ એને સમજાવી કે સાહેબ ગુસ્સામાં નથી ખુશ છે.
પારિજાત ફફડતી ફફડતી આવીને વનરાજ સામે નીચી નજર કરી ઉભી રહી. એને વનરાજ સામું જોવામાં પણ ડર લાગતો હતો.
"સરસ કામ કર્યું છે તેં હોં છોકરી'
સાંભળીને ખુશ થવું કે દુઃખીએ જ પારિજાતને ખબર ના પડી. મારા પતિને મારૂ નામ પણ ખબર નથી .એની આંખમાં આંસુ આવી ગયા.
થોડીવારમાં વનરાજને વાયરલેસ પર કોલ આવ્યો એટલે બાઈક પર બેસીને જતો રહ્યો. પારિજાત ધીમેથી વડલા પાસે આવી. વડલાંને ભેટીને ખૂબ રડી. એણે વડલાંને પોતાનું બધું જ દુઃખ કહ્યું .વડદાદા પણ જાણે પોતાની પૌત્રીને વહાલ કરતા હોય તેમ ડાળીઓ એના માથે જળુંબતી હતી.થોડી વાર પછી પારિજાત સ્વસ્થ થઈ એને લાગ્યું કે એ ખૂબ જ હળવી થઈ ગઈ. એ ખુશ થઈ ગઈ. વડના થડને ભેટીને બોલી
"દાદા તમે મારા મનનો બધો ભાર લઈ લીધો. એને લાગ્યું જાણે વડ એની સાથે વાતો કરી રહ્યો છે. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. એ બધી જ વાતો કરતી જાણે એના દાદા જોડે વાતો કરતી હોય એમ.
એક દિવસ સીતામા માંદા પડ્યા. એમણે પારિજાતને કહ્યું
"આજે તમે રસોઈ કરી દો '
"ના ના હું નહીં કરુ ક્યાંક મારી રસોઈના ભાવી તો !" પારિજાત એકદમ ગભરાઇને બોલી.
"અરે આવશે ને જમવાનું તૈયાર નહીં હોય તો મને લડશે.."
બન્ને વિચારમાં પડ્યા.
"વહુ બેટાં આપણે એવું કરીયે રસોઈ તમે બનાવો સહેબને આપણે કશું કહીશું નહીં . નહી ભાવે તો હું કહી દઈશ કે મારી તબિયત સારી નહતી એટલે આવું થયું. "
પારિજાતને આઇડ્યા ગમ્યો પણ એને સીતામાની ચિંતા થઈ.
" અરે તમે ચિંતા ના કરો સાહેબ મને કંઈ નહીં કહે."
પારિજાત સમજી ગઇ. એ પાછળથી તાજા શાકભાજી લઈ આવી. કાળજીથી રસોઈ કરવા લાગી. આજે એ ખૂબ આનંદમાં હતી કારણ કે રસોઈ કરવી એનો પ્રિય શોખ હતો. જોકે થોડો ડર પણ હતો.થોડીવારમાં એણે દાળભાત પુરીશાક કચુંબર ચટણી છાશ અને શીરો બધું તૈયાર કરી દીધું. સીતામાને પણ આદુ તુલસીનો ઉકાળો પીવડાવ્યો.
સમય થતાં વનરાજ આવ્યો. એને ઘરમાંથી આજે રસોઈની અલગ જ સુગંધ આવી રહી હતી. આવી સોડમથી એની ભૂખ વધુ ઉઘડી.
હાથ મ્હોં ધોઈને ટેબલ પર આવતાં જ બોલ્યો.
"સીતાબેન જલ્દી જમવાનું લાવો આજે તો ખૂબ સરસ સુગંધ આવે છે."
સાંભળીને બન્નેને થોડી હાંશ થઈ. સીતામા થાળી પીરસીને લાવ્યા.
વનરાજે જોયું કે આજે થાળી વ્યવસ્થિત સજાવેલી હતી. એણે ખાવાનું ચાલું કર્યું આહા કેટલા દિવસો પછી આવું સ્વાદિષ્ટ ભોજન મળ્યું.થોડુ વધારે જ ખવાઈ ગયું .જમવાનું પૂરું કરી હાથ ધોતાં બોલ્યો.
"સીતાબેન આજે તો તમે કમાલ કરી નાંખી હો' અસલ મારી મા બનાવતી હતી એના જેવું જમવાનું બનાવ્યું છે."
સીતામા બોલ્યા
"સાહેબ ગુસ્સે ના થાવ તો એક વાત કહું"
"હા હા કહોને "વનરાજ ઘણે દિવસે સારા મૂડમાં હતો.
"આજે મારી તબિયત સારી ન હતી એટલે પરિવહુએ જમવાનું બનાવ્યું છે."
પારિજાત ગભરાઇ ખલાસ હમણાં વનરાજનો ગુસ્સો ફાટશે. પણ એવું કંઈ ના થયું.
"એમ એ છોકરીને જમવાનું બનાવતાં પણ આવડે છે ? સારૂ ત્યારે એને કહેજો રોજ એજ બનાવે તમને પણ થોડો આરામ મળે "
સાંભળીને પારિજાતનું મન મોરની જેમ નાચવા લાગ્યું.
એ દોડતી ગઈ વડલાં પાસે અને બધું કહી સંભળાવ્યું .વડદાદા પણ આનંદમાં ઝૂલવા લાગ્યાં.
એક દિવસ સીતામા અને પારિજાત વડલાં હેઠે બેઠા હતા. સીતામા પારિજાતના ઘાટા વાળમાં તેલની માલીશ કરી રહ્યાં હતાં. ત્યારે પારિજાતે એમને પૂછયું
" સીતામા વનરાજ આટલાં ગુસ્સાવાળા કેમ હશે?"
"બેટાં પહેલા તો સાહેબ ખૂબ જ ખુશમિજાજ હતા .આ બધુ પેલી છોકરીને કારણે થયું."
"કઈ છોકરી?'
સીતામા કહેવું કે ના કહેવું એની અવઢવમાં પડ્યા.
"કહોને સીતામા મારાથી કશું છુપાવશો નહીં. ઉલ્ટાનું હું જાણીશ તો વનરાજને મારે કેમ મનાવવા એની સમજણ પડશે."
સીતામાએ નિશ્વાસ નાંખ્યો.
"થોડા સમય પહેલાં સાહેબને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. એકવાર એ અહીં જંગલ જોવા આવી હશે .કોઈ મોટા સાહેબની દીકરી હતી એટલે ખાસ ભલામણથી આપણા સાહેબની જીપમાં એને ફેરવવાની હતી. સાહેબે એને ત્રણ ચાર દિવસ ફેરવી લગભગ બધા જ પશુપક્ષી બતાવી દીધા. એ ખૂબ ખુશ હતી. ફરી બીજા મહિને પણ આવી. ફરી બન્ને આખો દિવસ જંગલમાં રખડતાં .અહીં આપણા ઘરે પણ ઘણીવાર રોકાતી.પણ સાહેબ ખૂબ જ આમન્યા જાળવતાં. પેલી સાહેબને અડી અડીને વાતો કરતી પણ સાહેબ કદી એમની હદ નહતા ચૂકતા. વારંવાર એ અહીં આવતી એને સાહેબ ખૂબ ગમતાં ધીરે ધીરે બન્નેમાં પ્રેમ થઈ ગયો.એક દિવસ એ છોકરીના માબાપ આવ્યા તે લોકો ખૂબ જ ગુસ્સામાં હતાં. એ લોકોએ સાહેબને ખૂબ ધમકાવ્યા. અમારી છોકરીને તેં ફસાવી છે એવું કહી ઘણું ના બોલવાનું બોલ્યા. સાહેબ
મૂંગે મ્હોંએ બધું સાંભળી રહ્યા. પછી શાંતિથી બોલ્યા.
"આપ આપની દિકરીને પૂછી જુઓ એણે જ સામેથી મારો સાથ માગ્યો છે ""
"અમારી દિકરીનું નામ તારા મોઢે સંભળાવું ના જોઈએ. એણે જ અમને કહ્યું છે કે તેં એને ફોંસલાવીને પટાવી છે."
સાહેબ તો હેબતાઈ ગયા.
"હું માનવા તૈયાર નથી."
"તો લે કર વાત" કહી એના બાપે પેલી છોકરીને ફોન લગાયો.
સામેથી પેલી શું બોલી ખબર નથી પણ ત્યારે સાહેબ પથ્થર જેવા થઈ ગયા. કશું બોલી ના શક્યા પણ તેમની આંખમાં આંસુ આવી ગયા હતી. બસ એ ઘડીને આજનો દાડો સાહેબ એક જીવતી લાશ બની ગયા. એક નઠારી છોકરીના કારણે હસતો રમતો ખેલદીલ માણસ પથ્થર બની ગયો.ત્યારથી તેમને સ્ત્રીઓ પ્રત્યે નફરત થઈ ગઈ છે. એ તો પરણવા જ નહોતા માંગતા પણ તેમના માબાપુએ એમના સમ દઇને પરણાવ્યા."
"ઓહ એમ વાત છે. કરે કોઈને ભરે કોઈ "
"પણ મને વિશ્વાસ છે બેટાં કે તમે એમને પહેલાં જેવા કરી શકશો."
પારિજાત પોતાની જાતને પૂછી રહી શું હું કરી શકીશ?
એક દિવસ વનરાજ ઘણો મોડો આવ્યો. પારિજાતે બારણું ખોલ્યું , એણે જોયું કે વનરાજ લથડીયાં ખાતો હતો. એણે ટેકો આપ્યો. એને ખ્યાલ આવી ગયો કે વનરાજ આજે નશો કરીને આવ્યો છે. કંઈક અસ્પષ્ટ બોલી રહ્યો હતો. પણ પારિજાત સમજી ગઇ કે નશામાં એ પેલી છોકરી સાથે વાતો કરી રહ્યો હતો.એણે હળવેથી એને રૂમમાં લાવી પલંગ પર સુવડાવ્યો. બૂટ ઉતાર્યા અને ઓઢવાનું ઓઢાડી પોતાના સામે મૂકેલા પલંગ પર સૂવા જતી હતી ત્યાં વનરાજે એને બાવળેથી પકડી.
"ક્યાં જાય છે મને છોડીને ના જા પ્લીઝ " કહીને પારિજાતને એણે ખેંચી. પારિજાતે છૂટવા ઘણા પ્રયત્નો કર્યાં પણ એ વનરાજના બાહુપાશમાંથી છૂટી ના શકી. વનરાજ એને પ્રેમ કરવા લાગ્યો. પારિજાતને ખબર હતી કે એનો પતિ એને બીજી કોઈ સમજીને પ્રેમ કરી રહ્યો છે. પણ એ બેબસ હતી.થોડીવાર એણે પ્રતિકાર કર્યો પણ પછી એ પણ વનરાજના પ્રેમમાં તણાવા લાગી. આટલાં દિવસનો વિરહ પળમાં પીગળવા લાગ્યો. આજે વનરાજે એને મનભરીને પ્રેમ કર્યો. પારિજાતે પણ એટલા જ ઉમળકાથી પ્રેમ કર્યો.
સવારે વનરાજની આંખ ખૂલી ત્યારે તેને માથું ભારે લાગતું હતું. એણે બાજુમાં નજર કરી તો પારિજાત ઘસઘસાટ ઊંઘતી હતી. એના માસૂમ ચહેરા પર આજે પહેલીવાર વનરાજને વહાલ ઉપજ્યું.પણ બીજી જ ક્ષણે એણે ત્રાડ પાડી.
"તું અહીં કેમ ઊંઘે છે?"
પારિજાત ગભરાઇને ઉભી થઈ ગઈ.એ કંઈક બોલવા ગઈ પણ વનરાજે એને બોલવા ના દીધી.
"સા....સ્ત્રીજાત કમજાત જ હોય "
પારિજાતે પોતાના કાન પર હાથ મૂકી દીધા. સીતામા પણ સાંભળીને દોડી આવ્યાં. પારિજાત દોડતી બહાર નીકળીને સીતામાં ને ચોંટી પડી હીબકાં ભરીને રડવા લાગી. સીતામાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. વનરાજ ગુસ્સામાં બાઈક ભગાવીને નીકળી ગયો. સીતામા ક્યાંય સુધી પારિજાતને છાની રાખવા મથતાં રહ્યાં.
આ બનાવ પછી પારિજાત જાણે હસવા બોલવાનું ભૂલી જ ગઇ હવે તેને બધામાંથી રસ ઉડી ગયો. આખો દિવસ વડની બખોલમાં બેસી રહેતી.એણે રસોઈ કરવાનું, બાગમાં કામ કરવાનું, ચકલાને ચણ નાંખવાનું બધું જ બંધ કરી દીધું. સીતામાને એની ખૂબ જ ચિંતા થવા લાગી. વનરાજને જાણે કોઈ જ ફરક પડતો ન હતો.
એક દિવસ પારિજાતની તબિયત બગડી.સીતામા ડોક્ટરને બોલાવી લાવ્યા. ડોકટરે કહ્યું
"સાહેબને કહેજો પેંડા ખવડાવે . પારિજાત માં બનવાની છે. "
સીતામા તો ખુશીથી ઉછળી પડ્યાં.
"સાહેબ બહારગામ ગયા છે બે દિવસમાં આવશે."
સીતામાએ પારિજાતની નજર ઉતારી.
"હવે બધું જ સારૂ થઈ જશે હોં "
પારિજાત સીતામા સામુ અસ્પૃહ નજરે જોઈ રહી.
બે દિવસ પછી રાતે વનરાજ ઘરે આવ્યો. પારિજાતે બારણું ખોલ્યું. ચૂપચાપ પોતાના પલંગ પર જઈને સૂઈ ગઈ. વનરાજે પણ કંઈ દરકાર ના કરી એ પણ સૂઈ ગયો.
સવારે ઉઠીને તૈયાર થઈને ટેબલ પર બેઠો. એણે જોયું કે સીતામા હસી રહ્યા હતા.
"કેમ સીતાબેન આજે બહુ ખુશ દેખાવ છો? લોટરી લાગી કે શું?"
"હા લોટરી જ લાગી છે પણ રૂપિયાની નહીં ભગવાનના ત્યાંથી "
"એટલે?"
" સાહેબ આપણા ત્યાં નાનકડાં મહેમાન આવવાના છે."
"કોણ? ગોળ ગોળ ના વાતો કરો."
"લો તારે કહી દઉ. આપણા પરિવહુ મા બનવાના છે. બાળગોપાળ પધારવાના છે.'
વનરાજના હાથમાં કપ અધ્ધર જ રહી ગયો.
"ના હોય પણ કેવી રીતે?"
સીતામા મ્હોં પર સાડલાનો છેડો દબાવીને જતા રહ્યા.
ઑહ વનરાજની સમજમાં આવ્યું. પેલા દિવસે નશાની હાલતમાં કરેલી ભૂલનું પરિણામ. વનરાજ વિચારતો રહ્યો કે આ શું થઈ ગયું. એટલામાં સીતામા દોડતા દોડતા આવ્યા.
"સાહેબ પરીવહુ ક્યાંય દેખાતા નથી." એમના અવાજમાં ઉચાટ અને ચિંતા હતી.
"હશે ક્યાંક આટલામાં જુઓ પેલા વડને વળગીને ઉભી હશે."
"ક્યાંય નથી મેં જોયું '
વનરાજ ઉભો થયો .બધા બધે ફરી વળ્યા. પારિજાત ક્યાંય નહોતી. વનરાજે વાયરલેસ પર બધાને સંદેશો આપ્યો. ક્યાંયથી પત્તો મળ્યો નહીં. રાત પડી પણ પારિજાતના ક્યાંયથી સમાચાર મળ્યા નહીં.
હવે વનરાજને પણ ચિંતા થવા લાગી. ચારેય બાજુ માણસો શોધવા નીકળી પડ્યા. એક ફોરેસ્ટ ઓફિસરની પત્ની જંગલમાંથી મળતી નહતી એ આશ્ચર્ય હતું. બધા હાંફળાફાંફળા થઈ ગયા. હેલીકોપ્ટરથી પણ તપાસ ચાલુ કરી. ક્યાંય કોઈ સગડ ના મળ્યા. પારિજાતને જાણે વન ગળી ગયું.
એકલાં વડને ખબર હતી પારિજાત કયાં છે.જતાં પહેલાં પારિજાત વડને વળગીને ખૂબ રડી પોતાનું દુ:ખ સંભળાવીને ચાલી ગઈ.
મહિનાઓ વીતવા લાગ્યાં. વનરાજને હવે પોતાની ભૂલ સમજાઇ પારિજાતની ગેરહાજરી સાલવા લાગી. હતી ત્યારે મેં એની કદર કરી નહીં. અરે મારો પોતાનો અંશ પણ એની સાથે છે.એક વાર પણ મને કહ્યું નહીં એણે. એમાં એનો પણ વાંક નથી મેં ક્યાં એની સાથે પ્રેમથી કે પ્રેમ વગર પણ વાત કરી છે .એ હમેંશા મારાથી ડરતી રહેતી. મને એમાં આનંદ મળતો કે હું સ્ત્રી જાતને સજા આપું છું .પણ એકે કરેલા પાપની સજા હું બીજાને આપતો રહ્યો.એટલે જ ભગવાને મારો અંશ મારી પાસેથી છીનવી લીધો.
વનરાજ આંસુ સારતો રહેતો. સીતામા પણ દુ:ખી રહેતા. વર્ષોથી અડીખમ વડ પણ હવે પૌત્રીના વિરહમાં સૂકાતો જતો હતો.
એક દિવસ સવારમાં સીતામાને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. પહેલા તો એમને લાગ્યું મને કોઈ ભ્રમ થયો લાગે છે પણ સતત અવાજ આવતાં એ ઉભાં થયા. બહાર નીકળ્યા.વનરાજને પણ અવાજ સંભળાતા બહાર આવ્યો. અવાજ વડની દિશામાંથી આવતો હતો. બન્નેએ ત્યાં જઈને જોયું તો વડની બખોલમાં એક નવજાત શિશું કેળના પાનમાં લપેટેલું હતું એ રડી રહ્યું હતું. બન્ને વિમાસણમાં પડી ગયા કે આ બાળક અહીં કોણ મૂકી ગયું. સીતામાએ આસ્તેથી એને ઉચક્યું તો શાંત થઈ ગયું ત્યાં બન્નેની નજર બાજુમાં પડેલા બીજા કેળના પાન પર ગઈ.તેના પર કંઈક લખેલું હતું. વનરાજે ઉપાડયું. એણે જોયું તો પાન પર લાકડીથી કશાક વડે લખેલું હતું.
એણે વાંચવાનું ચાલુ કર્યું.
કોઈ સંબધ જ ન હોવાથી વગર સંબોધને લખી રહી છું આ તમારો દીકરો તમને સોંપી રહી છું. તમારી રાખવાની ઇચ્છા હોય તો રાખજો નહીં તો સીતામાને આપી દીજો.
પ્રિય સીતામા
તમે મને યાદ કરતાં જ હશો. જો મારો દીકરો તમને સોંપવામાં આવે તો એનું શું કરવું એ હું તમારા પર છોડું છુ. બની શકે તો કોઈ એવા દંપતીને આપજો જે સંતાનના વિરહમાં ઝૂરતું હોય. તમે દુ:ખી ના થતા હું અહીં ખુબ ખૂશ છું જંગલ મારૂ ખૂબ ધ્યાન રાખે છે.
વનપરી
વાંચીને વનરાજ ભાંગી પડ્યો. સીતામા એ એનાં બરડે હાથ ફેરવ્યો.
"સાહેબ આનું શું કરવું છે ?'
વનરાજે દીકરા સામે જોયું .એકદમ પારિજાતની પ્રતિકૃતિ હતો. વનરાજ એને ગળે લગાવી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.
સીતામા અને વનરાજનો મોટાભાગનો સમય દીકરાને ઉછેરવામાં જવા લાગ્યો.તેનું નામ પરીન પાડ્યું પારિજાત અને વનરાજનો સમન્વય . હવે વડલાંમાં પણ નવી કુંપળો ફૂટવા લાગી.પરીન ને પણ વડની નીચે જ રમવું ગમતું સીતામા અંદર લઇ જાય તો રડવા લાગતો. વનરાજ લાડમાં કહેતો
"એકદમ એની મા પર ગયો છે જંગલી"
પછી એ પણ વડલાના ઓટલે' બેસીને જંગલ તરફ જોઈ રહેતો ને વિચારતો આખું જંગલ ખૂંદી વળુ છું તો પણ પારિજાત કેમ મળતી નથી.

જેને જંગેલે પોતે છુપાવી હોય એને કોઈ ક્યાંથી શોધી શકે.
વડની ડાળીઓ ઝૂકીને પરીન અને વનરાજના માથે વહાલ વરસાવી રહી હતી.
હેતલ પટેલ