નીલકમલ Hetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીલકમલ

આકાશમાં ધીરે ધીરે ગુલાબી રંગ છવાઈ રહ્યો હતો. કમલ પોતાના ઘરના આંગણામાં મુકેલા ઝૂલા પર બેસીને સૂર્યાસ્તના બદલાતા રંગ પોતાની આંખોમાં ભરી રહી હતી. આકાશના ગુલાબી રંગ જેવો જ કુરતો પહેરીને ઝૂલા પર હળવી ઠેસ મારીને ઝૂલી રહી હતી .હિંચકો એની પ્રિય જગ્યા હતી અને સૂર્ય અસ્ત થતા જોવો તે તેનું પ્રિય કામ હતુ .
આરસમાંથી કોતરેલી એક જીવંત મૂર્તિ સમી હતી કમલ. બેદાગ ચહેરો સપ્રમાણ ઉંચાઈ, લાંબા રેશમી વાળ , લાંબી કોડીયો જેવી આંખો, ચહેરા પ્રમાણે ધનુષ આકારે ગોઠવાયેલા હોઠ અને તેમાં તેના વાંકાચૂકા દાંત એક અનોખું સૌંદર્ય પૂરતા હતા.
નાનપણથી જ કામ કરવાની એની આદતને કારણે તેનું શરીર પણ કસાયેલું હતું. સૌથી સુંદર તેનો સ્વભાવ હતો. હંમેશા હસતા રહેવું અને બીજાને હસાવતારહેવુ ,જરૂરતમંદોને સહાય કરવી ,ઘરડાઓની મદદ કરવી, નાના બાળકો ને કંઈક વહેંચવું એમાં તેને ખૂબ આનંદ મળતો. તે તેના માતા પિતા નું એકમાત્ર સંતાન હતી. તેનો પરિવાર મધ્યમ વર્ગનો હતો. કમલ ભણવામાં ખૂબ મન લગાવીને ભણી રહી હતી. તેને ડોક્ટર બનીને એવા લોકોની સેવા કરવી હતી જેઓ રૂપિયાના અભાવે ઈલાજ નહોતા કરાવી શકતા. કમલ ભણતી પણ ઝૂલા પર બેસીને.

ત્યાં જ તેની મમ્મી એ બૂમ પાડી

'કમલ નેહાનો ફોન છે' નેહા કમલની ફ્રેન્ડ હતી.

બંને વચ્ચે આભ જમીનનો તફાવત હતો તોપણ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. નેહા ખુબજ શ્રીમંત પરિવારમાં ઉછરેલી હતી. તેને કમલ સાથે ખૂબ જ ગમતું કારણકે નેહા ને કોઇ પણ વખત સાચા અભિપ્રાયની જરૂર હોય ત્યારે તે કમલ ને જ પૂછતી. કમલ હંમેશા સાચું જ બોલતી . સાચું બોલવામાં તેને કોઈનો ડર લાગતો નહીં .જ્યારે બીજા બધા નેહા ની શ્રીમંતાઈ ના કારણે ખોટી વાહ વાહ કરતા. નેહા આ વાત જાણતી હતી એટલે તે હંમેશા કમલ ના નિર્ણયને જ છેલ્લો નિર્ણય ગણતી . નેહાને કમલ વગર ઘડીએ ચાલતું નહીં . નેહા પણ ભણવામાં હોશિયાર હતી.
કમલે અંદર આવીને ફોન ઉપાડયો.

" હા બોલ '.

સામે છેડે થી નેહા બોલી " આ વખતે તારી બર્થ ડેટ પર મારે તને મોબાઇલ ગિફ્ટ કરવો છે. જ્યારે ઈચ્છુ ત્યારે સીધી તારી સાથે વાત તો કરી શકું". કમલ હસવા લાગી.

નેહા ફરી બોલી "મને ખબર છે તારા બધા નિયમોની કોઈની પાસેથી એટલી જ કિંમતની ગિફ્ટ લેવી જેટલી કિંમતની તમે પાછી વાળી શકો પણ ડિયર ગીફ્ટની કોઈ દિવસ કિંમત ના હોય "

"લેક્ચર બંધ કર અને બોલ શું કામ ફોન કર્યો હતો" કમલ બોલી .

"હું તને લેવા આવું છું "."

કેમ?"

" અરે બાબા તું ભૂલી ગઈ મારા મોટાભાઈ ની બર્થ ડેટ આવે છે તેમના માટે ગિફ્ટ લેવાની છે અને તારા જેવી ચોઈસ કોઈની નથી એટલે આપણે સાથે જઈએ".

" પણ મારે તો રસોઈ કરવાની છે ".

"કેમ આંટી તો છે ને ".

"અરે મમ્મી ને ખબર કાઢવા જવાનું છે ".

"તો બહારથી પેક કરાવી લઈશુ."

" ના ના પપ્પાને બહારનું ખાવાનું ફાવતું નથી".

"તો હવે ".ત્યાં પાછળથી અવાજ આવ્યો

"અરે કમલ તુ ખાલી ભાખરી બનાવી દેજે શાક હું આવીને બનાવી લઈશ. મને ખબર છે નેહા હવે તને છોડશે નહીં એ જિદ્દી છે તું તારે જા". નેહાએ ફોનમાં સાંભળ્યું પછી બોલી

"બસ હવે તો આન્ટીએ પણ રજા આપી ચાલ ને હવે હું પણ આવીને થોડી મદદ કરીશ રસોઈમાં તને ".સાંભળી ને કમલને હસવું આવી ગયું . "હા હા હવે નથી આવડતી રસોઇ મને તું શિખવાડજે એમ કરીશ".

" સારું સારું તું આવ હું ત્યાં સુધીમાં તૈયાર થઈ જઉ ".

"બાય".

" બાય". કમલ ને ખબર હતી નેહાને ઘરમાં પાણી પીવું હોય તોય કામવાળા બેઠી હોય ત્યાં હાજર કરે. રસોઈયા પણ છે ઘરમાં તો ક્યાંથી રસોઈ કરતા આવડે? તેણે ફટાફટ ભાખરી અને શાક બનાવી દીધા. તેને ખબર હતી મમ્મી થાકીને આવશે એટલે બધું જ કામ પતાવી દીધુ .પછી તૈયાર થઈ ગઈ. ત્યાં તો નેહા લાલ રંગની કાર લઈને વંટોળની જેમ હોનૅ મારતી આવી ગઈ .કમલ ના ઘરની આગળ નો રસ્તો થોડો કાચો હતો. નેહા હંમેશા સ્પીડમાં આવતી ને ધૂળ ઊડાડતી. કમલ ફરી લડી નેહાને

" કેટલી વાર કહ્યું કે કાર થોડી ધીરે ચલાવો પણ માને કોણ ?"નેહા તોફાની ઢબે હસવા માંડી. કમલ ને આજ તોફાની નેહા પર વહાલ આવતું. નેહા બહાર આવીને કમલને ભેટી પડી. કમલ કરતા નેહા થોડે અંશે શ્યામ હતી પણ તેનો ચહેરો ખૂબ જ નમણો હતો. તેના વર્તનમાં થી શ્રીમંતાઈ છલકાઈ રહી હતી .કમલ એકદમ સાદા કપડા પહેરતી અને નેહા એકદમ ભભકાદાર કપડાં પહેરતી. છતાંય બંનેમાં નેહા કરતા કમલ વધારે સુંદર દેખાતી .

ક્યારેક નેહા કમલને કહેતી" મને તારા સૌંદર્યની અદેખાઈ આવે છે તને મારી શ્રીમંતાઈ ક્યારેય અદેખાઈ નથી આવતી? "ત્યારે કમલ જવાબ આપતી

"મને ક્યારેય રૂપિયાનો મોહ લાગ્યો નથી. મને મેનમેઇડ કરતા નેચરમેઇડ વસ્તુઓ વધારે ગમે છે ".બંને કારમાં ગોઠવાયા નેહાને સ્પીડમાં કાર ચલાવવાનો બેહદ શોખ હતો.

કમલ હંમેશા નેહાને કહેતી "વધારે પડતી સ્પીડ ક્યારેક જિંદગીને બ્રેક લગાવી દે છે". પણ નેહા ના મગજમાં વાત ઊતરતી નહીં.

બંને જણા ઘણી દુકાનમાં ફર્યા .મોંઘામાં મોંઘી વસ્તુઓ જોઈ પણ ક્યાંય નેહાને એક પણ વસ્તુ ગમી નહીં. કારણ કે જે વસ્તુ તે જુએ તે બધી જ તેના ભાઈ પાસે પહેલેથી જ હોય. નેહા થાકી આમાનું કશું એવું નથી કે જે મારા ભાઈ પાસે ના હોય .બંને થાકીને એક આઇસક્રીમ પાર્લરમાં બેઠા.

"હવે શું કરીશું ?"નેહા બોલી .

કમલે એની સામે જોઈ ને કહ્યું 'જો બજારમાં મળતી બધી જ વસ્તુઓ તારા ભાઈ પાસે હશે જ. તો એક કામ કર તારી જાતે જ કંઈક બનાવીને તારા ભાઈ ને ગિફ્ટ કર ".

નેહા આશ્ચર્યથી જોઈ રહી "હું શું બનાવું ? મને તો કંઇ જ આવડતું નથી".

" હું તને શીખવાડીશ" કમલ બોલી."તને કાલ સુધીમાં કહું કે શું બનાવી શકાય." નેહા એકદમ ખુશ થઈ ગઈ.

" હા હા, આ આઇડીયા સારો છે".બન્ને ઉભા થયા.ઘર તરફ નીકળ્યા કમલને ઘરે ઉતારી નેહા બોલી "ચલ બાય, કાલે ફોન કરજે". પાછી ધૂળ ઉડાડતી ઉપડી.

બીજે દિવસે સવારે કમલે નેહાને ફોન કર્યો ''તારા ભાઇના રૂમમાં ફોટો ફ્રેમ મૂકાય તેવી જગ્યા છે ?" "અરે નહી હોય તો કરી દઈશ તુ બોલને ફ્રેમ બનાવવી છે? "

" હા ".

" સારૂ તુ મને સામાન લખાવ હું લેતી આવું."

"સામાનની જરૂર નથી બધું ઘરમાં જ છે"

"હેં શુ વાત કરે છે ? હમણાં આવી જ સમજ."
થોડી વારમાં નેહા કમલ ના ઘરે પહોંચી ગઈ.કમલે તેને સમજાવ્યું કે કેવી રીતે ફ્રેમ બનાવવી. બન્ને જણાએ મળીને આખો દિવસ મહેનત કરીને એક સુંદર ફ્રેમ બનાવી.

" અરે ! આટલી સુંદર વસ્તુ ઘરે બની શકે એ મેં પહેલીવાર જાણ્યુ. " નેહા બોલી.. "ખરેખર ગમે એટલી મોંધી ગિફ્ટ લીધી હોત તે આની આગળ ફીક્કી પડે.થેંક્યુ યાર ".

"ચલ હવે ફ્રેન્ડને થેંકયુ ના હોય." કમલે નેહાના ગાલે ટપલી મારતા કહ્યું.

"હવે હું આમા ફોટો લગાવી ને ગિફ્ટ પેક કરાવી લઉં". કહી નેહા ઘરે જવા નીકળી.બહાર પહોંચી બોલી

"કમલ મોટાભાઇના બર્થ ડે માં મોટી પાર્ટી રાખી છે તારે ચોક્કસ આવાનું છે."કમલ ના પાડવા જતી હતી તો નેહાએ એનો હાથ પકડીને કહયું

" પ્લીઝ કમલ તું નહીં આવે તો મોટાભાઇ ખૂબ દુ:ખી થશે.તું કેટલાં દિવસથી મારે ઘરે નથી આવી ખબર છે તને.?''કમલ આંખો ઢlળી ને ઉભી રહી. નેહા ખિન્ન થઈને ગાડી લઈને પૂરપાટ જતી રહી.
કમલ ધીરે પગલે આવી ઝૂલા પર આવીને બેસી ગઈ.થોડી વાર રહીને મા એ જમવા બોલાવી થોડુ જ ખાઈને રૂમમાં જતી રહી.કમલની મમ્મી દેવલબેન સમજી ગયા કે ફરી એ જ વિષય પર ચર્ચા થઈ લાગે છે બન્ને સખીઓ વચ્ચે.
કમલ ભણવાની ચોપડી લઈને પલંગમાં આડી પડી.પણ વાંચવામાં જીવ લાગ્યો નહીં.એ ભૂતકાળમાં સરી ગઈ.
કોલેજ ખુલ્લે એક મહિનો થઈ ગયો હતો.નેહા અને કમલ એક જ બેન્ચ પર બેસતા હોવાને કારણે બન્નેમાં ખાસી મિત્રતા થઈ ગઈ હતી.નેહા એકદમ અલ્લડ ને કમલ ધીર ગંભીર.આજે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો.નેહા અને કમલ ગેટ પાસે પહોંરયા ત્યાં સુધીમાં બન્ને પલળી ગયા હતા.. નેહા કાર પાર્ક કરી હતી એ બાજુ જવા લાગી, કમલ બસ સ્ટેન્ડ બાજુ વળી.નેહાએ કમલનો હાથ પકડી કહ્યું.

"ચાલ તને ઘરે ઉતારી દઉં. મને ખબર છે તું સ્વાભિમાની છે પણ આજે ખૂબ વરસાદ છે તો બસ નહી આવે તો શું કરીશ? "

" સારૂ "કહી કમલ કારમાં બેસી ગઈ.નેહાએ કમલના ઘર તરફ કાર ભગાવી.અડધે જતાં જ આગળ બધે પાણી ભરાઈ ગયું હતું.

"હવે " ? કમલ બોલી.

નેહા બોલી "ચાલ મારે ઘરે જઈએ વરસાદ બંધ થાય પછી તને ઉતારી જઇશ." કમલે માથુ ધુણાવી હા, પાડી. નેહાએ કાર ઘર ભણી દોડાવી.કમલને ફાસ્ટ ગાડીથી ખૂબ જ ડર લાગતો .

"અરે નેહા ગાડી થોડી ધીરી ચલાવ" .

"અરે કમલ ઝડપમાં જ મજા છે" નેહા તોફાની સ્ટાઇલમાં હસતાં હસતાં બોલી.નેહા હસતી ત્યારે તેના ગાલમાં ખાડા પડતાં.કમલને આવી રીતે હસતી નેહા ખૂબ ગમતી.
નેહાની કાર એક તોતીંગ ગેઇટ પાસે આવીને ઉભી રહી એણે હોર્ન માર્યો એક ચોકીદારે આવીને ગેઈટ ખોલ્યો. નેહાએ ધીમેથી કાર અંદર લીધી ખૂબ જ વિશાળ જગ્યામાં વચ્ચે મોટો ફુવારો હતો.નેહાએ કાર એક વળાંક પરના પાથ પર સરકાવી.આગળ એક મોટી હવેલી જેવા બંગલા આગળ કાર ઉભી રાખી.સફેદ કપડાંમાં સજ્જ ડ્રાઇવરે આવીને નેહાનું બારણું ખોલ્યું. નેહાએ તેને કારની ચાવી આપી.
"ચાલ" નેહાએ કમલનો હાથ પકડયો.બન્ને લગભગ પંદર જેટલા પગથિયા ચઢીને એક વિશાળ દરવાજાથી અંદર બંગલામાં પ્રવેશ્યાં.કમલ તો આભી જ બની ગઈ. "ઓ બાપ રે નેહા તારૂ ઘરનો કોઈ રાજાના મહેલ જેવું છે."ત્યાં સામેથી નેહાની મમ્મી બેલા આવી બોલી

" હાશ નેહા તુ આવી ગઈ, ભાઈ અને પપ્પા ક્યારના ફોન કરે છે કે તુ આવી ગઈ કે નહી ?"તેની નજર કમલ પર પડે છે તે કમલને જોઈ જ રહી ભીંજાયેલી કમલ વધુ સુંદર દેખાઈ રહી હતી.

" આ મારી ફ્રેન્ડ કમલ'' નેહા બોલી.

"ઓહો, નેહા આખો દિવસ તારી જ વાતો કરે છે. આવ આવ " .

"અરે તમે બન્ને તો આખા પલળી ગયા છો .જાવ પહેલાં કપડાં બદલીલો પછી જમવા આવો" .

નેહા કમલને પોતાના રૂમમાં લઈ જવા લાગી.બેલા બે મિનીટ ત્યાં જ ઉભી રહીને કમલને જતા જોઈ રહી પછી રસોડા તરફ જતા બોલી. "મહારાજ જમવાનુ તૈયાર કરો એક થાળી વધારે પીરસજો"
કમલને નેહા તેના રૂમમાં લઈ ગઈ. કોઈ મુવીમાં હોય તેવો નેહાનો રૂમ હતો. નેહાએ એનો ડ્રેસ કમલને આપ્યો.કમલ કપડા બદલી એના વાળ બાલ્કનીમાં જઈને સુકાવવા લાગી. બહાર ખૂબ જ સુંદર વાતાવરણ હતુ.ચારે બાજુ લીલાં ઝાડવા જાણે નાહ્યાં હોય તેવા તાજા થઈ ગયા હતા.પક્ષીઓ પણ કલરવ કરતા હતા.કમલ બધુ જોવામાં ખોવાઈ ગઈ.ત્યાં જ પાછળથી કોઈએ આવીને એને ઉચકી લીધી અને ફુદરડી ફેરવી.કમલ એકદમ ગભરાઇ ગઈ. એણે ચીસ પાડી. ત્યાં સામેથી નેહાનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.એ એના મોબાઇલથી ફોટા પણ પાડતી હતી.કમલે જોયું તો કોઈ પુરૂષ એને ઉચકી ને ઉભો હતો. એણે ફરી ચીસ પાડી.

નેહા બોલી "ડર નહીં આ મારા મોટાભાઇ 'નીલ' છે." નીલે એને ધીમે રહીને નીચે ઉતારી. કમલ હજુ ધ્રુજતી હતી.

" મોટાભાઈ રોજ આવીને મને ઉચકે છે .આજે તે મારો ડ્રેસ પહેર્યો છે એટલે થાપ ખાઈ ગયા. " નીલ પણ છોભીલો પડી ગયો.કમલે જોયું કે નીલ નેહા કરતાં એકદમ અલગ દેખાતો હતો.છ ફૂટ હાઈટ, વાંકડીયા વાળ ,એકદમ ગોરો, આસમાની આંખો, ઘણો ખરો બેલાબેન જેવો લાગતો હતો.નીલ પણ કમલની સામે જોઈ રહ્યો.કમલ નેહાની પાછળ સંતાઈ ગઈ." મોટાભાઈ ! આ મારી ફ્રેન્ડ છે કમલ ".

." સોરી " કહીને નીલ રૂમની બહાર નીકળ્યો.

ત્યાં બેલાએ બૂમ પાડી " ચાલો બધા જમવા."
નેહા કમલને લઈને ડાઈનીંગ રૂમમાં આવી.દસ માણસ જમી શકે તેવું લંબચોરસ કલાત્મક ડાઈનીંગ ટેબલ હતું. સામેની મુખ્ય ખુરશીમાં નેહાના ના પપ્પા ધનરાજભાઈ બેઠા હતાં.

"પાપા આ મારી ફ્રેન્ડ છે કમલ." કમલે નમસ્તે કર્યું

"આવ આવ ચાલ જમવા બેસી જા' હસીને રાજે કહ્યું. બેલા ધનરાજભાઈને રાજ કહેતી. નામ પ્રમાણે જ ધનરાજભાઇ ખૂબ જ પૈસાવાળા હતા. શરીરે થોડા ભારે અને સહેજ ઘંઉવર્ણ.એમને જોઈને કમલ સમજી ગઈ કે નેહા એના પાપા જેવી છે ને નીલ એની મમ્મી જેવો. જમતાં જમતાં નેહાએ મમ્મી પાપા ને ઉપર રૂમમાં જે બન્યું તે કહ્યું .બધા હસવા લાગ્યાં.કમલ શરમાઈ ગઈ.બધા જમીને ઉભા થયા. કમલ નેહા ઉપર ગયા.કમલ ફરી બાલ્કનીમાં આવીને ઉભી રહી.તે આજુબાજુનું સૌંદર્ય ત૯લીન થઈને જોઈ રહી.થોડી વાર પછી રાજ અને નીલ પાછા ઓફિસ જવા નીકળ્યા.નીલે પાછું વળીને ઉપર જોયું. કમલ સાથે તેની નજર ટકરાઈ.કમલ દોડીને અંદર જતી રહી.નીલ કારમાં રાજની સાથે જઈને બેઠો. રાજે જોયું કે આજે નીલ ચૂપ હતો.

"શું વાત છે નીલ કેમ શાંત છે?, "રાજે પૂછયું.

"હે કંઇ નહી ." કરી નીલે માથુ હલાવ્યું જાણે બધા વિચારો ખંખેરી નાંખવા માંગતો હોય. અનુભવી રાજ સમજી ગયા કે નીલનું મન ક્યાં અટવાયું છે.? ધીમુ ધીમુ હસતાં વિચારવા લાગ્યા કે ! દીકરો હવે જુવાન થઈ ગયો છે.
ઓફિસની કેબિનમાં પ્રવેશી ને નીલ પોતાની મોટી ચેર માં ગોઠવાયો કામમાં મગ્ન થઈ ગયો .થોડીવાર પછી ફ્રી પડતાની સાથે આંખો બંધ કરી તેણે માથું ઢાળી દીધું ત્યાં જ તેની સામે કમલ નો ચહેરો છવાઈ ગયો "ઑહ"આમ કેમ થયું? તે વિચારવા લાગ્યો તે કેટલાય દેશ પરદેશ ફર્યો હતો. કેટલી બ્યુટીફૂલ છોકરીઓ જોઈ હતી ,કેટલીએ છોકરીઓના સંપર્ક મા આવ્યો હતો ,પણ આવી લાગણી તેને ક્યારેય ન થઈ હતી .નીલ તેની એન્જિનિયરિંગ કોલેજમાં મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખાતો .તે હેન્ડસમ હતો, પૈસાદાર હતો, ભણવામાં પણ અવ્વલ હતો. આથી ઘણી છોકરીઓ તેની પાછળ પડી રહેતી ,પણ તેણે ક્યારેય કોઈને મચક નહોતી આપી. તેને ખબર હતી કે તે કેટલો હેન્ડસમ છે તેથી તેને થોડો અહમ પણ હતો કે હું ધારું તે યુવતીને મારી બનાવી શકું તેમ છું. તે બધી છોકરીઓને તુચ્છકાર નજરે જોતો પણ આજે તે બેબસ હતો .ત્યાં જ તેનો મોબાઇલ રણક્યો.સ્ક્રીન પર ઈશાનનો નંબર હતો. ઇશાન, નીલનો જીગર જાન દોસ્ત હતો .ઇશાન, નીલ જેટલું ભણેલો નહિ પણ હોશિયાર ખૂબ જ હતો .આકર્ષક દેખાવ અને અનુભવ ભરેલો હતો તેનામાં.તેનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો .

"હાય નીલ "સામે છેડેથી ઈશાન બોલ્યો .

"બોલ ઈશુ" નીલે જવાબ આપ્યો.

" અરે કેમ આવું નીરસ બોલે છે?"

"કંઈ નહીં તને કેમ એવું લાગ્યું?' નીલ બોલ્યો, પણ તેને ખબર હતી કે આખી દુનિયામાં આ એક જ વ્યક્તિ એવી છે જે તેના હૃદય ની નજીક છે અને મનની વાત અવાજ પરથી જાણી લે છે.

" અરે હોય તારા અવાજ પરથી જ મને ખબર પડી જાય કે તું કેવા મૂડમાં છે અને તે તને પણ ખબર છે. કંઈ સિરિયસ નથી ને? " ઈશાન બોલ્યો . નીલ બોલ્યો "ના ના કઈ નથી ખાલી એમ જ " " તો વાંધો નહીં રાત્રે આવું તને લેવા કોફી પીવા જઇએ " " હા ઓકે મળીએ બાય "કહીને નીલે ફોન મુક્યો .
વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લેતો કમલે ઘરે ફોન કર્યો અને મમ્મીને જણાવ્યું કે પાણી ભરાઈ ગયા છે તો મારાથી ઘરે નહિ અવાય અને નેહા એ પણ આગ્રહ કર્યો છે કે અહીં જ રહી જા. તો મમ્મી હું રોકાઇ જઉ"? કમલે પૂછ્યું :કમલ ની મમ્મી એ જવાબ આપ્યો " હા વાંધો નહીં રહી જા. જય શ્રી કૃષ્ણ ." નેહા આનંદમાં આવી ગઈ "ચલો આજે તો મસ્તી કરીશુ''.

સાંજે રાજ અને નીલ ઘરે આવ્યા ત્યારે કમલ ગાર્ડનમાં ના ઝુલા પર બેસીને સૂર્યાસ્ત જોઈ રહી હતી .તેનું ધ્યાન નહોતું નીલ અને રાજ તરફ .પણ નીલનુ ધ્યાન તેના તરફ હતુ . ઝૂલા પર ધીરે ધીરે ઝૂલતી કમલ ના લાંબા વાળ હવામા ફરફરતા હતા .તેનો દુપટ્ટો હવામાં લહેરાતો હતો. તેણે નેહાનો આસમાની કલરનો સલવાર સુટ પહેર્યો હતો .તેમાં પીળા રંગના ફુલના ગોટા અને વેલ ની ડીઝાઈન હતી. કમલ અત્યારે જાણે વનપરી જેવી લાગી રહી હતી. રાજ ની પણ નજર તેના પર હતી .ઉપર બાલ્કનીમાંથી બેલા પણ ઊભી રહીને કમલ ને જોઈ રહી હતી. કદાચ ત્રણેના મનમાં એક જ વિચાર ઉઠી રહ્યો હતો. કમલ તો વાદળોમાં અડધા છુપાયેલા સુરજ ને જોવામાં તલ્લીન હતી. નેહાએ પાછળથી આવીને કમલને ધબ્બો માર્યો. કમલ એકદમ ભડકી ગઈ .પછી બંને ખડખડાટ હસવા લાગ્યા. બેલા નીચે આવી. રાજ અને નીલ પણ આવી ને ડ્રોઈંગરૂમ રૂમમાં બેઠા.

" તમે બંને ફ્રી હોવ તો આજે ડિનર લેવા બહાર જઈએ" બેલાએ સવાલ કર્યો .બંનેને ખબર હતી કે બહાર જવાનો પ્રોગ્રામ પાકો જ છે આ તો ખાલી ફોર્માલિટી છે. કારણ કે બેલા ને વરસાદ ખૂબ જ ગમતો .જ્યારે પણ આવો એકધાર્યો વરસાદ આવતો ત્યારે બેલા બહાર જવાનો પ્રોગ્રામ બનાવતી અને તેમાં કોઈની ના ચાલતી નહીં .

"અમને ખબર છે કે પ્રોગ્રામ નક્કી જ છે" રાજ બોલીને હસવા લાગ્યો. બેલા પણ આનંદમાં આવી ગઈ. એટલામાં નેહા અને કમલ અંદર આવ્યા .અંદર આવતા જ નેહા 'મોટાભાઈ' કરતી નીલને લટકી ગઇ. નીલ પણ તેને ફંદરડી ફેરવવા લાગ્યો.

" નેહા હવે તુ મોટી થઇ આમ નાના છોકરા જેવું બીહેવ ના કર" .બેલા થોડા અકળાયેલા અવાજે બોલી.

"અરે મારી દીકરી તો હજી નાની છે તું મોટી મોટી ના કહ્યા કર. " રાજ બોલ્યા .

"સાચી વાત કરી" કહી નેહા રાજને પણ ચોંટી ગઈ. નીલ હસવા લાગ્યો .કમલે જોયું કે નીલ ના ગાલ માં પણ નેહા જેવા જ ખાડા પડે છે.આ એક જ વાત સરખી હતી બંનેના દેખાવમાં .

"ચાલો બધા તૈયાર થઈ જાઓ" બેલાએ બધાને હુકમ કર્યો .બધા પોતપોતાના રૂમમાં તૈયાર થવા ચાલ્યા .બહાર વરસાદે ફરી થોડું જોર પકડ્યું હતું .ધીમે ધીમે અંધારું થવા લાગ્યું .બ્લેક ટી શર્ટ અને બ્લુ જીન્સમા રેડી થઈને નીચે ઉતરી રહેલો નીલ ખરેખર ઇંગ્લીશ પિક્ચરના હીરો જેવો લાગતો હતો .રાજ અને બેલા પણ તૈયાર થઈને બહાર આવ્યા .રાજે સફેદ પઠાણી પહેર્યું હતું. રાજ નો સાંજનો આ પ્રિય પોશાક હતો. બેલા પણ બ્લેક કેપ્રી અને ટીશર્ટમાં સજ્જ હતી .તેને જોઈને લાગતું નહીં કે તે બે યુવાન બાળકોની માતા હશે. નીલ મમ્મીને જોતા જ સમજી ગયો કે આજે મમ્મીનો પલળવાનો પ્લાન છે . ત્યાં જ ઉપરથી નેહા અને કમલ પણ ઉતર્યા .કમલે બ્લેક સલવાર કુર્તો પહેર્યો હતો તેના વાળ એટલા લાંબા હતા કે જાતે ચોટલો ગૂંથી નહોતી શકતી .તેની મમ્મી ઘણીવાર તેને લડતી કે 'કમલ હવે તું મોટી થઇ ચોટલો ગૂંથતા શીખ સાસરે જઈશ તો શું કરીશ ? 'તો કમલ જવાબ આપતી

'હું સાસરે જ નથી જવાની.'

પણ આજે કમલ ને લાગ્યુ કે મમ્મી સાચું જ કહે છે મારે આજે ચોટલો જાતે ના ગૂંથી શકવાને કારણે વાળ છુટા રાખવા પડશે. રાજ અને બેલા બંનેને ઉતરતા જોઈ રહ્યા છુટ્ટા વાળ અને બ્લેક કુર્તામા કમલ બેનમૂન લાગતી હતી .બધા સાથે બહાર નીકળ્યા .

બધા પોતપોતાની કાર બાજુ જવા લાગ્યા ત્યારે કમલને આશ્ચર્ય થયું કે એક જ જગ્યાએ જવાનું છે તો પણ બધા અલગ અલગ કારમાં કેમ? તેણે નેહા ને પૂછ્યું . નેહા એ જવાબ આપ્યો

"જો મમ્મી પપ્પા જમી લેશે પછી મમ્મી પપ્પાનો દાવ લેશે .જ્યાં સુધી મમ્મીની ઇચ્છા નહીં થાય ત્યાં સુધી પપ્પા ગાડી ચલાવ્યા કરશે .લોંગ ડ્રાઈવ પર જશે. પપ્પા અને મમ્મી માં હજુ એટલો જ પ્રેમ છે જેટલો વર્ષો પહેલા તેમના લગ્ન વખતે હતો .મમ્મીને વરસાદમાં રખડવાનો અને ખૂબ જ શોખ છે અને પપ્પા કાયમ તેમાં સાથ આપે છે. તને ખબર છે મારા મમ્મી પપ્પા ના લવ મેરેજ ત્યારે થયા હતા જે સમયે લવ મેરેજ ખરાબ કાર્ય ગણાતું .અને ભાઈ જમીને એમની રીતે ક્યાંક ફરી અને રાત્રે આવશે .આપણે બે આપણી રીતે આવીશું .માટે ત્રણ કાર લેવાની. કમલ વિચારવા લાગી ખરેખર પૈસાદાર લોકો પૈસાનો કેટલો ખોટો દુરુપયોગ કરે છે. આવા ખોટા ખર્ચા ઓછા કરે તો એ રૂપિયાથી અનેક ગરીબોનું પેટ ભરાઈ શકે છે. કમલ વિચારોમાં હતી ત્યાં આકાશે કહ્યું

"ચાલ નેહું આજે તને મારી ગાડીમાં સવારી કરાવું." નેહાના માન્યામાં નહોતું આવતું કારણકે નીલ ક્યારેય કોઇને પોતાની ગાડીમાં કોઈને બેસવા ન તો દેતો અને આજે સામેથી તેણે બેસવાનું કહ્યું . નેહા જીદ કરે તો પણ ના બેસાડતો.

' શું કહ્યું મોટાભાઈ ફરીથી કહો તો ' .

'હા, હા ચાલો આજે મારી સાથે' . નીલે ફરી કહ્યું.

.નેહા ભોળી હતી તે સમજી ન શકી પણ રાજ અને બેલા સમજી ગયા કે નેહાને શેના કારણે આટલા માન મળ્યા છે .બંને હસતા હસતા પોતાની કારમાં ગોઠવાયા .નેહા નીલની સાથે આગળ બેઠી અને કમલ પાછળની સીટ પર બેઠી .નીલને ફ્રન્ટમિરરમાં થી કમલ નો ચહેરો ચોકખો દેખાતો હતો.
નીલે કાર ચલાવી. કમલ બારીમાંથી બહાર જોઈ રહી હતી.પણ નીલ વારે વારે મીરર માંથી કમલને જોઈ રહ્યો હતો.ધીમે ધીમે નીલ ની કાર સ્પીડ પકડવા માંડી. નીલ તો નેહા કરતાં પણ ફાસ્ટ કાર ચલાવતો હતો.કમલને ખૂબ ડર લાગવા માંડ્યો.ત્યાં તો નેહા બોલી

'ભાઈ કમલને સ્પીડથી બહુ ડર લાગે છે થોડુ ધીરે ચલાવો.'

'એમ' કહી નીલે કાર ધીરી કરી.

થોડી વારમાં એક આલીશાન હોટેલ પાસે કાર થોભી. બધા સાથે અંદર ગયા. અંદર જતા જ એક મોટો રીસેપ્શન હોલ હતો .એમાં મસમોટુ ઝૂમ્મર લગાવેલુ હતું,એની રોશનીથી આખો હોલ ઝળહળી રહ્યો હતો.કમલ પહેલીવાર આવી મોટી હોટલમાં આવી હતી.તેને ખૂબ સંકોચ થતો હતો.નેહા સમજી ગઈ. એણે તરત જ કમલનો હાથ પકડી લીધો ".ચાલ મારી સાથે ". કહી બીજી તરફ લઈ ગઈ.બીજી બાજુ રેસ્ટોરન્ટ હતી.મોટા હોલમાં ઘણા ટેબલો હતા. ઘણા બધા લોકો બેસીને ડીનર લઈ રહયા હતા.કોર્નરમાં આઠ લોકોનું ટેબલ હતું ,જે બેલા એ પહેલેથી બુક કરાવેલુ હતુ .રાજ અને બેલા આ હોટલમાં નિયમિત આવતાં એટલે બધા તેમનાથી પરિચિત હતા.બધા ટેબલ પર ગોઠવાયા.બધાએ મેનુ જોઈને પોતાની ભાવતી વાનગી ઓર્ડર કરી.બેલા એ કમલને પૂછયું

"તુ શું લઇશ?"

. .ત્યારે કમલે જવાબ આપ્યો " હું તો પહેલીવાર આવી છું આવી હોટેલમાં, તો તમે જે મંગાવશો તે મને ચાલશે".

બેલા જોઈ રહી કે, આ છોકરી કેટલી સરળ છે જરાય દંભ વગર એણે કહી દીધુ કે હું પહેલી વાર આવી છું
ઓર્ડર આપ્યા બાદ બેલાએ પૂછ્યું

"ઇશાન આવે છે નીલ ?"

"હા" .

ઇશાન હવે ફેમીલી મેમ્બર જેવો જ હતો.થોડીવારમાં ઇશાન આવ્યો. "હાય નીલ , હલ્લો અંકલ, હાય અiટી". બધાયે હાય કર્યું. તેની નજર કમલ પર પડી એ અડધી મિનિટ સુધી નજર હટાવી ના શક્યો.ત્યાં તો નેહાએ પેપર નેપકીનનો બોલ બનાવી ઇશાનને માર્યો.

" એ ઇશુડા આમ ટીકીટીકીને શું જુવે છે?આ મારી ફ્રેન્ડ છે કમલ. એન્ડ બાય ધ વે તેં મને તો હાય ! કર્યું જ નહિ."

ઇશાન ભોંઠો પડી ગયો.પછી તરત સ્વસ્થ થઈને બોલ્યો "હાય નેહુ" .

નેહા જોડે શેકહેન્ડ કર્યું પછી તેણે કમલ સામે હાથ લંબાવ્યો કમલે હાથ જોડી નમસ્તે કર્યું. ઇશાન નીલની બાજુમાં બેસી ગયો. નીલ ધીમુ ધીમુ હસતો હતો.

" સવારે મેં જ્યારે તને ફોન કર્યો ત્યારે તું ક્યા ગુંચવાયેલો હતો તે હવે ખબર પડી "કહી તેણે આંખ મીચકારી.

બેલા કમલને જોઈ રહી. કમલને જોઇને તેને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો.તે પણ કમલ જેવી સીધી સાદી યુવતી હતી.તે ખૂબ જ સ્વરૂપવાન હતી.તે ખૂબ જ મધ્યમ વર્ગમાં ઉછરેલી હતી.કોલેજમાં સમયસર આવતીને લેકચર્સ પતતાાંની સાથે જ ઘરે જતી રહેતી. કોલેજના ઘણા જુવાનો એની પાછળ પાગલ હતા.પણ એ કોઈની સામે નજર નાંખતી નહિ. બેલાની આ જ સાદગી અને સરળતા પર રાજ ઘાયલ હતો.તેની સાથે દોસ્તી કરવાનો રાજે બહુ પ્રયત્ન કર્યો પણ બેલા મચક આપતી નહોતી.
એક દિવસ ખૂબ જ વરસાદ પડતો હતો.બેલા કોલેજ છૂટયા પછી બસ સ્ટેન્ડ પર ઉભી હતી.રાજ કાર લઇને નીકળ્યો.તેણે હોર્ન મારી બેલાને કારમાં બેસવા જણાવ્યું.પણ બેલા મ્હોં ફેરવી લીધું.રાજને પણ ગુસ્સો આવ્યો એણે કાર સ્પીડમાં ભાગાવી. ગોળ રાઉન્ડ મારી બસ સ્ટેન્ડથી થોડે દૂર ઉભો રહયો .વરસાદ વધુ તેજ થઈ ગયો. બસ આવી નહિં .એક બે ઓટોરિક્ષાવાળા ને પણ પૂછયું બધાએ ના પાડી. હવે બસ નહિ આવે તો શું કરીશ બેલા વિચારવા લાગી.ત્યાં એક ભિખારી જેવો માણસ એની સામે ચાળા કરવા લાગ્યો.બેલાને હવે ડર લાગવા લાગ્યો.ત્યાં જ રાજે પાછળથી આવીને જોરથી હોર્ન માર્યો.પેલો ડરનો માર્યો ભાગી ગયો.રાજ કાર ને બ્રેક મારી એકસીલૅટર દબાવતો રહ્યો. ઘૂમ ઘૂમ અવાજ આવવા લાગ્યો.બેલા એ જોયું કે રાજ એને લેવાં ઉભો રહયો છે. બે મિનિટ વિચારતી રહી.ત્યાં બાજુમાં ઉભેલા સેન્ડવીચની લારીવાળાએ કહ્યું

"છોકરી જતી રહે જો એને ઓળખતી હોય તો , હવે લાગતુ નથી કે કોઈ બસ આવે, અને બસ નહિ આવે ને તો તુ મુશ્કેલીમાં મૂકાઈશ." છેવટે એણે કાર પાસે જઈને દરવાજો ખોલ્યો. પછી બોલી

"મારા કપડાં ભીનાં છે તમારી કારની સીટ પલળશે." રાજે ના તેની સામુ જોયું ના કશું બોલ્યો. બસ એક્સીલેટર દબાવી અવાજ કરતો રહ્યો. જાણે ગુસ્સો વ્યક્ત કરી રહ્યો હતો.બેલા છેવટે થાકીને કારમાં બેસી ગઇ.થોડે આગળ જઈને રાજ બોલ્યો

"તમારા ઘરનો રસ્તો બતાવશો કે હજુ મારા પર ભરોસો નથી."

"ના, ના, એવું કંઈ નથી.'.ક્હી તે તેના ઘરનો રસ્તો બતાવા લાગી.તેના ઘરથી થોડે દૂર ખૂબ પાણી ભરાઇ ગયા હતા.

"હવે ?" રાજ બોલ્યો.

"જવું તો પડશે.અહીંથી તો હું ચાલતી જતી રહીશ'' બેલા બોલી.

"તને વાંધો ના હોય તો હું મુકી જઉં ". રાજ બોલ્યો. બેલાએ રાજ સામે જોયું.એના ચહેરા પર એક બાળક જેવી નિદૉષતા હતી.બેલા એ ડોકુ હલાવી હા પાડી. કાર સાઇડમાં પાર્ક કરી બન્ને ધીમે ધીમે પાણીમાં ચાલવા લાગ્યા. થોડે આગળ કેડ સુધી પાણી આવી ગયું એમાં બેલાને ઠેસ વાગી.એ પડવા જેવી થઈ ગઈ .રાજે તેને પકડી લીધી. પછી બન્ને હાથ પકડી ચાલવા લાગ્યા.બેલા એ પહેલી વાર કોઈ પુરૂષનો હાથ પકડયો હતો.ને રાજનો પણ આ પહેલો અનુભવ હતો.બન્ને કંઇક અલગ જ સંવેદના અનુભવી રહયા હતા.બન્ને બેલાના ઘરે પહોંચી ગયા.બેલાની મમ્મીએ રાજને જોયો.

" મમ્મી આ રાજ છે. મારી સાથે કોલેજમાં ભણે છે .વરસાદમાં બસ ના આવી એટલે એમની કારમાં મને મૂકવા આવ્યા છે."બેલા બોલી.

"સારૂ સારૂ આવો બન્ને ખૂબ પલળી ગયા છો. હું આદુ , મસાલા વાળી ચા બનાવી લાવું.". રાજ ઓટલા પર બેઠો . થોડી વાર પછી માં ચા બનાવી લાવ્યા.રાજે જીવનમાં પહેલીવાર ચા પીધી.ચા આવી હોય ?તે વિચારવા લાગ્યા.તેણે ચા પૂરી કરી.

"ચાલો હવે હું જાઉં' "

"આવતો રહેજે દિકરા ". માં બોલ્યા.

"ઓકે બાય" રાજે બેલાને કહ્યું.

'સાચવીને જજો ' બેલા બોલી. છૂટા પડયા પછી પણ બન્નેના મનમાં એકબીજાના વિચાર ચાલી રહયાં હતા.બેલાના મનમાં રાજ માટે કૂણી લાગણીઓ જન્મી રહી હતી.રાજ પણ પોતાના આલીશાન બંગલાના કીંગ સાઇઝ બેડ પર પડયો પડયો વિચારી રહ્યો હતો કે હવે આ જ છોકરી મારી જીવનસાથી બનશે, નહી તો કુંવારો જ રહીશ.

બીજે દિવસે બેલા ને થોડું તાવ જેવું લાગતું હતું.તે કોલેજ ના ગઈ .રાજ ની નજર તેને શોધી રહી હતી. તે વિચારવા લાગ્યો ઘરે જઇને તપાસ કરી આવુ કદાચ બીમાર પડી ગઈ લાગે છે. પણ તેના મને ના પાડી કે ના ના એમ જઈશ તો મારા માટે ઉંધુ વિચારશે. બેલા ને પણ રાજ યાદ આવતો હતો. તેને લાગ્યું કે રાજ તેને જોવા આવશે પણ તે ના આવ્યો તેથી તેને રાજ માટેનું માન વધી ગયું કે ખરેખર રાજ સજ્જન છે .નહીં તો ગમે તે બહાના કાઢી મારા ઘરે આંટા મારતો હોત .બીજા દિવસે પહોંચી તેની આંખ રાજ ને જ શોધતી હતી .રાજ પણ જાણે બેલા ની રાહ જોઈ રહ્યો હતો .બંનેની નજર મળતા જ બંનેની આંખો હસી ઉઠી. એક મુક આપ-લે થઇ. પછી બંને ક્લાસમાં ચાલ્યા ગયા .ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ વધતો ચાલ્યો. રાજે બેલાના ઘરે આવી તેના માતા-પિતા આગળ પોતાની ઇચ્છા વ્યક્ત કરી .બેલાના માતા-પિતાએ કહ્યું "જે બેલા ની ઈચ્છા હોય એ જ અમારી ઇચ્છા છે એને જો આ સંબંધ મંજૂર હોય તો અમને પણ મંજુર છે". પણ ખરી મુશ્કેલી તો રાજ ના ઘરના એ ઊભી કરી. રાજ નો પરિવાર ખૂબ જ શ્રીમંત હતો. રાજ ની માતા એ આ સંબંધ નામંજૂર કરી દીધો .તેમને રાજ નું લગ્ન કોઈ શ્રીમંત પરિવારમાં કરવું હતું. એક દિવસ રાજ બેલા ના ઘરે આવ્યો તેણે બેલા તથા તેના માતા-પિતાને કહ્યું કે "મારા પરિવારના માનશે નહીં માટે હું અને બેલા કોર્ટમેરેજ કરી લઈએ પછી તેઓએ માનવું જ પડશે ". બેલાના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા .રાજે કહ્યું

"તમે સહેજ પણ ચિંતા ન કરો હું બધું ફોડી લઇશ". છેવટે તે લોકોએ હા પાડી. બંને જણાએ કોર્ટમાં મેરેજ કરી લીધાં પછી એક મહિના પછી મંદિરમાં ધાર્મિક વિધિથી હાર પહેરાવી તેના આલિશાન બંગલામાં લઈ આવ્યો. બંને બારણામાં ઉભા હતા. તેની મા આશ્ચર્ય પામી ગઈ

"અરે આ શું કરીને આવ્યો રાજ ? . " માં ખૂબ જ ગુસ્સામાં હતા. પણ પિતાએ જોયું કે પોતાની પુત્રવધુ બારણામાં ઊભી રહી છે એ સારું ન લાગે એટલે તેમણે તરત જ હુકમ કર્યો કે

" નવદંપતી સ્વાગત કરો. "સાંભળીને રાજની માં દીવો લઈને આવ્યા અને આરતી ઉતારી અને બંનેને ગૢહ પ્રવેશ કરાવ્યો. પણ તે હજુ પણ ગુસ્સામાં જ હતા .બેલા રાજના પિતા ને પગે લાગી.

'ખૂબ જ સુખી થાવ 'તેવા આશીર્વાદ તેના પિતાએ આપ્યા .રાજ બેલાને પોતાના બેડરૂમમાં લઇ આવ્યો. બેલા ના આખા ઘર કરતા પણ આ બેડરૂમ મોટો હતો. તે રાજ સામે જોઈ રહી. રાજે પ્રેમથી હાથ પકડતા કહ્યું

"આ બધું હવે તારું જ છે .બેલા પ્રેમથી રાજ ને જોતી રહી.

" રાજ ! બીજું બધું તો ઠીક છે પણ માં હજી નારાજ છે".

" તું ચિંતા ન કર માં નો ગુસ્સો ચડે જલ્દી અને ઉતરે પણ જલ્દી" .

" હા પણ માં નારાજ હોય તો હું કેવી રીતે ખુશ રહી શકીશ?"

."બધું બરાબર થઈ જશે શાંતિ રાખ".
બીજે દિવસે સવારે બેલા એ નીચે આવીને જોયું તો ઘરમાં ઘણા બધા માણસો હતા .કોઈ સાડીઓ લઈને બેઠું હતું, કોઈ દાગીના લઈને બેઠું હતું, એક બાજુ બે દરજી હતા .

"આવો બેટા " રાજ ના પિતા બોલ્યા "આમાંથી સાડીઓ અને ઘરેણા પસંદ કરી લો " .બેલા તો આભી જ બની ગઇ. તેણે સાસુ સામે જોયું પણ તે હજુ પણ નારાજ હતા .રાજે પણ નીચે આવીને જોયું તે સમજી ગયો કે પિતાજીએ આ બધી વ્યવસ્થા કરી છે. તે આવીને માના ખોળામાં માથું નાખીને બેસી ગયો પછી બોલ્યો

" માં મને ખબર છે તમે ખૂબ જ નારાજ છો. મારી જિંદગીનો આવડો મોટો ફેસલો મેં જાતે લઈ લીધો પણ હું પણ શું કરું હું મજબૂર હતો .બેલા વગર હું જીવી ન શકત માં અને તમે મને મંજુરી આપત નહીં એટલે મારે આવું પગલું ભરવું પડ્યું .મને માફ કરી દે માં તું નારાજ રહીશ તો હું જીવી નહીં શકું". માએ કંઈ જવાબ ના આપ્યો. રાજ ફરી થોડા દુઃખી સ્વરે બોલ્યો "ઠીક છે તમને ન ગમતું હોય તો હું બેલા ને પાછી એના ઘરે મૂકી આવું એ એના ઘરે રહેશે ને હું અહીં. તમે મારાથી નારાજ રહેશો તો અમે બંને આનંદથી નહીં રહી શકીએ . પણ મારી જીંદગી માં હવે બીજી કોઈ સ્ત્રી નહીં આવી શકે તે નક્કી છે બોલો માં તમારો શું ફેસલો છે?". મા ચમક્યા

" અરે આ તો કંઈ ઢીંગલા ઢીંગલી ની રમત છે કે રમત પત્યા પછી તું તારા ઘરે ને હું મારા ઘેર ".

"તો હું શું કરું તમે અહીં દુઃખી છો અને તમે નારાજ છો એટલે બેલા ત્યાં દુખી છે આમાં મારે શું કરવું એ જ સમજાતું નથી" .

" સારું સારું જા હવે ". મા હસીને બોલ્યા અને આનંદથી રાજના પિતા સામે જોયું બંને સામસામે હસ્યાં કે દીકરો પાકો વેપારી છે. તે પછી માં એ બેલા ને સ્વીકારી લીધી .પછી તો બેલા ને રાણીની જેમ રાખવા લાગ્યા. થોડો સમય પછી નીલ નો જન્મ થયો ત્યારે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું .બીજા ત્રણ વર્ષ પછી નેહા નો જન્મ થયો ત્યારે તો રાજની મા ખુબ જ ખુશ હતા કારણકે ઘણા વર્ષો પછી તેમના કુળમાં દીકરીનો જન્મ થયો હતો.

રાજ ક્યારનોય બેલા તરફ જોઈ રહ્યો હતો. ટેબલ પર બધું પીરસાઈ ગયું પણ બેલા વિચારોમાં એમની એમ બેઠી હતી.

"બેલા " ધીમે રહીને રાજે હલાવી ઊંઘમાંથી જાગી હોય તેમ આજુબાજુ જોવા લાગી!

"ક્યાં ખોવાઈ ગઈ ?" રાજે પૂછ્યું .

"કંઈ નહીં બસ એમ જ " .રાજ ધીમે-ધીમે હરાવા લાગ્યો.કમલને જોઈને બેલા પચ્ચીસ વર્ષ પાછળ ચાલી ગઈ. બેલા ને આ બધું યાદ આવી ગયું

"કેવા હતા એ દિવસો નહીં."

"હા ચાલ જમી લે બહાર વરસાદ વધતો જાય છે " કહી રાજે પણ જમવાનું ચાલુ કર્યું. કમલ, નેહા, ઈશાન અને નીલ એ ચારેય ની ટોળી એમની દુનિયામાં મસ્ત હતી.

જમવાનું પતાવી બધા બહાર આવ્યા .

"ભાઈ તમે અમને ઘરે ઉતારીને પછી બહાર જશો ને ". નેહાએ પ્રશ્ન પૂછ્યો નીલે કહ્યું

" આજે ક્યાંય જવું નથી આપણે ચારે ઘરે કેરમ રમીએ શું કહે છે ઈશાન રમવું છે? " .

નેહા ને બધુંય નવાઇ ભર્યું લાગતું હતું .નીલ કદી વહેલો ઘરે આવતો નહિં .મમ્મી કેટલી વાર વઢતી પણ માનતો નહીં અને આજે કેરમ રમવા ની વાત સાંભળી નેહા આનંદમાં આવી ગઈ.

." હા ભાઈ તું કહે છે તો રમવું જ પડશે ને " ઈશાન બોલ્યો .

બેલા અને રાજ લોંગ ડ્રાઈવ પર ઉપડી ગયા. ચારે જણાએ ઘરે આવી કપડાં બદલી કેરમ રમવા બેઠા .નીલ અને કમલ સામસામે બેઠા. ઈશાન અને નેહા સામસામે બેઠા .ધીરે-ધીરે રમત જામતી ગઈ નીલ અને કમલ બે વાર જીતી ગયા .ઇશાન અકળાઈ ગયો બોલ્યો

"યાર પાર્ટનર બદલો આ નેહુડી અપશુકનિયાળ છે "સાંભળીને નેહાને ગુસ્સો ચડ્યો .એણે ઈશાનને કુકરી મારી .ઇશાન નેહા ને મારવા દોડ્યો બંને આખા બંગલામાં દોડાદોડી કરવા લાગ્યા.

" પતી ગયું હવે નહીં રમાય" નીલ ઊભો થયો .

કમલ પણ ઉભી થઇ ને રસોડા માં ચાલી .થોડીવાર ધમાલ કર્યા બાદ બંને થાક્યા ને સોફામાં બેઠા .

ઈશાન બોલ્યો "નીલ , કમલ તારા માટે લકી છે હો".

એટલામાં બેલા અને રાજ પણ આવી પહોંચ્યા બંને પલળેલા હતા. રાજ ના હાથમાં આઇસક્રીમ ના પેકેટ હતા .તેણે નેહાને આપીને કહ્યું "બધા માટે કાઢ આઈસ્ક્રીમ ત્યાં સુધીમાં અમે કપડા બદલીને આવીયે". આખા ઘરની હાલત જોઈ બેલા બોલી

"નેહા ફરી ધાંધલ-ધમાલ કરી ? આ બધું હવે કોણ ગોઠવશે ચાલો બધું સરખું કરી દો' .

નેહાએ ઇશાનને હુકમ કર્યો " એ ઇશુડા હું આઇસ્ક્રીમ કાઢુ છું ત્યાં સુધીમાં બધુ સરખું કરી દે નહીં તો તને આઈસક્રીમ નહીં મળે.'

કમલ પણ નેહા ની સાથે રસોડામાં ગઈ ઇશાન અને નીલે બધું વ્યવસ્થિત ગોઠવી દીધું .બધા આઇસ્ક્રીમ ખાવા બેઠા. રાજ ધીમે-ધીમે ગીત ગાવા લાગ્યો .રાજ નો અવાજ ખૂબ જ મીઠો હતો. તે બેલા ને ઉદેશીને ગાઈ રહ્યો હતો "રીમઝીમ ગીરે સાવન " ગીત પૂરું થતા બધા તાળીઓ પાડી.

" અરે કમલ પણ ખુબ સરસ ગાય છે " નેહા બોલી .

" ના ના હું નહીં ગાઉં ". પણ બધાએ ખૂબ આગ્રહ કર્યો એટલે કમલે પણ પ્રાર્થના ગાઈ

"ઈતની શક્તિ હમે દેના દાતા" . તેનો અવાજ ખુબ જ મધુર હતો બધા તેમાં ડૂબી ગયા .રાજે તો ખુશ થઈને તેને ૫૦૦ રૂપિયા ઇનામ પણ આપ્યું ."ચાલો ખૂબ રાત થઈ ગઈ બધા સુઈ જાવ. ઇશાન તુ અહીં જ સુઈ જજે આટલો મોડો ઘરે ન જતો. ઘરે ફોન કરી દે". બેલાએ કહ્યું.

બધા પોતપોતાના રૂમમાં જવા લાગ્યા. નીલ અને ઇશાન નીલના રૂમમાં ચાલ્યા. બંને જણા કપડા બદલી પલંગ માં આડા પડ્યાં નીલ કમલ ના જ વિચારમાં હતો.

" શું વાત છે યાર બહુ ઊંડા વિચારોમાં છું" ઇશાન બોલ્યો .

"હા યાર " નીલે જવાબ આપ્યો.

" મને પહેલાં ક્યારેય આવી લાગણી નથી થઈ ".

"આ બધી પહેલા પ્રેમની નિશાની છે દોસ્ત ".

"પ્રેમ ?એવું તો કંઈ હજુ લાગતું નથી મને ગમે છે કમલ બસ એટલું જ '

ઈશાન બોલ્યો " આંખો બંધ કર શુ દેખાય છે? તે જો ".

નીલે આંખો બંધ કરી "કમલ જ દેખાય છે '.

"બસ તો આ જ પ્રેમ છે દોસ્ત ".

"તને શું લાગે છે કમલ બરાબર છે મારા માટે ?" નીલે પૂછ્યું

"પરફેક્ટ છે નીલ ,રૂપ ,ગુણ અને સરળતા એક જ વ્યક્તિમાં એક સાથે મળવી ખૂબ જ દુર્લભ છે . હું તો બીજે ફસાયેલો છું નહીં તો તારો પહેલો હરીફ હું જ હોત " ઇશાને હસતા હસતા કહ્યું .

નીલે ઇશાન સામું જોયું '

"ચિંતા ન કર તારી બેન ને એમને એમ ઉપાડીને નહી લઈ જઉં. જ્યાં સુધી એ સામેથી મને પ્રેમ નો એકરાર નહીં કરે ત્યાં સુધી હું પણ એને નથી જ કહેવાનો કે હું એને કેટલો પ્રેમ કરું છું પણ મારા જીવનમાં નેહા પહેલી અને છેલ્લી છોકરી છે. એ ના પાડશે તો હું ક્યાં આપઘાત કરીશ ,ક્યાં તો આ સંસાર છોડી બાવો થઈ જઈશ ". ઈશાને બેઠા થઈ આગળ ચલાવ્યું

"આજે વાત નીકળી છે તો કહી દઉં કે મેં નેહા સિવાય બીજી કોઈ છોકરીનો ક્યારેય પણ વિચાર નથી કર્યો અને મારા પ્રેમમાં એટલી તાકાત છે કે નેહા ને મારા થવું જ પડશે ".

નીલ તો ઇશાન સામુ જોઇ જ રહ્યો તેને ખબર ન હતી કે ઇશાન નેહા માટે આટલી હદ સુધી પ્રેમ ધરાવે છે .

"સારું સારું સુઈ જા હવે ''.કહી બંને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ બંનેના મગજમાં વિચારો નો વંટોળ ચાલ્યો હતો. ઇશાન વિચારી રહ્યો હતો નેહા ના પાડશે તો અને નીલ વિચારી રહ્યો હતો ખરેખર કમલ મારે લાયક છે?

બીજા દિવસે રસોઈયો આવ્યો નહીં. નેહા ચિંતા ને હતી કે શું કરીશું? તો કમલ કહે

" આંટી ચિંતા ના કરો હું રસોઈ કરી દઈશ ".

"ના ના બેટા તારાથી થોડી થાય ?"

''કેમ ના થાય? તમે તો કહો છો કે આ તારું ઘર છે તો પછી કેમ રસોઈ હું ના કરી શકું?

" મમા કમલ બહુ સરસ રસોઈ બનાવે છે હો" નેહા બોલી.

"હા એ તો બરાબર પણ એની જોડે થોડુ કરાવાય?"

" કરાવાય કેમ ના કરાવાય' ક્હી કમલ રસોડા તરફ ચાલી.

' અચ્છા' બેલાએ કહ્યું

'ચાલો આપણે બધા ભેગા થઈને રસોઇ કરીએ ".

.નેહા પણ બોલી " હા હા ચાલો ".

રસોડામાં જઈને નેહા પ્લેટફોર્મ પર ચડી અને સફરજન ખાવા લાગી. પછી બોલી "આપણને તો ટેસ્ટીંગમાં જ રસ છે .તૈયાર થાય એટલે કહેજો ."

"હા એ તો અમને ખબર જ છે". કહી બેલાએ દાળ-ચોખા, લોટ અને શાક કાઢયા.

કમલ ફટાફટ રસોઈ કરવા લાગી. થોડીવારમાં તો એણે દાળ ,ભાત ,શાક ,રોટલી, કચુંબર અને સુખડી બનાવી દીધા. તેની રસોઈ ની મહેક આખા ઘરમાં આવતી હતી. તેની રસોઈ કરવાની સ્પીડ અને સફાઈ જોઈને બેલા ખુશ થઈ ગઈ .બધા સાથે જમવા ટેબલ પર બેઠા. રાજ તો આજની રસોઇ ખાઇ ને ખુશ થઈ ગયો અને બોલ્યો કેટલા વરસો પછી આવી રસોઈ ખાવા મળી મારા માં આવી રસોઈ બનાવતા. બધા આનંદ થી જમ્યા.જમીને રાજ અને બેલા પોતાના રૂમમાં આરામ કરવા ચાલ્યા. નેહા , કમલઅને નીલ પત્તા રમવા બેઠા. એટલામાં ઈશાન આવ્યો નેહાએ કહ્યું

" થોડો વહેલો આવ્યો હોત તો કમલના હાથની રસોઈ જમવા મળત" . ' એમ બચ્યુ નથી ?ભૂખ તો લાગી જ છે' ઇશાન બોલ્યો .

"હું જોઉં છું" કહીને નેહા ઊભી થઈ થાળી પીરસીને લઈ આવી. ઇશાન તો રીતસર તૂટી જ પડ્યો જમીને ઊભા થયા પછી તે નીલને કહેવા લાગ્યો

" યાર તુ ખરેખર લકી છે".

નેહા બોલી "કેમ ભાઈ કેમ લકી છે ?''

"તને રસોઈ બનાવતા આવડે છે કે ખાલી જ ઝાપટતા જ આવડે છે "ઈશાને નેહા ને પૂછ્યું.

. "ના ભાઈ આપણને રસોઈમાં સહેજ પણ ઇન્ટરેસ્ટ નથી".

" તો તો કોઈ રસોઈયા જોડે તને પરણાવી પડશે ".

"જા જા " "નહીં તો કોઈ હોટલના માલિક સાથે ".

" ના ભાઈ ના મારે લગ્ન જ નથી કરવા "

" નીલ આ તો આખી જિંદગી તારા માથે પડવાની વાતો કરે છે. તારી પત્નીની મને દયા આવે છે" . ઇશુડા કહી નેહાએ તેની પર ઓશીકુ ફેંક્યું .ઈશાને સામે' નેહુડી' કહીને તકીયો ફેંક્યો. નેહા તેને મારવા દોડી.ઇશાન દોડવા લાગ્યો. ફરીથી બંને તોફાને ચડ્યા .

આ જોઈ કમલ ધીમે રહીને ઊઠીને હીચકા તરફ ચાલી .ધીરે ધીરે ઠેસ મારી ને હિચકા ખાવા લાગી. ઝાડમાંથી ચળાઇને આવતો તડકો તેની પર પડી રહ્યો હતો .વાદળ અને સૂરજ સંતાકૂકડી રમતા હતા .એટલામાં એકદમ જ ખુશ થઈને તાળીઓ પાડવા લાગી .

નીલ પણ બહાર આવ્યો ."શું થયું ?"નીલ બોલ્યો .

કમલે દોડીને નીલનો હાથ પકડી લીધો અને તેને હિંચકા તરફ ખેંચી ગઈ. હિચકા પાસે ઊભી રહીને તેણે ઉપર આકાશ તરફ આંગળી કરી .આકાશમાં ખૂબ જ સુંદર મેઘધનુષ રચાયું હતું .નીલ ઘડીમાં મેઘધનુષ તરફ તો ઘડીમાં કમલ તરફ જોઈ રહ્યો હતો .કમલે હજુ તેનો હાથ પકડેલો જ હતો. તે એ પણ ભૂલી ગઈ હતી કે તેણે નીલ નો હાથ કેટલો જોરથી પકડી રાખ્યો છે .એની હથેળીના સ્પર્શ થી નીલને અલગ જ અનુભૂતિ થવા લાગી. તેણે પણ ધીમે રહીને કમલ નો હાથ દબાવ્યો. કમલ એકદમ જમીન પર આવી ગઈ. તેણે તરત જ હાથ છોડી દીધો અને શરમ થી લાલ-લાલ થઇ ગઈ શું કરવું . કંઇ સૂઝ ન પડતાં તરત જ દોડીને અંદર જતી રહી .બેલા પણ એ જ વખતે બાલ્કની માં આવી હતી .તેણે પણ આ દ્રશ્ય જોયું .નીલની નજર તેના પર પડતા જ તે ભોંઠો પડી ગયો. બધા સાંજે પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ લાગ્યા પણ કમલે ના પાડી કે મને ઘરે જવું પડશે .

થોડા દિવસો એમને એમ વહી ગયા .અઠવાડિયા પછી રાજ અને બેલા ની એનિવર્સરી હતી. બધાએ ભેગા થઈને ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. રાજ અને બેલા ને ફરી પરણાવવાનો પ્લાન નીલ અને નેહાએ બનાવ્યો. તેમના લગ્ન વિધિસર નહોતા થયા એટલે બંનેની ઈચ્છા હતી કે આવો પ્લાન કરીએ .બધા ઉત્સાહમાં આવી ગયા .

નેહાએ કમલ ને કહ્યું કે "તારે અઠવાડિયા માટે મારા ઘરે જ રહેવું પડશે અને તૈયારીમાં મદદ કરવી પડશે.''.

" હું આખો દિવસ રહીશ પણ રાત્રે ઘરે જઈશ''.

" ના અહીં જ રહેવાનું હું આંટી ને મનાવી લઈશ. "નેહા બોલી. એણે કમલ ની મમ્મીને ફોન કર્યો.એમણે હા પાડી. નેહા ખુશ થઈ ગઈ.

"કાલે લઈ જઈશ .આમેય કોલેજમાં પણ અઠવાડીયું રજા જ છે ને " નેહા બોલી.
બીજા દિવસે નેહા કમલને લઈ આવી.કમલના આવવાથી નીલ પણ ખુશ હતો.ઘરમાં જોરશોરથી તૈયારીઓ થવા લાગી.કમલ બધી રીતે મદદ કરવા લાગી.શોપીંગમાં ઘરમાં બધે જ.બધી જ તૈયારીઓ થઈ ગઈ.આવતીકાલે પ્રસંગ હતો બધા ખૂબ જ ઉસ્તાહ માં હતા.

રાત્રે કમલે નેહાને કહ્યું " મારે ઘરે જવું પડશે".

" કેમ ?" નેહા એકદમ ચમકી.

"મમ્મીનો ફોન હતો એ પડી ગઈ છે."કમલે જવાબ આપ્યો.

"ઓહ કેમ કરતાં થયું ? અરે મારા હાથમાં તો મહેંદી મૂકી છે શું કરીશું ?"

"કંઈ નહી એટલુ બધુ સીરીયસ નથી બેઠોં માર વાગ્યો છે તું ચિન્તા ના કર હું જતી રહીશ".

નેહા નું મ્હોં પડી ગયું "પણ કાલે તો આવીશ ને ?."

" હા જોઈશ ટ્રાય કરીશ".

"ના એવું નહિ ચાલે હું કોઈને લેવા મોકલીશ ".

'હું ફોન કરીશ.' કહી કમલ ઉભી થઈ.ત્યાં સામેથી નીલ આવ્યો. નેહાએ નીલને બધુ કહયું.

નીલ બોલ્યો "ચાલ હું મૂકી જઉં ".

"ના ના હું જતી રહીશ અહીં તમારે બહુ કામ છે હું જતી રહીશ".

"ના હું આવું જ છું ".કમલે બહુ ના પાડી પણ નીલ માન્યો નહી.ઘર સુધી બન્ને માંથી કોઈ બોલ્યું નહીં.

ઘર આવતાં નીલે કહ્યું "ચાલ હું પણ આંટી ને જોઈ લઉં વધારે વાગ્યું હોય તો દવાખાને લઈ જઈએ ".

" ના ના સારૂ જ હશે.ખાલી થોડુ જ વાગ્યું છે."

"અરે જોવા તો દે ".

"ના ના તમે જાવ ઘરે બહુ કામ હશે."કમલ ડરેલા અવાજે બોલી

.નીલ વિચારમાં પડયો કે કમલ કેમ આમ કરે છે કંઇક ગરબડ છે.ત્યાં સામેથી કમલ ના મમ્મી પપ્યા આવતા દેખાયા.

"ઓહ "કમલનું મ્હોં પડી ગયું.

નીલે કમલ સામે જોયું .કમલે નજર જૂકાવી દીધી.

"ચાલ ગાડીમાં બેસ મારે તારી સાથે વાત કરવી છે"'નીલ ગુસ્સામાં બોલ્યો .

કમલ ગુનેગારની જેમ નીચે નજરે ઉભી રહી." કમલ ગાડીમાં બેસ." હવે નીલે સત્તાવાહી અવાજે કહ્યું.

કમલ બેસી ગઈ.કમલના મમ્મી પપ્પાની નજર હજુ એ લોકો પર પડી નહોતી. નીલે ફુલ સ્પીડમાં કાર ભગાવી અને હાઈવે પર વાળી

." બોલ કમલ શા માટે આવું કર્યું?" કમલ ચુપચાપ બેસી રહી.નીલ સ્પીડ વધારતો ગયો. નીલને ખબર હતી કે કમલને સ્પીડથી ડર લાગે છે.કમલ હજુ ચુપ હતી.

"બોલ કમલ "કહી નીલે ઓર સ્પીડ વધારી ."

તું નહી બોલે ત્યાં સુધી સ્પીડ વધતી રહેશે.' કારની સ્પીડ ખૂબ વધારે હતી.ક

મલ ગભરાઇ ગઇ.ડરીને તેણે નીલનો હાથ પકડી લીધો.'કહું છું પ્લીઝ કાર ધીમી કરો ".

શું બોલવું ? કેવી રીતે કહેવું ? કમલને ખબર નહોતી પડતી.કહેવામાં એનું સ્વમાન ઘવાતું હતું.ને ના કહે તો નીલ જીદ છોડવાનો નથી એ એને ખબર હતી.

નીલે કાર સાઇડમાં પાર્ક કરી. "બોલ હવે જલ્દી " નીલ ને હવે ખૂબ ગુસ્સો આવતો હતો.

કમલે કહેવાનું ચાલુ કર્યું "કાલે તમારા ત્યાં ખૂબ જ મોટો પ્રસંગ છે .બધા મહેમાનો જે આવશે તે બધા ખૂબ શ્રીમંત હશે. બધા જ ભારે પોશાક અને ઘરેણાંમાં હશે. અને મારી પાસે ના તો એવા કપડાં છે કે ના એવા ઘરેણાં . મને એનો પણ વાંધો નથી પણ સાદા કપડાં અને ઘરેણાં વગર હું પાર્ટીમાં આવું તો તમને લોકો જ પૂછયા કરે અને પાર્ટી નો મૂડ મરી જાય. હું બધાથી જુદી પડુ અને એટલે બધાની નજર મારા પર વધારે પડશે. અમુક લોકો મને દયાની નજરે જોશે એ મને મંજુર નથી .મારી પાસે જે છે તેમાં હું ખૂબ ખુશ છું. પણ હું તમારી પાર્ટી બગાડવા માંગતી નથી અને મારી જાતને લોકોની નજરમાં દયનીય બનાવા માગતી નથી. હું જાણું છું એ બધાનો એમાં કોઈ વાંક નથી એમની પાસે ઘણું છે એટલે ના હોય તેની દયા આવે તે સ્વાભાવિક છે. પણ મારી પાસે જે છે તેનું અભિમાન છે .અને મને કોઈની પાસેથી માંગીને પહેરવું ગમતું નથી" કહી તેણે નીલને કહ્યું " પ્લીઝ તમે આ બધું નેહા કે આંટીને ના કહેતા તેમનો મૂડ મરી જશે". તેની આંખો લાલ થઇ ગઈ અને આંસુ છલકાઈ ગયા .

કમલની આંખોમાં આંસુ અને તેનો ચહેરો જોઈને નીલનું હૃદય ગ્લાનીથી ભરાઈ ગયુ. તેનું મગજ ચકરાવે ચડ્યું .તેણે ગાડી સ્ટાર્ટ કરી કમલના ઘર બાજુ ગાડી વાળી. કમલ ને ઘરે ઉતારી .

કમલે કહ્યું "અંદર આવો". પણ નીલ નું મગજ ફાટફાટ થતું હતું .તેણે કમલ સામે એક નજર નાખી અને ખૂબ જ સ્પીડમાં ગાડી ઉપાડી. ધૂળ ઉડાડતી ગાડી એક જ મિનિટમાં અદ્રશ્ય થઈ ગઈ.

કમલે ઘરમાં આવી તેના મમ્મી અને પપ્પાને બધી વાત કરી .

તે બોલી ' જે રીતે નીલ અહીંથી ગયા છે મને લાગે છે કે તે જઇને ઘરમાં તોફાન મચાવશે અને સવારે બધા મને લેવા આવશે. મારે નથી જવું પાર્ટીમાં. ચાલો પપ્પા આપણે મામાના ઘરે જતા રહીએ. આમેય મામા બહુ દિવસથી બોલાવે છે."
કમલ ને ઉતારીને નીલ ઘર તરફ નીકળ્યો .તે ખૂબ જ ગુસ્સામાં હતો .ભયાનક સ્પીડે તેણે ગાડી ગેટ માં લીધી અને ચિચિયારી પાડતી બ્રેક મારીને કાર ઉભી રાખી .

" શું થયું?"બેલા દોડતી બહાર આવી. કારણ કે રાજ ના કમ્પાઉન્ડમાં આટલી સ્પીડ થી ગાડી ચલાવવાનો કોઈને અધિકાર ન હતો . નીલ ઉતરીને કારનું બારણું પછાડી બે પગથિયાં કૂદતો કૂદતો સીડીઓ ચડી ગયો .બેલાને ખબર પડી ગઈ કે નીલ ખૂબ ગુસ્સામાં છે .એટલું સારું હતું કે રાજ સૂઈ ગયો હતો . બેલા અને નેહાએ જોયું કે નીલ ની આંખો ગુસ્સામાં એકદમ લાલ હતી .

" નેહા , મમ્મી ચાલો મારે તમારી લોકો સાથે વાત કરવી છે " નીલ બો૯યો.ત્રણે જણા રૂમમાં આવ્યા .નીલે રૂમનું બારણું જોરથી બંધ કર્યું. "શું વાત છે દીકરા કેમ આટલો ગુસ્સામાં છો?"બેલાએ નવાઈથી નીલને પૂછ્યૂ.

નેહા સામે જોઇને નીલે પૂછ્યું "તને ખબર છે કમલ ઘરે કેમ જતી રહી? " નેહા બોલી "હા એના મમ્મી પડી ગયા છે એટલે કમલ ઘરે ગઈ".

" મને તો ખબર જ નથી" બેલા બોલી.


ફરી ગુસ્સામાં નીલ બોલ્યો "તમને લોકોને ક્યાં કશી ખબર જ હોય છે બસ પોતાનામાં જ રચ્યા-પચ્યા રહો છો. બીજાને શું તકલીફ છે એની ખબર પડે છે કદી નેહા ?". બેલા તો જોઈ જ રહી કે નીલ નો કમલ પ્રત્યેનો પ્રેમ આ બોલી રહ્યો છે બાકી નીલ કદી મારી જોડે આવી રીતે વાત ન કરે.

" અરે પણ થયું છે શું એ તો કહે". બેલાએ નીલને ને બેસાડ્યો અને બરડા માં હાથ ફેરવતા-ફેરવતા પૂછ્યું.નીલે આખી વાત બંને જણાને જણાવી.

નેહા ધબ્બ કરતી પલંગમાં બેસી પડી.

"ઓ ભગવાન આ મારાથી કઈ ભૂલ થઈ ગઈ મને શોપિંગ વખતે કેમ એ છોકરીનો ખ્યાલ ના આવ્યો . મને પરણવાના ઉત્સાહમા ને છોકરીનું ધ્યાન જ ના રહ્યું " બેલા નિરાશ થઈ ગઈ.

"નેહા તારી બેનપણીએ આખા ઘરનો ભાર ઉપાડી લીધો બધા કામમાં મદદ કરી અને તે એક પણ વાર એને પૂછ્યું નહીં કે આ પાર્ટીમાં એ શુ પહેરવાની છે?" નીલે નેહા પર પ્રશ્ન ફેંક્યો .

નેહા ને શું બોલવું એ જ સમજાતું નહોતું .

'' કંઈ નહીં ચાલો સવારે જ હું એના માટે શોપિંગ કરી જાતે જ એને આપવા જઈશ આપણે તો ફંકશન સાંજે છે ને " બેલાએ રસ્તોએ કાઢતા કહ્યું.

"નઇ લે એ ખૂબ સ્વમાની છે મમ્મી હવે એ નહિ માને' નેહા લગભગ રડી પડી.

નેહા ને રડતી જોઇને નીલનો ગુસ્સો ઉતરી ગયો તેણે કહ્યું "અરે આપણે બધા જઇશું તેને મનાવવા .ચાલો સુઈ જાવ હવે ".

બધા પોત પોતાના રૂમમાં ગયા પણ કોઈને ઊંઘ આવી નહીં. બેલા દુઃખી થઈ ગઈ અરે ! મારાથી આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ ? નેહા વિચારતી હતી કે મારી ખાસ બહેનપણી ના હૃદયની વાત હું કેમ જાણી ના શકી ? સૌથી ખરાબ દશા નીલ ની હતી .તેની નજર સામે થી કમલનો આંસુ ભરેલો ચહેરો હટતો જ નહોતો.

તેણે ઇશાનને ફોન લગાવ્યો " અરે શું થયું નીલ આટલી રાતે તે મને ફોન કર્યો .સોરી યાર હું બહારગામથી હમણાં જ આવ્યો એટલે તારા ત્યાં તૈયારીઓમાં આવી ના શક્યો .કાલે તો આ બંદા ધૂમ મચાવશે જોજે ".

"ઇશુ તું મારી વાત સાંભળીશ " નીલ નો દર્દ ભર્યો અવાજ સાંભળીને ઈશાન ગંભીર થઈ ગયો.

"શું થયું?" નીલે આખી વાત ઇશાનને કહી ઈશાન પણ દુઃખી થઈ ગયો.

" હવે?" " કાલે અમે જવાના છીએ એના ત્યાં "નીલ બોલ્યો

"તું પણ આવીશ ને ".

"હા હા અરે એમાં પૂછવાનું હોય પણ જે રીતે નેહા કહે છે તે જોતાં લાગે છે કે તે હવે પાર્ટીમાં આવશે નહીં" ઈશાન બોલ્યો.

" એવું ના બોલ યાર મારો તો મૂડ જ નહીં રહે ".નીલ નિરાશ સ્વરે બોલ્યો .

હવે ઇશાનને ચિંતા થવા લાગી બોલ્યો "હું આવું અત્યારે ".

"ના ના સવારે જ આવજે "

"ઓકે દુઃખી ના થઈશ બધું થઈ પડશે ".

" બાય ".

"બાય ".નીલે ફોન મુક્યો ફરી તેના મગજમાં એ જ વિચારો આવવા લાગ્યા. તેને આખી રાત ઊંઘ ન આવી .આંખ બંધ કરતાની સાથે જ તેને કમલ નો ચહેરો દેખાતો .હવે તેને લાગવા માંડ્યું હતું કે કમલ તેના જીવનનો એક ભાગ બની રહી છે.
સવારે નીલ તૈયાર થઈને નીચે આવ્યો

"હેપ્પી એનીવર્સરી પપ્પા ".

" થેન્ક યુ બેટા ".

બંને જણાએ ચા પીધી પછી મમ્મીને પણ વિશ કર્યું. એટલામાં ઇશાન પણ આવી પહોંચ્યો .એણે પણ બંને જણાને એનિવર્સરી વિશ કરી. નાસ્તો કરીને ચારે જણા શોપિંગ કરવા નીકળ્યા. પહેલા કપડા લીધા. પછી થોડી જ્વેલરી લીધી .બેલાએ નીલની પસંદગીના રંગના પીંક અને યલો એમ બે ડ્રેસ લીધા .

નેહાએ કહ્યું "કમલના પણ આ ફેવરિટ કલર છે " .

પછી બધા કમલના ઘરે પહોંચ્યા .જઈને જોયું તો દરવાજે તાળુ હતું. બધા એકબીજાની સામે જોવા લાગ્યા .

ઈશાન બોલ્યો "બાજુવાળાને પૂછીયે.કદાચ આટલાં માં ક્યાંક ગયા હોય તો રાહ જોઈએ " .કહીને તે બાજુ વાળાને પૂછવા ગયો.થોડી વારે પાછો આવ્યો .

" એ ભાઈ કહે છે કે એ લોકો વહેલી સવારે કમલના કોઈક મામાના ઘરે જવા નીકળ્યા છે.ત્રણ દિવસ પછી આવવાના છે.ક્યાં ગયા છે એ કહયુ નથી .ચાવી એમના ઘરે આપીને ગયા છે ." સાંભળીને બધાના ચહેરા વિલાઈ ગયા

.ત્યાં બેલાના મોબાઈલમાં રાજનો કોલ આવ્યો . "અરે ! ક્યાં છો બધા ? ઘરમાં પ્રસંગ છે ને હજુ છેલ્લા દિવસ સુધી તમારૂ શોપીંગ પતતુ નથી.'રાજ ગુસ્સમાં હતો.

" હા હા આવ્યા " બેલા બોલી.

"ચાલો પપ્પા ગુસ્સે થયા છે અને હમણાં એમને આ વાત કોઈ કરતા નહિ".

નીલે ગાડીની ચાવી ઇશાનને આપી.ઇશાન સમજી ગયો કે નીલનું મગજ અત્યારે ઠેકાણે નથી. બધા ઘરે પહોંચ્યા.
બધા પોતપોતાના રૂમમાં તૈયાર થવા લાગ્યા.નીલને તૈયાર થવાનો કોઈ ઉત્સાહ નહતો.ઈશાને પહેલવાર નીલને આટલો દુઃખી જોયો હતો.

તે બોલ્યો "યાર આજે તારા મમ્મી પપ્પા માટે ખૂબ જ ખૂશીનો દિવસ છે. તુ દુ:ખી રહીશ તો એમનો પણ જીવ વલોવાશે.કેટલા ઉત્સાહથી એ બન્ને આ દિવસની રાહ જોતાં હતાં.તેઓ આનંદ થી આ પ્રસંગ માણી નહીં શકે.કમલને આપણે ચોક્કસ મનાવી લઈશું ચાલ તૈયાર થા ".
નીલને પણ લાગ્યું કે મમ્મી પપ્પા માટે આ અનોખો દિવસ છે જે ફરી જીવનમાં પાછો ક્યારેય નહીં આવે. તો એમનો દિવસ બગાડવો નથી. તે બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ આવ્યો પછી તેણે સાદો ઝભ્ભો કાઢ્યો.

" આવો ઝભ્ભો ? તે નવો ડ્રેસ નથી લીધો?."ઈશુ બોલ્યો.

"સિવડાવ્યો છે યાર પણ હવે મૂડ નથી. કોના માટે સારો તૈયાર થઉં?" નીલ નિરાશ સ્વરે બોલ્યો.

ઇશાન આશ્વર્યથી જોઈ રહયો .જેણે કોઈની તમા કે પરવા ક્યારેય રાખી નથી. ક્યારેય કોઈની ફિકર કરી નથી એ નીલ આજે આવી વાત કરે છે.? ખરેખર કમલ આના દિલમાં ખૂબજ ઉંડી ઉતરી ગઈ છે.

" અરે તું તો ખૂબ જ બદલાઈ ગયો છું. તું વળી ક્યારથી કોઈના માટે પહેરતો કે કાંઇ કરતો થઈ ગયો ?."ઈશાને પૂછયું .

" હા યાર !હવે મને સમજાય છે કે કોઈની લાગણી કોઈનો ગમો અણગમો કેટલો બીજાના જીવનમાં અસર કરે છે . કોઈ હોય કે ના હોય ત્યારે આપણને કેટલો ફેર પડે છે ". નીલ બારીની બહાર જોતાં બોલ્યો.

" એ બધુ બરાબર પણ તારા મમ્મી પપ્પા માટે થઈને પણ તારે સરસ તૈયાર થવું પડે. આટલાં બધા ગેસ્ટ આવવાનાં છે ને તું આવા કપડાં પહેરે તો તારા પપ્પાનું ખરાબ દેખાય.તારી મમ્મી ને ખુશ જોવી હોય તો થોડી વાર માટે બધુ ભૂલીને પાર્ટીએ એન્જોય કર." ઇશાને નીલને સમજાવ્યો.

બધા તૈયાર થઈને બહાર ગાર્ડનમાં સજાવેલા શામિયાણામાં આવ્યા.એક તરફ ચોરી શણગારેલી હતી.અને બીજી બાજુ જમવાની વ્યવસ્થા કરી હતી. બેલાએ નવવધૂ જેવો શણગાર સજ્યો હતો.આટલાં વરસે પણ એ એવી જ લાગતી હતી જેવી લગ્ર ના દિવસે લાગતી હતી.રાજ પણ શેરવાની માં સજ્જ હતો.બધી વિધિઓ ચાલુ થઈ મહેમાનો પણ આવી રહ્યા હતા. નેહા પણ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી હતી. બધા ખૂબ જ આનંદમાં હતા.બેલા થોડી થોડી વારે નીલ સામે જોઈ લેતી હતી.નીલ આનંદમાં હોવાનો ડોળ કરતો હતો.પણ બેલા જાણતી હતી કે એ અંદરથી કેટલો દુ:ખી છે.
ખૂબ જ ધામધૂમથી પ્રસંગ ઉજવયો. બધા ખુશ હતા.બધા મહેમાનોને વળાવ્યા પછી સૌ પોતપોતાના રૂમમાં ગયા. રાજ કપડા બદલીને પલંગમાં આડો પડ્યો .

તેણે પુછયુ " કમલ ક્યાં ગઈ? મેં તને પાર્ટીમાં પણ બે-ત્રણ વાર પૂછ્યું તે જવાબ ના આપ્યો .

બેલાએ બધી વાત કરી ધનરાજ પણ દુઃખી થઈ ગયો

"હે ભગવાન આ શું કર્યું તમે લોકોએ".

એ રાત્રે કોઈને બરાબર ઊંઘ આવી નહીં. સવારે બધા નાસ્તો કરવા ડાઈનિંગ ટેબલ પર એકઠા થયા. કોઈ કશું બોલતું નહોતું.

છેવટે રાજ બોલ્યો "નેહા દીકરા આપણા આત્મીય માણસોનું આપણે ધ્યાન રાખવું જ જોઈએ એટલું તો હવે તારે સમજવું જોઈએ ને'.

"હા " નેહા પણ ઉદાસ હતી. તેણે રડમસ ચહેરે હા પાડી.

"બેલા તું તો ખૂબ વ્યવહારુ છે તું આવી ભૂલ કરે તે માન્યામાં નથી આવતું " થોડા ઠપકાભરે અવાજે રાજ બોલ્યો.

"હા ખરેખર મારા થી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જીવનમાં આટલો અફસોસ મને ક્યારેય નથી થયો."

તેની પણ આંખમાં આંસુ આવી ગયા "એ છોકરી ના દિલ માં શું થતું હશે તે મારાથી કોઇ જ વધારે ન સમજી શકે ".

નીલ ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી . ના એ કોઇને કહી શકતો હતો અને ના સહન કરી શકતો હતો .નેહા કમલ ના ઘરે રોજ ફોન કરતી પણ રીંગો જ વાગ્યા કરતી. કમલ વગર તેને ઘડીએ ચાલતું નહોતું. કોલેજમાં પણ તેને ગમતું નહોતું. ચોથા દિવસે નેહાએ ફોન કર્યો તો કમલની મમ્મીએ ઉપાડ્યો. નેહા આનંદમાં આવી ગઈ ફોન મૂકી ગાડી લઈને મળવા ઊપડી .કમલ ના ઘર પાસે ભયાનક સ્પીડે કાર ઊભી રાખી નેહા ઉતરી. કમલ સમજી ગઈ નેહા કેમ આવી છે. નેહા ધમધમ કરતી આવી. થોડી વાર નેહા કમલને જોઈ રહી. તેને ગુસ્સો પણ આવતો હતો અને શરમ પણ. વહાલ પણ આવતું હતું અને નારાજગી પણ હતી .નેહા ને સમજાતું નહોતું કરવું. એ સ્થિર બનીને ઉભી રહી .કમલ સમજી ગઈ નેહાના દિલમાં શું ચાલી રહ્યું છે. તે આગળ આવી અને નેહા ને ભેટી પડી .નેહા નો ઉભરો એકસાથે બહાર આવ્યો. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી .કમલની મમ્મી પાણી લઈ આવ્યા.

થોડીવાર પછી નેહા સ્વસ્થ થઈ બોલી " કમલ સોરી યાર હું તારી ફ્રેન્ડ કહેવાને લાયક જ નથી".

" અરે આ શું બોલે છે નેહુ તુ તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે " .

," હા , પણ જો હું તારા મનની વાત ના જાણી શકું કે સમજી ના શકું તો તારી ખાસ સખી કેવી રીતે કહેવાઉં ? ".

"અરે ,કંઈ નહીં મને કોઈ ફરિયાદ નથી".

" તું ફરિયાદ નથી કરતી એ જ તકલીફ છે. તું મારી સાથે લડ ઝઘડ, તો મને પણ તારા મનના વિચારો ખબર પડે .

"અરે ! મેં નીલ ને કહ્યું હતું કોઈને કહેતા નહીં વિના કારણે પાર્ટી બધા દુઃખી થશે.અને મારા લીધે બધા દુઃખી થયા હશે".

" હજુ તો તને આમાં પણ તારો જ દોષ દેખાય છે. હે ભગવાન તે કેવી ઘડી છે આ છોકરીને ?"નેહા બોલી.

"ચાલ હવે એ બધી વાત મૂક અને મને કહે કે ફંકશન કેવું રહ્યું .ફોટા પણ પાડ્યા હશે ને ,મને બતાવજે મારે જોવું છે કે અંકલ આંટી કેવા લાગે છે "

નેહા પાછી આનંદમાં આવી ગઈ એનો સ્વભાવ બાળક જેવો હતો બોલી "હા હા ઘરે ફોટા મુવી બધુ બતાવું. તો આવ તો ખરી. મમ્મી પપ્પા પણ તને યાદ કરે છે અને મોટાભાઈ તો મૂડમાં જ નથી ".

કમલ ને મનમાં સમજાવવા લાગ્યું હતું કે નીલ તેના તરફ ઢળતો જાય છે, પણ મારીને એની બરાબરી થઇ શકે એમ જ નથી. ધીરે ધીરે મારે ત્યાં જવાનું બંધ કરવું પડશે .

ત્યાં જ નેહાના ફોન પર નીલનો ફોન આવ્યો " નેહુ આવી ગઈ કમલ ?" "હા ".

"તારી પાસે છે? ".

"હા ". આપ ફોન મારે વાત કરવી છે તેની સાથે."

"હા આપુ " કહીને નેહાએ કમલ ને ફોન આપ્યો

"લે કમલ, મોટાભાઈ ને તારી સાથે વાત કરવી છે". નેહાએ કમલ ને ફોન પકડાવ્યો .કમલ ખચકાઈ પણ નેહા તો ફોન પકડાવી બોલી

" તુ વાત કર હું આંટી ઢેબરા બનાવે છે તે લઈ આવું ક્યારની સુગંધ આવે છે ને મારા મોં માં પાણી આવે છે ". કહી નેહા રસોડામાં ગઈ.

કમલે ફોન લીધો પણ તેનામાં બોલવાની હિંમત નહોતી. સામેથી નીલ

" હલો હલો "બોલતો હતો.

થોડીવાર રહી કમલ એકદમ દબાયેલા સ્વરે બોલી "હલો ".

ત્યાં તો સામેથી નીલ રીતસર તૂટી પડ્યો " તું તારી જાતને સમજે છે શું ? કોઈને કહયા વગર જતી રહી , કોઈની પરવા છે કે નહીં તને? કેટલા લોકો દુઃખી થયા બધા. ફંકશન પણ નિરસ થઈ ગયું ." એમ ક્યાંય સુધી ધમકાવતો રહ્યો. તેના મનમાં આટલા દિવસનો જે ડૂમો ભરાયો હતો તે લાવા બનીને બહાર આવી રહ્યો હતો .કશું બોલ્યા વગર કમલ સાંભળી રહી હતી .થોડીવાર રહીને નીલ શાંત થયો. પછી તેને ભાન થયું કે માફી માગવા ની જગ્યાએ હું તો કમલ નો વાંક હોય તેમ ધમકાવતો ગયો.

" ઓહ સોરી ,પણ તું આમ એકાએક ચાલી ગઈ એટલે બધા બહુ પરેશાન થઈ ગયા ".

" ના ના સોરી તો મારે કહેવું જોઈએ મેં મારો જ વિચાર કર્યો તમારા બધાનો વિચાર ના કર્યો ".

" ના ના સોરી, સોરી " નીલ ને પોતાની ભૂલ સમજાઈ.

:" વાંધો નહીં ચાલો ભૂલી જાઓ બધા હવે આ વાતને જ . નેહાને ફોન આપુ ." એમ કહી કમલે નેહાને ફોન આપ્યો .

નીલ સમજી ગયો કે કમલ ને અત્યારે વાત કરવી નથી .કંઈ નહીં આમેય મેં આટલો બધો ગુસ્સો ઠાલવ્યો એટલે એ વધારે દુઃખી થઈ ગઈ હશે. પછી શાંતિથી વાત કરીશ વિચારી એણે નેહાને બાય કરીને ફોન મુક્યો.

નીલે ઇશાનને ને ફોન કર્યો અને બધી વાત કરી. "અરે યાર તું શું કરે છે ?કંઈ નહિ ચાલ આવું છું." ઇશાન પણ ખિજાયો .

બીજા દિવસે બેલાએ નેહા ને કહ્યું "આજે કમલ ને ઘરે લેતી આવજે ". " ઓકે "કહી નેહા કોલેજ ઉપડી.

કોલેજ છૂટતા તેણે કમલ ને કહ્યું "ચાલ મમ્મી તને બોલાવે છે".

બંને ઘરે આવ્યા કમલે સફેદ સલવાર કુરતો પહેર્યા હતા .જેમાં સોનેરી રંગની ડીઝાઈન હતી .વાળની પોની લઈને નીચે છુટ્ટા રાખ્યા હતા .થોડી લટો તેના ચહેરા પર છવાઈ હતી .સફેદ રંગમાંમાં એનો ગૌર વર્ણ વધારે ચમકતો હતો.

બેલા કમલ ને ભેટી પડી ." આવ દીકરી મને માફ કરી દે ".

" અરે આંટી તમારે માફી ના માંગવાની હોય આમાં કોઈની ભૂલ છે જ નહીં તમે બધા હવે મને રડાવશો નહીં .હવે એકબીજાને માફ કરી અને આપણે આ કિસ્સો ભુલાવી જ દઈએ ".કમલ બોલી .

:એટલામાં ઉપરથી ઇશાન અને નીલ પણ ઉતર્યા કમલ ને જોઈને નીલ નું દિલ એક ધબકારો ચૂકી ગયું.કમલ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી .બધાએ સાથે બેસીને લંચ લીધું .પછી નેહા ને કમલ તેના રૂમમાં ગયા .નીલ અને ઇશાન એમના રૂમમાં ગયા .બેલા ડ્રોઈંગ રૂમમાં બેસી મેગેઝિન વાંચવા લાગી પણ તેનું મન મેગેઝિનમાં ન હતું .તેને લાગતું હતું કે નીલ, કમલ તરફ ઢળવા લાગ્યો છે .પણ કમલ નો સ્વભાવ જે છે તે પરથી લાગે છે કે તે સહેલાઇથી સ્વીકાર નહીં કરે. જેમ-જેમ વિચારતી ગઈ તેમ તેમ તેની મૂંઝવણ વધતી ગઈ .તે ઘરના મંદિરમાં ગઈ અને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગી "હે પ્રભુ મારા નીલને તેની ગમતી છોકરી સાથે મેળ કરાવી આપજે"
નીલે રૂમમાં આવી અને કહ્યું "તે જોયું કમલ મારી સામે નથી જોતી ". " તે આટલી બધી ધમકાવી પછી એને પણ ગુસ્સો આવે ને. સાચું કહું તો મને તો તારામાં હવે નવો જ નીલ દેખાય છે .જેણે ક્યારેય કોઈ છોકરી સામે જોયું નથી. તે આજે એક છોકરીની નજર ની આશા રાખીને બેઠો છે . "

" હા યાર સાચે જ મને હવે લાગે છે કે મને પ્રેમ થઇ ગયો છે કમલ વગર હું જીવી નહીં શકું એ મને આ પાંચ દિવસમાં સમજાઈ ચૂક્યું છે " .

'" શાબાશ યાર મારે આજ સાંભળવું હતું .હવે જેમ બને તેમ જલ્દી તારો પ્રેમ વ્યક્ત કરી દે ક્યાંક મોડું ન થઈ જાય . "

"એમ ".

" હા''. " નેહા ની વાત જુદી છે એ હજુ નાદાન છે પણ કમલ સમજદાર છે એ સમજી જ ગઈ હશે કે તુ એની તરફ ખેંચાયો છે. એટલે આંટી ને વાત કર પછી કમલ ને પ્રપોઝ કર ".

"તો હું મમ્મીને વાત કરું. મમ્મી પણ જાણે જ છે તો પણ એક વાર કહી દઉં".

" ડન".

"ડન ".
બીજે દિવસે રવિવાર હતો નીલે આવીને જોયું. બેલા રસોડામાં ચા બનાવતી હતી.

એ પાછળથી બે હાથ માને વીંટાળીને ઊભો રહ્યો "ગુડ મોર્નિંગ માં '." "ગુડ મોર્નિંગ બેટા કેમ આજે મા પર આટલું બધું વહાલ ઉભરી આવ્યું છે " .

"એમજ ".

" કંઇક વાત તો છે જ ".

"અરે મોમ તું પણ ".

"કમલ વિશે કંઈ કેવું છે " .

"હમ્મ ".

"મને ખબર છે તને કમલ બહુ ગમે છે .મને ને તારા ડેડીને પણ ગમે છે .પણ એક વાતનો ખ્યાલ રાખજે કે કમલ બહુ સ્વમાની છોકરી છે. એને મનાવતા તને વાર લાગશે." બેલાએ હાથ છોડાવતાં કહ્યું.

નીલ બેલા સામું જોઈ રહ્યો એને લાગ્યું માં ની કંઈક ભૂલ થાય છે .એને એમ હતું કે મારા માટે કોઈ પણ છોકરી મરવા તૈયાર છે .તો હું સામેથી જો કોઈ છોકરીનો હાથ માંગુ તો એ ના પાડી જ ન શકે ..

"તું એવા ભ્રમમાં ના રહેતો કે તું કહીશ એટલે તરત હા પાડી દેશે."

"મા તું મનેઓળખતી નથી શું ? હું ધાર્યા પંખી પાડી શકુ એમ છું."

" પણ આ પંખી જુદી માટી નું બનેલું છે એ તું સમજજે. એના માટે રૂપિયા કરતાં સંસ્કાર વધુ મહત્વના છે. એટલે ધ્યાન રાખજે દીકરા એને ઠેસ ન પહોંચે એ રીતે મનાવજે બાકી મેં તો એને વહુ તરીકે સ્વીકારી લીધી છે "બેલા હસતા હસતા બોલી .

સાંભળીને નીલ ચિંતામાં પડી ગયો .

"અરે તું તો ગભરાઈ ગયો હું તને ડરાવતી નથી પણ ચેતવું છું. બાકી મારો દીકરો જીત્યા વગર પાછો નહીં આવે એની મને ખબર છે .સામેથી છોકરી આવે એને જીતવી સહેલી છે પણ આપણી સામું એ ના જોતી હોય તેવી છોકરી નું દિલ જીતવું એ જ બહાદુરી છે. ઓલ ધ બેસ્ટ '.કહી બેલા એની અને રાજની ચા લઈને બહાર નીકળી.

થોડા દિવસ વીતી ગયા .એક દિવસ બેલાએ નેહાને કહ્યું " કમલને સાંજે જમવા લેતી આવજે".

કમલ અને નેહા બપોર થી આવ્યા હતા. નીલ અને રાજ પણ ઓફિસથી આવી ગયા .ઇશાન પણ આવ્યો. બધાએ સાથે મળી ડિનર લીધું ,પછી રાજ અને બેલા આંટો મારવા બહાર નીકળ્યા.

ઈશાને નેહાને કહ્યું "મને મુકી જઈશ હું ગાડી લઈને નથી આવ્યો " કમલે કહ્યું " મને પણ મૂકી જા ".

ઈશાન બોલ્યો "પહેલા મને મૂકી જા પછી કમલ ને મુકવા જજે .મારે એની અપોઝીટ સાઇડ જવાનું છે " .

નેહા બોલી "ઑકે ".

કમલ ગભરાઇ કારણ કે ઘર માં એ અને નીલ બંને એકલા હતા. તેણે નેહા ને કહ્યું "મને પણ સાથે લઈ જા ".

નીલે કહયું" હું તને ઉતારી દઉં છું'. ઈશાને આવીને નીલ ના કાનમાં કહ્યું "આજે સારો મોકો છે તારા મનની વાત કરી દેજે ' .

"અરે ના ના હજુ મેં કશી તૈયારી કરી નથી". નીલ બોલ્યો.

"અરે આમાં શું તૈયારી હોય આજના જેવો ફરી મોકો નહીં મળે.'' કહી ઇશાન અને નેહા બહાર નીકળી ગયા.

કમલ ને સંકોચ થતો હતો .એણે કહ્યું "હું જતી રહીશ રિક્ષામાં "

નીલ બોલ્યો "ના ના હું મૂકી જઉં છું પણ પહેલા મારે તને એક વાત કરવી છે".

કમલ સમજી ગઈ કે જે વાતનો ડર હતો એ જ થયું .તે એકદમ ઉભી થઈને ચાલવા લાગી. નીલે તેનો હાથ પકડી લીધો. કમલ કાંપવા લાગી. તેણે હાથ છોડવા પ્રયત્ન કર્યો .પણ નીલે બીજો હાથ પકડી લીધો. "પ્લીઝ જવા દો મને ".

" હા મારી વાત સાંભળી લે પછી તને મૂકી જઉં છું". નીલે આંખ માં આંખ નાખી ને કહ્યું. તોપણ કમલ હાથ છોડવા પ્રયત્ન કરી રહી હતી. નીલે તેને ભીંતસરસી દબાવી દીધી .

" આજે તો તારે મારી વાત સાંભળવી જ પડશે ." નીલ બોલ્યો.

કમલ નીચું જોઈને ઉભી રહી .

" તને જ્યારથી જોઈ છે ત્યારથી મારું દિલ મારું નથી રહ્યું. પહેલા મને ક્યારેય આવું નહોતું થયું .સાચું કહું છું તું ના આવે તો મન ઉદાસ થઈ જાય અને તુ આવે તો દિલ ખીલી જાય છે. કમલ તુ મારી જિંદગી બની ગઈ છે .તારા સિવાય મારી જિંદગીમાં કોઈને જગ્યા નથી. I love you ,I love you too much .સાંભળે છે તું ?હવે તારા વગર મારા જીવનનો કોઈ અર્થ નથી .કમલ મને ખબર પણ ના રહી ને મારુ હ્રદય, દિલ-દિમાગ તારી તરફ ઢળતા ગયા. બોલ કમલ તને મારા માટે પ્રેમ છે ને? બોલ ,હું જવાબ સાંભળવા આતુર છું . કમલ,કમલ, "

નીલ બોલતો રહ્યો પણ કમલ નજર ઉઠાવતી જ નહોતી.

નીલે નજાકતથી તેની હડપચી પકડી ચહેરો ઉંચો કર્યો અને એકદમ કમલ રડવા લાગી. " અરે અરે શું થયું ?'.નીલ એકદમ ગભરાઈ ગયો.

" મને ઘરે જવા દો પ્લીઝ "કહી જોર થી રડવા લાગી .

" હા હા ચાલ મૂકી જઉં પણ પેલા રડવાનું બંધ કર" નીલે ફટાફટ ગાડીની ચાવી લીધી.

કમલ ગાડીમાં બેસીને પણ રડતી હતી. જબરુ તોફાન મચ્યું નીલ ના દીલમાં.નીલ ચુપચાપ ગાડી ચલાવી રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે શું બોલવું .કમલ બારીમાંથી બહાર જોઈ રહી હતી .

"કમલ આઈસક્રીમ ખાઈશું? " ધીમે રહીને નીલે પૂછ્યું. કમલે તેની સામે જોયા વગર જ ના પાડી દીધી .

"કોફી?"

"મારે ઘરે જવું છે બસ" તેણે જવાબ આપ્યો. નીલને જબરો આઘાત લાગ્યો તે એકદમ ચૂપ થઈ ગયો .કમલના ઘરે આવીને કાર ઊભી રહી. દરવાજો ખોલી કમલ નીચે ઉતરી.

" તે મારી વાતનો જવાબ ના આપ્યો". નીલે પૂછી જ લીધું કમલે ઝટકા સાથે ચહેરો ધુમાવ્યો તેની .આંખો લાલ ધૂમ હતી.

"તમારો ને મારો મેળ કોઈ સંજોગોમાં થાય એમ નથી .તમારી ને મારી દુનિયા અલગ છે .તમે જે ઈચ્છો છો તે શક્ય નથી. મહેરબાની કરીને આ વાત ભૂલાવી દેજો .આટલું કહી નીચે ઉતરી .બારણું બંધ કરતા બોલી.

" મને ભૂલી જજો .મારા કરતાં હજાર ગણી ચડિયાતી છોકરીઓ તમને મળશે. તમારી જિંદગી મારી પાછળ બરબાદ ના કરો.પ્લીઝ મને સમજવાની કોશિશ કરો .તમારી દુનિયા માં મારુ કોઈ જ સ્થાન નથી. મને માફ કરી દો." એમ કહી ધીરેથી દરવાજો બંધ કરી એના ઘર તરફ ચાલી.

નીલ થોડી વાર એમ ને એમ બેસી રહ્યો .તેનું મન ચકરાવે ચડ્યું હતું. જન્મ્યો ત્યારથી આજ સુધી તેને કોઈએ કોઈ વાતમાં ના પાડી નહોતી.ના એટલે શું એની તેને ખબર જ નહોતી. તેને કંઈ સમજાતું નહોતું શું કરવું? તેણે ઇશાનને ફોન લગાવ્યો

"બોલ મારી જાન ".

"તું કોફી બારમાં આવ ".ગુસ્સા અને દુઃખ ભર્યા અવાજે નીલે કહ્યું .

"શું થયું ?'ઈશાને ચિંતા સાથે પૂછ્યું.

"તુ આવ એટલે વાત કરું".

" ઓકે 10 મિનિટમાં પહોંચું " નીલે ગાડી ફુલસ્પીડમાં ભગાવી.

કમલ ઘરમાં ગઈ ત્યારે બાપુ સુઈ ગયા હતા. માં કંઈક વાંચતી હતી. તેના ખોળામાં માથું મૂકી સુઈ ગઈ. તેની મમ્મી તેના માથામાં હાથ ફેરવવા લાગી.

" શું થયું બેટા ?' કમલે બધી વાત માંડીને કરી.

" સમય જતા બધુ જ સારું થશે ભગવાન સૌ સારાવાના કરશે ".કહી તેની મમ્મી તેના માથામાં હાથ ફેરવતા રહ્યા.

" પણ મમ્મી મેં બરાબર કર્યું ને?".

" હા બેટા તને જે યોગ્ય લાગે તે જ તારે કરવું".

એવું નહોતું કે કમલને નીલ નહોતો ગમતો. નીલ જેવો છોકરો કોઈને ના ગમે તેવું કેવી રીતે બને?. પણ નીલ અને કમલ ના સામાજિક દરજ્જામાં આભજમીનનો ફરક હતો અને કમલ જાણતી હતી કે આટલી બધી અસમાનતાથી ક્યારેક વિવાહિત જીવનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. રીત-રિવાજો, વિચારો ,રહેવાની, ખાવા-પીવાની , પહેરવા ઓઢવાની બધી જ રીતો અલગ અલગ હતી. એટલે કમલ પોતાનું મન મારી રહી હતી .એ રાત્રે તેને ઊંઘ પણ ન આવી. તેને નીલના જ વિચાર આવતા હતા .તે જાણતી હતી કે નીલના મનમાં કેવુ ધમાસાણ ચાલ્યું હશે. નીલ નો સ્વભાવ તે જાણતી હતી તે વિચારી રહી કે નીલ અત્યારે કાં ' તો એકદમ ગુસ્સામાં હશે કાં' તો એકદમ નિરાશ હશે. તેને નીલ ની દયા પણ આવતી હતી પણ તે અસહાય હતી ,મજબુર હતી. તેને વારેવારે નીલ ના જ વિચાર આવતા હતા. તેણે ભૂલવાનો પ્રયત્ન કરી ભગવાનની પ્રાર્થના માં જીવ લગાવ્યો .પણ વારે ઘડીએ કાં તો નીલ નો હસતો ચહેરો કાં તો નીલ નો ઉદાસ ચહેરો નજર સામે આવતો હતો. તે એકદમ પલંગમાં બેઠી થઈ ગઈ. ક્યાંક મને પણ નીલ સાથે પ્રેમ નથી થઈ ગયો ને ? વિચારીને તેને પરસેવો છૂટી ગયો .હથેળીઓ ભીની થઇ ગઇ .તે ઉભી થઇ ને રસોડામાં જઈને પાણી પી આવી .પણ ઊંઘ તો તેને ન જ આવી.

નીલ અને ઈશાન કોફી બાર માં બેઠા બેઠા ગરમ કોફી પી રહ્યા હતા .નીલે ઈશાનને બધી વાત કરી .તે એકદમ ભાંગી પડ્યો હતો .જાણે તેને કોઈએ ઉપરથી નીચે ફેંકી દીધો હોય તેવું તે અનુભવી રહ્યો હતો. તેનું બધુ અભિમાન આજે ચકનાચૂર થઈ ગયું હતું. ગુસ્સો અને નિરાશા એને ઘેરી વળ્યા હતા .

"નીલ".

"હમ્મ" .

" બધું સારું થશે યાર આમ ભાંગી ના પડ. આપણે ફરી પ્રયત્ન કરીશું ". નીલ ચૂપ જ રહ્યો.

" આપણે એને મનાવશું. અરે આંટી કહેશે તો તે ચોક્કસ માનશે" ઇશાન તેને સમજાવતા બોલ્યો.

નીલ બોલ્યો "અરે એમ કંઈ કોઈ માનતું હશે ? અને એને પ્રેમ જ ના હોય તો લગ્ન તો કેવી રીતે શક્ય જ બને છે યાર ".

" અરે એમ નિરાશ ન થા ".

"ના ના હવે બધું ખલાસ થઈ ગયું ".

"એમ હારી ના જવાય દોસ્ત ".

"તો શું કરું? મને તો હવે કશું જ સમજાતું નથી. મારું તો મગજ જ બહેર મારી ગયું છે .મમ્મીએ મને કહ્યું જ હતું કે કદાચ ના પણ પાડે. પણ મને મારી જાત પર ઓવર કોન્ફિડન્સ હતો." ઇશાન સાંભળી રહ્યો.

" મને એમ હતું કે હું કોઈ પણ છોકરીને ધારું તો મારી કરી શકું છું. પણ આ તો કોઈ જુદી પ્રકૃતિ ની છે ." ઈશાને જોયું કે નીલ સાવ ભાંગી પડયો છે .

તેણે કહ્યું " ચાલ છોડ અત્યારે આ ચર્ચા .હું આવું તારા ત્યાં?" ઈશાને ઊભા થતા કહ્યું :

"ના ના આજે તો હું એકલો જ રહેવા માંગુ છું યાર .સોરી ".

" કંઈ નહીં તને ઠીક લાગે તેમ કર પણ એક વાત મારી માન પ્રેમ માં 'ના' હોય ત્યાં પ્રેમ કરવાની ઓર જ મજા છે. તારા પ્રેમમાં એટલી તાકાત પેદા કર કે કમલ ને સામેથી ઘસડાઇને આવવું પડે. કોઈ વાત અશક્ય નથી જો આપણે તેમાં અથાક પ્રયત્ન કરીએ તો ." નીલ ઇશાન ની સામે દર્દ ભર્યું હસ્યો.

ઇશાનને પણ ખબર હતી કે આ વાતની નીલ પર અત્યારે કોઈ અસર થવાની નહોતી.એને થોડો સમય આપવો પડશે સ્વસ્થ થવા.નીલ ઘરે આવ્યો ત્યારે બધા સૂઈ ગયા હતા. તે પોતાના રૂમમાં આવ્યો. કપડાં બદલી પલંગમાં આડો પડ્યો. જાણે શરીરની બધી તાકાત હણાઈ ગઈ હતી .તે છત ભણી શૂન્ય નજરે તાકી રહ્યો. તેને ખબર નહોતી પડતી કે તે કેમ દુઃખી છે? કમલે તેને ના પાડી એટલે કે, તેને ના સાંભળવાની ટેવ નથી એટલે.
સવારે નીલ નીચે આવ્યો ત્યારે તેની ઉંમર જાણે પાંચ વર્ષ વધી ગઈ હોય તેવો લાગતો હતો .બેલા તેને જોઇ રહી

"શું થયું બેટા ?''તેણે પૂછ્યું . તે સમજી ગઈ હતી કે કાલે અમારા ગયા પછી શું થયું હશે .

" કમલ સાથે વાત થઈ ?" તેણે પૂછ્યું

નીલે નિરાશ ચહેરે હા પાડી .બેલા નુ દિલ દ્રવી ઉઠ્યું. નીલને તેણે આ હાલતમાં પહેલી વાર જોયો હતો. તેણે હળવેથી તેને ખુરશીમાં બેસાડ્યો .માથે ને બરડે હાથ ફેરવતા બોલી

" અરે આમ ઉદાસ કેમ થઈ ગયો? તું ધનરાજ શેઠનો દીકરો છે ,એમ હારી ના જવાય. બધું સમુસુતરું પાર પડે એ પ્રેમમાં મજા જ શું આવે ? જે માગીએ એ મળી જાય તો તેનો આનંદ હોતો નથી. ના મળતી વસ્તુને પ્રયત્નપૂર્વક મેળવવાનો કેટલો આનંદ હોય છે તે કદાચ તને ખબર જ નથી ,કારણ કે તે માંગી તે વસ્તુ તરત જ મળી ગઈ છે. ક્યારેય તેં 'ના' સાંભળી જ નથી .મેં બહુ પ્રયત્ન કર્યા તને આવી પરિસ્થિતિનો અનુભવ કરાવવા પણ ઘરના બધા તને જોઈતું તે તરત જ અપાવી દેતા" . નીલ સાંભળી રહ્યો .

..'બેટા હાર્યા વગર જીતની કિંમત આપણને ક્યારેય સમજાતી નથી' . એટલામાં રાજ પણ નીચે આવ્યો " શું થયું? કેમ સવાર સવારમાં મારા દીકરાના ક્લાસ ચાલુ કર્યા છે?" રાજે ખુરશી માં બેસતા પૂછ્યું.

તે પણ નીલ સામે જોઈ રહ્યો.બેલા એ બધી વાત કરી.

"ઓહો ! આટલી જ વાત , અરે દીકરા તારી માં પણ મને ક્યાં મચક આપતી હતી. પૂછી જો પણ મેં એને મારી પ્રેમજાળમાં એવી ફસાવી કે આજ દિન સુધી બહાર નથી નીકળી શકી. તું ચિંતા કર્યા વગર કેમ કરીને એને મનાવવી એ પ્રયત્નમાં લાગી જા .બિઝનેસ ની ડીલ તો તુ બહુ કુનેહથી પતાવે છે, તો આ તો તારી જિંદગીની ડીલ છે .એ તારે સમજદારી અને પ્રેમ બંનેથી જીતવી પડશે .કેમ બેલા બરાબર કે નહીં".

" હા ,હા એકદમ બરાબર અમે તારી સાથે જ છીએ " બેલા બોલી.

" ચાલો નાસ્તો કરીએ નેહું ક્યાં છે?"રાજે પૂછયું.

એટલામાં નેહા વંટોળની માફક દોડતી આવી ટેબલ પર ગોઠવાઈ .

" ગુડ મોર્નિંગ ".તેને તો આ બધાનો કંઈ ખ્યાલ જ નહોતો .તે બાળક જેવી હતી. એને જોઈને બધા મૂડમાં આવી ગયા.

" ખબર નહીં કમલ કેમ ફોન ઉપાડતી નથી " કહી નેહા સેન્ડવિચ ખાવા લાગી.

" હું કમલ ના ઘરે જઉં છું". કહી તે જેવી રીતે આવી હતી તેવી જ રીતે વંટોળની જેમ ઉપડી. ખરેખર નેહુ આ ઘરની રોનક છે ... એવું બધાને લાગ્યું.

.. નીલ અને ઇશાન કમલને કેમ મનાવવી તેના પર ઘણો વિચાર કરતા રહ્યા પણ કંઈ સમજાતું નહોતું. તેવામાં રવિવારે નેહાએ કહ્યું કે

" હું ને કમલ મુવી જોવા જઈએ છીએ."

બેલા બોલી " નીલ અને ઇશાનને પણ લઈ જાઓ".

નેહા હસવા લાગી અને બોલી "મમ્મી આ હિન્દી મુવી છે અને આ બંને જણા ઇંગ્લીશ મુવી જુએ છે એમને આમાં મજા નથી આવતી ".

નીલ બોલ્યો "ના ,ના ચાલો આજે હિન્દી મુવી પણ જોઈએ. જોઈએ તો ખરા તમારી મુવીમાં શું આવે છે? હું ટીકીટ મંગાવી લઉં છું '

નેહા બોલી "ok done .આપણે કમલને તેના ઘરેથી લઈ લઈશું." તેણે કમલ ને ફોન કર્યો ! પાંચ વાગ્યે તૈયાર થઈ જજે. હું તને લેવા આવીશ. આપણે મુવી જોવા જઈશું."

કમલ ને ખ્યાલ નહોતો કે નીલ પણ આવશે. પાંચ વાગે નીલની ગાડી આવીને ઉભી રહી ત્યારે કમલ નું હૃદય ધબકારો ચૂકી ગયું.

નેહાએ કહ્યું "અરે કમલ ચલ જલ્દી ટાઈમ થઇ ગયો છે. મુવીનું સ્ટાર્ટિંગ જતુ રહેશે તો જોવાની મજા નહીં આવે ."

હવે કમલ ને કોઈ છૂટકો જ નહોતો .તે પાછળની સીટ પર નેહા સાથે બેઠી

' તેં મને કહ્યું નહીં કે બધા જ જવાના છે". સહેજ ગુસ્સે થતા કમલ બોલી.

"આ તો મોટા ભાઈનો જ પ્લાન હતો " . નેહા તોફાની ઢબે બોલી. કમલ સમસમીને બેસી રહી.

આગળના કાચમાંથી નીલ કમલ ને જોઈ રહ્યો હતો .ગુસ્સાના કારણે તેનો ચહેરો વધારે ગુલાબી થઇ રહ્યો હતો .બધા થિયેટર પાસે ઉતર્યા.નીલ કાર પાર્ક કરીને આવ્યો. હોલમાં પ્રવેશ્યા. પાછળની લાઇનમા વચ્ચેની ચાર સીટ હતી. બે બાજુ ઇશાન અને નીલ બેઠા. ઇશાન અને નેહા જોડે બેઠા એટલે કમલને નીલ જોડે બેસવાનો વારો આવ્યો. તેને ડર લાગતો હતો કે નીલ કંઈક કરશે તો ! પણ આખા મુવી દરમિયાન ના નીલ કંઈ બોલ્યો કે ના તેણે કોઈ હરકત કરી. મુવી પણ જાણે કમલ અને નીલ પર બનેલી હતી ફર્ક એટલો હતો કે મુવી માં હિરોઈન શ્રીમંત હતી અને હિરો ગરીબ હતો. છેવટે બન્નેના લગ્ન થઈ જાય છે .

થિયેટરની બહાર આવતા નેહા બોલી "મજા આવી. ગમે તેટલી મુશ્કેલીઓ પડી પણ છેલ્લે બંને ભેગા થઈ ગયા.'

તો તરત જ કમલ બોલી "આ બધું ફિલ્મોમાં જ સારું લાગે .રિયલ લાઇફમાં શક્ય પણ નથી અને જરૂરી પણ નથી '.નીલ જોઈ જ રહ્યો. ઈશાન પણ થોડીવાર માટે સમસમી ગયો પછી બોલ્યો ' ચલો હવે આપણને તો ભૂખ લાગી છે જમવા જઈએ'.

નીલ તો એકદમ ઉદાસ હતો. કમલ પણ ચૂપ હતી. એકલી નેહા જ બડ બડ કરતી હતી. રેસ્ટોરન્ટમાં બેસીને બધાએ ઓર્ડર કર્યો પણ નીલે ખાલી સુપ જ મંગાવ્યો .

' કેમ ભાઈ તમને તો આ હોટલનું ફૂડ ખૂબ ભાવે છે 'નેહા બોલી. 'હમણાં થી ભૂખ નથી લાગતી '. નીલ કમલ સામું જોઈને બોલ્યો.

કમલ એવી રીતે વર્તી રહી હતી જાણે તેને કોઈ જ ફરક ન પડતો હોય પણ તેનું દિલ બેસી જતું હતું. કમલે પણ સૂપ અને સેન્ડવીચ મંગાવ્યા .કમલને સેન્ડવીચ ખૂબ જ પ્રિય હતી .

'કમલ ને મનાવવી હોય તો સેન્ડવીચ ખવડાવો એટલે ખુશ ' નેહા બોલી .

બધા નું જમવાનું આવી ગયું કમલે અડધી સેન્ડવીચ નીલ ની પ્લેટમાં મૂકી.

આ જોઇ નેહા બોલી ' અરે મને તો હું માગું તો પણ કમલ કોઈ દિવસ સેન્ડવીચ માંથી અડધો ટુકડો યે આપતી નથી ને ભાઈ ને અડધી આપી દીધી' .ઇશાન કમલ સામે જોઈ રહ્યો એને મનમાં ખ્યાલ આવી ગયો કે કમલ ના દિલના કોઈ ખૂણામાં નીલ માટે થોડી જગ્યા છે.તે એકદમ ખુશ થઈને સીટી મારવા લાગ્યો.

એને સિસોટી મારતા જોઈ નેહા બોલી "એ ઈશુડા શું રોડ સાઈડ રોમીયોની જેમ સિસોટીઓ મારે છે?".

" મને તાળાની ચાવી મળી ગઈ ".

' શેનુ તાળુ, ને શેની ચાવી ?'.નેહા ને કંઈ સમજ ન પડી.


ઈશાન બોલ્યો 'તને નહીં સમજાય."


' મારે સમજવુંયે નથી.તારી અડધી વાતો ગાંડા જેવી જ હોય છે "કહી નેહા પીઝા ખાવા લાગી.

નીલ ઈશાનની સામે જોઈ રહ્યો. ઈશાને આંખ મારી .તેણે કમલ સામે જોયું . કમલ નીચે જોઈને ધીરે ધીરે સુપ પી રહી હતી. ઇશારાથી ઇશાને નીલને સેન્ડવિચ ખાવા સમજાવ્યો. બધું પતાવી બિલ ચૂકવી બધા ઘરે જવા નીકળ્યા .કમલને ઉતારી પછી નેહાને ઉતારીને બંને આંટો મારવા નીકળ્યા.

"નીલ તને ખબર છે હોટલમાં મેં કેમ સીટી મારી ?"

'ના '

" અરે તે સાંભળ્યું નહી નેહાએ કહ્યું તે , કમલ તેની સેન્ડવીચ નો ટુકડો પણ કોઈને આપતી નથી અને એણે તને અડધી સેન્ડવીચ આપી દીધી હતી તો તું એનો અર્થ સમજયો કે એના દિલમાં તારા માટે કંઈક તો છે. એ તને દુ:ખી જોઈ નથી શકતી એટલે એનો અર્થ એ પણ થાય કે તેને તારા માટે લાગણી તો છે જ પણ તમારી સામાજિક અસમાનતાને કારણે એ ડરે છે .એણે એના હૃદયના દરવાજા સજજડ બંધ કરી દીધા છે પણ હવે મને એ દરવાજા ખોલવાની ચાવી મળી ગઈ છે ."

"સાચે જ ". નીલના માન્યામાં આવતું નહોતું .

" હા નીલ એ તને દુઃખી જોઈ શક્તી નથી .એનો અર્થ એમ છે કે એના મનમાં પણ તારા માટે લાગણી છે જ" . પછી બંને ઘરે ગયા.

ઘરે આવી આકાશ બેડ પર આડો પડ્યો. નીલ અને કમલ બંનેના મનમાં વિચારો નો વંટોળ જાગ્યો હતો .ફરક એટલો હતો કે નીલ કમલ ને કેવી રીતે મનાવવી એ વિચારમાં હતો અને કમલ નીલ ને કેવી રીતે દૂર રાખવો એ વિચારમાં હતી .
સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો. નીલને જાણે જીવનમાંથી રસ જ ઊડી ગયો હતો .બેલા પણ નીલ ને જોઈને જીવ બાળતી હતી. પણ કરે પણ શું ? નીલ કમલને ફોન કરતો તો કમલ સામે છેડે કંઈ જ બોલતી નહીં. ચૂપચાપ ફોન પકડીને ઊભી રહેતી .છેવટે થાકીને નીલ ફોન મૂકી દેતો. કમલે નેહાના ઘરે જવાનું લગભગ બંધ કરી દીધું હતું .ઈશાને પણ કમલને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કમલ મક્કમ હતી. નેહા આ બધાથી અજાણ એની દુનિયામાં મસ્ત હતી. એવામાં એક દિવસ નીલ ને તાવ આવ્યો. ઘરમાં દોડાદોડ થઈ ગઈ .ડોક્ટર આવ્યા અને તપાસીને બોલ્યા

"નીલ બરાબર ખાતોપીતો નથી કે શું? તેનું શરીર સાવ નંખાઈ ગયુ છે..તેને એડમીટ કરવો પડશે. દવાઓ નસમાં આપવી પડશે"

.નીલ ને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી દીધો. નેહા ખૂબ જ ગભરાઈ ગઈ તેણે કમલ ને ફોન કર્યો અને બધું જણાવ્યું .

'ઑહ 'કમલ ધબ્બ દઈને સોફામાં બેસી પડી .એની આંખમાં આંસુ આવી ગયા - એના લીધે કોઈ આટલું દુઃખ થયું એ વિચારીને તે ખૂબ દુઃખી થઈ ગઈ .તેને લાગ્યું તેણે ખબર પૂછવા જવું જોઈએ પણ કેવી રીતે જવું ?.તેણે તેની મમ્મીને વાત કરી.તેની મમ્મી પણ વિચારમાં પડી . તેમણે છેવટે સમજાવી

"બેટા કોઈના દુ:ખમાં થોડી પણ રાહત આપી શકતા હોઈએ તો તરત જ આપવી જોઈએ બહુ વિચારીશ નહીં ".

"સારું" કહીને તેણે નેહાને ફોન કર્યો કે હું આવું છું.

નેહાએ કહ્યું 'કમલ આવે છે ' પણ નીલ અસ્પૃહ નજરે જોઈ રહ્યો. બેલા એ જોયું કે નીલ તદ્દન લાગણીહીન થતો જાય છે .થોડીવારમાં કમલ આવી તેની નજર બેડ પર સૂતેલા નીલ પર પડી .તેનાથી નિશ્વાસ નંખાઈ ગયો .નીલ નહીં જાણે કોઈ હાડપિંજર સૂતું હોય તેવું લાગ્યું .એક નજર કમલ પર નાખી અને નીલે આંખો બંધ કરી દીધી .કમલે બેલા સામું જોયું તેની આંખોમાં દર્દ ભરેલું હતું. કમલ નુ હૃદય હચમચી ગયું .બેલા ઊભી થઈ "હું જરા નીચેથી દવા લઈને આવું છું".

કમલ નીલ પાસે જઈને બેઠી .નેહા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી .

"કેમ છો ?". કમલ ધીરે થી બોલી .

નીલે આંખો ખોલી "મને એવી ખબર હોત કે હું હોસ્પિટલમાં હોઉં તો તું મને મળવા આવે તો મેં ક્યારનુંય ઝેર પી લીધું હોત " નીલ નિર્બળ અને નિરાશ ભરે અવાજે બોલ્યો .


આ સાંભળીને નેહા એકદમ ચમકી .તેણે એ બંને સામું જોયું .કમલે દુઃખી નજરે નેહા સામું જોયું. ઑહ ! આ વાત છે નેહાને હવે બધું જ સમજાઈ ગયું. મને કેમ ખ્યાલ ના આવ્યો ? એ મન માં બબડી કમલ ની પરિસ્થિતિ કફોડી થઈ ગઈ. શું બોલવું ,શું કરવું, એની સમજણ ના પડી તે નીચી નજરે બેસી રહી .નેહા એકદમ આવી કમલ નો હાથ પકડી અમે થોડી વારમાં આવીએ કહી કમલને નીચે હોસ્પિટલ ની કેન્ટીન માં લઈ ગઈ .બંને સામસામે બેઠા .કમલ ખૂબ જ દુ:ખી હતી, અને નેહા ખુબજ ગુસ્સામાં બોલી

"આટલું બધું થઈ ગયું અને તે મને કહ્યું પણ નહીં ".

"શું કહું? એમ કહું કે મેં તારા ભાઈને ના પાડી દીધી એમ?".
" પણ મારા ભાઈ માં શું કમી છે ?".
"ના ,ના એવું કંઈ નથી".
" હા મારી જ ભૂલ છે મારે ભાઈને પહેલા જ ચેતવી દેવા જેવો હતો કે આ છોકરીને પૈસા વાળા લોકો ગમતા નથી."
'નેહું મેં એવું ક્યાં કદી કહ્યું છે? પણ લગ્નમાં બે પરિવારના સરખા હોવા જોઇએ .લાઇફ સ્ટાઇલ પણ કેટલી અલગ પડે છે તમારી ને અમારી." નેહા કંઈ બોલી નહિ .એક બાજુ એની બેસ્ટ ફ્રેન્ડ હતી ને બીજી બાજુ જીવથી પણ વધારે વહાલો ભાઈ હતો .એનું મગજ બહેર મારી ગયું હતું. એ કોને સમજાવે ?બંને પોતાની જગ્યાએ સાચા હતા .નેહાને પહેલીવાર કમલે આટલી દુ:ખી જોઈ હતી .એણે નેહાનો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમે ધીમે પંપાળવા લાગી.
નીલ થોડા દિવસમાં સાજો થઈ ને પાછો ઘરે આવ્યો .રાજ અને બેલાને ચિંતા થતી હતી.
થોડા દિવસ પછી નેહા સમાચાર લાવી કે કમલ ને કોઈ છોકરો જોવા આવવાનો હતો. બેલા અને નીલ સાંભળીને ઉદાસ થઈ ગયા. બીજે દિવસે નેહા કમલ ના ઘરે પહોંચી. કમલની મમ્મીએ તેને બોલાવી હતી કે તું પણ જો છોકરો કેવો છે ?.કમલે મરૂન કલરનો ડ્રેસ પહેર્યો હતો, પણ ચહેરા પર ઉદાસી હતી.

નેહાએ કહ્યું "કેમ તું ઉદાસ છે ?તારે તો ખુશ થવું જોઈએ તારા મોભાને સમાન છોકરો જોવા આવે છે ."નેહા ના અવાજમાં થોડી કટુતા આવી ગઈ. કમલ ને ખ્યાલ આવ્યો પણ એ સમજી ગઈ કે આ એના ભાઈ પ્રત્યેનો પ્રેમ બોલે છે. છોકરા વાળા આવ્યા એકબીજાને જોયા ,મળ્યા, વાત કરી.નેહા એક બાજુ બેસી રહી હતી. તેમના ગયા પછી કમલ ની મમ્મીએ નેહા ને પૂછ્યું

" કેવો લાગ્યો છોકરો બેટા? "

" સારો છે આંટી " નેહા એ જવાબ આપ્યો.

" એન્જિનિયર છે. પોતાની ફેક્ટરી છે, અને એક બહેન છે તે પણ પરણીને અમેરિકા માં રહે છે .

"બરાબર " નેહા બોલી "પણ દેખાવમાં તે કમલ ની તોલે ન આવે આંટી.".

ત્યારે તેની મમ્મી બોલી "સો એ સો ટકા ગુણ તો કોઈનામાં ના હોય . થોડું કંઈક તો જતું કરવું જ પડે ."

"અચ્છા'.

" અને હા ! કમલ ને ગમે તો જ કરવાનું " કહીને તેની મમ્મી રસોડામાં કામે વળગ્યા.

નેહા કમલ નો હાથ પકડીને ઝૂલા પર લઈ ગઈ." બોલ તને ગમ્યો ? " કમલ અવઢવમાં હતી .

નેહા આગળ ચલાવ્યુ " કંઈક જતું કરવાનું હોય તો સામાજિક દરજ્જો બાદ કરતા મારા મોટાભાઇ માં બીજું શું નથી જે તને ના ગમે." કમલ પણ વિચારમાં પડી ગઈ. દેખાવમાં તો છોકરો સાચે જ ખરાબ હતો.કમલના મનમાં છોકરા ની સરખામણી નીલ સાથે થઈ ગઈ.

તે બોલી "મને નથી ગમ્યો ".

નેહા ખુશ થઈને ધીરે રહીને કમલ ના કાન માં બોલી "હવે તને નીલભાઈ સિવાય કોઈ છોકરો ગમશે જ નહીં જો જે ને '.કમલ નેહા સામુ એક નિસહાય નજરે જોઈ રહી .

નેહા અંદર ગઈ અને કમલની મમ્મી ને કહ્યું "આંટી કમલ ને છોકરો ગમ્યો નથી'

"એમ ! હશે જેવી ભગવાનની મરજી".

"આંટી અમે થોડું બહાર ફરી આવીએ ".

"હા ,હા જાઓ થોડીવાર આંટો મારી આવો ". કમલ નો હાથ પકડી ને નેહા બોલી " ચલ ,ચલ થોડું ૨ખડીને આઈસક્રીમ ખાઈ આવીયે. "

બંને જણા એ ખૂબ હસી મજાક કરી. આઇસક્રીમ ખાધો .ઘણા દિવસો પછી બંને બહેનપણીઓ એ આનંદમાં સમય પસાર કર્યો.

.નેહા ઘરે આવી ત્યારે બેલા તેની રાહ જોતી બેઠી હતી." શું થયું? નેહું " 'કંઈ નહીં મમ્મી કાગડા જેવો છોકરો હતો કમલે ના પાડી દીધી'.બેલાના મનમાં હાશ થઇ.

બારણાં પાસે ઉભેલા નીલે પણ આ વાત સાંભળી. નીલે રૂમમાં આવીને ફોન જોડ્યો. કમલની મમ્મીએ ફોન ઉપાડ્યો તો નીલે મૂકી દીધો .થોડીવાર રહીને ફરી ફોન કર્યો આ વખતે કમલે ઉપાડ્યો. નીલ ને ખબર હતી કમલ બોલશે નહીં પણ સાંભળશે ખરી ,એટલે એ બોલવા લાગ્યો 'કમલ મને ખબર પડી કે તને કોઈ જોવા આવ્યું હતુ . તને કોઈ સામેથી ના પાડી જ નહીં શકે એ મને પણ ખબર છે. તને જે દિવસે કોઈ ગમશે અને તારા લગ્ન જે દિવસે હશે જે સમયે તારો હસ્ત મેળાપ થશે તે સમય મારો મોતનો સમય હશે એ તું લખી રાખ. " સાંભળીને કમલ ધ્રુજવા લાગી .

"હું તને રોકતો નથી પણ તારા વગર જીવવું હવે અસહ્ય છે એટલે જે દિવસે તું ચાલી જઈશ એ દિવસ મારો છેલ્લો દિવસ હશે .તું તારા નિર્ણય લેવા માટે આઝાદ છે. " કહી ને નીલે ફોન મૂકી દીધો .

કમલ ક્યાં સુધી ફોન પકડીને ઊભી રહી .તેણે આવું નહોતું વિચાર્યું કે નીલ આટલો બધો પાગલ હશે તેના માટે. પાછળથી તેની મમ્મી આવી ."મા "કહીને તેની મમ્મીને ચોંટી પડી. તેણે બધી વાત કરી. તેના મમ્મી પણ હવે ચિંતામાં પડ્યા .
થોડા દિવસ શાંતિ રહી પણ હવે કમલના મનોદિમાગ પર હંમેશા નીલ સવાર રહેતો .નેહા આવતી જતી રહી.
ભૂતકાળ ના વિચારો માં ખોવાયેલી કમલ ને ધીમે ઊંઘ આવી ગઈ
બીજે દિવસે સવારે નેહા આવી તેણે સમાચાર આપ્યા કે મોટાભાઈ હવે કાયમ માટે યુ.એસ.એ જવાનું વિચારે છે. ડેડી કહે છે કે ત્યાં પણ બિઝનેસ કરવો છે. એટલે નીલ ત્યાં સેટલ થઈને બિઝનેસ સંભાળશે. સાંભળીને કમલના દિલમાં ચિરાડો પડ્યો. તેને સમજાયું નહિ કે આ શું થાય છે મને .આ વાત સાંભળીને મને કેમ આટલી બેચેની થાય છે. નેહાએ કમલ સામે જોયું .કમલનો ચહેરો એકદમ પડી ગયો. આંખો રડું રડું થઇ ગઇ હતી .

નેહાએ કમલ નો હાથ પકડી કહ્યું "તારા દિલમાં ભાઈ માટે થોડો પણ પ્રેમ હોય તો રોકી લે એમને નહીં તો બહુ મોડું થઈ જશે કમલ .કંઈ નહીં તો એટલિસ્ટ એમના બર્થ-ડે પર તો આવ" . કમલ સૂનમૂન થઈને બેસી રહી. તેણે નેહાને થોડા દિવસ પહેલા નીલે ફોન પર જે વાત કરી હતી તે નેહાને કહી.નેહા એકદમ ગભરાઈ ગઈ .

તે તરત ઉભી થતા બોલી " મારે મમ્મી-પપ્પાને આ વાત કરવી પડશે'. તે ઝડપભેર ઘરે ગઈ. તેણે બેલા ને બધી વાત કરી. બેલા પણ ઊંડા વિચારમાં પડી ગઈ. રાત્રે તેણે રાજને બધી વાત કરી ત્યારે રાજે કહ્યું "બેલા હવે સમય થઈ ગયો છે કે આપણે કમલ ને સમજાવીએ નહીં તો આપણે દીકરો ગુમાવી બેસીશું ."

બેલા બોલી "હા , હવે મને સમજાય છે કે નીલ યુ.એસ.એ જવાની જીદ કેમ કરે છે. અઠવાડિયા પછી નીલ નો જન્મદિવસ હતો ત્યારે રાજે મોટી પાર્ટી રાખી હતી ,પણ નીલ ના જ પાડતો રહ્યો . તો રાજે કહ્યુ કે

"તું કાયમ માટે યુ.એસ.એ જાય છે તો આ બર્થ ડે સેલિબ્રેટ કરીએ ". કમને નીલે હા પાડી.

"આપણે કાલે જઈએ કમલના ત્યાં અને એને બર્થ ડે પર આવવા મનાવીએ ".બેલાએ રાજને કહ્યું .
બીજા દિવસે સાંજે બેલા અને રાજ કમલ ના ઘરે ગયા. કમલ ઝૂલા પર બેઠી હતી તે એકદમ ઉભી થઈ ગઈ .

" આવો આવો આંટી ,અંકલ જય શ્રી કૃષ્ણ." બધા અંદર ગયા . કમલને ખ્યાલ આવી ગયો કે નેહા એ વાત કરી હશે એટલે જ અંકલ આંટી આવ્યા છે. કમલની મમ્મી પણ આવ્યા

" આવો આવો". બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા .વાત કેવી રીતે શરૂ કરવી ? બેલા અવઢવમાં હતી . એટલામાં કમલની મમ્મી ચા-નાસ્તો લઈને આવ્યા. બાજરીના વડા માંથી સુગંધ આવતી હતી .બેલાએ વડુ ખાધુ અને બોલી

"નેહા હંમેશા વખાણ કરે છે તમારી રસોઇના આજે અમને પણ ખાવા નો મોકો મળ્યો .કમલ પણ ખૂબ જ ટેસ્ટી રસોઈ બનાવે છે ".

બેલાને લાગ્યું કે હવે વાત કરવી જ જોઈએ તે બોલી "અમે તમારી દીકરીનો હાથ માગવા આવ્યા છે.કમલ શરમથી લાલ લાલ થઇ ગઈ."

" હા મને જાણ છે. પણ કમલને મંજુર હોય તો અમને પણ મંજુર છે .અમે કોઈ જાતનું દબાણ કરવા માંગતા નથી ."

"હા એ તો છે જ કમલ બેટા તારો શું વિચાર છે? બોલ'. કમલ કંઈ બોલી નહિ .

"ધનરાજ ભાઇ તમે ખૂબ જ શ્રીમંત છો અને અમે એકદમ મધ્યમવર્ગના છીએ એટલે કમલ ડરે છે કે આ અસમાનતા ક્યાંક જીવનની મોટી મુશ્કેલી ના બની જાય ." કમલ ના મમ્મી બોલ્યા.

" તમારી વાત સાચી છે .દરેકના મનમાં આવો પ્રશ્ન થાય જ .પણ કમલ મને તું જવાબ આપ કે આ એક જ કારણ છે જેના લીધે તું ના પાડે છે? આજે તું ખુલીને બધી વાત કર અમે તારા પર કોઈ દબાણ કરવા માંગતા નથી, તુ મને તારા પિતા સમાન ગણીને જે કહેવું હોય તે નિસંકોચ કહે ." રાજે કમલ સામે જોઈ ને કહ્યું .

કમલ ને થોડું સારું લાગ્યું તે ધીમે રહીને બોલી "હા એ જ કારણ અને બીજું એ કે નીલ આટલી શ્રીમંતાઈ અને લાડકોડમાં ઉછેર્યા છે. જેના કારણે એમનો સ્વભાવ જીદ્દી હશે અને ભવિષ્યમાં દરેક વસ્તુ માં એમનો અહમ આડે આવશે એવું મને લાગે છે."

" ઓકે હવે મને એક વાતનો જવાબ આપ કે તું આટલા દિવસથી અમારા ઘરે આવે છે તો તને અમારા બે ના વર્તનમાં કંઈ એવું લાગ્યું કે તારે ડરવું પડે. આટલા દિવસમાં તું અમને ઓળખી ગઈ હોઈશ. અમારા બંને થી ભવિષ્યમાં તને કે તારી ફેમિલીને દુખ પહોંચશે એવું તને લાગે છે?"

"ના , ના અંકલ તમે બંને તો ખૂબ જ સરળ છો. તમે કોઈને દુઃખી કરો તો હું વિચાર પણ ના કરી શકું."

" જો કમલ હું પરણી ત્યારે મારું પિયર એકદમ સામાન્ય હતું કદાચ મારા માતા-પિતા પાસે તો તમારા જેટલા પણ રૂપિયા નહોતા ,પણ મારા સાસુ સસરા એ કદી એ વિશે ઉલ્લેખ પણ નથી કર્યો .ઉલ્ટાનું મને ધીમે ધીમે એમણે બધું જ શીખવી દીધું. મને પણ તારા જેવો જ ડર હતો પણ આજે હું તારી સામે છું, અને હું એક મધ્યમ વર્ગમાંથી આવું છું તો મારાથી વધારે તને કોણ ઓળખી શકે . નીલ જીદ્દી છે તેનામાં અહમ પણ છે ,પણ બેટા એ તો શ્રીમંત હોય કે ગરીબ ઘણાંમાં હોય છે. મને વિશ્વાસ છે કે તું એને બદલી શકીશ. તને મળ્યા પછી એનામાં ઘણો બદલાવ આવ્યો છે એવું તને નથી લાગતું? હા એનામાં બીજી કોઈ એબ હોત તો હું ક્યારેય તને આટલું દબાણ ન કરત" .બેલાએ કમલને સમજાવતા કહ્યું.

કમલ પણ ધીરે ધીરે વાત સમજવા લાગી કે આંટી અને અંકલ ની વાત સાચી છે. તેણે તેની મમ્મી સામે જોયું તે પણ સહમત હતા .

"ઓકે અંકલ હું તમને બે દિવસમાં વિચારીને જવાબ આપુ ".

" હા ,હા વાંધો નહીં તું શાંતિથી વિચારીને જ્યાં મૂંઝવણ હોય ત્યાં બેધડક પૂછજે પણ એક વાત તને કહું હંમેશા મનનું કહ્યું જ ન કરવું ક્યારેક દિલનું કહ્યું પણ કરવું. ચાલો ત્યારે નીકળીએ. અમે હવે જાન લઈને જ આવીશું .મને વિશ્વાસ છે કે કમલ ના નહીં પાડી ." રાજ હસતા હસતા બોલ્યો .

બધા હસવા લાગ્યા. બહાર નીકળતા બેલાએ કમલ નો હાથ હાથ માં લઈ કહ્યું "મારા દીકરાની જીંદગી હવે તારા હાથમાં છે. તને દબાણ નથી કરતી પણ મા છું ને એટલે કહું છું બેટા ના નહીં પડતી અને ના પાડવા માટે કોઈ કારણ નથી .નીલ તરફથી હું બાંહેધરી આપું છું કે તને ક્યારેય તકલીફ નહીં પડે વિશ્વાસ રાખજે. હું હમેશા તારી જ પડખે ઉભી રહીશ આ મારૂ પ્રોમિસ છે. તને એમ હોય કે અમારી જોડે તમને નહીં ફાવે તો તમને જુદા રહેવાની પણ છૂટ છે. ". બેલાની આંખમાં આંસુ આવી ગયા.

"અરે આંટી એવું કંઈ નથી .તમે દુઃખી ન થાવ પ્લીઝ . મને પણ નીલ ગમે જ છે પણ મને બે દિવસ વિચારવા માટે આપો ."

"ઓકે અઠવાડિયા પછી એનો બર્થ ડે છે આપણે સરપ્રાઇઝ આપીશું ". ખુશ થઈને બેલા બોલી . કમલે તેનો હાથ ઉષ્માથી દબાવીને હા પાડી. ગાડીમાં બેસતાં બેલા બોલી "હવે વાંધો નહીં આવે ".

રાજ નો ચહેરો પણ હસી ઉઠ્યો .

ઘરમાં આવતા જ કમલની મમ્મી બોલ્યા બેટા માણસો તો બહુ સારા છે હવે તારે વિચારવાનું છે શું કરવું. કમલ પલંગમાં આડી પડી તેનું મગજ હવે ચારેબાજુથી વિચારોના ચગડોળે ચડયું હતું
બીજા દિવસે નીલે કમલ ને ફોન કર્યો ."આ રવિવારે મારો બર્થ ડે છે .ડેડીને મમ્મીને ઉજવવો છે .મને જરા પણ રસ નથી પણ એમનું મન રાખવા મેં હા પાડી છે .તને ઇન્વિટેશન આપવા ફોન કર્યો છે. મને ખબર છે તું નહીં જ આવે પણ પછી મને એવું ના થાય કે મેં તને ઈન્વીટેશન ના આપ્યું એટલે ફોન કર્યો. સાંજે સાત વાગ્યાથી પાર્ટી ચાલુ થશે .આઠ વાગે કેક કાપવાની છે તું નહીં આવે ત્યાં સુધી હું કેક નહી કાપુ , કેક કદાચ ક્યારેય નહીં કપાય ....".એમ કહી નીલે ફોન મૂકી દીધો .

કમલ વાત કરવા જતી હતી પણ એ પહેલા ફોન મુકાઈ ગયો હતો. બહુ વિચાર્યા પછી કમલને લાગ્યું કે નીલ મને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ કદાચ એને કદી કોઈ નહીં કરી શકે.

એના પપ્પા એ પણ કહ્યું કે " જો બેટા આપણા જન્મ ,લગ્ન અને મરણ ઉપર ભગવાનના ઘરેથી જ નક્કી થઈને આવ્યા હોય છે એટલે આમાં હવે કાંઈ બહુ વિચારવા જેવું છે નહીં .અજાણયા સબંધ માં પડવું એના કરતાં જાણીતા માં પડવું સારું ."છેવટે કમલે હા પાડી. એની મમ્મી બેલાને ફોન લગાવ્યો

"કમલે હા પાડી છે .ગોળધાણા વહેચો."

બેલા તો આનંદ થી ઉછળી પડી "અરે ગોળધાણા શું આખા શહેરમાં મીઠાઇ વહેંચીશ .આપો કમલ ને ફોન.

કમલે ફોન લીધો " મારી દીકરી થેંક્યુ વેરી મચ તે મારા દીકરા ની જીંદગી બચાવી લીધી .થેન્ક્સ બેટા થેન્ક્સ ."

"આંટી ".

"અરે મમ્મી બોલ આંટી નહીં આપણે નીલને બર્થ ડે ના દિવસે સરપ્રાઈઝ આપીશું પણ તું નેહાને કહેતી નહીં એના પેટમાં વાત ટકશે નહીં અને ફિયાસ્કો થઈ જશે. ચાલો હું તારા ડેડીને ખુશ ખબર આપુ એ પણ ક્યારના તારા ફોનની રાહ જોઈ રહ્યા છે."

"સારુ ".કહીને કમલે ફોન મુક્યો.
બેલાએ રાજને ફોન લગાવ્યો. બધી વાત કરી રાજ આનંદ માં આવી ગયો.બેલા એ ઇશાન ને પણ ફોન કરીને બધી વાત કરી અને કહ્યું કે નીલને આપણે બર્થ ડે પર સરપ્રાઇઝ આપીશું . નીલે કમલ માટે જે દાગીના અને કપડાં ખરીદયા હતા તે બેલાએ તેને મોકલાવી દીધા. બધા રવિવાર ની ઉજવણી મા લાગી ગયા. બર્થ ડે ના આગલા બેલાએ કમલને ફોન કર્યો

" કાલે સાત વાગ્યે ગાડી મોકલીશ .તું અને તારા મમ્મી પપ્પા આવી જજો ".

"સારું મમ્મી" કહીને કમલ બોલી " નેહુ ને ખબર પડશે કે તેને કોઈ એ વાત નથી કરી તો તે બહુ ગુસ્સે થશે અને મારું તો આવી જ બનશે".

" તું એની ચિંતા ના કર એને હું સંભાળી લઈશ". "

ઓકે ચલો તો મળીએ કાલે .જય શ્રી કૃષ્ણ ".

" જયશ્રીકૃષ્ણ બેટા ".ફોન મૂકી બેલા અધૂરા રહેલા કામ પૂરા કરવામાં લાગી ગઇ.

સવારથી જ ખૂબ જ ધમાલ હતી ઘરમાં.સાંજે મોટી પાર્ટી હતી .બધા જ સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું,કારણ કે નીલકમલ નું સગપણ જાહેર કરવાનું હતું . ચારે બાજુ શામિયાણા બંધાઈ ગયા .ફૂલ અને રોશનીથી બગલાને નવવધૂની જેમ શણગારવામાં આવ્યો હતો.શહેરના બેસ્ટ કેટરર્સને બોલાવવામાં આવ્યા હતા .બધા જ આનંદમાં હતા, એક નીલને છોડીને .તેને આ બધું નિરર્થક લાગતું હતું. એક-બે વાર તેણે ગુસ્સામાં કહ્યું પણ ખરું

"મમ્મી શા માટે તે આટલી મોટી પાર્ટી રાખી છે ?"

" અરે શેઠ ધનરાજના દીકરાનો બર્થ ડે છે કંઈ જેવો તેવો થોડો હોય . "

' જો મમ્મી આ બધું ઠીક છે પણ હું કેક કાપવાનો નથી માટે મહેરબાની કરીને કેક ઓર્ડર ના કરતી .નહીં તો બધાની આગળ નકામો ફિયાસ્કો થઈ જશે."

"અરે પણ એવું થોડું હોય ?" બેલાએ નાટક કરતા કહ્યું .

" ના એટલે ના બસ".

" જો કોઈ આવે કે ના આવે એટલે આપણે કંઈ આમ સાવ નિરાશ ના થઈ જવાય. તને તો પાર્ટી બહુ ગમતી હતી ."

" મમા મારી જોડે તું ખોટી માથાકુટ ના કર નહીં તો હું પાર્ટીમાં પણ નહીં આવું અને નકામું ખરાબ દેખાશે ".

બેલા મનમાં બોલી તું ના તો શું આવે, આવીશ અને હસતો હસતો આવીશ . બેલા નીલ ને જતા જોઈ રહી .નેહા ખુબ જ આનંદમાં હતી .તેણે કમલ ને બે ત્રણ વાર ફોન કર્યો કે "આવીશ ને ?'' કમલે "જોઉ " કહીને જવાબ આપ્યો .

સાત વાગ્યાથી મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા. બેલા એ કમલ ના ઘરે ગાડી મોકલી દીધી અને પાછળના દરવાજેથી આવવા સમજાવી દીધી. ઈશાન પણ બધા માં સામેલ હતો. બેલાએ ઇશાનને કહ્યું

"થોડી વારમાં કમલ આવશે તો તું તેને પાછળથી ઉપર લઈ જજે". નેહા બનીઠનીને તૈયાર થઈને નીચે આવી. એટલામાં પાછળથી ગાડી આવી. કમલને ઈશાન ઉપરના રૂમમાં લઈ ગયો .કમલ ગુલાબી અને સફેદ કલરના ડ્રેસમાં પરી જેવી લાગતી હતી .ઈશાને નેહાને બધી વાત સમજાવી .પહેલા તો નેહાનો મ્હો ફૂલી ગયું પણ કમલે એને પ્રેમથી મનાવી એટલે માની ગઈ .આજે કમલ ખરેખર ખૂબ જ સુંદર લાગતી હતી.

નેહા બોલી " માય ગોડ , કમલ તને જોઈને આજે ભાઈ ચોક્કસ બેભાન થઈ જવાના" .બધા બેલા ની રાહ જોવા લાગ્યા. સાડા સાતે બેલા ઉપર આવી. તે નીલના રૂમમાં ગઈ .

" નીલુ બેટા મહેમાનો આવી ગયા છે."

નીલ માથું ઢાળી ને બેઠો હતો.' મોમ તને મેં કહ્યું હતું કે હું કેક નહીં કાપુ શા માટે બધા મને હેરાન કરો છો?"

" તારી મા ને દુઃખી કરીશ બેટા '.

'ઓ...માં , હું શું કોઈને દુઃખી કરું જ્યારે હું જ દુઃખના દરીયામાં અટવાયેલો છું " .

' ડેડીનું પણ માન નહીં રાખે ?"

'મા તુ મને ઇમોશનલ બ્લેકમેઈલ ના કર. તને ખબર છે હું તારો જ દીકરો છું. મેં ના પાડી એટલે નહીં જ કાપુ બસ ધેટ્સ ઓલ ".

"સારું જેવી તારી મરજી ".એમ કહી બેલા બહાર નીકળી.મનમાં મલકતાં બોલી ! કેક તો તું કાપીશ બેટા અને હસતાં હસતાં કાપીશ. નીલ દુઃખી હતો કે ,મારા કારણે મમ્મી પપ્પા દુ:ખી થઈ રહ્યા છે .પણ એ કમલ ને કહી ચૂક્યો હતો કે એના વગર કેક નહીં કાપે. બેલા કમલ હતી તે રૂમમાં ગઈ. કમલ ને જોઈને બે ઘડી તે પણ સ્થિર થઈ ગઈ.

" કમલ તુ આજે એટલી સુંદર દેખાય છે કે મારી જ નજર ના લાગી જાય ".એમ કહી તેણે કમલ ના કાન ની પાછળ મેંશનું ટપકું કર્યું.

" ચાલ હવે નીલ તો ના જ પાડે છે નીચે આવવાની .હું ગઈ હતી .હવે તારો વારો."

કમલ ધ્રુજતી હતી ." મમ્મી મને ડર લાગે છે ".

"અરે એમાં શું ડરે છે". તેણે કમલ નો હાથ પકડ્યો .કમલની હથેળી પરસેવાથી ભીની થઈ ગઈ હતી .બેલા એ એનો કોમળ હાથ પંપાળ્યો અને બોલી

" તારી જિંદગીનો આ સૌથી યાદગાર અને મહત્વનો દિવસ છે .તો ભગવાનનું નામ લે અને જા નીલની પાસે ." કમલ બેલા ને પગે લાગી અને નીલ ના રૂમમાં જવા લાગી. બધા સામે પડેલા સોફામાં બેસી ગયા. કમલે ધીરે રહીને રૂમનું બારણું ખોલ્યું.

નીલ બારીની બહાર જોતો ઊંધો ઊભો હતો." એક વાર ના પાડી કે હું કમલ વગર કેક નહીં કાપુ પછી શા માટે બધા મને હેરાન કરવા આવો છો". નીલે પાછળ જોયા વગર ગુસ્સા અને નિરાશા ભરે અવાજે કહ્યું . સાંભળીને કમલ ને થોડું હસવું આવ્યું અને સાથે નીલ માટેનો પ્રેમ બેવડાઈ ગયો .પણ હજુ તેને ડર હતો કે નીલ કેવું રિએક્ટ કરશે. એને જોઈને તે ધીરે ધીરે તેની તરફ જવા લાગી .એકદમ પાછળ જઈને ઉભી રહી તેના શ્વાસ નીલ અથડાવા લાગ્યા. તેણે ધીરેથી નીલ નો હાથ પકડ્યો અને ખભા પર માથું ઢાળ્યું .એકદમ ઝાટકો મારીને નીલે પાછળ જોયું "કોણ છે ?' તેણે પાછળ ફરીને જોયું ,પણ કમલના ચહેરા પર અંધારું હતું એટલે તેને ખ્યાલ ન આવ્યો કે કોણ છે .

" હું છું "

કમલ નો અવાજ સાંભળીને એકદમ તેણે તરત જ બાજુમાં સ્વીચ દબાવી. આખા રૂમમાં ઝુમ્મરનો ઝળહળાટ પથરાઈ ગયો .નીલ જાણે સપનું જોતો હોય તેમ સ્થિર થઈ ગયો. બંને એકબીજાની આંખમાં જોતા રહ્યા .કમલે શરમથી આંખો ઢાળી દીધી. નીલ નું મન માનવા તૈયાર નહોતું .તેના મનમાં તુમુલ ઉઠ્યું હતું. તેણે ધીરેથી કમલની હડપચી પકડીને ચહેરો ઉંચો કર્યો. કમલ ની આંખો બંધ હતી. રોશનીના ઝળહળાટ એક અપ્સરા જેવી લાગી રહી હતી. નીલ ની આંખમાંથી પાણી વહી રહ્યા હતા. તેણે બંને હાથ કમલને વીંટાળ્યા ,પછી ધીરેથી તેના કાનમાં બોલ્યો

"ખરેખર તું છે કે મને ચિત્તબ્રહ્મ થઈ ગયું છે .

કમલ બોલી. "નીલ હું જ છું".

નીલે એક હાથે ફરી એનો ચહેરો ઉંચો કર્યો નીલની આંખમાંથી પાણી વહી રહ્યા હતા તે જોઈને કમલની આંખમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા .

' નીલ ' તે ધીરેથી બોલી,

પણ નીલ તો કોઈ અગમ અગોચર માં ખોવાયેલો હતો. થોડી વાર એમ જ ચુપચાપ બંને એકબીજાને વીંટળાઈ ને ઉભા રહ્યા .પછી કમલ ને યાદ આવ્યું કે બહાર બધા રાહ જોતા હશે . તેણે છુટવા કોશિશ કરી પણ નીલ કમલ ને છોડવા તૈયાર નહોતા.

' નીલ ' .

'હમ્મ "

"બધા રાહ જુએ છે "

'હમ્મ '

.' શું હમ્મ છોડો મને '.

'ના ,અરે તને ખબર નથી કમલ મેં કદાચ આ જ દિવસ માટે જન્મ લીધો હશે એવું મને અત્યારે લાગે છે . તું ના આવી હોત તો મારો આજે છેલ્લો દિવસ હતો .જન્મ અને મરણની તારીખ એક જ હોત.' કમલ ધબકારો ચૂકી ગઈ .

તેણે સહેજ ધક્કો માર્યો , "આવું તો કંઇ હોતું હશે 'કમલને ગુસ્સો આવી ગયો .

' હું શું કરું મારા હાથમાં કશું જ નહોતું ને તારા વગર જીવવું અશક્ય હતું."

'અંકલ, આંટી કે નેહુ નો પણ વિચાર ના આવ્યો? ' .

' હું મારા દિલ આગળ લાચાર હતો '.

કમલ વિચારી રહી ,આ માણસ મને કેટલો પ્રેમ કરે છે અને મેં તેને કેટલો હેરાન કર્યો. એના આ પ્રેમ આગળ એના સો અવગુણ માફ . હે ભગવાન તારો આભાર તે મને સાચા સમયે સાચો રસ્તો બતાવી દીધો.

'ચાલો સારું હવે તૈયાર થાવ ." કમલે અલગ થતાં કહ્યું.

નીલે ફરી તેને પકડી અને બોલ્યો.' પેલા દિવસે મેં તને પૂછયું હતું કે તું મને પ્રેમ કરે છે કે નહી ? ત્યારે જવાબ આપ્યા વગર તું જતી રહી .આજે મારે જવાબ જોઈએ છે પછી જ હું અહીંથી બહાર આવીશ" કમલે છૂટવા પ્રયત્ન કર્યો પણ નીલે તેને ભીંત સરસી દબાવી ને ઉભો રહ્યો. કમલ ને શરમ આવતી હતી .

'મને શરમ આવે છે, "તે બોલી.

" તું નહી બોલે ત્યાં સુધી હું નહીં છોડુ'.

કમલ શરમ થી લાલ-લાલ થઇ ગઈ .કમલ ને જોઈને નીલનું દિલ હાથમાં રહ્યું નહીં.

" કમલ જલ્દી બોલ હવે મારું મન કાબૂ બહાર જઈ રહ્યું છે .ક્યાંક આજે જ આપણા લગ્ન ના થઈ જાય " .

કમલ ગભરાઈ ગઈ "ના,ના બોલું છું". તેણે આંખો બંધ કરી દીધી. તેનો ચહેરો નીલ સામે હતો

"આઈ લવ યુ નીલ" કહીને તે નીલ ને વીંટળાઈ ગઈ.

નીલ ને લાગ્યું જાણે પગ નીચેથી ધરતી ખસી ગઇ અને તે હવામાં ઉડી રહ્યો છે. તેનું દિલ ખૂબ જ જોરથી ધબકતું હતું .પોતાને શું થતું હતું તેનું વર્ણન કરવું તેના માટે અશક્ય હતું .તેણે ધીરેથી કમલનો ચહેરો ઉંચો કર્યો . તેના ચહેરાની લગોલગ કમલનો ચહેરો હતો.બન્નેના શ્વાસ એકબીજાને અથડાતા હતા.કમલ શરમથી પાણી પાણી થઈ રહી હતી. નીલે ધીરેથી તેનો દુપટ્ટો તેના ચહેરા પર ઢાંક્યો. કમલે આંખો ખોલી. નીલ નો ચેહરો એકદમ તેના ચહેરા ની નજીક હતો .તેને લાગ્યું કે નીલ તેના હોઠ પર ચુંબન કરશે. પણ નીલે તેના કપાળ પર ધીમે રહીને કિસ કરી. આહ! પહેલા વરસાદ જેવી શીતળતા કમલ ના શરીરમાં વ્યાપી ગઈ .આખા રૂમમાં એ બે ના શ્વાસ સિવાય કશો જ અવાજ નહોતો. થોડીવાર બંને એકબીજાને વેલ અને વૃક્ષ ની જેમ વીટળાઇ ગયા. નીલ ને આજે સ્વર્ગ અહીં જ મળ્યું હતું. તેનું મન હજુ માનવા તૈયાર નહોતું કે કમલ તેની બાહો માં છે. તેણે કમલને થોડી વધારે જોરથી દબાવી .

"અરે મને મારી નાખશો."કમલ બોલી. તે છુટવા પ્રયત્ન કરતી હતી પણ નીલ છોડવા તૈયાર નહોતો.

" કમલ તને ખબર નથી આ દિવસો મેં કેવી રીતે કાઢ્યા છે તારા વગર નું જીવન કેવું હતું, એ તને કેવી રીતે સમજાવું?" નીલ ના શરીરમાં ધીરે ધીરે પ્રેમ નું તોફાન ઊઠી રહ્યું હતું. તેના આટલા દિવસનો તલસાટ અને પ્રેમ એક ઝંઝાવાત ની જેમ ની જેમ તેના તનમન માં ઉઠી રહ્યો હતો .

'નીલ, નીલ, કમલ બોલી.

પણ નીલ કંઈ સાંભળવા તૈયાર જ નહોતો .તે વધુ ને વધુ જોરથી કમલને દબાવી રહ્યો હતો. કમલ ને લાગ્યું કે તેનો શ્વાસ રુંધાઈ જશે તેણે નીલને ધક્કો માર્યો .નીલ સોફામાં બેસી પડ્યો .કમલના શ્વાસ જોર જોર થી ચાલતા હતા .તે હાંફી રહી હતી .નીલ ભાનમાં આવ્યો તેણે જોયું કે કમલ આખી પરસેવે રેબઝેબ થઈ ગઈ છે .તે નજીક ગયો તો કમલ ગભરાઇને દોડવા જતી હતી. નીલે તેનો હાથ પકડ્યો

'સોરી ,સોરી હું મારામાં નહોતો રહ્યો .મને ખબર જ ન રહી કે શું થતું ગયું ." કમલ રડવા લાગી .

નીલે તેનો હાથ પકડી ને સોફામાં બેસાડી પાણી પીવડાવ્યું.

'' સોરી માફ કરી દે મને .મને ખબર જ ના રહી કે હું શું કરી રહ્યો છું " કમલ ધીમે ધીમે શાંત થઈ. તેના હાથમાં કાચની બંગડી બેસી ગઈ હતી.તેમાંથી થોડું લોહી ફૂટ્યું હતું અને હાથ પર નીલના આંગળાના સોળ પડી ગયા હતા. નીલ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો .તેની આંખમાં પસ્તાવો દેખાતો હતો .તેણે કમલ નો હાથ પકડી કહ્યું

" kamal i am really sorry હું આવો નથી પણ મને ખબર નહીં શું થઈ ગયું હતું ." તેની આંખમાં પસ્તાવો અને ડર હતો કે ક્યાંક કમલ આ બનાવને લઈને ફરી ના પાડી દેશે તો !

કમલ ને પણ ખ્યાલ આવ્યો આટલા દિવસનો તલસાટ અને બેચેની બધું જ એકસાથે બહાર આવ્યું .તેથી નીલે આવું વર્તન કર્યું .થોડીવાર પછી સ્વસ્થ થઈ બોલી

" મને મારી નાખવાનો તમે પૂરેપૂરો પ્લાન બનાવી દીધો હતો " .

નીલ એકદમ ઉભો થઇ ગયો કમલ નો હાથ પકડી ઊભી કરી બોલ્યો

"આજ પછી આવા શબ્દો ફરી ક્યારેય ના વાપરીશ" નીલ ની આંખોમાં ગુસ્સો અને પ્રેમ બન્ને હતા.

" અરે હું તો મજાક કરું છું ".

" મજાકમાં પણ આવી વાત કદી ના કરતી .તારા માટે મરવાનું મને વધારે પસંદ છે.

"ઓ નીલ સોરી હવે કદી નહિ બોલું '.

નીલ અને કમલ ફરી એકબીજાને વીંટળાઈ ગયા. તેને લાગ્યું કે આવું બોલીને તેણે નીલના દિલને મોટી ઠેસ મારી છે .બંનેના દીલ એકબીજા સાથે મળીને સાથે ધબકી રહ્યા હતા. બહાર બધા બેચેની થી રાહ જોઈને બેઠા હતા.નીલ થી અલગ થઈ કમલે ધીમે રહીને કહ્યું

"ચાલો બધા રાહ જુએ છે ".

"ઓકે ,હું 10 મિનિટમાં તૈયાર થઈ ને આવું તું અહીં જ ઊભી રહેજે કહીને તૈયાર થવા ગયો.

થોડી વારમાં બહાર આવ્યો પિંક ટીશર્ટ અને બ્લ્યુ જીન્સમાં નીલ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો .થોડી વધેલી દાઢી ને કારણે તે વધુ સ્માર્ટ લાગી રહ્યો હતો.

બંને બહાર આવ્યા બારણું ખોલતાં જ સામે બધા ટોળું વળીને ઊભા હતા .કમલ નીલની પાછળ છૂપાઇ ગઈ.નીલ નો ચહેરો એકદમ ખીલેલો હતો એ જોઈને બધા આનંદમાં આવી ગયા .ઈશાન દોડીને ભેટી પડ્યો. નેહા પણ નીલને વીંટળાઈ ગઈ .નીલ આગળ વધીને બેલા અને રાજ ને પગે લાગ્યો . કમલ હજી શરમાઈ ને મૂર્તિની જેમ ઉભી હતી.

નેહા તેને ભેટી પડી "થેન્ક યુ ડિયર, થેન્ક યુ "કહીને તે કમલના ગાલ ખેંચવા લાગી.

બેલાએ આગળ આવીને કમલનો હાથ પકડી લીધો ." થેન્ક્યુ બેટા ,મારા દીકરાને તે બચાવી લીધો ". કહેતા તેની આંખમાં આંસુ આવી ગયા.

કમલ પણ રડી પડી .તે પગે લાગીને બેલા ને ભેટી પડી અને કાન માં બોલી

" મા સાચે જ તમે મને એક પાપમાંથી બચાવી લીધી .તમે મને ના સમજાવી હોત તો આજે આપણે બધા નીલ ને ખોઈ બેઠા હોત અને એનું પાપ મારા માથે લખાઈ જાય ." સાંભળીને બેલાનું સંતુલન બગડી ગયું.

કમલે સહારો આપ્યો . તે રાજ ને પગે લાગી .

' સુખી થાઓ'. તેવા આશીર્વાદ આપી કહ્યું ' ચલો હવે નીચે પાર્ટીમાં આજે તમારા સગપણની જાહેરાત કરવાની છે." બધા નીચે ઉતરવા લાગ્યા બેલા હજુ આઘાતમાં થી બહાર નહોતી આવી એ ભગવાન કેવો અનર્થ સર્જાતા રહી ગયો .તારો ખૂબ ખૂબ આભાર પ્રભુ .તે ભગવાનનો આભાર માનતી રહી.

બધા મહેમાનો ના આવ્યા બાદ કેક કાપી પછી રાજ અને બેલાએ નીલકમલના સગપણ ની જાહેરાત કરી .નીલ અને કમલે એકબીજાને રીંગ પહેરાવી .લોકોએ તાળીઓથી વધાવી લીધા .ઈશાને પણ નીલને ખૂબ જ અભિનંદન આપ્યા અને કેક ખવડાવી.

નેહા એ પણ નીલ ને કેક ખવડાવી ,બીજો ટુકડો લઈ ઇશાન ના મોં ઉપર લગાવ્યો અને દોડી .ઈશાન પણ પાછળ દોડ્યો .બંને બંગલામાં દોડાદોડ કરવા લાગ્યા. દોડતી-દોડતી નેહા એના રૂમ સુધી પહોંચી .ઇશાન પાછળ પહોંચ્યો. બંને ઝપાઝપી કરતા હતા ત્યાં એક બીજાના પગ માં પગ ભરાયા .બંને એકબીજા પર પડ્યા ઇશાનનો ચહેરો નેહાના ચહેરાની એકદમ નજીક આવી ગયો .બંને પહેલી વાર આટલા પાસે આવ્યા હતા. નેહાએ પહેલીવાર ઈશાનને આટલો નજીકથી જોયો. તેના ધબકારા સંભળાયા અને શ્વાસ નો અહેસાસ થયો. પહેલીવાર એના દીલમાં સંવેદના જાગી .નેહા તેની આંખમાં જોઈ રહી. તે ઇશાનની આંખોમાં એક ખેંચાણ અનુભવી રહી. નેહાના વાળની લટો ઇશાનના ચહેરા પર અથડાતી હતી. ઈશાનનો પોતાના મન પરનો કાબૂ ધીરે-ધીરે ખોવાતો જતો હતો .તેણે નેહાને થોડી વધુ જોરથી દબાવી .બંને કોઈ બીજી જ દુનિયા માં હતા. ત્યાં બેલા એ બૂમ પાડી

'નેહું ' .નેહા એકદમ ઉભી થઈ ગઈ .પહેલી વાર એને શરમ આવી. તે બાથરૂમમાં ભાગી.ઇશાન થોડી વાર પડ્યો રહ્યો. આજે એને અદભુત સુખની લાગણી થતી હતી.

' નેહા બાથરૂમ માં છે આવે છે આંટી'.તેણે જવાબ આપ્યો.

"તું પણ આવ" કહી બહાર જવા લાગી .થોડી વાર અટકીને ઊભી રહી .તેણે જોયું તેને ઇશાન આજે રોજ કરતા જુદો લાગતો હતો .કંઈક બીજું જ કહી રહ્યો હતો ઇશાન નો ચહેરો. બેલા ઇશાન સામું જોઈને વિચારવા લાગી દીકરી હવે મોટી થઈ ગઈ છે . થોડીવારમાં નેહા અને ઇશાન બહાર આવ્યા. નેહાના હાથમાં નીલ માટે ની ગિફ્ટ હતી.

તે નીલને આપતા બોલી "હેપી બર્થ ડે ભાઈ ". "શું લાવી નેહુ ? " કહીને નીલ ગીફ્ટ ખોલવા માંડ્યો. અંદર એક સુંદર સુંદર ફોટોફ્રેમ હતી. જોઈ નીલ બોલ્યો. "નેહું આટલી સરસ ફ્રેમ ક્યાંથી લાવી ?"

"ભાઈ લાવી નથી મેં બનાવી "

"જા,જા જુઠ્ઠું તને આવું આવડે જ નહીં".

" કેમ ના આવડે? "નેહું નારાજ થઈ ગઈ

"અરે હું તો મજાક કરતો હતો .બહુ જ સરસ છે. થેન્ક યુ માય લિટલ સિસ્ટર." નીલે તેના ગાલ થપથપાવી કહ્યું.

"એટલે આમ તો મેં અને કમલે ભેગા મળીને બનાવી છે .આઈડિયા કમલ નો છે અને મહેનત મારી છે .''

":ખરેખર ખુબ જ સરસ છે".

તે ફ્રેમમાં પહેલીવાર નીલે ભૂલથી કમલને નેહા સમજીને ઉચકી હતી તે ફોટો નેહાએ લગાવેલો હતો. જેમાં બંને એકબીજાને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને લાલ રંગના ડ્રેસમાં કમલ કોઈ અપ્સરા જેવી દેખાઈ રહી હતી . તેના છુટ્ટા વાળ જમીન સુધી લટકતા હતા .નીલ ફ્રેમ જોઇને વિચારી રહ્યો હતો કે ફ્રેમ સુંદર છે કે ફોટો ? .
ફંકશન પત્યા પછી નીલ , કમલ અને તેના મમ્મી-પપ્પાને ઉતારવા ઘરે ગયો .કમલ ના મમ્મી બોલ્યા

"આવો ચા કોફી પીને જાઓ".

" ના,ના આજે મોડું થયું છે પછી આવીશ ". કમલ ના મમ્મી બોલ્યા "એમ ના ચાલે પહેલીવાર આવ્યા છો તો બહારથી ના જવાય '

" સારું" કહી નીલ ઘરમાં આવ્યો.

કમલ ની મમ્મી બોલી ,"કમલ બહુ સરસ ચા બનાવે છે ."

"મા નીલે કદી ચા નથી પીધી ."

નીલ બોલ્યો "આજે ચાખુ ચા કેવી હોય? તુ બનાવ." કમલ આશ્ચર્યથી જોઈ રહી.

નીલ ચા પી ને બોલ્યો "ચા આવી હોય ?" ઈતિહાસ ફરી દોહરાયો." મસ્ત છે કહીને બધી ચા પી ગયો "પછી બોલ્યો

"હવે હું જાઉં બહુ મોડું થયું છે. ચાલો આવજો ."કહીને બન્નેને પગે લાગીને બહાર આવ્યો.

કમલ પણ તેની સાથે બહાર આવી ."મારા માટે આજનો દિવસ ગોલ્ડન ડે છે. જિંદગીનો સૌથી કીંમતી દિવસ."

" મારા માટે પણ " કમલ મલકાતા બોલી.

"સાચે?"


" હા ".

" તને એક વાત પુછવી છે સાચું કહેજે અને ખોટું ના લગાડતી પણ દિલથી અને જે હોય તે સાચો જ આપજે ."

"હા, હા પુછો ને".

" તેં તારા મનથી મને સ્વીકાર્યો છે કે કોઈ દબાણથી " .

કમલે પ્રેમથી નીલ સામે જોયું ને બોલી "દિલથી , મારા દિલથી સ્વીકાર્યા છે" '

નીલ એકદમ ખુશ થઈ ગયો. " ઓકે હવે મને ટેન્શન ગયું ક્યારનો મોકો જ નહોતો મળ્યો તને પૂછવા માટે."

કમલે નીલનો હાથ હાથમાં લઈ કહ્યું " હું ખૂબ જ નસીબદાર છું .મે તમારા માટે ખોટા અનુમાન બાંધી લીધા હતા."

" ના,ના અમુક અંશે તું સાચી છે પણ હું મારી જાતને બદલવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ"

નીલ બોલ્યો. "ચલ હું જઉ ? કાલે મળીએ. જવાનું મન તો થતું નથી પણ જવું તો પડશે ને ".નીલ ખડખડાટ હસ્યો .એના ગાલ માં પડતા ખાડા જોઈને કમલ ને તેને ચુંબન કરવાનું મન થઇ ગયું પણ લોકોની શરમે તે કરી ના શકી. નીલ ગાડીમાં બેઠો .

કમલે નીલ સામે હાથ ધર્યો અને બોલી મને આજના દિવસે તમારી પાસેથી કંઈક જોઈએ છે તો તમે આપશો ?"

"અરે તુ કહે તો જાન પણ આપી દઉં. "

" ના હવે એ તો મારી જ છે .મારે એની રક્ષા માટે એક પ્રોમિસ જોઈએ છે કે તમે ક્યારેય ફાસ્ટ ગાડી નહીં ચલાવો". નીલ કમલની સામે જોઈ રહ્યો .

#કમલની આંખમાં આજીજી હતી. નીલને કમલનો પહેલાનો ચહેરો યાદ આવી ગયો જ્યારે તે પાર્ટીમાં ના આવવાનું કારણ કહેતી હતી.

નીલે કમલ ના હાથ પર કિસ કરતા કહ્યું "ઓકે તને પ્રોમિસ આપું છું કે ક્યારે ફાસ્ટ ગાડી નહીં ચલાવું બસ ". કમલના આંખમાંથી આંસુ પડી ગયા .

#"કમલ પ્લીઝ મારાથી તને રડતી નથી જોવાતી. હસ નહી તો હું અહીં જ રહી જઈશ. "

કમલ હસી પડી . "હવે હું જાઉં કે હજુ કંઈ માંગવું છે ?" નીલે કહયું .

"ના બસ .જય શ્રી કૃષ્ણ ".

" જય શ્રી કૃષ્ણ " નીલ ધીરેથી ગાડી ચલાવવા લાગ્યો.
બેલા અને ધનરાજ કપડાં બદલીને પલંગ માં આડા પડ્યા.

" બધું સરસ રીતે પતી ગયું હો બેલા "

" હા સાચે જ " બેલાના મનમાં વિચાર ઉપડયા હતા. તેણે રાજને નીલ ની વાત કરી કે તે કેટલો દુઃખી હતો અને શું વિચારતો હતો.

:"અરે નીલ આટલો નબળો કેમ નીકળ્યો?".

" એનું કારણ તમે બધા છો. ના સાંભળવાની તમે એને ટેવ જ પાડી નથી .જીંદગીની વાસ્તવિકતા શું છે એ એને ખબર જ નથી. હું પહેલેથી કહેતી હતી કે એને હારવાનું પણ શીખવા દો .સંઘર્ષ કોને કહેવાય એ જાણવા દો. પ્રતિકૂળ સંજોગો શું છે એ અનુભવવા દો ,પણ તમે બધા એને બગાડવામાં પૂરી તાકાત લગાવી દેતા .અને એ જીદ્દી થઈ ગયો .કમલ ને પણ આ જ વાતનો ડર છે.સારું થયું સાચા સમયે કમલે હા પાડી દીધી." બેલા રાજના માથામાં હાથ ફેરવતા બોલી..

"હા".

."નીલકમલનું તો ઠેકાણે પડી ગયું હવે કદાચ નેહુ નો વારો છે ."

રાજ ચમક્યો " કેમ?"

"કદાચ નેહું અને ઇશાન પણ એકબીજાના પ્રેમમાં છે. હજુ મને પાકી ખબર નથી પણ કાલે હું એ લોકો જોડે વાત કરીશ.

" હમ્મ ઈશાન સારો છોકરો છે બંને નાનપણથી જોડે મોટા થયા છે એટલે વાંધો નહીં ". દીકરી આ ઘરમાંથી વિદાય થશે એ વિચારે રાજ થોડો દુઃખી થઈ ગયો ,પણ દુનિયાનો નિયમ છે .ઘર સારું મળે તો દીકરી સુખી થાય એમ વિચારી એને થોડો આનંદ પણ થયો .બંને સંતોષથી સુઈ ગયા.

હેતલ પટેલ.