એક સત્યપ્રેમકથા Hetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સત્યપ્રેમકથા

નેહલ પ્લે ગ્રુપની સ્કુલ ની બહાર ઝાંપા પર પોતાની બે વરસની દિકરી શિવજાને લેવા તેની છૂટવાની રાહ જોઈને ઊભી હતી.
શિવજા નેહલનું પહેલું સંતાન હતી.ખૂબ જ ચપળ હોશિયાર અને ઠરેલ.ઉમર કરતાં એનામાં ડહાપણ વધારે હતું. દરેક વસ્તુમાં એ આગળ. એના ટીચર અને પ્રિન્સીપાલ બધા જ એના ખૂબ વખાણ કરતાં.નાજુક એટલી કે ઘણા લોકો કહેતા આને અડતાં પણ બીક લાગે છે.

સ્કુલ છૂટતાં જ બધા બાળકો દોડતા પોતાની મમ્મીઓની પાસે જવા લાગ્યાં.નેહલ ની આંખો શિવજા ને શોધતી હતી.ત્યાં જ એક ટીચર શિવજા ને તેડીને આવ્યા. પારૂલ ટીચર શિવજાના ફેવરીટ ટીચર.શિવજા પારૂલ ટીચર સ્ફૂલમાં હોય તો જ સ્કૂલમાં જતી નહી તો મમ્મી જોડે ઘરે પાછી જતી રહેતી .સ્કૂલમાં પણ એમના ખોળામાં બેસીને જ ભણતી.પારૂલ ટીચર પાસેથી નેહલે શિવજાને લીધી.

પારૂલ ટીચર હસતાં હસતાં એક છોકરાની સામે આંગળી ચીંધીને બોલ્યા "પેલો છોકરો શિવજા ને છોડતો જ નથી. બધાને એમજ કહે છે કે શિવજા મારી ફ્રેન્ડ છે.અને કોઈ એમ કહે કે ના મારી ફ્રેન્ડ છે તો કાં રડવા લાગે છે કાં મારવા લાગે છે".વાત સાંભળીને નેહલને પણ હસવું આવી ગયું.ઘરે આવીને એણે બધાને વાત કરી ઘરના સભ્યો અને શિવજાના પપ્પાને પણ હસવું આવી ગયું."બે વરસનાં બાળકોને શું ખબર પડતી હશે?"

બીજે દિવસે પણ પારુલ ટીચર એ ફરી કહ્યું "આ છોકરો શિવજાને છોડતો જ નથી." નેહલ તેને નજીકથી જોવા ગઈ. એને પણ એની મમ્મી એ તેડેલો હતો માથે તાજુ મુંડન કરાવ્યું હતું ગોળમટોળ ચહેરો હતો .
નેહલ એ એની મમ્મી ને "હાય "! કર્યું .એની મમ્મીએ પણ સ્માઈલ આપ્યું .થોડા દિવસ આમ જ ચાલ્યું .
ધીરે ધીરે બહાર રાહ જોવાના સમયમાં બંનેમાં પરિચય વધ્યો. પેલા છોકરા નું નામ સમીત હતું અને તેની મમ્મીનું નામ નિશા હતું. ધીરે ધીરે બંને વચ્ચે સંબંધ વધવા લાગ્યો. બંને ના ઘર પાસે પાસે જ હતા. સમીત પણ ભણવામાં ખૂબ જ હોશિયાર અને ચપળ હતો. બંને સાથે રમતા ભણતા મોટા થવા લાગ્યા.
પ્લે ગ્રુપ છોડીને સ્કુલ માં આવ્યા. જોગાનુજોગ સ્કૂલ પણ બંને એક જ હતી. કે.જી થી બંને એક જ ક્લાસમાં ભણવા લાગ્યા .સ્ફૂલ એક હોવાથી અને ઘર પણ પાસેપાસે હોવાથી જવા આવવાની વાન પણ એક જ હતી .જ્યારે વાન વાળો રજા પર હોય ત્યારે નેહલ બંનેને સ્કૂલે મૂકી આવે અને નિશા બંનેને સ્કૂલેથી પાછા લઈ આવે .
બંનેના ઘરો વચ્ચે પણ સંબંધ વધવા લાગ્યા. નેહલ ના ઘરે પ્રસંગ હોય તો નિશાના ઘરના હોય અને નિશા ના ઘરે પ્રસંગ હોય તો નેહલના ઘરના ને આમંત્રણ હોય .
ઘણીવાર શિવજા સમીત ના ઘરે રમવા જતી અને ત્યાં જ રોકાઈ જતી. તે સમીતના દાદી જોડે રાત્રે વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જતી. સવારે એના દાદી તૈયાર કરતા .
થોડા સમય પછી સમીતના પપ્પા એ બીજો બંગલો બનાવ્યો થોડે દૂર .તો બાર મહિના પછી શિવજાનો બંગલો પણ એના જ એરીયામાં બન્યો. આમ કુદરત બંનેને સાથે લાવતી રહી .
બંને આગળ ભણવા લાગ્યા. બંને ભણવામાં ખૂબ જ હોશિયાર પણ સમીત હંમેશા પહેલા નંબરે જ રહેતો .શિવજા આઠમા ધોરણમાં આવી ત્યારે નેહલે એક સારા સર ટ્યુશન માટે શોધી કાઢ્યા હતા .
થોડા સમય પછી નિશાનો ફોન આવ્યો કે"તમને વાંધો ના હોય તો સમીત પણ શિવજા સાથે ભણે" નેહલ એ જવાબ આપ્યો" અરે ના ના એમાં શું વાંધો હોય ઊલટાનું બંને સાથે ભણશે તો બંનેને એકબીજાની કોમ્પિટિશન રહેશે અને ભણવામાં આગળ આવશે "
દસમાંમા બંનેને સારા માર્ક્સ આવ્યા. બંનેએ સાયન્સ ના સબ્જેક્ટ લીધા. ત્યારે પણ બંનેના ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ ના ક્લાસીસ એક જ હતા બંને સાથે રહેતા સાથે ભણતા એટલે લોકોમાં વાતો થવા માંડી આ બંને એકબીજા સાથે જ લગ્ન કરશે. વળી બંને એક જ જ્ઞાતિના પણ હતા.
લોકો પણ નેહલ અને નિશાને અવારનવાર કહેતા કે આ બંનેનું નક્કી જ છે ને ?સ્કૂલમાં પણ ફ્રેન્ડ્સ બંને નું નામ સાથે લઈને તેમને ચીડવતા.
આ દરમિયાન એક દિવસ રમત રમતમાં સમીતની આંખમાં વાગ્યું આંખને ખાસ્સુ નુકસાન થયું. સ્કૂલના વિદ્યાર્થીઓ એને ચીડવતા ત્યારે શિવજા ખુબ જ ગુસ્સે થઈને બધાને લડતી .
આમ કરતા કરતા બંને 12 ધોરણ પાસ થઈ ગયા. બંનેને સારા પર્સન્ટેજ આવ્યા. સમીતે એન્જીનિયરિંગ લાઈન લીધી અને શિવજાએ આર્કિટેક્ચર લાઈન લીધી .
સમીત શહેરની બહાર ભણવા જવાનો હતો. જતાં પહેલાં એણે પોતાના દિલથી શિવજા આગળ પોતાના પ્રેમનો એકરાર કરી દીધો પણ શિવજા એના માટે તૈયાર નહોતી. એણે સમીતના પ્રેમનો અસ્વીકાર કર્યો. સમીત ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો .હોસ્ટેલમાં પણ તેનું દિલ લાગતું નહીં. ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. શિવજા સાથે તેણે બોલવાનું બંધ કર્યું.
થોડો સમય ગયો પછી સમીત પાછો શહેરમાં આવ્યો ત્યારે શિવજા એને વગર પૂછે એના ઘરે પહોંચી ગઈ અને તેને સમજાવવા લાગી "સમીત મેં તને હંમેશા એક સારા ફ્રેન્ડ તરીકે જ જોયો છે .મને તારા માટે કદી પ્રેમની લાગણી થઇ જ નથી .શું આપણે બે એક સારા ફ્રેન્ડ્સ ન બની રહી શકીએ". 'ઓહ' સમીત ભાંગી પડ્યો .તેની મમ્મીએ પણ તેને સમજાવ્યો કે" "બની શકે છે બેટા એને તારા માટે પ્રેમ ન પણ હોય "ખૂબ સમજાવટ પછી સમીત ફરી શિવજા સાથે બોલવા લાગ્યો. તેણે શિવજાને મનાવવા ની કોશિશ કરી પણ તે મક્કમ હતી

સમીત ફરી ભણવા ચાલ્યો ગયો .તે જ્યારે પણ આવતો શિવજાને ઘરે આવતો .આખો દિવસ બંને સાથે ફરતા રમતા. મજાક મસ્તી કરતા .ફરવા જતા. સમીત ક્યાંય પણ ફરવા જતો ત્યાંથી તે હંમેશા શિવજા માટે કંઈ ને કંઈ ગીફ્ટ લઈને આવતો .દરેક સમયે પાછા જતા તે શિવજાને એક જ સવાલ પૂછતો અને દરેક દરેક વખતે શિવજા જવાબ આપતી "મારે લગ્ન જ નથી કરવા " સમીત દરેક વખતે નિરાશ થઇ પાછો ભણવા જતો રહેતો.
આમ ને આમ ચાર વર્ષ વીતી ગયા. એના મમ્મી પપ્પા એને સમજાવતા કે બેટા છોડી દે ને હવે એ નહીં આવે તારી પાસે .પણ સમીત અડગ હતો. હવે તે એન્જીનીયર પણ થઈ ગયો .તેને આગળ યુ.એસ.એ ભણવા જવાની તક મળી હતી. તેણે ફરી શિવજા ને પૂછ્યું શિવજા એ ફરી એ જ જવાબ મારે લગ્ન નથી કરવા. સમીત આગળ ભણવા ઊડી ગયો્ શિવજા પણ એની સ્ટડી માં ખુબ જ ઊંડી ડૂબી ગઈ.
શિવજાને માનવ કલ્યાણના કાર્યો કરવામાં ખૂબ જ આનંદ આવતો તે હંમેશા પોતાની વર્ષગાંઠમાં સ્લમ એરિયામાં જઈને ત્યાના બાળકોની સાથે ખૂબ જ ઉલ્લાસથી ઉજવણી કરતી .ગરીબોમાં કંઈ ને કંઈ વહેચતી.એને સમાજ સેવામાં ખુબ જ રસ હોવાથી એમાં જ આગળ વધવાની ઈચ્છા હતી .તેથી તે વિચારતી કે જો હું લગ્ન કરીશ તો મારે માથે જવાબદારીઓ આવશે અને મારા આ સમાજ સેવાના કાર્યોમાં વિઘ્નો આવશે. એટલે એના મમ્મી પપ્પાને લગ્ન નથી કરવા એમ કહયા કરતી. એના મમ્મી પપ્પાને પણ એમાં વાંધો નહોતો. તેમની દીકરી સમાજસેવિકા બને તો એ પણ બંને ખુશ હતા.
હવે સમીતે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ પણ કરી લીધું હતું .એને ખૂબ જ સારી કંપનીમાં જોબ મળી ગઈ .તે એક મહિના માટે ઇન્ડિયા આવ્યો .તે શિવજાના ઘરે જ રહેતો. સવારથી બંને સાથે ધીંગામસ્તી કરતા. ઉતરાયણ પણ સાથે મનાવી .સમીતના પાછા જવાનો સમય આવી ગયો. ફરી પાછો એ જ પ્રશ્ન" હવે તો બોલ તારો શુ વિચાર છે?" શિવજા એ ફરી એ જ જવાબ દોહરાવ્યો "મારે લગ્ન જ નથી કરવા". સમીત હવે થાકી ગયો હતો રાહ જોઈ જોઈને .એણે શિવજાને ગુડબાય કરી કહ્યું "હવે હું ફોન પણ નહિ કરું ને મેસેજ પણ નહી કરું. બાય ફોર એવર "જતા પહેલા એણે એના મમ્મી પપ્પાને પણ કહી દીધું કે "તમે હવે જે છોકરી શોધશો તેની સાથે હું લગ્ન કરી લઈશ."
સમીત ના ગયા પછી મહિના સુધી કોઈ જ મેસેજ આવ્યો નહીં .શિવજા ના મેસેજનો પણ કોઈ જવાબ તે આપતો નહિ. શિવજાને હવે સમીતની કમી મહેસુસ થવા લાગી .એને એવું લાગવા લાગ્યું કે સમીત નહીં હોય તો મારું જીવન સાવ જ ખાલી થઈ જશે .બે વર્ષના હતા ત્યારથી અત્યાર સુધી સાથે ને સાથે રહ્યા છીએ .એકબીજાની લાગણીઓને સમજ્યા છીએ અને હવે એકદમ જ સંબંધ કેવી રીતે તોડી નખાય?
શિવજાને હવે એકલતા સાલવા લાગી એને પોતાની વાતો શેર કરવા માટે કોઈ ફ્રેન્ડ રહ્યો નહિ એવું લાગવા લાગ્યું .એની જિંદગીમાંથી એક સારો દોસ્ત ચાલ્યો ગયો .તેણે સમીતને એક લેટર લખ્યો .એમાં બધું વિસ્તારથી લખ્યું કે મારે સમાજસેવા કરવી છે એ માટે થઈને લગ્ન કરવાની ના પાડું છું. શું તું મારો દોસ્ત બનીને ના રહી શકે કાયમ માટે? સમીતે જવાબ આપતા કહ્યું કદાચ મારા લગ્ન થઈ જાય અને તારી સાથે દોસ્તી રાખુ તો મારી પત્નીને હું અન્યાય કરું એમ થાય તને ભુલી ના શકું અને એને અપનાવી ના શકું બાકી રહી વાત સમાજસેવાની તો એમાં મારો તને પૂરો સાથ છે .અને મારી ફેમિલી પણ તને પુરો સાથ આપશે મારી પ્રોમિસ છું. હું તને એમ પૂછું છું કે શુ સમાજસેવા આપણે બંને સાથે મળીને ના કરી શકીએ? શું ફક્ત આજ કારણસર મને તું ના પાડે છે?
શિવજા હવે વિચારવા લાગી કે હું અને સમીત નાનપણથી સાથે છીયે. બન્ને એકબીજાને પુરા પુરા ઓળખીએ છીએ. એકબીજાના ગુણ દુર્ગુણોથી વાકેફ છીએ. અને મને આટલો પ્રેમ કરે છે તો મારે વિચારવું જ રહ્યું. છેવટે શિવજાએ નવી રીતે વિચારવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે તેને સમીત ગમવા લાગ્યો. જોકે ગમતો તો હતો જ કદાચ એને જ ખબર નહોતી કે આને જ પ્રેમ કહેવાય આખરે એક દિવસ તેણે સમીત ના પ્રેમનો સ્વીકાર કર્યો. સમીતના આનંદનો પાર ન રહ્યો.

સાત વર્ષ રાહ જોયા બાદ પ્રેમનો વરસાદ થયો એનાથી ખુબ જ ખુશ થઇ ગયો. બંનેના ઘરના પણ બધા જ ખુશ થઈ ગયા. સમીત ફરીથી પાછો આવ્યો અને બન્નેના સંબંધો ના ગોળ ધાણા ખવાયા અને સંબંધ થયાના સમાચાર અપાયા ત્યારે બધાના મોઢે એક જ વાક્ય હતું

""" અમને તો પહેલેથી જ ખબર હતી""""

આ સાંભળી બંને હસતા કે આખી દુનિયા ને ખબર હતી અમને બેને જ ખબર નહોતી સમિતે હસીને કહ્યું શિવજાને "મને તો ખબર હતી ખાલી તને જ ખબર નહોતી"

ખરેખર કહેવાય છે ને કે
જોડકા તો સ્વર્ગમાંથી જ નક્કી થઈને આવે છે

( સત્ય ઘટના)
હેતલ પટેલ