લવ રિવેન્જ-2 Spin Off
પ્રકરણ-7
કોલેજનું બીજું વર્ષ…..
“નેહા....તું રેમ્પમાં રઈજાને....! એક છોકરી ઓછી પડે છે...!” કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા નેહાને કહી રહી હતી.
“આરવ .... તું શાંતિથી જજે...!” જોકે નેહા આગલા દિવસે આરવ સાથે છેલ્લે થયેલી વાતચિતમાં ખોવાયેલી હતી “એન્ડ ડોન્ટ વરી...તારા દાદીને સારું થઈ જશે...!”
“યુ નો નેહા....! સિદ્ધાર્થ અને હું....! બેય કલાદાદીના બવજ ક્લોઝ છીએ...!” બાઇક ઉપર બેઠેલો આરવ બોલ્યો.
“હાં...બટ...! તું ઘાઈ-ઘાઈમાં જઈશ ..અને તને કઈંક થયું તો...બધાએ તારી પાછળ દોડવું પડશે...!” નેહાએ ચિંતાતુર સ્વરમાં કહ્યું.
“હું શાંતિથીજ જઈશ...! બાય...ચલ...!” આરવ બોલ્યો.
“નેહા....ઓય...! ક્યાં ખોવાઈ ગઈ...!?” વિચારોમાં ખોવાયેલી નેહાને જોડે બેઠેલી લાવણ્યાએ ટપારી.
“હમ્મ...! હાં...હાં....! સોરી...!” આરવનાં વિચારોમાં ખોવાયેલી નેહા જાણે તંદ્રામાંથી બહાર આવી હોય એમ થોથવાઈને બોલી “બોલને શું હતું...!?”
નેહાએ એટલું કહીને સામે બેઠેલાં પ્રેમ અને રોનક સામે પણ જોયું અને પાછું લાવણ્યા સામે. કેન્ટીનમાં રોજની જેમજ સ્ટુડન્ટ્સની ભીડ જામેલી હતી.
“શું...! શું હતું...!?” લાવણ્યા સહેજ ચિડાઈ હોય એમ બોલી “હું એમ કવ છું કે રેમ્પમાં એક છોકરી ઓછી પડે છે ....તો તું રઈજા...!”
“ના..નાં...હોં...તું જાણે તો છે....! એવું બધું મને નથી ફાવતું....!” નેહા માથું ધૂણાવીને બોલી “મોડર્ન કપડાં....! વગેરે....! that’s not my cup of tea….!”
“અરે યાર....!તો પછી હજી એક છોકરી તો જોઈશેજ...!” લાવણ્યા હોંઠ બનાવીને બોલી.
અને આજુબાજુના ટેબલ ઉપર બેઠેલાં સ્ટુડન્ટ્સને જોવાં લાગી. તેણીની નજર હવે સામે બેઠેલાં આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ ઉપર પડી. આરવ સિવાય બાકીનાં બધાં ફ્રેન્ડ્સ ત્યાં બેઠેલાં હતાં.
“આરવ નઈ દેખાતો...!?”લાવણ્યા મનમાં બબડી અને અન્ય ટેબલો ઉપર બેઠેલાં સ્ટુડન્ટ્સ તરફ જોવાં લાગી.
“શું ગોતે છે....!?” લાવણ્યાને આમતેમ ડાફોળીયાં મારતાં જોઈને નેહાએ પૂછ્યું.
“અ...! કઈં નઈ...! હું તો જોવું છું....! કે ઓલો બખારીઓ નથી આયો આજે...!” લાવણ્યા બોલી.
“કોણ....! બખારીઓ....!?” રોનકે નવાઈપામીને પૂછ્યું
“ગિટારવાળો છોકરો...!” લાવણ્યા જાણીજોઈને મોઢું બગાડીને બોલી “જો એ હોત તો અહિયાં બખારો ચાલું કરી દેત.....! એટ્લે મારે અને નેહાએ યૂથ ફેસ્ટિવલની તૈયારી માટે પાછું બીજે જવું પડત...!”
“શું લાવણ્યા તું પણ...! કેટલું સરસ ગાય છે યાર એ...!” નેહા બોલી.
“હશે....! પણ મનેતો કઈં ખાસ નથી લાગતું....!” લાવણ્યા મોઢું મચકોડીને બોલી “anyways…..! બઉ બધું કામ બાકી છે....!”
નેહા કઈંક બોલવાજ જતી હતી પણ લાવણ્યાનાં ચેહરાનાં એ ભાવો જોઈને તેણીને બોલવાનું માંડી વાળ્યું.
***
“દાદીને કેવું છે....!?” આવતાંવેંતજ આરવે હોસ્પિટલમાં ICU રૂમની બહાર ઉભેલાં સિદ્ધાર્થને પૂછ્યું.
બરોડાં આવ્યાં બાદ આરવ સીધો સયાજીરાવ હોસ્પિટલમાં આવી ગયો હતો. ICU રૂમની બહાર સિદ્ધાર્થ સિવાય તેમનાં મમ્મીજ હાજર હતાં.
“સારું છે...!” બેઠક જોડે ઉભેલાં સિદ્ધાર્થે ગમગીન સ્વરમાં કહ્યું.
“પપ્પા નઈ દેખાતાં...!?” આરવે પૂછ્યું.
“અમદાવાદ જ છે...!” સિદ્ધાર્થે કહ્યું.
“what…!?”” આરવ ચોંકયો “અમદાવાદ....!?”
“રિલેક્સ....! અર્જન્ટ કામ માટે ગ્યાં છે....!” રૂમના દરવાજા સામે જોઈ રહી સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો.
“હાશ...!” આરવે મનમાં હાશકારો અનુભવ્યો પછી બોલ્યો “દાદીથી વધારે અર્જન્ટ શું હોય...!?”
“આપડા ફર્નિચર વૂડનાં બિઝનેસની બ્રાન્ચ અમદાવાદમાં ખોલવાનું પપ્પાં વિચારે છે....!” સિદ્ધાર્થ એજરીતે આરવ સામું જોયાં વગર બોલ્યો.
“ઓહ....! અમદાવાદમાં કોણ સંભાળશે...!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.
સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વિના આરવ સામે જોયું અને પછી પાછું રૂમનાં દરવાજા સામે જોવાં માંડ્યુ.
“what….! No ways….!” આરવ સમજી ગયો હોય એમ ચોંકીને બોલી પડ્યો “હું…નઈ...!”
“Grow up આરવ....!” એવાંજ ઠંડા ભાવવિહીન સ્વરમાં બોલી આરવ તરફ પીઠ કરી સિદ્ધાર્થ વોશરૂમ તરફ જવાં ચાલવા લાગ્યો “નાનો બાળક નથી હવે તું...!”
સિદ્ધાર્થનું એવું નીરસ બિહેવિયર જોઈને આરવ મુંઝાઈને ઊભો રહ્યો અને વોશરૂમ તરફ જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠ તાકી રહ્યો.
***
“શું વાત છે...!? આજે આ બખારીઓ કોલેજ પણ આયો નઈ....!” રાત્રે બેડ ઉપર પડે-પડે પોતાનાં મોબાઈલમાં whatsapp મંતરી રહેલી લાવણ્યા બબડી “કે આખાં દિવસમાં એકેય મેસેજ પણ નઈ કર્યો...!?”
Whatsappમાં આરવનો નંબર ઓપન કરીને આરવે તેનો DP ચેક કર્યો.
DPમાં આરવે બ્લ્યુ ડેનિમ શર્ટ પહેર્યો હતો. નાનાં બાળકની જેમ પાઉટ ફેસ બનાવીને સ્માઈલ કરતો આરવનો DP જોઈને લાવણ્યાથી હસાઈ ગયું.
“હી..હી...પાગલ...!”
કોલેજના વાઈરલ ગૃપમાં અને લાવણ્યા મેમ્બર હોય એવાં અન્ય ગૃપ્સમાં મેસેજીસ ચાલુંજ હતાં.
ત્યાંજ વિશાલનાં મેસેજની નોટિફિકેશન આવી.
લાવણ્યાએ વિશાલનો મેસેજ ઓપન કર્યો.
“હેય...! સવારે ખેતલાપા મલવું છે...!?”
“કેમ...!?” લાવણ્યાએ સામે મેસેજ કરીને પૂછ્યું.
“બવ દિવસથી “પ્રાણાયામ” નઈ કર્યા....!” વિશાલે સિગારેટ પિવાં માટેનો કોડવર્ડ લખીને કહ્યું.
આન્સરમાં લાવણ્યાએ સ્માઈલી મોકલ્યા.
***
“શું વાત છે ભાઈ....!? તું હજી ગુસ્સે છું મારાં ઉપર...!?” આરવે સામે બેઠેલાં સિદ્ધાર્થને પૂછ્યું.
હોસ્પિટલની કેન્ટીનમાં બંને ચ્હા પિવાં બેઠાં હતાં.
“ના...! જે થઈ ગ્યું એ થઈ ગ્યું....!” સિદ્ધાર્થ નીરસ સ્વરમાં બોલ્યો “હવે એ વાતને લઈને નારાજ થવાનો કોઈ અર્થ નઈ....!”
“તો પછી કેમ આવું.....!”
“ટ્રીન....ટ્રીન....ટ્રીન...!” ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.
“હાં પપ્પાં...!” કૉલ રિસીવ કરીને સિદ્ધાર્થ બોલ્યો.
“પપ્પાં” સાંભળી આરવ જાણે “સાવધાન” થયો હોય એમ ચેયરમાં સરખો થયો અને સાંભળી રહ્યો.
“ઓહ....! તમે ડાયરેક્ટ હોસ્પિટલ આવો છો કે ઘરે જઈને આવો છો....!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“ઓહ તેરી...! પપ્પાં....!? અહિયાં.....!?” આરવના પેટમાં ફાળ પડી હોય એમ તે મનમાં બબડ્યો.
“ઓકે વાંધો નઈ....!” સિદ્ધાર્થ બોલ્યો “મૂકું ફોન...!”
વાત પૂરી કરીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.
“ચલ જઈએ...!” સિદ્ધાર્થ ઊભો થયો અને કેન્ટીનના દરવાજા તરફ ચાલવા લાગ્યો.
આરવ પણ ઝડપથી ઊભો થયો અને સિદ્ધાર્થની જોડે ચાલવા પોતાની ઝડપ વધારી.
“અમ્મ...શું કીધું પપ્પાએ...!?” આરવે પૂછ્યું.
“બસ...! બરોડા આવવાં નીકળે છે....!” આરવ સામે જોયાં વિના સિદ્ધાર્થ ચાલતાં-ચાલતાં બોલ્યો.
“ઓહ તેરી....!” આરવ મનમાં બબડ્યો.
***
“કૉલ કરું....!?” પોતાનાં બેડ ઉપર બેઠેલી નેહા હાથમાં મોબાઈલ રમાડતાં-રમાડતાં બબડી.
થોડું વિચાર્યા પછી નેહાએ છેવટે આરવનો નંબર ડાયલ કરી દીધો.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” થોડીવાર સુધી રિંગ વાગતી રહી.
“હેલ્લો....! હાં બોલ નેહા....!” સામેથી આરવ બોલ્યો.
“હાય....અ....! કેવું છે દાદીને....!?” નેહા સહેજ ઉતાવળા સ્વરમાં બોલી ગઈ.
“સારું છે.....! પણ હજી અંદર નઈ જવાં દેતાં..” આરવ સહેજ નિરાશ સ્વરમાં બોલ્યો.
બંને થોડીવાર મૌન થઈ ગયાં. આરવ નેહાના બોલવાની રાહ જોઈ રહ્યો.
“શું બોલું....શું બોલું...!?” સામે નેહાને કઈં સૂઝતું નોહતું.
“ડોન્ટ વરી...! સારું થઈ જશે....!” કઈં ના સૂઝતાં છેવટે નેહા બોલી ગઈ.
“થેંક્સ...!” સામેથી આરવ ઔપચારિક સ્વરમાં બોલ્યો.
“અમ્મ...! મારે લાયક કઈં કામ હોયતો કે’જે...!” નેહાને હજીપણ કશું સૂઝતું નહોતું કે શું વાત કરવી.
“અચ્છા...! તો તું છેક ત્યાંથી અહિયાં આઈશ....એમ...!?” આરવ હસીને ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “હી...હી...શું નેહા તું પણ....! સાવ ફોર્માલિટીવાળી વાતો કેમ કરે છે...!?”
“સોરી....! પણ...પણ..મને કઈં નઈ ખબર પડતી...! કે આવા ટાઈમે શું વાત કરવી જોઈએ....!” બેડની ચાદર ખોતરતાં-ખોતરતાં નેહા થોથવાતી-થોથવાતી બોલી.
“હી...હી...!” આરવથી હસાઈ ગયું “મેં એકસ્પેક્ટ જ ન’તું કર્યું...કે તું કૉલ કરીશ....!”
“અરે કેમ....!? we are friends યાર...!” નેહા બોલી “ફ્રેન્ડ્સ આવા ટાઈમે એટલિસ્ટ ફોન તો કરીજ શકેને..!?”
“હમ્મ true….!” આરવ સહેજ નીરસ સ્વરમાં બોલ્યો.
“શું વાત છે...!?” નેહા આરવના સ્વરમાં રહેલી ઉદાસી પારખી ગઈ “કોઈ પ્રોબ્લેમ...!?”
“અમ્મ...! નઈ...! બસ દાદીની ચિંતા....!” આરવે વાત ટાળી.
“યુ નો...! તું નઈ આવતો...તો...કેન્ટીન એકદમ સૂની લાગે છે યાર...!” નેહાથી બોલાઈ ગયું પછી વાત વાળતી હોય એમ બોલી “આઈ મીન...અ...! તારા સોંગ્સની આદત પડી ગઈ છે...! યુ નો...! રોજે-રોજે આવાં લાઈવ સોંગ્સ....! ગિટાર....! ક્યાં સાંભળવાં મલે...!? એ પણ આટલાં સરસ વોઈસમાં...!”
“તને ખરેખર મારો વોઈસ વળગે છે...!?” આરવ ખુશ થઈ ગયો હોય એમ આંખો મોટી કરી ઉત્સાહી સ્વરમાં બોલ્યો.
“હાસ્તો યાર....! તું લાઈવ ગાય છે...તો પણ આટલું સરસ ગાય છે....!” નેહા બોલી.
બંને હવે વાતોએ વળગ્યાં.
“જસ્ટ ઈમેજીન....! તું એક પ્રોફેસનલ સિંગર હોય અને...સ્ટુડિયોમાં ગાય તો કેવું ગાય...!?”
***
“યાદ છેને ભાઉ....! આરવની જોડે કોઈ માથાકૂટ નઈ કરવાની....!” હોસ્પિટલના કોરિડોરમાં કરણસિંઘની બાજુમાં ચાલતાં-ચાલતાં સુરેશસિંઘ બોલ્યાં.
વહેલી સવારે બંને બરોડા હોસ્પિટલમાં આવી પહોંચ્યાં હતાં.
“હાં યાદ છે મને સુરેશ...!” કરણસિંઘ શાંત સ્વરમાં બોલ્યાં
“કેવું છે બા ને અવે...!?” ICU રૂમની બહાર ઉભેલા સિદ્ધાર્થ અને આરવને જોઈને કરણસિંઘે આવતાંવેંતજ પૂછ્યું.
કરણસિંઘે એક અછડતી નજર આરવ સામે જોઈ ફરી સિદ્ધાર્થ સામે જોયું. આરવ કઈંપણ બોલ્યાં વગર તેમની સામે જોઈને ઊભો રહ્યો.
“સારું છે...!” સિદ્ધાર્થે ટૂંકમાં જવાબ આપ્યો.
“હમ્મ....!” એટલું કહીને કરણસિંઘ લાકડાંની બેઠકમાં બેઠાં.
“આરવ...! બેટાં...! સિદ્ધાર્થે તને ફોન કર્યો તો તારે મને તો કે’વું’તું....!” બેઠકની જોડે ઉભેલાં સુરેશસિંઘે આરવને કહ્યું “આપડે જોડે આવત..!”
“અમ્મ....દાદીનું સાંભળીને મને કઈં સૂઝયુંજ નઈ...!” કરણસિંઘ કોઈને-કોઈ વાતે ટોંન્ટ મારશે એમ માની આરવે એક નજર તેમની તરફ નાંખી અને પાછું સુરેશસિંઘ સામે જોઈ ડરતાં-ડરતાં કહ્યું “હું બાઇક ઉપર હતો...તો..તો.. પછી ડાયરેક્ટ અહિયાં આ’વાં નીકળી ગ્યો...!”
“સારું....!” સુરેશસિંઘ બોલ્યાં.
“આરવ...! એક કામ કર...!” હવે કરણસિંઘ શક્ય એટલાં મૃદુ સ્વરમાં બોલ્યાં “તું અને સુરેશ....બંને ઘરે જઈ આવો...! થોડું ફ્રેશ થઈ જવાય...! તમે પાછાં આવો એટ્લે હું અને સિદ્ધાર્થ જઈ આવશુ...!”
“હાં...હાં...શ્યોર...!” જાણે છૂટવાજ માંગતો હોય એમ આરવ તરતજ બોલ્યો “ચલો...ચલો મામાં....!”
એટલું કહીને આરવ ઉતાવળા પગલે લિફ્ટ તરફ ચાલવા લાગ્યો.
કરણસિંઘ અને સિદ્ધાર્થ બંને આરવને જતો જોઈ રહ્યાં. એકાદ ક્ષણ સુરેશસિંઘે પણ આરવ સામે જોયું અને પછી કરણસિંઘ સામે જોઈ માથું ધૂણાવ્યું અને આરવ પાછળ ચાલવા માંડ્યુ.
“બાપરે....બચી ગ્યો...!” લિફ્ટ પાસે આવીને આરવ બબડ્યો.
નીચે જવા માટે લિફ્ટ બોલાવા આરવે લિફ્ટનું એરો બટન દબાવી દીધું.
***
“Good morning….!” નાહીને ફ્રેશ થઈ નાસ્તો કરવાં ડાઈનિંગ ટેબલા ઉપર બેઠેલાં આરવના મોબાઈલમાં નેહાનો મેસેજ આવ્યો.
આરવની સામે તેનાં મામા સુરેશસિંઘ પણ નાસ્તો કરી રહ્યાં હતાં. હોસ્પિટલથી ઘરે બંને ફ્રેશ થવાં આવ્યાં હતાં.
“આરવ....! તારે કશું જોઈએ છે...!?” આરવના મમ્મી રાગિણીબેને પૂછ્યું.
“થોડીક ચ્હા....!” આરવે કપ રાગિણીબેન સામે ધરતાં કહ્યું.
ઘરેથી ભાગ્યા બાદ આરવ લગભગ મહિને-બે મહિને પોતાનાં ઘરે પાછો આવ્યો હતો. અમદાવાદમાં તે રહ્યો તે દરમિયાન ક્યારેક ક્યારેક આરવની સિદ્ધાર્થ સિવાય તેનાં મમ્મી સાથે ફોન ઉપર વાત થતી. રાગિણીબેને ઘણીવાર આરવને ઘરેથી ભાગી જવાં માટે ધમકાવ્યો હતો. જોકે કરણસિંઘની જેમ સુરેશસિંઘે રાગિણીબેનને પણ આરવ સાથે આ વિષય ઉપર હવે કોઈજ વાત નહીં કરવાં સમજાવી લીધાં હતાં. એટ્લેજ જ્યારે હોસ્પિટલથી સુરેશસિંઘની સાથે આરવ ઘરે આવ્યો હતો ત્યારે આરવને જોઈને રાગિણીબેન કશું બોલ્યાં નહોતાં. જોકે તેમનાં ચેહરા ઉપર છલકાતી નારાજગીને આરવ વાંચી ગયો હતો.
“તું થોડાં દિવસ અહિયાંજ રોકાજે....!” ચ્હા પીતાં-પીતાં સુરેશસિંઘ બોલ્યાં.
“હેં....! અ....!” આરવ ચોંકયો હોય એમ બોલ્યો “પણ કોલે..!”
“દવાખાનામાં સિદ્ધાર્થને થોડો ટેકો રે’….! એટ્લે....!” આરવ કઈં બોલે એ પહેલાંજ સુરેશસિંઘ બોલી હતાં.
“હુમ્મ....! હાં...હાં....!” આરવ કમને બોલ્યો અને વિચારે ચઢી ગયો.
“બીપ...બીપ....!” ત્યાંજ આરવના ફોનમાં ફરીવાર whatsappમાં મેસેજ આવ્યાંની નોટિફિકેશન અને ટોન વાગી.
આરવે ફોનની સ્ક્રીન ઉપર દેખાઈ રહેલી Whatsappની નોટિફિકેશન જોયું.
“નેહા...!?” નેહાનાં મેસેજની નોટિફિકેશન જોઈને આરવે મોબાઈલ હાથમાં લીધો
“ગૂડ મોર્નિંગ....!”
“દાદીને કેવું છે...!”
whatsappમાં આવેલાં નેહાનાં મેસેજ આરવ વાંચવા લાગ્યો.
“she is fine…!” આરવે રિપ્લાયમાં મેસેજ ટાઈપ કરી સેન્ડ કર્યો “થેન્ક યુ ફોર આસ્કિંગ...!”
“અરે બસ....! તું થેન્ક યુ થેન્ક યુ નાં કે’…..!” નેહાએ આરવનાં મેસેજનાં રિપ્લાયમાં કહ્યું અને જોડે બે-ત્રણ સ્માઈલી પણ મોકલ્યા.
“ઓકે....!” આરવે રિપ્લાય આપ્યો.
“ક્યારે પાછો આવનો...!?” નેહાએ તરતજ મેસેજ કર્યો પછી બીજો મેસેજ ટાઈપ કરવાં લાગી “આઈ મીન...!”
“થોડાં દિવસ લાગશે..!” નેહા ટાઈપ કરી રહી હતી ત્યાંજ આરવનો રિપ્લાય આવી ગયો “પણ કોલેજમાં કોઈને કશું કે’તી નઈ....!”
“રિમેમ્બર....! આપડી ફ્રેન્ડશીપ સિક્રેટ છે ઓકે...!?” આરવે યાદ કરાવ્યુ અને પૂછ્યું.
“હાં..હાં...આઈ રિમેમ્બર....!” પોતે ટાઈપ કરેલો મેસેજ ડીલીટ કરી નેહાએ આરવના મેસેજનો રીપ્લાય આપ્યો.
“ઓકે...! ગોઇંગ હોસ્પિટલ...! બાય નાવ...!”
“ઓકે...બાય...!” નેહાએ પણ રીપ્લાય આપ્યો.
આરવે ફોન લોક કર્યો અને ડાયનીંગ ટેબલ ઉપરથી ઉભો થયો.
***
“શું વાત છે...!? આજે તું બહુ ખુશ દેખાય છે...!?” કોલેજ કેન્ટીનમાં આવતાંવેંતજ લાવણ્યાએ ચેયરમાં બેઠાં-બેઠાં મલકાઈ રહેલી નેહાને પૂછ્યું.
“અરે બધાં કેમ એકજ ક્વેશ્ચન પૂછો છો...!?” નેહાએ ચિડાઈ હોય એમ નાટક કરતાં કહ્યું.
“બધાં એટલે...!?” લાવણ્યાએ સહેજ નવાઈપૂર્વક પૂછ્યું.
“અમે પણ એજ પૂછ્યું...!” સામે બેઠેલી કામ્યાએ સ્મિત કરીને કહ્યું.
“હાં....! મેડમ....! બવ મલકાય છે...!” કામ્યાની જોડે બેઠેલી અંકિતાએ નેહાને ખીજવતા કહ્યું “બોયફ્રેન્ડ મલી ગ્યો કે શું..!?”
“એ હેલ્લો...! બોયફ્રેન્ડ વાળી...!” નેહા પરાણે પોતાનું હસવું દબાવી રાખીને બોલી “તું ગોતીલે પેલ્લાં...!”
“મારે કોઈ જરૂર નઈ...!” અંકિતાએ નાટક કરતી હોય એમ અદાથી પોતાનાં વાળ ઝાટક્યા “આપડે તો એકલાં ચાલો રે’.....!”
“હાં...હાં...!” પ્રેમ, કામ્યા, અંકિતા, નેહા અને લાવણ્યા સહીત બધાં હસી પડ્યા.
“ઓલ રાઈટ નેહા...! હવે યુથ ફેસ્ટીવલની વાત કરીએ...!” લાવણ્યાએ છેવટે કહ્યું.
“હાં..હાં..શ્યોર....!” નેહા પણ વાત બદલવા માંગતી હોય એમ બોલી. તે હજીપણ પોતાનાં હોંઠ દબાવીને મલકાઈ રહી હતી.
***
“સુરેશ અને આરવ આઈ ગ્યાં...!” કોરિડોરમાં ચાલતાં-ચાલતાં રૂમ તેમની તરફ આવી રહેલાં સુરેશસિંઘ અને આરવ સામે જોઈને કરણસિંઘે જોડે બેઠેલાં સિદ્ધાર્થને કહ્યું “ચલ...! આપડે ફ્રેશ થઈ આઈએ...!”
“ઈટ્સ ઓકે પપ્પાં...! હું દાદી જાગે....પછી મલીને આવું છું....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “તમે જતાં આવો....!”
એટલું કહીને સિદ્ધાર્થે રૂમના દરવાજા સામે જોઈ રહીને પોતાનું માથું દીવાલે ટેકવી દીધું. કરણસિંઘ બે ઘડી સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં. દરવાજા સામે જોઈ રહેલાં સિદ્ધાર્થને જોઈને તેમને સમજાઈ ગયું કે સિદ્ધાર્થે હોસ્પિટલમાં રોકવાની પોતાની વાત કહીને પૂરી કરી દીધી હતી જેમાં હવે તેને ઘરે આવવાં સમજાવાનો કોઈ અવકાશ નહોતો. સિદ્ધાર્થ ઉપર ગર્વ કરતાં હોય એમ કરણસિંઘે ગૌરવભર્યું સ્મિત કર્યું અને એક ઊંડો શ્વાસ ભરી પોતાની છાતી ફુલાવી. ઘર, ગામડે ખેતીનું કામ અને બરોડામાં તેમનાં ફર્નિચર વૂડનો બિઝનેસ, બધુ સિદ્ધાર્થ મોટેભાગે એકલે હાથે સંભળાતો. બધાજ કામોમાં સિદ્ધાર્થની જોડે હોવાં છતાં કરણસિંઘ જરૂરિયાત પૂરતા મહત્વના નિર્ણયોમાંજ “માથું” મારતાં. સિદ્ધાર્થના ભરોસે બધુ છોડી તેઓ બરોડા તેમજ ગામડાના જરૂરી સામાજિક પ્રસંગોમાં તેમજ સમાજનાં સંગઠનોની મીટીંગો વગેરેમાં ફરતાં રહેતાં.
“કાશ આરવ પણ તારાં જેવો હોત....!” બેઠકમાંથી ઊભાં-ઊભાં થતાં કરણસિંઘ બોલ્યાં.
થોડીવાર સુધી દરવાજા સામે જોઈ સિદ્ધાર્થે પોતાની આંખો બંધ કરી. સુરેશસિંઘ અને આરવને નજીક આવી ગયેલા જોઈ કરણસિંઘે ફરીવાર સિદ્ધાર્થ સામે એક નજર નાંખી અને જવા લાગ્યાં.
“બધાં એક જેવાં નાં હોય પપ્પાં...!” દીવાલે માથું ટેકવી રાખી આંખો બંધ કરી સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.
જતાં-જતાં કરણસિંઘે અટકીને પાછું જોયું. સિદ્ધાર્થ એજરીતે આંખો બંધ કરી માથું દીવાલે ટેકવી, અદબવાળીને બેસી રહ્યો હતો.
“તમારે જવું હોય તો જાવ....!” આવતાંવેંતજ પહેલાં કરણસિંઘ પછી બેઠકમાં બેઠેલાં સિદ્ધાર્થ સામે જોઈને સુરેશસિંઘ બોલ્યાં.
“સિદ્ધાર્થ રોકાય છે....!” કરણસિંઘ બોલ્યાં પછી સુરેશસિંઘની જોડે ઉભેલા આરવ સામે જોયું “આરવ....તું પણ રોકાં...! હું સુરેશ સાથે ઘરે જતો આવું છું....!”
“ઓકે....!” આરવે ટૂંકમાં જવાબ આપ્યો.
કરણસિંઘે ઔપચારિક સ્મિત કર્યું અને સુરેશસિંઘ સાથે ત્યાંથી રવાના થયાં.
“શું વાત છે...! પપ્પાં “સુધરી” ગયાં...!?” બેઠકમાં બેઠેલાં સિદ્ધાર્થનાં સાથળ ઉપર પંચ મારી જોડે બેસતાં-બેસતાં આરવ મજાક કરતો હોય એમ બોલ્યો “હજી સુધી કોઈ માથાકૂટ નઈ કરી....!?”
હજી પણ માથું દીવાલે માથું ટેકવીને બેઠેલાં સિદ્ધાર્થે થોડીવાર મૌન રહ્યાં પછી આરવ સામે સ્મિત કરીને જોયું પછી તેને ચિડાવતો હોય એમ બોલ્યો “તોફાન પે’લ્લાંની શાંતિ....!”
“એ ભાઈ...! તું મને આમ ડરાઈશ નઈ હોં....!” આરવ બોલ્યો.
જવાબમાં હળવું સ્મિત કરીને સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું.
“એક્સક્યુઝમી....!” રૂમનો દરવાજો ખોલીને નર્સે બહાર આવીને સિદ્ધાર્થ અને આરવને ઉદ્દેશીને કહ્યું “બા જાગી ગ્યાં છે...! તમારે મલવા જવું હોય તો જાવ...!”
એટલું કહીને નર્સ ત્યાંથી બીજા રૂમ તરફ જતી રહી.
“ચલ...!” બેઠકમાંથી ઊભો થતાં સિદ્ધાર્થ બોલ્યો
“તું ફેવરિટ છે એમનો...!” આરવ ગમ્મતભર્યા સ્વરમાં બોલ્યો “પે’લ્લાં તું જા....! પાછળ હું...!”
સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને રૂમનો દરવાજો ખોલીને અંદર દાખલ થયો.
“દાદી....!” અંદર દાખલ થતાંજ સિદ્ધાર્થ સસ્મિત બોલ્યો.
બેડને ફોલ્ડ કરીને કલાબા સૂતેલાં હતાં.
“કેમનું છે તમને અવે...!?” સિદ્ધાર્થ બોલે એ પહેલાંજ આરવ તેની પાછળથી આગળ બાજુમાં આવતાં બોલ્યો.
દાદીનાં પગ પાસે સિદ્ધાર્થ બેઠો. બેડ નીચે સ્ટૂલ કાઢીને આરવ તેમની જોડે બેઠો.
“બસ જો અવે તમને બેયને ઘોડે ચઢતાં જોવું...! એટ્લે પૂરું...!” આદત પ્રમાણે મજાક કરતાં કલાદાદી બોલ્યાં.
“દાદી …! શું તમે પણ..!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો.
“અરે મજાક કરું છું...!” દાદી બોલ્યાં “મારાં લીધે તમે બેય “ફસાઈ” જાવ...! એવું થોડી ચાલે...!”
“હી..હી....આ વાત પપ્પાં સમજતાં હોય તો કેટલું સારું...!?” આરવ હસીને બોલ્યો.
સિદ્ધાર્થે ઈશારો કરીને આરવ સામે જોયું.
“શું...!?” દાદીએ પૂછ્યું.
“કઈં કઈં નઈ દાદી...! એમજ..!”
“કઈં નઈ વાળા...!” બેડમાં સૂતાં-સૂતાં દાદીએ આરવનો કાન ખેંચ્યો.
“આહ....! દાદી..! બસ..!”
“મને લાલાએ બધું કીધું’તું...!” આરવનો કાન છોડતાં-છોડતાં દાદીએ સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું પછી આરવ સામે જોઈ છણકો કર્યો “કેમ હેરાન કરે છે તું...મારાં છોકરાં (કરણ)ને...!”
“તો તમે તમારાં છોકરાંને સમજાવોને...!” આરવ ફરિયાદ કરતો હોય એમ બોલ્યો “જબરજસ્તી મારાં મેરેજ કરાવાં પાછળ પડી ગ્યાં છે...!”
“હાં..હાં...હાં....!” દાદી હસી પડ્યાં “અમદાવાદ જઈને જબરું બોલતો થઈ ગ્યો તું તો...!”
“અરે દાદી અમદાવાદ મસ્ત છે...!” આરવ નાના બાળકની જેમ આંખો મોટી કરીને બોલ્યો.
***
“જો સંજય મારે કોઈ માથાકૂટ ના જોઈએ.....!” કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા અકળાઈને ફોન ઉપર બોલી રહી હતી “તારે સિંગિંગમાં રે’વાનું એટ્લે રે’વાનું...! બસ...! ફાઈનલ...!”
લાવણ્યા ફોન ઉપર કોલેજમાં બીજાં ગ્રૂપના સંજયને યૂથ ફેસ્ટિવલમાં સિંગિંગમાં પાર્ટિસિપેટ કરવાં માટે “મનાઈ” રહી હતી.
“તો હું ક્યાં ના પાડું છું....!? તું તો સીધી ઓર્ડર કરતી હોય એમજ બોલે છે....!” સામે છેડેથી સંજય બોલ્યો “હું તો ખાલી એટલું કઉ છું કે સોંન્ગ હું મારી પસંદનું ગઈશ....!”
“ગઈ વખતે જે સોંન્ગ મેં સિલેક્ટ કર્યું’તું....! એજ સોંન્ગથી તું જીત્યો’તો યાદ છેને...!?” લાવણ્યા કડક સ્વરમાં બોલી અને કેન્ટીનમાં આજુબાજુ જોવાં લાગી.
તેણી સિવાય ગ્રૂપનાં બાકીનાં ફ્રેન્ડ્સ લેકચરમાં હતાં. એક્ઝામ નજીક આવતી હોવાથી કેન્ટીનમાં સ્ટુડન્ટ્સની હાજરી રોજ કરતાં ઓછી હતી.
“એટ્લે જે હું કઈશ....! એજ સોંન્ગ તારે ગાવાનું છે...! બવ હોંશિયારી નાં મારતો...!” લાવણ્યા રીતસરની ઇન્સલટ કરતી હોય એમ બોલી “સમજ્યો....! ચાલ મૂક હવે....!”
એટલું કહીને લાવણ્યાએ કૉલ કટ કરી દીધો.
“આજે પણ નઈ આયો આરવ....!?” લાવણ્યા સામેનાં ટેબલ ઉપર બેઠેલાં આરવનાં ગ્રૂપનાં બે-ત્રણ ફ્રેન્ડ્સને જોઈને મનમાં બબડી “કોલેજ છોડી દીધી કે શું....!?”
લાવણ્યાએ આરવને “સર્કસનો જોકર“ કહીને ઉતારી પાડ્યો તે દિવસ પછી આરવ કોલેજજ નહોતો આવ્યો.
“સાવ ડફોળ છે....!” લાવણ્યા ધીરેથી બબડી “મજાક પણ નઈ સમજતો....! હુંહ....!”
છેવટે લાવણ્યા ઊભી થઈ અને કેન્ટીનમાંથી નીકળી લેકચર ભરવાં માટે ક્લાસરૂમ તરફ ચાલી ગઈ.
***
“બોરિંગ છે યાર...!” લેકચરમાં બેઠેલી નેહા ધીરેથી બબડી.
“હમ્મ શું...!?” જોડે બેઠેલી અંકિતાએ માથું નમાવીને નેહાને પૂછ્યું.
“લેકચર....!” અંકિતા સામું જોયાં વિના નેહાએ મ્હોં બગાડીને જવાબ આપ્યો.
“એમ કે’ને તારાં બોયફ્રેંડની યાદ આવે છે..!” અંકિતાએ નેહાને ચિડાવી.
“એ મારો બોયફ્રેંડ નથી ઓકે...!” નેહા ચિડાઈ.
“એનો મતલબ કોઈક તો છે...!” નેહાને પકડી પાડી હોય એમ અંકિતા આંખો મોટી કરીને બોલી “આઈ ન્યુ ઈટ....!”
“એટ્લે..હું...એમ...કવ છું કે...!” નેહા થોથવાઈ ગઈ.
“આ ન્યૂઝ તો વાઈરલ થવી જોઈએ...!” અંકિતા બોલી અને પોતાનો મોબાઈલ કાઢવાં લાગી પછી નાનાં બાળકની જેમ નેહાને ચિડાવતી હોય એમ બોલી “નેહા હેસ એ બોયફ્રેંડ... નેહા હેસ એ બોયફ્રેંડ...!”
આજુબાજુ બેઠેલાં સ્ટુડન્ટ્સને સંભળાતા તેઓ હસવા લાગ્યાં.
“એ ગધેડી...!” નેહાએ અંકિતાનાં ગાલે ટપલી મારી.
“શું ચાલે છે....!?” લેકચર લઈ રહેલાં મીનાક્ષી મેડમે સ્ટુડન્ટ્સ તરફ જોઈને પૂછ્યું.
“કશું નઈ મેડમ...!” આગળની બેન્ચે બેઠેલી ચાંપલી મેઘાં “શૈતાની સ્મિત” કરીને બોલી પછી પોતાની જોડે બેઠેલી ફ્રેન્ડને ખભે પોતાનો ખભો અથડાવીને અંકિતાની જેમ ચાળા પાડતી હોય એમ બોલવા લાગી
“નેહા હેસ એ બોયફ્રેંડ.... નેહા હેસ એ બોયફ્રેંડ...!”
પહેલાં બધાં સ્ટુડન્ટ્સ હસવા લાગ્યાં પછી ધીરે-ધીરે બધાં સ્ટુડન્ટ્સ નેહા સામે જોઈને તેણીને ચીડવા લાગ્યાં.
“નેહા હેસ એ બોયફ્રેંડ... નેહા હેસ એ બોયફ્રેંડ.... નેહા હેસ એ બોયફ્રેંડ”
ચિડાયેલી નેહાએ માંડ-માંડ પોતાનું હસવું દબાવી રાખીને અંકિતા સામે ઘુરકીને જોયું.
અંકિતાએ પોતાનાં કાન પકડ્યાં. પછી એ પણ હસતાં-હસતાં બધાંની જોડે બોલવાં લાગી.
“નેહા હેસ એ બોયફ્રેંડ... નેહા હેસ એ બોયફ્રેંડ....!”
***
“હાય....! how are you....!?” હોસ્પિટલની કેન્ટીનમાં ચ્હા પી રહેલાં આરવે લાવણ્યાને whatsappમાં મેસેજ ટાઈપ કર્યો.
“સેન્ડ કરું કે નઈ...!?” મેસેજ સેન્ડ કરતાં પહેલાં આરવે વિચાર્યું “ના પછી....! એ પૂછશે કે ક્યાં છે તું...તો શું કે’વાનું...!? નઈ...નઈ...! કોલેજ જઈનેજ વાત કરીશ...!”
“હાય...!?”આરવ વિચારી રહ્યો હતો ત્યાંજ તેનાં whatsappમાં આકૃતિનો મેસેજ આવ્યો.
“ક્યાં છે તું..!? શું કરે છે...!? કોલેજ નઈ આવતો....!?” એક પછી એક આકૃતિએ ત્રણ-ચાર મેસેજ કર્યા.
લાવણ્યાને મોકલવા ટાઈપ કરેલો મેસેજ ડિલીટ કરી આરવે આકૃતિનું ચેટબોક્સ ઓપન કર્યું.
“ક્યારે આવે છે કોલેજ...!?” આરવ હજીતો આકૃતિના મેસેજ વાંચી રહ્યો હતો ત્યાંજ આકૃતિએ વધુ એક મેસેજ કરી દીધો “ક્યાં છે તું એ તો કે’…!?”
“તને ગઈ કાલેજ તો કીધું ‘તું...!? થોડાં દિવસ માટે કામથી બા’ર આયો છું...!” આરવે મેસેજ ટાઈપ કરીને મોકલ્યો.
“હાં...ગોટ ઈટ..! ભૂલી ગઈ’તી સોરી....!” આકૃતિએ સામે રિપ્લાય આપ્યો.
“હાય...! શું કરે છે...!?” આરવ આકૃતિ સાથે વાત કરી રહ્યો હતો ત્યાંજ નેહાનો મેસેજ આવ્યો.
“દાદીને કે’વું છે....!?” આરવે નેહાનું ચેટબોક્સ ઓપન કરતાંજ નેહાનો વધુ એક મેસેજ આવ્યો.
“દાદીને સારું છે...!” આરવે નેહાને રિપ્લાય આપ્યો.
“ક્યારે આવે છે કોલેજ..!?” નેહાએ પણ એજ પ્રશ્ન પૂછ્યો.
“હે ભગવાન...! આ લોકોતો પાછળ જ પડી ગ્યાં...!?” આરવ ચિડાયો અને મનમાં બબડ્યો “જેની જોડે વાત કરવી છે એનો કોઈ મેસેજ નઈ આવતો...!”
“મને બોલાવે છે....! મારે જવું પડશે..! બાય..!” મેસેજ લખીને આરવે પહેલાં નેહાને પછી આકૃતિને same મેસેજ ફોરવર્ડ કરી દીધો.
બને છોકરીઓના રિપ્લાયની રાહ જોયાં વિના તેણે whatsapp બંધ કરી internet બંધ કરી દીધું.
“હવે કોઈ ડિસ્ટર્બ નઈ કરે..!” હાશકારો અનુભવતો હોય આરવે તેનો ફોન ઊંધો ટેબલ ઉપર મૂક્યો.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” હજીતો એક-બે સેકન્ડજ વીતી હતી ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.
“હવે કોણ છે યાર...!” આરવ વધુ ચિડાયો અને ફોન સીધો કરી જોવા લાગ્યો.
“ઝીલ...!?” સ્ક્રીન ઉપર ઝીલનો નંબર જોઈને આરવે કૉલ રિસીવ કર્યો.
“કેવું છે દાદીને...!?” આરવે કૉલ રિસીવ કરતાંજ ઝીલે પૂછ્યું.
“સારું છે...! હમણાંજ વાત થઈ...!” આરવ બોલ્યો.
“તું પાછો ક્યારે આવે છે...!?” ઝીલે પણ same ક્વેશ્ચન કર્યો.
“સિરિયસલી ઝીલ તું પણ...!?” આરવ ચિડાઈ ગયો “આજ પૂછીશ...!?”
“કેમ...!? બીજું કોણ પૂછે છે...!?” ઝીલે નવાઈ પામીને પૂછ્યું પછી આરવની વાતનો અર્થ પામી ગઈ હોય એમ બોલી પડી “ઓહ વેઇટ...!? let me guess…..! લાવણ્યા...હી...હી...!”
“બસ યાર અવે....!” આરવ ચિડાયો.
“ઓકે બાબા....! બસ...! બોલ કરણ અંકલ કઈં બોલ્યાં...!?” ઝીલે પૂછ્યું “તને જોઈનેજ જ્વાલામુખીની જેમ ફાટયાં હશેને...!?”
“ના યાર....!” આરવે બધી વાત કરવાં માંડી.
***
“અરે ….! આરવનો ફ્રેન્ડ છે....!અક્ષય.....!” કોલેજનાં કોરિડોરમાં જેંટ્સ રેસ્ટરૂમ તરફથી આવી રહેલાં આરવનાં ગ્રૂપનાં ફ્રેન્ડ અક્ષયને જોઈને લાવણ્યા મનમાં બબડી.
“અક્ષય......! અક્ષય....!” લાવણ્યા ઉતાવળા સ્વરમાં તેને બોલાવાં લાગી.
કેન્ટીન તરફ જઈ રહેલો અક્ષય લાવણ્યા જોડે આવ્યો.
“હાં....! શું...!?” અક્ષય બોલ્યો.
“કેમ તમારું ગ્રૂપ આમ.....હમણાંથી ઠંડુ-ઠંડુ છે....!?” લાવણ્યાએ ઈનડાયરેક્ટલી પૂછ્યું “કોઈ ધમાલ મસ્તી નથી કરતું...!? અ...! કેન્ટીનમાં....!?”
“ અરે આરવ નઈ આવતોને...! એટ્લે...!” અક્ષય બોલ્યો.
“કેમ....!?” લાવણ્યા જાણે પુછ્વાં ખાતર પૂછતી હોય એમ બોલી
“શું કેમ....!?” અક્ષય મૂંઝાયો હોય એમ બોલ્યો.
“અરે આરવ કેમ નઈ આવતો...!?” લાવણ્યાથી પૂછાઈ ગયું “આઈ મીન....! તે કીધુંને...! એટ્લે પૂછ્યું...!”
“ખબર નઈ...!?” અક્ષયે ખભાં ઉલાળ્યા.
“કેમ...!? તારાં ગ્રૂપનો છે ને તને ખબર નઈ....!? આવું થોડી હોય...!?” આરવ વિષે જાણવાની પોતાની તાલાવેલીને લાવણ્યા રોકી નાં શકી અને સહેજ રઘવાયાં અને ઉગ્ર સ્વરમાં પૂછી બેઠી “કેટલાં દિવસથી નઈ આવતો એ...!”
“તો તું જ પૂછીલેને...!” અક્ષય મોઢું બગાડીને બોલ્યો “મારી ઉપર શું કામ અકળાય છે...!?”
“મારી પાસે એનો નંબર નથી....!” લાવણ્યા જાણી જોઈને જુઠ્ઠું બોલી.
“તો વાઈરલ ગ્રૂપમાંથી લઈલેને....! એ વાઈરલ ગ્રૂપમાં મેમ્બર છેજને...!” અક્ષય બોલ્યો અને ચાલતો થયો.
“જુટ્ઠી...! તે પોતેજ તો એડ કર્યો’તો...!” જતાં-જતાં અક્ષય મનમાં બબડ્યો.
લાવણ્યાએ મોઢું મચકોડયું અને ત્યાંજ થોડીવાર ઊભી રહી. પોતાનાં હેન્ડબેગમાંથી મોબાઈલ કાઢીને લાવણ્યાએ વોટ્સએપમાં કોલેજનું વાઇરલ ગ્રૂપ ઓપન કર્યું. ગ્રૂપની ડિટેલમાં જઈને લાવણ્યાએ મેમ્બર્સનાં લિસ્ટમાંથી આરવનો નંબર શોધ્યો.
“મેસેજ કરું કે નઈ...!?” લાવણ્યાએ આરવનો નંબર ચેટબોક્સમાં ઓપન કરી મનમાં વિચાર્યું.
“અમ્મ....! નઈ કરવો...! જવાદે....!” લાવણ્યા સ્વગત બબડી અને રેસ્ટરૂમ તરફ જવાં લાગી.
***
“લે....આ દાદીની દવાઓનો ડબ્બો...!” આરવે સિદ્ધાર્થ સામે પ્લાસ્ટિકનો નાનો લંબચોરસ ડબ્બો ધરતા કહ્યું.
લગભગ એકાદ અઠવાડીયા પછી દાદીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. રજા આપી દેવાયાં પછી તેમને બરોડાંથી ગામડે લઈ અવાયાં હતાં.
“આખાં ગામની દવાઓ આપી દીધી...!” બેડમાં સૂતેલાં દાદીએ મોઢું મચકોડીને કહ્યું.
સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું.
“એકેય દવા પાડવાની નઈ હોં દાદી...!” આરવ બોલ્યો.
“સિદ્ધાર્થ બેટાં....!” દાદીના રૂમમાં પ્રવેશતાં-પ્રવેશતાં કરણસિંઘ બોલ્યાં “અહિયાં આયોજ છે....! તો પછી ખેતરમાં આંટો મારી લેજે...! કનુને માર્કેટયાર્ડમાં કઈંક કામ હતું...! એની જોડે જતો આવજે...! અને ખેતરના બોરની લાઇટ પણ કપાઈ ગઈ છે...! તો સરપંચને ચાવડીમાં મલી એ પણ ચાલું કરાઇ દેજે....!”
આદેશાત્મક સ્વરમાં કરણસિંઘ બોલ્યાં પછી આરવ સામે એક વેધક નજર નાંખી ફરી સિદ્ધાર્થ સામે જોઈ કહ્યું “અને હાં....! ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ ગ્યું છે ...તો દહાડીયા (મજૂર) બોલાવી લઈ ધરું રોપાઈ દેજે...! અને આ વખતે રમસિંઘના ત્યાંથી લેજે...!”
કોઈ એમ્પ્લોયીને કામ સોંપતા હોય એમ કરણસિંઘે એક પછી એક સિદ્ધાર્થને અનેક કામ સોંપી દીધાં. સિદ્ધાર્થના જવાબની રાહ જોયાં વિના તેમણે પછી પોતાનાં માતા કલાબેન સામે જોયું.
“બા...! તમે આરામ કરો...! હું નીતાને કવ છું તમને કપડાં બદલાઈ આપશે...!” કરણસિંઘ બોલ્યાં.
“તું રોકવાંનો છે....!?” કલાબેને પૂછ્યું.
“સિદ્ધાર્થ અને આરવ રોકશે...!” કરણસિંઘ સપાટ સ્વરમાં બોલ્યાં “મારે થોડું અર્જન્ટ કામ છે...! પસંદગી મેળાંમાં જવાનું છે...!”
એટલું કહીને કરણસિંઘે આરવ સામે જોયું. આરવ ચોંકયો હોય એમ કરણસિંઘ સામે જોઈને પ્રશ્નાર્થ ભરી નજરે સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો.
“હવે આ ઉમ્મરે કોને પસંદ કરવી છે તારે...!?”કલાબેન મજાક કરતાં હોય બોલ્યાં.
“હી...હી...!” આરવથી હસાઈ ગયું. પછી કરણસિંઘે ઘુરકીને તેની સામે જોતાં તે મોઢું બીજી તરફ ફેરવીને પોતાનાં દાંત દબાવી રહ્યો.
“રાગુ જોડે શું વાંધો પડ્યો તારે..!? હવે એ ટાઈમ જતો’ર્યો અવે....! જ્યારે ક્ષત્રિયો બે-ચાર બૈરાં રાખતાં...!” કલાબેને વધુ એકવાર મજાક કરી.
“હી...હી...!” માંડ પોતાનું હસવું દબાવી રહેલા આરવથી ફરીવાર હસાઈ ગયું પછી તે ઉધરસ ખાવાનું નાટક કરતો હોય એમ ખાંસવા લાગ્યો.
“હું નિકળું છું બા...!” એટલું કહીને કરણસિંઘ ત્યાંથી પાછાં ફરી જતાં રહ્યાં.
કોઈપણ જાતના હાવભાવ વિના ઉભેલા સિદ્ધાર્થે સામે ઉભેલા આરવ સામે જોયું.
“હાં...હાં...હાં...!” આરવથી છેવટે હસાઈ ગયું પછી બેડમાં સૂતેલાં દાદી સામે જોઈને બોલ્યો “બા...! આ ઉમ્મરે તમે તો જબરી સિક્સરો ફટકારો છો...!”
“આ ઉમ્મરે એટ્લે...!?” દાદી હજીપણ મજાકીયા મૂડમાં હતાં.
“આરવ....!” આરવ કઈં બોલે એ પહેલાંજ સિદ્ધાર્થ બોલ્યો “દાદીને આરામ કરવાંદે...! તું ચલ....આપડે ખેતરે જતાં આઈએ...!”
“દાદી...!” સિદ્ધાર્થે દાદી સામે જોયું “હું નીતાકાકીને મોકલું છું..! કપડાં બદલાવા...!”
“સારું કા’ના...!” દાદીએ સિદ્ધાર્થને એનાં પેટ નેમથી બોલાવ્યો.
“ચલ...!” આરવને કહીને સિદ્ધાર્થ રૂમમાંથી નીકળવાં લાગ્યો.
“અ ભાઈ..! હું શું કવ છું...!” જોડે ચાલતાં-ચાલતાં આરવ બોલવા લાગ્યો.
“નીતા કાકી.....! નીતા કાકી...!” આરવની વાત અવગણી કિચન તરફ જતાં-જતાં સિદ્ધાર્થ મોટેથી બોલ્યો.
“હાં ....!” કિચનમાંથી બહાર આવીને નીતાકાકી બોલ્યાં “શું હતું...!?”
“દાદીને કપડાં બદલાઈ દેજોને...! અને એમની દવાઓ પણ ડબ્બામાં જોઈને આપી દેજો....!” સિદ્ધાર્થ બોલ્યો “અમે ખેતરે જઈને આઈએ છે...!”
“ખેતરે જાય છે...તો દાદા માટે ભાણું લેતોજ જાને...! ખાલી રોટલાંજ બાકી છે....!” નીતાબેન બોલ્યાં.
“કાકી તમે રોટલાં બનાઈને ભાણું તૈયાર કરો...! આરવ દાદાને ભાણું આપી ખેતરે જતો આવશે...!”
બોલવા મથી રહેલો આરવ બાઘાની જેમ સાંભળી રહ્યો.
“હું ત્યાં સુધી સરપંચ સાહેબને મલતો આઉ છું....! બોરની લાઈટ ચાલું કરાવાં...!” સિદ્ધાર્થ બોલ્યો.
“સારું...!” એટલું કહીને નીતાબેન પાછાં કિચનમાં જતાં રહ્યાં.
“ચલ..! હું આવું કામ પતાઈને...!” એટલું કહીને સિદ્ધાર્થ ઘરની બહાર નીકળવાં લાગ્યો.
“અરે પણ...! ભાઈ...!” આરવ નાના બાળકની જેમ સિદ્ધાર્થની પાછળ-પાછળ જવા લાગ્યો.
“હું શું કઉ છું..!” ઘરની બહાર મોટાં ચોગાનમાં પાર્ક કરેલાં બુલેટ બાઇક જોડે આવીને ઉભેલા સિદ્ધાર્થને આરવ કહેવા લાગ્યો “તું બધુ કામ જોઈલેને...!”
“આરવ...! બધે હું એકલો નઈ પોં’ચી વળું...!” સિદ્ધાર્થ પોતાનાં એવિએટર ગોગલ્સ ચઢાવતા બોલ્યો “તું અહિયાં છું...ત્યાં સુધી...!”
“એજ તો હું કઉ છું બ્રો...!” આરવ વચ્ચે બોલી પડ્યો “મારે અમદાવાદ નીકળવું છે...!”
“આરવ તું...!”
“મારે એક્ઝામ છે...! એટ્લે...!” બહાનું કાઢતો હોય એમ આરવ વચ્ચે બોલ્યો “અર્જન્ટ છે સમજ..!”
નિરાશામાં સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું.
“હુંય કોલેજમાં ભણુંજ છું આરવ..! અત્યારે કોઈ એક્ઝામ નઈ...!” સિદ્ધાર્થ એવાંજ નિરાશ સ્વરમાં બોલ્યો
“યાર પછી ગિટાર ક્લાસમાં પણ ઓલરેડી અઠવાડિયું રજા પડી ગઈ છે...!” આરવ દયામણા સ્વરમાં બોલ્યો પછી મનમાં બબડ્યો “અને લાવણ્યાને જોયે પણ...!”
“પપ્પાં હવે અમદાવાદમાં પણ આપડા ફર્નિચર વૂડનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલવાનું કે’ છે....!” આરવ સામે જોયાં વિના સિદ્ધાર્થ બોલ્યો “બધે હું એકલો નઈ પોં’ચી વળું...!”
આરવ દયામણું મોઢું કરીને સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો.
“તારે થોડી મદદ તો કરવી જોઈએ...!” સિદ્ધાર્થ બોલ્યો.
“બ્રો...! તે આટલું સાચવ્યું છે...!” બુલેટની સ્ટિયરિંગને પકડેલી સિદ્ધાર્થની હથેળી ઉપર આરવે હાથ મૂકતાં કહ્યું “તો થોડું વધુ સાચવીલેને પ્લીઝ...!”
મૌન થઈને સિદ્ધાર્થ શૂન્યમનસ્ક તાકી રહ્યો.
“હું નિકળું...!? અમદાવાદ જવાં...!?” થોડીવાર પછી આરવે પૂછ્યું.
“દાદાને મલીને નઈ જવું...!?” સિદ્ધાર્થે હળવાં સ્વરમાં પૂછ્યું.
“અમ્મ...! એ આખો દિવસ પૂરો કરી નાંખશે...!” આરવ બાળક જેવું મોઢું બનાઈને બોલ્યો.
“હી...હી...!” સિદ્ધાર્થે હસીને માથું ધૂણાવ્યું.
“થેન્ક ભાઈ...!” સિદ્ધાર્થનું મૂડ હળવું થતાં આરવે રાહત અનુભવી.
“પપ્પાંને શું કે’વાનું...!?” સિદ્ધાર્થે બુલેટના લોકમાં ભરાવેલી ચાવી ફેરવતાં કહ્યું.
“એ તારો ડિપાર્ટમેંન્ટ છે...!” આરવે મજાક કરતાં કહ્યું.
“હી..હી...! કોઈવાર ડિપાર્ટમેંન્ટ સરખું કામ ના પણ કરે...!”
“એ ના ભાઈ હોં...!” આરવથી પણ હસાઈ ગયું.
“ચલ...! હું નિકળું...!” સિદ્ધાર્થ બોલ્યો અને બુલેટનો સેલ માર્યો.
“વ્રૂમ....વ્રૂમ....!”
“અમદાવાદ પોં’ચીને ફોન કરજે...!” બુલેટને રેસ આપી સિદ્ધાર્થે આરવ સામે જોયું અને કહ્યું.
“શ્યોર...!” આરવે કહ્યું પછી બુલેટ સામે જોઈને બોલ્યો “કાકા હજીપણ આજ બુલેટ ચલાવે છે...!?”
“એમનું ફેવીરીટ છે...!” સિદ્ધાર્થે બુલેટનાં કાંટાવાળા મીટર સામે જોઈને કહ્યું “કે’તાં કે આજ બુલેટ લઈને એ નીતાકાકીને મલવા આણંદ જતાં’તા....! મેરેજ પે’લ્લાં....!”
“હી..હી...! જોરદાર ટાઈમ હશે એ...!” આરવ સ્મિત કરીને બોલ્યો.
“પણ એ ટાઈમ હવે પાછો નઈ આવે...!” થોડીવાર પછી સિદ્ધાર્થ બોલ્યો અને બુલેટનું એક્સિલેટર ફેરવી દીધું.
“પણ એ ટાઈમ હવે પાછો નઈ આવે...આવે....!” સિદ્ધાર્થનાં એ શબ્દોનાં આરવનાં કાનમાં પડઘા પડી રહ્યાં.
બુલેટ લઈને ચોગાનની બહાર નીકળી રહેલાં સિદ્ધાર્થને આરવ જોઈ રહ્યો.
***
“બસ જો...જસ્ટ પોં’ચ્યો...!” આરવ ફોન ઉપર સિદ્ધાર્થ સાથે વાત કરી રહ્યો હતો.
બપોર પછી અમદાવાદ આવવાં નીકળેલો આરવ છેવટે સાંજે અમદાવાદ આવી પહોંચ્યો હતો.
“વાઘોડિયાથી આગળ નીકળ્યો પછી ભયંકર વરસાદ હતો બ્રો....!” ફ્લેટની લિફ્ટમાં દાખલ થતાં-થતાં આરવ બોલ્યો “અમદાવાદમાં પણ જોરદાર વરસાદ છે...!”
“સાંજે તો અહિયાં પણ સારો એવો પડ્યો...!” સામેથી સિદ્ધાર્થ બોલ્યો.
“દાદીને દવાઓ અપાઈ ગઈ...!?” આરવે પૂછ્યું.
“જમ્યા પે’લ્લાંની અપાઈ ગઈ...!” સિદ્ધાર્થ બોલ્યો.
“બધું કામ પૂરું...!?”
“હવ...પૂરું...!” સિદ્ધાર્થ બોલ્યો.
“વાહ...તું તો સુપરમેન છે...!” આરવ મજાકમાં બોલ્યો અને છઠ્ઠેમાળ લિફ્ટ ઊભી રહેતાં બહાર નીકળ્યો.
“સુપરમેન એકલો પોં’ચી નથી વળતો ભાઈ...!” સામેથી સિદ્ધાર્થ મજાકમાં બોલ્યો “ચલ...! મૂકું અવે...!?”
“હાં...બાય....!” કૉલ કરીને આરવે ફ્લેટનો ડોરબેલ વગાડયો.
“આરવ...! તું આઈ ગ્યો...!?” આરવના મામીએ દરવાજો ખોલતાં-ખોલતાં નવાઈપૂર્વક પૂછ્યું.
“હાં...! અ...! મારે ગિટાર ક્લાસમાં બવ રજાઓ પડી છે...!” અંદર પ્રવેશતાં-પ્રવેશતાં આરવ બોલ્યો.
“અરે..!? તું રોકાયો નઈ...!?” સોફામાં બેઠેલા સુરેશસિંઘે આરવને જોતાંજ આશ્ચર્યથી પૂછ્યું.
“ના...! સિદ્ધાર્થ ના પાડતો તો...!” આરવ બહાનું બનાવતો હોય એમ બોલ્યો “એ કે જરૂર નઈ...તો હું આવતો ‘ર્યો...!”
“અચ્છા...!” આરવનો સ્વભાવ જાણતા સુરેશસિંઘે વધુ કઈં કહેવાનું ટાળ્યું અને દીવાલ ઉપર લાગેલાં ટીવી સામે જોવાં લાગ્યાં.
ટીવીમાં ચાલતી ન્યૂઝ ચેનલ જોઈને આરવ એનાં રૂમ તરફ જવાં લાગ્યો.
“કાલે કોલેજ આવાનો...!?” રૂમ તરફ જઈ રહેલાં આરવને સુરેશસિંઘે પૂછ્યું.
“હાં..હાં..બવ દિવસની રજા પડી ગઈને...!” આરવ બોલ્યો.
“હાં...!”
“હું ફ્રેશ થઈ જાવ...!” આરવ બોલ્યો અને જવાં લાગ્યો.
“જમીને આયો કે બાકી છે...!?” સુરેશસિંઘે ફરીવાર આરવને ટોક્યો.
“બાકી છે..! ફ્રેશ થઈને જમી લઇશ...!” આરવે સ્મિત કરીને કહ્યું અને રૂમમાં જતો રહ્યો.
***
“ઓનલાઇન છે તોય મેસેજ નઈ કરતો...!? વાહ..!?” બેડ ઉપર પડે-પડે લાવણ્યા પોતાનું whatsapp મંતરી રહી હતી.
Whatsappમાં આરવ ઓનલાઇન હતો.
“આમતો રોજે મેસેજ કરતો ‘તો...!?” whatsappમાં આરવ ઓનલાઇન હતો “અને આટલાં દિવસથી કોલેજ નઈ આવતો...તો એકેય મેસેજ નઈ..!? વાહ..!? ભાવ ખાય છે એમ...!?”
લાવણ્યા એકલાં-એકલાં બબડી.
“હુંહ....! મારે શું...!? ઘણો આવશે...!” લાવણ્યાએ મોઢું મચકોડયું અને whatsapp બંધ કરી મોબાઈલ પોતાનાં ઓશિકાં પાસે મૂક્યો.
“જોકર કીધો એ વાતનું ખોટું લાગ્યું લાગે છે...!” ઇચ્છવા છતાં લાવણ્યાને એજ વિચારો આવી રહ્યાં હતાં.
ફરી એકવાર ફોન ઉઠાવી લાવણ્યાએ whatsappમાં આરવનો નંબર ઓપન કર્યો.
“હજીપણ ઓનલાઈન છે...!” આરવને ઓનલાઈન જોઈને લાવણ્યા બબડી “નક્કી જોકરવાળી વાતનું ખોટું લાગ્યું છે...!”
“સાવ બાલમંદિરમાં ભણતો છોકરો છે..ડફોળ...!” whatsappમાં આરવના ડીપી સામે જોઈ રહીને લાવણ્યા બબડી.
ફોન ફરીવાર લોક કરીને ઓશિકાં પાસે મૂકી લાવણ્યાએ છેવટે આંખો મીંચી દીધી.
***
“તને ખબર નથી પડતી...! તને પપ્પાએ ત્યાં રોકાવાંનું કીધું’તું...! ને તું અમદાવાદ ભાગી ગ્યો..!?” ફોન ઉપર આરવ તેનાં મમ્મી સાથે વાત કરી રહ્યો હતો.
“પણ મમ્મી હું ભાગી નથી ગ્યો...!” આરવ ભારપૂર્વક દલીલ કરતાં બોલ્યો.
કોલેજના પાર્કિંગમાં જસ્ટ હજીતો તેણે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું અને તેનાં મમ્મીનો ફોન આવી ગયો હતો.
“સિદ્ધાર્થે મને કીધું’તું...! કે મારી જરૂર નઈ...!” આરવ બોલ્યો.
“અરે એ તો કે’…! પણ તને ખબર ના પડે...! આવાં ટાઈમે તો તારે એની મદદ માટે રોકાવું જોઈએ..!”આરવના મમ્મી ગુસ્સાંમાં બોલી રહ્યાં હતાં.
“પણ શું આરવ...!? સાવ આવો નીકળ્યો તું...!? સ્વાર્થી...!?”
“સ્વાર્થી...!?” આરવ હર્ટ થયો હોય એમ બોલ્યો “મમ્મી આવું શું બોલે છે તું...!?”
“તો શું કવ....!?” રાગિણીબેન વધુ ચિડાયાં “આવાં ટાઈમે પણ તને ત્યાં રોકાવાંની ખબર નઈ પડતી...!”
“મમ્મી પણ...!”
“શું મમ્મી...!? થોડીક જવાબદારી લેતાં શીખ હવે....!”
થોડી વધુવાર આરવને ધમકાવીને રાગિણીબેને છેવટે ફોન મૂક્યો. પાર્કિંગ શેડમાં ઉભેલા આરવનું મૂડ ખરાબ જઈ જતાં તે પોતાનું માથું પકડીને દબાવા લાગ્યો.
થોડીવાર પછી છેવટે તે કેન્ટીનમાં જવાં કોલેજ બિલ્ડીંગ તરફ જતી પેવમેંન્ટ તરફ જવાં લાગ્યો.
***
“આરવ....! મેન...! ક્યાં હતો તું યાર....!” કેન્ટીનમાં પોતાનાં “A” ગ્રૂપના ફ્રેન્ડ્સના ટેબલ જોડે આરવ હજીતો પહોંચ્યોજ હતો ત્યાંજ અક્ષય ચેયરમાંથી ઊભો થયો અને એક નાનકડી હગ કરી આરવની પીઠ ઉપર ધબ્બો માર્યો.
“બવ મિસ કર્યો યાર તને...!” સામે બેઠેલો અજય બોલ્યો.
આરવે પરાણે હળવું સ્મિત કર્યું અને એક ખાલી ચેયર ખેંચીને બેઠો.
“કેમ આટલાં બધા દિવસ...!?” સામે બેઠેલી આકૃતિએ નારાજ સૂરમાં પૂછ્યું.
“જસ્ટ એમજ...! કામ હતું...!” આરવે ઉડાઉ જવાબ આપ્યો.
મૂડ ખરાબ હોવાથી આરવે વધુ કઈં કહેવાનું ટાળ્યું. આરવની નજર હવે સામેનાં ટેબલ ઉપર પોતાનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ જોડે બેઠેલી લાવણ્યા ઉપર પડી. નોટપેડ ટેબલ ઉપર મૂકીને તે તેમાં કઈંક લખી રહી હતી. અને પોતાનાં ફ્રેન્ડ્સ જોડે વાત પણ કરી રહી હતી. તેણીની નજર આરવ ઉપર પડતાં તે આરવ સામે જોઈ રહી હતી. આરવે કેટલીક ક્ષણો તેણી સામે જોઈ રહ્યાં પછી આમતેમ જોવાં માંડ્યુ.
“હાશ....! આયો ખરો...!” આરવને જોઈને લાવણ્યા મનમાં બબડી.
“બવ દિવસે આયો છે..! એક સોંન્ગ તો બને છે...!” આકૃતિની જોડે બેઠેલી અપૂર્વા બોલી.
“અમ્મ...! મૂડ નથી યાર....!” આરવ પરાણે બોલ્યો અને પોતાનાં જીન્સનાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી મંતરવાનું નાટક કરવા લાગ્યો.
“આરવ...! યાર...! તું અમારા માટે નઈ ગાય...!?” અક્ષય બોલ્યો.
“આરવ....! યાર તું સોંન્ગ ના ગાય એ થોડી ચાલે...!?” અપૂર્વા કાકલૂદી કરતી હોય એમ બોલી “તું નોતો આવતો....! તો કેન્ટીન સૂની પડી ગઈ હતી.....!”
આરવની નજર હવે ફરીવાર લાવણ્યા ઉપર પડી. લાવણ્યા પણ નજીકનાં ટેબલ પર બેઠી હોવાને લીધે આરવનાં ગ્રૂપની વાતો સાંભળી રહી હતી.
“એતો છે....! કેન્ટીન સૂની પડી ગઈ’તી....!” પોતાની સામે જોઈ રહેલાં આરવ સામે જોઈ લાવણ્યા મનમાં બબડી અને પોતાનાં વાળની લટ તેણીએ કાન પાછળ ભરાવી.
“અને તારું ગિટાર ક્યાં છે....!?” અપૂર્વાએ આરવને પૂછ્યું.
“બગડી ગ્યું છે...!” આરવ ઢીલા ચેહરે બોલ્યો.
આરવનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને લાવણ્યાને ગિલ્ટી ફીલ થવાં લાગ્યું. તે હવે આરવ સામે દયામણું મોઢું કરીને જોઈ રહી. જોકે આરવનાં ફ્રેન્ડ્સે તેને ઘેરી લીધો અને સોંન્ગ ગાવાં માટે બધાં તેને ફોર્સ કરવાં લાગ્યાં. લાવણ્યાનાં ગ્રૂપ સહિત કેન્ટીનમાં બેઠેલાં બીજાં સ્ટુડન્ટ્સ પણ એ તરફ જોવાં લાગ્યાં.
“યાર આરવ પ્લીઝ યાર...! કમ ઓન...! એક સોંન્ગ તો ગા...!” બધાં આગ્રહપૂર્વક બોલ્યાં.
“અરે પણ ગિટાર વગર કેમનો ગાવ..!?” આરવ બોલ્યો.
“અરે તારો વોઈસ પૂરતો છે યાર...! ગિટારની જરૂર નથી..!” અજય બોલ્યો “તું ગા ને...!”
“હાં યાર પ્લીઝ...!” અપૂર્વા ફરીવાર બોલી.
“મને ફોર્સ નાં કરોને....!” બધાંએ બહુ ફોર્સ કરતાં આરવ છેવટે બોલ્યો અને ઊભો થઈને કેન્ટીનની બહાર જતો રહ્યો.
બધાં તેને બહાર જતો જોઈ રહ્યાં.
લાવણ્યાથી કમને પાછું જોવાઈ ગયું.
“ઓહો...! આ છોકરો તો સાવ મૂરઝાઈ ગ્યો....!” લાવણ્યા આરવને જતો જોઈ રહીને મનમાં બબડી.
“હું....! વૉશરૂમ જઈને આવું....!” આરવ જેવો કેન્ટીનની બહાર નીકળ્યો કે લાવણ્યા તરતજ પોતાનું હેન્ડબેગ લઈને કેન્ટીનની બહાર ઉતાવળા પગલે જવાં લાગી.
“અરે....! આટલી બધી શું ઉતાવળ...!?” અંકિતા ગ્રૂપનાં બીજાં મિત્રો સામે જોઈને બબડી.
***
“બધાં પાછળજ પડી જાય છે...!” કેન્ટીનમાંથી નીકળી ચિડાયેલો આરવ કોરિડોરમાં ઉતાવળા પગલે ચાલવા લાગ્યો.
“પે’લ્લાં પપ્પા ઓછાં હતાં...! તો હવે મમ્મી પણ પાછળ પડી ગઈ....!” આરવ બબડ્યો અને કોલેજની બિલ્ડીંગમાંથી બહાર નીકળી સીધો પાર્કિંગ તરફ જવાં લાગ્યો.
“કોઈને મારી પસંદ-નાંપસંદની નઈ પડી...!” માથું ધૂણાવતો-ધૂણાવતો આરવ છેવટે પાર્કિંગ આવી ગયો અને પોતાની બાઈક ઉપર બેસી ઇગ્નિશનમાં ચાવી ભરાવી.
સેલ મારી બાઈક સ્ટેન્ડ ઉપરથી ઉતારી તેણે એક્સિલેટર ફેરવી દીધું.
***
“ક્યાં ગયો આ છોકરો...!?” કેન્ટીનની બહાર આવીને લાવણ્યા આમતેમ કોરિડોરમાં આમતેમ જોઈ આરવને શોધવાં લાગી.
“આમજ ગયો હશે...!” એમ માની લાવણ્યા કોરિડોરમાં કેન્ટીનની જમણી બાજુ ઉતાવળા પગલે ચાલવા લાગી.
“આટલું બધુ ખોટું લાગી જશે એને એવી નો’તી ખબર....!” ધીમે-ધીમે બબડતી લાવનયા વધુ એકવાર કોરિડોરમાં જમણી બાજુ વળી ગઈ.
ઝડપથી ચાલીને લાવણ્યાએ કોરિડોર વટાવી દીધો અને કોલેજનાં બિલ્ડીંગમાંથી બહાર આવી ગઈ.
“ક્યાં ગયો આ છોકરો...!?” આમતેમ ડાફોળીયાં મારતી લાવણ્યા પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલવાં લાગી.
“ઓય....! આરવ....!” લાવણ્યા હજીતો થોડું ચાલી હતી, ત્યાંજ તેણે આરવને તેનાં બાઇક ઉપર કોલેજનાં ગેટ તરફ જતો જોયો.
“ઓહો....! આતો જતો રહ્યો....!” ઢીલી થઈ ગયેલી લાવણ્યા ત્યાંજ ઊભાં રહીને બબડી.
“લાવણ્યા....!” ત્યાંજ લાવણ્યાને પાછળથી નેહાએ બૂમ પાડી.
લાવણ્યાએ પાછાં ફરીને જોયું.
“ટ્રસ્ટી સાહેબે તને બોલાવી છે....! ચાલ....! જલ્દી....!” કોલેજનાં બિલ્ડીંગનાં પગથિયે ઊભેલી નેહાએ સહેજ ઊંચા સ્વરમાં કહ્યું “યૂથ ફેસ્ટિવલની તૈયારીનું પૂછવાં....!”
આરવ હવે તેનું બાઇક લઈને કોલેજનાં ગેટની બહાર નીકળી ગયો હતો. થોડીવાર ગેટ તરફ જોઈ રહ્યાં પછી એક ઊંડો શ્વાસ ભરી પાછાં ફરી લાવણ્યા કોલેજનાં બિલ્ડીંગ તરફ જવાં લાગી.
***
“ડૂબુક....!” નદીનાં પાણીમાં પથ્થર નાંખીને આરવ પાણીમાં ઉઠતાં વમળો જોઈ રહ્યો.
રિવરફ્રંટનાં નીચેનાં વૉક વેની રેલિંગનાં ટેકે ઊભાં-ઊભાં આરવ નિરાશ ચેહરે બધુ યાદ કરી રહ્યો હતો.
“તું આટલો સ્વાર્થી કેમનો થઈ શકે...!?” મમ્મીનાં શબ્દો હજીપણ આરવનાં મનમાં પડઘાઈ રહ્યાં હતાં.
“મમ્મી તું પણ આવું કેમની બોલી શકે...!?” આરવ મનમાં બબડ્યો.
“ઘરરર....!” આકાશમાં વીજળીઓનાં કડકાં થવાની સાથે સાથે વાદળોનો ગડગડાટ પણ ચાલું થઈ ગયો.
“ટપ...ટપ...!” વરસાદની ધીમી “ફર ફર” શરૂ થઈ.
“વાહ...! શું ટાઈમિંગ છે...!” કટાક્ષમાં હસીને આરવે આકાશ તરફ જોયું અને માથું ધૂણાવ્યું.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.
“નેહા...!?” સ્ક્રીન ઉપર નેહાનો નંબર જોઈને આરવ બબડ્યો અને કૉલ રિસીવ કર્યો.
“ઓય...! ક્યાં છે તું...!? કોલેજ ના આયો...!?” નેહાએ પૂછ્યું.
“આયો તો...પણ મારે ઘરે કામ હતું એટ્લે નીકળી ગ્યો...!” આરવે બહાનું કાઢ્યું.
“ઓહ....! તો તારે કામ પતે પછી મલીએ...!?” નેહાએ કીધું “શંભુ ઉપર...!?”
“અમ્મ....! ઠીક છે...! હું અડધો કલ્લાકમાં ત્યાં આવું છું...!” આરવ બોલ્યો.
“અરે વાહ...!” નેહા ખુશ થઈને બોલી પડી “આઈ મીન...! મારે પણ કોલેજમાં બંક મારવો પડશે...! સારું...સારું...! તું આય..! હું પણ નિકળું છું....!”
“હાં બાય...!” આરવે કૉલ કટ કર્યો.
વરસાદની સ્પીડ વધવા લાગતાં આરવ છેવટે રિવરફ્રન્ટનાં ઉપરનાં ભાગે જવા ચાલવાં લાગ્યો.
***
“ઓટો....ઓટો....!” કોલેજ બંક કરીને નેહા શંભુ કોફીશોપ જવા માટે ઓટોવાળાને હાથ કરીને બોલાવી રહી હતી.
શંભુ કોફીશોપ આમતો એચએલ કોલેજથી બહુ દૂર નહોતું. પણ ધોધમાર વરસાદને લીધે જગ્યા-જગ્યાએ ભરાયેલાં પાણીમાં ચાલીને ત્યાં જવું અસુવિધાજનક હતું.
“બધાં ઓટોમાં કો’કને કો’ક બેઠેલુંજ હોય છે..!” આવતી-જતી બધીજ ઓટોમાં બેઠેલાં પેસેંજરને જોઈને નેહા બબડી.
ભારે વરસાદમાં કોલેજનાં ગેટ આગળ ઊભેલી નેહા લગભગ આખી પલળી ગઈ હતી. પલળવાને લીધે તેણીને પહેરેલો બ્લ્યુ ડ્રેસ તેનાં શરીરનાં ઘાટને ચોંટી ગયો હતો. સામે મેગીનાં ઠેલાં પાસે ઉભેલા બે-ત્રણ છોકરાઓ વરસાદમાં પલળી રહેલી નેહાને એકીટશે જોઈ રહ્યાં હતાં.
“રાસકલ્સ...હુંહ...!” નેહાએ મોઢું મચકોડયું “ચાલીનેજ જતી રઉ...! એમેય પલળી ગઈ છું...!”
છેવટે વરસાદમાં પલળતી-પલળતીજ શંભુ કોફી શોપ તરફ ચાલવા લાગી.
***
“અરે નેહા...!” શંભુ કોફી શોપની આગળ બાઇક પાર્ક કરી રહેલાં આરવે કોલેજની દિશામાંથી પલળતાં-પલળતાં આવી રહેલી નેહાને જોઈ.
“તું ચાલતાં-ચાલતાં કેમ આવે છે...!?” આરવે તેની જોડે દોડી જઈને નવાઈપૂર્વક પૂછ્યું “અને તું તો આખી પલળી ગઈ છે યાર...!”
“તો શું કરું...!?” ચાલતાં-ચાલતાં આવી રહેલી નેહાને છેક કોફીશોપ સુધી આવતાં-આવતાં લગભગ બધાંજ પુરુષો તાકી રહ્યાં હતાં “એકેય ઓટોવાળો ઊભી ન’તો રાખતો....!”
“પણ તું મારી ઉપર શું કામ અકળાય છે...!?” આરવ દયામણું મોઢું કરીને બોલ્યો “મારો શું વાંક એમાં...!?”
“અરે હું તને નઈ કે’તી...! ખાલી ગુસ્સો કાઢું છું....!” નેહા બોલી “ચલ હવે ગરમા-ગરમ કોફી પીએ...!”
“આવી પલળેલી તું અંદર બેસિસ..!?” આરવે પૂછ્યું.
“અરે બારની સાઈડ બેસીએ...!” નેહા બોલી અને કોફીશોપ તરફ જવાં લાગી.
કોર્નર ઉપર બનેલી શંભુ કોફીશોપમાં અંદરની જેમજ બહારની સાઈડ બંને ખૂણાઓની પેવમેંટ ઉપર કોફીટેબલ મુકેલાં હતાં. મસ્ત મજાનાં વરસાદી વાતાવરણમાં બહાર બેસીને અનેક યુવાન કપલ્સ કોફીની મજા માણી રહ્યાં હતાં.
“શું વાત છે...!?” કોફી ઓર્ડર કર્યા પછી નેહાએ સામે બેઠેલાં આરવનો ઢીલો ચેહરો જોઈને પૂછ્યું “તારું મૂડ ખરાબ છે...!?”
“એવું કઈં નઈ....!” આરવે વાત ટાળી “બસ આટલાં દિવસનો થાક છે...!”
“હમ્મ..! હોસ્પિટલનો ને....!?” નેહાએ પૂછ્યું.
આરવે માથું ધૂણાવી કોફીનાં લાંબા કપમાંથી સ્ટ્રો વડે કોફી પીવા માંડી.
“દાદીને કેવું છે...!?” નેહાએ પૂછ્યું.
“સારું છે...!” આરવે ટૂંકમાં જવાબ આપ્યો.
“બીપ...બીપ...!” આરવનાં મોબાઈલમાં whatsappની મેસેજ ટોન વાગી.
નોટિફિકેશનમાં કોઈ અજાણ્યાં નંબરનો મેસેજ જોઈને આરવે whatsappમાં મેસેજ ઓપન કર્યો.
“Hi Aarav…!
Sanjay here, from college
I need your guitar for signing in youth festival
Can you give me for few days..!?”
આરવે મેસેજ વાંચ્યા પછી નેહા સામે જોયું.
“કોલેજનો યૂથ ફેસ્ટિવલ આટલો જલ્દી આઈ ગ્યો...!?” આરવે પૂછ્યું.
“અમ્મ....!” કોફી પીતા-પીતા નેહાએ સ્ટ્રો મોઢામાંથી કાઢીને કહ્યું “એક્ઝામને લીધે આ વખતે વે’લ્લો રાખ્યો છે..!”
“કાલે સવારે કોલેજમાં મલીએ એટ્લે આપું...!” આરવે whatsappમાં સંજયને રિપ્લાય આપ્યો.
“ઓકે...! થેંક્સ...!” એકાદ-બે મિનિટ પછી સંજયનો રિપ્લાય આવ્યો.
***
ત્યાર પછીનાં દિવસે....!
“તને ખરેખર એવું લાગે છે બ્રો...!” ફોન ઉપર સિદ્ધાર્થ સાથે વાત કરી રહેલાં આરવે સિદ્ધાર્થને પૂછ્યું “કે હું સ્વાર્થી છું...!?”
વહેલી સવારે કોલેજના પાર્કિંગમાં બાઈક પાર્ક કરી આરવ ઊભો-ઊભો સિદ્ધાર્થ સાથે વાત કરી રહ્યો હતો.
“શું થયું હવે...!?” સિદ્ધાર્થે પૂછ્યું “કોઈએ કઈં કીધું...!?”
“બીજાં કોઈએ કીધું હોત તો ચાલત...!” આરવે નિરાશ સ્વરમાં કહ્યું “પણ મમ્મી પણ મને આવું કે’…!?”
“હવે આમાં હું શું કરું કે’…!?” સિદ્ધાર્થ હેલ્પલેસ સ્વરમાં બોલ્યો.
“અને મમ્મીને કોણે કીધું....! કે હું દાદી જોડે રોકાવાંની જગ્યાએ અમદાવાદ આવતો ‘ર્યો...!?”
“દાદીની ખબર પૂછવા મમ્મીએ નીતાકાકીને ફોન કર્યો ‘તો....! એમણે કીધું...!” સિદ્ધાર્થ બોલ્યો “હવે હું જઉં..!? ખેતરમાં ધરું રોપાય છે...! મારે...!”
“તારી જોડેય ટાઈમની નથી અવે મારી પ્રોબ્લેમ સાંભળવાનો...નઈ..!?” ચિડાયેલો આરવ વચ્ચે બોલી પડ્યો.
“અરે યાર તું કઈં નાનો છોકરો છે...!?” સિદ્ધાર્થ ચિડાયો “તું જાતે ક્યારે પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરીશ...!?”
“હું તારા જેવો નથી ભાઈ...! તને કોઈ પ્રોબ્લેમ હોય તો તું કોઈને કીધા વગર એકલો-એકલો ઘૂમરાયા કરે...! મારે તો કોઈ જોઈએજ શેયર કરવાં....!”
“ફાઈન તો મારી જોડે ટાઈમ નથી....! તું તારી ઓલી કોણ...! હાં લાવણ્યા...!” ટોંન્ટ મારતો હોય એમ સિદ્ધાર્થ ચિડાઈને બોલ્યો “એની જોડે શેયર કરને....!”
“મારે એની જોડે એવી કોઈ ફ્રેન્ડશીપ નથી...!” આરવ નિરાશ સ્વરમાં બોલ્યો “એને મારી જોડે એવું કઈં લેવાંદેવાં પણ નઈ...! એની જોડે એવો ટાઈમ નઈ હોતો..!”
“તો યાર મને તું મને બક્ષ...!” સિદ્ધાર્થ એવાંજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો “તું કામમાં હેલ્પ કરતો નઈ તો કઈં નઈ...! કમસે કમ મને તો કામ પતાવાદે...! પપ્પા મારી પથારી ફેરવશે...!”
કઈંપણ બોલ્યાં વગર આરવ મોઢું બગાડી આમતેમ જોઈ રહ્યો.
“ચલ અવે મૂકું...!” સિદ્ધાર્થે એટલું કહીને આરવના જવાબની રાહ જોયાં વિના કૉલ કરી દીધો.
નિરાશ થયેલો આરવ છેવટે બાઈકની સાઈડમાં ભરાવેલું ગિટાર ખભે ભરાવતો-ભરાવતો કોલેજના બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો.
***
“રેમ્પ માટે તે વિનિતાને વાત કરી....!?” કોલેજનાં બિલ્ડીંગ તરફ જતાં-જતાં લાવણ્યા યૂથ ફેસ્ટિવલમાં રેમ્પ વૉકમાં પાર્ટિસિપેટ કરનારી એક બીજી સ્ટુડન્ટ કાજલ સાથે વાત કરી રહી હતી.
“એણેતો સામેથી પુછ્યું’તું...! અને રેમ્પ માટે એનું નામ લખવાનું કીધું’તું...!” જોડે ચાલી રહેલી કાજલ બોલી.
કોલેજની સુંદર છોકરીઓમાં કાજલનું નામ લાવણ્યાની જેમ ટૉપમાં ગણાતું. એટલેજ લાવણ્યાએ તેણીને રેમ્પવૉક માટે ગયાં વર્ષની જેમજ સિલેક્ટ કરી હતી.
“અને...રોશની....!?” લાવણ્યા હવે પેવમેંન્ટ ઉપર અટકીને વાત કરવાં લાગી “એની જોડે વાત થઈ...!?”
“એ આજે જવાબ આપવાની છે....! અને રીતિકા..!”
“અરે આરવ....!” કાજલ બોલી રહી હતી ત્યાંજ લાવણ્યાએ પાર્કિંગ તરફથી વૉક કરીને કોલેજનાં બિલ્ડીંગ તરફ જઈ રહેલાં આરવને જોયો અને તે એની તરફ ઉતાવળાં પગલે ગઈ.
“અરે લાવણ્યા...!?”
“હું પછી વાત કરું તારી જોડે...!” કાજલ બોલવાં જતી હતી ત્યાંજ લાવણ્યાએ પાછું જોઈને કહી દીધું અને પાછી ઉતાવળે આરવ તરફ જવાં લાગી.
“આરવ....! આરવ....!” આરવની નજીક પહોંચીને સહેજ લાવણ્યા સહેજ ધીમેથી તેની જોડે ચાલવા લાગી “હાય....! ગુડ મોર્નિંગ...!”
“ગુડ મ....મોર્નિંગ.....!” ચાલતાં-ચાલતાં સહેજ નીરસ સ્વરમાં આરવે જવાબ આપ્યો.
રોજે હસતો માસૂમ બાળક જેવો તેનો ચેહરો લાવણ્યાને આજે સાવ નિસ્તેજ લાગ્યો.
“ત....તો...ગિટાર રીપેર થઈ ગ્યું....!?” આરવ મૂડમાં આવે એટ્લે લાવણ્યાએ જાણે કઈંજ બન્યું નાં હોય એમ ઉત્સાહથી કહ્યું “ત..તો...આજથી પાછું કેન્ટીનમાં સિંગિંગ ચાલુંને....!?”
“ગિટાર તો હું....!”
“ટ્રીન....! ટ્રીન....! ટ્રીન....!” આરવ બોલવાંજ જતો હતો ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.
“હેલ્લો....! હાં બોલ...!” આરવ ફોન ઉપર વાત કરવાં લાગ્યો.
લાવણ્યા આરવ જોડે ઊભી રહીને તેને જોઈ રહી.
“હાં બસ હું આઈજ ગ્યો છું કોલેજમાં...! તું ક્યાં છે...!?” આરવે સામે પૂછ્યું અને પછી કોલેજનાં બિલ્ડીંગ તરફ ચાલવાં લાગ્યો.
“અરે....!” લાવણ્યા બોલવા ગઈ પણ આરવને ફોન ઉપર વાત કરતાં જોઈને અટકી ગઈ તેની ધિમાં પગલે તેની પાછળ ચાલવાં લાગી.
“હાં સારું...! હું આયો ચલ...!” આરવ બોલ્યો અને કોલેજની પાછળની બાજુ જતાં પેવમેંન્ટ ટ્રેક તરફ ઉતાવળા પગલે વળી ગયો.
“લાવણ્યા...!” લાવણ્યા તેને બોલાવાં જાય એ પહેલાંજ પાછળથી પ્રેમનો અવાજ આયો.
“શું...!?” લાવણ્યા ચિડાઈ છતાં ધીરેથી બોલીને પાછી ફરી.
“આ નેહાએ તને આપવાંનું કીધું’તું...!” પ્રેમ તેણી જોડે આવીને બોલ્યો “લિસ્ટ છે...! પ્લેમાં પાર્ટિસિપેટ કરવાંવાળા સ્ટુડન્ટ્સનું....! અને એણે કીધું છે કે એ પ્લેની પ્રેક્ટિસ કરે છે...! ઓડિટોરિયમમાં....! તને પણ ત્યાંજ બોલાવી છે....! ડ્રામાનાં સર પણ ત્યાંજ છે...!”
“હાં સારું....!” લાવણ્યાએ લિસ્ટ હાથમાં લીધું અને કોલેજનાં બિલ્ડીંગ તરફ ચાલવા લાગી.
જતાં-જતાં તેણીએ એક નજર કોલેજની પાછળનાં ભાગ તરફ જઈ રહેલાં આરવ ઉપર નાંખી.
“પછી વાત કરી લઇશ...!” મનમાં બબડીને લાવણ્યાએ છેવટે કોલેજનાં બિલ્ડીંગનું પગથિયું ચઢી ગઈ.
***
“વાહ....! ગિટાર તો મસ્ત છે...!” સંજય બોલ્યો.
કોલેજનાં પાછળનાં ભાગમાં ઓપન થિયેટરની સીડીઓ વાળી બેઠક ઉપર સંજય તેનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ જોડે બેઠો હતો. આરવે ગિટાર આપ્યાં પછી સંજય ગિટાર મંતરી રહ્યો હતો.
“ટ્યુનર્સ મેં સેટ કરેલાંજ છે...!” સંજયને ગિટાર મંતરતો જોઈને આરવ બોલ્યો “વધારે નાં મચેડતો..! નઈ તો મારે ફરીવાર મે’નત કરવી પડશે...!”
“ડોન્ટ વરી...! મને આવડેજ છે..!” સંજય બડાઈ મારતો હોય એમ બોલ્યો અને ગિટારનાં તાર ઉપર આંગળીઓ ફેરવવાં લાગ્યો.
“ટ્રીન..ટ્રીન...ટ્રીન..!” ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.
“મામા..!?” સ્ક્રીન ઉપર મામા સુરેશસિંઘનો નંબર જોઈને આરવ બબડ્યો અને સંજય સામે જોઈને બોલ્યો.
“બીજી કોઈ હેલ્પ જોઈએ તો કે’જે....! હું જઉં...!” સંજયે માથું ધૂણાવી દેતાં આરવ ત્યાંથી ચાલવા લાગ્યો.
સહેજ આગળ જઈને તેણે સુરેશસિંઘનો કૉલ રિસીવ કર્યો.
“હાં મામા...!”
“એક્ઝામ નજીક છે...! તો બે-ચાર લેકચર પણ ભરી લેવાનું રાખજે...!” સુરેશસિંઘ બોલ્યાં.
“હાં...હાં..બસ લેકચરમાંજ જાવ છું...!” આરવ બોલ્યો અને કોલેજનાં બિલ્ડીંગ તરફ પાછળની બાજુએથી જતાં રસ્તા તરફ ચાલવા લાગ્યો.
“સારું...! ચલ...! મૂકું...!” સુરેશસિંઘ બોલ્યાં અને કૉલ કટ કર્યો.
આરવ હવે કોલેજનાં બિલ્ડીંગનાં પગથિયાં ચઢી ક્લાસરૂમ તરફ જતાં કોરિડોરમાં ચાલવા લાગ્યો.
***
“આ છોકરોતો સામું પણ જોતો નથી...!” એકાઉન્ટનો લેકચર ચાલી રહ્યો હતો અને લાવણ્યા પોતાની જમણીબાજુ બેન્ચ પછી આગળ બેઠેલાં આરવ તરફ જોઈ રહીને મનમાં બબડી.
લેકચર શરૂ થયો ત્યારની લાવણ્યા ઘણીવાર આરવ સામે જોતી રહેતી હતી. જોકે હજી સુધી આરવે તેણી તરફ જોયું નહોતું.
“હાય.....!” થોડીવાર પછી આરવે અનાયાસે પાછળ જોયું અને લાવણ્યાએ સ્મિત કરીને ધીરેથી પોતાની હથેળી હલાવીને બોલ્યાં વગર હાય કર્યું.
આરવે ઉદાસ ચેહરે ઔપચારિક સ્મિત કર્યું અને ફરી આગળ જોવાં લાગ્યો.
“ટન....ટન....ટન...!”
ત્યાંજ લેકચર પૂરો થયાનો બેલ વાગ્યો.
“ચાલો પછી મળીએ....!” એકાઉન્ટનો સબજેક્ટ ભણાવી રહેલાં સરે સ્મિત કર્યું અને ક્લાસરૂમમાંથી ચાલતાં થયાં.
તેમનાં જતાંજ ક્લાસરૂમના બધાં સ્ટુડન્ટ્સ પણ વારાફરતી બહાર નીકળવાં લાગ્યાં.
“આરવ....! કેન્ટીનમાં આવે છેને...!?” આરવના ફ્રેન્ડ અજયે ક્લાસરૂમની બહાર જતાં-જતાં પૂછ્યું.
“હાં....! ચલ....!” આરવ બોલ્યો અને તેની જોડે ક્લાસરૂમની બહાર જવાં લાગ્યો.
લાવણ્યા પણ પોતાની સીટ પર ઊભી થઈ અને બેન્ચ ઉપર મૂકેલી તેણીની પેન વગેરે લઈને ફટાફટ પોતાની હેન્ડબેગમાં ભરવાં લાગી.
“લાવણ્યા....! પ્લેની તૈયારી જોવાં માટે ઓડિટોરિયમમાં આવે છેને...!?” પાછળની બેન્ચ તરફથી આવીને નેહાએ લાવણ્યાને પૂછ્યું.
“પછી...પછી...હાં....!” ક્લાસરૂમની બહાર નીકળી રહેલાં આરવને જોઈને લાવણ્યા ઉતાવળા સ્વરમાં બોલી “અ...! મને ભૂખ લાગી છે....! કઈંક ખાઈએ પછી....! ચલ કેન્ટીનમાં...!”
એટલું કહીને લાવણ્યા ઝડપથી ક્લાસરૂમની બહાર જવાં લાગી. નેહા પણ તેણીની પાછળ-પાછળ જવાં લાગી.
***
“હવે તો ખાઈ લીધુંને....! તો ચાલને....! પ્લેની તૈયારી જોઈલે....!” કેન્ટીનમાં લાવણ્યાની જોડે બેઠેલી નેહાએ લાવણ્યાને કહ્યું.
લાવણ્યા અને નેહા સહિત ગ્રૂપના બધાં લંચમાં કેન્ટીનમાં બેઠાં હતાં. લંચ પછી લાવણ્યાએ પ્લેની તૈયારી જોવાં માટે ઓડિટોરિયમ જવાનું નેહાને કહ્યું હતું.
“આ છોકરો સોંન્ગ ગાય એ પછી જવું છે....!” સામેનાં ટેબલ ઉપર પોતાનાં ગ્રૂપના ફ્રેન્ડ્સ સાથે બેઠેલાં આરવને જોઈને લાવણ્યા મનમાં બબડી.
આરવ સોંન્ગ ગાય એની રાહ લાવણ્યા ક્યારની જોઈ રહી હતી. આરવ જોકે તેનો ફોન મંતરી રહ્યો હતો.
“લાવણ્યા....! જવું છે કે નઈ….!?” લાવણ્યાએ કોઈ જવાબ ના આપતાં નેહાએ ફરીવાર પૂછ્યું.
“હેં....! શું....! જ...જઈએ...થોડીવારમાં...!” આરવ સામે જોઈ રહેલી લાવણ્યા થોથવાઈ ગઈ પછી બોલી “હાં...હાં...જઈએ..હોં....!”
થોડી વધુવાર વીતી ગઈ. આરવ હવે પોતાની જગ્યાએથી ઊભો થયો અને કેન્ટીનની બહાર નીકળવાં લાગ્યો.
“અરે આતો સોંન્ગ ગાયાં વિનાજ જાય છે....!?” આરવને જતો જોઈને લાવણ્યા સહેજ ચોંકી અને મનમાં બબડી.
કેન્ટીનમાંથી બહાર નીકળી ચૂકેલાં આરવને જોઈને લાવણ્યા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને ત્યાંથી બહાર જવાં લાગી.
“નેહા....! તું ઓડિટોરિયમ પહોંચ....! હું આવું છું થોડીવારમાં...!” કોઈ કશું પૂછે એ પહેલાંજ લાવણ્યા બોલી અને ત્યાંથી બહાર જવાં લાગી.
“આરવ....! આરવ....! ઓયે....!સાંભળતો ખરો....!” કોરિડોરમાં જઈ રહેલાં આરવની પાછળ ઉતાવળા પગલે ચાલતાં-ચાલતાં લાવણ્યા સહેજ ઊંચા સ્વરમાં બોલી.
“હાં....! શું...!?” લાવણ્યાનો સ્વર સાંભળીને આરવ ઊભો રહ્યો અને લાવણ્યા બાજુ ફર્યો.
“શું...! હાં...! શું...!?” લાવણ્યા સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલી “શું છે તારે....!? કેમ આવું મોઢું લઈને ફરે છે...! સાવ દેવદાસ જેવું...!? આટલું બધું શું ખોટું લાગી ગ્યું તને...!?”
લાવણ્યા આરવને ધમકાવા લાગી.
“શેનું ખોટું...!?” આરવ સાવ બાળકની જેમ મૂંઝાઈને બોલ્યો “શેની વાત કરો છો તમે..!?”
“જો તો ...સાવ આવું નાટક કરે છે...!?” લાવણ્યા વધુ ચિડાઈ અને આરવની ચેસ્ટ ઉપર હળવો ધબ્બો મારીને બોલી “મેં તને “જોકર” કીધો એ વાતનું....!”
“ઓહ....! એવું તો કંઈ....”
“તું શું ઈચ્છે છે...! હેં...!?” ચિડાયેલી લાવણ્યા વચ્ચે બોલી “હું તારી માફી માંગુ...! એમ...!? બોલ...!?”
“હું એવું ક્યાં...!”
“હું કોઈની માફી-બાફી નથી માંગતી...! મને જે ફિલ થયું એ કઈ દીધું....! એમાં આટલું શું ખોટું લગાડવાનું...!?”
આરવ જાણે હોમવર્ક કર્યા વગર આવેલો કોઈ વિદ્યાર્થી હોય એમ ચુપચાપ મોઢું બનાવીને ઉભો રહ્યો અને લાવણ્યા સામે જોઈ રહ્યો.
“હવે આમ ઠોયાં જેવો શું ઉભો છે....!? બોલને...!” લાવણ્યા વધુ મોટેથી બોલી.
“પણ તમે બોલવાં તો દેતાં નઈ....!” આરવ સાવ ઢીલું મોઢું કરીને બોલ્યો “હું કઉછું તો ખરો...! મનેતો યાદ પણ નો’તું...! એ જોકરવાળું...!”
“તો પછી તે સોન્ગ ગાવાનું બંધ કેમ કરી દીધું..!? તું ગીટાર પણ નઈ લાવતો...! અને ઓલાં દિવસે લાયો’તો...તોય ગાયું નઈ...! બોલ...!?” આરવનો માસૂમ ચેહરો જોઇને લાવણ્યાનો બધો ગુસ્સો ઉતરી ગયો તો પણ તે મોટેથી બોલી રહી હતી.
“ગીટાર તો હું સંજય માટે લાયો’તો...! એણે માંગ્યું’તું એટલે...! એણે કંઈક યુથ ફેસ્ટીવલમાં ભાગ લીધો છે એટલે...!”
“તો તું નારાજ છે કે મેં તારું નામ ના લખ્યું...! યુથ ફેસ્ટીવલ માટે એમ...!?”
“ના...! એવું કંઈ નથી...! મનેતો યુથ ફેસ્ટીવલ વિષે ખબર પણ નઈ...! અને તમે કીધું હોત તો પણ હું નાં ગાત...! મને સ્ટેજ ફીયર છે...!”
“પણ તું કેન્ટીનમાં કેમ નઈ...!”
“લાવણ્યા...!” લાવણ્યા આગળ બોલે એ પહેલાંજ તેને ડ્રામાનાં સુધીર સરે બોલાવી.
“હાં સર...!” લાવણ્યા તેમની તરફ આવી રહેલાં સુધીર સરને જોઇને બોલી.
“અરે પ્લેની સ્ક્રિપ્ટ તારી જોડે છેને ...? તો તું અહિયાં શું કરે છે...! ચલ ઓડીટોરીયમમાં...! બધાં ક્યારનાં રાહ જોવે છે...!”
“હાં....! અ...! હાં...સર...! હું બસ આવતીજ’તી....”
“અરે યુથ ફેસ્ટીવલને માંડ ચાર દિવસ બાકી છે....! તું ચલ પે’લ્લાં....!” થોડાં ઉગ્ર સ્વરમાં બોલી સુધીર સર પાછાં ફરીને ઓડીટોરીયમ તરફ જવાં લાગ્યાં.
લાવણ્યા પણ દબાતાં પગલે સુધીર સરની પાછળ જવાં લાગી. જતાં-જતાં તેણીએ પાછાં ફરીને આરવ સામે જોયું. તે હવે કોરીડોરમાં ચાલતો-ચાલતો જેન્ટ્સ રેસ્ટરૂમ તરફ જઈ રહ્યો હતો.
“દર વખતે વાત અધુરીજ રે’ છે...!” આરવની પીઠ તાકીને લાવણ્યા મનમાં બબડી અને આગળ જોઇને ચાલવાં લાગી.
***
ત્યાર પછીનાં લગભગ ત્રણ-ચાર દિવસ સુધી લાવણ્યા યૂથ ફેસ્ટિવલની તૈયારીમાં બીઝી થઈ ગઈ. કોલેજમાં કે કેન્ટીનમાં ઉદાસ ફરતાં આરવને લાવણ્યા અનેકવાર જોતી. જોકે યૂથ ફેસ્ટિવલમાં માત્ર ચાર દિવસ બાકી હોવાથી તૈયારી કરવામાં લાવણ્યાને આરવ સાથે વાત કરવાનો સમય જ ના મળ્યો. લાવણ્યા પોતે પણ તૈયારીમાં વ્યસ્ત થઈ જતાં તેનાં મનમાંથી તે વાત નીકળી ગઈ.
“લાવણ્યા...આપડી કોલેજના પ્લેમાં લોકોને મજા આવી ગઈ હોં...!” રુચિ નામની લાવણ્યાની જોડે કોલેજમાં ભણતી એક સ્ટુડન્ટ બોલી.
ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉંડમાં યૂથ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો.
જસ્ટ થોડીવાર પહેલાંજ એચ એલ કોલેજનાં સ્ટુડન્ટ્સનું પ્લેનું પર્ફોમન્સ પત્યું હતું.
“હાં..હાં...થેન્ક યુ...!”હાથમાં નોટપેડ લઈને યૂથ ફેસ્ટિવલનાં એચ એલ કોલેજનાં પર્ફોમન્સનું લિસ્ટ વાંચી રહેલી લાવણ્યાએ ઔપચારિક સ્મિત કરીને રુચિનું અભિવાદન કર્યું અને ફરીવાર લિસ્ટ જોવાં લાગી.
“અરે બાપરે...! હવે તો એકજ પર્ફોમન્સ પછી સંજયનું સોંન્ગ પર્ફોમન્સ છે...!” લિસ્ટમાં નેક્ટ આવતાં પર્ફોમન્સમાં સંજયનું નામ જોઈને લાવણ્યા બબડી અને આજુબાજુ જોવાં લાગી.
“આ ગિટાર....! હાં....! એજ વગાડવાનો છે...!” લાવણ્યાની કોલેજને જે રૂમ ફાળવવાંમાં આવ્યો હતો તેનાં એક ખૂણામાં પડેલાં આરવનાં ગિટારને જોઈને લાવણ્યા બબડી.
“પણ આ બેવકૂફ સંજય છે ક્યાં...!?” ખાસ્સાં મોટાં એવાં રૂમમાં હાજર યૂથ ફેસ્ટિવલમાં ભાગ લેનારાં એચ એલ કોલેજનાં સ્ટુડન્ટ્સમાં લાવણ્યા સંજયને શોધી રહી.
“ઓયે આલોક.... ! તે સંજયને જોયો...!?” રૂમમાં હાજર આલોક નામનાં સ્ટુડન્ટને જોઈને લાવણ્યાએ તેને પૂછ્યું.
“નાં...! નઈ જોયો...!” આલોકે માથું ધૂણાવ્યું અને પોતાનાં ફોનમાં જોવાં લાગ્યો.
“અરે યાર...! આ ડોબો...!” લાવણ્યા સ્વગત બબડી અને રૂમમાં વધુ એક વખત આમતેમ જોવાં લાગી.
“ક્યાંય નથી...! બા’ર જોવું...! ક્યાંક રખડતો નાં હોય...!” લાવણ્યાએ મોઢું મચકોડયું અને પછી રૂમની બહાર આવી.
“રૂપાલી....! તે સંજયને જોયો...!” લાવણ્યાએ રૂમ તરફ આવી રહેલી તેમની કોલેજની સ્ટુડન્ટ રૂપાલીને પૂછ્યું.
“એ તો આયોજ ક્યાંછે...!? મેં હજી સુધીતો અહિયાં ક્યાંય નથી જોયો...!” રૂપાલીએ ખભાં ઉછળીને કહ્યું.
“અરે એનું ગિટારતો રૂમમાં પડ્યું છે...!” લાવણ્યા સહેજ ચિડાઈને બોલી.
“પર્ફોમન્સનો બધો સામાન આપણે ટેમ્પોમાં લાવ્યાં’તા કપડાં વગેરે...! એમાં ગિટાર પણ હતુંજ....!” રૂપાલી બોલી.
“અરે યાર તો આ ડફોળ ગયો ક્યાં...! આના પછી એનું સોંગનું પર્ફોમન્સ છે...!” લાવણ્યા હવે ચિંતામાં મુકાઈ ગઈ.
“બેક સ્ટેજ જોયું...!? કદાચ ત્યાં બધાં જોડે ઊભો હોય...! એની ગર્લફ્રેંન્ડનું પર્ફોમન્સ હતુંને...!”
“અરે હાં...! બરોબર બોલી તું...!” લાવણ્યા બોલી અને બેક સ્ટેજ જવાં માટે બિલ્ડીંગનાં કોરિડોરમાં તરત ઉતાવળાં પગલે ચાલવા લાગી.
“રૂપાલી...!” જતાં-જતાં લાવણ્યા કોરિડોરમાં અટકી અને પાછું ફરીને રૂપાલીને કહેવાં લાગી “રૂમમાં પડેલું ગિટાર લઈને જલ્દી બેકસ્ટેજ આવ....!”
રૂપાલીએ હકારમાં ડોકું ધૂણાવી દીધું. લાવણ્યા હવે ત્યાંથી જવાં લાગી.
***
“સંજય....! સંજય...!” બેક સ્ટેજ પહોચીને આમતેમ ડાફોળીયાં મારતી લાવણ્યા બેકસ્ટેજ ઉભેલાં અલગ-અલગ કોલેજનાં સ્ટુડન્ટસની ભીડમાં સંજયને શોધવાં લાગી.
“અરે કોઈએ સંજયને જોયો..!?” લાવણ્યાએ સહેજ મોટેથી કહ્યું.
જોકે ભીડને લીધે કોઈએ તેનાં સવાલનો જવાબ ના આપ્યો.
“અરે હુંય ડફોળ છું...!” લાવણ્યાએ પોતાનાં માથે ટપલી મારી “ફોન કરીનેજ પૂછી લવને...!”
હસતાં-હસતાં લાવણ્યાએ તેનાં જીન્સનાં પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો.
મોબાઇલમાંથી સંજયનો નંબર કાઢીને લાવણ્યાએ નંબર ડાયલ કર્યો.
“તમે જે નંબરનો સંપર્ક કરવાં માંગો છો...! તે નંબર સ્વિચ ઑફ છે...!”
“આરે બાપરે...!” રેકોર્ડેડ મેસેજ સાંભળી લાવણ્યાની આંખો મોટી થઈ ગઈ અને માથે પરસેવો વળવા લાગ્યો.
વધુ બે-ત્રણ વખત લાવણ્યાએ સંજયનો નંબર ડાયલ કરી જોયો. દર વખતે તેનો ફોન સ્વિચ ઑફજ આવ્યો.
“લાવણ્યા.....! લે આ ગિટાર...!” લાવણ્યાની પાછળથી રૂપાલીએ આવીને તેની સામે ગિટાર ધર્યું.
“મારાં માથે માર....!” લાવણ્યાએ ચિડાઈને મોટેથી બોલી “જેણે વગાડવાનું એ તો દેખાતો નથી...! હું શું કરું આ તંબુરાનું...!?”
“તો તું મારી ઉપર શેનો ગુસ્સો કરે છે...!?” રૂપાલી પણ ચિડાઈને બોલી.
ત્યાંજ સ્ટેજ ઉપર એનાઉન્સમેંન્ટ થઈ.
“તો આજનું આપણું નેક્સ્ટ પર્ફોમન્સ છે....! સોલો સિંગિંગ બાય મિસ્ટર સંજય પટેલ ફ્રોમ એચ એલ કોલેજ....!”
“બાપરે.....! એનાઉન્સમેંન્ટ પણ થઈ ગઈ...!” એનાઉન્સમેંન્ટ સાંભળીને લાવણ્યાના પગ જાણે ધ્રૂજવા લાગ્યાં “હવે...?!”
લાવણ્યાએ રૂપાલી સામે જોયું. તે પણ ચિંતાતુર નજરે લાવણ્યા સામે જોઈ રહી.
એનાઉન્સમેંન્ટ થતાંજ તાળીઓનો ગડગડાટ સંભળાયો.
“શું કરું....!? શું કરું...!?” લાવણ્યા હવે રઘવાઈ થઈ આજુબાજુ જોવાં લાગી “ટ્રસ્ટી સાહેબને શું જવાબ આપીશ....!? કોલેજમાં મારી ઈજ્જતનો કચરો થઈ જશે...!”
“મિસ્ટર સંજય પટેલ...! પ્લીઝ કમ ઓન સ્ટેજ...!” બેકસ્ટેજ લાગેલાં સ્પીકરમાં ફરીવાર એનાઉન્સમેંન્ટનો અવાજ સંભળાયો.
“મરી ગઈ હું તો...શું કરું...!?” લાવણ્યા સાવ ઢીલી થઈ ગઈ અને માથે હાથ દઈને આમતેમ જોવાં લાગી.
“આરવ...!” ત્યાંજ લાવણ્યાની નજર બેકસ્ટેજ તેમની તરફ આવી રહેલાં આરવ ઉપર પડી.
લાવણ્યાના મગજમાં કઈંક ઝબકારો થયો.
“આરવ....! આરવ....!” તે તરતજ આરવના નામની બૂમો પાડતી-પાડતી તેની બાજુ દોડી ગઈ.
“આરવ....! થેન્ક ગોડ...! તું આઈ ગ્યો...!?” આરવના બાવડે બંને બાજુ હાથ મૂકીને લાવણ્યા જાણે ગદગદ થઈ ગઈ હોય એમ બોલી.
“મને હતુંજ...! કે ગિટારનું ટ્યુનિંગ સરખું કરતાં સંજયને નઈ ફાવે....! મારેજ કરવું પડશે...!” લાવણ્યાની પ્રોબ્લેમથી અજાણ આરવ સ્વાભાવિક સ્વરમાં બોલ્યો.
“આરવ...! બવ મોટી પ્રોબ્લેમ છે યાર....! હેલ્પ મી પ્લીઝ...!” લાવણ્યા સાવ ઢીલી થઈને આરવના હાથ પકડીને બોલી.
“ગિટારનું ટ્યુનિંગ બવ મોટી પ્રોબ્લેમ નથી....! લાવો હું કરી દઉ...!” આરવ હજીપણ એજરીતે બોલ્યો “ગિટાર ક્યાં છે...!? અને સંજય...!?”
“એણે બધું “ટ્યુનિંગ બગાડી નાંખ્યું...!” લાવણ્યા વ્યંગ કરતી હોય એમ પરાણે બોલી “એ ડોબો આયોજ નથી...!”
“વ્હોટ....!?” આરવ ચોંકયો “તો પછી સોંન્ગ….!?”
“એજ તો...! પ્લીઝ હેલ્પ કર...! તું...તું...એની જગ્યાએ સ્ટેજ ઉપર સોંન્ગ પરફોર્મ કરીલેને...! પ્લીઝ...પ્લીઝ...! આરવ...!”
“હેં...શું..? હું....!? સ્ટેજ ઉપર...!?” આરવ ચોંકયો અને થોથવાઈ ગયો “પ..પણ...મને...! મને...! ના ફાવે...!”
“કેમ ના ફાવે...!?” લાવણ્યા નવાઈપૂર્વક બોલી “તું રોજે કેન્ટીનમાં ગાતો જ હતોને.....!?”
“હું તો તમારાં માટે ગાતો’તો….!” આરવથી બોલાઈ ગયું “એટ..એટ્લે...! અ...!”
“મિસ્ટર સંજય...! પ્લીઝ કમ ઓન સ્ટેજ...!” ત્યાંજ બેકસ્ટેજ લાગેલાં સ્પીકરમાં ફરીવાર એનાઉન્સમેંન્ટનો અવાજ સંભળાયો.
“આરવ...! પ્લીઝ...!” લાવણ્યાએ ફરીવાર આરવના હાથ પકડી લીધાં.
“પ..પણ કેન્ટીનમાં ફ્રેન્ડ્સની વચ્ચે ગાવું અલગ વાત છે...!” આરવ ધ્રૂજતો હોય એમ ડરતાં-ડરતાં બોલ્યો “અને સ્ટેજ ઉપર આટલાં બધાં લોકોની વચ્ચે ગાવું અલગ વાત છે...! અને મેં તમને કીધુંતો હતું...! કે મને સ્ટેજ ફીયર છે...!”
“આરવ...! તું...! બસ...કેન્ટીનમાં ગાય છે એવું સમજીને ગાઈલેને...!” લાવણ્યા બોલી અને પછી રૂપાલી પાસેથી ગિટાર લઈને આરવ સામે ધર્યું “ગિટાર પણ તારુંજ છેને જો...!”
“પણ તમે સમજતાં કેમ નથી...! મારી જીભ પણ નઈ ઉપડે....! ગાવાનું તો દૂરની વાત છે..!”
“આરવ....! કોલેજની રેપ્યુટેશનનો સવાલ છે...!” લાવણ્યા હવે ઢીલી થઈને બોલી “અને મારી પણ...!”
આરવ ની:સહાય ચેહરે લાવણ્યા સામે જોઈ રહ્યો જાણે બોલ્યાં વગર હજીપણ એજ કહી રહ્યો હોય કે “મારાંથી નઈ ગવાય....!”
“જો તો મારાં માટે આટલું કરી દઈશ તો આપડાં બેયની ફ્રેન્ડશીપ પક્કી...!” કોઈ નાનાં બાળકને લાલચ આપતી હોય એમ લાવણ્યા આંખો મોટી કરીને બોલી.
“તો..તો..કોફી પીવાં આવશોને મારી જોડે...!?” આરવ ખુશ થઈ ગયો હોય એમ નાનાં બાળકની જેમ આંખો મોટી કરીને બોલ્યો.
“ઓહો...! છોકરાં તારી પિન હજીપણ કોફી ઉપર અટકેલી છે...!?” લાવણ્યાએ વ્હાલથી આરવના ગાલ ઉપર ચૂંટલો ખણ્યો “પાક્કું આઈશ...! બસ...!”
“ઓકે...! પ..પણ હું ટ્રાય કરીશ સારું ગાવાનો...! મે કદી આ રીતે સ્ટેજ ઉપર નથી ગાયું...!” ગિટારનો બેલ્ટ પોતાનાં ખભેથી ક્રોસમાં ભરાવતો આરવ બોલ્યો “હું નર્વસ થઈ ગ્યો તો....!? સોંન્ગનાં લીરિક્સ ભૂલી ગ્યો’તો...!?”
“આમ જો મારી સામે...!” લાવણ્યાએ પ્રેમથી આરવનાં બંને ગાલ ઉપર હાથ મૂક્યો “તને જે છોકરી બઉજ ગમતી હોયને....! એની સામે જોઈને ગાઈલેજે....! કશું નઈ ભૂલાય....!”
“તો તમે સ્ટેજની નજીક નીચે ઓડિયન્સમાં આઈ જાઓ...!” નાનાં બાળક જેવાં સ્વરમાં એટલું કહીને આરવ દોડાદોડ બેકસ્ટેજનાં પગથિયાં ચઢી ગયો.
“હેં....શું....!?” લાવણ્યા મૂંઝાઈ ગઈ પછી તરતજ એને લાઈટ થઈ “ઓહ તારી...! આરવ..!”
આરવની ઇનોસંસ ઉપર લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.
ખભે ભરવેલું ગિટાર લઈને આરવ ઉતાવળા પગલે બેકસ્ટેજનાં પગથિયાં ચઢી ગયો. બેકસ્ટેજથી એન્ટર થયા બાદ સામેથી દેખાતી મેદની તરફ જોઈને આરવનાં પગ ધ્રૂજવા લાગ્યાં.
“બાપરે....! આટલી બધી ભીડ...!”
ગિટાર પકડેલા તેનાં હાથ પણ કાંપવા લાગતાં આરવનો કોન્ફિડેંસ જાણે તૂટી ગયો હોય એવું તેને ફીલ થવાં લાગ્યું.
“મારાંથી નઈ ગવાય...!” માથે પરસેવો લૂંછીને આરવ બબડયો.
આરવનું ગળું સુકાવાં લાગ્યું.
***
“Sid”
JIGNESH
Instagram: sid_jignesh19