લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-1 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-1

લવ રિવેન્જ-2

Spin Off

Prologue

સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફીડબેક અને પ્રતીભાવ આપ્યાં. જે પ્રથમ ભાગના દરેક ચેપ્ટરને લખતી વખતે ઘણાં ઉપયોગી થતાં. આમ લવ રિવેન્જના પ્રથમ ભાગની સફળતાનો બધોજ આધાર વાચકોના પ્રતીભાવ ઉપરજ હતો. વાચકોના પ્રતીભાવ અને આવકારને લીધેજ લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ હવે કેટલાંક નવાં “કન્ટેન્ટ” અને ચેપ્ટર સાથે ટૂંક સમયમાં “હાર્ડકોપી”માં રીલીઝ થવાં જઈ રહ્યો છે. (પ્રથમભાગ હાર્ડકોપીમાં રીલીઝ થયાં બાદ બીજો ભાગ “Spin Off” પણ હાર્ડકોપીમાં રીલીઝ થશે).

આ સાથે હું વાચકો સમક્ષ લવ રિવેન્જના બીજો ભાગ લવ રિવેન્જ- 2 Spin Off પ્રસ્તુત કરી રહ્યો છું.

Spin Off શું છે....!?

Well, “Fictional” સાહિત્યની દુનિયામાં Spin Off આમતો એક (નવો) વિદેશી કોન્સેપ્ટ છે.

Spin Off એટ્લે એવી નવલકથા કે જે મૂળ નવલકથાના કોઈ અન્ય મહત્વના પાત્ર (કે પાત્રો)નાં એંન્ગલથી કહેવાઈ હોય. Spin Offમાં વાર્તા મોટેભાગે મૂળ નવલકથાનીજ હોય છે. પરંતુ તેને વાર્તાનાં અન્ય કોઈ મહત્વનાં પાત્રનાં એંન્ગલથી કહેવાય છે. (કેટલીકવાર વાર્તાનાં અન્ય પાત્રોની બેક સ્ટોરી પણ Spin Offમાં હોય છે).

ઉદાહરણ તરીકે લવ રિવેન્જનાં પ્રથમ ભાગની આખી વાર્તા મોટેભાગે વાર્તાનાં એક મુખ્ય પાત્ર “લાવણ્યા”નાં એંન્ગલથી કહેવાઈ હતી. આખી વાર્તામાં મોટેભાગે લાવણ્યાની સાઈડનીજ ફીલિંગ્સ કે ઘટનાઓ દર્શાવાઈ હતી. એટ્લેકે આખી નવલકથામાં “લાવણ્યાની વાર્તા” હતી. નવલકથાનાં અન્ય મહત્વનાં પાત્રો જેવાંકે સિદ્ધાર્થ, નેહા કે આરવની સાઈડની વાર્તા કે ફીલિંગ્સનું તેમાં નિરૂપણ નહોતું. આમ લાવણ્યાની વાર્તા કહેતો લવ રિવેન્જનો પ્રથમ ભાગ એ મૂળ નવલકથા છે. જ્યારે લવ રિવેન્જનો બીજો ભાગ એટ્લેકે Spin Off નવલકથાનાં અન્ય મહત્વનાં પાત્રોની વાર્તા કહેશે.

કોન્સેપ્ટ વધુ સારીરીતે ક્લિયર થાય એ માટે વધુ એક ઉદાહરણ આપીને સમજાવું.

જેમકે લવ રિવેન્જનાં પ્રથમભાગમાં એક ઘટના આવે જેમાં સિદ્ધાર્થનો એક્સિડેંન્ટ થાય છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા પછી સિદ્ધાર્થને બરોડા લઈ જવાય છે. આ આખી ઘટનામાં લાવણ્યાનીજ સાઈડની સ્ટોરી અને ફીલિંગ્સનું નિરૂપણ હતું. સિદ્ધાર્થ શું ફીલ કરે છે, તેને બરોડા લઈ જવાયા પછી શું થયું? નેહા શું ફિલ કરે છે..!? વગેરે એકેય વાતનું નિરૂપણ નહોતું આવ્યું.

Spin Offમાં હવે જ્યારે સિદ્ધાર્થનાં એક્સિડેંન્ટની એ ઘટનાનું પ્રકરણ આવશે ત્યારે સ્ટોરી આખી સિદ્ધાર્થની સાઈડની (અને અન્ય પાત્રો જેવાંકે નેહા વગેરેની સાઈડની) હશે. Spin Offમાં આખી વાર્તાની બધીજ ઘટનાઓ જે પ્રથમ ભાગમાં હતી એજ રહેશે પરંતુ વાર્તાનો પ્રવાહ અને એંન્ગલ બદલાઈ જશે. એજ વાર્તાને સિદ્ધાર્થ, નેહા, આરવ કે અન્ય પાત્રોના એન્ગલથી કહેવાશે તેમજ અન્ય પાત્રોની બેકસ્ટોરી પણ આવશે.

અગાઉ કહ્યું તેમ “Fictional” સાહિત્યની દુનિયામાં Spin Off એક (નવો) વિદેશી કોન્સેપ્ટ છે. ઘણાં સન્માનનીય વિદેશી લેખકો દ્વારાં Spin Off નવલકથાઓ લખવામાં આવી છે. જેનાં ઉપરથી અનેક ફિલ્મો કે TV સિરિઝો બનેલી છે. ભારતમાં આ પ્રકારે કોઈ નવલકથા કદાચ હજી સુધી નથી લખવામાં નથી આવી (આ કોઈ દાવો નથી માત્ર અનુમાન છે). આમ લવ રિવેન્જ-Spin Off એ (એટલિસ્ટ) ગુજરાતી ભાષાંમાં આ પ્રકારે લખાયેલી પ્રથમ નવલકથા હોઈ શકે છે.

આશા છે મારો આ પ્રયોગ સફળ થશે, અને વાચકોને લવ રિવેન્જ નવલકથાનો બીજો ભાગ લવ રિવેન્જ-૨ Spin Off પસંદ આવશે.

ફરીવાર, વાચકોનાં સહકાર અને ફીડબેકની આશા સાથે હું લવ રિવેન્જ-Spin Offનું પ્રથમ પ્રકરણ રીલીઝ કરી રહ્યો છું. આપના પ્રતિભાવો મેસેજ કે કોમેન્ટમાં અવશ્ય આપશો.

(આ સાથે વાચકોને વધુ એક વિનંતી એ પણ છે, “સીડ-લવ” અને “લાવણ્યા-આરવ” આ બંનેમાંથી તમારી ફેવરીટ જોડી કઈ અને બંને માંથી તમારી ફેવરીટ લવ સ્ટોરી કોની અને કેમ? એ પણ કોમેન્ટમાં કે જરૂર જણાવજો).

**

“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19

(નોંધ: લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ મોટેભાગે સાચી ઘટનાઓ ઉપર આધારિત હતો. જ્યારે બીજો ભાગ એટ્લે કે લવ રિવેન્જ-Spin Off એ મોટેભાગે કાલ્પનિક છે. આ ભાગમાં કેટલીક ઘટનાઓ અંશત: સાચી પણ છે. “સિદ્ધાર્થ સાઈડની બધીજ ફીલિંગ્સ સાચી છે”)

***

પ્રકરણ-1

“બે યાર બઊ કરી તે ભાઈ.....!” સિદ્ધાર્થે કંટાળીને તેનાં ભાઈ આરવને કહ્યું “ઝીલનાં મેરેજ છે યાર.....! તારાં થોડાં છે....!”

બંને તેમની મામાંની છોકરી ઝીલનાં મેરેજ ફંકશનમાં જઈ રહ્યાં હતાં.

“તારે તૈયાર થવાંમાં આટલો ટાઈમ કેમ લાગે છે...! આટલું તો છોકરીઓ પણ તૈયાર નઈ થતી હોય.....!” સિદ્ધાર્થ ફરીવારએજ રીતે કંટાળીને બોલ્યો.

આરવ લગભગ અડધો કલ્લાકથી બેડરૂમમાં તૈયાર થઈ રહ્યો હતો. કયારનો રેડી થઈ ગયેલો સિદ્ધાર્થ બેડરૂમનાં દરવાજે ઊભો-ઊભો આરવની રાહ જોઈ-જોઈને કંટાળ્યો હતો.

“અરે ભાઈલાં….. મારી કોઈ વસ્તુ ઠેકાણે નથી.....!” પોતાનાં વૉર્ડરોબમાં ખાંખાંખોળાં કરી રહેલો આરવ બોલ્યો “જ્યારથી મેં અમદાવાદ કોલેજ ચાલુ કરી છે ત્યારથી અહિયાં બરોડાંમાં મારી કોઈ વસ્તુ ઠેકાણે નથી હોતી.......!”

“તો તને કોણે કીધું હતું.....! છેક અહીંથી અમદાવાદ લાંબા થવાનું....!” સિદ્ધાર્થ હવે બેડરૂમમાં અંદર જઈને ઊભો રહ્યો “કોલેજનું પે’લ્લું વર્ષ અહીં પતાવ્યું....! તો બાકીનાં બે વર્ષ પણ અહીં કાઢી લેવાતાંને....!”

કોલેજનું પ્રથમ વર્ષ પૂરું થયાં પછી આરવે બરોડાંથી અમદાવાદમાં HL કોલેજમાં એડમિશન લીધું હતું.

“અરે HL આપડાં મામાની કોલેજ છે....! આપડો વટ પડે ત્યાં.....!” આરવ ઘમંડમાં મોઢું ઊંચું કરીને બોલ્યો “અને તને HL કોલેજનાં કેમ્પસનો કોઈ આઇડિયા નથી....! ઓસ્સમ છે બ્રો....!”

“સિરિયસલી .....!? બરોડાંની કોલેજો પણ જેવી-તેવી નથી હોં...! વિધ્યાનગર હોય કે MS….! ફેમસ છે ભાઈ....!”

“હશે....! પણ અમદાવાદ જેવી મજાં નથી....!” આરવ બોલ્યો અને પાછો વૉર્ડરોબ ફેંદવા લાગ્યો.

“રેવાંદે ભાઈ....! મને ખબર છે....!” સિદ્ધાર્થ હાથ કરીને બોલ્યો “મેરેજની વાત ચાલે છે એટ્લે તું અમદાવાદ ભાગ્યો છે.....!”

પ્રતીભાવમાં આરવે પાછાં ફરીને આંખ મીંચકારી.

“અને તું ક્યારનો વૉર્ડરોબમાં શું ખોળે છે....!?” સિદ્ધાર્થ હવે અકળાઈને બોલ્યો.

“અરે....મારું પેન્ટ......!” આરવ પાછો ફર્યો અને પોતાની કમરે બાંધેલાં ટોવેલને બતાવવાં લાગ્યો “આવોજ આવું કે’તો હોયતો....!”

“તો બેડ ઉપર ઇસ્ત્રી કરેલું શું પડ્યું છે...!?” સિદ્ધાર્થે બેડ તરફ આંગળી ચીંધીને કહ્યું.

“અરે હાં....! તો ક્યારનો ઠોયાં જેવો શું ઊભો છે....! બોલને...!” આરવે પેન્ટ લઈને પહેરવાં માંડ્યુ.

“ઠોયાં જેવો....!? આવું ક્યાંથી શીખ્યો...!?” સિદ્ધાર્થે પરાણે પોતાનું હસવું દબાવ્યું ”અને મને નો’તી ખબર કે તું પેન્ટ ગોતતો તો....!”

“ટ્રીન.....ટ્રીન.....ટ્રીન.....!”

ત્યાંજ બેડની બાજુનાં ડ્રૉઅર ઉપર પડેલો આરાવનો મોબાઇલ વાગ્યો.

“જો હવે તો ફોન પણ આઈ ગ્યો.....! પપ્પાનોજ હશે.....!” સિદ્ધાર્થ બોલ્યો અને તેની સાઇડે ડ્રૉઅર ઉપર પડેલો આરવનો ફોન લેવાં લાગ્યો.

“આતો કોઈ લાવણ્યા છે....!?” સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર લખેલાં નામ નંબરને જોઈને કહ્યું અને ફોન આરવ તરફ ધર્યો.

“અરે મરી ગ્યો....!” બેડ ઉપર ચઢીને સિદ્ધાર્થ જોડે આવી આરવે તરતજ તેનો મોબાઈલ તેનાં હાથમાં લઈ લીધો “હું તો ભૂલીજ ગ્યો’તો......!”

“શું ભૂલી ગ્યો ....!?”

“એક મિનિટ હોં....!” એટલું કહીને આરવે તેનાં ફોનની સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને કૉલ રિસીવ કરી લીધો.

“હાં બોલ.....! લાવણ્યા...!” આરવ બેડ ઉપરથી નીચે ઉતરીને બેડરૂમમાં આમતેમ આંટા મારવાં લાગ્યો.

“ક્યાં છે તું....! આખો દિવસ પૂરો થવાં આયો અને તું દેખાયો પણ નઈ....!?” સામે છેડેથી લાવણ્યાએ ગુસ્સાંમાં ઊંચા સ્વરમાં કહ્યું “સાંજનાં છ વાગવાં આયાં.....! ક્યાંછે તારું સરપ્રાઈઝ...!? હુંમ્મ.....!?”

“અરે અ....! લાવણ્યા...! એકચ્યુંલી.....! હું તારાં સરપ્રાઈઝની તૈયારીજ કરી રહ્યો છું....!” લાવણ્યાનાં ગુસ્સાંથી બચવાં જૂઠું બોલ્યો અને સિદ્ધાર્થ સામે જોવાં લાગ્યો.

સિદ્ધાર્થ હસતો-હસતો નકારમાં માથું ધૂણાવાં લાગ્યો.

“અચ્છા....! તો તું સરપ્રાઇઝની તૈયારમાં લાગેલો છે એમ....!?” લાવણ્યા ટોંન્ટ મારતી હોય એમ બોલી “તો કે....! શું સરપ્રાઈઝ પ્લાન કરી છે...!? બોલ....બોલ...!?”

“અમ્મ....! અ....! અ...! ડ....ડ....ડિનર...!” લાવણ્યાનો ગુસ્સોથી ભરેલો નારાજ સ્વર સાંભળી આરવ બઘાઈ ગયો અને બચવા માટે જે મનમાં આવ્યું એ બોલવાં લાગ્યો “હાં...! ડિનર અને મૂવી પ્લાન કર્યું છે......!”

“જાને જા જુઠ્ઠા.....! અક્ષયે મને ગઈકાલેજ કીધું’તું કે તું તારાં મામાંની છોકરીનાં મેરેજમાં ગ્યો છે....!” લાવણ્યા હવે વધુ ગુસ્સે થઈ.

“અરે યાર....!” આરવ તેનાં માથે હાથ દઈને ધીમેથી બબડ્યો.

“જો...જો....! મને ખબરજ હતી કે તું ભૂલી ગ્યો હોઈશ...!” લાવણ્યા અકળાઈને બોલી “હવે તું તારાં મામાંની છોકરીના મેરેજમાંજ ફર્યા કર.....! ઓકે....! અહિયાં આવાની કોઈ જરૂર નથી....!”

“અરે લાવણ્યા....! સાંભળતો ખરી...!” આરવ બોલ્યો “હેલ્લો...! યાર એક મિનિટ...! હેલ્લો...!”

“બીપ....બીપ....બીપ.....!” લાવણ્યાએ ફોન કટ કરી દીધો.

“હાં.....હાં......! વાહ ભાઈ.....!” સિદ્ધાર્થ આરવને ચિડાવતો હોય એમ તાલી પાડીને હસતાં-હસતાં બોલ્યો “બર્થડે ભૂલી ગ્યો....! હવે પાછો જતો નઈ....! નઈતો....! શું નામ એનું....! હાં....! લાવણ્યા....! એ તારાં હાથપગ તોડી નાંખશે....!”

“સાચે હોં....!” આરવ માથું ધૂણાવીને બોલ્યો “એ ખરેખર એવુંજ કરશે ....જો...હું ના ગ્યો’તો....!”

“આવી છોકરીઓથી દૂરજ રે’વું સારું....!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને બોલ્યો “ચલ હવે જલ્દી પેન્ટ પે’ર ભાઈ...! મોડું’ થાય છે....!”

પેન્ટ પહેરતાં-પહેરતાં આરવ પોતાનાં મોબાઈલમાંથી લાવણ્યાને ફોન કરવાં લાગ્યો.

થોડી રીંગો વાગ્યા પછી લાવણ્યાએ કૉલ કટ કરી દીધો.

“અરે યાર આ તો ફોન પણ નઈ ઉપાડતી...!” આરવ બબડ્યો અને બેક તો બેક લાવણ્યાને કૉલ કરવાં લાગ્યો.

લાવણ્યા દર વખતે તેનો કૉલ કટ કરી દેવાં લાગી.

“યાર...સિડ....! હું નઈ આવતો....! મારે અર્જન્ટ અમદાવાદ જવું પડશે....!” આરવ મોઢું બનાવીને બોલ્યો “સાડાં પાંચ વાગ્યાં છે....!” તેણે તેનાં મોબાઈલની સ્ક્રીનમાં ટાઈમ જોયો.

સાંજના લગભગ સાડાં પાંચ થવાં આવ્યાં હતાં.

“અત્યારે નીકળી જઈશ તો....! બે કલ્લાકમાં ત્યાં....! ગમે તેમ કરીને લાવણ્યાની બર્થડે સરપ્રાઈઝ સચવાઈ જશે...!”

“અને ઝીલનાં મેરેજનું શું ….!?” સિદ્ધાર્થ હવે ગંભીર સ્વરમાં આરવની નજીક આવતાં બોલ્યો “તને ખબર છેને ઝીલને તારાં માટે કેટલું અટેચમેંન્ટ છે....!? એ દર વર્ષે સ્પેશલ તને રાખડી બાંધવાં આવે છે....! અને એ પણ એનાં સગાં ભાઈની પે’લ્લાં તને રાખડી બાંધે છે....! અને તું એનાં મેરેજ તારી ફક્ત એક ફ્રેન્ડનાં બર્થ માટે છોડીને જવાની વાત કરે છે....!”

“એ ફક્ત ફ્રેન્ડ નથી યાર....!” શૂન્યમનસ્ક જોઈ રહીને આરવ મનમાં બબડ્યો પછી માથું ધૂણાવીને બોલ્યો “તને કેમનું સમજાવું બ્રો...!? ઈટ્સ કોમ્પ્લિકેટેડ....!”

“ચલ અવે કોમ્પ્લિકેટેડ વાળો....!” સિદ્ધાર્થે મોઢું બનાવ્યું “ઝીલનાં મેરેજમાં તું ના આવે એ ના ચાલે...!”

“યાર...! પણ...!”

“કમ ઓન યાર...! કાલે અમદાવાદ જઈને એને “be lated happy birthday” કઈ દેજેને” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો અને આરવનું બાવડું પકડીને ખેંચવાં લાગ્યો.

“ઓ ભાઈ....! તું એ છોકરીને જાણતો નથી....!” આરવ તેનો હાથ છોડાવીને બોલ્યો “એ “The Lavanya” છે....! આજે થોડું લેટ જઈશ તો પણ એ મને માફ કરી દેશે....! પણ જો આજની જગ્યાએ કાલે ગ્યો....! તો તો...બોસ...! તું કે’છે એમજ....! એ....મારાં હાથપગ તોડી નાંખશે....! નાં...નાં...!” આરવ હવે માથું ધૂણાવતો ધૂણાવતો તેનું પેન્ટ લઈને પહેરવાં’લાગ્યો “મારે અત્યારેજ નીકળવું પડશે...!”

“તો તું ઝીલ માટે એટલો માર નાં ખાઈ શકે...!?” સિદ્ધાર્થ મોઢું બનાવીને બોલ્યો “સિરિયસલી....! તું ઝીલને શું કઈશ....! અને બીજું છોડ....! પપ્પાને અને મામાંને તું શું કઈશ....!?

“એ બધું તું જોઈ લેજે....!” આરવ બેફિકરાઈથી બોલ્યો અને પેન્ટમાં તેનું શર્ટ ઈન કરવાં લાગ્યો “આને તું મારો આદેશ સમજીલે....! તારાં મોટાં ભાઈને આદેશ....!”

“ઓ હેલ્લો....! હું તારાંથી મોટો છું...!” સિદ્ધાર્થ હાથ કરીને બોલ્યો.

“હાં...ખાલી દોઢ મિનિટ....!” ફટાફટ પોતાની કમરે બેલ્ટ બાંધતો આરવ ટોન્ટ મારતો હોય એમ બોલ્યો “પણ પે’લ્લાં બધાંએ મનેજ જોયો હતો...! અને હું જ બધાંનો ફેવરિટ છું...! એટ્લે દરેક વાતમાં મારુંજ ચાલશે....!”

“હાં ભાઈ....! પણ ઝીલનાં મેરેજ....!”

“અરે તું જોઈ લેજે ને યાર....!” આરવ આજીજીપૂર્વક મોઢું બનાવીને બોલ્યો “મારું જવું જરૂરી છે....!”

“મારું બ્લેઝર...!” શર્ટ પહેરીને ઉભેલો આરવ પોતાનું રૂમમાં આમ-તેમ જોઈ બ્લેઝર શોધવાં લાગ્યો.

“આ શું છે....!?” સિદ્ધાર્થ બેડ ઉપર પડેલું આરવનું ગ્રે બ્લેઝર તેનાં તરફ ફેંકયું. આરવે તે કેચ કરી લીધું.

“હું કઈં નાં જાણું તું મેરેજમાં આવે છે...! બસ....!” સિદ્ધાર્થ ફરીવાર સપાટ સ્વરમાં બોલ્યો.

“અરે યાર સમજને સિડ....! પ્લીઝ ....!” આરવ રિકવેસ્ટ કરતો હોય એમ સિદ્ધાર્થની નજીક આવીને બોલ્યો “મારે જવુંજ પડશે....!”

“અરે યાર તું સમજને....!”

લગભગ દસેક મિનિટની માથાકૂટનાં અંતે છેવટે વચલો રસ્તો કાઢતાં સિદ્ધાર્થ બોલ્યો- “અચ્છા એક કામ કર....! તું ફેરાં પતી જાય એટ્લે તરતજ નીકળી જજે...! બસ....!”

“No ways….!” આરવ તેનાં હાથ ઊંચા કરીને બોલ્યો “હજી સાડાં સાત વાગ્યેતો હસ્ત મેળાપનો ટાઈમ છે....! ક્યારે એ પતે...! ને ક્યારે ફેરાં....! ના ભાઈ ના....! ઓલી મારી પત્તર રગડી નાંખે....!”

“યાર તું સમજતો કેમ નથી....!” સિદ્ધાર્થ ફરી દલીલ કરવાં લાગ્યો.

“અરે યાર સિદ્ધાર્થ....! પ્લીઝ ....! સાચવીલેજેને....!”

“તો કમસે કમ ઝીલને મળીને તો જા....! એને ચોળીમાં લઈ આવે એટ્લે....!” સિદ્ધાર્થ પરેશાન થયો હોય એમ બોલ્યો “બધાંને મોઢું બતાવીને જા...! એટ્લે મને કોઈ પૂછેજ નઈ....! ઝીલ માટે એટલુંતો કર....!”

“અરે યાર....! સારું....! ચાલ....!” આરવ પોતાનું બ્લેઝર પહેરતાં બોલ્યો “પણ જલ્દી....! હું ઝીલને મળીને નીકળી જઈશ...!”

“થોડુંતો રોકાજે...!” સિદ્ધાર્થ રૂમની બહાર નીકળતાં બોલ્યો “એટલિસ્ટ એક કલ્લાક...!”

“હાં સારું...!” આરવ તેની પાછળ-પાછળ આવતાં બોલ્યો.

***

“અરે યાર મેં તને કીધું’તું કે પાછલાં રસ્તેથી લેજે....! Susen સર્કલથી ના લેતો....!” કારની આગલી સીટમાં બેઠેલો આરવ સહેજ ચિડાઈને બોલ્યો “જોરદાર ટ્રાફિક હશે....! હવે ફસાઈ ગ્યાંને...!”

સિદ્ધાર્થે કાર બરોડાંનાં ફેમસ ટ્રાફિક પોઈન્ટ Susen સર્કલથી લેતાં ભારે ટ્રાફિક જોઈને આરવ અકળાયો હતો.

“પણ...! પાછલો રસ્તો બંધ છે ભાઈ....!” સિદ્ધાર્થ સાચવીને કારને ડ્રાઇવ કરતાં બોલ્યો “ગોત્રી તળાવનું કામ ચાલું છે ત્યાં....!”

“અડધો પોણો કલ્લાક તો અહીંયાજ પૂરો થઈ ગ્યો....!” આરવ બોલ્યો “હું તો લેટ થઈ જવાનો....!”

“અરે ચીલ યાર....! પોં’ચી જવાશે...!” આરવનો રઘવાટ જોઈને સિદ્ધાર્થ મલકાયો.

પરેશાન થઈ ગયેલો આરવ આગળ જામ થઈ ગયેલાં ટ્રાફિક સામે જોઈને માથું ધૂણાવી રહ્યો.

“એ છોકરીમાં એવુંતો શું છે....!” થોડીવાર પછી સિદ્ધાર્થે આરવ સામે જોઈને પૂછ્યું “કે તું એની એટલી કેયર કરે છે....!”

આરવનો ચેહરો ગંભીર થઈ ગાયો અને તે મૌન થઈ ગયો.

“હેલ્લો....! ભાઈ...! ક્યાં ખોવાઈ ગ્યો...!” આરવ મૌન થઈ જતાં સિદ્ધાર્થે કાર ડ્રાઇવ કરતાં-કરતાં તેની સામે જોઈને કહ્યું “અહીંયા ગાડીમાં પાછો આય...!”

આરવથી પરાણે હસાઈ ગયું.

“તે જવાબ નાં આપ્યો...!?” સિદ્ધાર્થે ફરીવાર એક નજર આરવ સામે જોયું અને પછી કાર ચલાવાં લાગ્યો “એનામાં એવુંતો શું છે....! કે તું એની ફીલિંગ્સની આટલી પરવા કરે છે....!?”

“પે’લ્લી નજરનો પ્રેમ છે....!” આરવ સામે કાંચમાંથી બહાર તાકી રહીને બોલ્યો .

સિદ્ધાર્થે ફરીવાર આરવ સામે એકનજર નાંખી.

“હું તો આ બધાંમાં નઈ માનતો...! પે’લ્લી નજરનો પ્રેમ બેમ...! એ શું હોય વળી....!”

“કોઈને પે’લ્લીવાર જોતાંજ એ તમારાં મનમાં વસી જાય છે અને પછી ધીરેથી એ તમારાં હ્રદયમાં ઉતરી જાય.....!” આરવ એજરીતે બહાર જોઈ રહીને બોલ્યો “તમે એની પાછળ-પાછળ ફર્યા કરો છો....! એને જોવાં માટે....! કેમકે એને જોયાં વગર તમે રઈ નથી શકતાં....! તમે એને હજી ઓળખતાં પણ નથી....! છતાંય તમને એની જોડે વાત કરવાનું મન થયાં કરે છે....!”

સહેજ અટકીને આરવે સિદ્ધાર્થ સામે જોયું અને સ્મિત કર્યું.

“અને જ્યારે તમને આ ફીલિંગ સમજાય છે....! ત્યાં સુધીમાં એ તમારી આદત બની ચૂકી હોય છે....! તમારી જરૂરિયાત બની ચૂકી હોય છે....! ઇન શોર્ટ....! હવે બવ મોડું થઈ ગયું હોય છે....! હવે પાછાં ફરવાનો કોઈ રસ્તો નથી.....! એટ્લે નાં ઇચ્છવાં છતાં તમે આગળ વધે જાઓ છો...!”

“ઓનેસ્ટ્લી......! મનેતો કોઈ દિવસ આવું બધું ફીલ નઈ થયું....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો “તને ખરેખર થયું’તું...!? એનાં માટે....!?”

પ્રતીભાવમાં આરવે હળવું સ્મિત કર્યું અને બોલ્યો “તે એને જોઈ નઈને....એટ્લે બ્રો....! એ બવ ડીફ્રન્ટ છોકરી છે...!”

“ચલ અવે....! છોકરીઓ બધી એક જેવીજ હોય....!” આરવને ચિડાવતો હોય એમ સિદ્ધાર્થ માથું ધૂણાવીને સ્મિત કરતાં-કરતાં બોલ્યો.

“જ્યાં સુધી હું એને જાણું છું...!” આરવની સામે હવે લાવણ્યાનો ચેહરો તરવરી ઉઠ્યો હોય એમ તે શૂન્યમનસ્ક જોઈ રહીને બોલ્યો “એ બીજી છોકરીઓ કરતાં અલગ છે...!”

આરવ સામે એક નજર નાંખી સિદ્ધાર્થ આગળ જોયું.

“સમજાઈ જાય તો બવ સીધી અને સરળ....! અને ના સમજાય તો Enigma…..!”

“Enigma હમ્મ....!” સિદ્ધાર્થે કારનો ગિયર બદલાતાં હુંકારો ભર્યો “બધી છોકરીઓ Enigma જ હોય છે...! એક ભયંકર અઘરું ઉખાણું....!”

“હાં... એમાંય વાત જ્યારે લાવણ્યાની હોય....!” આરવ એજરીતે લાવણ્યાના ચેહરાને ઈમેજિન કરી રહ્યો અને બોલ્યો “તો એ સૌથી અઘરું ઉખાણું છે...!”

“અલ્લડ....! ઉડાઉ....! બેફામ....! ઘમંડી...!” કેટલીક ક્ષણોના મૌન પછી આરવ બોલ્યો “છતાં કેરીંગ….! હી ..હી...!”

એક હળવું સ્મિત કરીને આરવે સિદ્ધાર્થ સામે જોઈને આગળ કહ્યું–“હું જાણે નાનું છોકરું હોઉં એમ મને ધમકાવી નાંખે છે...!”

ટ્રાફિકમાં કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ હળવું હસ્યો અને માથું ધૂણાવા લાગ્યો.

એનું ધાર્યું કામ એ તમારી જોડે ગમે તેમ કરીને કરાવીજ લે છે....! તમે ગમે તેટલો ટ્રાય કરો....! લાસ્ટમાં તો તમારેજ એની જિદ્દ સામે ઝૂકવુંજ પડે...!”

લાવણ્યાને યાદ કરીને આરવ બોલે જતો હતો.

“જેમ તું પણ બહું ઝડપથી કોઈની ઉપર ટ્રસ્ટ કરીલે છે...! એમ એ પણ બીજાં ઉપર ઝડપથી ટ્રસ્ટ કરીલે છે...! પછી એ જ માણસ એને હર્ટ કરે...! એ તૂટી પડતી હોય છે...! છતાંય પોતાને સાચવી લેતી હોય છે..! કોઇની સામે કમજોર દેખાવું...એને નઈ ગમતું..!”

બંને થોડીવાર મૌન થઈ ગયાં. મૌન થઈ વિચારોમાં ખોવાઈ ગયેલાં આરવને સિદ્ધાર્થે એક નજર જોયો.

“તો...! એનાં માટે એકાદું સોંગ કે સોંગની લાઈનો થઈ જાય....!?” સિદ્ધાર્થે કહ્યું અને કાર છેવટે ટ્રાફિકમાંથી બહાર લીધી.

“અરે ના રે......!” આરવે હસીને નકારમાં માથું ધૂણાવ્યું.

“અરે કેમ...!? તું આટલું સારું ગાય છે તો ખરો....!?”

“એ તો તું પણ ગાય છેને....!?” આરવે સામે કહ્યું.

“હાં....! પણ મારે ક્યાં સિંગર બનવું છે....!?” સિદ્ધાર્થ બોલ્યો “એ તો તારું સપનું છેને....!?”

“હાં...! એ તો છે...! એ સપનું તો મારું છે....!” આરવ નિરાશ સ્વરમાં બોલ્યો “કાશ પપ્પાં પણ આ સમજ્યા હોત....! તો હું અમદાવાદ નાં ભાગ્યો હોત...!”

“મને એમ કે તું મેરેજની વાતથી દૂર ભાગ્યો ….!” સિદ્ધાર્થે કહ્યું અને પછી આગળ જોઈને કાર ચલાવા લાગ્યો.

પ્રતીભાવમાં આરવ ફરીવાર હળવું હસ્યો અને વિચારોમાં ખોવાઈ ગયો.

“તો.....! હવે તો ગાઈશ કે પછી વગાડું રેડિયો....!?” સિદ્ધાર્થે વાત બદલાતાં કહ્યું.

ફરી એકવાર હળવું સ્મિત કરીને આરવે જાતેજ કારનાં ડેસબૉર્ડ ઉપર લાગેલાં રેડિયોનું બટન દબાવી રેડિયો ઓન કર્યો.

“આંખો મેં આંખે તેરી.....! બાહોં મેં બાંહે તેરી...

મેરાં નાં મુઝમે કુછ રહા....હુઆ ક્યાં....!”

રેડિયો ઓન થતાંજ તેમાં ફેમસ સિંગર મોહિત ચૌહાણનાં સૂરીલા સ્વરમાં ગવાયેલું ફેમસ સોંગ “તુમ સે હી” સંભળાયું.

“અરે વાહ....! યોર ફેવરિટ સિંગર....!” સોંગ સાંભળતાજ આરવ બોલ્યો.

“કેમ મોહિત તો તને પણ ગમતાં’તા ને....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“હવે અરિજીત સિંઘ ફેવરિટ છે....!”

“ફેવરિટ ચોઈસ બદલાઈ ગઈ..!? એમ...!?” સિદ્ધાર્થે સ્મિત કરીને વ્યંગ કર્યો.

“એવુંજ હોય દોસ્ત....! જ્યારે કોઈ નવું મલે..! એટ્લે જૂનું ગમે તેટલું સારું હોય કે ફેવરિટ હોય...! તમારી ચોઈસ બદલાઈ જ જાય...!”

“હી...હી....! પણ તને તો આ સોંગ બવ ગમતું ‘તું ને..!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“આજે પણ ગમે છેજ....!” આરવ બોલ્યો અને સોંગમાં આવતાં લિરિક્સ જોડે-જોડે ગાવાં લાગ્યો “મેં કહીંભી જાતાં હું....! તુંમ સે હી મિલ જાતા હું...! તું સે હી તુમ સે હી...!”

“નાં...હે યે પાના.....!” સિદ્ધાર્થ પણ હવે આરવની જેમ જોડે-જોડે ગાવાં માંડ્યુ.

“નાં ખોના હી હૈ....!” બંને ભાઈઓ જોડે સોંગ ગાવાં લાગ્યાં.

સોંગ ગાતાં-ગાતાં સિદ્ધાર્થ આગળ જોઈને કાર ચલાવા લાગ્યો.

***

“તું કાર પાર્ક કરીને આય...! હું ઝીલને મલું છું ત્યાં સુધી...!” કારનો દરવાજો ખોલીને આરવ બોલ્યો અને કારમાંથી ઉતર્યો.

બંને ભાઈઓ તેમનાં મામાં સુરેશસિંઘની છોકરી ઝીલનાં મેરેજ ફંન્કક્શનમાં આવી પહોંચ્યાં હતાં. ભવ્યરીતે સજાવેલાં સુરેશસિંઘનાં ઘરનાં વિશાળ કમ્પાઉન્ડમાં આગળ ભવ્ય લગ્ન મંડપ બાંધવાંમાં આવ્યો હતો. કોઈ પાર્ટી પ્લૉટ જેવો વિશાળ બંગલો અને આજુબાજુ મોટું કમ્પાઉન્ડ ધરાવતાં સુરેશસિંઘનાં ઘરેજ મેરેજ ફંન્કક્શન રાખવામાં આવ્યું હતું. પાછળની બાજુ તેમનાં ઘરનાં કમ્પાઉન્ડની બાઉન્ડરી વૉલને અડીનેજ સોસાયટીનું મેદાન હતું જેમાં મેરેજમાં આવતાં મહેમાનો માટે કાર પાર્કિંગ બનાવાયું હતું. મેદાનમાં કાર પાર્ક કરવાં માટે સુરેશસિંઘનાં ઘરની ફરતે રાઉન્ડ મારી બીજી તરફ બનેલાં કમ્પાઉન્ડનાં ગેટ બાજુ જવુ પડતું.

“હા સાહેબ...!” સુરેશસિંઘનાં ઘરના મેઈન એન્ટ્રન્સ સામે ઊભી રાખેલી કારનું સ્ટિયરિંગ વ્હીલ કમ્પાઉન્ડ પાર્કિંગનાં ગેટ તરફ ફેરવીને સિદ્ધાર્થ વ્યંગ કરતો હોય એમ બોલ્યો.

આરવ હળવું હસ્યો અને સિદ્ધાર્થે તેની આગળથી કાર ચલાવી લેતાં તે ચાલતો-ચાલતો મેરેજ ફંન્કક્શનમાં જવા માટે ડેકોરેટ કરીને બનાવેલાં મોટાં એન્ટ્રન્સ ગેટ તરફ જવાં લાગ્યો.

***

“ટ્રીન....ટ્રીન.....” પાર્કિંગમાં કાર પાર્ક કરીને કારમાંથી ઉતરી રહેલાં સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

“હાં પપ્પા...!” કૉલ રિસીવ કરીને સિદ્ધાર્થ બોલ્યો.

કૉલ સિદ્ધાર્થના પપ્પા કરણસિંઘનો હતો.

“ક્યાં છો તમે બેય...!? હજી ના આયા....!?” સામેથી સિદ્ધાર્થના પપ્પાએ સહેજ અકળાયેલાં સ્વરમાં પૂછ્યું.

“હું કાર પાર્કજ કરું છું....!” કારનો દરવાજો લોક કરીને સિદ્ધાર્થ બોલ્યો “આરવ નઈ આયો હજી...!? મેં એને ગેટ આગળજ ઉતાર્યો તો....!”

“અરે તમે બેય છોકરાંઓ થઈને આટલું મોડું કરો છો....!” કરણસિંઘ સહેજ વધુ ચિડાયાં હોય એમ બોલ્યાં.

“પણ પપ્પા આરવના લીધે....!”

“મારે કઈં નઈ સાંભળવું....!” સિદ્ધાર્થને ટોકીને કરણસિંઘ વચ્ચે બોલી પડ્યાં “ઝડપથી આય....! અને આરવને પણ શોધી લાવજે....!”

“પ...”

“બીપ...બીપ...બીપ....!” સિદ્ધાર્થ કઈં બોલે એ પહેલાંજ કટાક્ષમાં એટલું બોલીને કરણસિંઘે ફોન કટ કરી દીધો.

કાયમ આવુંજ થતું. ભૂલ આરવની હોય તો પણ મોટેભાગે સિદ્ધાર્થનેજ સાંભળવું પડતું.

થોડાં મહિના પહેલાં આરવ જ્યારે ઘર છોડીને અમદાવાદ ભાગી ગયો હતો, ત્યારે પણ એનાં ભાગી જવાની “સજા” સિદ્ધાર્થને મળી હતી.

માથું ધૂણાવતો-ધૂણાવતો સિદ્ધાર્થ સુરેશસિંઘનાં ઘરના પાછળના ભાગે મેરેજના મંડપ તરફ જતાં પાર્કિંગની પાછળ એક બીજાં ગેટ તરફ જવાં લાગ્યો. ઘરની પાછાળ આવેલાં સોસાયટીના મેદાનમાં જવા માટે કમ્પાઉન્ડની બાઉન્ડરી વોલમાંજ એક નાનો ગેટ હતો.

“ઓહો...! આ...ચણિયો....!”

પાર્કિંગમાં હારબંધ પાર્ક કરેલી અનેક ગાડીઓ આગળથી પસાર થઈને બીજાં ગેટ તરફ જઈ રહેલાં સિદ્ધાર્થને જાણે વિન્ડચાઈમનું મ્યુઝિક સંભળાયું હોય એવો મધુર સ્ત્રી સ્વર સંભળાયો.

“અરે યાર આ તો જબરો ફસાયો છે....! શીટ...!” અવાજની દિશામાં સિદ્ધાર્થે જોયું તો એક સરસ મઝાની ઘાટા મરૂન કલરની ચણિયાચોળી પહેરેલી સુંદર છોકરી દેખાઈ.

મેદાનમાં બનાવેલાં પાર્કિંગનાં જે પાછલાં ગેટ તરફ સિદ્ધાર્થ જઈ રહ્યો હતો, એ જ ગેટ તરફ બીજી દિશામાંથી જઈ રહેલી પેવમેંન્ટ ટ્રેક ઉપર મરૂન ચણિયાચોલી પહેરેલી એ છોકરી ઊભી હતી.

કુતૂહલવશ તેણી તરફ ધિમાં પગલે જતાં-જતાં સિદ્ધાર્થે ધ્યાનથી જોયું તો તેણીનો ચણિયો પેવમેંન્ટની બાજુમાં બનેલી તારની ફેંન્સિંગમાં ફસાઈ ગયો હતો જેને કાઢવાનો તે પ્રયત્ન કરી રહી હતી.

વધુ કેટલાંક ડગલાં આગળ વધીને સિદ્ધાર્થ સહેજ અટક્યો. પાછળનાં ગેટ તરફ જતી એ પેવમેંન્ટ ટ્રેક ઉપર જ્યાં તે છોકરી ઊભી હતી તેનાં જોડેનો એકમાત્ર સ્ટ્રીટ લેમ્પ ચાલુ હતો. રાત હોવાં છતાં બાકીનાં બધાં સ્ટ્રીટ લેમ્પ બંધ હતાં યા તો બંધ રાખવામાં આવ્યાં હતાં.

તેણીનાં માથે બળી રહેલાં એ સ્ટ્રીટ લેમ્પનાં બલ્બનાં અજવાળાંમાં મરૂન કલરની ચણિયાચોલી પહેરેલી તે છોકરી જાણે કોઈ મોટાં રાજ્યની રાજકુમારી હોય એવું લાગી રહ્યું હતું. ઘઉંવર્ણથી સહેજ વધુ ગોરાં તેણીનાં દેહને વધુ નિખારી રહી હોય એમ મરૂન કલરની એ ચણિયાચોલી તેણીને અદ્ભુત લાગી રહી હતી. જાણે સ્ટેજ ઉપર ભજવાતા કોઈ પરીકથા જેવાં નાટકની મુખ્ય નાયિકાને વધાવતો હોય એમ સ્ટ્રીટ લાઇટનાં બલ્બનો એ આછો પીળો પ્રકાશ તેણી ઉપર પડી રહ્યો હતો.

“ઓહો....!” તારની ફેન્સિંગમાં ફસાયેલો પોતાનો ચણિયો ખેંચતાં-ખેંચતાં તે છોકરી પરેશાન સ્વરમાં બબડી.

એમ કરવાં જતાં તેણીનાં ખભાં અને ઉરજોનાં ઊભાર ઉપર લટકી રહેલી ઓઢણી સરકીને નીચે આવી ગઈ અને તેનો એક છેડો પણ તારની ફેન્સિંગ ઉપર જઈને પડ્યો. ઓઢણી સરકી જતાં તેણીની ઘાટીલી કમર ખુલ્લી થઈ ગઈ.

સિદ્ધાર્થની નજર એક ક્ષણ માટે તેણીની નાજુક કમર ઉપર પડી પછી તેણે તરતજ તેણીનાં ચેહરા સામે જોયું. પહેલાં ચણિયો અને હવે ઓઢણી પણ ફેન્સિંગમાં ફસાઈ જવાથી તેણીનો સુંદર ચેહરો ઢીલો થઈ ગયો હતો. સિદ્ધાર્થ હવે તેણી તરફ જવાં લાગ્યો.

“ચરર...!” ફેન્સિંગમાં ફસાયેલો ચણિયો કાઢવાંની ઉતાવળમાં તે છોકરીએ સહેજ વધુ જોર કરવાં જતાં ચણિયો સહેજ ફાટી ગયો.

“અરે...!” તે લગભગ રડુંરડું થઈ ગઈ અને ની:સહાય થઈને ઊભી થઈ ગઈ.

“હું કાઢી આપું છું...!” તે છોકરીની નજીક પહોંચી જઈને સિદ્ધાર્થે કહ્યું અને તરતજ એક ઘૂંટણ નીચે ટેકવી ઉભડક બેસી જઈને ફેન્સિંગમાં ફસાયેલો ચણિયો કાઢવાં લાગ્યો.

અત્યાર સુધી સિદ્ધાર્થની હાજરીથી અજાણ તે છોકરી કુતૂહલવશ સિદ્ધાર્થ ચેહરાને ઓળખવાનો પ્રયત્ન કરતી હોય એમ જોઈ રહી.

“એક મિનિટ હા....!” ફેન્સિંગમાં ફસાયેલો ચણિયો કાઢીને સિદ્ધાર્થે એજરીતે બેઠાં-બેઠાં તારમાં ફસાયેલી ઓઢણી તરફ હાથ લંબાવ્યો.

“હાં...! નીકળી ગઈ....!” તારમાં ફસાયેલો છેડો હાથમાં લઈને સિદ્ધાર્થ ઊભો થયો અને તે છોકરી સામે ઓઢણી ધરી.

એકદમ રજવાડી સ્ટાઈલની ગોલ્ડન એમ્બ્રોઈડરી કરેલી ઝેડ બ્લેક કલરની શેરવાની, ગાળામાં એવોજ ગોલ્ડન દુપટ્ટો, ક્લીન શેવ્ડ સપાટ ચેહરો અને માપનાં લાંબા વાળ. સિદ્ધાર્થનાં ગોરાં-ચિટ્ટા ચેહરા સામે તે છોકરી એક નજર જોઈ રહી.

“તું.... અ....! સિદ્ધાર્થ છે ને...!?” સિદ્ધાર્થનાં હાથમાંથી ઓઢણી લઈને તેણીએ પોતાનાં ગળામાં નાંખતા-નાખતાં પૂછ્યું “કરણ અંકલનો છોકરો...?”

“તમે મને ઓળખો છો....!?” આશ્ચર્યથી આંખો મોટી સિદ્ધાર્થે પૂછ્યું.

“હાસ્તો....!” તેણીએ મલકાઈને કહ્યું પોતાનાં ચણિયાને બંને તરફથી પકડીને પાર્કિંગનાં મેઈન ગેટ તરફ ચાલવા માંડ્યુ.

“અરે તમે આમ ક્યાં જાવ છો...!?” સિદ્ધાર્થે પાછલાં ગેટ તરફ ઈશારો કરીને કહ્યું.

“એ પાછલો ગેટ બંધ છે...! હું ત્યાંથી જતી હતી ને એ ગેટ બંધ હતો એટ્લે પાછી ફરી...!” તેણીએ પેવમેન્ટ ઉપર અટકીને સિદ્ધાર્થ તરફ જોઈને કહ્યું “એટ્લેજ અહિયાં લાઇટો પણ બંધ છે...!”

એટલું કહીને તે આગળ ફરીને મેઈન ગેટ તરફ ચાલવા લાગી.

“પણ તમે કીધું નઈ...!” સિદ્ધાર્થ પણ તેણીની પાછળ-પાછળ ચાલવા લાગ્યો “તમે મને કઈરીતે ઓળખો છો...!?”

“તું ટેન્થમાં હતો...! ત્યારથી ઓળખું છું....!”

“હેં....!? પ..પણ હું તો નઈ ઓળખતો....!” અને બાળકની જેમ મૂંઝાયો હોય એમ બોલ્યો અને તેણીની જોડે-જોડે ચાલવા લાગ્યો.

“હી...હી..! પણ હું ઓળખું છું...!” સિદ્ધાર્થની મૂંઝવણની મઝા લેતી હોય એમ તે બોલી “તારાં ભાઈનું નામ આરવ છેને...!?”

“અરે....!?” સિદ્ધાર્થ ચોંકયો હોય એમ બોલ્યો “તમે CIDવાળાં છો કે શું...!?”

“અરે ના બાબા...! તું ભૂલી ગ્યો....! બેય ટેન્થમાં હતાં ત્યારે એક મેરેજ ફંન્કક્શનમાં મળ્યાં હતાં...!?”

“હું ટેન્થમાં હતો...ત્યારે ખબર નઈ કેટલીવાર મેરેજમાં ગ્યો હોઈશ...! મમ્મી-પપ્પા જોડે..!” ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે ખભાં ઊછાળ્યા “શું ખબર તમે ક્યાં મળ્યાં હોવ...!?”

“હમ્મ...! એમ પણ તારું અને તારાં ભાઈનું ધ્યાન ફૂડ કાઉન્ટર ઉપર પડેલી જલેબીઓમાં હતું...!” ગમ્મત કરતી હોય તેણીએ સ્મિત કરીને કહયું.

બંને હવે ચાલતાં-ચાલતાં પાર્કિંગનાં મેઈન ગેટમાંથી બહાર નીકળ્યાં અને પાર્ટી પ્લૉટનાં મેઈન ગેટ તરફ જવાં લાગ્યાં. મેરેજના મંડપમાં અન્ય મહેમાનો પણ જઈ રહ્યાં હતાં.

“એ તો હું આરવ માટે લેવાનો હતો...!” સિદ્ધાર્થ બચાવ કરતો હોય એમ બોલ્યો “એને જલેબી બવ ભાવે છે એટલે...!?”

“તો તને શું ભાવે છે...!?” મંડપમાં જવાં માટેના મેઈન એન્ટ્રન્સ પાસે ઉભાં રહીને તેણીને પોતાની આઈબ્રો નચાવીને પૂછ્યું.

“રસ મલાઈ...!” નાનાં બાળકની જેમ આંખો મોટી કરીને સિદ્ધાર્થ બોલ્યો.

“હી...હી....!” મોતીની માળા જેવાં દાંત દેખાય એ રીતે તે છોકરી હસી.

સિદ્ધાર્થ તેણીને મુગ્ધતાપૂર્વક મલકાઈને જોઈ રહ્યો.

“હવે તો કો’....! તમે કોણ છો...!?” સિદ્ધાર્થે ફરીવાર પૂછ્યું.

“વિજય અંકલને ઓળખે છેને..!?” તેણીએ પૂછ્યું.

“હાં...! અમારાં ફેમીલી ફ્રેન્ડ છે તો...!?” સિદ્ધાર્થે સ્વાભાવિક સ્વરમાં કહ્યું અને પછી યાદ આવી જતાં બોલ્યો “અરે હાં...તો..!?”

“હાં....! હું એજ...!” સિદ્ધાર્થને યાદ આવી જતાં તે વચ્ચે બોલી પડી “નેહા....! નેહા વિજયસિંહ ક્ષત્રિય...!”

***