લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-2 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-2

લવ રિવેન્જ-2

Spin Off

પ્રકરણ-2

“તો..! તું બરોડામાં જ ભણે છેને...!?” નેહાએ જોડે ચાલી રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું.

પાર્કિંગમાંથી લગ્ન મંડપમાં જવાં માટેનો પાછલો ગેટ બંધ હોવાથી બંને આગળનાં ગેટ તરફ ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં હતાં.

“હાં....!” નેહાની સમાંતર સહેજ અંતર રાખીને ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને કહ્યું.

“તું અમદાવાદ...!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” નેહા કઈંક પૂછવાંજ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

“ઓહ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર તેનાં પપ્પાં કરણસિંઘનો નંબર જોઈને સિદ્ધાર્થ બબડ્યો અને નેહા સામે જોયું.

“ઇમ્પોર્ટેંટ કૉલ છે...!?” નેહાએ પૂછ્યું “તો વાત કરીલે...! હું જાઉં છું...!”

“ના....ના....!” ફોન લોકનું બટન દબાવી દઈને સિદ્ધાર્થે તેનો મોબાઈલ પોકેટમાં મૂકતાં કહ્યું “પછી વાત કરી લઈશ....!”

બંને પાછાં મંડપના એન્ટ્રન્સ તરફ ચાલવાં લાગ્યાં.

“પેલ્લાં જમવું છે...! કે ઝીલને મલવું છે...!?” મંડપના એન્ટ્રન્સમાં એન્ટર થતાં-થતાં સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

બંને એન્ટ્રન્સ પાસે અટક્યાં.

“અમ્મ....! જમી લઈએ....!” નેહાએ થોડું વિચારીને કહ્યું “પછી ભીડ થઈ જશે...! તો મજા નઈ આવે....!”

“મને એમ કે ઝીલને તૈયાર-બૈયાર થવાંમાં તારી જરૂર હશે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“ના રે....! એવું બધું હવે ક્યાં થાય છે...!” નેહા સહેજ મ્હોં મચકોડીને બોલી “હવે તો જે પાર્લરવાળીનું પેકેજ નક્કી કર્યું હોય....એજ બધું કરીને જતી રે.....! દુલ્હનની ફ્રેન્ડ્સને તો ખાલી જોયાં જ કરવાનું હોય....!”

“હાં એતો છે....!” સિદ્ધાર્થ બોલ્યો અને પછી જમણવારના મંડપ તરફ જવાં માટે હાથથી ઈશારો કરીને બોલ્યો “ઓલી બાજુ....!”

બંને એ તરફ જવાં લાગ્યાં. લગ્નમાં આવેલાં અમુક પુરુષ મહેમાનો જેઓ જમણવારના મંડપ તરફથી આવી રહ્યાં હતાં તેમાનાં કેટલાંક સિદ્ધાર્થને જોઈ સ્મિત કરીને માથું હલાવતાં જતાં. નેહા જોડે ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ પણે તેઓને એજરીતે પ્રતીભાવ આપતો હતો.

***

“અરે બાપરે....! ભીડ તો ઓલરેડી થઈજ ગઈ છે...!” જમણવારનાં મંડપમા દાખલ થતાંજ જમવાનાં કાઉન્ટર ઉપર લાગેલી ભીડ જોઈને નેહા બોલી “જો તો ખરો....!”

નેહાએ તેનાં હાથની કોણી સિદ્ધાર્થનાં બાવડે મારીને ઈશારો કર્યો.

“ત્યાં…! લેડિઝમા પણ એટલીજ ભીડ છે....!” જમવા માટે અલગ બનાવામાં આવેલાં લેડિઝ કાઉન્ટરો ઉપર પણ જામેલી લેડિઝની ભીડ તરફ ઈશારો કરતાં નેહા બોલી.

“હાં...! એ તો છે...!” નેહાએ કોણી મારતાં સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને તેણી તરફ મુગ્ધ નજરે જોયું.

જોકે નેહાનું ધ્યાન એ વખતે લેડિઝ ફૂડ કાઉન્ટર ઉપર લાગેલી ભીડ તરફ હતું.

“જેંન્ટ્સમાં થોડી ઓછી ભીડ છે...!” સિદ્ધાર્થે એ તરફ જોઈને કહ્યું “હું આપડા બેયની થાળી લઈ આવું છું..!”

એટલું કહીને સિદ્ધાર્થ જેંન્ટ્સ ફૂડ કાઉન્ટર તરફ ચાલવા લાગ્યો.

“અરે ના...!” જઈ રહેલાં સિદ્ધાર્થને ટોકતાં નેહા બોલી “હું લઈ લવ છું....!”

જતાં-જતાં પાછું જોઈ સિદ્ધાર્થે નકારમાં માથું ધૂણાવતાં- ધૂણાવતાં હળવું સ્મિત કર્યું અને આગળ જોઈને જેંન્ટ્સ ફૂડ કાઉન્ટર તરફ ચાલવા લાગ્યો.

નેહા સમજી ગઈ કે સિદ્ધાર્થ એની વાત નઈ માને અને તે પણ મલકાઈ ઉઠી.

***

“અરે કેમ એકજ થાળી....!?” જેંન્ટ્સ ફૂડ કાઉન્ટર તરફ હાથમાં જમવાની થાળી પકડીને આવી રહેલાં સિદ્ધાર્થને જોઈને નેહાએ પૂછ્યું.

તેણીની નજીક આવી ગયેલાં સિદ્ધાર્થના હાથમાં એકજ થાળી જોઈને નેહાને આશ્ચર્ય થયું.

“રોયલ થાળી રાખી છે...!” નેહાની નજીક ઊભાં રહેતાં સિદ્ધાર્થ બોલ્યો “મોટી થાળી...! અને જમવાની આઈટમો પણ વધારે છે...! જો...!”

નેહા સામે થાળી ધરી સિદ્ધાર્થ બોલ્યો. નેહાએ થાળી સામે જોયું. લગ્ન પ્રસંગમાં હોય એવી રૂટિન જમવાની એક્રેલીકની ક્રોકરી ડિશ કરતાં અલગ નક્શી કામ કરેલી ડિઝાઈનવાળી તાંબાની સહેજ મોટી થાળીમાં જમવાની અલગ-અલગ આઈટમો પીરસેલી હતી. ત્રણ-ચાર જાતની મીઠાઈ, બે-ત્રણ જાતની સબ્જી, વગેરે હતું. રોયલ ડિશ કહેવાં છતાં તમામ આઈટમોમાં જૂની સ્ટાઈલની વાનગીઓ જેવી કે મીઠાઈમાં મગસ (અથવા મોહનથાળ), દાળ-ભાત, પૂરી, જાડાં રસાંવાળું બટાકાંનું શાક, ફૂલવડી વગેરે તો નવી વાનગીઓમાં મિક્સ સબ્જી, મીઠાઈમાં કેસર બાસુદી, ફૂલ્કા રોટી, વગેરે હતું.

“બાપરે...!” સહેજ મોટી થાળીમાં ભરચક ભરેલી વાનગીઓ જોઈને નેહા આંખો મોટી કરીને બોલી “આટલું બધુ હું એકલી ખઈશ તો....તો મારું આઠ-દસ કિલો વજન વધી જશે...!”

“હી...હી...!” સિદ્ધાર્થથી હળવું હસાઈ ગયું.

“મારાંથી તો થાળી પણ નઈ ઊંચકાય....!” નેહા મજાક કરતાં બોલી.

“હાં....હાં.....! મને ખબર હતી....!” સિદ્ધાર્થ ફરીવાર હસી પડ્યો “એટ્લેજ હું એક થાળીજ લાયો...! તું જમીલે....! હું થાળી પકડી રાખું છું....!”

“સો સ્વીટ સિદ્ધાર્થ...! બટ તું તારી થાળી લઈ આવ...!” સિદ્ધાર્થના હાથમાંથી થાળી લેવા નેહાએ પોતાનાં બંને હાથ આગળ કર્યા “આપડે સાથેજ જમીએ...!”

“અરે પણ અહિયાં બુફે રાખ્યું છે...! જોને....!” સિદ્ધાર્થ દલીલ કરતો હોય એમ મંડપમાં આજુ-બાજુ ઊભાં રહેલાં મહેમાનો સામે જોઈને બોલ્યો “એક ચેયર પણ નઈ કે એમાં બેસાય...! આટલી મોટી થાળી પકડી રાખીને તને જમતાં નઈ ફાવે...! અને તે આટલી સરસ ચણિયા ચોલી પે’રી છે....! તો તું નીચે પણ નઈ બેસી શકે....! જો અહિયાં....! કોઈ લેડિઝ નીચે બેઠેલું દેખાય છે..!?”

સિદ્ધાર્થે આજુબાજુ જોતાં કહ્યું. નેહાએ પણ આજુબાજુ જોયું. ખાસ્સાં મોટાં મંડપમાં ભીડ જમવા માટે એટલી બધી ભીડ જામી હતી કે નીચે બેસીને જમવાનું રિસ્ક લેવાય એવું નહોતું.

“હમ્મ...! નીચે બેસીએ તો આટલી મોટી થાળી હાથમાં લઈને જનાર કોઈને-કોઈ આપડી ઉપર પડે...!” આજુબાજુ નેહા સહેજ મોઢું મચકોડીને બોલી “આપડે બધાંને નડીયે...!”

“કોઈ પડે કે ના પડે...!” સિદ્ધાર્થ બોલ્યો “પણ જો કોઇની થાળી સહેજ નમી પણ જાય તો દાળ કે બીજું કઈંપણ આપડી ઉપર ઢોળાય...!”

“હાં....! એ પણ છે...!”

“એટ્લેજ કવ છું....! હું થાળી પકડીને ઊભો છું....! તું જમીલે ...પછી હું જમી લઈશ...!”

“યુ નો...! આના કરતાં જૂની સિસ્ટમ સારી હતી....!” નેહા બોલી “પંગતમાં બેસાડવાની....! નીચે બેસીને પાટલાં ઉપર થાળી મૂકીને...એયને મસ્ત રાજાશાહી ઠાઠથી જમવાનું....!”

એટલું કહીને નેહાએ સિદ્ધાર્થે હાથમાં પકડેલી થાળીમાંથી રોટલીનો એક નાનો ટુકડો તોડ્યો અને બટાકાંની સબ્જીમાંથી એક કોળિયો બનાવીને પોતાનાં મોઢાંમાં મૂકી ચાવવાં લાગી.

“હી...હી...! હાં...! હોં...! અમુક જુનાં ટ્રેડિશન સારાં હતાં...!” સિદ્ધાર્થ બોલ્યો “મેરેજ જેવાં ફંકશનમાં આવેલાં મહેમાનોને આ રીતે લાઈનમાં ઊભાં રાખવાની જગ્યાએ...! નીચે આરામથી બેસાડીને જમાડવામાં આવતાં...! પૂરાં ભાવથી.....!”

બંને વાતો કરતાં રહ્યાં. થાળી હાથમાં પકડીને ઉભેલાં સિદ્ધાર્થનાં હાથમાંથી નેહા વારાફરતી અલગ-અલગ વાનગીઓનો એક-એક કોળિયો જમતી રહી.

જમતાં-જમતાં ઘણીવાર સિદ્ધાર્થ નેહાને મુગ્ધ નજરે જોઈ રહેતો અને મલકાઈ ઊઠતો. આવું પહેલીવાર થયું હતું. કોઈ છોકરી સાથેની પહેલીજ મુલાકાતમાં સિદ્ધાર્થે તેણી જોડે આટલું comfortably બિહેવ કર્યું હોય.

***

“શું કે’વું તારું રાગું.!?” સુરેશસિંઘે પોતાની જોડે ઉભેલાં પોતાનાં બહેન અને સિદ્ધાર્થ-આરવનાં મમ્મી રાગિણીબેનને પૂછ્યું.

ડાર્ક નેવી બ્લ્યુ કલરની ગોલ્ડન એમ્બ્રોઈડરીવાળી શેરવાની અને માથે લાલ ચટ્ટાક સાફો, પાણીદાર પાતળી મુંછો ધરાવતાં સુરેશસિંઘ તેમની એકમાત્ર લાડકી બહેન રાગિણી સાથે જમણવારનાં મંડપમાં ઊભાં હતાં.

પાટણની પ્રખ્યાત “પટોળાં” કહેવાતી ભારેભરખમ સાડીમાં, ગુજરાતી ભાષાંમાં જેને ભરાવદાર કહેવાય તેવાં શરીરે ભરાવદાર એવાં રાગિણીબેન તેમનાથી સહેજ છેટે ઉભેલાં સિદ્ધાર્થ અને નેહાને મલકાઈને જોઈ રહ્યાં હતાં. જોકે સિદ્ધાર્થ કે નેહા બંનેમાંથી કોઈને સુરેશસિંઘ કે રાગિણીબેનની હાજરીની નહોતી ખબર.

“હમ્મ...! સરસ છોકરી છે....!” સિદ્ધાર્થે હાથમાં પકડેલી થાળીમાંથી ખાઈ રહેલી નેહાને જોઈ રહીને રાગિણીબેન બોલ્યાં.

“વિજયની છોકરી છે....!” સુરેશસિંઘ બોલ્યાં.

“હાં....! એ તો હું ઓળખી ગઈ….!” રાગિણીબેને સૂર પુરાવ્યો “છેલ્લે મેં એને તુષારનાં મેરેજમાં જોઈતી....! ત્યારે એ દસમાં ધોરણમાં હશે....! કદાચ....! સિદ્ધાર્થ અને આરવ પણ દસમાં માંજ હતાંને...!”

“હમ્મ...! એ પછી વિજય ત્યાં શિફ્ટ થઈ ગ્યો...!” સુરેશસિંઘ બોલ્યાં “અમદાવાદ....!”

બંને થોડીવાર મૌન થઈ ગયાં. રાગણીનીબેન હજીપણ નેહા સામે મલકાઈને જોઈ રહ્યાં હતાં.

“બવ નાં વિચાર રાગું....!” સુરેશસિંઘે પોતાની બહેનને તેમનાં લાડકા નામથી બોલાવી “મારી કોલેજમાંજ ભણે છે....! સીધી છોકરી છે...! કોલેજ આવે ‘ને જાય....! કોઈની જોડે કોઈ માથાકૂટ નઈ....! છોકરાંઓ જોડે પણ માપનું બોલવાનું...! સંસ્કારી પણ અને ભણવામાં હોશિયાર પણ....!”

“તો હવે આવી બીજી એક ગોતી લે’….!” રાગિણીબેન થોડું વધુ સ્મિત કરીને બોલ્યાં “તો મારાં બેયનું (આરવ અને સિદ્ધાર્થનું) એક સાથે નક્કી થઈ જાય....!”

“અરે આપડાંમાં આવી છોકરીઓ બવ જલદી નઈ મલતી રાગું...! બીજીની રાહ જોવાં કરતાં એકનું ફાઈનલ કર....!”

સુરેશસિંઘ રાગિણીબેન સામે જોઈને બોલ્યાં અને જોઈ રહ્યાં. રાગિણીબેન ફરીવાર નેહા સામે જોઈને વિચારે ચઢી ગયાં.

“તું કે’....તો વિજયને વાત કરું...!” સુરેશસિંઘ બોલ્યાં “એ પણ નેહા માટે સગું ગોતે જ છે...! ક્યાંક એવું નાં થાય કે તું બેય ભાણાંનું જોડે કરવાની લ્હાયમાં બીજી છોકરી ગોતતી રે’….!” સુરેશસિંઘે હવે સિદ્ધાર્થ સાથે ઊભાં-ઊભાં જમી રહેલી નેહા સામે જોયું “અને આટલી સરસ અને ગુણિયલ છોકરી હાથમાંથી સરકી જાય...!”

રાગિણીબેન હજીપણ નેહા સામે જોઈ રહ્યાં હતાં.

“હું તો કવ છું કે...! ભાઉને કઈને આ નવરાત્રિમાંજ સગું નક્કી કરી નાખીએ....!” સુરેશસિંઘે સિદ્ધાર્થ-આરવનાં પિતા કરણસિંઘ વિષે વાત કરતાં કહ્યું.

સુરેશસિંઘ કરણસિંઘને લાડમાં ભાઉ કહીને બોલાવતાં.

“ તારાં ભાઉને તો એમનાં લાકડાંનાં ધંધામાંથી અને જમીનની ખેતીમાંથી ફુરસદજ ક્યાં છે...!” રાગિણીબેન મોઢું બગાડીને બોલ્યાં “હવેતો એ અમદાવાદમાં પણ નવું ફર્નિચર વૂડનું યુનિટ ખોલવાનું કે’ છે...!”

“નાં...નાં....! જ્યારથી આરવ મારાં ત્યાં ભાગીને આયો છે....! ત્યારથી ભાઉ બેય છોકરાંનાં ફ્યુચર માટે થોડાં સિરિયસ થયાં છે....!” સુરેશસિંઘ ભારપૂર્વક બોલ્યાં.

“એમનું પણ એવુંજ કે’વું છે....! શક્ય હોય ત્યાં સુધી બેયનું જોડેજ કરી દેવું છે...!” રાગિણીબેન બોલ્યાં.

“આરવે જે કર્યું એ પછી એમનું મન બદલાયું છે...!” સુરેશસિંઘ બોલ્યાં “હવે તો એ એકનું થાય તો એકનું....! કરીજ નાંખવાં માંગે છે....!”

“તારી વાત થઈતી....!?” રાગિણીબેને પૂછ્યું.

“હાં....! ગઈ કાલે રાત્રે અમે બધાં જેંટ્સ રસોડે બેઠાં ‘તાં....! ત્યારે એમણે કીધું...! કે એકનું તો એકનું....! આ વખતે કરીજ નાખવું છે...!”

“તો પછી હું આજેજ એમને કઈને વિજયને મલવાનું ગોઠવું છું” રાગિણીબેન ઉત્સાહમાં આવી જઈને બોલ્યાં.

“તું વિજયની ચિંતા નાં કર રાગું...! એ હું જોઈ લઇશ...!” સુરેશસિંઘ બોલ્યાં અને નેહા સામે જોઈ રહીને બોલ્યાં “આવી સરસ છોકરીઓ આપડા કૂળની અને ઘરની શાન વધારે....!”

***

“મને એમ કે તું હજીપણ એવોજ ઈંન્ટ્રોવર્ટ ટાઈપનો હોઈશ...!” નેહા બોલી.

જમ્યા પછી નેહા હાથ ધોતાં-ધોતાં બોલી. હાથ ધોવાં માટે બનેલી ટેમ્પરરી પરબની એક નળમાં નેહા સહેજ નીચાં નમીને પોતાની હથેળીઓ ધોઈ રહી હતી. સિદ્ધાર્થ તેણીની જોડેજ ઊભો હતો.

“પે’લ્લાંની જેમ ચૂપચાપ રે’તો હોઈશ....!” પોતાનાં બંને હાથ ધોઈ પાણી ઝાટકતાં નેહા બોલી “ઓછું બોલવાનું....અને કોઈની જોડે કશું શેયર નઈ કરવાનું.... નઈ...!?”

નેહાએ પૂછેલાં પ્રશ્નનાં જવાબમાં સિદ્ધાર્થે એક હળવું સ્મિત કર્યું અને પોતાનાં ખીસ્સાંમાંથી હેંન્કી કાઢીને નેહા સામે ધર્યો.

“તું બવ કેરિંગ છે હોં....!” નેહાએ સ્મિત કર્યું અને હેંન્કી લઈને પોતાનાં હાથ લૂંછવાં માંડ્યાં.

સિદ્ધાર્થે પણ પ્રતીભાવમાં હળવું સ્મિત કર્યું. નેહાએ હાથ લૂંછીને હેંન્કી પાછો આપ્યો.

બંને ત્યાંથી હવે પાછાં જમણવારનાં મંડપ તરફ ચાલવાં લાગ્યાં.

“તું પણ જમીલે હવે....!” નેહા બોલી.

“પે’લ્લાં ઝીલને મલી લવ....!” સિદ્ધાર્થ બોલ્યો “પછી જમીશ....!”

“મારે પણ એને મલવાનુંજ છે...!” નેહા બોલી.

બંને હવે જમણવારનાં મંડપમાંથી નીકળીને સિદ્ધાર્થનાં મામાં સુરેશસિંઘનાં ઘર તરફ ચાલવા લાગ્યાં.

મોટાં પ્લોટમાં વચ્ચોવચ્ચ વિશાળ બંગલો બનાવાયો હતો. લાલ રાજસ્થાની પત્થરમાંથી બનેલાં રજવાડી સ્ટાઈલનાં ઘરની આજુબાજુ સુરેશસિંઘની પુત્રીનાં લગ્ન માટે ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો.

બંગલોમાં એન્ટર થઈને બંને ઝીલનાં રૂમમાં જવાં સીડીઓ ચઢવાં લાગ્યાં. મેરેજ ફંકશન માટે સજાવેલું ઘર મહેમાનોથી ભરેલું હતું.

***

“નેહુઉઉઉ.....!” નેહાને જોતાંજ ડ્રેસિંગ ટેબલનાં મિરરમાં જોઈને સજી રહેલી ઝીલ તરતજ પાછી ફરી અને તેણીને વળગી પડી.

“આટલું લેટ અવાય...!?” નારાજ થઈ ફરિયાદ કરતી હોય એમ ઝીલ નકલી ગુસ્સો કરતાં બોલી.

“અરે અમે જમવા રોકાઈ ગ્યાં ‘તાં....!” નેહાએ જોડે ઉભેલાં સિદ્ધાર્થ સામે એક નજર નાંખીને કહ્યું.

રૂમમાં ઝીલ સિવાય તેને તૈયાર કરનાર પાર્લરવાળી બહેન અને તેની આસિસ્ટન્ટ પણ હતી.

“અચ્છા....! તો તમે પણ જોડેજ છો....!” ઝીલ હવે સિદ્ધાર્થ સામે જોઈને બોલી.

“અરે....! હું તો...!”

“અરે વાહ...! તારું પાનેતર મસ્ત છે....!” સિદ્ધાર્થ કઈં બોલે એ પહેલાંજ નેહાએ ઝીલે પહેરેલાં પાનેતરનાં છેડાંને હાથમાં પકડીને જોતાં કહ્યું.

સિલ્વર કલરની ફૂલોની ડિઝાઇનવાળું સ્કાય બ્લ્યુ કલરનું પાનેતર ઝીલ ઉપર જાણે જચી ગયું હોય એમ તેણીનાં સ્કીન ટોન સાથે એકદમ પર્ફેક્ટ મેચ થઈ જતું હતું.

“તું તો આ કલરમાં એકદમ અંગ્રેજ જેવી લાગે છે...! ગોરી-ગોરી...!” નેહાએ તેણીની આઈબ્રો નચાવીને કહ્યું.

“અરે તું સિદ્ધાર્થભાઈને શું પૂછે છે...!?” હવે ઝીલ વચ્ચે બોલી “એ તો કોઈ છોકરી સામું સરખી નજર ઊંચી કરીને પણ નઈ જોતાં....!”

“હાં...હાં...હાં....!” નેહા અને સિદ્ધાર્થ સહિત રૂમમાં હાજર બધાં હસી પડ્યાં.

“મને તો બીક લાગે છે...!” ઝીલ સિદ્ધાર્થની ખેંચતાં બોલી “કે તમે તમારાં માટે છોકરી જોવાં જશો...! તો એને જોશો કે જોયાં વગરજ હા પાડી દેશો...!?”

“હી..હી...!” નેહાથી હસાઈ ગયું.

“જોવાઈ ગઈ....!”નેહા સામે જોઈ રહેલાં સિદ્ધાર્થથી અચાનકજ બોલાઈ ગયું પછી વાત સંભાળતો હોય એમ બોલ્યો “આઈ મીન....! જે થશે એ ખરું....વળી...!”

“હી...હી...હી...! ક્યાં ખોવાયેલાં છો ભાઈ...!?” સિદ્ધાર્થની વાતનો અર્થ પામી ગઈ હોય એમ ઝીલ તેણીની આઈબ્રો નચાવીને બોલી.

“અરે..અ...!”

“ટ્રીન... ટ્રીન......ટ્રીન...!” સિદ્ધાર્થ બોલવાજ જતો હતો ત્યાંજ તેનાં મોબાઈલની રિંગ વાગી.

“હાશ...! બચ્યો...!” મનમાં બબડીને મલકાતાં-મલકાતાં સિદ્ધાર્થે તેનો મોબાઈલ પોકેટમાંથી કાઢ્યો અને સ્ક્રીન ઉપર નંબર જોયો.

“પપ્પાંનો છે....!” નેહા અને ઝીલ સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો અને કૉલ રિસીવ કરી ત્યાંથી ઝીલના રૂમની બાલ્કની તરફ જવાં લાગ્યો.

“હાં..પપ્પાં...!” બાલ્કનીમાં આવતાં-આવતાં સિદ્ધાર્થ બોલ્યો.

“અરે ક્યાં છે તું...!?” સામેથી સિદ્ધાર્થના પપ્પાં કરણસિંઘ ઊંચા સ્વરમાં બોલ્યાં “અને ઓલાં લાટ સાહેબ ક્યાં છે...!?”

“કોણ..!? આરવ...!?” પપ્પાં કરણસિંઘનો ટોંન્ટ સમજી ગયો હોય એમ સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં બોલ્યો “એતો મારી પે’લ્લાં જ આયો તો અહિયાં...!? તમને મલ્યો નઈ....!?”

“મને મલ્યો હોત....! તો તને અત્યારે શું લેવાં ફોન કર્યો હોત...!?” કરણસિંઘ ઊંચા સ્વરમાં બોલ્યાં “તને કીધું’તું ને....! એને જોડેજ લાવજે....!”

“એ મારી જોડેજ હતો...!”

“તો ક્યાં ગયો એ...!?” કરણસિંઘ એવાંજ અકળાયેલાં સ્વરમાં બોલ્યાં “ફરી ભાગી ગ્યો કે શું...!?”

“નાં...નાં...અ....!”

“તો ગોત એને...! બધાં મે’માનો અહિયાં એનાં વિષે પૂછે છે...! મારે મલાવો છે એને....!” કરણસિંઘ બોલ્યાં.

“હાં...અ...!”

“બીપ...બીપ...બીપ...!” સિદ્ધાર્થની વાત સાંભળ્યા વિનાજ કરણસિંઘે ફોન કટ કરી દીધો.

એક ઊંડો નિ:શ્વાસ નાંખી સિદ્ધાર્થે ફોન ખીસ્સાંમાં પાછો મૂક્યો.

“ઝીલ....!” બાલ્કનીમાંથી રૂમમાં પાછાં આવીને સિદ્ધાર્થે નેહા જોડે વાતો કરી રહેલી ઝીલને પૂછ્યું “અ...આરવ...! તને મલ્યો એ...!?”

“અરે હાં....!” ઝીલ બોલે એ પહેલાંજ નેહા બોલી પડી “આરવ...! નઈ આયો...!?”

ઝીલ અને સિદ્ધાર્થ બંને એકાદ-બે ક્ષણ નેહા સામે જોઈ રહ્યાં. આરવનું નામ સાંભળતાંજ નેહાનાં મોઢા ઉપર અલગજ સ્મિત આવી ગયું હતું અને ઉત્સાહમાં આવીને આરવ વિષે પૂછી બેઠી હતી.

“આઈ મીન...! અ...! એ પણ મારી જોડેજ છે ને...!” પોતાનાં ઉત્સાહને છુપાવતી હોય એમ નેહા વાત સંભાળીને બોલી “સુરેશ અંકલની કોલેજમાં...! એચએલ માં...! એટ્લે પૂછ્યું...!”

“આરવ તને મલીને નઈ ગ્યો..!?” સિદ્ધાર્થે ફરીવાર ઝીલ સામે જોયું.

“અરે એજ તો કવ છું...!” ઝીલ ઢીલું મોઢું કરીને બોલી “ખાલી મહેમાન કલાકારની જેમ આરવભાઈ તો આયાં અને મને મલીને જતાં પણ ‘ર્યાં...! આવું થોડી ચાલે...!”

નેહાએ સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થ હવે માથું ધૂણાવતો- ધૂણાવતો તેનો મોબાઈલ મંતરતો-મંતરતો ત્યાંથી ફરીવાર બાલ્કની તરફ જવાં લાગ્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” આરવનો નંબર ડાયલ કરીને સિદ્ધાર્થ તેનો મોબાઈલ કાને ધરી બાલ્કનીમાં ઊભો રહ્યો.

“હાં...! બોલ બ્રો....!” સામેથી આરવે ફોન ઉઠાવતાંજ કહ્યું.

“ક્યાં છે તું...!?” સહેજ ચિડાયેલાં સ્વરમાં સિદ્ધાર્થ બોલ્યો “અહિયાં પપ્પાં તારાં નામની બૂમો પાડે છે...!”

“ઓહો...! પપ્પાં પાગલ થઈ ગ્યાં કે શું...!?” સિદ્ધાર્થને ચિડાવતો હોય એમ આરવ મજાક કરતાં બોલ્યો.

“યાર તું શું બોલે છે..!?” સિદ્ધાર્થ વધુ ચિડાયો “તું છે ક્યાં એ કે ને...!? અહિયાં મારી પથારી ફરી ગઈ છે...!”

“મેં કીધું ‘તું તો ખરાં....! ઝીલને મલીને હું નીકળી જઈશ...!”

“એટ્લે...!? તું અમદાવાદ જવા નીકળી ગ્યો..!?” સિદ્ધાર્થે નવાઈ પામીને પૂછ્યું.

“હાસ્તો....!”

“શું હાસ્તો...!”સિદ્ધાર્થ અકળાઈ ગયો “તું ઝીલને માંડ પાંચ મિનિટ મલ્યો અને બીજાં કોઈને કીધાં વગર કે મલ્યા વગર અમદાવાદ નીકળી ગ્યો...!”

“અરે બ્રો...! તું જાણે તો છે...! હું પપ્પાંને મલવાં રે’ત તો એ ફરીવાર એમનાં કોઈકને કોઈ ઓળખીતાંને શૉ પીસની જેમ મને બતાવત અને એજ જૂની મેરેજની કેસેટ વગાડત...!” આરવ પણ હવે સહેજ ચિડાયો હોય એમ બોલ્યો “મારે એ બધી પંચાતમાં ન’તું પડવું....!”

“અરે પણ...!”

“અરે યાર ઓલીનો બર્થ ડે છે આજે...!” આરવ વચ્ચે બોલી પડ્યો “એ મારો ફોન પણ નઈ ઉપાડતી...! ના ના....! મારે જવુંજ પડશે...! સમજને...!”

“તો હવે હું શું કઉ પપ્પાંને...!?” સિદ્ધાર્થ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

“અરે તું તો માસ્ટર છે યાર..! વાત સંભાળવામાં...!” આરવ માખણ લગાડતો હોય એમ બોલ્યો “જોઈ લેજેને બ્રો....! ચલ...! હું ડ્રાઈવ કરું છું...! બાય..!?”

“ડ્રાઈવ કરું છું એટ્લે...!?” સિદ્ધાર્થને નવાઈ લાગી પોતાનાં ખીસ્સાંમાં કારની ચાવી દબાવીને બોલ્યો “કારની ચાવી તો મારી જોડે છે...! તું શું લઈને ગ્યો...!?”

“અરે સુરેશમામા વાળી કાર લીધી છે...!” આરવ ડંફાશ મારતો હોય એમ બોલ્યો “રઘુનાથ અંકલને પટાવીને ચાવી લઈ લીધી...!”

“એ કાર બરાબર નઈ ચાલતી...! એની સર્વિસ ડ્યુ થઈ ગઈ છે...!” સિદ્ધાર્થ બોલ્યો “તું રસ્તામાં અટક્યો તો..!”

“તો હું તને ફોન નઈ કરું ભઈલા....! બસ...!” આરવ ચાળા પાડતો હોય એમ બોલ્યો “આરવ હવે મોટો થઈ ગ્યો છે બ્રો....! હમ્મ...! હું સંભાળી લઇશ મારી રીતે...! બાઈઈ....!”

તારક મહેતાંની દયાની સ્ટાઈલમાં બાય કહીને આરવે ફોન કટ કર્યો. પોતાનું માથું દબાવીને સિદ્ધાર્થ બાલ્કનીમાં ઊભો રહ્યો.

“સિદ્ધાર્થ....!” ત્યાંજ સિદ્ધાર્થને તેનાં પપ્પાં કરણસિંઘનો અવાજ સંભળાયો.

“ઓ તેરી...!” બાલ્કનીમાં ઉભેલો સિદ્ધાર્થ ઉતાવળા પગલે ઝીલનાં રૂમમાં આવ્યો.

“સિદ્ધાર્થ ક્યાં છે...!?” કરણસિંઘ એ વખતે નેહા અને ઝીલ સામે જોઈને સિદ્ધાર્થ વિષે પૂછી રહ્યાં હતાં.

“હાં પપ્પાં....!” બાલ્કનીમાંથી રૂમ માં આવતાંવેંતજ સિદ્ધાર્થ બોલ્યો.

“આરવ ક્યાં છે...!?” કરણસિંઘે એવાંજ ચિડાયેલાં સ્વરમાં પૂછ્યું.

“અ...આર...!”

“આરવભાઈ હમણાંજ મને મલીને ગ્યાં...!” ઝીલ તરતજ સિદ્ધાર્થને બચાવાં તેની જોડે દોડી આવીને બોલી પડી “જસ્ટ પાંચજ મિનિટ પે’લ્લાં....!”

“તો પછી એ ગયો ક્યાં...!?” કરણસિંઘે ફરીવાર સિદ્ધાર્થ સામે જોયું અને નેહાને જોઈને સહેજ ધિમાં સ્વરમાં પૂછ્યું.

ડ્રેસિંગ ટેબલ જોડે ઊભાં-ઊભાં નેહા તેમને જોઈ રહી.

“એ...અ....!”

“એ મારાં માટે ગિફ્ટ લેવાં ગ્યાં છે...!” સિદ્ધાર્થની જીભ થોથવાતાં ઝીલ બોલી પડી.

“ગિફ્ટ...!?” કરણસિંઘને નવાઈ લાગી.

સિદ્ધાર્થ પણ પહેલાં મૂંઝાયો પછી સમજી ગયો કે ઝીલ તેને બચાવાં માટે જૂઠું બોલી રહી છે.

“હાં....! એ ભૂલી ગ્યાં ‘તા...!” ઝીલ મોઢું મચકોડીને નેચરલ એક્ટિંગ કરતી હોય એમ બોલી “મારાં મેરેજમાં ગિફ્ટ ભૂલી જાય એ થોડું ચાલે...!? એ પણ આરવભાઈ….! જેમને હું મારાં સગાંભાઈ કુલદીપ કરતાં પણ પે’લ્લાં રાખડી બાંધું છું...! સિદ્ધાર્થભાઈ..!” ઝીલ હવે નકલી ગુસ્સો કરતી હોય એમ સિદ્ધાર્થ સામે જોઈને બોલી “તમે ગિફ્ટ લાયાં....!?”

“અ...! હું...અ...!” સિદ્ધાર્થ મોઢું વકસીને ઊભો રહ્યો.

“નેહા...!” ઝીલ હવે નેહા બાજુ ફરી “તું ગિફ્ટ લાઈ...!?”

“અમ્મ...! નાં....! હું..!”

“તો જા...! તું અને સિદ્ધાર્થભાઈ....! બેય પણ હવે મારાં માટે ગિફ્ટ લઈ આવો...! જાવ...! અત્યારેજ...!” ઝીલ એજરીતે એક્ટિંગ કરતાં બોલી “ત્યાં સુધી મારી જોડે વાત નઈ કરતાં...! જાવ...!”

“હાં..હાં...! બટ હું એકલી...! ક્યાં જાવ...!?” નેહા બોલી.

કરણસિંઘ ચૂપચાપ ઊભાં-ઊભાં બધું જોઈ રહ્યાં.

“અરે કેમ..! સિદ્ધાર્થભાઈ છેને...!” ઝીલ બોલી અને સિદ્ધાર્થ સામે જોઈને આઈબ્રો નચાવી “ભાઈ...! જાવ....જાવ....! મારાં માટે ગિફ્ટ લઈ આવો...!”

સિદ્ધાર્થની સહેજ નજીક સરકીને ફ્ક્ત સિદ્ધાર્થને સંભળાય એ રીતે પોતાનાં પંજા ઉપર ઊંચાં થઈ ધીરેથી ઝીલ બોલી “અને નેહા માટે પણ કઈંક ગિફ્ટ લઈ લેજો..!”

“શું તું પણ...!”

“અરે જાવને અવે...!” સિદ્ધાર્થ કઈં આનાકાની કરે એ પહેલાંજ ઝીલે તેનું બાવડું પકડ્યું અને ખેંચીને દરવાજા તરફ જવાં લાગી.

“નેહા...!” ઝીલે નેહા સામે જોયું “જા....! તું પણ જા હવે....!”

હકારમાં ડોકું ધૂણાવી દઈને નેહા પણ જોડે જવાં લાગી.

“અંકલ....!” બંનેનાં રૂમમાંથી બહાર ગયા પછી ઝીલ કરણસિંઘ તરફ ફરી “મારે તૈયાર થવાનું બાકી છે...!”

“ઓહ... હાં....!” એટલું કહીને કરણસિંઘ પણ રૂમમાંથી બહાર નીકળી ગયાં.

***

“સ...સોરી....! મારાં લીધે તું પણ ફસાઈ ગઈ...!” કાર પાર્કિંગ તરફ જઈ રહેલો સિદ્ધાર્થ જોડે ચાલી રહેલી નેહાને કહેવાં લાગ્યો.

“અરે ઇટ્સ ઓકે યાર...!” નેહા જાણે તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલી “ એમ પણ ઝીલની વાત સાચી છે......! અમે દસમાં સુધી જોડેજ હતાં...! બરોડાંમાં એ એકજ મારી બેસ્ટી છે...! તો એનાં માટે ગિફ્ટ તો લાવવુંજ પડેને..!”

“મારાં જોડે આવવાંમાં કોઈ પ્રોબ્લેમ તો નઈને...!?” સિદ્ધાર્થે એવાંજ ખચકાટ સાથે પૂછ્યું.

“તને ખબર છે...! મારાં પપ્પાં દિવસમાં એકવાર તો કોઈને કોઈ વાતે તારાં વખાણ તો કરતાંજ હોય છે...!” નેહા બોલી.

“મારાં વખાણ...!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

“અરે તને નઈ ખબર...! તારાં અને આરવની ચર્ચા આખાં ક્ષત્રિય સમાજમાં ચાલે છે...!” નેહા વખાણ કરતી હોય એમ આંખો મોટી કરીને બોલી.

બંને હવે પાછાં પાર્કિંગમાં આવી ગયાં હતાં.

“તમે બેય આપડા સમાજમાં મોસ્ટ એલીજીબલ બેચેલર છો...!” નેહા બોલી “સિદ્ધાર્થ આમ દેખાવડો....! આરવ તેમ સીધો....! સિદ્ધાર્થ આમ ભોળો...! આખો દિવસ બસ મારાં પપ્પાં તમારાં બેયનાં નામની માળાજ જપ્યા કરતાં હોય છે...! હી..હી...!”

“હી...હી....!” નેહા હસી અને જોડે સિદ્ધાર્થ પણ હસ્યો.

બંને હવે એજ અંધારી પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલીને સિદ્ધાર્થની કાર પાસે આવી પહોંચ્યાં. કારની કી વડે સિદ્ધાર્થે કારનો દરવાજો અનલોક કરવાં લાગ્યો.

“બીપ...બીપ...!” એક અવાજ સાથે કારની બંને હેડલાઈટો ઝબકીને બંધ થઈ અને દરવાજો અનલોક થયો. સિદ્ધાર્થે પહેલાં ડ્રાઈવર સીટનો દરવાજો ખોલ્યો અને અંદર બેસવા લાગ્યો. નેહા પણ તેની બાજુ આગળની સીટનો દરવાજો ખોલીને અંદર બેસવાં લાગી.

“પપ્પાંનું ચાલે...!” કારની આગલી સીટમાં બેસતાં પહેલાં નેહા સહેજ અટકી, સિદ્ધાર્થ પણ તેણીની વાત સાંભળવાં ડ્રાઈવર સીટમાં બેસતાં પહેલાં અટક્યો.

“તો તમારાં બેયમાંથી કોઈકની જોડે મારાં મેરેજ ફિક્સ કરી દે....!” સામેની બાજુ ઉભેલાં સિદ્ધાર્થ સામે જોઈને નેહા બોલી

નેહાની વાત સાંભળી સિદ્ધાર્થ સહેજ મલકાયો અને એકાદ ક્ષણ એમજ કારનો દરવાજો પકડીને ઊભો રહ્યો. થોડું મલકાઈને સિદ્ધાર્થ નીચો વળી ડ્રાઇવિંગ સીટમાં બેઠો. નેહા ઓલરેડી કારમાં બેસી ચૂકી હતી.

“યુ નો વોટ...!” કારનાં ઈગ્નિશનમાં ચાવી ભરાવી રહેલાં સિદ્ધાર્થ સામે જોઈને નેહા બોલી “મારી મમ્મીને પણ તું બવજ ગમે છે...! તારી ઉપર તો મારું આખું ઘર ટ્રસ્ટ કરે છે....! એટ્લે...! તારી જોડે ક્યાંય પણ જવાંમાં...! નો વરીઝ...!”

સિદ્ધાર્થ થોડું મલકાયો. તે કઈંક બોલવાજ જતો હતો ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!”

“એક મિનિટ હો...!” નેહાને કહીને સિદ્ધર્થે તેનાં પોકેટમાંથી ફોન કાઢ્યો અને સ્ક્રીન ઉપર નંબર જોયો.

“ઝીલ...!?”આશ્ચર્યપૂર્વક ધીમેથી બબડી સિદ્ધાર્થે ઝીલનો કૉલ રિસીવ કર્યો.

“હાં બોલ ઝી...!”

“મારું નામ નાં બોલતાં....!” સિદ્ધાર્થ બોલે એ પહેલાંજ સામેથી ઝીલ બોલી પડી.

“અમ્મ....! ક...કેમ...!?”

“નેહા જોડેજ હશેને...!?” ઝીલે પૂછ્યું “એની સામું જોયાં વગર ઈશારામાં વાત કરજો...! કોઈ ભઈબંધની જોડે વાત કરતાં હોય એમ...!”

સિદ્ધાર્થ નેહા સામે જોવે પહેલાંજ ઝીલ બોલી પડી.

“હાં...બોલ રાઘવ..!”

“હેં...! રાઘવ...!?” સામે છેડેથી ઝીલ મોઢું બગાડીને બોલી હોય એમ બોલી “આવો કેવો ભઈબંધ તમારો...! રાઘવ...! નામજ કેટલું બોરિંગ છે...!”

“અરે બોલ અવે...!” સિદ્ધાર્થ સહેજ ચિડાયો.

“હાં..હાં..સાંભળો....!” ઝીલ બોલી “ગિફ્ટ લેવાં જાવ છોને....! તો પાંચ-છ દુકાનો ફરીઈઈને.... સારું ગિફ્ટ લાવજો...! તરત નાં લઈ લેતાં...!”

“હેં... શું...!?” ઝીલ થોડું લહેકો લઈને બોલતાં સિદ્ધાર્થ મૂંઝાયો.

“શું હેં શું...!?” ઝીલ નકલી ગુસ્સો કરતી હોય એમ ચિડાઈ “તરત ગિફ્ટ નાં લઈ લેતાં...! થોડી વાર લગાડજો એમ કવ છું....!”

“શું કે’વાં માગે છે....! કઈં ખબર નઈ પડતી...!?” સિદ્ધાર્થ વધુ મૂંઝાયો.

“ઓહો...! તમે કોલેજના ત્રીજા વર્ષમાં આઈ ગ્યાં...! પણ હજી એવાંને એવાંજ ર’યા...ડફોળ જેવાં...!” ઝીલ ચિડાઈને બોલી “અરે એમ કવ છુ...! ગિફ્ટ શાંતિથી લેજો...! અને નેહાને થોડું ફરવા લઈ જજો...! સમજ્યા કઈં...!? એને કઈંક ખવડાવજો...!”

“અરે પણ એ તો હમણાંજ જમી...!”

“અરે એની સામું જોઈને શું કામ બોલો છો..!?” ઝીલ સહેજ વધુ ચિડાઈ.

“હેં...! તને કેમની ખબર...!?” સિદ્ધાર્થને વધુ આશ્ચર્ય થયું.

“અરે એમાં ખબર શું પાડવાની....એનાં વિષે બોલતાં હોવ...! તો એની સામુંજ જોવોને..! એમાંય તમે સાવ ડફોળ છો..!”

“ઝીલ....! તું શું બોલે છે યાર....!” સિદ્ધાર્થ હવે થાક્યો હોય એમ બોલ્યો.

“અરે...અ....મારું નામ શું કામ લો છો...! ડફોળ જેવાં...!”

“ઝીલ છે...!?” જોડે બેઠેલી નેહાએ પૂછ્યું.

“જો...! છે...! સાવ ડફોળ છો તમે...!” નેહાનો અવાજ સાંભળી ગયેલી ઝીલ બોલી “હવે એમ કો ગિફ્ટની ચોઈસ કે’ છે...!”

“હાં...અ...એ ગિફ્ટની ચોઈસ કે છે...!” સિદ્ધાર્થ જેમ-તેમ બોલ્યો.

“તો પછી રાઘવ...!?” નેહાએ આશ્ચર્યથી પૂછ્યું.

“અમ્મ...! એતો મને એમ...ક....કે..રાઘવ હશે...!” સિદ્ધાર્થ થોથવાઈ ગયો.

“રાઘવ....!? ઝીલ...!?” નેહા વધું મૂંઝાઈ “મેચ નઈ થતું હોં...!”

“Exactly….!” સામે છેડેથી ઝીલ પણ મીઠો ગુસ્સો કરતી હોય એમ બોલી “ડફોળજ છો તમે...! સાવ ગગા જેવાં...!”

“હવે એને કો...!” ઝીલ “હેલ્પ” કરતી હોય એમ બોલી “કે...! હું ન’તી ઈચ્છતી કે નેહા એવું વિચારે કે ઝીલ સામે ચાલીને મોંઘું ગિફ્ટ માંગે છે...!”

“હું નો’તી ઇચ્છતી કે...!” નેહાની સામે જોઈ સિદ્ધાર્થ બોલવા લાગ્યો.

“અરે હું નઈ ઝીલ કે છે..!” ઝીલ ચિડાઈ અને વચ્ચે બોલી પડી “શું આમ પોપટની જેમ બોલે જાવ છો...!”

“હાં...હાં....હાં.....!” નેહાથી હસાઈ ગયું.

“પણ તું આમ આ રીતે બોલેજ જાય તો હું શું કરું...!?” સિદ્ધાર્થ હેલ્પલેસ થઈને બોલ્યો “મને આવું બધુ નઈ ફાવતું...!”

“હાં..નઈ...તમે તો સ્પ્રાઈટ વાળાં...!” ઝીલ ટોંન્ટ મારતી હોય એમ બોલી “સીધી બાત નો બકવાસ...!”

“તો શું વળી...!”

“exactly ચાલે છે શું હેં..!?” નેહાએ હસતાં-હસતાં પૂછ્યું.

“અરે કઈં નઈ...!” સિદ્ધાર્થે વાત વાળી અને પાછું ઝીલ સાથે વાત કરવા લાગ્યો.

નેહાએ સ્મિત કરીને તેની સામે જોઈ રહી.

“હવે સાંભળો...! મેં સારું ગિફ્ટ માંગ્યું છે એવું બા’નું પાંચ-છ દુકાનો ફરજો...!” ઝીલ બોલી “પછી એને રાત્રિ બજાર લઈ જજો...ત્યાં આપડો ઓલો મનમોહન કોકોવાળો છેને...! ત્યાં નેહાને મસ્ત કૉલ્ડ કોકો પીવડાવજો, અને પછી એને લઈને આકોટા બ્રિજ જજો...! અને મસ્ત શણગારેલાં એ બ્રિજ ઉપર એયને શાંતિથી બે-ત્રણ કલ્લાક બેસાજો....! વાતો કરજો...! રોમેન્ટીક...રોમેન્ટીક...!”

“અરે પણ હું આ બધુ શું લેવાં.....!”

“અરે કેમ...!?” ઝીલ વચ્ચે બોલી “થવાંવાળી ભાભી છે મારી...!”

“અરે તને કોણે કીધું આ બધુ...!?” સિદ્ધાર્થ મલકાયો છતાં ચિડાયો હોય એમ છણકો કરીને બોલ્યો.

“અરે કોઈને ભલે ના કીધું હોય....!” ઝીલ મજાકીયા સ્વરમાં બોલી પછી ઈમોશનલ થઈ હોય એમ બોલી “પણ સિડ....! તું એનાં માટે શું ફીલ કરે છે...! એ બધું તારી આંખો કઈદે છે....!”

ઈમોશનલ થઈ ગયેલી ઝીલે સિદ્ધાર્થને તુંકારે તેનાં લાડકા નામથી બોલાવ્યો.

“સિડ....! મને એ ચાન્સ ના મલ્યો...! મારી વાત કે’વાનો...!” ઝીલ નિરાશ સ્વરમાં બોલી “કોઈએ મને સાંભળીજ નઈ...!”

“મેં ટ્રાય કર્યો ‘તો ઝીલ....!” સિદ્ધાર્થ પણ નિરાશ સ્વરમાં બોલ્યો “સુરેશમામાને સમજાવાનો...!”

“એમાં સમજાવાનું શું હોય સિડ...!” ઝીલ એવાંજ નિરાશ સૂરમાં બોલી “એ પોતે એક કોલેજના ટ્રસ્ટી છે....! અને એનાંથીય મોટી વાત....! એ મારાં પપ્પા છે...! તો પણ મારી વાત ના સાંભળી...! મને સમજવાનો ટ્રાય પણ ના કર્યો...!મેં તો ખાલી થોડો ટાઈમ માંગ્યો’ તોને....!”

સિદ્ધાર્થ મૌન રહ્યો અને ઢીલું મોઢું કરીને વિચારી રહ્યો.

“હું પણ શું...! મારી વાત લઈને બેસી ગઈ...!” ઝીલ અચાનકજ સૂર બદલીને બોલી “સાંભળ...! મેં કીધું એમ થોડો ટાઈમ સ્પેન્ડ કરજે એની જોડે...! જેટલો બને એટલો...! હમ્મ....! તને ખબર છેને...! હું આ રીતે તારી જોડે ક્યારે વાત કરું છું...!?”

“હમ્મ...!” સિદ્ધાર્થ હળવું હસ્યો “જ્યારે તું ઈમોશનલ હોય અને સાચું બોલતી હોય ત્યારે..!”

“હાં...અને જ્યારે હું તારી ફ્રેન્ડ તરીકે બોલતી હોવ...! ત્યારે...! ત્યારે પણ...!” ઝીલ હકથી બોલી “સિડ...! તારી ફ્રેન્ડ તરીકે કવ છું...! પ્લીઝ...! તારી લાઈફ સ્પોઇલ થવાં ના દેતો...! તે મને સપોર્ટ કરવાનો ટ્રાય કર્યો...! આરવને સપોર્ટ કર્યો..! પણ મને ખબર છે...! વાત જ્યારે તારી આવશે...! તું ....તું...તારી ખુશી નઈ જોવે...! ફેમિલીની જોઈશ...! પ્લીઝ આવું ના કરતો...!”

“મને એમ હતું કે....!” સિદ્ધાર્થ અટક્યો અને જોડે બેઠેલી નેહા સામે જોયું. તે પોતાનો ફોન મંતરી રહી હતી.

“કે આરવ જોડે વધું એટેચ છું...! નઈ...!?” ઝીલ પ્રેમથી બોલી “કેમ..!? હું એને સૌથી પે’લ્લાં રાખડી બાંધું છું...! એટ્લે..!?”

પ્રતીભાવમાં સિદ્ધાર્થ હળવું હસ્યો. તેનાં સ્મિતનો હળવો અવાજ ઝીલે ફોન ઉપર સાંભળ્યો.

“સિડ...! આરવ પોતાનું ધાર્યું કરી જાણે છે...! જિદ્દ કરીને...! કોઇની પરવા કર્યા વિના...!” ઝીલ બોલી “એટ્લેજ તો મેરેજની વાત સાંભળીને ઘર છોડીને ભાગી ગ્યો...! પોતાનાં સપનાઓ પૂરાં કરવાની આવી હિમ્મત બવ ઓછાં લોકોમાં હોય છે....! અને હું જાણું છું..!”

ઝીલ સહેજ અટકી અને સિદ્ધાર્થના મૌનને કળી રહી.

“તમે પોતાની બધીજ ઈચ્છાઓ દબાવી દેશો...! પણ ફૅમિલીની અગેન્સ્ટ નઈ જાઓ..! ભલેને પછી વાત તમારી લાઈફનીજ કેમ ના હોય...!”

“સિડ...! મેં કીધું...! એ કરજે...! હમ્મ..!” ઝીલ વ્હાલથી બોલી.

“અને તારાં મેરેજ...!?” ફોન મંતરી રહેલી નેહાને ના સંભળાય એ રીતે સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો “તને મંડપમાં લઈ જવાનો ટાઈમ થઈ ગ્યો છે હવે...!”

“છોડને અવે...! કોઈ મોટી વાત નઈ...!” ઝીલ બોલી “એમ પણ...! મારે ક્યાં મેરેજ કરવાં ‘તા...!”

“મને એમ કે તને કુલદીપ ગમે છે...!?” સિદ્ધાર્થ બોલ્યો “તે તારી મરજીથીજ હાં પાડી’તીને..!?”

“હેં...!? શું...!?” ફોન ઉપર વાત કરી રહેલાં સિદ્ધાર્થની વાત સાંભળી નેહાએ આશ્ચર્યથી પૂછ્યું “ઝીલને કુલદીપ નઈ ગમતો...!?”

“અમ્મ...! હું શાંતિથી બધી વાત કરું છું...!” મોબાઈલ કાને ધરી રાખી સિદ્ધાર્થે નેહાને કહ્યું.

નેહાએ હકારમાં માથું ધૂણાવ્યું. સિદ્ધાર્થ ફરી ઝીલ સાથે વાત કરવાં લાગ્યો.

“સિડ...!” સામેથી ઝીલ બોલી “જા અવે..! શક્ય એટલું વધું જોડે રે’જે....! હમ્મ..! બાય...!”

“બાય...!” સિદ્ધાર્થે હળવેથી કહ્યું અને કૉલ કટ કર્યો.

કૉલ કટ કરીને સિદ્ધાર્થે નેહા સામે જોયું. તે હજી પણ સિદ્ધાર્થ સામેજ જોઈ રહી હતી.

“કોઈ વાંધો નઈ..!” નેહા બોલી “હું રાત રોકાવાંનીજ છુ..! ટાઈમ છે આપડી પાસે...! પે’લ્લાં ગિફ્ટ લઈ લઈએ...! પછી શાંતિથી વાત કરીએ...!”

સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવી દઈ કારનું ઇગ્નિશન ચાલુ કર્યું. એક્સિલેટર દબાવી, કાર ગિયરમાં નાંખી ધીમી સ્પીડે કાર તેણે પાર્કિંગમાંથી બહાર કાઢવાં માંડી.

***

“આકોટા બ્રિજ લઈલે...!” નેહાએ કારમાં બેસતાંજ કહ્યું.

ઝીલ માટે ગિફ્ટ ખરીદીને બંને હવે કારમાં પાછાં બેઠાં હતાં. જોકે ગિફ્ટ ખરીદવા માટે ઝાઝું ફરવું નો’તું પડ્યું.

“ત્યાં શાંતિથી બેસવાં મલશે...!” નેહા બોલી

“અમ્મ...! રાત્રિ બજાર જવું છે...!?” સિદ્ધાર્થે સહેજ ખચકાઈને પૂછ્યું “કઈંક ખાઈએ...! પછી શાંતિથી આકોટા બ્રિજ પર બેસીએ....!”

“કેમ રોયલ થાળી ઓછી પડી...!?” નેહાએ ટોંન્ટ મારતી હોય એમ પૂછ્યું “મારુ તો આખું પેટ ભરેલું છે...!”

“હું ક્યાં જમ્યો છું...!?” સિદ્ધાર્થે યાદ અપાવ્યું.

“અરે હાં નઈ....! સોરી સોરી...!” નેહા બોલી “વાંધો નઈ ત્યાં જઈએ...! પછી આકોટા બ્રિજ જઈએ....!”

હળવું સ્મિત કરીને સિદ્ધાર્થે કાર બરોડાંના ફેમસ સ્ટ્રીટ ફૂડ કોર્ટ રાત્રિ બજાર તરફ મારી મૂકી.

***

“તું ખરેખર આ કોલ્ડ કોકો નઈ પીવે...!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

બંને રાત્રિ બજાર નામે ઓળખાતાં બરોડાંના ફેમસ ફૂડ કોર્ટમાં આવ્યાં હતાં. વિશાળ લંબચોરસ મેદાનમાં વચ્ચે મોટી જગ્યા છોડીને આજુબાજુ અનેક નાના-મોટાં ફૂડ સ્ટૉલ્સ લાગેલા હતાં. કઈંક અંશે અમદાવાદના ફૂડ ટ્રક પાર્કની જેવુજ દેખાતું રાત્રિ બજારનું ફૂડ કોર્ટ અવનવી સ્ટ્રીટફૂડ આઇટમો ખાવાના શોખીન માનવ મહેરામણથી ભરેલું હતું.

“અહિયાંનો ફેમસ છે...!” સિદ્ધાર્થ બોલ્યો “મનોહર કોલ્ડ કોકો...!”

“અમ્મ....!” નેહાએ તેનાં ગુલાબી હોંઠ ભેગાં કરી માથું ધૂણાવીને ના પાડી.

“ઓકે....!” એટલું કહીને સિદ્ધાર્થે પોતાનાં હાથમાં પકડેલા કોલ્ડ કોકોના બે કપ પાછાં મનોહર કૉલ્ડ કોકોવાળાંની સ્ટૉલમાં પાછાં મૂકી દીધાં.

“અરે તું તો પી...!” કપ પાછાં આપી રહેલાં સિદ્ધાર્થનું બાવડું પકડીને નેહાએ ખેંચ્યું.

“એકલાં એકલાં ના મજા આવે...!” સિદ્ધાર્થ પણ માથું ધૂણાવીને બોલ્યો.

“તો તું અહિયાં કોની જોડે આવે છે..!?” નેહાએ તેની આંખો નચાવીને પૂછ્યું પછી બોલી “હું શ્યોર છું...! જેવો તું છે...! કોઈ છોકરીની જોડે તો નઈજ આયો હોય...! નઈ...!?”

સિદ્ધાર્થે મલકાઈને આડું જોયું.

“ઓહો...! જોતો...! જબરું હશે છે તું તો...!” નેહાએ સિદ્ધાર્થની ખેંચતી હોય એમ તેનાં બાવડા ઉપર હળવો પંચ માર્યો.

“લાવ...ચલ...! હુંય પીવું...!” નેહાએ કૉલ્ડ કોકોનો કપ લેવાં હાથ આગળ કર્યો.

સિદ્ધાર્થે એક કપ નેહા તરફ ધર્યો. સ્ટ્રો વડે કોકો પી રહેલી નેહાના ગુલાબી હોંઠને સિદ્ધાર્થ બે ઘડી મુગ્ધતાંપૂર્વક જોઈ રહ્યો. કેટલીક ક્ષણો સુધી એમજ જોઈ રહ્યાં પછી સિદ્ધાર્થે નજર ફેરવી લીધી.

***

“તો કૉલેજમાં કોઈ ગર્લફ્રેન્ડ નઈ તારી...!?” નેહાએ સિદ્ધાર્થને ડાયરેક્ટ પૂછ્યું.

બંને હવે આકોટા બ્રિજ ઉપર આવ્યાં હતાં. સુંદર રોશની વડે સજાવેલી લોખંડની એંગલોનું ફ્રેમવર્ક ધરાવતો આકોટા બ્રિજ સહેલાણીઓ તેમજ લોકલ પબ્લિક માટે રાત પડે રિલેક્ષ થવાનું પ્લેસ હતું. લોખંડની એંગલોનું ફ્રેમવર્ક મૂળ સોલરસેલ લગાડવાં માટે બનાવાયુ હતું. જોકે હજી સોલરસેલ લગાવાના બાકી હોવાં છતાં બ્રિજને વારે-તહેવારે શણગારવામાં આવતો.

સુંદર રોશનીથી શણગારેલાં બ્રિજની બંનેબાજુ બનેલી પેવમેંન્ટ ઉપર અનેક સહેલાણીઓની ભીડ જામેલી હતી. જોકે નેહા અને સિદ્ધાર્થ ભીડથી સહેજ છેટે બ્રિજની વચ્ચોવચ્ચની પેવમેંન્ટ ઉપર ઊભાં હતાં. બ્રિજ જે નદી ઉપર બન્યો હતો તે વિશ્વામિત્રી નદીનાં પાણીમાં બ્રિજ ઉપર કરેલી રોશનીના અનેક રંગો રિફલેક્ટ થઈ રહ્યાં હતાં.

વિશ્વામિત્રી નદીનાં પાણીમાં રિફલેક્ટ થઈ રહેલી રોશનીનાં અનેક રંગો તરફ જોઈ રહેલો સિદ્ધાર્થ નેહાનો પ્રશ્ન સાંભળીને હળવું મલકાયો. આમ તો બંને ક્યારનાં બ્રિજ ઉપર આવી પહોંચ્યાં હતાં. છતાં અંતર્મુખી સ્વભાવનો સિદ્ધાર્થ ચૂપચાપ ઊભો-ઊભો બ્રિજની લોખંડની પેરપેટનાં ટેકે આરામથી હાથ ટેકવીને નીચે નદીનાં પાણી ઉપર પડતી બ્રિજની રોશની સામે તાકી રહ્યો હતો.

વિચારે ચઢી ગયેલાં સિદ્ધાર્થને જોઈને છેવટે નેહાએ કઈંક વાત કરવાં એમજ સવાલ પૂછી લીધો.

“એને ભણવું’તું....!” નદીનાં પાણીમાં પડતી રોશની સામે તાકી રહીને સિદ્ધાર્થ ગમગીન સ્વરમાં બોલ્યો.

સિદ્ધાર્થનો ઉદાસ ચેહરો જોઈને નેહાનું મ્હોં પણ ઉદાસ થઈ ગયું. તે સમજી ગઈ કે સિદ્ધાર્થ ઝીલની વાત કરી રહ્યો હતો.

“પાઇલટ બનવું’તું એને...!” કેટલીક ક્ષણોનાં મૌન પછી સિદ્ધાર્થ ફરી એજ રીતે નદી સામે જોઈ રહીને બોલ્યો.

“મને એમ કે...! એને કુલદીપ ગમે છે...!” નેહા બોલી.

“કુલદીપ સારો છોકરો છે...!” સિદ્ધાર્થ એવાજ ધિમાં સ્વરમાં બોલ્યો “કોઈ વ્યસન નઈ...! કોઈ ફાલતુ લફડા નઈ....! ગામડાંનો માણસ છે.....! મોટાં જમીનદાર છે એનાં પપ્પાં...! નજર પહોંચે એટ્લે દૂર સુધી જમીન છે...! કુલદીપ પોતે મહેનતું છે...! અને એનાં પપ્પાંની જોડે જમીનમાં સારી એવી મહેનત કરે છે...!”

નદી સામે જોઈ રહીને બોલે જતો સિદ્ધાર્થ થોડું અટકાયો પછી આગળ બોલ્યો

....પણ થોડો નેરો માઈન્ડેડ પણ છે...! મેરેજ પછી ઝીલને ભણવાનું કે પાઇલટ બનવાનું તો દૂર...! કદાચ મને કે આરવને મળવા બરોડાં પણ નઈ આવવાં મળે...! ખાલી વર્ષમાં એકવાર રાખડી બાંધવા પૂરતું..! બસ...!”

“તો એનો મતલબ કે...!” સિદ્ધાર્થની વાતનો અર્થ પામી ગયેલી નેહા બોલતાં-બોલતાં અચકાઈ.

તેની સામે જોઈને સિદ્ધાર્થે કહ્યું શાંત સ્વરમાં કહ્યું “હાં....! આ મેરેજ ઝીલની મરજી વિરુદ્ધ થઈ રહ્યાં છે....!”

***

Thank you “Foram” (My Reader from Baroda)- બરોડાંના ફેમસ સ્ટ્રીટ ફૂડ કોર્ટ રાત્રિ બજાર વિષે મને જાણકારી આપવા માટે.

***

“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19