Love Revenge -2 Spin Off - 4 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-4

લવ રિવેન્જ-2

Spin Off

પ્રકરણ-4




કોલેજનું બીજું વર્ષ...


“ભાઈ....! બધાં મેરેજ પ્રસંગોમાં આપડાં બેયનું પપ્પાં જોડે જવું જરૂરી છે...!?” આરવે પોતાની શેરવાનીનાં કોલરનું ઉપલું બટન ખોલતાં-ખોલતાં જોડે ઉભેલાં સિદ્ધાર્થને ધીરેથી પૂછ્યું.

“છેલ્લાં પંદર દિવસમાં જેટલાં ઇન્વિટેશન હતાં....! પપ્પાં એ બધાંયને ત્યાં આપડને લઈ ગ્યાં છે...!” આરવ મોઢું બગાડીને બોલ્યો “અને એ પણ આવી બફારો મારતી ગરમીમાં ફરજિયાત શેરવાની પેરાવીને..!”

“હી...હી...!” આરવની જેમજ શેરવાની પે’રીને ઉભેલો સિદ્ધાર્થ હળવું હસ્યો પછી ટોંન્ટમાં બોલ્યો “કેમ...!? તું લાડકો નઈ એમનો...! ઇન ફેક્ટ બધાંનો...!?”

“બે યાર પણ બધાં મેરેજ ફંકશનમાં....!?”

“હી..હી...! તને નઈ ખબર....!?” સિદ્ધાર્થ ફરીવાર એજરીતે બોલ્યો “તું હવે મોટો થઈ ગ્યો છે...! એટ્લે એ તારું ગોઠવાઈ રહ્યું છે...!”

“વોટ નોનસેન્સ યાર...!” આરવે ફરીવાર મોઢું બગાડ્યું “હજૂ આ તો કઈં ઉમ્મર છે આપડી...!”

“અરે ખરેખર કવ છું યાર..!” સિદ્ધાર્થ ફરીવાર આરવને ચીડવતો હોય એમ બોલ્યો “આજકાલતો મમ્મી-પપ્પાંનું તારાં માટે એકજ ફેવરીટ ગીત છે...! હુઆ છોકરાં જવાન રે’….! હી..હી...!”

“વેરી ફની હાં...!” ચિડાયેલાં આરવે કટાક્ષમાં મોઢું બગાડ્યું.

“હાં..હાં....ભાઈ સાચું કવ છું...! એટ્લેજ તો પપ્પાં આપડને બેયને શૉ રૂમમાં જેમ નવી-નવી કારનાં મોડલ્સ બતાવતાં હોય એમ બધાં મે’માનોને બતાવે છે....!”

“હી...હી..હા નઈ...!” સિદ્ધાર્થ બોલ્યો અને આરવ પરાણે હસી પડ્યો “જોવો સર...! આ સિદ્ધાર્થ છે...! વીસ વર્ષ જૂનું મોડલ...! એકદમ સીધું ચાલનારું....! હી..હી....!”

“અને આ આરવ છે....!” હવે સિદ્ધાર્થ પણ એજરીતે મજાક કરતો હોય એમ બોલ્યો “આ પણ વીસ વર્ષ જૂનું મોડલ છે...! પણ પાવર સ્ટેરિંગ સાથે...! સહેજ ધ્યાન ભટક્યું...! તો આમથી તેમ ફરી જાય...!”

“હાં....હાં....હા...!” બંને ભાઈઓ હસી પડ્યાં.

“શું યાર....!” સિદ્ધાર્થની પીઠ ઉપર ધબ્બો મારીને આરવ બોલ્યો “આટલી નાની એજમાં મેરેજ...! સિરિયસલી...! ક્યારે સમજાશે આપડા લોકો...!”

“તો શું...!”

“પપ્પાં કેટલું ઘમંડથી આપડને બેયને બધાંને બતાવતાં હોય છે નઈ...!?” આરવ બોલ્યો.

“હમ્મ...!” સહેજ છેટે ઉભેલાં પોતાનાં પપ્પાં કરણસિંઘ સામે જોઈ રહીને સિદ્ધાર્થ બોલ્યો.

“ખબર નઈ શું વાતનો ઘમંડ છે એમને આપડી ઉપર...!?” આરવે મોઢું બનાવીને પૂછ્યું.

“હૂઁહ...! આપડે “છોકરાં” નઈ...!” માથું ધૂણાવીને સિદ્ધાર્થ કટાક્ષમાં બોલ્યો અને આરવથી પણ હળવું હસાઈ ગયું.

“અરે આરવ બેટાં...!” ત્યાંજ સામે ઉભેલાં કરણસિંઘે બંને તરફ જોયું અને બૂમ મારીને આરવને બોલાવ્યો.

સિદ્ધાર્થ પણ જોડે ઊભો હોવાથી તેમણે સિદ્ધાર્થને પણ આવવાં ઈશારો કર્યો.

“ચલો...! ભાઈ...!” સિદ્ધાર્થ ફરીવાર વ્યંગમાં બોલ્યો “શૉ રૂમમાં નવો કસ્ટમર આયો લાગે છે..!”

બંને ભાઈ હસતાં-હસતાં તેમનાં પિતાં કરણસિંઘ તરફ જવાં લાગ્યાં.

***

“આ મારો મોટો સિદ્ધાર્થ...!” કરણસિંઘ પોતાની સામે ઉભેલાં મહેમાનને પોતાનાં બેય છોકરાંઓની ઓળખ આપતાં બોલ્યાં “અને આ એનાથી દોઢ મિનિટ નાનો....! આરવ...!”

“આરવ...! સિદ્ધાર્થ....!” કરણસિંઘે બેયની સામે જોયું “આ અજયસિંઘ છે...! આરવ તું તો ઓળખતો હોઈશ....! વિદ્યાનાં પપ્પા....!”

“હાં....! હાં....! ઓળખ્યા...!” આરવે પરાણે એક ઔપચારિક સ્મિત કર્યું.

“વિદ્યા અ...” સિદ્ધાર્થે માથું નમાવીને હળવેથી આરવને પૂછ્યું.

“હાં...! એજ...! ચોથા ધોરણમાં જેનો ચોટલો મેં કાપી નાંખ્યો ‘તો...” આરવ પણ એજરીતે ધીમેથી બોલ્યો.

સિદ્ધાર્થથી પરાણે હસાઈ ગયું.

“મોઢું બંધ કર ભાઈ...!” સિદ્ધાર્થને હસતાં જોઈ આરવ નકલી ગુસ્સો કરતો હોય એમ દાંત દબાવીને બોલ્યો “એ વખતે તો પપ્પાંએ મને કોઈ સજા ન’તી આપી...! પણ આજે શ્યોર આપશે...!”

સિદ્ધાર્થ તો પણ હળવું હસ્યો.

“શેમાં ભણવાનું ચાલે છે બેટાં...!?” અજયસિંઘે આરવને પૂછ્યું.

“હમ્મ..! હેં...!? અ..! કોમર્સ...! બીજું વર્ષ...!” સિદ્ધાર્થ સામે જોઈ રહેલો આરવ તરત બોલ્યો.

“અચ્છા...! ભાઈ કરણ...!” અજયસિંઘે હવે કરણસિંઘ સામે જોયું “મને તો કોઈ પ્રોબ્લેમ નઈ....! તારાં બેય છોકરાં વિષેતો આખાં સમાજમાં ચર્ચા ચાલેજ છે...! આમારાં તરફથી તો હાંજ છે...!”

“અરે અમને પણ વિદ્યા ગમે જ છે અજય....!” કરણસિંઘ પણ સસ્મિત બોલ્યાં.

“તો પઈણી જાવને...!” સિદ્ધાર્થને કોણી મારી આરવ ધીરેથી ગમ્મત કરતાં બોલ્યો.

“હી..હી..!” સિદ્ધાર્થ માંડ પોતાનું હસવું ખાળી શક્યો “તો પછી વિદ્યાને આપડે શું કાઈને બોલાઈશું...! મમ્મી...!?”

“હી..હી..!” આરવથી પણ થોડું હસાઈ ગયું.

“હેં...! શું ક’યું..!?” કરણસિંઘે બેય છોકરાંની સામે જોયું.

“ભૂખ...અ...સિડને ભૂખ લાગી છે...!” આરવ થોથવાતી જીભે બોલ્યો “અમે જમી લઈએ....!”

“હાં...હાં...સારું...!” કરણસિંઘ બોલ્યાં.

તેમની જોડે ઉભેલાં અજયસિંઘે પણ હળવું સ્મિત કર્યું.

“ચલ ભાઈ ચલ...!” હોંઠ દબાવીને બોલતાં-બોલતાં આરવે સિદ્ધાર્થનું બાવડું પકડીને ખેંચવાં માંડ્યુ “નઈ તો આજે આપડા “પાપા ધી ગ્રેટ” બેયના ફેરાં અહિયાંજ ફેરવી નાંખશે...!”

“આજે ફેરવે કે ના ફેરવે...!” જતાં-જતાં સિદ્ધાર્થ બોલ્યો “પણ પપ્પાંનું મૂડ જોતાં એ તો નક્કી છે....કે દિવાળી પે’લ્લાં પે’લ્લાં...ચોક્કસ ફેરવી દેશે...!”

“જાણે અવે...!” બંને ભાઈઓ વાતો કરતાં-કરતાં ત્યાંથી નીકળી ગયાં.

“તો પછી આ રવિવારે વિદ્યાને અને ભાભીને લઈને આવો...! ઘર જોવાં...!” સિદ્ધાર્થ અને આરવના ગયાં પછી કરણસિંઘ અજયસિંઘ જોડે વાત કરવાં લાગ્યાં.

“હવે ખાલી ઘર શું જોવાનું...!?” અજયસિંઘ સ્મિત કરીને બોલ્યાં “બેય બાજુ “હાં” જ છે..! તો પછી ગોળ-ધાણાજ ખઈ નાંખીએને....! શું કેવું...!?”

“તે તો મારાં મનની વાત કઈ દીધી..!” કરણસિંઘ બોલ્યાં “તો રવિવારે પાકકું રાખીએ...!”

***

“અરે તું સવાર-સવારમાં આ ગિટાર લઈને ક્યાં ઉપડયો...!?” ખભે ગિટાર ભરાવીને બેડરૂમમાંથી સીડીઓ ઉતરીને ડ્રૉઇંગરૂમમાંથી બહાર જઈ રહેલાં આરવને ટોકતાં કરણસિઘે પૂછ્યું.

“કેમ...!? ક્યાં એટ્લે...! ગિટાર ક્લાસ બીજે ક્યાં...!?” આરવે સ્વાભાવિક જવાબ આપ્યો.

“અરે તને કેટલીવાર કીધું...!?” કરણસિંઘ સહેજ ચિડાઈને મોઢું બગાડીને બોલ્યાં “કે ગિટાર બીટાર જેવાં કામોમાં ફાલતું ટાઈમ વેસ્ટ ના કર...!”

“મેં પણ તમને કેટલીવાર કીધું...!” ટોંન્ટભર્યા સ્વરમાં આરવ શાંતિથી બોલ્યો “કે મારે સિંગર બનવું છે..! એટ્લે ગિટાર આવડવું જરૂરી છે...!”

“હવે સિંગર બનીને શું ઉકાળી લેવાનો તું..!?” કરણસિંઘ એજરીતે બોલ્યાં “પાર્ટી પ્લોતોમાં ગાતો ફરીશ એમ..!? વાત કરે છે..!? આટલી બધી જમીન છે...! લાકડાંનો ધંધો છે..! એ બધું કોણ જોશે...!?”

“સિદ્ધાર્થ જોવેજ છે...!”

“બધું એણે એકલાએ નઈ જોવાનું..! તું પણ કઈંક શીખ એનાથી...!”

“મેં કેટલીવાર કીધું કે મને એ બધાંમાં કોઈ રસ નઈ...! મારે લેટ થાય છે...!” આરવ બોલ્યો જવાં લાગ્યો.

“મેં કીધુંને તને...!” કરણસિંઘ વધુ ચિડાયાં અને આરવને ટોકીને બોલ્યાં “આજે વિદ્યાના મમ્મી-પપ્પાં ગોળધાણા ખાવાં માટે આવાનાં છે...! જા છાનોમાનો ઉપર જઈને તૈયાર થઈ જા...!”

“what….!?” આરવ ચોંકયો “શેનાં ગોળધાણા...!?”

“શેનાં એટ્લે...!?” કરણસિંઘ વધુ ચિડાયાં “તારી અને વિદ્યાની સગાઈના વળી...!”

“what નોનેસેન્સ....!?” આરવ તાડૂકયો “મારી સગાઈ છે....! અને તમે મને પૂછ્યું પણ નઈ...!?”

“એમ...!? હવે મારે તને બધું પૂછી પૂછીને કરવાનું...!?” કરણસિંઘ કટાક્ષ કરતાં બોલ્યાં “એટલો મોટો થઈ ગ્યો તું નઈ...!?”

“શું બોલો છો તમે પપ્પાં...!?” આરવ હવે હતપ્રભ થઈ ગયો “મારી લાઈફનો આટલો મોટો ડીસીઝન તમે મને પૂછ્યા વગર કેમનો લઈ શકો...!?”

બંને હવે સામ-સામે ઊંચા સ્વરમાં બોલવા લાગતાં ઘરના અન્ય સભ્યો ડ્રૉઇંગરૂમમાં ભેગાં થઈ ગયાં.

કિચનમાંથી આરવનાં મમ્મી રાગિણીબેન સહિત ઉપરનાં માળેથી સિદ્ધાર્થ પણ દોડતો આવી ગયો.

“શાંત થઈ જાઓ...! શું કામ આટલી બધી બૂમો પાડો છો...!?” રાગિણીબેન કરણસિંઘને શાંત કરાવા બોલ્યાં.

“તો શું કરું..!?”કરણસિંઘ હવે રાગિણીબેન ઉપર તાડૂકયાં “મે’માન આવાની તૈયારી છે...! અને તારાં આ રાજકુમારને નખરાં સૂઝે છે...!?”

“એમાં નખરાં શું...!?” આરવ પણ સામે એજરીતે બોલી રહ્યો હતો “મારે સિંગર બનવું છે...! મેરેજ-બેરેજ કરવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નઈ...! મારું નક્કી કરતાં પે’લ્લાં મને પૂછવું જોઈતું ‘તું ને...!”

બંનેનો ઝઘડો છેવટે વધતો રહ્યો. સિદ્ધાર્થે પણ વચ્ચે પડીને બંનેને શાંત કરાવાંનો પ્રયત્ન કરી જોયો. જોકે બંને માંથી કોઈએ નમતું નાં જોખ્યું.

“ટ્રીન...ટ્રીન.....ટ્રીન.....!” ત્યાંજ કરણસિંઘનાં મોબાઈલની રિંગ વાગી.

“હાશ...!” મોબાઈલની રિંગ વાગતાંજ ઝઘડો અટક્યો અને સિદ્ધાર્થે હાશકારો અનુભવ્યો.

“હાં...! બોલ અજય...!” કરણસિંઘે ફોન ઉપાડતાંજ કહ્યું.

ચિડાયેલો આરવ હજીપણ મોઢું બગાડીને ત્યાંજ ઊભો હતો.

“કયાં નંબરનો બંગલો....!?” સામે છેડેથી અજયસિંઘે પૂછ્યું “અમે સોસાયટીમાં આઈ ગ્યાં છે...!”

“સોસાયટીમાં આઈ ગ્યાં...!?” કરણસિંઘ હાફળાં-ફાંફળા સ્વરમાં બોલ્યાં “તમે ગેટેજ ઊભાં’રો...! હું રઘુનાથને મોકલું છું...લેવાં માટે....!”

“હાં…. સારું...!” એટલું કહીને બંનેએ કૉલ કટ કર્યો.

“એ લોકો આઈ ગ્યાં છે...!” કરણસિંઘે પહેલાં આરવ સામે પછી સિદ્ધાર્થ અને રાગિણીબેન સામે અને છેલ્લે ફરીવાર આરવ સામે જોઈને કડક સ્વરમાં કહ્યું “ઉપર જાં અને તારો આ તારવાળો તંબૂરો ફેંક અને તૈયાર થા...! મારે કોઈ માથાકૂટ નાં જોઈએ...! હું એમને લઈને આવું છું...!”

“રાગિણી...!” કરણસિંઘે ફરીવાર તેમની પત્ની તરફ જોયું “કિચનમાં તૈયારીઓ જોઈલે ફટાફટ...! અને સિદ્ધાર્થ....!” કરણસિંઘે હવે સિદ્ધાર્થ સામે જોયું “તારાં આ લાડકા ભાઈને તૈયાર કરીને જલ્દી નીચે લાવ....!”

એટલું કહીને ઉતાવળા પગલે કરણસિંઘ મેઈન ડોર તરફ જતાં રહ્યાં. સિદ્ધાર્થ આરવ સામે જોઈને કઈંક કહેવાંજ જતો હતો ત્યાં તો આરવ સીડીઓ ચઢીને તેનાં બેડરૂમ તરફ જતો રહ્યો.

માથું ધૂણાવતો-ધૂણાવતો સિદ્ધાર્થ પણ આરવની પાછળ ગયો.

***

“આ શું કરે છે...!?” સિદ્ધાર્થ હજીતો આરવનાં રૂમમાં પહોંચ્યોજ હતો ત્યાં તેણે જોયું કે વૉર્ડરોબમાંથી કપડાં કાઢી બેડ ઉપર મૂકેલી નળાકાર લેધરની હેન્ડબેગમાં આરવ કપડાં ઠૂંસી રહ્યો હતો.

“શું દેખાય છે તને...!?” આરવ ચિડાઈને સહેજ મોટેથી બોલ્યો.

“અરે પણ પપ્પાંનો ગુસ્સો તું મારી ઉપર શું કામ કાઢે છે...!?”

કઈંપણ બોલ્યાં વગર આરવ બેગમાં કપડાં ભરી રહ્યો. તેનાં ચેહરા ઉપરનો ગુસ્સો વધતો જતો હતો.

“યાર શું કરે છે તું એ કઈશ મને..!?” સિદ્ધાર્થે એક ડગલું નજીક જઈને ફરીવાર પૂછ્યું.

“ભાગું છું અહિયાંથી...!” આરવે સપાટ સ્વરમાં કહ્યું અને બેગની ચેન બંધ કરી.

“what…!? શું બોલે છે તું...!?” સિદ્ધાર્થ ચોંકી ગયો અને આંખો મોટી કરીને બોલ્યો “તારું મગજ ઠેકાણે છે...!?”

“એ વાત તું પપ્પાંને કે’….!” આરવે ટોંન્ટ માર્યો.

બેડ ઉપર પડેલું ગિટાર ઉઠાવીને આરવે તેનો પટ્ટો તેનાં ખભે ક્રોસમાં ભરાવ્યો. કપડાં ભરેલી બેગ પણ એક સાઈડ ખભે ભરાવીને આરવે સિદ્ધાર્થ સામે જોયું.

“ભાઈ નીચે મે’માન આવાની તૈયારી છે...!” સિદ્ધાર્થ હવે હતપ્રભ થઈને આરવ સામે જોઈ રહ્યો “તું ખરેખર ભાગે છે...!?”

“હાં...!” આરવ શાંતિથી બોલ્યો “છૂટકોજ નઈ...!”

“તો હું નીચે શું કઈશ...!?” આરવ હવે રૂમની બાલ્કની તરફ જવાં લાગતાં સિદ્ધાર્થ તેની પાછળ-પાછળ જવાં લાગ્યો.

“મને ખબર છે તું જોઈ લઇશ....!” આરવ સ્મિત કરીને બોલ્યો “તે દર વખતે મને સપોર્ટ કર્યોજ છે...! આ વખતે પણ કરજે...!”

“પણ તું જઈશ ક્યાં...!? રે’વાનું ક્યાં..!? ખાવાનું...!?”સિદ્ધાર્થે ચિંતાતુર સ્વરમાં એકસાથે બે-ત્રણ પ્રશ્નો પૂછી લીધાં.

“એ બધું હું જોઈ લઇશ....!” આરવ બોલ્યો અને બાલ્કનીની પેરપેટની જોડે લોખંડની પાઈપ ઉપર હાથ મૂક્યો “તું અહિયાં જોઈ લેજે...! હવે તો હું સિંગર બનીનેજ પાછો ફરીશ...!”

એટલું કહીને આરવે બાલ્કનીની પેરપેટ ઓળંગી અને પાઈપ ઉપર પોતાનાં બંને હાથ-પગ ટેકવીને ધીરે-ધીરે નીચે ઉતરવા લાગ્યો.

સિદ્ધાર્થ હતપ્રભ અને ચિંતાતુર નજરે આરવને પાઈપ વડે નીચે ઉતરતાં જોઈ રહ્યો.

“કઈં જરૂર પડે....! તો કૉલ કરજે...!” છેક નીચે ઉતરવા આવી ગયેલાં આરવને સિદ્ધાર્થે સહેજ ઊંચા સ્વરમાં કહ્યું.

જવાબમાં આરવે નીચે ઉતરીને હળવાં સ્મિત સાથે સેલ્યુટ કર્યું અને આંખ મીંચકારીને દોડાદોડ આગળની બાજુ ઘરનાં કમ્પાઉન્ડની બાઉન્ડરી વૉલ તરફ ભાગ્યો.

ઘરની દીવાલની આડાશમાં રહીને મુખ્ય ગેટ તરફ આરવે બે-ઘડી જોયે રાખ્યું.

તેનાં પપ્પાં કરણસિંઘ અજયસિંઘ અને અન્ય મહેમાનોને લઈને ચાલતાં-ચાલતાં ઘરનાં મેઈન ડોર તરફ જઈ રહ્યાં હતાં. અજયસિંઘે તેમની કાર ઘરની પૉર્ચની આગળ કમ્પાઉન્ડનાં ખાલી ભાગમાં પાર્ક કરી હતી.

થોડીવાર બાદ જ્યારે બધાં ઘરમાં પ્રવેશી ગયાં, આરવ ઝડપથી દોડ્યો અને ગેટની જોડેનાં પાર્કિંગ શેડમાં પડેલાં તેનાં રોયલ એન્ડફિલ્ડ પાસે આવીને લોક ખોલતાં-ખોલતાં સીટ ઉપર બેસી ગયો.

બાઇકનો સેલ મારી પહેલાં ગિયરમાંજ આરવે પિકઅપ આપી બાઇક મેઈન ગેટની બહાર મારી મૂક્યું. ગેટમાંથી બહાર નીકળતાં-નીકળતાં આરવે એક નજર બાઇકનાં સાઈડ મિરરમાં દેખાતાં પોતાનાં ઘરનાં મેઈન ડોર તરફ જોયું. હળવું સ્મિત કરીને આરવે બાઇકનો ગિયર બદલી રેસ વધારી દીધી.

“આરવ ક્યાં છે...!?” આ બાજુ કરણસિંઘ સિદ્ધાર્થને પૂછી રહ્યાં હતાં.

“અમ્મ....!” થોથવાઈ ગયેલો સિદ્ધાર્થ બે-ઘડી વિચારમાં પડી ગયો પછી બોલ્યો “ગિટાર ક્લાસમાં ગયો...!”

***

“અરે યાર અત્યારે ક્યાંથી...!?”અચાનક તૂટી પડેલાં વરસાદને લીધે પોતાનું બાઇક રોડની સાઈડમાં લગાવતાં-લગાવતાં આરવ બબડ્યો.

ઘરેથી ભાગી નીકળ્યાં પાછી આરવ અમદાવાદ જવાં નીકળ્યો હતો. જુલાઈ મહિનાંની શરૂઆતમાંજ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદી માહોલ જામી ગયો હતો. છેલ્લાં બે-ત્રણ દિવસથી તો વળી વારેઘડીએ જોરદાર વરસાદી ઝાપટાંઓ તૂટી પડતાં હતાં.

રસ્તાની એક સાઈડે ચ્હાની કીટલી આગળ બાઇક ઊભું કરી આરવ સીધો દોડાંદોડ કીટલીના છાપરા નીચે આવી ગયો. ખભે ભરાવેલી કપડાંની બેગ અને પીઠે ભરાવેલું ગિટાર કીટલીના છાપરાના ટેકે મૂકી આરવે કીટલીમાં કામ કરતાં છોકરાંને ચ્હા માટે ઈશારો કર્યો અને ટેબલ ઉપર બેઠો.

“હાથ ભીનાં છે....!” મોટેભાગે પલળી ગયેલાં આરવે ભીનાં હાથને લીધે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળ્યું.

“થેન્ક યુ...” ચ્હાવાળો છોકરો આરવની આગળ મુકેલાં પ્લાસ્ટિકના રેડ ટેબલ ઉપર ચ્હાનો કપ મૂકી જતાં આરવે કહ્યું અને પછી પોતાનું ગિટાર હાથમાં લઈ તેનાં તારનું ટ્યુનિંગ ચેક કરવાં લાગ્યો.

“તારો આ તારવાળો તંબૂરો ફેંક અને તૈયાર થા...!” આરવનાં કાનમાં હવે તેનાં પિતા કરણસિંઘનાં શબ્દો ગુંજવાં લાગ્યાં.

એવું નહોતું કે સિંગર બનવાની ઈચ્છાને લઈને આરવ અને તેનાં પિતા કરણસિંઘ વચ્ચે પહેલીવાર ઝઘડો થયો હોય. આ પહેલાં પણ ઘણીવાર આજ બાબતને લઈને તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી. જોકે આ પહેલાંની માથાકૂટ ફક્ત આરવની સિંગર બનવાની બાબતને લઈને થતી.

“તમારે આવું નો’તું કરવું જોઈતું પપ્પા...!” વિદ્યા જોડે જોરજોરાઈથી સગાઈની વાત યાદ કરીને આરવ મનમાં બબડ્યો.

“ટ્રીન....ટ્રીન...ટ્રીન...!” મોબાઈલની રિંગ વાગતાં વિચારોમાં ખોવાયેલો આરવ ઝબક્યો.

જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢીને આરવે સ્ક્રીન ઉપર નંબર જોયો.

“અત્યારે મૂડ નઈ ભાઈ...!” સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને આરવે મોબાઈલ પાછો પોકેટમાં મૂક્યો.

પોતાની આગળ પ્લાસ્ટિકના રેડ ટેબલ ઉપર પડેલો ચ્હાનો કપ ઉઠાવીને આરવ એક શ્વાસે કાંચનાં નાનાં ગ્લાસમાંથી બધીજ ચ્હા પી ગયો. ટેબલ ઉપરથી ઉઠી પોતાની બેગ અને ગિટાર ખભે ભરાવી ચ્હાનાં પૈસાં આપી આરવ પોતાનાં બાઇક ઉપર બેઠો.

“ટપ...ટપ...ટપ...!” હળવાં વરસાદનાં છાંટા હજીપણ ચાલુજ હતાં. આજુબાજુ ભરાયેલાં ખાબોચિયાંમાં પડતાં વરસાદનાં છાંટાં જાણે ધીમું મધુર સંગીત વગાડી રહ્યાં હતાં.

જોકે આરવે રોયલ એન્ફિલ્ડનો સેલ મારતાંજ વરસાદનું એ મધુર સંગીત એનફિલ્ડનાં એન્જિનનાં ભારે અવાજમાં દબાઈ ગયું. બાઇક વળાવી આરવે મેઇન રોડ ઉપર લીધું.

“અમદાવાદ....! 110 કિલોમીટર...!” રસ્તાની એકબાજુ અંતર દર્શાવતાં બોર્ડ ઉપરનું લખાણ જોઈ આરવે મનમાં વાંચ્યું અને અને ગિયર બદલી બાઇકની સ્પીડ વધારી દીધી.

***

“ટ્રીન....ટ્રીન...ટ્રીન...!” મોબાઈલની રિંગ વાગતાં આરવે બાઇક સહેજ ધીમું કર્યું અને રસ્તાની એક બાજુએ કર્યું.

બરોડાંથી નીકળેલો આરવ છેવટે અમદાવાદ આવી પહોંચ્યો હતો.

“અરે યાર સિડ....!” આરવના બરોડાંથી નીકળ્યાં પછી સિદ્ધાર્થે અનેકવાર કૉલ કર્યો હતો. જોકે મૂડ ના હોવાથી આરવે એકેયવાર સિદ્ધાર્થનો કૉલ રિસીવ નહોતો કર્યો.

સિદ્ધાર્થના વારંવાર કૉલથી છેવટે કંટાળીને આરવે બાઇક રસ્તાની એકબાજુએ ઊભું કર્યું અને બાઇક ઉપરથી ઉતર્યો. ખભે ભરાવેલું બેગ બાઇકની ટાંકી ઉપર સ્ટિયરિંગના ટેકે મૂકી આરવે સિદ્ધાર્થનો કૉલ રિસીવ કર્યો.

“હાં...બોલને ભાઈ...!” કૉલ રિસીવ કરતાંજ આરવ તદ્દન નોર્મલ સ્વરમાં બોલ્યો અને રસ્તાની પેવમેંન્ટ ઉપર ચઢ્યો.

બાઇકની નજીક પેવમેંન્ટ ઉપર આમ-તેમ ચાલતાં-ચાલતાં આરવ સિદ્ધાર્થ સાથે વાત કરવાં લાગ્યો.

“શું બોલને...!? ક્યાં છે તું..!?” સામેથી સિદ્ધાર્થ અકળાયો હોય એમ બોલ્યો.

“અરે કેમ...!? તને ખબર તો છે...!” આરવ બોલ્યો “તારી સામેજ તો ગયો હું...!”

“તું ભાગ્યો એ વાતની ખબર છે...! ક્યાં ગયો એ નઈ...!” સિદ્ધાર્થ બોલ્યો “હવે બોલ ક્યાં છે તું...!? અહિયાંતો ઘરની બા’ર અને અંદર ભારે વરસાદ પડ્યો છે...!”

“હી...હી...! અમદાવાદમાં તો કશુંજ નઈ...!” આરવ બોલ્યો.

“તું અમદાવાદ પોં’ચી ગ્યો...!?” સિદ્ધાર્થ ચોંકયો.

“ઓહ તેરી...! નાઈસ ટ્રિક હાં ભાઈ....!” આરવ માથે હાથ દઈને બોલ્યો.

“યાર તું અમદાવાદ જતો ‘ર્યો...! અને કીધું પણ નઈ...!?”

“તું એ છોડને ભાઈ...! મારાં ગ્યાં પછી શું થ્યુ એ કે’ને...!” આરવે વાત બદલાતાં પૂછ્યું.

“જે થવાનું હતું...!” સિદ્ધાર્થ નિ:સાસો નાંખતો હોય એમ બોલ્યો “પપ્પાએ પૂછ્યું તો મેં કીધું કે તું ગિટાર ક્લાસમાં ગયો છે...!”

“ઓહ..! પછી...!?”

“પછી શું...!? તને ફોન કરવાનું કીધું...! પાછાં બોલાવાં માટે...! મેં તને ફોન કરવાનું નાટક પણ કર્યું...! પણ પપ્પાને ખબર પડી ગઈ...! કે દાળમાં કઈંક કાળું છે..!”

“ઓહ તેરી...! તો શું બોલ્યાં એ ...!?”

“કઈં નઈ...!”

“શું કઈં નઈ..!?” આરવને જાણે વિશ્વાસના હોય એમ બોલ્યો “હોતું હશે...!”

“અરે ભાઈ વાત તો પૂરી સાંભળ...!” સિદ્ધાર્થ સહેજ ચિડાઈને બોલ્યો “પપ્પાં તો તારાં વગરજ તારી સગાઈ નક્કી કરવાની વાત કરતાં ‘તા....! ઉતાવળિયા....! પણ વિદ્યાએ ના પાડી..!”

“કેમ...!?”

“અરે એણે કીધું કે આરવની હાજરી વિના નઈ...! અને આરવ પોતે હાં પાડે તોજ...! પછી તો અજયસિંઘે પણ એવુંજ કીધું...!”

“વાહ...! વાત પુરીને તો ‘તો...!?”

“શું વાત પૂરી...!?” સિદ્ધાર્થ ફરી ચિડાયો “એમનાં ગ્યાં પછી પપ્પાંએ મારી પથારી ફેરવી નાંખી...! આખાં ગામનું સંભળાઈ દીધું..! મને ફોર્સ પણ કર્યો...! કે હું સાચું કવ આરવ ક્યાં છે...!”

“તો ...!? તે શું કીધું..!?”

“મને નઈ ખબર...!”

“તને નઈ ખબર તે શું કીધું...!?” આરવ હવે સિદ્ધાર્થને ચિડાંવા લાગ્યો.

“માર ખઈશ હોં તું મારાં હાથનો...!” સિદ્ધાર્થ ચિડાયો “મને ખબર હોત તો હું કે’તને....!”

“હાં....હા.....!” આરવ હસ્યો અને પાછું ફરીને આમતેમ જોવાં લાગ્યો.

“ઘર્ર્રરર......! ઘર્ર્રરર......! ઠસ......!”

સિદ્ધાર્થ સાથે વાત કરી રહેલાં આરવની નજર હવે તેનાંથી સહેજ છેટે પેવમેંન્ટ ઉપર ઊભાં-ઊભાં રસ્તા ઉપર ડબલ સ્ટેન્ડ કરીને એક્ટિવાની કીકો મારી રહેલી એક સુંદર છોકરી ઉપર પડી.

તેણીએ મસ્ત મજાનો ઘૂંટણથી ઊંછો ઝૂલવાળો સ્લીવલેસ શોર્ટ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેણીનું એકટીવા બંધ પડી ગયું હોય એવું લાગતું હતું. જેથી ચિડાયેલી તે છોકરી બબડાટ કરતી-કરતી એકટીવાનું સ્ટીયરીંગ પકડી રાખીને પેવમેન્ટ ઉપર ઉભી-ઊભી કીકો મારી રહી હતી.



“ચાલુંથા ને ચાલું થા.....!” ગુસ્સે થઈ ગયેલી તે હવે વધુ ચિડાઈ અને સહેજ મોટેથી બોલવા લાગી.

આરવ તેણીથી વધુ દૂર ના હોવાને લીધે તે શું બોલી રહી હતી તે આરવને સંભળાઈ રહ્યું હતું. તેણીની સુંદરતાંમાં ખોવાયેલો આરવ મોબાઈલ કાને ધરીને તેણીને નિહાળી રહ્યો. મસ્ત મજાનાં લિપસ્ટિક લગાવેલાં હોંઠ, ચપોચપ ફીટીંગવાળાં ડ્રેસમાં દેખાતો તેની પાતળી કામણગારી કમરનો એ ઘાટ. શોર્ટ ડ્રેસમાં ખુલ્લાં લીસ્સાં તેણીનાં પગ અને વરસાદી વાતાવરણની મસ્ત ઠંડી હવામાં લહેરાતાં તેણીનાં લાંબા, સીધાં છૂટાં વાળ.

તેણીએ પગમાં પહેરેલી ઉંચી હીલને લીધે કિક મારવાંમાં અગવડ થઈ રહી હોવાનું આરવે નોટિસ કર્યું. ઘણી કીકો માર્યા પછી પણ એકટીવા ચાલું ના થતાં તે છોકરી હવે થાકી-કંટાળીને આમતેમ જોવાં લાગી.

“અરે ક્યાં ખોવાઈ ગ્યો...!?” આરવે કોઈ જવાબ ના આપતાં સામે છેડેથી સિદ્ધાર્થે પૂછ્યું.

“ઓહ...! હાં....હાં....બોલને...!” આરવ જાણે થોથવાયો હોય એમ સામે ઊભેલી એ છોકરી સામે જોઈ મોબાઈલ ઉપર સિદ્ધાર્થ સાથે વાત કરવાં લાગ્યો.

આરવે જોયું કે એક્ટિવાંની કીકો મારી-મારીને થાકી હોય એમ તે છોકરી રીલેક્સ થતી હોય એમ તેણીની ગરદન આમ-તેમ ઉપરનીચે ફેરવી રહી હતી.

થોડીવાર પછી તેણીને આકાશમાં ઘેરાયેલાં કાળાં દિબાંગ વાદળો બાજુ એક નજર જોઈને ફરીવાર તેનાં એક્ટિવાને કીકો મારવાની શરૂ કરી.

“શું બોલને..!?”સામેથી સિદ્ધાર્થ બોલ્યો “ક્યારે પાછો આઈશ...!? પપ્પાં પૂછે તો મારે શું કે’વાનું...!?”

“તું પપ્પાને સાચવી લે બ્રો....! હું હવે હમણાં પાછો નઈ આવું....!” આરવ બોલ્યો અને પાછું એજ છોકરી તરફ જોયું.

એકટીવાની કિક મારીને થાકીને ઊભી રહેલી તેણીની નજર હવે આરવ ઉપર પડી. અતિશય સુંદર એવી તે છોકરીની નજર આરવ ઉપર પડતાંજ આરવ સહેજ ટાઈટ થઈને ઊભો રહ્યો અને તેણી સામે મલકાઈને જોઈ રહ્યો.

“પણ ભાઈ...! ધંધો પણ મારે સંભાળવાનો…! ખેતી પણ મારેજ જોવાની....!” સિદ્ધાર્થ ફરિયાદ કરતો હોય એમ બોલ્યો “કમસે કમ લાકડાંનાં ધંધામાં તો બેસ...! મારી થોડી હેલ્પ થશે....!”

“અરે નઈ ભાઈ .....! મારે એ ધંધા ઉપર નઈ બેસવું હોં.....! તું જ સંભાળ એ બધું....!” આરવ બોલ્યો અને એ છોકરી સામે જોઈ રહ્યો.

તે યુવતીએ આરવ ઉપર એક નજર નાંખી અને ઉભી-ઉભી આમ-તેમ ડાફોળિયાં મારી રહી હતી.

થોડીવાર પછી જેમ-તેમ કરીને તેણીએ ફરીવાર એકટીવાની કિક મારવાંની શરુ કરી.

“ચલ મૂકું...! બાય...!” ઝડપથી બોલીને આરવે તરતજ સિદ્ધાર્થનો કૉલ કટ કર્યો.

સિદ્ધાર્થ “હેલ્લો...હેલ્લો” બોલતો રહ્યો.

“શું કરું...!? હેલ્પ કરું એની...!?”કીક મારી રહેલી તે યુવતી ઉપર દયા આવી જતાં આરવ મનમાં બબડ્યો.

કિક મારતાં-મારતાં તેણીની નજર હવે પેવમેન્ટ ઉપર ઉભેલાંઆરવ ઉપર ફીરવાર પડી.

એકીટશે આરવ હજીપણ મુગ્ધ નજરે તેણી સામે જોઈ રહ્યો હતો. તે યુવતીએ મોઢું નીચું કરીને ઘમંડથી સ્મિત કર્યું અને ચેહરા ઉપર આગળ આવી ગયેલી તેનાં લાંબા ખુલ્લાં વાળની લટ ઝાટકીને પાછળ કરી. કેટલીક ક્ષણો સુધી તે યુવતી કોઈવાર તે આરવ સામે તો કોઈવાર આમતેમ જોઈ રહી અને મલકાઈ રહી.

“અમ્મ...! સ્માઇલ તો કરે છે...!” પોતાની સામે જોઈને તે યુવતી સ્માઇલ કરી રહી છે એમ માની આરવ પણ મનમાં મલકાયો.

તે યુવતીની હેલ્પ કરવી કે નાં કરવી એ ગડમથલમાં ગૂંચવાયેલો આરવે થોડીવાર સુધી જયારે કંઈજ ના કર્યું અને પોતાની જગ્યાએ એમજ ઉભો રહ્યો, તો તે યુવતી ચિડાઈ હોય એમ ફરીવાર તેનાં એકટીવાની કીકો મારવાં લાગી.

“આમ ઉભો-ઉભો શું જોઈ રહ્યો છે ઠોયાં જેવો.....!” આખરે તે યુવતી ગુસ્સે થઈ ગઈ હોય એમ મોટેથી ઘાંટો પાડીને તે આરવને બોલી “કોઈ છોકરી પ્રોબ્લેમમાં હોય...તે એની મદદ કરવાની ભાન નથી પડતી.......!”

ઘાંટો પાડીને બોલતી-બોલતી તે યુવતી બે-ત્રણ ડગલાં ઉતાવળે ભરી આરવની નજીક જઈ આવી ગઈ.

“ આ ગીટાર લઈને છોકરીઓ સામે કલર કરવાનાં સારાં લાગે છે....!” પીઠ ઉપર લટકાવેલા ગીટાર સામે જોઈને તે યુવતી ગુસ્સાંથી બોલી “પણ કોઈ છોકરી પ્રોબ્લેમમાં હોયતો એની મદદ કરવાની ખબર નઈ પડતી.....!”

ઘાંટા પાડીને બોલતાં-બોલતાં તેણીએ પોતાની આંખો મોટી કરી.

“પ..પ....પણ હું તો ....!” તેણીનો ગુસ્સો જોઈને આરવ થોથવાઈ ગયો.

“શું હું તો...! હેં...!? શું હું તો.....!?” મોટેથી બોલતી તે યુવતી વધુ એક ડગલું તે આરવ તરફ ધસી.

“હું...હું....ચાલું કરી આપું....!” થોથવાઇને બોલતો-બોલતો આરવ તરતજ તેણીના એકટીવા તરફ ઉતાવળાં પગલે ગયો.

એક્ટિવાં પાસે આવીને આરવે એક હાથે એક્ટિવાંનું એક્સિલેટર પકડ્યું અને બ્રેક દબાવી રાખીને એક્ટિવાંની કીકો મારવાં લાગ્યો.

“ઘર્ર્રરર......! ઠસ....! ઘર્ર્રરર......! ઠસ......!”

તે યુવતી અદાથી તેણીની ભ્રમરો સંકોચી આરવની જોડે અદબવાળીને ઉભી રહી.

“જોરથી કિક માર.....!” આરવ જાણે કોઈ ગેરેજવાળો હોય એમ તે યુવતી તેને ધમકાવતાં બોલી.

ગુસ્સાંમાં ક્યૂટ લાગતી તે યુવતીનાં ચેહરાને જોઈને આરવથી હસાઈ ગયું.

“શેનું હસું આવે છે તને....!?” આરવને હસતો જોઇને તે વધુ ચિડાઈ.

“ક...કંઈ નઈ....!” માંડ પોતાનું હસવું દબાવી રાખીને આરવ બોલ્યો.

મોઢું બગાડીને તે યુવતી આરવને કિક મારતો જોઈ રહી.

“મારે લેટ થાય છે....!” થોડીવાર પછી પણ કિક મારવાં છતાં જયારે આરવથી એકટીવા ચાલું ના થયું, તો તે યુવતી પોતાનાં કોઈ એમ્પ્લોયી ઉપર બોસની જેમ ગુસ્સો કરતી હોય એમ બોલી.

“સોરી હા.....! પણ લાગે છે તમારું એકટીવા મરી ગ્યું......!” કીકો મારી-મારીને થાકેલો આરવ બોલ્યો “તમે હવે આનું બેસણું રાખીદો.....!”

“શું....!? હી...હી...હી...!” તે યુવતી પરાણે હસી પડી હોય એમ દાંત કાઢીને હસી પડી.

સ્માઈલ કરતી તે યુવતીનાં મોતીનાં દાણાં જેવાં દાંત આરવ મુગ્ધાતાંપૂર્વક જોઈ રહ્યો.

“તમારે ક્યાં જવું છે....!? હું ડ્રોપ કરી દઉ....!?” આરવે ભોળાં ભાવે પૂછ્યું.

“મારે HL કોલેજ જવું છે....!”

“અરે વાહ....! હું પણ HL જઉં છું.....!” આરવ ખુશ થતાં બોલ્યો.

“અચ્છા....! તો હવે તારે પણ HLજ જવાનું છે એમ....!?” તે યુવતી વ્યંગ કરતાં બોલી “જૂની રીત થઈ ગઈ આ.....છોકરીઓ પટાવાની......!”

“અરે એવું નથી...! HLતો મારાં મા....!”

“હા હા.....! ઠીક છે ઠીક છે....! ચાલ હવે....!” આરવને ટોકી તે યુવતી તોછડાઈથી બોલી “મારે ઓલરેડી ઘણું લેટ થઈ ગ્યું છે....! ફટાફટ તારું બાઈક સ્ટાર્ટ કર....!”



“અને તમારું એકટીવા.....!?” આરવ પોતાની આદત પ્રમાણે સભ્ય ભાષામાં તે અજાણી યુવતીને સંબોધી રહ્યો હતો.

“હું મારાં પપ્પાને ફોન કરી લઉં છું.......!” તેણીએ હવે એકટીવાની આગળ પડેલી તેણીની હેન્ડબેગ ઉઠાવી અને તેમાંથી પોતાનો મોબાઈલ કાઢતાં સહેજ ચિડાઈને બોલી “તું તારું બાઈક ચાલું કર જલ્દી.....!”

“હાં....હાં....! કરું.....!” ફરીવાર બદલાયેલો તેણીનો મૂડ જોઇને આરવ પોતાની બાઈક તરફ ગયો. તે યુવતી પણ આરવની પાછળ-પાછળ આવવાં લાગી.

“હાં....! પપ્પા....! એકટીવા બંધ પડી ગયું છે....!” આરવની પાછળ જતાં-જતાં તે સહેજ મોટેથી બોલી “શ્યામલ ચાર રસ્તા પાસે....! લેવડાઈ લેજો બાય....!”

પોતાની વાત પૂરી કરી દઈને તેણીએ ફોન કટ કરી દીધો. પોતાનાં એનફિલ્ડ પાસે પહોંચીને આરવે તેનો સેલ માર્યો.

“આ તારા ગીટારનો ડબ્બો ખસેડને....! હું બેસીસ ક્યાં...!?” બાઈક ચાલું કરીને ઉપર બેઠેલાં તે યુવાનની પીઠ ઉપર બાંધેલાં ગીટારને જોઈને તેણી એજરીતે ચિડાઈને બોલી.

“હ...હાં....હાં.....લઈ લઉં....!” તેણીનાં ગુસ્સાંથી ફફડેલાં આરવે ફટાફટ તેનું ગીટાર પીઠ ઉપરથી લઈને આગળ લીધું. આરવની પાછળ બેસવાં તે યુવતીએ આરવનાં ખભે હાથ મૂક્યો અને ઠેકડો મારીને આરવની પાછળ બેઠી.

જેમ-તેમ ગીટાર આગળ પોતાનાં ખભાંને ટેકે એક સાઈડ રાખીને તે આરવે હવે તેનાં બાઈકનું ડબલ સ્ટેન્ડ ઊંચું કર્યું અને એક્સીલેટર ઘુમાવીને મોટો અવાજ કરતુ તેનું રોયલ એનફિલ્ડ બાઈક હવે યુનિવર્સિટી રોડ તરફ મારી મુક્યું.

***

“હાં..... હાં.....! અહિયાંજ....!આજ HL છે....!” આરવની બાઈક પાછળ બેઠેલી એ અજાણી યુવતીએ સામે દેખાતાં HL કોલેજના ગેટ સામે હાથ કરીને કહ્યું.

એ અજાણી યુવતીનાં કાતિલ રૂપથી ઘવાયેલો આરવ બાઇક પાછળ તેને અડીને બેઠેલી તે યુવતીનાં શરીરમાંથી આવતી પરફ્યુમની એ માદક સુગંધને છેક HL કોલેજ પહોંચ્યાં ત્યાંસુધી માણતો રહ્યો હતો.

“એમ....!?મને નો’તી ખબર ....! હું નવો છું અહિયાં....!” આરવ જાણે વ્યંગ કરતો હોય એમ હસીને બોલ્યો અને બાઈકની સાઈડ લાઈટ બતાવીને બાઈક કોલેજનાં ગેટ આગળ લીધું.

“એમાં હસવાની શું વાત છે...!?” તે ફરી ચિડાઈ.

“અરે કંઈ નઈ.....! હું તો....!”

“હાં...હાં....ઠીક છે....!” તેણીએ ફરીવાર તોછડાઈ પૂર્વક આરવની વાત કાપી.

આરવ કરતાં તદ્દન જુદું તે યુવતીનું બિહેવિયર આરવ સાથે સાવ રૂડ અને તોછડાઈભર્યું રહ્યું હતું.

માથું ધુણાવીને આરવ ફરી હસ્યો અને તેણે બાઈક ધીમું કરીને કોલેજના ગેટ આગળ ઉભું રાખ્યું.

બાઈક ઉપરથી ઉતરી રહેલી તે યુવતીને પોતાની ઓળખ આપતાં આરવે હાથ લાંબો કરીને કહ્યું –

“માય નેમ ઈઝ......!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ તેણીનાંનાં મોબાઈલની રીંગ વાગી.

“હાં....! બસ કોલેજના ગેટ આગળ આઈજ ગઈ છું.....!” આરવની વાતની પરવા કર્યા વિના તેણી હવે કોલેજના ગેટ આગળ ઉભાં રાખેલાં તેનાં બાઈક ઉપરથી ઉતરી અને કંઈપણ બોલ્યાં વગર તે સીધી કોલેજના ગેટ તરફ ઉતાવળા પગલે ચાલી ગઈ. આરવ તરફ પાછું ફરીને જોયાં વગરજ કે તેને “થેન્ક યુ” પણ કહ્યાં વગર તે યુવતી કોલેજ કેમ્પસમાં એન્ટર થઈ ગઈ.

માથું ધૂણાવીને સ્મિત કરતો-કરતો આરવ તે યુવતીને પોતાનાં મામાં સુરેશસિંઘની કોલેજ એચએલનાં કેમ્પસમા જતી જોઈ રહ્યો. ઘાટીલું ફિગર ધરાવતી તે યુવતી મોડલની જેમ કેટવોક કરતી-કરતી જઈ રહી હતી. તેનું અત્યંત ઘમંડી બિહેવિયર, છતાં કોણ જાણે કેમ આરવને તે યુવતી પહેલી નજરમાંજ ગમી ગઈ.

જ્યાં સુધી તે અજાણી યૂવતી આરવની નજરથી ઓઝલ થઈ ત્યાંસુધી તેણે તેણીને જોયે રાખી. થોડીવાર પછી પોતાનું બાઈક ગેટની જોડે બાઉન્ડરી વૉલ પાસે મૂકીને આરવ ચાલતો-ચાલતો કોલેજ કેમ્પસમાં દાખલ થયો.

“અમ્મ....! એક્સક્યુઝમી..!” સામેથી આવી રહેલાં એક સ્ટુડન્ટને ટોકીને આરવે પૂછ્યું “ટ્રસ્ટી સાહેબની ઓફિસ ક્યાં છે..!?”

“ત્યાં....! સામે...! કોરિડોરમાં સીધાં જતાં રે’જો...!” તે યુવાને કહ્યું અને આરવ સામે જોઈને ઊભો રહ્યો.

HLનાં ટ્રસ્ટી પોતાનાં મામાં સુરેશસિંઘની કેબિન ક્યાં છે એ આરવ જાણતો હોવાં છતાં આરવે જાણી જોઈને એ યુવાનને અટકાવ્યો હતો જેથી કરીને પોતે જે અજાણી યુવતીને લિફ્ટ આપી હતી તેણી વિષે કઈંક જાણી શકાય.

“અ....અત્યારે અહિયાંથી એક છોકરી ગઈ..! શોર્ટ ડ્રેસ પે’રેલી...!” આરવે સંકોચપૂર્વક પૂછ્યું “એનું નામ શું છે...!?”

“કેમ...!? તમારે શું કામ હતું...!?” ઓલાં યુવાને આંખ ઝીણી કરીને પૂછ્યું.

“અરે કેટલું રૂડ બિહેવ કરતી’તી એ..!?” આરવે જે મનમાં આવ્યું એ જૂઠું બોલી નાંખ્યું.

“ઓહ...! તો તમને પણ ખખડાયાં લાગે છે...!” તે યુવાને અનુમાન લગાવ્યું “એની કમ્પ્લેઈન કરવી છે...!?”

“અમ્મ....!”

“અરે એ એવીજ બલા છે....! ગમે તેમ બોલી નાંખે છે...! કરો...કરો એની કમ્પ્લેઈન .....!” તે યુવાન જાણે ભરોભાર નફરત સાથે બોલ્યો “એને તો આખી કોલેજ ઓળખે છે...! એનું નામ લાવણ્યા છે....!”

“એનું નામ લાવણ્યા છે....! લાવણ્યા છે....!” આરવનાં મનમાં અને કાનમાં એ નામ ગુંજવાં લાગ્યું “લાવણ્યા....લાવણ્યા....!”

***


નોંધ: કોરોનાનાં લીધે મારાં નજીકનાં ત્રણ સગાં સબંધીઓનાં દુખદ અવસાન થયેલાં હોવાથી હવે પછીનાં ચેપ્ટર લેટ થશે. જેની વાચકોએ નોંધ લેવી. (મારાં વાચકોને વિનંતીને પોતાનું અને પોતાનાં પરિવારનું ખાસ ધ્યાન રાખે તેમજ કોરોનાથી બચવા શક્ય એટલી સાવધાની વર્તે).

“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED