ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ! – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ! – દિવ્યેશ ત્રિવેદી

સિકંદર જેવા સફળ માણસો માટે એમનું શરીર એક બહુ મોટી અસ્ક્યામત બની રહેતું જોવા મળ્યું છે. સુખી અને આનંદદાયક જીવન જીવવા માટે શરીર કદાચ સૌથી વધુ મહત્વનું છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ ખાવા-પીવાનું અને મજાની ઊંઘનું સુખ સહેલાઈથી પામી શકે છે. એ ઉપરાંત સ્વસ્થ શરીર હોય તે કામ પણ સારી રીતે કરી શકે છે અને પરિસ્થિતિ તથા પર્યાવરણની પ્રતિકૂળતાઓનો પણ સારી રીતે સામનો કરી શકે છે. એનો અર્થ એ નથી કે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય એ જ સફળ થઈ શકે છે. જો એવું જ હોત તો બધા જ પહેલવાનો અને હટ્ટાકટ્ટા માણસો સફળ થતા હોત અથવા સફળતાનાં શિખરો સર કરનારા બધા જ લોકો સ્વસ્થ, તંદુરસ્ત અને પહેલવાન હોત. સફળ થનાર વ્યક્તિ પહેલવાન ભલે ન હોય, પરંતુ શરીર પ્રત્યેનો એનો અભિગમ અને દ્રષ્ટિકોણ અવશ્ય તંદુરસ્ત હોય છે.

ખરેખર જોવા જઈએ તો સંપૂર્ણ તંદુરસ્તી એ ખૂબ વહાલી અને લોભામણી લાગે એવી ક્લ્પના માત્ર છે. આખી દુનિયામાં એક પણ માણસ એવો નહિ મળે જેને કદી માથું ન દુઃખ્યું હોય, તાવ ન આવ્યો હોય, પેટમાં દુઃખ્યું ન હોય કે શરીરમાં નાની મોટી ગરબડ ન જ થઈ હોય. આપણે જાણીએ છીએ કે શરીર પર મનની પણ એટલી જ અસર થતી હોય છે. વળી આપણા શરીરે અનેક આંતરિક અને બાહ્ય પરિબળોની સામે પણ સતત ટક્કર ઝીલતા રહેવું પડે છે. ક્યારેક વાતાવરણ તો ક્યારેક ખોરાક તો ક્યારેક કોઈક હાડમારીઓ શરીર પર અસર કરે છે. આપણું શરીર જીવંત તત્વોનું બનેલું છે. લોખંડ કે લાકડા જેવી જડ વસ્તુને પણ કાટ અને ઉધઈ લાગી શકે છે. તો પછી જીવંત શરીર પર અસર થાય એમાં નવાઈ નથી. સવાલ આપણા શરીરને વિપરીત પરિબળોથી બચાવવાનો અને અવરોધક બળો સામે ટકાવી રાખવાનો છે.

દરેક વ્યક્તિને સંપૂર્ણ સ્વસ્થ શરીરની અપેક્ષા રાખવાનો પૂરોપૂરો અધિકાર છે. પરંતુ એ સ્વપ્ન પૂરું ન થાય કે ક્યારેક ખંડિત થાય ત્યારે નિરાશામાં સરકી જવાનું કારણ નથી. શરીર એક યંત્ર છે. ગમે તેવું ઉત્કૃષ્ટ અને મોંધામાં મોંધું યંત્ર હોય, પરંતુ એને યોગ્ય ઇંધણ અને ઉંજણ પ્રાપ્ત ન થાય તો એ ખોટકાઈ જાય છે. જે યંત્રને યોગ્ય ઇંધણ અને ઉંજણ મળે એ લાંબો સમય ચાલતું રહે છે. દરેક યંત્રની કામ આપવાની ચોક્ક્સ ક્ષમતા હોય છે. કોઈ પણ યંત્ર પાસેથી ગજા ઉપરાંત કામ લેવા જઈએ તો પણ એ ખોટકાઈ જાય છે. અમુક ચોક્ક્સ સમયના અંતરે એને આરામ આપવો પડે છે અને એની સારસંભાળ પણ લેવી પડે છે. રાત-દિવસ ચાલતી ફેકટરીઓ પણ સપ્તાહમાં એક દિવસ રજા રાખીને યંત્રોને આરામ આપે છે તથા ‘મેઈન્ટેનન્સ’ યાને રખરખાવ કે નિભાવ પાછળ સમય ખર્ચે છે. આ જ વાત શરીરને પણ લાગુ પડે છે.

કેટલાક માણસો એવી દલીલ કરતા હોય છે કે જીવન મળે એટલે મૃત્યુ નિશ્ચિત હોય છે. આપણે શરીરનું ગમે એટલું જતન કરીએ, પરંતુ મૄત્યુ લખાયું હોય એને કોઈ મિથ્યા કરી શકવાનું નથી. તો પછી શરીર માટે આટલી બધી કડાકૂટ શા માટે કરવી? આવી દલીલ સાવ ખોટી નથી તો સાવ સાચી પણ નથી. મૃત્યુ નિશ્ચિત છે એ સાચું, પરંતુ એ ક્યારે છે એ નક્કી નથી. કુદરતે મૃત્યુ નક્કી કર્યુ છે, પરંતુ એ ક્યારે આવે એ નક્કી કરવાનું બહુધા માણસ પર છોડયું છે. જીવન ભલે કુદરતી હોય, કેવી રીતે જીવવું એ માણસે નક્કી કરવાનું છે. જો આ વાત સંપૂર્ણપણે કુદરત કે ઈશ્વર જેવા કોઈક પરિબળે સંપૂર્ણપણે પોતાના હસ્તક જ રાખી હોત તો આજે સરેરાશ આયુષ્ય વધ્યું ન હોત. સાઇઠ સિત્તેર વર્ષ પહેલાં સરેરાશ આયુષ્ય ૩૭ વર્ષ ગણાતું હતું. આજે વધીને ૬૫ થી ૬૯ વર્ષનું થયું છે. આરોગ્યની સુવિધાઓ વધી છે, જાગૃતિ વધી છે અને શરીર પ્રત્યેની દરકાર પણ થોડી વધી છે. કેવું જીવન જીવવું છે એ જો યોગ્ય રીતે નક્કી કરી શકીએ તો કેટલું જીવવું છે એ પણ નક્કી થઈ શકે છે. કમ સે કમ આયુષ્ય-નિર્ધારણ પર આપણો નોંધપાત્ર પ્રભાવ આપણે સ્થાપી શકીએ છીએ.

શરીર પાસેથી ધાર્યું કામ લેવા માટે શરીરની શક્તિઓ અને ખૂબીઓની સાથે સાથે શરીરની મર્યાદાઓનો પણ પૂરતો વિચાર કરી લેવો પડે છે. નહિતર આપણે શરીર પાસેથી ગજા ઉપરાંત કામ લેવા જઈને સરવાળે શરીરની શક્તિ હણી લઈએ છીએ, બીજી તરફ શરીરની ક્ષમતા કરતાં ઓછું કામ લઈએ તો પણ હાડકાં જકડાઈ જાય છે અને ખરાં વખતે વળવાનું નામ નથી લેતાં. કોઈ પણ ધારેલું કામ પાર પાડવામાં શરીર અવરોધક બને ત્યારે નિષ્ફળતા મળે છે. શાસ્ત્રોએ કહ્યું છે કે શરીરને જેટલી ટેવો પાડીએ એટલી પડે છે. આહાર, નિદ્રા અને મૈથુન જેવી મૂળભૂત શારીરિક પ્રવૃત્તિઓનો અતિરેક જ શરીરને માટે નડતરરૂપ બને છે. આપણા શરીરને કઈ પ્રવૃત્તિ કેટલી હદે અનિવાર્ય છે એ નક્કી કરવાનું કામ આપણું છે. આટલું જ જેને સમજાઈ જાય એને શરીર સામે ફરિયાદ કરવાનું કારણ નથી રહેતું.

કેટલાક માણસોને શરીર પ્રત્યે કાયમી ફરિયાદ હોય છે. જોકે એનો અર્થ એ નથી કે એમને ખરેખર કોઈ જ શારીરિક તકલીફ નથી હોતી. વિવિધ કારણોસર શારીરિક તકલીફો અને ફરિયાદો રહેતી હોય છે. પરંતુ મોટે ભાગે બને છે એવું કે આવા લોકો શારીરિક તકલીફ મોટી હોય કે નાની, પોતાના મન પર એને સવાર થઈ જવા દે છે. આથી પ્રતિક્ષણ તેઓ શરીરની જ ચિંતા કરે છે અથવા શરીરનાં જ રોદણાં રડયા કરે છે. આગળ કહ્યું તેમ સંપૂર્ણ સ્વસ્થ શરીર એ કેવળ કલ્પના છે. એ કદાચ થોડા સમય માટે અનુભવાય પણ ખરું, પરંતુ હંમેશાં સ્વસ્થ અને તંદુરસ્ત શરીર રહે એવી અપેક્ષા ખોટી છે. આથી આવે વખતે શરીરની અસ્વસ્થતાનાં કારણો જો શાંતચિત્તે તપાસવામાં આવે અને એના ઇલાજો પ્રયોજવામાં આવે તો રડયા કરવાનું કારણ નથી રહેતું.

એવા અનેક દાખલા મળી આવે છે કે શરીર નબળું હોય, કેટલાક નાના મોટા રોગો શરીરમાં ઘર કરી ગયા હોય કે અકસ્માતો શરીર પર વિપરીત અસર કરી ગયા હોય છતાં એવા માણસો શરીરનાં દુઃખોને જ રડયા કરવાને બદલે સ્વસ્થચિત્તે પોતાનું કામ કર્યા કરતા હોય. આધુનિક મનોવિજ્ઞાનના પાયાના પથ્થર બની રહેલા ડૉ. સિગ્મંડ ફ્રોઈડનો જ દાખલો લેવા જેવો છે. મોટી ઉંમરે એના શરીર પર ૯૦ જેટલાં ઓપરેશન થયાં હતાં. દેખીતી રીતે જ આટલાં બધાં ઓપરેશન પછી શરીર નબળું પડી જાય અને શરીરની પ્રતિકાર શક્તિ પણ ઘટી જાય. છતાં ફ્રોઈડે શરીરની નબળાઈને પોતાના પર હાવી થવા દીધી નહિ અને મનોવિજ્ઞાનને એક એકથી ચડિયાતા સિધ્ધાંતો આપ્યા. ભારતીય મૂળના અંગ્રેજી લેખક નીરદ સી. ચૌધરીનો દાખલો પણ પ્રેરણાદાયી છે. ૬૧ વર્ષની ઉંમર સુધી આ માણસે નબળા સ્વાસ્થ્યને કારણે કોઈ જ નોંધપાત્ર પ્રવૃત્તિ કરી નથી. એમનું શરીર ચિત્ર-વિચિત્ર વ્યાધિઓને કારણે નબળું રહેતું હતું. છેવટે એમણે એનો સ્વીકાર કર્યો. ૬૧ વર્ષ પછી લેખન-યાત્રા આદરી. ૧૦૧ વર્ષ સુધી જીવ્યા અને સક્રિય રહ્યા. આવાં તો અનેક ઉદાહરણો મળી રહે તેમ છે.

અહીં સવાલ શરીરનો નહિ, શરીર પ્રત્યેના અભિગમનો છે. શરીરની કનડગતને કોરાણે મૂકીને આ લોકો પોતાની કાર્યસાધનાને વળગી રહે છે. શરીર કનડે છે તો ખરું, પરંતુ તેઓ એની સામે હારી જતા નથી. એમનો અભિગમ કંઈક એવો હોય છે કે શરીર એનું કામ કરે છે. આપણે આપણું કામ કરતાં રહેવાનું છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે શરીરની અવગણના કરીને જે કંઈ ખાનાખરાબી થતી હોય તે થવા દેવી. શરીર વાંકું ચાલે ત્યારે એને કાબૂમાં રાખવાના પ્રયાસો તો કરવા જ પડે. યોગ્ય કાળજી અને સારવાર પણ કરાવી પડે. પરંતુ કેટલીક વાર અમુક હઠીલાં દર્દો છે, જે કેમ કરીને પીછો છોડતાં નથી. આવે વખતે એવાં દર્દોના ગુલામ બની જઈએ તો ક્યાંયના ના રહીએ.

આપણું શરીર બીજા કોઈનું નહિ, આપણું જ છે. જે આપણું છે એની સામે ફરિયાદ કેવી? એનો તો સ્વીકાર જ કરવાનો હોય. પડોશીનું બાળક આપણા બગીચામાં આવીને ફૂલ તોડી જાય તો પડોશી સાથે ઝઘડો કરીએ. પરંતુ આપણું બાળક આવું કરે તો કોની સાથે ઝઘડો કરીએ? બહુ બહુ તો એને સમજાવીએ, ઠપકો આપીએ કે એકાદ ધોલધપાટ કરીએ. એવો જ કંઈક વ્યવહાર આપણે આપણા શરીર સાથે કરવો પડે છે. આપણા સમાજિક જીવનમાં પણ માતા-પિતા, ભાઈ-બહેન, ભાણિયા-ભત્રીજા કે મિત્રો તરફથી ઘણી વાર દુઃખ પહોંચે એવા પ્રસંગો બનતા હોય છે, સહન થાય એવી વાત હોય ત્યાં સુધી આપણે જતું કરીએ છીએ, કારણકે એમને આપણે આપણાં પોતાનાં ગણીએ છીએ. આ સૌ સગાં જીવનના અંત સુધી આપણાં સગાં જ રહે છે. એમનો સ્વીકાર કર્યે જ છૂટકો છે. શરીરનું પણ આવું જ છે. એ આપણું છે એટલે એનો સ્વીકાર કર્યે જ છૂટકો છે. એના પર હવે આપણે કાબૂ નહિ જ રાખી શકીએ એવી તીવ્ર લાગણી થાય ત્યારે જ શરીર સાથેનો આપણો સંબંધ કાપવાની પરાકાષ્ઠાએ આપણે પહોંચીએ છીએ. એ રીતે જોઈએ તો શારીરિક તકલીફોનો સ્વીકાર ન કરવો અને શરીર સામે સતત ફરિયાદ કર્યા કરવી એ બીજું કંઈ નથી, ધીમી આત્મહત્યા જ છે.

માણસની પૂર્ણ સ્વાસ્થ્યની ઝંખના અનાદિકાળથી ચાલી આવે છે. શરીર સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિ અભિન્નપણે સંકળાયેલી છે. એટલે જ માનવી પ્રાચીન કાળથી ઉત્તમ સ્વાસ્થ્યના નુસખાઓ શોધતો આવ્યો છે. હજુ આજેય એની એ શોધ ચાલુ છે. એમાંથી જ આધુનિક તબીબી વિજ્ઞાનનો વિકાસ થયો છે. મોટા ભાગના લોકો વ્યાધિઓના ઉપાયો શોધતા રહ્યા છે. પણ કેટલાક શાણા પુરુષો પાણી પહેલાં પાળ બાંધવા માટે વ્યાધિ આવે જ નહિ એવા ઉપાયોની શોધમાં રહ્યા છે. આ બન્ને બાબતો મહત્વની છે. વ્યાધિ આવે ત્યારે એને અટકાવીને નાબૂદ કરવી જરૂરી છે. પરંતુ એ આવે જ નહિ એવી પાળ બાંધવાની પણ એટલી જ જરૂર છે. સફળ થવાની તીવ્ર ઇચ્છા હોય એણે શરીરને તંદુરસ્ત નહિ તો સજ્જ રાખ્યા વિના ન ચાલે. આધુનિક તબીબી વિજ્ઞાનનો અભિગમ વ્યાધિનાં ચિહ્નો દબાવી દેવાનો દેખાય છે. આયુર્વેદ જેવાં પ્રાચીન શાસ્ત્રો વ્યાધિને મૂળમાંથી ઉખાડી ફેંકવા પર ભાર મૂકે છે. જયારે પ્રાચીન યોગવિદ્યા જેવાં શાસ્ત્રો પાણી પહેલાં પાળ બાંધવાની વાત કરે છે. યોગમાં જ યમ, નિયમ અને સંયમ પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ ઈમારતની મજબૂતી અને લાંબા આયુષ્ય માટે એનો પાયો કેટલો મજબૂત છે એ વાતનું સૌથી વધુ મહત્વ છે. આપણા જીવનને દૈનિક જીવનમાં વહેંચી દઈએ તો દરરોજ આપણને પૂરા ચોવીસ ક્લાક મળે છે. આ ચોવીસ કલાક ઉપયોગનું વિશ્લેષણ કરીએ ત્યારે ખબર પડે છે કે આ શરીર વડે જ ચોવીસ કલાક સુખથી જીવવું છે, પરંતુ ચોવીસ કલાકમાંથી એકાદ કલાક પણ આપણે શરીર માટે ફાળવતાં નથી. સવારમાં ચાલવા પાછળ અને યોગ-ધ્યાન જેવી પ્રવૃત્તિ પાછળ જો એકાદ કલાક ખર્ચ્યો હોય તો બાકીના તેવીસ કલાક સુખ અને આનંદ પૂર્વક પસાર કરવાનો જાણે આપોઆપ પરવાનો મળી જાય છે.

યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓને રખે કોઈ ધાર્મિક પ્રવૄત્તિ માની લે. આત્મવિકાસની આ બિન-ખર્ચાળ પ્રક્રિયા થોડાક સમય માટે આપણને આપણી જાત સાથે મૂકી દે છે. શરીરની સાથે મનને પણ સ્વસ્થ કરે છે. શરીરનું આટલું બધું મહત્ત્વ હોવા છતાં મનની સ્વસ્થતાનું મહત્વ જરાય ઓછું નથી. આયુર્વેદના મહાન આચાર્ય મહર્ષિ ચરકે વિષાદને સર્વ રોગો વધારનારો કહ્યો છે. ચરક કહે છે કે મનમાં વિષાદથી અને ખિન્નતાથી ગાત્રો શિથિલ થઈ જાય છે અને કર્મમાં પણ શિથિલતા જન્મે છે. ગાત્રો શિથિલ અને કર્મો પણ શિથિલ એનું નામ જ નિષ્ફળતા!