એક ચુટકી સિંદૂર કી કિંમત - 19 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 19

પ્રકરણ-ઓગણીસમું/૧૯


‘પણ..વૃંદા તે થોડીવાર પહેલાં એમ કહ્યું કે, મિલિન્દને તો કદાચ, એ પણ ખબર નથી કે, તું તેને પ્રેમ કરે છે, અને તેમ છતાં તારું એ એકતરફી આટલું તટસ્થ ડીસીસન લેવાનું કારણ મને ન સમજાયું. મિલિન્દ પ્રથમ પગથિયે પગ માંડે એ પહેલાં તું સડસડાટ કરતી છેલ્લે પગથિયે પહોંચી જાય એ તને કંઇક અજુગતું નથી લાગતું ? અને માની લઈએ કે, આવતીકાલે મિલિન્દ તેની કોઈ મજબૂરી આગળ ધરીને પીછેહઠ કરી લ્યે તો..?

શશાંકના શાતિર દિમાગે વૃંદાને તેના પક્ષે મજબુત લાગતાં કેસની સૌથી નબળી કડી પકડી પાડતા કહ્યું,

બસ.. આ મુદ્દાનો ઉલ્લેખ થતાં જ વૃંદાની વેગીલી અસ્ખલિત વાણી, વિચાર પર સજ્જડ બ્રેક લાગી ગઈ. અત્યાર સુધી મક્કમ અને મજબુત મનોબળથી જોડાયેલા આત્મવિશ્વાસના પાયા ડગમગવા લાગ્યા. સઘળાં સવાલ અને ઉકેલના નિવેડાની વચ્ચે આવતું હતું, તો મિલિન્દનું એકમાત્ર સ્વાભિમાન.

કોઈને પણ સ્વાભાવિક શંકા તરફ લઇ જતાં શશાંકના સવાલનો ઉત્તર આપવા ઊંડા વિચાર સાથે સચોટ શબ્દરચનાની ગોઠવણી કરતાં ધીમા અવાજે વૃંદા બોલી..

‘પપ્પા..મિલિન્દ ખુબ સ્વાભિમાની છે. અમે સાહજિક રીતે પરસ્પર અમારી સહાનુભુતિથી સજાગ અને સભાન છીએ.. પણ.. મિલિન્દ તેના સ્વાભિમાનના ભોગે સહજતાથી સ્નેહનો સ્વીકાર નહીં જ કરે તેની મને ખાતરી છે. પણ તેની સાથે સાથે મને એ પણ ભારોભાર ભરોસો છે કે, જેમ એ સ્વાભિમાન નહીં છોડે તેમ મને પણ નહીં જ છોડે.’
‘તો... પછી તમારાં સહિયારા અનુબંધની એકતરફી અયોગ્ય અનુધારણા કરી, તું એકલી આ મનોસ્થિતિમાં ક્યાં સુધી તેની પ્રતિક્ષા કરીશ ? તને નથી લાગતું વૃંદા કે, તું પાયાવિહોણો પ્રેમમહેલ ચણી રહી છો ?

વૃંદાની દુઃખતી રગ દબાવતાં શશાંકે પૂછ્યું.

થોડીવાર ચુપ રહ્યાં પછી વૃંદા બોલી..
‘પણ... પપ્પા સહજ સ્નેહ પર મિલિન્દની સ્વીકૃતિ માટે પહેલ કરતાં પહેલાં તમને જાણ કરવી મને યોગ્ય લાગ્યું એટલે તમને ....’
સ્હેજ અટકયા પછી આગળ બોલી..
‘હવે..વધુ વાટ જોયા વિના, વધુમાં વધુ બે થી ચાર દિવસમાં મિલિન્દ સાથે બધી જ ખુલ્લાં દિલે રજૂઆત કરી, હૈયેથી હોઠ લગી આવેલી માયા પર સહર્ષ તેની મનમરજીથી મંજુરીની મહોર મારી, અમે તમારાં આશિર્વાદ લેવા આવીશું.’

‘હું એ ઘડીની પ્રતિક્ષા કરીશ... અને... એવાં ધૂમધામથી તારા લગ્ન કરીશ કે, દાયકાઓ સુધી લોકો વૃંદા સંઘવીનો દબદબો ભૂલી નહીં શકે.’

‘પપ્પા...તમારી સઘળી સંપતિ પણ મિલિન્દના એક ચુટકી સિંદૂરની કિંમત નહીં ચૂકવી શકે.’ આવું મનોમન બોલ્યા પછી....

‘ઓ... પપ્પા..’ આટલું બોલી અશ્રુધારા સાથે વૃંદા શશાંકને વળગી, પિતાના વ્હાલમાં ભીંજાતી રહી.


‘પપ્પા. આજની રાત હું અહીં જ રોકાઈ જાઉં છું, અર્લી મોર્નિંગ જતી રહીશ.’
‘ધેટ્સ ગૂડ, મને ગમશે.’
‘ગૂડ નાઈટ ડેડ,’ એમ કહી વૃંદા તેના બેડરૂમમાં જતી રહી.
ભારેખમ મહત્વના મુદ્દાની ચર્ચાના અંતે બંને પ્રફુલ્લ ચિત્તે હળવાફૂલ થતાં, નિદ્રાધીન થઇ ગયા.


આ તરફ આખી રાત પડખાં ફર્યા બાદ પણ ઊંઘ ન આવી છતાં વ્હેલી સવારે
મોર્નિંગ વોક પરથી ઘરે પરત આવતાં પહેલાં મિલિન્દે જશવંતલાલને કોલ કરી, દસ વાગ્યે તેમના ઘરે આવવાની જાણ કરી દીધી હતી એટલે અગત્યનું કામનું બહાનું કરીને મિલિન્દ રવાના થયો જશવંતલાલને બંગલે.


પાર વગરની મથામણથી અશાંત દિમાગ સાથે મિલિન્દ હજુ જશવંતલાલના બંગલે પહોંચે એ પહેલાં વૃંદાનો કોલ આવ્યો..

‘હાઈ..ગૂડ મોર્નિંગ ડીયર.’ ખુશખુશાલ મિજાજ સાથે મીઠા મધુરા સ્વરમાં વૃંદા બોલી..
‘ગૂડ મોર્નિંગ.’ સાવ ઠંડા પ્રતિસાદ સાથે સંવાદ સાંધતા મિલિન્દ બોલ્યો.
‘અરે..યાર.. કેમ આટલો ધીમો અવાજ ? મૂડમાં નથી કે શું ? સ્હેજ નારાજગી સાથે વૃંદાએ પૂછ્યું.

‘વૃંદા, આઈ કોલ યુ લેટર. એક અગત્યના કામ માટે જઈ રહ્યો છું.’
એમ કહી સ્હેજ પણ વૃંદાના રીએક્શનની પરવા કર્યા વગર મિલિન્દે કોલ કટ કર્યો..

અચનાક મિલિન્દનું સાવ આવું રૂડલી બિહેવિયર સાંભળતાવૃંદા શોક્ડ થઇ ગઈ. એટલે સામાન્ય ગુસ્સામાં આવી ફરી કોલ જોડ્યો..

‘અરે યાર ખરેખર ગઝબ છો, તું તો...? એવું તે શું અગત્યનું કામ છે કે, સરખી રીતે બે મિનીટ વાત કરવાનું પણ ભૂલી જાય છે ? એની પર્સનલ પ્રોબ્લેમ વિથ મી. ?

અકળામણની માત્રા વધતાં મિલિન્દ બોલ્યો..
‘વૃંદા, પ્લીઝ, કહ્યુંને કે, આઈ કોલ યુ લેટર ધેટ્સ ઈટ. સોરી.’
આટલું બોલી મિલિન્દે ફરી કોલ કટ કર્યો ત્યાં વૃંદાની આંખો ભરાઈ આવી.

જે અભરખાથી વૃંદાએ તેના ઉમંગની પતંગને અંનત નભની ઉંચાઈને આંબવા ચગાવી હતી, તે ઉત્તેજિત ગતિને મિલિન્દે મૂંઝાયેલી મતિથી એક ઝાટકે કાપી નાખી.

બન્નેની વિચારવેગની દશા એકસમાન હતી પણ દિશા જુદી હતી. એકબીજાના મંતવ્ય અને ગંતવ્ય વિરુધ્ધ હતાં. વૃંદાને તેનો વીજળીવેગ જેવો વિજયોત્સાહ ટોચ પર લઇ જઈ રહ્યો હતો અને મિલિન્દને તેની તંગદીલી તળમાં લઇ જઈ રહી હતી.

મહત્તમ માત્રામાં મિલિન્દના મિજાજથી માહિતીગાર વૃંદાએ કોઈ સંકલ્પ સુધી પહોંચતા પહેલાં વિકલ્પનો વિચાર કર્યો. અંતિમ હલ પહેલાં મિલિન્દની મુશ્કેલનો ઉકેલ શોધવો એવો વિચાર અમલમાં મૂકવા વૃંદાએ કોલ જોડ્યો
કેશવને.

‘હેલ્લો..કેશવભાઈ.. કેમ છો ?
‘હેલ્લો..મેડમ, એકદમ ફાઈન છું... બોલો.. શું ખિદમત કરી શકું આપની ?
‘કેશવભાઈ... તમને મળવું છે, કયારે અનુકુળ આવશે ?’
‘આપ બોલો ક્યારે મળવું છે ?’
‘હમ્મ્મ્મ.. આજે મળવું પોસિબલ છે ?
‘આઆ....આજે સાંજે પાંચ વાગ્યા પછી મળી શકીએ, કંઈ અરજન્ટ છે તો...’
કેશવનું વાક્ય કાપતાં વૃંદા બોલી..


‘અરે.. ના.. ના..એવું કંઈ ખાસ નથી.. અચ્છા, ઠીક છે, સાંજે પાંચ વાગ્યા પછી એની ટાઈમ આવી જાઓ ઓફીસ પર અથવા તો, તમને જ્યાં અનુકુળ આવે ત્યાં હું આવી જાઉં ?’

‘અરે.. ના મેડમ હું જ આવી જઈશ.’
‘જી ઠીક છે.’

બોલી.. વૃંદાએ કોલ કટ કર્યો... અને સંયોગિક કડીનું અનુસંધાન સંધાતા કેશવની સંકેત સરિતા વળી અનુમાનિત મુલાકાતના મંથનમાર્ગ તરફ...

ત્યાં જ ચિત્રાનો કોલ આવ્યો..
‘હેલ્લો.. ગૂડ મોર્નિંગ ડીયર. લિસન.. આજે સાંજ સુધી એક સોશિયલ ફંક્શનમાં વ્યસ્ત છું તો, ઓફીસ પર સાંજે જ આવીશ.’

‘જી, ઠીક છે.’ વૃંદા બોલી,
‘હેય... કેમ સાવ આવો ઠંડો જવાબ ? મૂડમાં નથી કે શું ?’ વૃંદાની પ્રકૃતિથી પરફેક્ટ રીતે વાકેફ ચિત્રાએ પૂછ્યું.
‘અરે.. એવું કંઈ ખાસ નથી... તું આવ પછી રૂબરૂ વાત કરીએ.’ વૃંદા બોલી
‘વૃંદા આર યુ ઓ.કે. ? સચોટ શંકાની ખાતરી કરવા ફરી ચિત્રાએ પૂછ્યું
‘યસ.’ ટૂંકો ઉત્તર આપતાં વૃંદા બોલી.
‘વૃંદા, તારા શોર્ટ રીલ્પાઈ પાછળ લોંગ ડિસ્કશન છુપાવી રહી છે. અચ્છા ઠીક છે, સાંજે નિરાતે મળીએ. ટેક કેર.’
વૃંદાએ ‘જી.’ કહેતા ચિત્રાએ કોલ કટ કર્યો પણ, ક્યાંય સુધી વૃંદાની ખામોશી તેના કાનમાં ખટકતી રહી.

લંચ ટાઈમ સુધી સમયગાળામાં વૃંદા સાથેની બે-ત્રણ ટૂંકી વાર્તાલાપમાં ગંભીરતાથી નોંધ લેતા ચિત્રાને જણાયું કે, વૃંદાનું ચિત્ત સ્થિર નથી. તેના સંવાદ અને સારાંશ વચ્ચે સંતુલન નથી. ચિત્રાએ એવું વિચાર્યું કે, ઓફીસ અવર્સ પછી સઘન ચર્ચા જરૂરી છે.


આ તરફ....
જશવંતલાલને આપેલા સમય મુજબ તેના બંગલામાં પ્રવેશ્યા પછી બેઠકરૂમમાં એન્ટર થઇ, મિલિન્દ તેના અમર્યાદિત મન:સંતાપ સાથે મનોમન જશવંતલાલના પ્રતિક્ષાની માળા જપતો હતો...

ઠીક સાંજે પાંચ અને પચ્ચીસ મીનીટે કેબીનના ડોર પર ટકોરા પડતાં વૃંદા બોલી..
‘પ્લીઝ, કમ ઇન.’

હળવેકથી બારણું હડસેલી, કેશવને અંદર પ્રવેશતાં જોઈ...
‘આવો... આવો. બેસો.’ બોલ્યાં પછી વૃંદાએ પ્યુનને પાણી લાવવાનો આદેશ આપ્યો.
‘કેશવભાઈ, કોઈ અગત્યનું કામ છોડીને તો નથી આવ્યાં ને ?’
‘જરા પણ નહીં, અને કદાચ હોય તો પણ,તમારાં જેટલું અગત્યનું તો ન જ હોય ને.’

થોડી બે-ચાર આડી અવળી ઔપચારિક વાતચીત પછી....કેશવની નજરે પડતી અધીરાઈનો અંત લાવતા વૃંદા બોલી..

‘કેશવભાઈ....સાચે સાચું કહેજો, મિલિન્દને ખરેખર શું તકલીફ છે ? ક્યાં અટવાયો છે ?

કેશવે તાગેલું તર્ક તીર સચોટ લક્ષ્યવેધ પર લાગતાં કેશવ પૂછ્યું..
‘કેમ, કંઇ થયું ?

મૂળ મુદ્દા પર આવવાને બદલે વાત પર ઢોંગનો ઢાળ ચડાવતાં વૃંદા બોલી..
‘ના.. એવું તો ખાસ કંઈ નહીં પણ..હમણાંથી કોઈ વાતનો સીધો ઉત્તર નથી આપતો અને ખુલીને વાત પણ નથી કરતો એટલે.... મને થયું કે તમને કદાચ કોઈ ગંભીર કારણની જાણકારી હોય તો પૂછી જોઉં.’

કેશવને વૃંદાની રજૂઆતમાં અધુરપ લાગી. છતાં બોલ્યો...

‘એક હદથી વધુની સંવેદનશીલતા અને એથીયે વધુ સ્વાવલંબીતાની સીમારેખા હાલ, મિલિન્દ પાર કરી રહ્યો છે. મૂળભૂત ફરજ ચુકી જવાની ગ્લાનીનું ગજા બહારનું ગમ અને આવનારા ભવિષ્યની અનિશ્ચિતતાને લઈને અત્યારે મિલિન્દ ખાસ્સો અપસેટ છે.
મેં મારી રીતે અનેક જુદા જુદા ઉદાહરણ આપી, સમજાવવાની કોશિષ કરી પણ... હવે મને એવું લાગે છે કે, મિલિન્દને સલાહ કરતાં ઠોસ સહરાની વધુ જરૂર છે.’

કેશવ સામે જોઈ, વૃંદા બોલી,
‘યસ, તમારું અનુમાન સચોટ છે. કારણ કે, હું જ્યાં સુધી મિલિન્દને પિછાણું છું ત્યાં સુધી.... કદાચને આ સ્ટેજ પર મિલિન્દને રીઝન કરતાં રીઝલ્ટમાં વધુ ઇન્ટરેસ્ટ છે.
તેના ધીરજની પરિસીમા પૂરી થઇ ગઈ છે.’

એક અંધની માફક બ્રેઇલલીપી ઉકેલીને મિલિન્દના માનસવાંચન સ્મરણના આધારે વૃંદાએ માંડેલી ગણતરીની ધારણાના પાસા સીધા પડતાં...


આ તરફ...
જેવા જશવંતલાલ બેઠકરૂમમાં દાખલ થયાં ત્યાં... મિલિન્દનો અશ્રુબંધ તૂટી પડ્યો હતો.

‘હવે મને એવું લાગે છે કે, મિલિન્દને સલાહ કરતાં ઠોસ સહારાની વધુ જરૂર છે.’

વૃંદાના આ વાક્ય પરથી કેશવને લાગ્યું કે, આ અનુસંધાનના અનુક્રમને અનુસરતા અંદાજીત અનુકથનનો અંત આવી જાય એટલે મહત્વના મુદ્દાનો મૂળ છેડો પકડી, ગુંચ ઉકેલવા કેશવ બોલ્યો..

‘જી, હું શત્ત પ્રતિશત્ત આપના સંવાદ સાથે સહમત છું. પણ...મિલિન્દ તેની ઉપાધિઓનો કાયમી ઉકેલ ઝંખે છે, હવે એ તો કોઇ કાળે શક્ય જ નથી ને ? અને આપ મિલિન્દની તાસીરથી કેટલાં પરિચિત છો ? કઈ હદ સુધી તેમનો સહારો બની શકો ? અને મિલિન્દ દ્રઢ પણે એવું માની બેઠો છે કે, તેના પ્રાણ પ્રશ્ન જેવી પહેલીના કાયમી નિવારણ માટે કોઈ ગંભીરતાથી પહેલ નથી કરતું.’

કપરાં ચઢાણ જેવી ચર્ચાને અચનાક મનગમતો ઢાળ મળતાં વૃંદા બોલી..

‘કેશવભાઈ, ગંભીરતાની નોંધ લઇ, તેના આજીવન ઉકેલની પૂર્વભૂમિકા બાંધવા માટે જ મેં તમને અહીં બોલ્વાયા છે. હું મિલિન્દના તાસીરથી કેટલી પરિચિત છું, તેનું પરિમાણ મિલિન્દ તેના શબ્દોમાં આપે એ જ ઉત્તમ રહેશે. અને રહી વાત સહારો બનવાની તો...’ આગળના શબ્દો વૃંદા ગળી જતાં અટકી ગઈ..


‘શું થયું ? કેમ, અટકી ગયા ? કેશવે પૂછ્યું.

થોડી ક્ષણો ચુપ રહ્યાં બાદ વૃંદા બોલી,

‘હું નિર્ણાયક અને દીર્ધ દ્રષ્ટિકોણ માટે ત્રિકોણના ત્રીજા કોણની પ્રતિક્ષા કરું છું.’
‘કોની ?” આશ્ચય સાથે કેશવે પુછ્યું
‘ચિત્રાની. બસ એ આવતી જ હશે. પછી આપણે આગળની ડિસ્કશન કરીએ.’

ચા-કોફીના દોર દરમિયાનની વાતચીતનો અંત આવે એ પહેલાં ચિત્રાનો કોલ આવ્યો..

‘હું મારી કેબીનમાં છું.. ચલ ફટાફટ અહીં આવી જા.’
‘અચ્છા આવી.’ એમ કહી, વૃંદા અને કેશવ બન્ને ચિત્રાની ચેમ્બર તરફ ચાલતાં થયાં.
વૃંદા સાથે કેશવને ચેમ્બરમાં એન્ટર થતાં જોઈ, અચરજ સાથે ચિત્રા બોલી..

‘ઓહ્હ.. તો તખ્તો તૈયાર જ હતો એમ ? મારી એન્ટ્રી પડે અને પડદો ઊંચકાઈ તેની જ પ્રતિક્ષા હતી કે શું ? સ્હેજ હસતાં બોલી
આટલું સંભાળતા કેશવ અને વૃંદા બન્ને એકબીજાની સામું જોઈ રહ્યાં. એટલે ચિત્રા ફરી બોલી..

‘હમ્મ્મ્મ.... હવે મને લાગ્યું કે, મારું મનોમંથન પાયાવિહોણું તો નહતું જ. કંઇક નથી પણ ઘણું બધું છે, સાચુંને વૃંદા ?’

‘શું ? કેશવ સાથે ચેર પર બેસતાં વૃંદાએ પૂછ્યું

‘જે તું સવારથી તું અલ્પવિરામની આડશમાં સંતાડી રહી છે.’ એમ આઈ રાઈટ કેશવભાઈ ?
સ્હેજ અચંબા સાથે કેશવ ચિત્રાને સંબોધીને જવાબ સાથે સવાલ પૂછતાં બોલ્યો..

‘મેડમ, તમારો પ્રશ્ન એ વાતની પ્રતીતિ કરાવે છે કે, તમે વૃંદા મેડમના પરિચય અને પ્રકૃતિની પરફેક્ટ પ્રતિકૃતિ છો. તો હવે એ પણ કહી દો કે, અલ્પવિરામના પડદા પાછળ ક્યુ કિરદાર છુપાયેલું છે ?’
સ્હેજ હસતાં ચિત્રા બોલી..
‘કેશવભાઈ, હવે એ અનુમાનનું નામકરણ પણ તમે જ કરી નાખો ને.’
વૃંદાની સામે જોયાં પછી, કેશવ બોલ્યો,

‘ત્રિભેટે ઊભેલાં આપણા ત્રણેવના નાતાના તાંતણાને સમાંતર લીટીથી જોડતાં મજબુત મધ્યસ્થતાનું નામ છે, મિલિન્દ. તમે જેમ આંખો મીંચી, વૃંદા મેડમ વિષેના અંદેશાનો સંદેશો વાંચી શકો, બસ મારું પણ મિલિન્દ વિષે કંઇક એવું જ છે, પણ...
આગળ બોલતા કેશવ અટકી ગયો..એટલે.

વૃંદાની અધીરાઈ વચ્ચે ચિત્રાએ ઉત્સુકતાથી કહ્યું..

‘કેશવભાઈ, તમને પણ વૃંદાના અલ્પવિરામનો ચેપ લાગી ગયો કે શું ?

હસતાં હસતાં કેશવ વૃંદાની સામું જોઈ, આગળ બોલ્યો..

‘ના.. ના ...પણ, મને એવું લાગે છે કે, આજે વૃંદા મેડમ કંઇક અલગ અંદાજમાં તેના મિજાજનો પરિચય આપવાના મૂડમાં છે, એટલે કદાચને તમારી કે મારી પૂર્વધારણા ખોટી પણ પડે. હું ઈચ્છું છું કે, કોઈ જજમેન્ટ પર આવતાં પહેલાં વૃંદા મેડમ તેની કોમેન્ટ કરે તો.. પેચીદા પ્રશ્નનો ચુકાદો લાવી શકીએ.’

ત્યારબાદ વૃંદાએ તેની અને કેશવ સાથેની ચર્ચા કહી વૃંદાને કહી સંભળાવ્યા પછી ચિત્રાએ પૂછ્યું,

‘વૃંદા,તને શું લાગે છે,મિલિન્દને સતાવતી સમસ્યાનું કોઈ સંપૂર્ણ સમાધાન શક્ય છે ?

‘હા, પણ મિલિન્દ તેની સમસ્યામાં સામા પ્રવાહે તરવાના બદલે જો, સમસ્યા સાથે સંધિ કરી, સમય, સંજોગના વ્હેણને સ્વીકાર કરી લે તો.. દુઃખ તેની દાસી બની જાય.’

વૃંદાનો ઉખાણાં જેવો ઉત્તર સાંભળી ચિત્રા અને કેશવની ઉલઝન વધી ગઈ.

‘મતલબ ?’ કેશવે પૂછ્યું.. એ પછી તરત જ ચિત્રા બોલી..
‘વૃંદા,તારી વાત સાંભળીને એવું લાગે છે કે, કડવી દવા જેવો ઘૂંટડો જીદ્દી મિલિન્દના ગળે ઉતારવો અઘરો છે, છતાં ફોડ પાડીને વાત કર તો, ઉકેલની ગુંચ ઉકેલાય.

વારાફરતે બન્નેની સામે જોઈ, થોડી ક્ષણો પછી વૃંદા બોલી..
‘જો... હું મિસ વૃંદા સંઘવી માંથી... મિસિસ વૃંદા મિલિન્દ માધવાણી બની જાઉં તો...?

વૃંદાનું વાક્ય પૂરું થતાં જ વીજળીવેગે ચેમ્બરમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. વૃંદાએ અંદાજ બહારના કલ્પનાચિત્ર પરથી પડદો હટાવતાં કેશવ અને ચિત્રા થોડીવાર માટે હેબતાઈ અને હલબલી ગયાં. વૃંદા અને મિલિન્દ ખુબ સારા અંગત મિત્રો છે એ થી આગળ વિચારવું બન્ને માટે ગજા બહારનું હતું. વૃંદાના સ્ફોટક નિવેદન પછી બન્નેના વિચારચક્ર વિરુધ્ધ દિશામાં ઘૂમવા લાગ્યા.

અતિ આશ્ચર્યથી અચંબિત થઇ, ચિત્રાએ પૂછ્યું..
‘વૃંદા, આ સ્ટેટમેન્ટ તું સભાનપણે આપી રહી છે ?’

સ્હેજ પણ વિચાર કર્યા વગર સવાલ સામે સવાલ કરતાં વૃંદા બોલી,
‘હન્ડ્રેડ પર્સન્ટ, એની ડાઉટ ?’
એટલે ચિત્રાએ કેશવ સામે જોયું,

જો... હું મિસ વૃંદા સંઘવી માંથી... મિસિસ વૃંદા મિલિન્દ માધવાણી બની જાઉં તો...?
જયારે વૃંદાએ આ વાક્ય પૂરું કર્યું ત્યારે કેશવે તેના પરિણામનું અનુસંધાન જોડ્યું પેલા ફકીરની અગમવાણી સાથે અને મંડાયો તેના મનોમંથનના મેથેમેટિક્સની મથામણમાં...

‘કોઈ લડકી ઇસકી જિંદગી કા ફેંસલા કરેગી.’

કેશવને ફકીરના આ વાક્યના અંદેશાનો ત્યારે જ અંદાજ મળી ગયો હતો, જયારે વૃંદા અને મિલિન્દ ફર્સ્ટ ટાઈમ તેની રૂબરૂમાં મળ્યાં હતા.

કેશવને થયું કે, વૃંદાની આ અકલ્પનીય અવધારણા વાસ્તવિકતાનું રૂપ ધારણ કરે તો, મિલિન્દનું ભાગ્યચક્ર ધરમૂળમાંથી ભમી જાય. અને જો બન્ને પરસ્પર એકબીજાની પ્રાણ, પ્રકૃતિથી વાકેફ થઈ, પૂર્વાપરસંબંધમાં જોડાવા માંગતા હોય તો તેમાં ખોટું શું છે ?’ એટલે વૃંદાનું વિધાન કેટલું ઠોસ અને આધારભૂત છે તે જાણવા કેશવે પૂછ્યું,
‘પૂછી શકું કે, આ અનુમાન છે કે, અંતિમ નિર્ણય ?

‘આજીવન મિલિન્દના મુખારવિંદ પર મલકાટ અકબંધ રહે તે પ્રયાસના નિમિત બનવાના અભરખાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના સળંગ સ્મિત માટે સ્વાર્થી થવું છે. આ માત્ર અંતિમ નિર્ણય નહીં પણ અંતિમ ઈચ્છાનું વળગણ છે, કેશવભાઈ.’

ભાવાવેશમાં વૃંદાએ તેના પ્રણયના પરાકાષ્ઠાની પરિસીમાનો પરિચય આપતાં કહ્યું.

વૃંદાના અકળ અપ્રતિમ અર્થગંભીર અનુબંધનો ગહન અનુભવ કરતાં ચિત્રાએ પૂછ્યું .
‘વૃંદા..તારા જીવનના અતિમહત્વ જેવા મમત્વનો મર્મ મિલિન્દને માલૂમ છે ?’

‘બસ....ચર્ચાનું ચકડોળ આ મુદ્દા પર આવીને થંભી જાય છે. અને એટલે આજે અમારા બન્નેની સઘળી સમસ્યાના સ્થાયી સમાધાન માટે ગહન મનોમંથનના અંતે, હું સભાનપણે અંતિમ નિર્ણય પર આવી, તમારી સમક્ષ કોઈના પણ વિરોધની પરવા કર્યા વિના આ માનવસર્જિત મનોવ્યથાના અંત માટે અનુરોધ કરી રહી છું.’ વૃંદા બોલી

કયારેક સ્હેજ શરતચૂકથી જિંદગીભર નાઇલાજ ગંભીર દુર્ઘટનાના ભોગ બનવું પડે એવી વિટંબણા હાલ વૃંદાના વિધાનથી સર્જાઈ હતી.

થોડીવાર માટે ચુપકીદી છવાઈ ગઈ...
કેશવ અને ચિત્રા બન્ને
કયાંય સુધી એકબીજાની સામે જોઈ, મધ્યમમાર્ગના તોડજોડ માટે ગહન તત્વચિંતન કરતાં રહ્યાં.. અંતે કેશવ બોલ્યો..

‘અગન સાથે રમત કરવાના મમત જેવો માહોલ છે.’

-વધુ આવતાં અંકે..