એક ચુટકી સિંદૂર કી કિંમત - 20 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 20

પ્રકરણ- વીસમું/૨૦

કેશવનું ગર્ભિત વિધાન સાંભળી, અચરજ સાથે ચિત્રાએ પૂછ્યું,

‘ક્યા આધારે કહો છો, કેશવ ભાઈ ? આગ, રમત અને મમતના શબ્દાર્થનો ભેદ સમજાવશો ? વૃંદાના અનુરાગના ગણિતમાં કોઈ ભૂલ-ચૂક તો નથી ને ? અને આ તો સગપણની શરૂઆત પહેલાં જ સોનામાં સુગંધ ભળી ગઈ છે, તો હવે કોઈપણ ‘અટકળ’ નો અંદાજ અસ્થાને છે.

ચિત્રાના સવાલનો સચોટ જવાબ આપતાં કેશવ બોલ્યો...

‘સોનામાં સુગંધ નહીં, પણ સુગંધમાં સોનું ભળ્યું હોય એથી પણ ઉત્તમ અહોભાગ્યની વાત છે. માત્ર મિલિન્દ નહીં, કોઈને સ્વપ્ને પણ ન સ્ફુરે કે, વૃંદા મેડમ જેવી વ્યક્તિ મિલિન્દની જીવનસંગની બની શકે ? રૂબરૂ સાંભળ્યા પછી પણ હજુ મને આ વાત દિવાસ્વપ્ન જેવી લાગે છે. પણ.... મને મિલિન્દના પ્રકૃતિની ભીતિ છે. કદાચને આ અનુરાગને તેની દ્રષ્ટિરાગની બંદીશમાં સ્વરબદ્ધ કરે તો...? મતલબ કે, અનુબંધના અહેસાસના શબ્દાર્થને અહેસાન સમજે તો...? હું એ ‘તો’ પછીના અટકળનો અંદાજ લાગવીને કહું છું.’

‘કેશવભાઈ. એ ‘તો’ પછીની તોડ-જોડ માટે જ આપણે રૂબરૂ થયાં છીએ.’
વૃંદા બોલી.

થોડીવાર આંખો મીંચી, એક ઊંડો શ્વાસ ભર્યા પછી કેશવ બોલ્યો...
અચ્છા તો હવે ‘તો’ ને તિલાંજલિ આપી, કયારે ઢોલ- શરણાઈ વગાડવી છે એ કહો..’

આંખોમાં આત્મશ્રદ્ધાનો ઓજસ સાથે કડકડતી કરન્સી જેવા કેશવના કોન્ફિડન્સ ભર્યા ટોનમાં કેશવનો ઉત્તર સાંભળી, વૃંદાની આંશિક ડામાડોળ થવાં જઈ રહેલી આસ્થા એકદમ સ્થિર થઇ ગઈ. ચક્ષુમાં એક અનન્ય ચમક સાથે ઊર્મિ ઉમંગના ઉમળકાની આછેરી ભીનાશ ઉતરી આવી.
‘વૃંદા, મેડમ, મને ખુશી એ વાતની છે કે, તમને મિલિન્દથી વધુ મિલિન્દની પરખ છે. આ બે વ્યક્તિના સ્નેહાકર્ષણની સંગતિ નથી પણ, વિધીનિર્મિત બે સ્નેહગ્રંથિની સાત્વિક સંધિનો સંગમ છે. આજે હું એટલો પ્રસન્ન છું કે, આનંદાતિરેકની અભિવ્યક્તિ માટે મારી પાસે શબ્દો ખૂટી પડ્યાં. અને મારા માટે એથી’યે મોટી ગર્વ લેવા જેવી બાબત એ છે કે, તમારા આખા આયખા પર અવધારિત અતિ આવશ્યક અંતિમ અનુમાનની પુષ્ટી માટે મને અધિકારી બનાવ્યો.’

આટલું બોલતાં સજળનેત્ર સાથે કેશવનો સ્વર ભારે થઇ ગયો.

વૃંદાની સામે જોઈ, કેશવને સંબોધતા ચિત્રા બોલી..

‘કેશવભાઈ, તમે જે હદે મિલિન્દ મન:સ્વભાવથી અવગત છો, તેના પરથી આ કેટલાં પ્રતિશત્ત આ પરસ્પરના પુણ્યાનુબંધની શક્યતા ?

આત્મશ્રદ્ધાથી ભરપુર અવાજ સાથે કેશવ બોલ્યો..

‘જે શબ્દો વૃંદા મેડમે કહ્યાં કે....
‘આ માત્ર અંતિમ નિર્ણય નહીં પણ અંતિમ ઈચ્છાનું વળગણ છે, બસ તો એમ સમજી લ્યો કે, આ બન્નેનું મિલન એ મારી મહત્વની અને આખરી મનોકામના છે. અને હું ભાવાવેશમાં આવીને નહીં પણ, સપૂર્ણ સભાનપણે આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું, તેની પણ ખાતરી રાખજો... કારણ કે, ભવિષ્યમાં મિલિન્દની આર્થિક આંટીઘૂંટીનો ઉકેલ મળી જશે પણ,.. ફરી મિલિન્દને વૃંદા મેડમના વ્હાલના વારસદાર બનવાનો વખત નહીં મળે.’

‘મિલિન્દની માયા માટે હું અનંત પ્રતિક્ષા કરવા રાજી છું.’ લાગણીવશ વૃંદા બોલી.

ખાસ્સા સમય પછી...
રાજીપા અને ભાવીના અનેક રહસ્ય સાથે ગૂંથાયેલા અવિરત વાર્તાના તાણાવાણાના એક વણાંક પર આવી, થંભી જતાં કેશવ બોલ્યો..

‘મારે એક પાર્ટીને એરપોર્ટ ડ્રોપ કરવાં જવાનું છે, તો હું રજા લઈશ. આજે શાયદ મિલિન્દ સાથે ભેટો નહીં થાય પણ, આવતીકાલ રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે....અને શક્ય હશે તો આપ બન્ને, હું અને મિલિન્દ સૌ સાથે બેસી, કોઈ શુભઘડીની તિથિ નક્કી કરીશું.’


‘ધેટ્સ વેલ એન્ડ ગૂડ. અચ્છા ઠીક છે કેશવભાઈ તમે જઈ શકો છો. અમે તમારાં કોલની વેઇટ કરીશું.’ ચિત્રા ચેર પરથી ઊભા થતાં બોલી.

‘જી, આવજો.’ આટલું કહી કેશવ ત્યાંથી રવાના થયો.

કેશવના ગયાં પછી વોટર બોટલમાંથી પાણી પીતા પીતા સ્હેજ નારાજગીના ભાવ સાથે ચિત્રા એકધારું વૃંદાની સામે જોઈ રહી... એટલે અચરજ સાથે વૃંદાએ પૂછ્યું.

‘એનીથીંગ રોંગ ?’

છતાં ચિત્રા ચુપ જ રહી. ઉભાં થઇ બે મિનીટ વિન્ડોમાંથી બહાર જોઈ રહ્યાં પછી, ફરી ચેર પર આસાન જમાવતાં બોલી..

‘નોટ જસ્ટ એનીથિંગ... બટ ટોટલી રોંગ. આઈ હેવ નો વર્ડ્સ વૃંદા.’
સ્હેજ અકળાતાં ચિત્રા આગળ બોલી.

‘આઈ સ્વેર વૃંદા, તારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો, તેના ગાલ પર એક તમાચો રીસીવ કરી આપત.’

ચિત્રાના કલ્પના બહારના કથનથી વૃંદા રીતસર ડઘાઈ ગઈ. છેલ્લાં એક કલાકથી એકધારી ચાલતી ચર્ચામાં કયાંય પણ ચિત્રાના ચહેરા કે, સંવાદમાં અણગમાનો અણસાર સુદ્ધાં ન આવ્યો અને અચાનક જ...વિચારમંથનથી વિરુધ્ધ દિશા નિર્દેશ કરતાં ચિત્રાના નિવેદનથી વૃંદાનું સમગ્ર અસ્તિત્વ હલબલી ગયું.

‘ચિત્રા..આ તું શું બોલે છે ? શું થયું ? ક્યાં મારી ભૂલ થઇ ? મિલિન્દ પર મનના માણીગરની મહોર મારી એટલે કે, તને જાણ ન કરી એટલે ? કે પછી મિલિન્દમાં કોઈ ખોટ છે...? બોલ ચિત્રા બોલ તારી ચુપકીદી મને ચૂભે છે.પ્લીઝ, સે વ્હોટ્સ ધ રોંગ ?
આંખમાં ઝળઝળિયાં સાથે વૃંદાએ પૂછ્યું.


‘આઆ....આ ભાવનાવૃતિના દર્શન છે કે, ભિક્ષાવૃતિનું પ્રદર્શન ? લાગણીની લાલસા કે પછી કે, લાચારી ? ખોટું કશું નથી પણ, મને એટલી ખબર પડે કે, પ્રીત પરાણે ન થાય વૃંદા. તું દૌલતની દીવાલ ચણીને મહોબ્બતનો મકબરો બાંધી રહી છે. સ્નેહ કે સંવેદના તો સહજ જ હોવી જોઈએ. મિલિન્દના સ્વાભિમાન સામે તારું સમર્પણ વામણું પડે છે વૃંદા. અનુબંધ માટે આત્મગૌરવ ગીરવે મૂકીશ ? અને હું એવું માનું છું કે, જે સંબંધની શરુઆત જ સમાધાનના પાયેથી થાય તેને સંબંધ નહી બંધન કહેવાય સમજી. આઈ એમ સોરી.. મારા આકરા શબ્દોથી તને હર્ટ કરી છે પણ, મારા મતે, વ્હાલની વાસ્તવિક વ્યાખ્યાથી તને વાકેફ કરી છે.’

જે અંદાઝથી ચોખ્ખા ચરિત્રના ચાહતનું ચિત્ર ચિત્રાએ ઘેરા રંગશબ્દથી ઉપસાવ્યું તેની આંશિક અસર વૃંદાની મનોસ્થિતિ વિચલિત થઇ ગઈ. થોડીવાર ચુપ રહ્યાં પછી, માર્મિક હાસ્ય સાથે બોલી..

‘ચિત્રા...તારા સવાલ ઉત્તરના સંદર્ભમાં મારી અંત્યાવસ્થાના સારાંશને અત્યંત ટૂંકમાં અને સચોટ રીતે કહું તો.. મને ખુબ ગમતી ગઝલની પંક્તિનું સ્મરણ થાય છે.’

‘કિતને દિનોં કે પ્યાસે હોંગે યારોં સોચો તો...
શબનમ કા કતરા ભી જિનકો દરિયા લગતા હૈ.’

વાક્ય પૂરું થાય એ પહેલાં વૃંદાની વ્યથા અશ્રુધારામાં વહેવા લાગી.

ચિત્રાએ પણ ચર્ચા કરવાં કરતાં ચુપકીદીને પ્રાથમિકતા આપી.

‘ચિત્રા...પ્લાસ્ટિક સર્જરી કરાવવાથી ત્વચાનો રંગ બદલે, પણ સ્પર્શના સ્પંદન તો તરોતાજા જ રહે. તારા કે મારા ધારવાથી સંબંધના સમીકરણો નહીં બદલાય જાય.
ગમતીલા પ્રેમના ગણિતના પ્રમેયનો દાખલો ઘૂંટી ને નહીં પણ ભાન ભૂલીને જ ગણાય. અને શત્ત રંજ વાળી આ સ્નેહ શતરંજની એક શર્ત છે કે, જેને ખેલદિલી અને ખુમારીથી પરાજય સ્વીકારતા આવડે તેની જ જીત થાય. ટૂંકમાં કહું તો...હવે આ એક માર્ગીય મમત્વના માર્ગ પર હું એટલે દૂર સુધી નીકળી ગઈ છું કે, પાછુ વળવું અઘરું નહીં પણ અશક્ય છે, ચિત્રા.’

વૃંદાએ તેની મન:સ્થિતિનું સચોટ માર્મિક ભાષામાં શબ્દનિરૂપણ કરતાં ચિત્રાને લાગ્યું કે, હવે કોઈ તર્ક-વિતર્ક, દલીલ કે અપીલનો અવકાશ નથી.

‘જો વૃંદા.... હું તારા પડછાયાને પણ પિછાણું છું, તારા ચહેરા પરનું માસૂમ સ્મિત એ તારું સૌથી મોંઘુ ઘરેણું છે. તારી સાત્વિક સહાનુભુતિ સહજતાથી મિલિન્દને સ્પર્શતી હોય તો તે પરમેશ્વરની પરમ કૃપાદ્રષ્ટિ છે, પણ જો મિલિન્દને સ્વીકારવા માટે સમજાવવો પડે તો.....? તું સમજે છે ને હું શું કહેવાં માંગું છું. અમે સૌ ઇચ્છીએ કે, તમે બન્ને એક એવાં પરિણય પ્રેમબંધનમાં બંધાઈ જાઓ કે જેમાં કયારેય કોઈ પ્રશ્નાર્થનું સ્થાન ન રહે.’

આટલું બોલી, ચિત્રા લગભગ ભાંગી પડવાના આરે ઉભેલી વૃંદાને ભેટતાં.... બન્ને કયાંય વ્હાલના વરસતાં હર્ષાશુમાં ભીંજાતા રહ્યાં પછી ખુશી ખુશી છુટા પડ્યા.

એ પછી ચિત્રા કયાંય સુધી એકલાં એકલાં વિચારતી રહી...
‘કોણ, કેટલી કિંમત ચૂકવશે.... એક ચુટકી સિંદૂરની ?

આ બાજુ...
જેવા જશવંતલાલ બેઠકરૂમમાં દાખલ થયાં ત્યાં...તેને જોતાં વ્હેત જ ધીરજની આડસમાં માંડ માંડ ટેક્વેલો મિલિન્દનો અશ્રુબાંધ તૂટી પડ્યો.

એક પીઢને છાજે એવા મક્કમ અને મજબુત મનોબળ વ્યક્તિત્વના ધણી મિલિન્દને સાવ નિસહાય રીતે ભાંગી પડતાં જોઇ, થોડીવાર માટે જશવંતલાલ અચરજ ભર્યા આશ્ચર્ય સાથે દંગ રહી જતાં બોલ્યાં..

‘અરે... રે રે... મિલિન્દ, શું થયું દીકરા ? આમ અચનાક આ રીતે ?
એટલું બોલી, મિલિન્દની પડખે બેસી, મિલિન્દની પીઠ પર હાથ પસરાવી આશ્વાસન આપવાં લાગ્યાં પછી થોડીવારે સ્વને સ્વસ્થ કરતાં મિલિન્દ બોલ્યો...

‘અંકલ.. બસ હવે હું થાકી ગયો, હારી ગયો. આઆ...આ પરમેશ્વરે શિકાર માટે છળકપટથી બિછાવેલી સૌભાગ્યના શતરંજની સોગઠાંબાજી સામે બથ ભરવાનું મારું ગજું નથી. દર વખતે અણી પર આવેલી જીતની બાજી તકદીર તરકટ કરી, હારમાં તબદીલ કરી નાખે છે. અને... દરેક વખતે નિષ્ફળતાનું ઠીકરું નસીબ પર ફોડી દઉં... તેમાં મારા પરિવારનો કંઈ વાંક ગુનો ખરો ? અંકલ.. આઇનામાં ચહેરો જોઉં છું તો, જાત પર ધિક્કાર ઉપજે છે.’

મિલિન્દના પાંચ વાક્યથી, પાંચ હાથની કાયામાં, પાંચ મણ કાષ્ઠના ચિતાના અગનજવાળા જેવી વ્યક્ત થતી ચિંતા જશવંતલાલને જે હદે દઝાડી ગઈ તેના પરથી જશવંતલાલને અંદાજ આવી ગયો કે, હવે ધેર્ય, સમજાવટ કે ફોલોસોફીના લેકચર આપવાનો સમય નથી. પર્વત જેવડી પીઢતાથી વસ્તુસ્થિતિને વાગોળતા જશવંતલાલને લાગ્યું કે, થોડીવાર ચુપ રહેવું બહેતર રહેશે.


દિવસે દિવસે કથળતા સ્વાસ્થ્યથી નિમિત બનેલી પિતા કનકરાયની આકસ્મિક દુર્ઘટનાના પછી સમય પહેલાં ફરજ નિવૃત્તિના કારણે ઉદ્દભવેલી આંશિક આર્થિક સંકડામણ, હજુ તેની કળ વળે એ પહેલાં કનકરાયની મરણ મૂડી જેવી થાપણ સાથે રાતોરાત ગુમાવેલી જોબ અને એક તરફ સાવ સાફ સુથરી ઈમેજ ખરડાવાની ડર સાથે લટકતી તલવાર જેવો બધી બળતરાનો બાપ બનીને બેઠોલો ગોવિંદ. જેમ જેમ કોશિષ કરે તેમ વધુને વધુ ખૂંચી રહ્યો હતો મિલિન્દ, દરિદ્રતાના દલદલમાં.

પરિસીમા પાર કરી ચુકેલા તેના પરિતાપના પરિભાષાની વિસ્તાર પૂર્વકની પુર્ણાહુતી પછી મિલિન્દ થોડો હળવો થયો.

સર્વન્ટને ચા-નાસ્તો લાવવાનો આદેશ આપ્યાં પછી જશવંતલાલ બોલ્યાં...

‘જો મિલિન્દ, હું સમજુ છું કે, અનાયસે આવેલાં સળંગ સંતાપ તારી નહીં કોઈની પણ સહનશક્તિની સીમા બહારના છે. અને હંમેશ માટે આ દખના દૈત્યને નાથવાના નિવારણ માટે રામબાણ જેવું એક જ અમોધ શસ્ત્ર છે, સંપતિ. પણ...’

જશવંતલાલ હજુ આગળ બોલે એ પહેલાં તેને અટકાવતાં મિલિન્દ બોલ્યો..

‘પ્લીઝ અંકલ...હવે આ ‘જો’ ‘તો’ અને ‘પણ’ જેવા બુત્ઠા શબ્દશસ્ત્રના સહારે સંઘર્ષયુદ્ધ જીતવું નામુમકીન છે. હવે તો એક ઘા અને બે કટકા જેવી નીતિ અખ્તિયાર કરી, એક જ ઝાટકે વટવૃક્ષની માફક ફેલાયેલાં આ દુર્દશાના દાનવને હું ધરમૂળમાંથી વાઢી નાંખવા માંગું છે, તેના માટે હું કોઈપણ લક્ષ્મણ રેખા લાંઘવા કટિબંધ છું.’
‘એટલે....? તું શું કરીશ ? શું કહેવાં કે કરવાં માંગે છે એ કહીશ ?
આતુરતાથી ચાઈનો કપ મિલિન્દના હાથમાં ધરતાં જશવંતલાલે પૂછ્યું.

‘ખબર નથી પણ, રોજ મરી મરીને જીવવા કરતાં એક વાર જિંદગી સામે જુગટું રમવું છે. દાગ ન લાગે એવો દાવ રમવો છે. જો પરાજય પર જીતના પ્રભુત્વનો પુરવો મળે તો જાતને ગીરવી મૂકતાં પણ પીછેહઠ નહીં કરું.’

માર્મિક હાસ્ય સાથે જશવંતલાલ બોલ્યાં..

‘તું, રાતોરાત ચમત્કાર થવાના પ્રતિક્ષાની વાત કરે છે, મિલિન્દ. આ લાખો નહીં પણ કરોડોમાં કોઈ એક સાથે આવો કિસ્સો બનવાની વાત છે. પણ મને એક વાતની ખુશી છે કે, તે દાયકાઓથી દાયરામાં રહેલી તારી પારંપરિક વિચારધારાને એક નવો વણાંક આપવાના કોશિષની પહેલ કરી છે. અને આમ જુઓ તો અખતરો શબ્દમાં જ ખતરો રહેલો છે. તારી દીર્ધ દ્રષ્ટિ ગહન વિચાર માંગી લે તેવી તો છે જ, સાથે સાથે તેની અનિવાર્યતાને નકારવાનો કોઈ અવકાશ પણ નથી.’

આશરે અડધો એક કલાકના વિચારમંથનના વાર્તાલાપ પછી જશવંતલાલનો મોબાઈલ રણક્યો..

સ્ક્રીન પર નજર કરતાં નામ વાંચ્યું...‘જગન’ ચહેરા પર સ્હેજ ગમગીનીના ભાવ સાથે કોલ રીસીવ કરતાં જશવંતલાલ બોલ્યાં..

‘બોલ, મેરે લાલે કી જાન.’
‘કેમ, છો તું, ભાઈ ? ભારે ભરખમ દમદાર ઘૂંટાયેલાં સ્વરમાં શાંતિથી જગને પૂછ્યું.

‘ભઈલા, જેના ભાગમાં ભગવાન જેવો ભાઈબંધ હોય એને શેની ચિંતા હોય ? બોલ કેમ યાદ કર્યો ? સોફા પરથી ઊભા થઇ બાલ્કની તરફ જતાં જશવંતલાલે પૂછ્યું.

એ પછી આશરે ત્રીસથી ચાળીશ મિનીટ સુધી જશવંતલાલ અને જગન વચ્ચેના વાર્તાલાપના લાંબા દૌરના અંતે એક નિસાસા સાથે જશવંતલાલ સોફા પર બેસતાં મિલિન્દએ પૂછ્યું..
‘અંકલ કંઈ ટેન્શન જેવું છે ? કોનો કોલ હતો ?
‘મારા મિત્ર જગનનો. તને યાદ છે ? એકવાર મેં તેનો ઉલ્લેખ કરતાં કહેલું કે, સૌરાષ્ટ્રમાં મારા એક મિત્ર છે. હું તેની પુત્રીના લગ્નમાં જવાનો હતો.’

‘હા... હા.. યાદ આવ્યું.’ મિલિન્દ બોલ્યો,.
‘બસ, તેમની જોડે થોડો વ્યાહવારિક વાર્તાલાપ ચાલુ હતો. અને રહી વાત ટેન્શનની તો...ટેન્શન જગનનું નામ સાંભળતાં જ ટૂંટિયું વાળીને પગે પડી જાય. પણ....’

‘પણ...? પણ, શું અંકલ.. કેમ અટકી ગયા ? નવાઈ સાથે મિલિન્દે પૂછ્યું.
‘એ ખુબ લાંબી ચર્ચાનો વિષય છે. પણ હાલ હું એ મથામણમાં છું કે. કઈ રીતે ચાન્સ લઇ, તને ચાણક્યના ચક્રવ્યૂહ જેવી ચુંગાલ માંથી છુટકારો અપાવું.’
થોડીવાર આંખો મીંચી ચુપચાપ બેસી રહ્યાં પછી જશવંતલાલ બોલ્યાં..
‘મિલિન્દ...જંગ જેવી જિંદગીની જદ્દોજહદમાં તું કઈ હદ સુધી તારી પ્રાણ, પ્રકૃતિને હાંસિયામાં ધકેલીને સમાધાન કરવાં તૈયાર છો ?

‘મારી આબરુને સ્હેજે બટ્ટો ન લાગે એ હદ સુધી.’ મિલિન્દે ત્વરિત ઉત્તર આપ્યો.

‘તને મારા કોઈ નિર્ણય પર કેટલો ભરોસો છે ? ફરી જશવંતલાલે પૂછ્યું.
‘અંકલ...તમારો દરજ્જો મારા પિતા સમાન છે. અને રહી વાત ભરોસાની તો, સંજોગ સાથે શરણાગતિ સ્વીકારી કોઈ તારણહાર સામે ઝુકાવેલા શીશ પર શસ્ત્રપ્રહાર થવાની આશંકા જેવી ભીતિ તમારા શ્રધ્ધાની શંકા પર આધારિત છે. મને તમારા પર એટલો ભારોભાર ભરોસો છે કે. તમે ઈશ્વર નથી, છતાં ઈશ્વરથી કમ પણ નથી.’

‘ના, દીકરા એવું નથી. આજના કળિયુગના કુરુક્ષેત્રમાં ભાગ્ય સામે બાથ ભીડવા પ્રમાણિકતાની તલવાર મહદ્દઅંશે મ્યાનમાં રહે એ જ સલામતીનો સરળ માર્ગ છે.
અને સમયાંતરે પ્રારબ્ધ સામે પ્રેક્ટીકલ થવું એ પણ શાણપણની નિશાની છે.’
નાખૂન કાપવા માટે નેઈલ કટર જ જોઈએ નાઈફ નહીં સમજ્યો.’
જિંદગીની કડવી વાસ્તવિકતાનો ચિતાર આપતાં જશવંતલાલ બોલ્યાં.

થોડીવાર સુધી જશવંતલાલ ચુપચાપ મિલિન્દની સામું જોઈ, ઊંડા આત્મમંથનના અંતે બોલ્યાં..

‘જો મિલિન્દ આજે પ્રતિષ્ઠાની ચોપાટ પર પ્રતીતિના પાસા સીધા પડ્યા તો, સમજી મિલિન્દના નામના સિક્કા પડશે એટલું સમજી લે જે.. પણ હવે પાછુ વળીને ન જોતો.’

જશવંતલાલનું કથન સાંભળતા કુતુહલતાના ભાવ સાથે મિલિન્દે પૂછ્યું.
‘અંકલ... તમારા અંદાજ મુજબ આ કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે કેટલું અંતર છે ?’

‘માત્ર એક ‘હા’ જેટલું.’ આંખોમાં એક અનેરી ચમક સાથે જશવંતલાલ બોલ્યાં.
‘કોની ‘હા’ ? આશ્ચર્ય સાથે મિલિન્દે પૂછ્યું

‘હરીહરની. મિલિન્દ ચલ ઊભો થા. અને હવે એક શર્ત છે. હું ન કહું ત્યાં સુધી તું મારી જોડે રહીશ. અને તારી ‘હા’ અથવા ‘ના’ સાથે તારા પ્રારબ્ધ પર પરમેનેન્ટ પૂર્ણવિરામ લાગી જશે. આ બે એકાક્ષરી પ્રત્યુતર સિવાય તારી પાસે કોઈ પર્યાય નથી એમ સમજી લે. અને હવે જે કંઈપણ વાત કરું એ, દિલથી નહીં પણ દિમાગથી સાંભળ જે.’

ત્યારબાદ તરત જ બંને રવાના થયા મુંબઈથી દૂર મિલિન્દના મુકદ્દર સાથે મુકાલાતની મુલાકાત માટે.

ચાર દિવસ બાદ...

એ વાતને આજે ચાર દિવસનો સમય વીતી ગયો. એ ચાર દિવસ દરમિયાન વૃંદા કેશવ અને પિતા કનકરાય અને માતા વાસંતીબેન સૌના મળીને આઠથી દસ કોલ્સ આવી ગયા પણ દરેકને મિલિન્દે ફોટો કોપી જેવો એક જ ઉત્તર આપ્યો..

‘અત્યારે અગત્યના કામમાં જશવંત અંકલ સાથે છું, રૂબરૂ મળીને વાત કરીશું.’

જશવંતલાલનું નામ પડતાં કનકરાય અને વૈશાલીબેનને તો હાશકારો અનુભવ્યો હતો. પણ, પ્રતિકુળ પરિસ્થિતિ સામે પણ જડ પ્રકૃતિથી નાસીપાસ થઇને કામ લેવાની કુટેવથી વૃંદા અને કેશવ બન્ને ખુબ સારી રીતે અવગત હતાં એટલે મિલિન્દ કોઈ ઉતાવળિયું પગલું ન ભરી લ્યે તેની ચિંતા બન્નેને કોરી ખાતી હતી.


ચોથા દિવસના અંતે અને પાંચમી રાત્રે વૃંદાની સહનશીલતાની સીમા ખતમ થતાં રાત્રીના એક વાગ્યાનો સમય થયાં હોવા છતાં કોલ જોડ્યો મિલિન્દને...

રીંગ પૂરી થઇ ગઈ.. પણ કોલ રીસીવ ન થયો.. વૃંદાને ખાતરી જ હતી કે, એક રીંગમાં તો મિલિન્દ કોલ નહીં જ રીસીવ કરે, પણ આજે વૃંદાએ મનોમન કચકચાવીને ગાંઠ મારી મિલિન્દની ખૂંચતી ખામોશી તોડવાની જિદ્દ લઈ કોલ રીસીવ ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરવાની કોશિષ કર્યે રાખી...

એક..બે..ત્રણ અને ચોથી રીંગ પછી કોલ રીસીવ થતાં જ...એ.કે. ફિફ્ટી સિકસ મશીનગન માંથી જે રીતે ગતિએ બુલેટ્સનો મારો શરુ થાય એમ વૃંદા તેના આંશિક ક્રોધિત સ્વરમાં તેની વાગ્બાણ જેવી અસ્ખલિત વાણીનો મારો ચલાવતાં બોલી..

‘અલ્યા શું..શું.. સમજે છે, શું તારી જાતને હેં ? આ કઈ પ્રકૃતિનું બિહેવિયર છે તારું ? વિશ્વની મહાસત્તાનો પ્રેસિડેન્ટ છે તું ? શેની, તણી શેની છે આટલી બધી ? આજે ચાર દિવસ થયાં એક સરખો કોલ કે, એક મેસેજ સુદ્ધાં નથી તારો. સારું છે, મિલિન્દ અત્યારે તું મારી સામે નથી.. નહીં તો આઈ સ્વેર, હું તારી હાલત ફાટેલા ઢોલ જેવી કરી નાખત. અરે યાર... લાઈફમાં કોઈ એક તો તારી પ્રાયોરીટીનો અધિકારી હોય કે નહીં ? અને આ બળાપો તારા માટે જીવ બળે છે તેનો છે સમજ્યો ? આટલા સમયમાં શું માંગ્યું તારી પાસે ? ચોવીસ કલાકમાં ચાહતના ચાર શબ્દોની અપેક્ષા સિવાય ?
‘ચાર દિવસ આંગણે આવેલાં કોઈ અબોલને વાસી બટકું રોટલાનો ટુકડો નાખીએ તો તો તેની જોડે પણ પ્રીત બંધાઈ જાય મિલિન્દ, મેં તો તને ઢુકડો રાખવા જાત ધરી દીધી કોઈ ટુકડાની અપેક્ષા વગર. શું એ મારી ભૂલ ? તારી મરજી વિના તારી જાત કરતાં તને વધુ જીવું છું, આઆ...તેની આ સજા છે ? કોઈપણ સંબંધના જોડાણ કે ભંગાણમાં બન્નેની સમંતિ જોઈએ. અને...આપણા સહિયારા સુખ-દુઃખના દસ્તાવેજ માટે કોઈ મહાવીર કે મહાદેવના દસ્તખતની ખપ નથી. હવે કંઈ બોલીશ કે...મોઢામાં મોટાઈના મગનો બુકડો ભયો છે ?’
આટલું બોલતાં સુધીમાં તો વૃંદાના બન્ને ગાલ અશ્રુધારાથી ભીનાં થઇ ગયાં.

સામે છેડેથી કોઈ જ પ્રત્યુતર ન આવ્યો.. એટલે ફરી વૃંદાએ પૂછ્યું..

‘હેલ્લો... શું થયું મિલિન્દ ? એવરીથીંગ ઈઝ ઓ.કે. ?

‘હેહેહેલ્લો.....’ સાવ મંદ અવાજમાં સામે છેડેથી એક સ્ત્રીનો અવાજ સંભળાતા વૃંદા ચોંકી ઉઠી... સ્ક્રીન તરફ નજર કરીને ખાતરી કરી કે, કોલ મિલિન્દના નંબર પર જ લાગવાયો છે ને. ? અત્યંત આશ્ચર્ય, અસમંજસ સ્હેજ ગભરાહટ સાથે ફરી વૃંદાએ પૂછ્યું..

‘જી... આપ કોણ ?
‘જીજી..જી હું મિલિન્દ માધવાણીની પત્ની બોલું છું.’

કોલ કટ.

-વધુ આવતાં અંકે.