એક ચુટકી સિંદૂર કી કિંમત - 14 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 14

પ્રકરણ-ચૌદમું/૧૪


નેક્સ્ટ ડે..
ગઈકાલે રાત્રે મિલિન્દે કોલ પર ૭:૩૦ નો સમય આપ્યો હતો પણ વૃંદા પંદર મિનીટ પહેલાં જ આવી મિલિન્દની ઓફિસના બિલ્ડીંગની સામેના પાર્કિગમાં કાર પાર્ક કરી મિલિન્દના કોલની પ્રતિક્ષા કરતી હતી.

‘ક્યાં છો ?’ ઠીક ૭:૩૫ વાગ્યે મિલિન્દનો કોલ આવતાં પૂછ્યું.
‘બસ, તારી નજર સામે જ. આમ જો સામે પાર્કિંગમાં.’ એમ કહી કારમાંથી વૃંદાએ રોડની સામે છેડે ઊભેલાં મિલિન્દ તરફ તેનો હાથ ઊંચો કરી હવામાં હલાવતા સંકેત આપ્યો.

કેરફુલી મિલિન્દ રોડ ક્રોસ કર્યા પછી આવી કારમાં બેસતાં પૂછ્યું,
‘તું કયારે આવી ?
‘જસ્ટ બીફોર ફિફ્ટીન મિનીટ્સ, તને કશે જવાની ઉતાવળ તો નથી ને ? વૃંદાએ પૂછ્યું.

‘ખાસ તો નહીં પણ, દસ વાગ્યા સુધીમાં ઘરે પહોંચવાની ગણતરી છે.’
મિલિન્દે કહ્યું

‘૭:૪૦નો સમય થઈ રહ્યો છે, નવ વાગ્યે આપણે છુટા પડીશું. હું વિચારું છું કે, કોઈ ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઇને બેસીએ, તો ખુલ્લાં વાતાવરણમાં હળવાશથી વાત થાય. એમ આઈ રાઈટ ? બોલી વૃંદાએ કાર સ્ટાર્ટ કરી હાઈવે તરફ વણાંક લીધો.

‘યુ આર ઓલ્વેઝ રાઈટ. વૃંદા, કંઇક લાઈટ મ્યુઝીક પ્લે કરને, કારણ કે ખબર નહીં આજે ઓફિસમાં અચનાક ખુબ જ વર્ક લોડ હતું, અને હેડ ઓફિસથી પણ સતત ફોન કોલ્સ અને મેઈલ્સનો મારો ચાલો હતો તો, માથું સ્હેજ ભારે થઇ ગયું છે.’

‘વૃંદાએ સિલેક્ટેડ સોંગ પ્લે કર્યું..

‘ચલો... તુમકો લે કર ચલે.. હમ ઉન ફિઝાઓ મેં..
‘જહાં મીઠા નશા હૈ, તારો કી છાંવો મેં...ચલો..’

‘ખરેખર વૃંદા તારું કલેક્શન પણ તારા જેવું યુનિક જ હોય છે.’ મિલિન્દ બોલ્યો.

‘સિલેકશન અને કલેક્શનનો રોગ તો વારસાગત છે, પણ કિસ્મતમાં કનેક્શનનો જ યોગ નથી તેનું શું ? નાણું છે, પણ લેણું નથી એવું છે.’ સ્હેજ હસતાં વૃંદા બોલી.

ઠીક ૮:૧૫ વાગ્યે લક્ષ્મી પેલેસની સામે લી ગાર્ડન રેસ્ટોરેન્ટના ઓપન સ્પેસમાં ગોઠવેલા બે બેઠકના ટેબલ ફરતે બન્ને ચેર પર બેસતાં જ વૃંદાએ પૂછ્યું..

‘કેમ છે હવે પપ્પાને ?
‘ટોટલી બેડ રેસ્ટ. ફુલ્લી રીકવરી આવતાં હજુ ત્રણેક મહિના તો ખરાં જ. અને અમારાં સૌના આકરા આગ્રહને વશ થઈ તેમણે જોબ પરથી રાજીનામું પણ આપી દીધું.’

‘હા, તેમના એઈજ ફેક્ટર અને હેલ્થને જોતાં આ સારું પગલું ભર્યું. અચ્છા મિલિન્દ તું શું લઈશ ? વૃંદાએ પૂછ્યું.

‘ઓન્લી ઓરેન્જ જ્યુસ.’
એટલે વૃંદાએ બે ઓરેન્જ જ્યુસનો લાવવાનો ઓર્ડર આપ્યો.
‘હા,મિલિન્દ હવે બોલ શું કહેવાનો હતો તું તે દિવસે ચોપાટી પર ?
થોડી ક્ષ્રણો ચુપ રહીને મિલિન્દ બોલ્યો..
‘વૃંદા આઈ એમ શ્યોર કે, આપણા આટલાં સમય અને ક્લોઝ રીલેશન બાદ તું મારી તાસીરથી ખુબ સારી રીતે પરિચિત છે. અને હું સૌથી વધુ અપસેટ ત્યારે હોઉં છું, જયારે કોઈપણ અંગત સંબંધમાં મારી ફરજ અને કર્તવ્ય નીભાવવામાં હું ઉણો ઉતરું છું. તે દિવસે સંગીત સમારોહની એ સંધ્યા મારા માટે લાઈફ ટાઈમ ગોલ્ડન મેમરી તરીકે અંકિત થઇ ગઈ. પણ,...’ મિલિન્દ અટકી ગયો.

‘શું પણ ? કેમ અટકી ગયો મિલિન્દ ? વૃંદાએ પૂછ્યું
‘કદાચ તને મારી વાત વાહિયાત લાગશે પણ, તે જે મોટી રકમનો એક્સપેન્સ કર્યો એ મને ખૂંચ્યું. એ મારા સિદ્ધાંત વિરુધ્ધની વાત છે. બની શકે કે, તારા માટે એ રકમ અને વાત નજીવી હોઈ શકે પણ મારા માટે મોટી અને ભારે છે. જે કોઈ સંબંધના આર્થિક, સામાજિક અથવા તો સાહજિક વ્યહવારનું સંતુલન જાળવવામાં હું સક્ષમ ન હોઉં તો એ વાત મને સતત ખૂંચ્યા કરે. અને...’
મિલિન્દને આગળ બોલતાં અટકાવતાં વૃંદા બોલી.

‘પ્લીઝ.. મિલિન્દ વન મિનીટ. મને તારા સ્વાભિમાન માટે માન છે, ચલ માની લઉં કે તું તારા સ્વાભિમાનને લઈને ખુબ જ સીન્સેટીવ છે, પણ તને નથી લાગતું કે આ ઓવર રીએક્શન છે ? અને તું આ તારી ગાંધી વિચારધારાથી તારા અંગતને અળગા અથવા અપવાદમાં ન રાખી શકે ? તને શું લાગે છે મંદિરમાં સૌ કોઈ ઈશ્વર પાસે માત્ર અપેક્ષાની આશાએ માથું નમાવવા આવે છે ? ના, પણ ધર્યા કરતાં અનેક ગણું મળ્યું છે, તેનો આભાર માનીને આરાધના કરવા જાય છે. ગંગાજળ જેવી પાવન, સો ટચના સુવર્ણ જેવી શ્રધ્ધા અને ઈબાદત જેવી માયા કે મમતાના કોઈ મોલ કે તોલ ન હોય મિલિન્દ. ઝાકળબિંદુ સમાન કોઈના નિર્મળ સ્નેહ સામે કયારેક દુનિયાભરની જાહોજલાલી પણ ટૂંકી પડે.’
‘જે કલમથી પ્રેમપત્રો લખ્યાં હોય એ કલમથી રોજમેળ ન લખાય. નિસ્વાર્થ વ્હાલનું વજન આંકી શકે એવો કોઈ વજનકાંટો હજુ શોધાયો નથી. મિલિન્દ.’
આટલું બોલતાં વૃંદાની આંખો ભીની થઈ અને ગળું સુકાઈ ગયું.
ભાવવિભોર થયેલો મિલિન્દ બોલ્યો..

‘કબૂલ, તારી વાતથી હું સમંત છું. પણ મને એક વાત કહીશ કે મારા અને તારા બન્નેના જીવનમાં જે કંઈ ઉણપ કે ખોટ છે તેના માટે સમય કે સંજોગ નિમિત નથી ?
અને હું હંમેશા એ નરી વાસ્તવિકતા સ્વીકારી અને તેની સીમારેખામાં રહું છું તો, તેમાં ખોટું શું છે ? અને...’ સ્હેજ અટકીને મિલિન્દ આગળ બોલ્યો..

‘અને.. હું એવું માનું છું કે કિસ્મતે આપણા બન્ને વચ્ચે એક એવી કાચની દીવાલ ખડી કરી દીધી છે કે, આપણે એકબીજાને જોઈ શકીએ, સાંકેતિક ભાષાથી વાર્તાલાપનો વિનિમય કરી શકીએ પણ, મળી ન શકીએ.’

‘મિલિન્દ, તું દરેક વાતે કેમ આટલો જલ્દી નિરાશ થઈ જાય છે ?’
ટેબલ પરનો જ્યુસનો ગ્લાસ ઉઠાવી છેલ્લો ઘૂંટ ભરી ઉભાં થતાં મિલિન્દ બોલ્યો..

‘આપણા સત્સંગનો સારાંશ કહું ? સ્નેહસાંકળમાં ખૂટતી એક કડીનું નામ છે, દ્રષ્ટિકોણ. કેમ કે મારા માટે જે સર્વસ્વ છે એ તારા માટે ગૌણ છે. અને તારા માટે જે ગૌણ છે એ મારું સર્વસ્વ. બસ આટલી જ મતભેદની મડાગાંઠ છે.’

‘મતલબ ? રેસ્ટોરેન્ટની બહાર નીકળતાં વૃંદાએ પૂછ્યું.

‘પ્રેમ અને પૈસો.’ પાર્કિગ તરફ આગળ વધતાં મિલિન્દ બોલ્યો.

બન્ને કારમાં બેસતાં વૃંદાએ મિલિન્દની સામે જોઈ પૂછ્યું

‘મિલિન્દ, આજે ફરી ગંભીરતાથી પૂછી રહી છું, તારી લાઈફમાં પ્રેમ અને પૈસા, કોનું કેટલું મહત્વ છે ?

‘બંનેનું મહત્વ મૃત્યની અંતિમ ઘડીના શ્વાસ જેટલું છે, પણ મારા મત્તે પૈસાનું પલડું ભારે છે, કેમ કે, કદાચ પ્રેમની અનુપસ્થિતમાં તમે જીવી શકો પણ પૈસા વિનાના જીવતરની દશા પાણી વિનાની માછલી જેવી છે. ભૂખ્યો પણ નેતાનું ભાષણ રાશન માટે જ સાંભળે છે. મારા જેવો સ્વાભિમાની અને સ્ટ્રગલર રોટી, કપડા અને મકાનનું ટ્રાયએંગલ પણ સીધી લીટીમાં દોરી શકે એ પછી કદાચ પ્રેમ વિશે પરામર્શ કરવાનું વિચારે.’

મિલિન્દની વ્યથાને વૃંદાએ તેના દ્રષ્ટિકોણથી વિચાર્યુ કે, મિલિન્દ તેના જીવનક્રમની ઘટમાળમાં કેટલો ગહન રીતે ગૂંચવાયેલો હશે ? કંઇક આંશિક અંદાજ લગાવ્યા પછી
આજની મુલાકાતને સુખાંત આપવાં સ્માઈલ સાથે બોલી..

‘અચ્છા , ફરગેટ ઓલ. પણ એ પહેલાં મને એક પ્રોમિસ આપ કે, આજે તું મારી કોઈ વાતનો વિરોધ કે અસ્વીકાર નહીં કરે.’
મિલિન્દ સામે તેની હથેળી ધરતાં વૃંદાએ તેની વાત પૂરી કરી .

સસ્મિત મિલિન્દ પણ વૃંદાની હથેળી પર તેની હથેળી મૂકતાં બોલ્યો..
‘કબૂલ.’

તેના પર્સમાંથી મૂકેલાં રીંગ બોક્સમાંથી એક ડાયમંડ રીંગ કાઢી મિલિન્દની હથેળીમાં મૂકી વૃંદા ભાવવશ થતાં મૂક થઈ.

રોમાચિત, અચંબિત, આશ્ચર્યચકિત અને આભારવશ જેવી કંઇક મિશ્રિત લાગણી સાથે મિલિન્દ બોલ્યો..

‘પણ વૃંદા...’ હજુ મિલિન્દ કંઇક આગળ બોલવા જય ત્યાં જ..વૃંદાએ તેની કોમળ આંગળીઓ મિલિન્દના મુલાયમ હોઠો પર મુકી ચુપ કરાવતાં બોલી..

‘પ્લીઝ.. મિલિન્દ આજે, નો પણ,, નો બણ. આ મારા વ્હાલના વાઘા છે. આજે એટલા માટે કે, ત્રણ દિવસ પછી તારો બર્થ ડે છે, અને કદાચ તે દિવસે નિયતિએ આપણા મિલનની તિથી ન લખી હોય એટલે મને એમ થયું કે આજે જ હું તને આ ઉપહાર આપી દઉં.’
આટલું બોલી વૃંદાએ મિલિન્દના જમણાં હાથની હથેળી તેની હથેળીમાં લઈ રીંગ ફિંગરમાં હળવેથી વીંટી સાથે તેનું વ્હાલ પણ પરોવી દીધું.

વૃંદાની ઉષ્માભરી ઊર્મિથી નીતરતાં મિલિન્દના ભીતરની ભીનાશના ભાવબિંદુ તેના ચહેરા અને ચક્ષુમાં વૃંદા સ્પષ્ટ જોઈ રહી હતી.

ગળગળા સ્વરે મિલિન્દએ પૂછ્યું,

‘પણ આ રિંગની મધ્યમાં ઓમ લખવાનું કારણ પૂછી શકું ?
મિલિન્દની આંખમાં જોઇને વૃંદાએ જવાબ આપ્યો..
‘એ એટલા માટે કે આપણા આ અનામી અનુબંધનો કોઈ તો સાક્ષી છે. એન્ડ વન મિનીટ.’

એમ કહીને વૃંદાએ કારના બેક સીટ પર મુકેલું ગીફ્ટ પેપરથી રેપર કરેલું એક પાર્સલ મિલિન્દના હાથમાં મૂકતાં કહ્યું,
‘બસ.. મુલાકાતનું પૂર્ણવિરામ.’

‘વૃંદા તું કયાંય જઈ રહી છે ? શું આજે આ આપણી અંતિમ મુલાકાત છે ? પણ આ બધું આજે જ એકસાથે શા માટે ?

‘મિલિન્દ આજે તે મને વચન આપ્યું છે એટલે હું જવાબદેહી નથી. અને તારી દ્રઢ માન્યતા મુજબ ક્યાં અલ્પવિરામ અને ક્યાં પૂર્ણવિરામ મુકવું એ તો નિયતિએ નિશ્ચિત કરેલું જ છે, બસ હું તો નિમિત માત્ર છું.’

‘પણ, આમાં શું છે ? મિલિન્દે પૂછ્યું

‘આમાં એ માધ્યમ છે, જેના દ્વારા તું આપણા મૌનનું અનુવાદ કરી શકીશ. અવ્યક્ત શબ્દોને સુરાવલીમાં ઢાળીને સાંભળી કે મને સમજાવી શકીશ. આમાં તારું પસંદીદા
વાદ્ય, વાયોલીન છે.’

વૃંદાના ઊર્મિતત્વનો આંક તેની ચરમસીમાને આંબી રહ્યો હતો, ત્યારે
મિલિન્દને એવો ભાસ થયો કે, તે વૃંદાના ભાવપ્રધાન ઉમળકા સાથેના ઉપહારના ભાર તળે દટાઈ રહ્યો છે. ગદ્દગદિત સ્વર સાથે બોલ્યો..

‘આજે વચનબધ્ધ છું, એટલે નહીં પણ આજના આ અપ્રતિમ અમુલ્ય સમપર્ણ સાથેના અવિસ્મરણીય સાનિધ્ય અને સોગાત માટે હું આજીવન નિ:શબ્દ રહીશ.’

‘બસ બસ.. હવે ચલ હવે આજીવન ગણગણવાનું મન થાય એવું તારા સુરીલા સ્વરમાં કંઇક સંભળાવી દે. પછી આપણે છુટા પડીએ તને ઘરે પહોંચવામાં લેઇટ થશે.’ કાર સ્ટાર્ટ કરતાં વૃંદા બોલી.

આંખો મીંચીને કંઇક યાદ કર્યા પછી સ્હેજ ગળું ખંખેરતા મિલિન્દે તેના મેજિકલ વોઈસમાં ગીત સંભળાવ્યું...

‘કહીં તો યે દિલ કભી મિલ નહીં પાતે,
કહીં પે નિકલ આયે જન્મોં કે નાતે,
હૈ મીઠી ઉલઝન, બૈરી અપના મન,
અપના હી હો કે સહે દર્દ પરાએ.. દર્દ પરાએ..

‘વાહ.. વાહ.. વાહ. મેરે ઉસ્તાદ..દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા..’ આનંદના અતિરેકના ઉદ્દગાર સાથે ખુશહાલ વૃંદા બોલી.
‘મિલિન્દ એક આખરી ખ્વાહીશ છે.’ કાર સ્ટોપ કરતાં વૃંદા બોલી.

‘બોલ.’
‘ફરી કોઈ આવી યાદગાર સંધ્યાએ આ વાયલિન પર ફક્ત આપણા બન્નેના સાનિધ્યમાં મારું એક મોસ્ટ ફેવરીટ સોંગ સાંભળવું છે. તને યાદ છે, સોંગ ?

‘ઓ.. યસ. હન્ડ્રેડ પરસન્ટ. જરૂર સંભળાવીશ. ચલ બાય વૃંદા. થેન્ક્સ કહીને ઉપહારનું અવમુલ્યન નહીં કરું.’ કારમાંથી ઉતરતાં મિલિન્દ બોલ્યો

‘થેન્ક્સ ફોર નો થેન્ક્સ..ચલ બાય.’ હસતાં હસતાં વૃંદા બોલી.

મોડી રાત્રે..આશરે એકાદ વાગ્યા પછી.. નિદ્રામાં સરતા પહેલાં...
પથારીમાં પડ્યા પડ્યા આજની મુલાકાતના એક એક સંવાદને વાગોલતા મિલિન્દ મનોમન બોલ્યો...

વૃંદાના હિમાલય જેવડા ઋણમાંથી કેમ કરીને મુક્ત થઈશ ? મને ખુશ જોવા કે ખુશ કરવાં મારા કરતાં મને વધુ જીવે છે. આઆ....આ પુર્વારાગની બંદિશને ક્યા સગપણની સરગમમાં બાંધુ. ? સંગાથે જીવનપથની મંઝીલના અંતિમબિંદુએ પહોંચવા એ પાગલની માફક બેફામ દોડે છે અને હું, ઠીકથી ચાલી શકવાને પણ સમર્થ નથી. મારી લાચારી એ કેમ નથી સમજતી કે, પછી જાણીબુજીને નજર અંદાજ કરી રહી છે ?

અંતે માનસિક મથામણથી થાક્યા પછી મિલિન્દ સુઈ ગયો.

ત્યાં જ અચાનક....ભરઊંઘમાંથી મિલિન્દ
ઝબકીને જાગી ગયો..

જોયું તો મોબાઈલ રણકતો હતો...
સમય જોયો.. રાત્રીના ૧૧:૪૦ થયાં હતાં.. આંખો ચોળતાં
મોબાઈલ લઈને સ્ક્રીન પર જોયું કેશવનો કોલ હતો...

‘હેલ્લો...’
‘મિલિન્દ. જલ્દી બહાર આવ,’

-વધુ આવતાં અંકે..