એક ચુટકી સિંદૂર કી કિંમત - 13 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 13

પ્રકરણ-તેરમું/૧૩

આજની મધુર મુલાકાત પછી વૃંદાનું મિલિન્દ માટે લાલચુ અને લુચ્ચું બની ગયેલું મન તેના કહ્યામાં નહતું. હવે મિલિન્દ વૃંદાની સોચ અને સ્મરણની પ્રાથમિકતા બની ગયો હતો... બેડ પર સૂતા સૂતા ઈયર ફોન પર સોંગ પ્લે કરીને ધીમે ધીમે સ્વપ્ન સરિતામાં સરી ગઈ....

‘ક્યોં નયે લગ રહે હૈ યે ધરતી ગગન... મૈને પૂછા તો બોલી યે પગલી પવન..
પ્યાર હુઆ ચુપકે સે, યે ક્યા હુઆ ચુપકે સે..’

પણ, મિલિન્દને ઊંડે ઊંડે એવો આભાસ થયો કે, તેના ધીમી ગતિના ધબકારા બન્નેની સંગતિની નિકટતાનું નહીંવત અંતર અને ભવિષ્યના સંભવિત ગાઢ અને ગૂઢ અનુરાગ તરફ અંગુલીનિર્દેશ કરીને વ્હાલના વારસદાર બનતાં તલવારની ધાર પર સ્નેહાકર્ષણને સંતુલિત કરવાનો સંકેત આપે છે.

હવે સરકતા સમયની સાથે સાથે જો અજાણતામાં મુગ્ધતાના મુઢમારની કળ નહીં વળે અને સમયસર સરકતી સ્નેહગાંઠને મક્કમ મનની મજબૂતીથી બાંધવામાં નહીં આવે તો... અહોભાગ્યની આડમાં અનુબંધમાં બાંધતા પહેલાં કોઈ અસમંજસ અથવા અસમજણની ગ્રંથિમાં બંધાઈ જવાની ભીતિને નકારી શકાય નહીં. આ તબક્કે મિલિન્દે એક સાથે પ્રેમ, પૈસો. પરિવાર જેવા પ્રાણ પ્રશ્નો સામે એકલપંડે લડી, સૌને ન્યાય આપવાનો હતો.


આશરે એક અઠવાડિયા પછી..
મિલિન્દ તેની ઓફિસમાં સવારના આશરે અગિયારેક વાગ્યેની આસપાસ
કોઈ ખાસ કામમાં વ્યસ્ત હતો અને ત્યાં જ મોબાઈલની રીંગ વાગતાં સ્ક્રીન પર જોયા વગર જ કોલ રિસિવ કરતાં બોલ્યો..
‘હેલ્લો..’
‘હેહેહે,,,,લ્લો.. મિ...મિલિન્દ ભાઈ.. ‘હું ચંદુ બોલું છું.. નગરપાલિકામાંથી. તમારાં પપ્પાને ચક્કર આવતાં પડી ગયા અને... માથાંના ભાગમાં સારી એવી ઈજા થઇ છે.. અમે તેમને એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પીટલમાં લઇ જઈએ છીએ, આપ શક્ય એટલી ઝડપથી ત્યાં પહોંચો.’

મિલિન્દના હોંશ ઉડી ગયાં. ગભરાતાં અવાજમાં પૂછ્યું..
‘આઆઆ....આ ક્યારે થયું ?
‘બસ, પાંચ સાત મિનીટ થઇ, પણ પહેલાં તમે આવો જલ્દીથી.’
એમ કહીને કોલ કટ કર્યો.

સફાળા ઊભા થઈ મિલિન્દ બે જ મીનીટમાં તેના બોસને પરિસ્થતિથી વાકેફ કરી, ઉચક જીવે ફટાફટ ટેક્ષીમાં બેસીને રવાના થયો સરકારી હોસ્પિટલ તરફ.. કેશવને પણ કોલ કરી તાત્કાલિક પહોંચવાની સૂચના આપી.

થોડી જ વારમાં નગરપાલિકાના ચારથી પાંચ કર્મચારીએ પ્રારંભિક પેપર પ્રોસીજર પૂરી કરી કનકરાયને ઈમરજન્સી વોર્ડમાં એડમીટ કરી દીધા. ત્યાં હાંફળો ફાંફળો થતો અદ્ધર શ્વાસે મિલિન્દ આવી પહોચતાં કનકરાયના સહકર્મી ચંદુલાલે ઘટનાની વિગત જણાવતાં કહ્યું,

‘સીડીની ટોચે હતા હતાં અને અચાનક ચક્કર આવતાં ગબડતાં ત્યાંથી આવીને પટકાયા છેક સીડીના છેલ્લે પગથિયે. તમે જાઓ અંદર ડોક્ટર સાથે વાત કરી લો તમારી જ રાહ જુએ છે.’

મિલિન્દ કન્સલ્ટ ડોક્ટર સાથે ચર્ચા કરવા માટે ઈમરજન્સી વોર્ડમાં ગયો.. ત્યાં કેશવ અને બે મિનીટ પછી વાસંતીબેન અને મિતાલી પણ રોકકળ કરતાં આવી પહોચ્યાં. સૌએ હૈયાધારણ આપી શાંત પાડ્યા. પંદર મિનીટ પછી મિલિન્દ બહાર આવ્યો. સૌ એ ઊંચાં જીવે પૂછતાં મમ્મીની હાજરીમાં ચિંતાજનક વાતને હળવી રીતે રજૂ કરતાં મિલિન્દ બોલ્યો..

‘પ્રભુનો પાડ માનો કે, માથાના અંદરના ભાગમાં કોઈ ગંભીર ઈજા નથી થઇ. બીજી નાની મોટી ઈજાઓ છે, તેની થોડા દિવસોમાં રીકવરરી આવી જશે. અને મિતાલી તું મમ્મીને લઈને ઘરે જા, કેમ કે સાંજ સુધી ઇન્જેક્શ્ન્સના ઘેનની અસરના કારણે પપ્પા ભાનમાં નહીં આવે અને કોઈને મળવા પણ નહીં દે.’
આટલું બોલતા વાસંતીબેન મિલિન્દને ભેટી રડવાં લાગ્યા.

થોડીવાર પછી.. કેશવે સ્થિતિની ગંભીરતાંને સંભાળતાં, મિતાલી અને વાસંતીબેન બન્નને તેમના ઘરે મૂકવા નીકળી ગયો. કલાક પછી કનકરાયના સહકર્મી મિત્રો પણ મિલિન્દને આશ્વાસન સાથે જરૂરી સલાહ સુચન આપી રવાના થયાં.

સાંજના આશરે સાડા ચાર વાગ્યે કનકરાયને ઈમરજન્સી વોર્ડમાંથી સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવતાની સાથે કેશવ અને મિલિન્દ બન્નેને કનકરાયના હાલની પરિસ્થિતિની ચર્ચા કરવાં ડોકટરે તેમની ચેમ્બરમાં આવવાની સૂચના આપી.

‘આવો બેસો..થેન્ક ગોડ કે હેડમાં કોઈ ઇન્ટર્નલ મેજર ઇન્જરી નથી, બ્લડ ખાસ્સી માત્રમાં વહી ગયું છે. લેફ્ટ હેન્ડ અને રાઈટ લેગમાં માઈનર ફ્રેક્ચર્સ છે. એઈજ ફેક્ટર અને પુઅર હેલ્થને જોતાં રીકવરીમાં થોડો સમય લાગશે. બટ નથીંગ ટુ વરી. બાકી તમને જે મેડીસીન્સ અને ઈન્જેક્શ્ન્સ લખી આપ્યા છે એ પહેલાં લઇ આવજો.’ સિચ્યુએશનની જાણકારી આપતાં ડોકટરે કહ્યું.

‘સર, આપના અંદાજ મુજબ મેક્ઝીઝ્મ કેટલા દિવસ હોસ્પિટલાઈઝ રાખવા પડશે. અને ફુલ્લી રીકવરી આવતાં અંદાજે કેટલો સમય લાગશે ?’
મિલિન્દે પુછતાં ડોકટરે કહ્યું,
‘અહીં એક વીક અને તે પછી ઘરે મીનીમમ ત્રણેક મહિના તો ખરાં જ.’ ડોક્ટર બોલ્યાં

આ એક વીક દરમિયાન વૃંદા પણ બે થી ત્રણ વાર મિલિન્દની હાજરીમાં કનકરાયના ખબર અંતર પૂછી ગઈ. મિલિન્દને આર્થિક સહાયતા માટે પણ ઓફર કરી.પણ તેના વિશે મિલિન્દે તેના સ્વભાવગત સ્વમાની સ્વભાવની સીમામાં રહીને સદંતર ‘ના’ કહીને પ્રસ્તાવનો સવિયન અસ્વીકાર કર્યો.

એક અઠવાડિયા પછી કનકરાયને અસ્પતાલમાંથી ડીસ્ચાર્જ આપતાં ઘરે લાવ્યાં. છેલ્લાં સાત દિવસમાં ઓફિસમાં તેની એબસન્સમાં ઘણું કામ ડીસ્ટર્બ થઇ ગયું. અને બોસના ટોટલી પ્રોફેશનલ એટીટ્યુડના કારણે આવી સિચ્યુએશનમાં પણ મીઠી ભાષામાં બોસનો ઠપકો પણ સાંભળવો પડતાં મિલિન્દને સ્હેજ લાગી આવતાં મેન્ટલી ડીસ્ટર્બ હતો. અને પપ્પાની શારિરીક સ્થિતિને ધ્યાનમાં રાખતાં તેમની જોબ કંટીન્યુ કરાવવા માટે મિલિન્દની સાથે ઘરના સૌ સદસ્યનો સખ્ત વિરોધ હતો. બે દિવસની ખાસ્સી ચર્ચા- વિચારણાના અંતે કનકરાય સ્વૈચ્છિક રાજીનામું આપવા સમંત થયાં.

ધીમે ધીમે મિલિન્દના શિરે આર્થિક અને પારિવારિક જવાબદારીઓનો બોજો વધતો રહ્યો હતો.. પથારીવશ પિતાની સેવા, એક તરફ ગોવિંદની ઊંધાં રવાડે ચડી ગયેલી કારકિર્દીના કારણે તે કોઈપણ ઘડીએ શું અનપેક્ષિત કારસ્તાન કરે તેની લટકતી તલવાર જેવી ચિંતા અને સૌથી મોટી અને મહત્વની મિતાલીને પરણાવવાની ફિકર.

ત્રણ દિવસ પછી રાત્રીના ડીનર પૂરું કરીને મિલિન્દ લટાર મારવા સોસાયટીની બહાર નીકળ્યો ત્યાં જ વૃંદાનો કોલ આવ્યો...

‘હેલ્લો..શું કરે છે ?
‘જસ્ટ વોક કરવાં આવ્યો છું, બોલ.’
‘મિલિન્દ.. કેમ આટલાં દબાયેલાં સ્વરમાં બોલે છે.. આર યુ ઓ.કે.’ વૃંદાએ પૂછ્યું.
‘નથીંગ.. જસ્ટ ઓફિસ વર્ક લોડના કારણે લીટલ ટાયર્ડ છું, બોલ શું કહે છે ?’
‘મિલિન્દ આપણે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે તે કહ્યું હતું કે, તું કશું કહેવાં ઈચ્છતો હતો અને મેં કહ્યું હતું કે, આપણે રૂબરૂ મળીએ ત્યારે... તો કયારે મળીશું ?

થોડીવાર ચુપ રહીને મિલિન્દ બોલ્યો..
‘મને યાદ છે, પણ... મળવાનું મન થશે ત્યારે જરૂર કહીશ. બીકોઝ રાઈટ નાઉ સમ સર્કમટેન્સીસ ઈઝ નોટ ઇન માય ફેવર. આઈ થીન્ક યુ કેન અન્ડરસ્ટેન્ડ વ્હોટ આઈ વોન્ટ ટુ સે એકઝેટલી.?

‘પણ.. મિલિન્દ મને ફક્ત તારી દસ મિનીટ જ જોઈએ છે. આવતીકાલે એનીટાઈમ એનીવ્હેર. પ્લીઝ.’ સ્હેજ નિરાશ થતાં વૃંદાએ કહ્યું.

‘ઓ.કે. ડન એક કામ કર તું આવતીકાલે સાંજે ઠીક ૭:૩૦ વાગ્યે મારી ઓફિસે પર આવી જા. પછી વિચારીએ.’
‘ઠીક છે, ચલ બાય ટેક કેર.’ એમ કહી વૃંદાએ નારાજગી સાથે કોલ કટ કરી તેના બેડરૂમમાંથી બહાર નીકળીને ડ્રોઈંગરૂમમાં પ્રવેશતાં..

સોફા પર બેઠેલાં વૃંદાની મમ્મી વિદ્યા ટી.વી.નું વોલ્યુમ સ્લો કરતાં બોલ્યા..
‘વૃંદા, જરા અહીં આવજે મારી પાસે.’

બૂક્સેલ્ફ માંથી તેના પસંદીદા ત્રણથી ચાર પુસ્તકો લઈ, સોફા પર વિદ્યાની બાજુમાં બેસતાં વૃંદા બોલી,
‘હા, બોલ શું કહે છે ?’
થોડીવાર વૃંદાની સામું જોઈ રહ્યા પછી વિદ્યા બોલી..
‘મમ્મીને કંઇક કહેવું હોય તો જ તેની પાસે બેસવાનું એમ ?’
‘સોરી ટુ સે મમ્મી પણ... આ સિલસિલો આજકાલનો તો નથી ને ?
‘છતાં પણ દીકરા તને એમ ન થાય કે, કયારેય મમ્મી પાસે પણ બે મિનીટ બેસીએ ?
‘જો મમ્મી હું કંઇક કહીશ તો...નાહક વાતનું વતેસર થઇ જશે.. પછી તું એમ કહીશ કે..મારો શું વાંક ?
એક નિસાસો નાખીને વિદ્યા બોલી..
‘અચ્છા ચલ મારો વાંક બસ.. છતાં પણ આજે તો કહી જ દઉં.. છેલ્લાં ઘણાં સમયથી મારું મન બહુ ભરાઈ ગયું છે.’ વિદ્યા બોલી..
થોડી ક્ષ્રણો ચુપ રહી તેના ખોળામાં મૂકેલાં પુસ્તકો સોફા પર મુકી ઉભાં થતાં વૃંદા બોલી...

‘કેવું કહેવાય નહીં..? મારાથી ભરાઈ ગયેલું તારું મન, પણ મારે જ હળવું કરવાનું ? અને સાચું કહું તો આજે મારે પણ હળવું થવું છે..’
‘આજે આ સમયે તો તું મને કહી પણ શકે છે કે, વૃંદા મારી પાસે આવજે..... જયારે હું મારી એ બાલ્યાવસ્થામાં હતી કે જયારે હું ફક્ત રડી જ શકતી હતી.. અને તે પણ માત્ર, વાત્સલ્યમૂર્તિ માના હેત ભર્યા હૂંફના ખુંચતા ખાલીપાના પડખા માટે...પણ.... તું અને પપ્પા બન્નેએ મને પડતી મુકીને પ્રાયોરીટી આપી તમારાં ખોખલાં સ્વાભિમાનના ટકરાવને. અને તેની વચ્ચે હું પીસાતી અને પીડાતી રહી. ચલો માની લઈએ કે, પપ્પા એ તો એક પુરુષના જન્મજાત ગુણધર્મને પોષવા માટે તેના અહંને આગળ કર્યો.. પણ.. તું તો મા છે ને.. એક સ્ત્રી. તે ક્યા હક અને નિષ્ઠુરતાથી મારા માતૃત્વના અબાધિત અધિકારને ઝુંટવીને તારા સ્વાભિમાનને સંતોષવા સંતાનના જન્માધિકારને નજરઅંદાજ કર્યો ?

‘અને.. કબૂલ કે, તું પપ્પાના સાથેના લગ્નજીવનમાં જોડાતા પહેલાં, પપ્પા તેની ભૂતકાળની ભૂલનો તારી આગળ દસ વખત ખરાં દિલથી પ્ર્યાસ્ચિત કરી ચુક્યા છતાં પણ...તે તારી અકડાઈથી તારા અભિમાન એકડો સાચો ઠેરવવા મને બલિનો બકરો બનાવી દીધો ?

વિદ્યાની એક ચિંગારીથી...ખાસ્સા સમયથી ધરબી રાખેલા વૃંદાના ભરેલોઅગ્નિની ભભૂકી ઉઠેલી શબ્દ અગનજાળની જવાળા વિદ્યાને દઝાડતી રહી...

પારાવાર પસ્તાવા રૂપે વિદ્યાની આંખમાંથી દડદડ આંસુ ટપકવા લાગતાં
માર્મિક સ્મિત સાથે વૃંદા બોલી...

‘બસ.. થઇ ગયું મન હળવું ? તું લક્કી છે મમ્મી. એક કડવું સત્ય કહું, પપ્પા અને તારા ટકરાવમાં હું ટંકાઈને પત્થર થઇ ગઈ છું કે, આજે હું રડી પણ નથી શકતી. હું ઘોડિયામાં ચિચિયારી સાથે આક્રંદ કરી રડ્યાં કરતી, પેટની નહીં પ્રેમની ભૂખ માટે, બે ઘડીના પોતીકા સ્પર્શ માટે પણ, અફસોસ કે ત્યારે મારા રુદનની ધ્વનિ કરતાં તમારાં ઝઘડાના વાદ-વિવાદનું વોલ્યુમ વધુ હતું.’

‘અને આ પીડા તો હું પારણામાં હાલરડાની અવેજીમાં લઈને આવી છું. મેં મારી પીડાને આંસુ પીવડાવીને જાતે જ છાની અને છીપાવી હતી.’


‘બસ.... બસ.. બસ. સ્ટોપ. ઇટ્સ ઈનફ.’
બાજુમાં પડેલાં પિલોથી ડૂસકાંને ડામતાં વિદ્યા બોલી.

‘સમયસર સ્નેહ સિંચન અને મમતાની માવજતના કુપોષણના શિકારથી બળી ગયેલા કાચી કુંપણના મુળિયા એક અરસા બાદ ધોધમાર અશ્રુધારાથી પણ જીવંત ન થાય મમ્મી. આપણને ખ્યાલ જ છે કે, અતીતના જે ઓરડામાં પીડા સિવાય કશું છે જ નહીં તો ત્યાં ટકોરા મારવાથી વળતરના પ્રત્યુતરમાં કળતર જ મળવાની છે તો શા માટે ત્યાં દસ્તક દેવાની તસ્દી લીધી ?

‘પ્લીઝ વૃંદા....જેમ જેમ પ્ર્યાસ્ચિતની તૃષાગનીને શાંત કરવાનો પ્રયત્ન કરું છું, તેમ વધુને વધુ તીવ્રતાથી તેની માત્રા વધતી જાય છે. અજાણતાં તને કરેલાં અન્યાયના બદલામાં સાંપડેલા અભિશાપની પીડામાંથી મુક્ત થવાં ક્યાં સુધી આ અનુતાપની અગનજવાળામાં જલવાનું છે ?
સ્હેજ હસતાં ભીની આંખોની કોર સાથે વૃંદા બોલી..

‘પપ્પાને તેનો પ્રેમ ન મળ્યો... તને પપ્પાનો પ્રેમ ન મળ્યો...તો તમે બંનેએ મારો પ્રેમ છીનવી લીધો. તેમાં મારો શું વાંક ? સ્તનપાનમાં થોડા ટીપાં ઓછા પીવડાવ્યા હોત તો હું મરી ન જાત મમ્મી પણ... સ્નેહપાનથી વંચિત રાખીને તમે બંનેએ મને જીવતે જીવ મારી નાખી. એક અબોલ નવજાત શિશુને શું જોઈએ મમ્મીનો પ્રેમ. માત્ર ને માત્ર પ્રેમ. એક ઉંમર પછી સમજણની સપાટીએ આવ્યાં પછી જો આ નરી વાસ્તવિકતાનું વિષ પચાવીને હું મારી જિંદગી બચાવી શકતી હોય તો, કિડ્સ પેદા કરવાની ઉંમરે, તમે બંને કિડ્સ તો નહતા જ ને ? એન્ડ... સોરી ટુ સે મમ્મી ગરુરના ગર્વને ગલતીનું નામ આપીને અફસોસનો અભિનય હવે ઓવર એક્ટિંગ જેવો જ લાગી રહ્યો છે.. આઈ થીન્ક કે, હવે સૌએ પોતપોતાના ભાગે આવેલાં કિસ્મતના કસૂરવારનું કિરદાર નિભાવ્યે જ છુટકો છે. હવે બોલ શું કામ હતું ?’

અંતે આજે વૃંદાએ કઠોર ભાષામાં તેનો આક્રંદ ઠાલવી દીધો.

આંસુ લુંછતાં વિદ્યા બોલી...
‘બસ કંઈ નહીં.. તારા પપ્પા એ કહ્યું છે કે, વૃંદાને ઈચ્છા થાય તો થોડા દિવસ મારી જોડે રોકવા મોકલજે એ જ કહેવાનું હતું.’

હસતાં હસતાં સોફા પર મૂકેલાં તેના પુસ્તક ઉઠાવીને બેડરૂમમાં જતાં જતાં બોલી...

‘મારી ઈચ્છા..?’


-વધુ આવતાં અંકે..