અપરાધ-9
(આગળના ભાગમાં જોયું કે સંજનાએ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા એક નોકરીની તપાસમાં અનંત પાસે મદદ માંગી હતી જ્યારે બીજી બાજુ અનંત ઇન્સ્પેક્ટરને બનેલી ઘટના વિશે જાણકારી આપતો હતો.)
હવે આગળ...
કોલેજમાં લેક્ચર પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ બધા મિત્રો બ્રેકમાં કોલેજની કેન્ટીનમાં બેઠા હતા. સંજના થોડી વધારે જ શાંત હતી. એક બાજુ સ્ટડીની ચિંતા બીજી બાજુ પરિવારની જવાબદારી પણ તેના પર જ હતી.
“યાર કઈ ઓર્ડર કરશો કે આમ જ બ્રેક પુરી કરવાની છે." સંદીપે બધાના ચહેરા સામે જોઈને કહ્યું.
“હા અને જાણે તને ખબર જ નથી કે શું ઓર્ડર કરવાનું છે."નિખિલે પ્રત્યુતર આપતાં કહ્યું.
શીતલે કહ્યું,“અમે ચારેય કોફી જ..." ત્યાં તેને વચ્ચે અટકાવી સંદીપે કહ્યું,“ હા દેવીઓ અમને ખબર જ છે તમે કોફી જ ગ્રહણ કરશો. અને આ મહારથીઓ ચા પણ સાથે શું આ ટીસ્યુ પેપર ખાશો?"
“તું એક કામ કર ટેસ્ટ કરી લે, પછી તને ભાવશે તો આપણે એનાથી જ ચલાવી લઈશું" રોશનીએ એક પેપર સંદીપના હાથમાં મુકતા કહ્યું.
“ok, મને જે યોગ્ય લાગશે તે લઈ આવીશ."આટલું કહી સંદીપ ઉભો થઈને ઓર્ડર આપવા ગયો. કેન્ટીન સેલ્ફ સર્વિસ હોવાથી વેઈટર વગેરેની સુવિધા નહોતી તેથી જે પણ ઓર્ડર આપવો હોય તે કાઉન્ટર પર આપી અને જાતે જ બધુ લઈ આવવાનું રહેતું.
થોડીવારમાં સંદીપ ચા, કોફી થોડી વેફર્સ વગેરે લઈને ટ્રે સહિત ટેબલ પર મૂકી ખુરશીમાં ગોઠવાયો.
અચાનક જાણે કંઈક યાદ આવ્યું હોય તેમ કહ્યું, “સંજના, તું કંઈક જોબનું કહેતી હતીને કાલે અનંતને?"
સંજનાએ અનંત સામે જોઇને કહ્યું,“ હા, મારે જોબ કરવી જરૂરી છે. ઘરની સિચુએશન મુજબ હું મારી સ્ટડી સાથે થોડી મમ્મીને થોડી ફાઇનાન્સિયલ હેલ્પ કરી શકું તો સારું રહે ને."
“અફકોર્સ યાર, એવું હોય તો અમે તપાસ કરીશું." શીતલે કહ્યું.
”અરે કદાચ એની જરૂર નહીં પડે." અત્યાર સુધી શાંતિથી બધું સાંભળી રહેલા અનંતે કહ્યું.
“તો કોઈ જોબ છે તમારા ધ્યાનમાં?" સંજનાએ પૂછ્યું.
“હા, પેલા એનજીઓમાં જ છે. કોમ્પ્યુટર ઓપરેટરની."
“સરસ, તો મારે એ જોબ માટે શું કરવાનું રહેશે?"
“અરે, એપ્લિકેશન લઈને ચાલ્યું જવાય એમાં શું યાર"સંદીપે સંજનાને જવાબ આપતાં કહ્યું.
“સ્યોર, તો હું આજે જ કોલેજ પછી ત્યાં જઈશ. થેન્ક યુ સો મચ! તમે લોકોએ દર વખતે મારી મદદ કરી છે."
“આમ તો ફ્રેન્ડ્સ અને બીજી બાજુ આભાર પણ વ્યક્ત કરવો છે. આ કેવું નહીં?" અનંતે પ્રશ્નાર્થ નજરે સંજના સામે જોઈને કહ્યું.
“હવે નહીં કહીશ બસ."સંજનાએ કહ્યું.
બ્રેક પૂર્ણ થવાનો બેલ સંભળાતા બધા મિત્રો કલાસરૂમ તરફ ચાલ્યા.
કોલેજથી છૂટીને સંજના અને પૂજા બંને એનજીઓ જવા નીકળી. અનંત અને સંદીપે પોતાના રૂમ તરફ પ્રયાણ કર્યું.
*****
“સર, બર્થ-ડે પાર્ટી પુરી થઈ પછી મોટા ભાગના મહેમાનો ચાલ્યા ગયા. હું અને મારા મિત્રો જ હતા. અમારે તો હજી સેલિબ્રેશન ચાલુ જ રાખવું હતું. અને પછી તો મમ્મી અને પપ્પાને પણ આરામ કરવાનું કહીને અમે મોડી રાત સુધી બેઠા હતા. મને ડ્રીંક કરવાની આદત નથી. પણ કદાચ ભૂલથી જ! કારણ કે ગ્લાસ જ મેં ભરેલાં તો મને તો ખ્યાલ હોય જ ને, પણ બધાને આપવામાં હું જ થાપ ખાઈ ગયો. અને મારાથી થોડું આલ્કોહોલ પણ કંટ્રોલ ન થાય એટલે ડાયરેક્ટ સંદીપ વગેરેને જણાવ્યું અને પછી તો હું અને મારી વાઈફ સંજના અમારા રૂમમાં ગયા. મને તો રૂમ સુધી પહોંચવામાં પણ ફાંફા પડ્યા હતા. અને ત્યાં સુધીમાં બાકીના બધા મિત્રો પણ પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. પછી શું થયું કઈ ખબર નથી. આંખ ખુલી ત્યારે ફાર્મ હાઉસ પર હતો. અને થોડીવારમાં તો તમે પણ ત્યાં આવી ગયેલા"અનંતે પોતાની વાત પૂર્ણ કરી.
“આ બધું વાસ્તવિકતાથી થોડું અલગ લાગે છે." ગાયકવાડે ખંધુ હસતાં હસતાં કહ્યું.
“કેમ સર?" અનંત એકધારી નજરે ગાયકવાડ તરફ જોઈ રહ્યો હતો.
“પોતાની જાતે ભૂલથી નશો થઈ જવો, પછી સુઈ જવું અને ફાર્મ હાઉસ પર એમ જ પહોંચી જવું એ બધું કોઈ કાલ્પનિક વાર્તા જેવું લાગે છે."
"સાચે સર મારો વિશ્વાસ કરો હું સાચું જ કહું છું. અને તમે જ વિચારો, હું મારા પિતાની હત્યા શું કામ કરું?" અનંત આટલું કહેતા ગળગળો થઈ ગયો.
ગાયકવાડે જવાબ આપતાં કહ્યું, “શું કામ કર્યું એ તું જાણતો હોઈશ, પરંતુ કેમ કર્યું એ હું કહું..."
વધું આવતા અંકે...
આપનો પ્રતિભાવ ચોક્કસ આપજો.
મારી અન્ય એક નવલકથા “પ્રેમ કે પ્રતિશોધ" માતૃભારતી પર ઉપલબ્ધ છે. તે વાંચીને આપનો અભિપ્રાય આપજો...
‘સચેત'