અપરાધ-5
(આગળના ભાગમાં આપણે જોયું કે અનંત અને સંદીપ કોલેજ પૂર્ણ કરી સંદીપના ઘરે જાય છે. જયારે બીજી બાજુ સંજના તેની મમ્મીના કહેવાથી મદદ માટે એનજીઓએ પહોચે છે. જ્યાં તેની મુલાકાત એનજીઓના મેનેજર જોડે થાય છે.)
હવે આગળ....
“પણ એ કે એનજીઓમાંથી અનાથ બાળકોને હેલ્પ તો મળે જ છે પરતું જો અન્ય કોઈને મદદની જરૂર હોય તો નિયમ મુજબ જ મદદ કરીએ છીએ.”
“ચોક્કસ સર, મારા બધા જ ડોક્યુમેન્ટ વગેરે હું સાથે જ લાવી છું.”સંજના એ બેગમાંથી ફાઈલ કાઢતાં કહ્યું.
“અને જો બેટા! અમે એક વખત ક્રોસ ચેક પણ કરીએ છીએ કે શું ખરેખર જરૂરિયાત છે કે નહી ! તું સમજદાર જણાય છે એટલે મારો કહેવાનો ભાવાર્થ સમજી ગઈ હોઈશ.”
“આઈ નો સર, અત્યારે કેટલા બધા ફ્રોડ લોકો હોય છે. તમે બધી ચકાસણી કરીને યોગ્ય જણાય તો જ મને......” સંજના આટલું બોલીને અટકી ગઈ.
“તારા ડોક્યુમેન્ટ અહી જમા કરાવી દે જે બધી ફોર્મેલીટી થઈ જાય પછી તને જાણ કરી દઈશું.”
“ok, થેન્ક યુ સો મચ સર!”સંજનાએ ખુરશી પરથી ઉભા થતા કહ્યું.
સંજના મેનેજર સાહેબની પરવાનગી લઈ ઓફિસથી બહાર નીકળી અને ફરી તેની નજર અનાયાસે પેલા ફોટોગ્રાફ પર પડી.
હજી સંજનાએ ફોટોગ્રાફ જોતી હતી ત્યાં પેલી મહિલાએ નજીક આવીને કહ્યું, “અહીના ટ્રસ્ટીશ્રીના પુત્ર અનંત અને તેમના મિત્ર સંદીપનો ફોટો છે.”
“ઓહ અચ્છા, સરસ”આટલું કહી સંજના ત્યાંથી ગેટ તરફ ચાલતી થઈ.
******
(બે વર્ષ પછી)
અત્યંત નિંદ્રાધીન અવસ્થામાં અનંતની આંખ ખુલી. માથા પર જાણે ભારે ભરખમ પથ્થર મુક્યો હોય તેમ માથું અત્યંત ભારે લાગતું હતું. માંડ માંડ આંખ ખુલતી હતી. ગઈ રાત્રે પાર્ટીમાં છેલ્લે માત્ર એક સોફ્ટ ડ્રીંક પીવાનું યાદ આવ્યું. પછી શું થયું કઈ ખ્યાલ જ નહોતો રહ્યો. મગજને જોર આપીને શું બન્યું તે વિચારવા પ્રયાસો કરી રહ્યો હતો.
“પપ્પાની બર્થડે પાર્ટી હતી, પાર્ટીમાં મોટા મોટા બીઝનેસમેન પોત પોતાની ફેમીલી સહીત આવ્યા હતા. પપ્પાએ મને બધાનો પરિચય કરાવ્યો મેં છેલ્લે એક ડ્રીંક......અને પછી”અનંત ખરેખર શું બન્યું તે યાદ કરવાનો પ્રયાસ કરતાં મનોમન વિચારી રહ્યો હતો.
એમ જ વિચારતાં વિચારતાં બેડ પરથી ઉભો થયો ત્યારે વધુ એક આંચકો લાગ્યો,“અરે! પાર્ટી તો ઘરે જ હતી. તો હું અહી ફાર્મ-હાઉસ પર કઈ રીતે આવ્યો? કોણ લાવ્યું હશે? અને સંજના,સંદીપ, મમ્મી, પપ્પા વગેરે બધા ક્યાં ગયા?”
અત્યારે અનંતના માનસપટ પર પ્રશ્નોનો વરસાદ થઈ રહ્યો હતો. અનંત પરિસ્થિતિનો તાગ મેળવવામાં અસમર્થ હતો. હજી મોબાઈલ હાથમાં લઈ ઘરે કોલ કરવા જઈ રહ્યો હતો ત્યાં કોઈએ જોરથી રૂમનો દરવાજો ખખડાવ્યો.
મોબાઈલ હાથમાં જ રાખી જેવો અનંતે દરવાજો ખોલ્યો કે સામે ઇન્સ્પેકટર કરન ગાયકવાડ અને તેમના સાથી કોન્સ્ટેબલ સાથે ઉભા હતા.
અનંત હજી કઈ બોલે તે પહેલા જ ઇન્સ. ગાયકવાડે કહ્યું, “ મિ. અનંત હું તમને તમારા પિતા રાકેશભાઈના ખૂનના આરોપમાં ગિરફ્તાર કરું છું.”
અનંતના પગ નીચેથી જમીન ખસી ગઈ જાણે 440 વોલ્ટનો વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ ત્યાં જ ઢળી પડ્યો.
“જાની, આજુબાજુ પાણીનો જગ હોય તો શુદ્ધિમાં લાવો આને.” ગાયકવાડે કોન્સ્ટેબલ જાનીને ઉદ્દેશીને કહ્યું.
ટેબલ પર પાણીનો જગ ભરેલો જોઈ કોનસેબલે ઇન્સ્પેકટરને આપ્યો. ગાયકવાડે હાથ વડે બે-ત્રણ વખત અનંતના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો. અનંતે જેમ તેમ કરી તેની આંખ ખોલી પરતું ઇન્સ્પેકટરની વાતથી એનું મગજ ચકરાવે ચડી ગયું હતું.
પિતાની મૃત્યુના સમાચાર અને એ પણ ખુદ પોતે જ ખૂન કર્યું હોય તેવો આરોપ આ બધું સહન કરવા અનંત સક્ષમ નહોતો.
“ચલો ભાઈ, આ બધા નાટકો ઘણા જોયા છે. રાત્રે પોતાના જ પિતાનું મર્ડર કરીને અહી આવીને આરામથી સુઈ ગયો. અને હવે ખોટા ઢોંગ કરે છે.”ગાયકવાડે તિરસ્કાર ભર્યા સ્વરે કહ્યું.
અનંતને આ બધી વાતનો એટલો ધક્કો લાગ્યો કે દલીલ કરવા માટે કે પ્રતિકાર કરવા માટે શબ્દો ઉચ્ચર્યા જ નહી ને ગળામાં જ અટકાય ગયા. ચહેરાનો બધો રંગ ઉડી ગયો. આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી..
ગાયકવાડ અને ચારેય કોન્સ્ટેબલ તેને લઈ અને સીધી જીપ પોલીસ સ્ટેશન રવાના કરી દીધી.
સંજનાને એનજીઓની મદદ મળશે કે નહી? શું અનંતે પોતાના પિતાની હત્યા કરી હશે? શું થયું આટલા વર્ષોની વચ્ચે?
જાણવા માટે વાંચતા રહો અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન...
આપના પ્રતિભાવો ચોક્કસ આપશો.
આ સિવાય મારી અન્ય એક નવલકથા પ્રેમ કે પ્રતિશોધ પણ ચોક્કસ વાંચશો.