Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધ. - 10 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-10

[સંજના કોલેજથી પૂજા સાથે જોબ વિશે વિગતે જાણવા એનજીઓ તરફ પ્રયાણ કરે છે. અનંત જે વાત જણાવે છે તે વાત એકદમ બનાવી કાઢેલી છે. એવું ગાયકવાડ કહે છે.]


હવે આગળ....

એનજીઓ પહોંચી થોડીવારમાં મેનેજર સાહેબને મળવાની પરવાનગી મેળવી ઓફીસ અંદર દાખલ થઈ. મેનેજર સાહેબ સંજનાને પહેલાથી જ ઓળખતાં હતા. એટલે સંજના સામે જોઇને કહ્યું, “અરે! દીકરા આજે અચાનક આ બાજુ કોઈ ખાસ કારણ?"
“હા અંકલ, હું કેટલા દિવસથી જોબ શોધતી હતી. ગઈકાલે અહીં કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ ખાલી છે તેવું જાણવા મળ્યું."
“હમ્મ!" મેનેજર સાહેબે હકારમાં માથું હલાવતાં કહ્યું.
“આ જોબ માટે કોઈ ટેસ્ટ કે ઇન્ટરવ્યુ વગેરે જે પણ પ્રોસેસ હોય તે જાણવા માટે અમે ડાયરેક્ટ અહીં જ આવ્યા છીએ."
“આમ તો તારું અભ્યાસ અને આવડત વગેરે બધું મને ખ્યાલ જ છે. પણ નિયમ તો બધા માટે સરખા હોય ને બેટા!"
“અંકલ, હું પણ મારી લાયકાતના આધારે જોબ મળે એજ ઇચ્છું છું."
“સરસ, એના માટે ફોર્મ ભરી અને ત્રણ દિવસ પછી એક ઇન્ટરવ્યુ છે. તો ત્યારે આવી જજે."
“ઓકે અંકલ, થેન્ક યુ" આટલું કહી સંજના અને પૂજાએ ત્યાંથી રજા લઈ પોત-પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.

સાંજે જમીને સંજનાએ અનંતનો આભાર વ્યક્ત કરવા કોલ કર્યો. થોડીવારે સામેથી કોલ રિસીવ થયો.
“હેલ્લો!"
“હાઈ, ડિસ્ટર્બ તો નથી કર્યા ને?"
“અરે ના ના, એમાં શું ડિસ્ટર્બ. કઈ કામ હતું?"
“હા, આજે હું અને પૂજા એનજીઓ જોબની તપાસ કરવા ગયા હતાં."
“સરસ, તો કઈ ફાઈનલ થયું."
“ના હજી તો ઇન્ટરવ્યુ પછી જોઈએ."
અનંતે હસતાં હસતાં કહ્યું, “મને એમ કે જોબની ખુશખબરી આપવા કોલ કર્યો હશે."
“પહેલા તો આટલી મદદ કરી એ માટે થેન્ક યુ કહેવું છે. અને જોબની ગુડ ન્યૂઝ પણ આપીશ જ."
“અરે યાર! તું પણ હદ કરે છે. જ્યારે જોઈએ ત્યારે થેન્ક યુ લઈને ઉભી હોય એવું લાગે છે હવે તો."
“કોઈ મદદ કરે તો આભાર વ્યક્ત કરવો જ પડે ને."
“સારું, તો જોબ મળે ત્યારે પણ થેન્ક યુ થી ચલાવી લઈશું. અમે બધાને તો પાર્ટીની આશા હતી."
“જોબ ફાઈનલ થાય એટલે ચોક્કસ."
“સ્યોર, ચલો કાલે કોલેજે વાત."
“હા, ગુડ નાઈટ!"
“ગુડ નાઈટ!"
સંજનાએ કોલ કટ કર્યો.

*****

ઇન્સ્પેક્ટર ગાયકવાડે થોડીવાર શાંત રહી ફરી કહ્યું, “અનંત, હજી સાચું કહી દે, કારણ કે તારી આ વાત અને અમને મળેલ પુરાવા ક્યાંય મેચ નથી થતા."
“પણ સર, હું સાચું કહું છું. મારી આંખ સીધી ફાર્મહાઉસ પર જ ખુલી. વચ્ચે શું બન્યું કઈ ખબર નથી."
“તો તારા કહેવા મુજબ કોઈએ તને ત્યાં પહોંચાડ્યો અને એ પણ તને કઈ ખબર જ નથી."
“હા"
“ફાર્મ હાઉસ પર કોઈ કેમેરા જેવું કંઈ ખરું? સિક્યોરિટી માટે કે વગેરે?"
“હા સર બરાબર મેઈન ગેટ સામે ફાર્મ હાઉસમાં પ્રવેશો એટલે બરાબર અંદરના મેઈન ડોર ઉપર જ એટલે કોઈપણ પ્રવેશે એટલે ખબર પડે જ!"
“મતલબ તને પહેલાથી જ એ કેમેરા વિશે જાણકારી હશે જ"
“સર, અમારું જ ફાર્મ હાઉસ હોય તો ખબર હોય જ ને, સ્વાભાવિક વાત છે."
“એની એક ફૂટેજ છે. જેના દ્વારા ઘણું ક્લીઅર થઈ જશે."
“હા સર એના દ્વારા મને ફાર્મ-હાઉસ કોણ લઈ ગયું તે દેખાશે જ."
“મેં એ ફૂટેજ ચેક કરી છે. નાયક આમને પણ એ દેખાડીએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય."ગાયકવાડના ચહેરા પર ફરી એ જ ખૂંધુ સ્મિત રેલાયું.
ગાયકવાડે આટલું કહ્યું ત્યાં નાયક એ ફુટેજ બતાવવા માટે લેપટોપ લઈને આવ્યો. ગાયકવાડના ઈશારે નાયકે અનંત સામે લેપટોપ મૂકીને વિડીઓ શરૂ કર્યો.

વિડીઓ જોતા અનંતને તો જાણે કાપીએ તો પણ લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. એનું મુખ કંઈક કહેવા અડધું ખુલ્યું તે ખુલ્લું જ રહી ગયું.

વધુ આવતા અંકે.....

આપનો પ્રતિભાવ ચોક્કસ આપશો.
(સમયના અભાવે અત્યાર સુધી બધા ભાગ ટૂંકા લખાયા. પરંતુ આગળના દરેક ભાગ વધારે લાંબા તેમજ રસપ્રદ વળાંકો સાથે રજૂ કરીશ તેની ખાત્રી આપું છું.)

આભાર..