Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૩ )

ભાગ ૨૨ છેલ્લો ફકરો

" ચુ*** ઇસ તરફ હૈ .....આઓ જલ્દી ...." એ અવાજ સાંભળી એક માણસ બોલ્યો અને બધા એ તરફ ભાગવા લાગ્યા . સોમચંદની ચાલ સફળ થઈ હતી , પેલા માણસોને ગેરમાર્ગે દોરવામાં સોમચંદ સફળ રહ્યા હતા . એ જેવા ત્યાંથી ખસ્યા , તરત જ બિલ્લી પગે સોમચંદ આગળ વધવા લાગ્યા . હજી એમની એક આંખ ગાડી તરફ હતી અને બીજી પેલા માણસો તરફ....હવે એકદમ ગાડીને અડીને સોમચંદ ઉભા હતા એમના ધબકારા વધી ગયા હતા , ચહેરો પરસેવાથી નીતરી રહ્યો હતો , ત્યાં એક માણસનું ધ્યાન ઝાડી તરફ થતી હિલચાલ પર પડ્યું
" ત્યાં ...એ બાજુ....એ બાજુ કોઈ હોય એવું લાગે છે ...." સોમચંદે જાણી જોઈને ગાડીની ચાવી ઇગ્નિશનમાં ભરાવીને રાખી હતી , જેથી મુસીબતમાં ચાવી ભરાવવા સમય બગાડવોના પડે . આજે એ વાત ખૂબ કામ આવી હતી , જલ્દી ગાડી ચાલુ કરી અને ગાડી અંધારાને ફાડીને આગળ દોડવા લાગી .

ફ્લેશબેક

આગળના પ્રકરણમાં જોયું કે સોમચંદ પોતાના સપનાનું તથ્ય જાણવા ફરી પોળો ના જંગલોમાં જાય છે અને એ જગ્યા કે જ્યાંથી પેલા સપનામાં બહાર નીકળ્યા હતા એ વાવ શોધી કાઢે છે . ત્યાં પહેલા થી કોઈ માણસ કૈક ગોતી રહ્યું હોય છે . એમના ખાલી હાથે ત્યાંથી ગયા પછી સોમચંદ ત્યાં જાય છે અને એમના હાથમાં એક ચર્મપત્ર આવે છે કે જે પેલા સપના વાળી રાત્રે બહાર નીકળતી વખતે સાથે લીધો હતો . તેથી એ વાત સાબિત થાય છે કે પોતે જે કંઈ જોયું હતું એ સ્વપ્ન નહીં હકીકત હતી જેની પાછળ કોઈ મોટી હસ્તી કે જે વજીર કે રાજા સંડોવાયેલ હતો . બીજી તરફ રાઘવકુમારને મળેલી ટીપ અનુસાર એક ટુકડી રોગના મૂળ તરફ એટલે કે ચમોલી-હિમાચલ પ્રદેશ જવા નીકળે છે .હવે આગળ ....

ભાગ ૨૩ શરૂ....

સોમચંદના હૃદયમાં હાશ થઈ હતી . ત્રણ ચાર માઈલ આગળ વધ્યા છતાં એમના હૃદય હજી ખૂબ વધારે ઝડપથી ધબકી રહ્યા હતા અને શરીર પરનો પરસેવો વધારે ઠંડી આપી રહ્યો હતો .સોમચંદ ત્યાંથી સીધા પોતાની ખુફિયા ઓફીસ પર ગયા અને જરૂરી સાધન સામગ્રી એક નાના થેલામાં ભરી અને સીધા પોતાના ઘરે પહોંચ્યા . સવારના ૪ વાગ્યે પોતાના ઘરે પહોંચી થોડો સમય માટે આરામ કરવા ગયા . માત્ર સ્વાતિ મહેન્દ્રરાય અને રાઘવકુમાર જ જાણતા હતા કે સોમચંદ એક ડિટેકટિવ છે . બાકીના માણસો એમને માત્ર એક સામાન્ય માણસ જ સમજતા હતા .
ડૉ.રોયના ઘરમાં બધા આરામ કરી રહ્યા હતા , સિવાય એક મહેન્દ્રરાય . એને આજ એને માઁની ખૂબ યાદ આવી રહી હતી. લગભગ દોઢ દાયકા પહેલાના સ્મરણો કોઈ ફિલ્મના પડદાની માફક એના મગજમાં પસાર થઈ રહ્યા હતા . માઁનું વાત્સલ્ય , એનો પ્રેમ , એના હાથનું ભોજન , એના હુંફાળા ખોળામાં સુવાની મજા એને બધું યાદ આવી રહ્યું હતું . સાથે સાથે એક પ્રશ્ન આજ ફરી એના મગજમાં આકાર લઈ રહ્યો હતો કે પોતાની માઁ ખરેખર આત્મહત્યા કરીને મરી ગઈ હશે ...!!? એને એક ક્ષણ માટે પણ નૈ વિચાર્યું હોય કે મારુ શુ થશે ...!?? એ વાત શક્ય જ નથી કે એ આત્મહત્યા કરે .. . એને પોતાનો બધો વલોપાત કોઈને કહેવો હતો ,પોતાની સાથે શુ થઈ રહ્યું છે એ સમજવું હતું . પણ કોણ વિશ્વસનીય છે અને કોણ નહિ ...!?પહેલા એ જાણવું ખૂબ જરૂરી હતું . આજ વિચારમાં મહેન્દ્રરાય ઊંઘી ગયો અને ક્યારે સવાર પડી એ ખબર જ ના પડી .
[તારીખ:-૨૦ ] ૨૦મી તારીખની સવારનો સમય હતો બપોરે ૧:૨૩ ની ટ્રેન હતી , જે દિલ્લી સુધી જવાની હતી અને ત્યાંથી આગળની મુસાફરી બસમાં કરવી પડે એમ હતું . તેથી ૧૦ વાગ્યે સ્વાતિ અને મહેન્દ્રરાય તૈયાર થઈ ગયા અને ડૉ.રોયનો ડ્રાઈવર એમને છોડવા કાલુપુર રેલવે સ્ટેશન જવાનો હતો . ડ્રાઈવરને પહેલા સોમચંદના ઘર તરફ જાવા માટે કહેવામાં આવ્યું જ્યાંથી સોમચંદ અને ક્રિષ્નાને સાથે લેવાનો હતો . થોડી જ વારમાં ગાડી સોમચંદના ઘેર ઉભી હતી . ત્યાંથી સોમચંદ અને ક્રિષ્નાને લઈને કાલુપુર મધ્યસ્થ રેલવે સ્ટેશન પહોંચ્યા . જ્યાંથી ટ્રેન એના સમયે ૧:૨૩ ઉપડી ગઈ હતી . કાલે એટલે કે ૨૧મી તારીખે રાત્રે ૭:૦૦ ટ્રેન દિલ્હી પહોંચવાની હતી . કાલનો આખો દિવસ ટ્રેનમાં વિતાવવાનો હતો .
[તા:-૨૦] હવે રાઘવકુમાર અને ઝાલા અહીંયા રહીને શોધખોળ કરી રહ્યા હતા .સવારમાં જ્યારે ડૉ.રોયનો ડ્રાઈવર બધાને મુકવા રેલવે સ્ટેશન ગયો ત્યારે રાઘવકુમાર અને ઝાલા પોલીસ સ્ટેશન પર ચર્ચા કરી રહ્યા હતા કે આગળની કામગીરી કેવી રીતે કરવી અને શુ કરવું ત્યારે એક કોન્સ્ટેબલ આવીને એક કુરિયર આપી ગયો . એની અંદર એક પત્ર હતો જેમાં લખ્યું હતું
" માય ડિયર રાઘવકુમાર જે દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું , કદાચ આ બધું કોઈ દ્વારા રચાયેલ માયાજાળ હોઈ શકે છે . મતલબ ...ખબર ના પડી બરાબરનો.....? રોગનું મૂળ એનું ઉદગમસ્થાન હોય છે . ત્યાંથી શરૂવાત કરો . " રાઘવકુમાર પત્ર વાંચી ગયા . આ પત્ર પણ પેલા બુકનીધારીએ લખ્યો હતો .
" આનો મતલબ શુ હોઈ શકે ....!?? રોગનું મૂળ એનું ઉદગમસ્થાન હોય છે ....!?? પણ રોગ કોને છે ...!?" ઝાલએ પૂછ્યું
" અરે આનો મતલબ કે સમસ્યાનું સમાધાન એના ઉદગમસ્થાનમાં હોય છે .જેમ સાપના ઝેરની દવા સાપનું ઝેર જ હોય છે એમ આપણી જે ગડમથલ છે એ પેલી રાત્રી પછી બની રહેલી હરોળબંધ ઘટના ...અને એ ઘટના પાછળનો હેતુ શુ હોય શકે ...? એ જાણવા એ ઘટના બની હતી ત્યાંથી શરૂવાત કરવી પડશે ....આ પત્ર મુજબ ..." રાઘવકુમારે ફોડ પાડી
" મતલબ ......આભાપર .... આપણી સમસ્યાનું સમાધાન આભાપરથી મળશે એમને...??" ઝાલા એ વાત અધવચ્ચે કાપતા પૂછ્યું
" હા ....જો પત્ર આપનાર સાચું કહેતો હોય તો .... અને હા તેના અનુસાર જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું ..એનો મતલબ .... મતલબ કે જે માણસ જેટલો સારો કે ખરાબ લાગે એટલો હોતો નથી ... " રાઘવકુમારે પ્રશ્ન પૂછી જાતે જ જવાબ આપ્યો
" હમ્... વાત તો સાચી છે , પરંતુ એ કયા માણસોની વાત કરતો હશે .... ? એ સીધા નામ પણ આપી શક્યો હોત .... તો આવી અટપટી ભાષાનો ઉપયોગ કરવાની શુ જરૂર હોઈ શકે ...?? "ઝાલાએ પૂછ્યું
" કદાચ એ ઈચ્છતો હોય કે આ વાતની ચકાસણી આપડે જાતે કરીએ ...પછી આગળના પગલાં લઈયે ...." રાઘવકુમારે જવાબ આપ્યો
" તો હવે આપડે શુ કરવું જોઈએ ...!??"
" જઈને હમણાં જ તપાસ કરવી ...એના શીવાય આપડે કશુ જ કરી શકવાના નથી " રાઘવકુમારે કહ્યું અને બંને બહાર નીકળી પડ્યા
" કોઈ આવે તો કહી દેજો સાહેબ તપાસ માટે બહાર ગયા છે ... કાલે આવશે . અને જો ખૂબ વધારે અંગત અને જરૂરી કામ લાગે તોજ મને મારા પ્રાઇવેટ નંબર પર ફોન કરજો " કોન્સ્ટેબલને આદેશ આપતા કહ્યું અને નીકળી પડ્યા
બહાર નીકળીને બંને ઝાલાની જીપમાં ગોઠવાયા કારણ કે જો પોલીસની ગાડી લઈને બહાર જાયતો એના ઉપરી એ.સી.પી ચાવડાને ખબર પડ્યા વગર રહે નહીં .જીપની અંદર ગોઠવાયા પછી તરત દેખાયું કે જીપના હુડ પર એક ટપાલ મૂકેલી હતી એ ઝાલાએ ઉઠાવી જેની અંદર એટલે લખેલું હતું .
" ખબર હતી ઝાલાની જીપ માંજ નીકડશો .... મારા ભાઈઓ અને મિત્રોને ગોતો....એનું ધ્યાન રાખો , આજકાલ ગુંડાઓ સાથે ભળી ગયો છે . કદાચ એને ધમકાવતા તમને કૈક માહિતી જરૂર આપી દેશે...." ઝાલાએ ટપાલ વાંચી અને ગાળ બોલતા કહ્યું
" હવે આ શુ આદર્યું છે મા**** એ ......!!? આપડને બનાવાનું કામ કરે છે કે શુ .... સાચું કહું છુ રાઘવ આ આપડને ફસાવવાનો ટ્રેપ પણ હોઈ શકે છે "
" હા , જાણું છુ .તેથી તો હું હંમેશા બેક-અપ તૈયાર રાખું છુ " રાઘવકુમારે સોમચંદે આપેલી ઘડિયાળ બતાવતા કહ્યું
" આ ...આ શુ મદદ કરશે ...?"
" ઝાલા સાહેબ , આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી . આમાં ... આ બટન દબાવતા એક મેસેજ કન્ટ્રોલ રૂમમાં જાય છે , જ્યાં મારુ સીધું લાઈવ લોકેશન જાય છે અને તાત્કાલિક મદદ મડી રહે છે " કોઈ રાઝ ખોલતા હોય એમ રાઘવકુમારે કહ્યું અને ઉમેર્યું " આવી જ એક ઘડિયાળ હાલ સોમચંદ પાસે પણ છે જે હંમેશા પોતાનું લોકેશન બતાવતી રહેશે ... જ્યાં સુધી એમાં કોઈ ક્ષતિ ના આવી જાય , કદાચ એમને કઇ થઇ જાય તો મદદ માટે જઇ શકાય "
" ઠીક છે રાઘવકુમાર ...હવે આ ટપાલ શુ કહેવા માંગે છે ...!!? " એના ભાઈઓ મતલબ શુ .....? ટપાલનો ભાઈ મતલબ કે બીજી ટપાલો ...? ટપાલોનું ઘ્યાન રાખવું એમ ...? "
" હા ..કદાચ એવું જ છે ઝાલા સાહેબ , આ બંને ટીપ એક જ જગ્યા એ જાવા માટેની કડી હશે . પહેલી વાત કે , ઘટનાની શરૂવાત થઈ હતી ત્યાંથી તપાસ શરૂ કરવી અને ત્યાં જઈને ટપાલો ઉપર નજર રાખવી ....કદાચ એ માણસ આપડને આજ કહેવા માંગે છે " ગાડી આભાપર જવાના રસ્તે નીકળી પડી .
[તા-૨૦] મુખી પોતાના ગામમાં એમના માણસોને ધમકાવી રહ્યા હતા .જાણે પ્રેસર કુકર માં સીટી ખરાબ થઈ જતા લાલચોળ થઈને ફાટે એવી રીતે બરાડી રહ્યા હતા .
" હરામનું ખાઈ ખાઈને ભેંસ જેવુ શરીર કર્યું છે , એક કામ સરખી રીતે કરી નથી શકતા ...? એક નાની વસ્તુ ગોતવાની કહી હતી . એ પણ ના કરી શક્યા....?? એતો ઠીક પણ એક બે ટકાનો સામાન્ય માણસ તમારી આંખમાં ધૂળ નાખી એ પત્ર લઇ ગયો ...? થું ...થું છે તમારી જિંદગી પર "
" પણ મુખીજી એ ક્યારે આવ્યોએ ખબર જ ના પડી ..."
" તમે ત્યાં શુ તમારી **** મરાવતા હતા ....?? " એટલું કહી પેલા માણસને એક લાત મારી અને બિચારો ત્યાંજ બેવડો વળી ગયો
" હું કંઈના જાણું , મારે એ કાગળ ...પત્ર...જોઈએ અને પેલો માણસ પણ ... આજ સાંજ સુધી એ મારી સામે હાજર ના થયો તો તમે ગયા સમજો "
" જી ..મુખીજી ....."
" યાદ રાખજો ...આજ સાંજ ....બાકી પેલો કાળોતરો તમને ડંસી ખાશે..... હજી તમને ખબર નથી એનો પેલો પે** આવીને મારી ગમે ત્યારે બજાવી જાય છે , એ એટલો ખતરનાક છે તો એનો બાપ ...એનો બાપ કેટલો ખતરનાક હશે ...?" બળવંતરાયે કહ્યું
બહારથી સીધા સાદા દેખાતા મુખીનો એક બીજો ચહેરો બહાર આવી રહ્યો હતો . ખરેખર મુખી આખી ઘટના સાથે કેવી રીતે સંકળાયેલા છે એ હજી સુધી કોઈ જાણકારી નહોતી , કોઈ જાણતું નહોતું મુખીની આ હરકતો વિશે , બસ માત્ર સોમચંદને એમના પર ..એમની હરકતો પર શંકા થવા લાગી હતી . કાલ રાતે બનેલી ઘટના દ્વારા એમની સંડોવણી હોવાની શંકા ખૂબ વધી ગઈ હતી પરંતુ નક્કર પુરાવાના અભાવે સોમચંદ કશુ બોલી શકે એવી હાલત નહોતી .

મુખીના માણસો મુખીએ સોંપેલાં કામ કરવા ઉપડ્યા . અને મુખી પોતાના ઘરે જાવા નીકળ્યા . ગામના સીમાડે થઈને મુખી પોતાની મૂછોને તાવ આપતા આપતા આવી રહ્યા હતા. સામે મળતી ગામની સ્ત્રીઓ મોઢું નીચું કરી દેતી અને ઘૂંઘટા તાણી દેતી , ગામના પુરુષો એમને હાથ જોડી રામરામ કહેતા જતા અને આ બધું જોઈ કોઈ રજવાડા જેવું મહેસુસ કરતા બળવંતરાય આગળ વધી રહ્યા હતા . જાણે આ બધાને પોતાની ઈજ્જત હોય એવું માનતા . ચાલતા ચાલતા આગળ વળ્યાં ત્યાં ગામના ઝાંપામાં બે મોચીને બેસેલા જોયા અને સીધા ત્યાં ચાલ્યા ગયા .
" લે ભઈલા , આ જોડું હરખું કરી આલ .... કેટલાય દાળા થી નવા લેવા જાવુ...પણ ટેમ જ નહ....."
" જી મુખીજી....."
" હે ..તને ચમની ખબર પડી કે હુઝ ગોમનો મુખી હોવ....?"
" ગામના રૂવાબદર માણહ અમે ના ભાળિયા એમ ચમનું બને મે'રબાન....." આ સાંભળી ફરી મહેન્દ્રરાય પોતાની મૂછોને તાવ આપવા લાગ્યા . જાણે એમની સરખામણી મોદીજી સાથે થઈ હોય ....!! કામ પતતા એમને ₹ ૫૦૦ની મોટી નોટ કાઢી એ બંનેને આપી
" સા'બ ... છુટા નહ......"
" તમતમારે રાખ ...બક્ષિસ .. "
આ જોઈને લાગે છે કે માણસ માન સન્માનનો કેટલો ભૂખ્યો છે ...!!? કોઈ અજાણ્યો માણસ બે શબ્દો વખાણના કહી દે તો એની પર માણસ આંખો બંધ કરીને ભરોસો કરી દે છે જાણે એ વર્ષો પુરાણો જાણકાર હોય.....!! અને એવા વ્યક્તિ સાથે નાતો તોડી નાખે છે જેને ખરેખર એની માટે ચિંતા હોય , બે કડવા સત્ય વચન કહેતા વર્ષોની મિત્રતા અને સંબંધો તોડી નાખે છે ....વાહ...રે જિંદગી....વાહ .....!!
પેલા બે મોચી ગામના ચોરામાં બેસીને આખા ગામની પંચાયત આદરી હતી . સાથે સાથે દેશી બીડી અને ગાંજાના ગોટે ગોટા ઉડાડી રહ્યા હતા . આજુબાજુ ભીડ ખૂબ જામી હતી , જામે કેમ નહી....?? ત્યાં એક રમત રમાઈ રહી હતી સાથે જેને જેટલી બીડીઓ પીવી હોય એટલી મફત ....!! રમત શુ હતી ...?? ત્યાં મોચી પોતાનું એક અણીદાર ઓજાર ગોળ ફેરવતો , જેની તરફ એની અણી આવે એને એક રાઝ કેવાનું જે ગામનું કોઈ જાણતું ના હોય અથવા આજ સુધી કોઈને કહીના હોય એવી વાત કેવાની , બદલામાં એક ગાંજાની પોટલી મળે....!!એમાંથી કોઈ પણ વ્યક્તિને એ વિચાર ના આવ્યો કે આ સામાન્ય મોચી પાસે આટલી ઊંચી કિંમતનો નશો-ગાંજો કેવી રીતે આવ્યો હશે ...!!? અને એને પોતાના ગામ વિશેની આવી માહિતીની શુ જરૂર હશે .. !? બધાનું ધ્યાન પેલી પોટલી પર હતું ....જે મફતમાં વહેંચાઈ રહી હતી .બધા અલગ અલગ વાતો કરી ઇનામો મેળવી રહ્યા હતા એમાંથી એક આદમી બોલ્યો
" ઘણા ટેમ પેલાની વાત છૈ, પન ઇમાં ચેટલું હાચુ ઇ નથ જાણતો .....પંદરેક વરહ પેલાની વાત છૈ , અમાર મુખીની ઔરત આપઘાત કરીન મરી જઇ , ઇમના નાના છોરાએ કિધેલું કે ઇની માઁને ઇના બાપે જ પતાવી દીધી , પણ ...પણ એને એવું સમણું આયેલું ... આ એક રાઝની વાત છે કી જે સમણુનું નાના સાઇબે જોયુતું ત્તણ દાડામાં ઝ હાચેમાં ઇની માઁ મરી જઇ....!!" એને વાત ટૂંકમાં પતાવી
" તો કોઈ પોલીસ કેસ ના થયો ....!!?"
" કદાચ થીયો તો , પણ પેસાથી મોટુ કાનૂન થોડી હોય...??" એ માણસે કહ્યું
" વાત તો તમારી સાચી છે હો " આટલું કહી આગળ ઉમેર્યું " આજકાલ મુખીનો દીકરો ક્યાંય દેખાતો નથી ....ખૂબ કામમાં લાગે છે ...." બીજા મોચી એ પૂછ્યું
" ના..ના...... ઇમાં થયું એવું કી.... " થી શરૂ કરી એક બીજા માણસે આખી વાત સમજાવી દીધી .' એ હાલ કોઈ ડૉ.રોયના ત્યાં રહે છે બધું કહી દીધું .'
" આમ તો મુખી મજાના માણસ છે .. પણ તમને શુ લાગે એ કોઈ ખોટા કામમાં જોડાયેલા હોય ખરા ....!??" ફરી મોચીએ પ્રશ્ન પૂછ્યો
"સાઇબ આતો આપ ઓરખીતા કેવાય એટલે કવ સુ હો ...કોઈનબકે'તા નહીં .... મુખી છ ને ખાલી નોમના સેવક છૈ , પણ ઇની વાહે ચેટલાય ગોરખધંધા આદરેલા છૈ . ઝંગલમાં ગેરકાયદેસર શિકાર , લાકડા કાપવા માંડી ગોંજાની વા'વો(વાવવો) હંધુયે કરે છ . ઇમની હાથે ગોમના ચેટલાય માણહ છે " માત્ર એક પોટલી ગાંજોની બદલે આ બધી માહિતી મળી રહી હતી . ત્યાં દુરથી કોઈ માણસને આવતા જોઈને એ બોલ્યો
" અય હંધાય મૂંગા મરો....... .ઓલો મુખીનો ઝણ આવે છ ...." બધા ચૂપ થઈ ગયા પેલો મુખીના ઘરેથી આવેલો છોકરો એમની બાજુમાંથી નીકળી ટપાલપેટી તરફ ગયો , ટપાલ નાખી અને પાછો આવ્યો અને પાછો ઘર તરફ રવાના થયો
" ખબર નથ પડતી કી આ ટેલિફોનના ઝમાનામાં આ મુખી ટપાલુ કુને લખે છ....લાગે છ ઇમને ઇમના ઝમાનાનો પ્રેમ યાદ આવી જયો લાગે છ " આ સાંભળી બધા ખડખડાટ હસવા લાગ્યા પરંતુ મોચીના મગજમાં કૈક બીજી ગણતરીઓ થઈ રહી હતી . એ મોચી બસ એમને સાથ આપવા માટે હસી રહ્યા હતા . સવારની સાંજ પડી જતા એક પછી એક માણસ ત્યાંથી છૂટો પડી રહ્યો હતો છેલ્લે સૂરજ આથમી જતા બંને મોચી એકલા પડતા ગામની બહાર નીકળી ગયા .

(ક્રમશ )


રાઘવકુમાર અને ઝાલાને અટપટી પહેલીઓમાં ટપાલ લખી કેસ વિશે માહિતી આપનાર કોણ હોઈ શકે છે ....!!? આનાથી એનો અંગત ફાયદો શો હોઈ શકે છે ...?? મુખી આ ટેલીફોનના જમાનામાં ટપાલ લખે છે એજ તો કદાચ કોઈના ડર થી રાઘવકુમારને ટપાલ દ્વારા આ બધું કહી રહ્યો નથી ને ...!? અને એના માણસો આની જ તપાસ કરી રહ્યા નથીને...!!? આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો ભાગ-૨૪

મિત્રો વાર્તા અંત તરફ આગળ વધી રહી છે , 1000 રીવ્યુ અને અભિપ્રાય મળશે તો હું મારી જાતને સફળતાની દિશામાં આગળ વધતો માનીશ . અમુક સેકન્ડનો સમય લઈને અભિપ્રાય જરુર આપશો જી.


જો તમને મારી નવલકથા ગમતી હોય તો તમારા મિત્રો, પરિવારના સભ્યોને જરૂર વંચાવજો.

આભાર ...ખૂબ..ખૂબ આભાર ....