અહંકાર – 24
લેખક – મેર મેહુલ
“અત્યારે અગિયારને દસ થઈ છે” અનિલે કહ્યું. રૂમની બહાર નીકળીને અનિલ શિવ અને જયને ઇન્કવાઇરી રૂમમાં લઈ આવ્યો હતો, “મારી પાસે માત્ર પચાસ મિનિટ છે, જો આ પચાસ મિનિટમાં તમારા બંનેમાંથી કોણે હાર્દિકને માર્યો છે એનો જવાબ જયપાલસિંહને નહિ મળે તો એ તમને બંનેને ટોર્ચર કરશે, મારશે અને જ્યાં સુધી તમે હકીકત નહિ જણાવો ત્યાં સુધી તમને છોડશે નહિ..!”
“પણ સાહેબ…અમે છેલ્લાં બે અઠવાડિયાથી તમને કહી કહીને થાક્યાં છીએ. અમે હાર્દિકને નથી માર્યો” શિવે તરડાઈને કહ્યું.
“તમારાં કહેવાથી અદાલત એ વાતને સ્વીકારી નહિ લે, હર્ષદ અને મોહિતે પોતાનો ગુન્હો કબૂલી લીધો છે અને હર્ષદે થોડીવાર પહેલા જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં તેણે તમારા બંનેનો પણ ઉલ્લેખ છે અને હર્ષદનાં જણાવ્યા મુજબ તમારે બંનેને હાર્દિક સાથે રોજ ઝઘડો થતો, એટલે આ વાતને આધારે તમે બંને જ છો જેનાં પર વધુ શંકા જાય”
“ઝઘડાને અને મર્ડરને શું સંબંધ છે સાહેબ ?, નાના-મોટા ઝઘડા તો બધા દોસ્તો વચ્ચે થતાં હોય છે, ઉપરાંત મારી અને હાર્દિક વચ્ચેનાં ઝઘડાનું પરિણામ હત્યા આવે, એવા મોટા ઝઘડા પણ નહોતાં થતા. હાર્દિક નાહ્યા બાદ બેડ પર જ રૂમાલ રાખીને ચાલ્યો જતો, ઘણીવારએ ટિફિન જમ્યા બાદ પોતું ન મારતો, જેને કારણે બધું પગમાં ચોંટતું; અમે અલમારીનાં ખાના વહેંચેલા હતા..તો પણ હાર્દિક બધાનાં ખાનામાં પોતાનાં કપડાં ફેંકી દેતો…આવી નાનીનાની વાતોમાં હું એને ટોકતો હતો, જેને કારણે અમારા વચ્ચે બોલાબાલી થતી” શિવે કહ્યું.
“આવી વાતોમાં તું હાર્દિકને મારી પણ લેતો ?” અનિલે કટાક્ષમાં પૂછ્યું, “હર્ષદે કહ્યું હતું કે તું હાર્દિકને મારતો પણ…!”
“એ તો એણે કામ જ એવું કર્યું હતું એટલે સાહેબ…” શિવે ટૂંકમાં પતાવ્યું.
“એવું તો શું કામ કર્યું હતું ?”
“જણાવવું જરૂરી છે સાહેબ ?” શિવે પૂછ્યું.
“જયપાલસિંહનાં દંડાથી બચવું હોય તો બધું જ જણાવવું પડશે” અનિલે કહ્યું, “ના જણાવવું હોય તો તારી મરજી..!”
“સાહેબ…હાર્દિકને મેં….રૂમે….” શિવે તૂટક આવજે કહ્યું.
“હા.. રૂમે .., આગળ બોલ…”
“રૂમે…બે-ત્રણ..વાર…છોક…છોકરા સાથે પકડેલો” શિવે કહ્યું.
“મતલબ..!” અનિલે ચમકીને કહ્યું, “હાર્દિક ગૅ હતો ?”
“ના.. સાહેબ…પણ એ હવસમાં એટલો બધો અંધળો થઈ ગયો હતો કે….” શિવે કહ્યું, “સમજી જાઓને સાહેબ…”
“ઓહહ..” કહેતાં અનિલે જય સામે જોયું, “તારે પોતાનાં બચવામાં કંઈ કહેવાનું છે ?”
“હાર્દિક સાથે મારે ઝઘડો થતો પણ અમે બંનેએ ક્યારેય હાથ ચાલાકી નથી કરી, એ મને ગાળો આપતો અને હું એને…” જયે કહ્યું.
“તો તમારા બંનેમાંથી કોઈએ હાર્દિકને નથી માર્યો ?” અનિલે છેલ્લીવાર પૂછ્યું. બંનેએ નકારાત્મક ઢબે માથું હલાવ્યું.
“જો તમે બંનેએ હત્યા નથી કરી તો હું તમને બંનેને એક જ સલાહ આપું છું” અનિલે ઉભા થતાં કહ્યું, “કંઈ પણ થાય સત્યને વળગીને રહેજો”
શિવ અને જય બંને અનિલ સામે તાંકી રહ્યા. અનિલ શું કહેવા માંગતો હતો એ બંને સમજી ગયા હતા અને એટલે બંનેમાંથી કોઈએ એકપણ શબ્દ આગળ ન ઉગાર્યો. અનિલ દરવાજો ચીરીને બહાર નીકળી ગયો.
બહાર આવીને અનિલ સીધો ઓફીસ રૂમમાં પ્રવેશ્યો.
“કર્યું કોઈએ કબુલ ?” જયપાલસિંહે કટાક્ષ કરતાં પૂછ્યું.
“ના સર…પણ એ બંનેમાંથી કોઈએ હત્યા નથી કરી” અનિલે કહ્યું, “શિવે અત્યારે હાર્દિકને મારવા પાછળનું કારણ જણાવ્યું હતું…”
“અટકી કેમ ગયો…આગળ બોલ..” જયપાલસિંહે કહ્યું.
અનિલે ભૂમિકા તરફ જોયું,
“બેન.., બે મિનિટ માટે તમે બહાર જઈ શકો છો ?”
ભુમિકાએ હકારમાં માથું ધુણાવ્યું અને ઉભી થઈને બહાર જતી રહી.
“સર, હાર્દિક હવસમાં એટલો આંધળો થઈ ગયો હતો કે ક્યારેક છોકરી ના તો એ છોકરાઓને પણ રૂમે લઈ આવતો..” અનિલે કહ્યું.
“અચ્છા..” જયપાલસિંહે સણકો કર્યો, “એને અત્યારે જ આ વાત કહેવાનું યાદ આવ્યું ?, તું તો છેલ્લા બે અઠવાડિયાથી એ બંનેને ઇન્ટ્રોગેટ કરતો હતોને, ત્યારે એ લોકોને આ વાત યાદ નહોતી આવી”
“પણ સર…!”
“શું સર…માણસ જયારે મુસીબતમાં ફસાય છે ત્યારે એ છટકવા માટે કંઈ પણ બોલી દે છે. આ બંનેએ પણ એવું જ કર્યું છે. પેલાં ચાર લોકોની જેમ આ બંનેમાંથી પણ કોઈને હાર્દિક સાથે દુશ્મની હતી અને એ શિવ જ છે એની પણ મને ખાત્રી છે” જયપાલસિંહે કહ્યું.
“સૉરી સર..પણ તમે ખોટી લીડમાં આગળ વધો છો એવું મને લાગે છે” અનિલે કહ્યું.
“શું કહ્યું તે ?, હું ખોટી લીડમાં આગળ વધુ છું ?” જયપાલસિંહ રીતસરનો ગર્જી ઉઠ્યો, “માન્યું ચલ…હું ખોટી લીડમાં આગળ વધુ છું. તો તું સાચી લીડ શોધ અને હત્યારાને શોધી કાઢ”
“ઑકે સર…” અનિલે કહ્યું, “મને બે દિવસનો સમય આપી, હું હત્યારાને તમારી સમક્ષ લાવી દઈશ…પણ ત્યાં સુધી તમે આ લોકોને ટોર્ચર નહિ કરો”
“એ શક્ય નથી, બે દિવસમાં મારે કેસ ક્લોઝ કરવાનો છે” જયપાલસિંહે નફટાઈથી કહ્યું, “અત્યારથી જ તું તારી રીતે હત્યારાને શોધ અને હું મારી રીતે….ચાલ દિપક..”
જયપાલસિંહ પગ પછાડીને બહાર નીકળી ગયો. દિપક પણ તેની પાછળ બહાર ચાલ્યો. આ તરફ અનિલ નતમસ્તક થઈને ખુરશી પર બેસી રહ્યો. થોડીવાર પછી ભૂમિકા ઓફીસ રૂમમાં પ્રવેશી અને ખુરશી ખેંચીને અનિલ પાસે બેસી ગઈ.
“સવારે એક કૉલ આવ્યો હતો” ભૂમિકાએ કહ્યું, “સર પર કેસ ક્લોઝ કરવા ઉપરી અધિકારીઓનું પ્રેશર છે”
“પ્રેશરમાં આવીને નિર્દોષ વ્યક્તિને દોષી ગણવો એ ક્યાં કાયદામાં લખ્યું છે” અનિલે નિરસતાથી કહ્યું, “અમથા તો સર કાયદાની વાતો કરતા થાકતા નથી અને અત્યારે…”
“હું સમજી શકું છું પણ જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી સર પણ ખોટા નથી. આપણી પાસે જેટલા સસ્પેક્ટ હતા એમાંથી આ બંને જ શંકાનાં દાયરામાં છે અને આમ પણ જે રાત્રે મર્ડર થયું એ રાત્રે આ બંને એ સ્થળ પર હાજર હતાં” ભૂમિકાએ કહ્યું.
“સર ભલે ગમે તે કહે પણ એ બંને સાચું બોલે છે એની મને ખબર છે” અનિલે કહ્યું, “અને હું આ વાતને સાબિત કરીને રહીશ”
“હું તારી સાથે છું” ભૂમિકાએ અનિલનાં ખભે હાથ રાખીને કહ્યું.
“થેંક્યું બહેન…”અનિલે કહ્યું. ભૂમિકાએ સ્મિત વેર્યું.
“તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું ?” ભીમિકાએ પૂછ્યું.
“શૂન્યથી…” અનિલે કહ્યું, “આપણી પાસે અત્યાર સુધીમાં જેટલા પુરાવા છે, જેટલા કાગળો છે એ બધા જ ફરીથી તપાસીશું. આપણે જે સસ્પેક્ટને સાઈડમાં તારવ્યા હતા તેઓને ફરી શંકાનાં પરિઘમાં લઈશું”
“ઠીક છે” કહેતાં ભૂમિકા ઉભી થઇ. તેણે કબાટનાં ખાનામાંથી ‘હાર્દિક મર્ડર કેસ’ ની બધી ફાઈલો ટેબલ પર રાખી. એ દરમિયાન અનિલે ખૂણામાં રહેલું એવીડન્સ બોક્સ લઈને ટેબલ પર રાખ્યું.
“માનસી, ભાર્ગવ, મોહિત અને હર્ષદની માહિતી અલગ તારવી લઈએ..” અનિલે કહ્યું.
બંનેએ મળીને ફાઈલોમાંથી ચાર વ્યક્તિનાં સ્ટેટમેન્ટ, પુરાવા, ફિંગરપ્રિન્ટ અને ફોટા સાઈડમાં તારવી લીધાં.
“તું આ ચાર લોકોની ફાઈલો તપાસ અને હું બાકીનાં સસ્પેક્ટની ફાઈલો તપાસુ છું” અનિલે કહ્યું.
બંનેએ એક કલાક સુધીમાં બધી ફાઈલો ખોળી કાઢી. ત્યારબાદ બે નવી ફાઈલો તૈયાર થઈ હતી. અનિલે જે ફાઇલ તૈયાર કરી હતી તેમાં એવા સસ્પેક્ટ હતાં જે લોકો પર હાર્દિકનાં મર્ડરની શંકા વ્યક્ત કરી શકાય. આ લોકોમાં જનક પાઠક, ખુશ્બુ ગહરવાલ, નેહા ધનવર, શિવ અગરવાલ અને જય પંડ્યા મુખ્ય હતાં.
જ્યારે ભૂમિકાએ જે ફાઇલ તૈયાર કરી હતી એમાં સ્ટેટમેન્ટને આધારે સસ્પેક્ટ પર શંકા વધુ મજબૂત થાય એવી માહિતી હતી…જેમ કે માનસીનાં સ્યુસાઇડ નોટમાં હાર્દિક હવસી હતો એવું લખ્યું હતું, જેને આધારે હાર્દિક ખુશ્બુ અને નેહાને પણ બ્લેકમેલ કરતો હતો એની સંભાવના હતી. હર્ષદે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એનાં આધારે શિવ તથા જય પરની શંકા મજબૂત થતી હતી. એ ઉપરાંત અનિલે પણ થોડાં સ્ટેટમેન્ટનાં કાગળો ભૂમિકાને આપ્યા હતા. જેમાં શિવે પહેલું સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે હાર્દિકનો સંકેત તરફનો વ્યવહાર હતો. જનક પાઠકે જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું હતું એનાં આધારે એ પણ શંકાનાં પરિઘમાં આવી ગયો હતો.
“ઑકે, તો આ બંને ફાઈલમાં એવા લોકોની માહિતી જેમાંથી કોઈ એક અથવા તેનાથી વધુ મર્ડરર હોય શકે. આ લોકોએ મર્ડર નહિ કર્યું હોય તો કોઈને સુપારી આપીને મર્ડર કરાવ્યું હશે” અનિલે કહ્યું, “આ બધામાંથી જેનાં પર બધું શંકા હોય એને પહેલાં અને પછી ક્રમશઃ ગોઠવી લઈએ એટલે આપણે તપાસ આગળ વધારીએ”
“ઑકે..”કહેતાં ભૂમિકાએ બધા કાગળ ફાઇલમાંથી બહાર કાઢ્યા, અનિલે પણ તેનું અનુકરણ કર્યું. ત્યારબાદ ફરી એક નવી ફાઇલ તૈયાર કરવામાં આવી. જેમાં ક્રમશઃ ખુશ્બુ ગહરવાલ, નેહા ધનવર, સંકેત રાઠોડ, જનક પાઠક, શિવ અગરવાલ અને છેલ્લે જય પંડ્યાની માહિતી હતી. અનિલે એ ફાઇલ હાથમાં લીધી, ત્યારબાદ જીપની ચાવી અને કેપ લઈને એ તૈયાર થઈ ગયો.
“પહેલા બેન્કે જઈએ, ત્યાં ત્રણ લોકો મળી જશે” અનિલે કહ્યું.
બંને ઓફીસ રૂમમાંથી બહાર આવ્યાં. એ જ સમયે,
“આ..આ…આ.., મારશો નહિ સર પ્લીઝ…” શિવનો અવાજ અનિલને કાને પડ્યો. અનિલનાં કાને શિવનો અવાજ પડ્યો એટલે તેનાં પગ થંભી ગયા.
“આપણે અત્યારે કશું નહીં કરી શકીએ…” ભૂમિકાએ કહ્યું અને એ આગળ ચાલવા લાગી. અનિલે પણ નિઃસાસો નાંખ્યો, પછી એ પણ ભૂમિકાની પાછળ બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)