અહંકાર - 22 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકાર - 22

અહંકાર – 22

લેખક – મેર મેહુલ

બપોરનાં સાડા બાર થવા આવ્યા હતાં. અનિલે સરદાર પટેલ સર્કલ ફેરવીને જનક પાઠકનાં બંગલા તરફ જીપ વાળી.

“જનક પાઠક તમને જોઈને કેવું રિએક્શન આપશે ?” અનિલે ગિયર બદલીને એક્સેલેટર પર વજન આપ્યો.

“ખબર નહિ…પણ હું મારી ફરજ બજાવું છું” જયપાલસિંહે કહ્યું, “હું જનક પાઠકને અન્ય સસ્પેક્ટની જેમ જ ઇન્ટ્રોગેટ કરીશ…”

“એ પણ છે…આપણે તો નિષ્પક્ષ તપાસ કરવાની હોય છે” અનિલે કહ્યું.

જનક પાઠકનાં બંગલાનાં ગેટ પાસે પહોંચીને અનિલે બ્રેક મારી. પોલીસની જીપ જોઈને ગાર્ડે દરવાજો ખોલી દીધો એટલે અનિલે જીપ પરસાળમાં દોરી લીધી. ગેટની અંદર અડધા એકરમાં ફેલાયેલો જનક પાઠકનો આલીશાન બંગલો હતો. જીપમાંથી ઉતરીને બંને બંગલામાં પહોંચ્યા. અંદર જનક પાઠક બપોરનું ભોજન કરવાની તૈયારી કરી રહ્યો હતો. જયપાલસિંહને જોઈને એ ઊભો થયો અને લુચ્ચું સ્મિત કરીને જયપાલસિંહ તરફ આગળ વધ્યો.

“બંદોબસ્તની તૈયારી કેમ ચાલે છે ઇન્સ્પેક્ટર ?” જનક પાઠકે ઠાઠમાં કહ્યું.

“અમે તો તમારા દીકરાનાં બેસણામાં આવ્યા હતા” જયપાલસિંહે પણ એ જ અદામાં જવાબ આપ્યો, “પણ અહીં આવીને હકીકતની ખબર પડી”

“અહીં શું કામ આવ્યા છો ?” જનક પાઠકનો ટોન્ટ બદલાય ગયો.

“હવે કરી કામની વાત…” કહેતાં જયપાલસિંહે અનિલ તરફ હાથ લાંબો કર્યો. અનિલે જયપાલસિંહનાં હાથમાં એક કાગળ રાખ્યો.

“આમાં હાર્દિક પાઠક મર્ડર કેસનાં સિલસિલામાં જનક પાઠક સાથે પૂછપરછનો આદેશ લખેલો છે” જયપાલસિંહે કહ્યું, “તમે બીજું બધું ભૂલીને સહકાર આપશો એવી આશા છે”

“ઓહહ…ચા લેશો કે ઠંડુ ?” જનક પાઠકે પણ ઉદારતા દાખવી.

“એક ગ્લાસ પાણી…” જયપાલસિંહે કહ્યું.

“બેસો…” જનક પાઠકે સોફા તરફ ઈશારો કરીને કહ્યું. બંનેએ સોફા પર બેઠક લીધી. જનક પાઠકે એક સેવકને કહીને પાણી મંગાવ્યું. બંનેએ પાણી પીને ગ્લાસ પરત આપ્યાં.

“બોલો હવે... શું પૂછવાનું હતું ?” જનક પાઠકે પૂછ્યું.

“હાર્દિકનું મર્ડર થયું એનાં આગળનાં દિવસે તમારા બંને વચ્ચે એક મુલાકાત થઈ હતી અને તમે ગુસ્સામાં હાર્દિકને તમાચો માર્યો હતો” જયપાલસિંહે કહ્યું, “આ વાત સાચી છે ?”

“હા.. એ ત્યારે તમે બેઠા છો ત્યાં જ બેઠો હતો..”

“ઓહ..” કહેતાં જયપાલસિંહ હળવું હસ્યો, “તો તમાચો શા માટે માર્યો હતો એ પણ જણાવી દો…”

“મને લાગે છે તમે મને મર્ડરર તરીકે જુઓ છો, પણ તમે ગલત છો ઇન્સ્પેક્ટર…” જનક પાઠકે કહ્યું, “વાત આજથી ઓગણીસ વર્ષ પહેલાંની છે, મારી પત્નીને થાઇરોડ નામનો રોગ થયો હતો, જેને કારણે એનું શરીર સુકાતું જતું હતું. એ સમયે હાર્દિક આઠ વર્ષનો હતો. ત્યારે મારી આર્થિક સ્થિતિ કફોડી હતી અને મેં જોબ છોડીને નવો જ ધંધો શરૂ કર્યો હતો. જેને કારણે હું મારી પત્નીની સારવાર પર ધ્યાન નહોતો આપતો.

યોગ્ય સારવાર ન મળવાને કારણે મારી પત્નીનાં શરીરમાં થાઇરોડ સાથે અન્ય રોગોએ પણ ઘર કરી લીધું હતું અને એક જ વર્ષમાં એ મૃત્યુ પામી. હાર્દિક એની મમ્મીનાં મૃત્યુ માટે મને જવાબદાર ગણતો હતો, જેને કારણે અઢાર વર્ષની ઊંમર વટાવ્યા પછી હાર્દિક જુદો રહેવા લાગ્યો. ત્યારબાદ હું પણ રાજકારણમાં જંપલાવવાની તૈયારી કરવા લાગ્યો.

દર વર્ષે હું હાર્દિકનાં જન્મદિવસનાં આગળનાં દિવસે એને ઘરે આવવા માટે મનાવું છું પણ એ હંમેશા ના જ કહે છે. એ દિવસે પણ મેં એ જ આશાએ તેને મળવા બોલાવ્યો હતો. આ વખતે મારા આશ્ચર્યની વચ્ચે તેને ઘરે આવવાની હા પાડી દીધી હતી અને તેની સામે એક શરત રાખી હતી”

“એ શરત શું હતી ?” જયપાલસિંહે પૂછ્યું.

“શરત એમ હતી કે મારે રોજ રાત્રે એક છોકરીને તેનાં માટે ઘરે લાવવાની હતી અને રોજ નવી નવી છોકરીઓ હોવી જોઈએ, જે દિવસે હું છોકરી ન આવ્યો એ દિવસે એ ઘરે છોડીને જતો રહેશે અને એની આ વાત પર જ મેં તેને તમાચો માર્યો હતો”

“ઓહહ..!!!” જયપાલસિંહે નિઃસાસો નાંખ્યો, “તો તમારો છોકરો હવસનો પૂજારી હતો”

“હા ઇન્સ્પેક્ટર…હવે હાર્દિક નથી રહ્યો તો એનાં વિશેની વાતો છુપાવવાનો કોઈ અર્થ નથી” જનક પાઠકે કહ્યું, “હાર્દિક પંદર વર્ષનો થયો ત્યારથી જ આવી રીતે વર્તવા લાગ્યો હતો, હું એને સમજાવતો ત્યારે એ ગુસ્સે થઈને જતો રહેતો…મેં ત્યારે પણ એને તમાચો માર્યો હતો અને એને ઘર છોડીને ચાલ્યા જવા કહ્યું હતું. એ રાત્રે હાર્દિક ઘરે ન આવ્યો એટલે મેં તેને કૉલ કર્યો હતો અને તેણે ‘હવે હું ઘરે નહિ’ એવું જણાવ્યું હતું. આમ પણ એ મારા કહ્યામાં નહોતો અને એની હરકતો પણ સ્વીકાર્યા જેવી નહોતી એટલે એ દૂર રહે એમાં જ હું ખુશ હતો. હાર્દિકનાં મૃત્યુ પછી એનાં માટે મને દુઃખ ન થવાનું કારણ પણ એ જ હતું”

“ઓહહ..!!” જયપાલસિંહે ફરી હુંહકાર ભર્યો.

“બીજું કંઇ જાણવા ઈચ્છો છો તમે ?” જનક પાઠકે પૂછ્યું.

“ના..” કહેતાં જયપાલસિંહ ઉભો થયો.

“એક મિનિટ ઇન્સ્પેક્ટર..” કહેતાં જનક પાઠક પણ ઉભો થયો, “એ દિવસે મેં જે વર્તન કર્યું હતું એનાં માટે હું માફી માંગુ છું, દુનિયાની નજર સામે હું આદર્શ પિતા બનવાનું હું નાટક કરતો હતો”

“ઇટ્સ ઑકે સાહેબ..હું સમજી શકું છું” જયપાલસિંહે કહ્યું, “તમારી ચૂંટણી માટે શુભેચ્છા”

“થેંક્યું ઇન્સ્પેક્ટર..” કહેતાં જનક પાઠકે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો. જયપાલસિંહ શેકહેન્ડ કર્યો અને બંને ત્યાંથી નીકળી ગયાં.

*

સાંજનાં ચાર વાગ્યા હતાં. જયપાલસિંહ અને અનિલ ઓફિસની દીવાલે લટકેલા સફેદ બોર્ડ પાસે ઉભા રહીને ચર્ચા કરી રહ્યા હતાં.

“હાર્દિકની હત્યા રાતનાં એકથી બે વાગ્યાની વચ્ચે થઈ હતી, શિવે જેટલો દારૂ પીધો હતો એનાં આધારે એ બે કલાકમાં ઊભો થઈને હાર્દિકનાં ગળા પર વાર કરે એ શક્ય નથી. હા, ચારથી છ વાગ્યાની વચ્ચે શિવ ઉઠ્યો હોય અને પેટ પર વાર કર્યો હોય એની સંભાવના છે”

“સર.., આપણે જય પર ધ્યાન જ નથી આપ્યું. જયે ઉલ્ટી કરી હતી એવું ભાર્ગવે જણાવ્યું હતું. જયને નશો ઉતરી ગયો હોય અને તેણે આ હત્યાને અંજામ આપીને સુઈ જવાનું નાટક કર્યું હોય એ થિયરી વધુ બંધ બેસે છે” અનિલે કહ્યું.

“હર્ષદને પણ બાદ ન કરી શકાય…આપણી પાસે તેર સસ્પેક્ટ હતા એમાંથી હવે માત્ર ત્રણ સસ્પેક્ટ જ શંકાનાં પરિધમાં છે, જેમાંથી બે દોષી અને એક નિર્દોષ હોય શકે”

બંને વાતચિત કરી રહ્યા હતાં એ દરમિયાન દરવાજો ખોલીને દિપક રૂમમાં પ્રવેશ્યો.

“હર્ષદની ડિસ્ચાર્જની પ્રોસેસ પુરી થઈ ગઈ છે” દીપકે કહ્યું, “કાલે સવારે એને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે”

“ગુડ…, કાલે એક સાથે ત્રણેયનું ક્રોસ એકઝામીનેશ કરી જોઈશું, કોણ સાચું બોલે છે અને કોણ ખોટું એ ત્યારે જ ખબર પડી જશે” જયપાલસિંહ કહ્યું.

“સર મને એક વાત નથી સમજાતી..” દીપક બોલ્યો, “હાર્દિકનાં મર્ડરરને શોધવાની જરૂર શું છે..!, આમ પણ હાર્દિક લોકોને હેરાન કરતો હતો. એનાં મૌતથી કોઈને નુકસાન નથી થયું”

“તું કહે એ વાત હું સમજુ છું દિપક, પણ આપણે કાયદાનાં રક્ષક છીએ” જયપાલસિંહે દીપકને સમજાવ્યો, “કોઈ પણ વ્યક્તિ ગમે એટલો ખરાબ હોય એને સજા આપવાનો અધિકાર માત્ર કાયદા પાસે જ છે, અને આ કાયદો જ છે જે અપરાધ થતાં અટકાવે છે. જો નિયમો ન હોય તો લોકો પોતાનાં નિયમોનો કક્કો ભણાવીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે, માટે જે લોકો કાયદા વિરુદ્ધ જાય છે એને સજા આપવી જરૂરી છે…સમજાયું કંઈ ?”

“હા સર…” દિપકે નતમસ્તક થઈને કહ્યું.

સહસા દરવાજો ખુલ્યો એટલે બધાનું ધ્યાન દરવાજા તરફ ગયું. દરવાજા પર હાથમાં એક ફાઇલ લઈને ભૂમિકા ઊભી હતી.

“આજે બધા વારાફરતી કેમ આવે છે ?” જયપાલસિંહે પૂછ્યું.

“સૉરી સર…કૉલ ડિટેઈલ્સ મેળવવામાં થોડો સમય લાગી ગયો” ભૂમિકાએ રૂમમાં પ્રવેશતાં કહ્યું.

“તું શા માટે સૉરી બોલે છે ?, હું મજાક કરું છું બેન..” જયપાલસિંહે હળવું હસીને કહ્યું.

“સર.., મારા હાથમાં એક એવી માહિતી લાગી છે જેને જોઈને તમે ચોંકી જશો” ભૂમિકાએ મુદ્દાની વાત કરી.

“શું છે ?, તું તો ચોથો હથિયારો મળી ગયો હોય એમ વાત કરે છે…”

“હા સર…એવું જ કંઈક છે..” કહેતાં ભૂમિકાએ હાથમાં રહેલી ટેબલ પર રાખી. ત્યારબાદ ફાઇલ ખોલીને બે-ત્રણ કાગળ ફેરવ્યા અને ભૂમિકા એક કાગળ પર આવીને અટકી.

એ કાગળમાં એક કૉલ લોગ પર રાઉન્ડ કરેલું હતું,

“આ જુઓ સર…” કહેતા ભૂમિકાએ એ રાઉન્ડ પાસે આંગળી રાખી.

શું હતું એ કૉલ લોગમાં ???

(ક્રમશઃ)