નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 12 Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 12


ગયા સોપાનમાં આપણે જોયું કે હર્ષે હરિતા સાથે 'प्यार का आशियाना' ચલચિત્ર જોયા પછી તેનામાં એક નવી લાગણીનો જન્મ થયો. તે પોતાની કારકિર્દી પ્રત્યે સભાન બન્યો. તે પોતે સભાન બન્યો પણ સાથે તની બાળમિત્ર સમી રાધારાણીને પણ તે તેની સાથે દોરી રહ્યો છે. રાધારાણી સંગ મીરાંને પણ કંઈ સમજાતું ન હોવા છતાં તેમની વાતોમાં દોરવણીથી S.S.C.E માં A ગ્રેડ લાવવા કબૂલ થાય છે. આમ ત્રણેયની ગાડી હવે કારકિર્દીના પાટે સરકવા તૈયાર છે. બંને છોકરીઓ હવે હર્ષની સલાહ અનુસાર જ તેમનું જીવનઘડતર કરશે એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. તો ચાલો હવે આગળ વધીએ સોપાન 12 પર.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 12.

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ. આજે 09મી ઓક્ટોબરને રવિવાર, એક નોરતું ઓછું હોવાથી હવે માત્ર આજે અને કાલે એમ બે દિવસ જ આ નવરાત્રી રમવાની મળશે. 11મી ઓક્ટોબર, મંગળવારના રોજ વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર. હવે તો આ છેલ્લા બે દિવસ જ નવરાત્રીના બાકી રહેવાથી હર્ષ પણ હરિતા અને પરિતા સંગે રમઝટ રમવાના મૂડમાં છે. પૂરો સમય નવરાત્રી રમવી તેવું તે મનથી વિચારતો રહે છે. બપોરે હરિતા અને પરિતા આવે ત્યારે વાત નક્કી કરી લેવા વિચારે છે. આ સાથે તેને એ વાતની પણ યાદ આવે છે કે પરિતાએ તો આજે ચાર વાગ્યા પછી આવશે તેમ તેણે કહ્યું હતું.
હર્ષના મમ્મી-પપ્પા કોઈ કામકાજ બાબતે આજે બારડોલી ગયેલ છે. હર્ષ જમીને આરામ કરવા સહેજ જ આડો પડ્યો છે. એટલામાં ડોરબેલ વાગતાં હર્ષ ઊભો થઈ જારી ખોલવા જાય છે. હરિતા ડેરીમિલ્ક આઈસ્ક્રીમના બે કપ લઈને આવેલી હતી. બંને સાથે બેસીને આઈસ્ક્રીમ ખાય છે અને એકબીજાને ખવડાવે પણ છે. હર્ષને જોઈ આજે હરિતા રોજ કરતાં પણ વધારે ખુશ હોય તેવું હર્ષને લાગી રહ્યું હતું. બંને ભેગા મળી ખૂબ વાતો કરે છે. નવરાત્રી બે દિવસ મોજથી રમી લેવાની વાત પણ હરિતા વધાવી લે છે. તેને આ જ તો ગમતું હતું.
લગભગ ત્રણ થવા આવ્યા છે. હરિતાએ ચા બનાવવા ગઈ.
ચા તૈયાર થતાં.બંનેએ સાથે બેસીને પીધી પણ ખરી. હરિતા ચાનાં વાસણ સાફ કરીને એકાએક હર્ષના રૂમમાં દોડતી આવી. આવી એવી જ એકદમ તે હર્ષના ખોળામાં માથું ઢાળી સૂઈ ગઈ અને હર્ષનો હાથ પકડી કપાળે ફેરવવા નિષ્ફળ પ્રયત્ન પણ કરવા લાગી. હર્ષ તેને હલવીને પૂછે છે કે, "હરિતા ડાર્લિંગ, તને શું થાય છે ?" હરિતા તો કાંઈજ બોલતી નથી. હર્ષ હરિતાને કપાળે હાથ લગાડે છે તો તે તેને એકદમ ગરમ લાગે છે અને તેને તેનો ચહેરો લાલ લાલ થઈ ગયેલો જણાયો. હરિતા બેભાન થઈ ગઈ હતી. હર્ષ ગભરાઈ ગયો હતો. હર્ષે તરત તેનું માથું પોતાના ખોળામાંથી લઈને ધીમેથી પલંગમાં મૂકી તેને સુવડાવી દીધી અને તે તરત દોડ્યો હરિતાનાં મમ્મી પાસે તેમના ફ્લેટમાં અને તેમને બોલાવી લાવ્યો.
સરસ્વતીબહેને હરિતાને બેભાન અવસ્થામાં જોઈ હરિતાના પપ્પાને ફોન કર્યો, તો હર્ષે પણ તેના મમ્મી-પપ્પાને ફોન કર્યો તો તેઓ નીચે આવી જ ગયા છે તેમ જણાવ્યું. તરત જ તેઓ ઉપર ફ્લેટમાં આવ્યા તો હરિતાને બેભાન અવસ્થામાં જોઈ. હરેશભાઈએ તેમના ફેમીલી ડોક્ટરને ફોન કરતાં તે પણ આવ્યા. તેમણે હરિતાને તપાસીને તત્કાળ દવાખાનામાં દાખલ કરવાની સલાહ આપી. હરિતાને મહીધરપુરા પોલીસ સ્ટેશન સામે આવેલી સંજની હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં દાખલ કરવામાં આવી. તેના બધા ટેસ્ટ રિપોર્ટ લેવા પડે તેમ હતું. ગ્લુકોઝના બાટલા સાથે જરૂરી દવા પણ તેમાં ઉમેરી તે તેને તરત ચઢાવવામાં આવ્યા.
પરિતા ચાર વાગે આવી, બંને ઘર બંધ હોવાથી પાછી ફરી નીચે ઊતરી. ફ્લેટના ચોકીદારે જણાવ્યું કે હરિતા બેભાન થઈ જતાં હમણાં જ તેને હોસ્પિટલમાં લઈને ગયા છે. પરિતાએ ઘેર પહોંચી તેની મમ્મીને આ વાત કરી તો તેમણે તરત જ હરિતાની મમ્મીને ફોન કરી વિગત જાણી. હજુ સુધી હરિતા ભાનમાં આવી ન હતી. પરિતા અને તેનાં મમ્મી તરત જ દવાખાને ગયાં. ત્રણે ઘરના લગભગ બધા દવાખાનામાં હાજર હતા. હરિતા લગભગ રાતના નવ વાગે ભાનમાં આવી તો તે માથામાં સખત દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતી હતી.
આ દરમિયાન કેટલાક ટેસ્ટ રિપોર્ટ લેવાયા હતા તો કેટલાકનું કામ ચાલું હતું. સૌના દિલમાં એક ઉચાટ હતો. હર્ષ નિ:શબ્દ બની હ્રદયમંથન અનુભવી રહ્યો હતો. તેને ડર હતો કે મારી હરિતાને કંઈક થશે તો. હર્ષ મનોમન હરિતા માટે પ્રાર્થના કરતો હતો. તે તેની પાસે જ બેઠો રહ્યો હતો. પરિતા પણ હરિતાની આ સ્થિતિ જોઈ ડગાઈ ગઈ હતી. અત્યારે અહીં હર્ષ અને સરસ્વતીબહેન રોકાયા. બાકીના સૌ ઘેર ગયા.
મોડેથી હરેશભાઈ અને ચેતનાબહેન, હર્ષ અને હરિતા તથા સરસ્વતીબહેન માટે જમવાનું લઈને આવ્યાં. આ તબક્કે હર્ષને જમવાની જરા પણ ઈચ્છા ન હતી. પણ તે હરિતાના મમ્મીને સાથ આપવા થોડું જમ્યો. થોડીવાર રોકાઈ હરેશભાઈ અને ચેતનાબહેન ઘેર ગયા. સ્પેશિયલ રૂમ હોવાથી કોઈ તકલીફ ન રહે તે માટે હર્ષ સરસ્વતીબહેનની મદદમાં રોકાયો.
હર્ષે સરસ્વતીબહેનને ચિંતા કર્યા વિના સૂઈ જવા વિનંતી કરી. સરસ્વતીબહેન "એવું કંઈક લાગે તો મને જગાડજે બેટા" કહી સૂઈ ગયાં. હર્ષ હરિતાના કપાળે અને માથે હાથ ફેરવતો રહ્યો. તેવામાં હરિતાની આંખ ખુલી અને તેણે હર્ષનો હાથ પોતાના હાથમાં લીધો. આમ જ તેણે હર્ષનો હાથ પકડીને સૂતાં સૂતાં હર્ષને જોયા કરતી હતી. કશુ જ બોલી શકતી ન હતી. હર્ષ સતત જાગતો રહે છે અને હરિતાના જ વિચારોમાં જ મગ્ન રહે છે. આમ જ આખી રાત પૂર્ણ થઈ હતી.
હરિતા પણ સવાર પડતાં જ જાગી ગઈ હતી. હરિતાના પપ્પા હરસુખભાઈ અને હરેશભાઈ જરૂરી વસ્તુઓ, ચા-નાસ્તો તેમજ કપડાં લઈને આવી ગયા. સરસ્વતીબહેન તથા હર્ષ દૈનિક પ્રક્રિયાથી પરવારી ચા-નાસ્તાને ન્યાય આપ્યો અને હરિતાને પણ ચા પીવડાવી. સરસ્વતીબહેને હરિતાને પણ નવડાવીને કપડાં બદલાવ્યાં, ત્યારબાદ તેને પલંગ પર સુવડાવી દીધી. હર્ષ સતત તેની સાથે જ રહેતો હોવાથી તેને કોઈ દર્દ યાદ આવતું ન હતું. એટલામાં ડોક્ટર રોહિત પટેલ વિઝીટ પર આવ્યા. હરિતાને તપાસી જરૂરી દવાઓ લાવવા સૂચના આપી. સરસ્વતીબહેને ડોકટરને હરિતાને શું થયું છે તેમ પૂછે છે તો તેઓ કહે છે કે "લોહીમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી ગઈ છે." હરેશભાઈને તેમની વાતો પરથી તેઓ ખેડા જિલ્લાના હોવાનો આભાસ થાય છે. તેથી તે તેમને પૂછે છે કે, " આપ સાહેબ, ખેડા જિલ્લાના છો ?" તો તેઓ જણાવે છે કે, " હા, હું પેટલાદ તાલુકાના સુણાવનો વતની છું." આ પછી તેઓ જતાં જતાં હરેશભાઈને ઓફિસમાં મળવાનું કહી ચાલ્યા ગયા.
હરેશભાઈ ડોક્ટર સાહેબની કેબિનમાં મળવા ગયા. એક જ જિલ્લાના હોવાથી થોડી પરિચયાત્મક વાતો થઈ. આ પછી તેમણે હરેશભાઈને હરિતાની બિમારી બાબતે એક શંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે મને રિપોર્ટ પરથી એવું લાગે છે કે હરિતાને કદાચ બ્રેઈન ટ્યુમર હોઈ શકે. જો કે હજુ સ્પષ્ટ થતું નથી. બે-ત્રણ માસ સુધી નિયમિત દર માસે તમારે તેને અહીં લાવવી પડશે. દર માસે રિપોર્ટ કઢાવીને તે આધારે નિર્ણય લઈશું. હાલ આ વાત આપણા બે વચ્ચે ગુપ્ત રાખવી. હરિતાને હજુ દશેક દિવસ હૉસ્પિટલમાં પણ રાખવી પડશે." ત્યારે હરેશભાઈ કહે છે, "જે પણ ખર્ચ થાય તે, પણ મારી હરિતાને સાજી કરવા માટેની આપને મારી આ નમ્ર અરજ છે."
હરેશભાઈની આંખોમાં આંસુ આવી જાય છે. ડોક્ટર તેમને શાંત્વના આપે છે. તેમને થાય છે કે દોસ્ત પ્રત્યેની કેવી અસીમ લાગણી. દોસ્તની દીકરીના રોગ વિશે વાત સાંભળી પોતાની દીકરીના દુઃખ જેટલી જ લાગણીનાં આંસુ. ડોક્ટર પટાવાળાને બોલાવી બે ચા લાવવા કહે છે. હરેશભાઈની ના છતાં આગ્રહપૂર્વક ચા માટે બેસાડે છે. બંને એકબીજાના સરનામાં તથા ફોન નંબરની આપ-લે કરે છે. ડોક્ટર એક ભાવુક મિત્ર મળ્યાના આનંદ અનુભવે છે. હરેશભાઈ ડોક્ટરનો આભાર માની રૂમમાં આવ્યા.
હરેશભાઈ ડોક્ટરને મળીને આવ્યા પછી હરિતાના પપ્પા હરસુખભાઈને જણાવે છે કે "હરિતાને દશેક દિવસ અહીં રાખવી પડશે. દવાખાનાના ખર્ચની તમારે જરા પણ ચિંતા કરવાની નથી. હરિતા જલદી રમતી કૂદતી થઈ જાય તે જ આપણે જોવાનું. હરિતા બેટી જેટલી તમારી છે તેટલી જ અમારી પણ છે." આમ હર્ષને હરિતા પાસે મૂકી બે કલાકમાં આવવાનું કહી બધા ઘેર જાય ગયા. રૂમમાં બિમાર હરિતા અને હર્ષ રહી ગયા.
💐💐💐💐💐💐💐💐💐💐
હર્ષ હરિતા સાથે વાતો કરવા તથા હરિતાને હસતી જોવા કેવી કેવી વાતો કરે છે. હરિતા હર્ષને કેવી રીતે આવકારે છે અને વાત કરે છે. રહી હવે પરિતાની વાત. પરિતા નવરાત્રીની બાબત શું વિચારે છે ? તે નવરાત્રી રમવા આગ્રહ રાખશે ? પરિતાનો ઈચ્છીત મનોભાવ હર્ષ સાથેની રમત પૂરી કરે છે કે નહિ ... સઘળું જાણવા રાહ જુઓ આગળના સોપાનની
💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ).
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐