Relationship or self esteem ?? books and stories free download online pdf in Gujarati

સંબંધ કે સ્વમાન??

વિદિશા આજે ખૂબ જ ખુશ હતી.આજે તેણે વિરાજ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. આજે તે પોતાના સપનાઓના મહેલમાં એટલે કે પોતાના સાસરે આવી. વિદિશા એક કંપનીમાં નોકરી કરતી હતી. દેખાવમાં સાવ સામાન્ય કહી શકાય તેવી પણ હૃદયથી એકદમ સુંદર હતી. તે એકદમ નિખાલસ હતી. તેની આંખોમાંથી નરી નિર્દોષતા નીતરતી હતી.વિરાજ દેખાવમાં વિદિશા કરતા વધુ હેન્ડસમ લાગતો હતો. પોતાના સામાન્ય દેખાવ છતાં પણ વિરાજે પોતાને પસંદ કરી એ માટે તેને વિરાજ પર ખૂબ જ પ્રેમ અને માન હતું. લગ્ન પછી બંને એકબીજા સાથે પૂરતો સમય વિતાવી શકે માટે બંને એ અગાઉ જ લિવ લઈ લીધી હતી. પરંતુ હજુ તો સુખના દીવસો શરૂ થાય ત્યાં જ વિરાજ બે જ દિવસમાં ઓફિસે કામ છે એમ કહી નોકરી પર ચાલી ગયો. છતાં પણ વિદિશા તો સાસુનો સાથ અને નણંદની કંપનીથી ખૂબ જ ખુશ હતી. તેને તો જાણે પોતે સપનાઓના મહેલની રાજરાણી હોય એવું જ લાગતું હતું.પરંતુ સ્વપ્નઓના મહેલોને કકડભુસ થતા ક્યાં વાર લાગે છે!!!
એક મહિનો તો સ્વપ્નવત વીતી ગયો અને વિદિશાએ પણ પોતાની નોકરી પર જવાનું શરૂ કરી દીધું. પરંતુ થોડા દિવસ પછી તેના સાસુએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું. વિદિશા પર નોકરીની સાથે સાથે ઘરની જવાબદારી પણ આવી પડી. સાથે સાથે સાસુના વ્યંગબાણો તો ખરા જ. અત્યાર સુધી પ્રેમથી રાખતા સાસુને જાણે કે વિદિશા હવે એક આંખ ગમતી ન હતી તો પણ વિદિશા પોતાની દરેક ફરજ પ્રેમ અને નિષ્ઠાથી બજાવતી વિરાજ સાથે તો આ વાત કેમ કરવી કારણ કે લગ્નથી આજ સુધી વિરાજે તેને પ્રેમથી બોલાવતો તેની બધી જરૂરિયાત પણ પુરી કરતો પણ હજુ સુધી એ બને વચ્ચે પતિ- પત્નીનો સંબંધ કાયમ થયો ન હતો. વિરાજ દર વખતે તેના કામની ચિંતામાં હોય એવું લાગતું એટલે તે કાંઈ બોલતી નહિ કે આ વિષય પર ચર્ચા પણ ન કરતી. ઘણી વાર તેને વિચાર આવતો કે કદાચ મમ્મીને મારુ નોકરી કરવું પસંદ નહિ હોય એટલે એણે વિરાજને નોકરી છોડવા માટે પણ વાત કરી પણ વિરાજે જ નોકરી ન છોડવાનું સૂચન કર્યું અને બધું ઠીક થઈ જશે એવું આશ્વાસન આપ્યા કર્યું
વિદિશા એના સાસુ અને નંણદ ને ખુશ રાખવા બનતા પ્રયત્નો કરતી. તે હંમેશા પોતાના પગારમાથી કંઈક ને કંઈક એમના માટે લઈ આવતી.બસ આટલો સમય એને પોતાના સાસુમાંનો પ્રેમ મળતો.અને આટલા પ્રેમમાં તો તે અગાઉના દરેક ગેરવર્તન અને અપમાનો બધું જ ભૂલી જતી.સાસુનો તો માનસિક ત્રાસ સહન કરવાની તો જાણે કે હવે તેને આદત પડી ગઈ હતી.પરંતુ વિરાજનું તેનાથી દૂર રહેવું તેને ક્યારેય સમજાતું ન હતું.જ્યારે પણ એ વિરાજ સાથે પોતાના સંબંધોને આગળ વધારવાની વાત કરતી ત્યારે વિરાજ કોઈ ને કોઈ બહાનું બનાવી દેતો. કદી કામનું તો કદી થાકનું.... વિદિશા તો હંમેશા એના દરેક કારણો ને સાચા માની પોતાનું મન મનાવી લેતી.કારણ કે તેને તો એમ જ લાગતું હતું કે વિરાજ તેને ખૂબ જ પ્રેમ કરે છે નહિતર એ થોડા પોતાની બધી જરૂરિયાતો પૂરી કરતા હોય.
આમ જ સમય વીતતો ગયો. વિદિશાને હતું કે તેના સાસુનું આ વર્તન પણ સુધરી જશે બસ એકવાર તેનો અને વિરાજ નો સંબંધ બંધાય જાય અને વિદિશાને આ માટે તક પણ મળી ગઈ. આજે વિદિશા- વિરાજના લગ્નની પહેલી વર્ષગાંઠ હતી.આ માટે વિદિશા એ લીવ પણ લઈ લીધી. પણ વિરાજ તો કામનું બહાનું કરીને નોકરી પર ચાલ્યો ગયો. વિદિશાને દુઃખ તો થયું પણ મનને મનાવી લીધું. આજનો દિવસ વિરાજના રુક્ષ વર્તનથી શરૂ થઈને સાસુના અપમાનો અને નણંદની જોહુકમી પર પૂરો થયો. પણ તેને એ વાતનો વિશ્વાસ હતો કે આજે તો વિરાજ તેનું મન રાખશે અને તે મન અને વચનથી તો વિરાજની છે પણ આજે તે તનથી પણ તેની થઈ જશે. તે ખુશ થતી અને અનેક સપનાઓને સજાવતી રૂમમાં ગઈ પણ આ શું?? વિરાજને તો જાણે કાંઈ જ પડી ન હોય એમ શાંતિથી સુઈ ગયો હતો. આ વાતનું વિદિશાને ખૂબ દુઃખ થયું આખી રાત તેણે રડીને વિતાવી પરંતુ સવારે વિરાજને તો જાણે કાંઈ જ ફરક ન પડતો હોય એમ ઓફીસ ચાલ્યો ગયો. વિરાજના આ વર્તન પછી વિદિશા જાણે કે અંદરથી તૂટવા લાગી હતી. એક સ્ત્રી તરીકે પત્ની તરીકેના પોતાના હક્કની માંગણી પણ કેટલી વાર કરવી?? અને એ પણ પોતાના પતિ પાસે!! હંમેશા ખુશ રહેતી વિદિશા હવે દુઃખી રહેવા લાગી. ઉપરથી તેના સાસુ દ્વારા કહેવામાં આવતા વારંવારના અપમાનજનક શબ્દોએ તેના આત્મવિશ્વાસને પણ તોડી નાખ્યો. આ બધી પરિસ્થિતિની અસર ઓફિસના તેના કામ પર પણ પડવા લાગી. ઓફિસના કામમાં એકદમ ચોક્કસાઈ રાખતી વિદિશાથી રોજ કંઈ ને કંઈ ભૂલ થવા લાગતી અને રોજ તેને ઠપકો પણ સાંભળવો પડતો. તેના સહકાર્યકરોને પણ વિદિશાને આવા બદલાયેલા વર્તનથી નવાઈ લાગતી હતી. તેઓ અવારનવાર વિદિશાને તેની સમસ્યા અંગે પૂછતાં પણ ખરા, પરંતુ વિદિશાને થતું કે પોતાની અંગત વાતો કે સમસ્યા બધાને કેવી રીતે જણાવવી?? એ તો બસ બધું ચલાવ્યે જતી હતી; પોતાની જિંદગી પણ....
આમ ને આમ દિવસો વીતતા જતા હતા. લગ્ન પછીના સોનેરી દિવસોના જોયેલા સપનાઓ તો વિદિશા માટે દુઃસ્વપ્ન સમાન થઈ ગયા હતા. તો પણ તે પોતાની જિંદગીનો બોજ જાણે કે ઢસડી રહી હતી. એવામાં એક દિવસ અચાનક તેને વિરાજના લગ્નેતર સંબધ વિશેની જાણ થઈ. પહેલા તો એ આ વાત માનવા તૈયાર જ ન હતી.પરંતુ જ્યારે તેને વધારે ઊંડાણથી તપાસ કરી તો એ વાત સાચી નીકળી. તેના પગ નીચેથી તો જાણે કે જમીન સરી ગઈ. તે વિચારમાં પડી ગઈ, ' કોને આ બધું કહેવું?? કોની પાસે જઈને પોતાનું હૈયું હળવું કરવું?? પોતાના માતા- પિતાને પણ આ વાત કેમ કરવી?? આ ઘરમાં પણ એવું કોણ હતું જેને પોતાનું ગણી આ બધી વાત કહી શકે. અંતે તેણે નક્કી કર્યું કે તે વિરાજ સાથે જ વાત કરીને તેને સમજાવે કે તે પોતાને સ્વીકારી લે અને પ્રેમથી બંને નવેસરથી પોતાનું જીવન શરૂ કરે. રાત્રે જ્યારે વિરાજ રૂમમાં આવ્યો અને વિદિશા એ જ્યારે તેને તેના લગ્નેતર સંબધ વિશે પૂછ્યું તો તેણે નફ્ફટાઇપૂર્વક કહી દીધું કે "તારા જેવી સામાન્ય દેખાવની છોકરીને કોણ પસંદ કરે?? અપનાવવાની વાત તો દૂર રહી.આ તો મારા માં- બાપ ને એક કમાતી નોકરિયાત વહુ જોઈતી હતી.એટલે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા બાકી હું તો તને પસંદ જ નહોતો કરતો. અને રહી વાત મારા સંબંધની તો એના વિશે હું જ તને કહેવાનો હતો કે હું તને નહિ પણ બીજા કોઈને પ્રેમ કરું છું.. "
વિદિશા તો આ સાંભળીને અવાચક થઈ ગઈ. વિરાજે આગળ કહ્યું કે"તું આ ઘરમાં રહી શકે છે મને કોઈ વાંધો નથી પણ મારા હ્ર્દયમાં વસવાના સપના ન જોતી. અને હા, મારી પાસે કદી પ્રેમની પણ કોઈ આશા ન રાખતી કેમ કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે લિવ ઇન રિલેશનશીપથી રહેવા માંગુ છું એ પણ ટૂંક સમયમાં જ..."આ બધું સાંભળતા જ વિદિશાની આજુબાજુ જાણે કે બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. અચાનક તેને લાગ્યું કે નીચે પડી જશે. જે વિરાજના ભરોસા પર એ તેના સાસુનો બધો જ ત્રાસ અને અપમાનો સહન કર્યે જતી હતી, તે વિરાજનો આવો ચહેરો!!!
આ બધુ સાંભળ્યા બાદ કેટલાય સમય સુધી વિદિશા રડ્યા જ કરી, પણ ત્યાર બાદ વિદિશા એ પોતાની જાતને સંભાળી લીધી. તે હવે એક મિનિટ પણ વિરાજ સાથે તેના ઘરમાં રહેવા માંગતી ન હતી. પણ તેની પાસે એક પ્રશ્ન ઉભો થયો કે તે પોતાના માતા- પિતાને શુ કહેશે?? તેના માતા-પિતા એ તો હંમેશા પતિની સાથે પ્રેમથી રહેવાની અને સાસરે સદા સંપીને રહેવાની શિખામણ આપી હતી. તો અહીં આવી પરિસ્થિતિ માં આ બધા સાથે તો કેમ રહેવું!!! અને એ પણ એવા લોકો સાથે જેમણે કદી પોતાને સ્વીકારી જ ન હતી કે કોઈ માન પણ આપ્યું ન હતું!! એક જ ઘરમાં રહેવા છતાં તેની સાથે પારકાં જેવું જ વર્તન થતું હંમેશા... તેને લગ્નથી લઈને અત્યાર સુધીનું વિરાજનું વર્તન નજર સમક્ષ આવવા લાગ્યું. જ્યારે તે સાસુમા ના વર્તનથી કંટાળીને રડતી ત્યારે તેને સાંત્વના આપવા માટે કદી પણ વિરાજ સાથે રહેતો નહિ ઉલ્ટાનો વિરાજ તેને જ સંભળાવતો કે મમ્મીનો તો સ્વભાવ છે એમ રડ્યા શું કરવાનું?? તું તો રડીને મારો દિવસ બગાડે છે. મારી મમ્મીનો મારી સામે વાંક કાઢી મારી નજરમાં તેમને ઉતારી પાડે છે.આટલું કહી તે રૂમની બહાર નીકળી જતો. પોતે એક પત્ની - એક સ્ત્રી તરીકે હમેશા તેને મનાવતી રહેતી છતાં પણ કદી એને પ્રેમ તો ન જ મળ્યો. અને પોતે આપેલ પ્રેમ અને માનના બદલામાં મળ્યો તો માત્ર અને માત્ર દગો અને વિશ્વાસઘાત...!!!
એક બાજુ તેના પિતાની આબરૂ અને તેમની આપેલી શીખામણ હતી, જે તેને કહેતી હતી કે વિદિશા ગમે તેવા સંજોગો હોય તો પણ ગમે તેમ કરીને આ સંબંધ નિભાવ. તેની માતાના સંસ્કાર જાણે કે તેને એવી આશામાં જીવવાનું કહેતા હતા કે બેટા ધીરજ રાખ એક દિવસ બધું જ ઠીક થઈ જશે. તો બીજી બાજુ વારંવાર અપમાનિત થયેલ તેનું હ્ર્દય તેને સંબધ તોડવાનું- વિરાજ ને છોડવાનું કહેતું હતું. તેના માટે અત્યારે એ પ્રશ્ન હતો કે તેને સંબધ જાળવવો કે સ્વમાન???
અંતે તે એક નિર્ણય પર આવી કે જે સંબંધમાં તેનું માન ન જળવાય એ સંબધ શું કામનો?? અને અંતે તેણે એકલા જ જિંદગી જીવવાના દ્રઢ નિર્ધાર સાથે વિરાજનું ઘર છોડી દીધું હંમેશા માટે....

બીજા રસપ્રદ વિકલ્પો