એ કોણ હતી???? Trupti Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ કોણ હતી????

હું અજય શ્રીવાસ્તવ... માત્ર નામનો જ અજય એમ કહો તો ચાલશે. જિંદગીની દોડમાં તો હું સાવ હારેલો.એટલે જ જિંદગી જીવવા જેવી લાગતી ન હતી. જાણે મારા જ જીવનનો બોજ ઉઠાવતો ન હોય!! ઘણી વાર એમ થઈ આવતું કે આત્મહત્યા જ કરી લઉં, પણ પછી મારા માતા-પિતા વિચાર આવતો કે હું મરી જાઉં તો તેમનું શુ થાય??? થોડા સમય પછી મને શહેરમાં પંદર હજારની નોકરી મળી એટલે માં- બાપને ગામડે મૂકીને અહીં શહેરમાં આવી ગયો. છ મહિના થયાં અહીં નોકરી મળી તો પણ કોઈની સાથે ન તો કોઈ મિત્રતા બંધાઈ કે ન તો કોઈ સંબંધ જોડાયો. ઓફિસમાં પણ મને સોંપવામાં આવતું કામ હું મૂંગા મોંએ કર્યા કરતો, ન કોઈ ટીખળ ન કોઈ રમૂજ. તેથી જ બધા મને 'મિ. માયુસ' કે 'મિ. ઉદાસ' તરીકે જ બોલાવતા હતા. પણ શું કરવું? અત્યાર સુધી જિંદગીમાં મળેલ નિરાશાથી હાસ્ય અને ખુશી જોજનો દૂર થઈ ગયા હતા.
આજે પણ હું મારા ઘરેથી ઓફીસ જવા માટે બસની રાહ જોઇને ઉભો હતો. બસમાં ચડ્યો; રોજની જેમ બધા જાણીતા જ હતા- મારી જેમ નોકરી પર જવાવાળા , પણ કોઈની સાથે મારે સ્મિત સુધ્ધાંનો સંબંધ નહિ. હું રોજની જેમ મારી સીટ પર બેસી ગયો. પણ મારી સામેવાળી સીટ પર કોઈ અજાણ્યો જ ચહેરો દેખાયો. જે આજે લગભગ પહેલી વાર આ બસમાં જોવા મળ્યો હતો. એ લગભગ બાવીસ થી ચોવીસ વર્ષની યુવતી હતી.સુંદર અને ગૌર ચહેરો, અણિયારું નાક, મોટી કાળી અને તેજસ્વી આંખો. એણે બેબી પિંક કલરનું ટી-શર્ટ અને કાળું જીન્સ પહેર્યું હતું. કાનમાં એવા જ પિંક કલરના ટોપ્સ, હોઠો પર લિપસ્ટિક અને ચહેરા પર આછો મેક-અપ. એનાં કપડાં એના પર આકર્ષક લાગતા હતા. અને એ બધા કરતા પણ વધુ આકર્ષક હતું એનું એ સ્મિત, જે એના ચહેરા પર જાણે કે મઢેલું જ ન હોય!! બસ તેને જ નિહાળ્યા કરવાનું મન થયાં કરે.પણ સાવ એમ એકધારું કોઈ યુવતીને નિહાળ્યા કરવું એ મારી પ્રકૃતિ ન હતી.પરંતુ ક્યારેક ત્રાંસી નજરે હું તેને જોઈ લેતો હતો. એનું વ્યક્તિત્વ અને એ સોહામણું સ્મિત જાણે સમગ્ર વાતાવરણને જીવંત બનાવતા હતા.

આજનો આખો દિવસ મારો ખૂબ સારો રહ્યો. બીજે દિવસે પણ બસમાં એ જ યુવતી હતી અને એ જ એનું કાયમનું સ્મિત. હું મારી નિયત જગ્યા પર જ બેસ્યો હતો. અને એ આજે મારી આગળની સીટ પર હતી. આ હવે રોજનો ક્રમ થઈ ગયો હતો. પણ રોજ એની પાસે જે કોઈ બેસતાં એ બધા સાથે એ એવી તો હળીમળી જતી જાણે કે ઘણા સમયની ઓળખાણ ન હોય!! દરેક લોકોને પણ તે પોતાની આત્મીય જ લાગતી. તેની કંપનીમાં સૌને જાણે કે ખૂબ જ શાંતિ અને આનંદની લાગણીનો અનુભવ થતો. આમને આમ દિવસો પસાર થતા હતા. હવે તો હું પણ તેની સાથે ક્યારેક સ્મિતની આપ-લે કરી લેતો.કોઈ સાથે વાત ન કરતો હું હવે કદી કોઈના હાલચાલ પણ પૂછી લેતો. હવે જાણે કે બધા સાથે વાત કરવી મને ગમતી. તેના એ મોહક સ્મિતમાં તો કોઈ ફેર ન પડ્યો, પણ હા; મારા વ્યક્તિત્વમાં ફેરફાર થઈ ગયો હતો. હવે તો હું બધા સાથે હસતો , બોલતો, ભળતો થઈ ગયો હતો. મારા અંદર જાણે કે કંઈક બદલાય ગયું હતું. હવે જિંદગી પ્રત્યે જાણે કે કોઈ હકારાત્મક વલણ કેળવાયું હતું. જિંદગી હવે જાણે કે જીવવા જેવી - માણવા જેવી લાગતી હતી અને એનું કારણ હતી માત્ર તે યુવતી...હવે તે કોણ છે? શું કરે છે? વગેરે જેવી તેના વિશેની બાબતો જાણવા માટે મન ઉત્સુક થઈ ગયું. બીજું કાંઈ નહિ તો માત્ર એની સાથે મિત્રતા તો કરવી જ છે.

આજે ઘરેથી નીકળ્યો ત્યારથી જ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આજે એ યુવતી સાથે વાત કરવાનો મોકો મળી જાય. મારો કોઈ બદઈરાદો ન હતો, પણ બસ માત્ર એની સાથે વાત કરવી હતી.હું બસમાં તો ચડ્યો. પણ મારી નિયત જગ્યા પર આજે કોઈ બેસ્યું હતું. મેં આજુબાજુ નજર ફેરવી તો પેલી યુવતીની બાજુમાં જગ્યા ખાલી હતી. મનમાં ને મનમાં હરખાતો હું ત્યાં બેસ્યો. વાતની શરૂઆત કેમ કરવી એ હજુ મનમાં ગોઠવતો જ હતો. ત્યાં તેના ફોનની રિંગ વાગી. એ કોઈ સાથે ફોન પર વાત કરવા લાગી. કદાચ તેની કોઈ સહેલી હશે એવું એની વાત પરથી લગતું હતું. અને એ તો કોઈ મોટીવેશનલ સ્પીકરની માફક સમજાવતી હતી, "શુ? આત્મહત્યા !!!અરે, આ તું શું બોલે છે એનું કાંઈ ભાન છે તને?? પાગલ તો નથી થઈ ગઈ ને?? આત્મહત્યા કરવી એ ગુનો છે, પાપ છે. ઈશ્વરે આપણને આ જિંદગી જીવવા માટે આપી છે. તો એને મન ભરીને જીવી લેવી જોઈએ, મોત ન આવે ત્યાં સુધી.... અને ખબરદાર જો આવું કંઈ ફરી વિચાર્યું છે તો. ક્યારેય કોઈ વાત પર દુઃખી કે ઉદાસ નહિ થવાનું. દરેક રાત પછી સોનેરી સવાર આપણી રાહ જોતી જ હોય છે. હવે આવો વિચાર ન કરતી. હું તને પછી મળું છું. ટેક કેર ઓકે." જેવો એનો ફોન પૂરો થયો અને મારું સ્ટેશન આવી ગયું. થયું કે હવે કાલે વાત... પણ હા, આખો દિવસ તેની એ વાત મનમાં ઘૂમ્યા જ કરી કે 'જિંદગી મન ભરીને જીવી લેવી મોત ન આવે ત્યાં સુધી....' આ એક વાક્યથી મને જાણે કે ચેતના મળી. અત્યાર સુધી મરવાના વિચાર કરતો હું મક્કમ બની ગયો કે જીવનમાં ચાહે ગમે તે મુસીબત આવે પણ હવે હું મન ભરીને મોજથી જિંદગી જીવીશ.

બીજા દિવસે ફરી એ જ ઇન્તજાર કે આજે તો ગમે તેમ કરીને તેની સાથે વાત તો કરવી છે. તેનું નામ ,તે શું કરે છે, તે તો જાણી જ લેવું છે.એ આશા સાથે હું બસમાં ચડ્યો. પણ આજે એ ક્યાંય દેખાઈ જ નહીં. આજે તો બસમાં એક પ્રકારની શુષ્કતા વર્તાતી હતી.ઓફીસ સુધીનો રસ્તો પણ માંડ માંડ કપાયો. એમ થતું હતું કે આજનો દિવસ તો હવે બગડ્યો જ જાણે.. ઓફિસમાં પહોંચ્યો ત્યાં પહેલી જ નજર ટેબલ પર પડેલ એક તાજા અખબાર પર પડી જેમાં લખ્યું હતું " એક આશાસ્પદ યુવતી એ કરેલી આત્મહત્યા. આત્મહત્યાનો ભેદ અકબંધ." મને તરત જ પેલી બસવાળી યુવતીની વાત યાદ આવી ગઈ કે આત્મહત્યા કરવી એ ગુનો છે, પાપ છે. આતુરતાવશ મેં અખબાર ખોલીને જોયું તો, મારા આશ્ચર્ય વચ્ચે એ જ યુવતીની તસવીર હતી. જેણે મને જીવતા શીખવ્યું માત્ર તેને જોઈને કે તેના સ્મિતથી જો મારામાં જીવવાનું નવું જોમ આવ્યું હતું. અરે ! જે પોતે આત્મહત્યાને પાપ કે ગુનો ગણતી હતી તેણે આવું કેમ કર્યું હશે?? આવા પ્રશ્નો સાથે હું ફરી ઉદાસ થઈ ગયો.આમ તો મારે તેની સાથે કોઈ પરિચય ન હતો, છતાં મારામાં જાણે કે ખાલીપો સર્જાય ગયો. મારા હાથમાંથી અખબાર જ પડી ગયું.એનું નામ જાણવા પણ મને અખબાર પાછું લેવાની ઈચ્છા ન થઈ. કેમ કે જેના સ્મિત અને શબ્દોએ મને જીવન જીવતા શીખવ્યું એનું નામ તો મારા માટે ' જિંદગી' જ હોવું જોઈએ. અને મારા મનમાં એના શબ્દો પડઘાયા કર્યા જે મારા માટે પ્રથમ ગણો કે અંતિમ કે જિંદગી મન ભરીને જીવી લેવી જોઈએ મોત ન આવે ત્યાં સુધી.....

Trupti Gajjar