સમીક્ષા લેખો શબીના ઈદ્રીશ અ.ગની પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમીક્ષા લેખો

૧.

સમય સમય હિ બલવાન

"સમય..."

સમય એ એક એવી અનંત શક્તિ છે કે એના સામે ભલભલાને જૂકવું પડે છે...
સમય કોઈની રાહ જોતો નથી...
સમયની આગળ ગમે એવી શક્તિ ધરાવતો વ્યક્તિ હારી જતો હોય છે...
ક્યારેક કોઈનો સમય ખરાબ હોય કે ક્યારેક સમય સારો હોય...મનુષ્ય એ એક એવો છે કે તે સારા સમયમાં પોતાનાં કર્મો ભૂલી જતો હોય છે..અને એ સમય માટે એ પોતાને જ મહત્વ આપતો હોય છે..અને જ્યારે એનો ખરાબ સમય ચાલતો હતો ત્યારે તે કોઈ અન્ય વ્યક્તિ કે ભગવાનનો વાંક કાઢતો હોય છે...પણ સમય તો સમય છે એને કોઈ જીતી શકતું નથી...
પરંતુ જો સખત મેહનત અને લગન થી કામ કરીએ તો સમયને પણ એની સામે હારવું પડે છે...
કહેવાય છે કે "TIME AND TIDE WAITS FOR NONE"...
એવીજ રીતે જોઈએ તો લાગે છે કે સ્વામી વિવેકાનંદ કે જે ભારત દેશના મહાપુરુષોમાંના એક કે જેમણે ભારત દેશ માટે અનેક કાર્યો કર્યા છે..એમનું સૂત્ર છે કે ,"ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો"...
આ સૂત્ર એમણે જાણે ગઈકાલે જ આપ્યું હતું એમ લાગે છે...
પરંતુ સમય જતાં આ સૂત્રને બદલી નાખ્યું હોય એમ લાગે છે..કેમકે
આજની યુવા પેઢીને જોતા લાગે છે કે એ લોકો જાણે "ઉઠો જાગો અને દોઢ જી.બી.પૂરી થાય ત્યાં સુધી મંડ્યા રહો" આ સૂત્રને સાર્થક કરતા હોય એમ લાગે છે કેમકે આજની યુવા પેઢી અન્યાય સામે લડવા માટે તૈયાર જ નથી જાણે.,સમાજમાં ચાલી રહેલ અનીતિ સામે પોતાનો અવાજ ઉઠાવવા પણ આજનો યુવાન તૈયાર નથી.એને તો માત્ર બસ પોતાનાં માં જ રહેવું છે...પોતે ભલો અને પોતાનું કામ ભલું એમ એ સમાજમાં ચાલી રહેલ અન્યાય સામે "મારે શું??" એમ સમજીને બેસી જ રહે છે...એ પોતાના હક માટે પણ લડવા સક્ષમ બનતો નથી...
પોતાના અધિકારો ની લડત લડવા માટે આગળ આવતો નથી...એ માત્ર મોબાઈલ માં જ વ્યસ્ત રહી પોતાની મોજમાં રહેતો જોવા મળે છે...
દેશમાં ઠેરઠેર લોકો અંદરો અંદર લડી રહ્યા છે,કોઈક વાર ધર્મનાં નામે તો કોઈક વાર છૂટ અછૂટ ના નામે,માનવી પોતાની માનવતા ભૂલી ગયો છે.આપણા દ્વારા ચૂંટવામાં આવેલા ઠોઠ અને અશિક્ષિત નેતાઓ લોકોને અંદરો અંદર લડાવી રહ્યા છે પરિણામે દેશ આજે પણ આઝાદીના ૭૩ વરસ પછી પણ પૂરેપૂરો આઝાદ થયેલો જોવા મળતો નથી.ખરાબ માનસિકતા ધરાવતા નેતાઓ દ્વારા દેશમાં ભ્રષ્ટાચાર અને દંગા ફસાદ કરવામાં આવે છે.આજની યુવા પેઢી માટે પડકારરૂપ પરિસ્થિતિ સર્જાઈ છે.

પ્રસિદ્ધ સાહિત્યકાર જલન માતરી કહે છે એમ કે...


"મજહબ ની એટલે તો ઇમારત બળી નથી...
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી..."!!


એટલે કે ધર્મનાં નામે રમખાણો ને આગ ચાંપતા લોકો શયતાન થી પણ ખરાબ છે!
આવું જો આજની યુવા પેઢી સમજી જાય તો દેશમાં ધર્મને નામે થતાં રમખાણો નામશેષ થઈ જાય.
યુવા પેઢી એની સામે પોતાના અવાજ ને ઉઠાવવા માટે તૈયાર નથી.આજનો યુવાન શિક્ષણ પ્રત્યે પણ જાગૃતતા ધરાવતો જોવા મળતો નથી.જ્યારે શિક્ષણ મેળવવાના દિવસો હોય છે ત્યારે તે પોતાનો સમય વેડફી દેતો હોય છે અને બસ પોતાની જ મન માની કરતો જોવા મળે છે.ધર્મનાં નામે થતાં લડાઈ ઝગડા પાછળનું સાચું કારણ તે સમજતો નથી.રાજકારણ માં ખુરશીના ભૂખ્યા નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર લોકોને આ રીતે લડાવે છે એવું આજનો યુવાન સમજતો જ નથી...!

આમ જેમજેમ સમય બદલાતો જાય છે એમ એમ માણસ પણ પોતાનાં સ્વભાવ ને બદલતો જાય છે અને તે પોતાની માનવતા ભૂલતો જાય છે.
મહાપુરુષોના જીવનના આદર્શોની આજનાં યુવાનો એ બલિ ચઢાવી દીધી હોય એમ લાગે છે.

સમય સમય હિ બલવાન...!!

એટલે જો આજનો યુવાન સમયનો સાચો ઉપયોગ કરવાનું શરું કરશે તો જ ભ્રષ્ટાચાર ,લૂંટફાટ,ચોરી, નિરક્ષરતા,જેવી સમસ્યાઓ આપણા દેશમાંથી ચોક્કસ નાબૂદ થશે..!

૨.

"કોણ હિન્દુ? કોણ મુસલમાન ?પેટની આગ એક સમાન..."

તાજેતરમાં જ સંદેશ ન્યુઝ પેપરમાં પ્રસન્ન ભટ્ટ દ્વારા આ લેખ પ્રસારિત કરવામાં આવ્યો હતો...જેમાં વાઇરસ નફરત માણસાઈ પર ખતરો...આ વાતે એમણે ચર્ચા કરી હતી...ખરેખર જ્યારે અમેરિકા,ઈટલી, ચીન,ઇંગ્લેન્ડ જેવા વિશ્વની મહાસત્તાઓ કહેવાતા દેશો ને જ્યારે કોરોના એ હંફાવ્યા છે ત્યારે ભારતમાં તેને ફેલાવવા મટે ષડયંત્ર રચવું પડે એ વાત ખરેખર મૂર્ખામી ભરી છે... ભારત દેશમાં પહેલા થી જ આવી નફરતનો દોર ચાલી રહ્યો છે અને તેને પૂરો કરવાને બદલે ભારત દેશના ખુરશી ભૂખ્યા લોકોનાં ચમચા એવા આ સંદેશ વાહકો નફરતનો વરસાદ વરસાવી રહ્યા છે...
પણ આ લોકોને ક્યાં ખબર છે કે ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે એમાં દરેક ધર્મનાં લોકોને એક સમાન માની ને દરેક ને માન આપવામાં આવે છે...
શું એમની નફરત ફેલાવવાની નીતિ એટલી બધી વધી ગઈ છે કે એમને દેશની બીજી કોઈ અન્ય સમસ્યાઓ દેખાતી જ નથી...બસ માત્ર લઈને બેસી જાય છે એક જ મુદ્દાને કે આ હિંદુ..આ મુસ્લિમ....ત્યારે અંત્યંત દુઃખ થતું હોય છે કે જે દેશને સોનાની ચીડિયા માનવામાં આવતો હતો એ દેશમાં શું હવે આવા લોકો દ્વારા ફેલાવવામાં આવતા ઝેર દ્વારા નફરતનો વાઇરસ ફેલાશે??
અને વાત થઈ રહી છે સોશીયલ ડિસ્ટન્સ ની તો દરેક ધર્મમાં એક જ ઉપદેશ આપવામાં આવે છે કે જો કોઈ બીમાર દ્વારા ચેપ કે બીમારી ફેલાતી હોય તો એના થી થોડું અંતર રાખીને દૂર રહેવું...તો એમાં શું ખોટું છે??
સોશીયલ distances ને ગુજરાતીમાં કહીએ તો સામાજિક આભડછેડ...તો જો બીમારી રોકવા માટે આ જ એક માત્ર ઉપાય હોય ત્યારે કપરા સંજોગોમાં ધર્મનાં નામે ચર્ચા કરવા માટે ભીડ એકત્ર કરવી એ કેટલું યોગ્ય છે???
તો હવે શું સ્વતંત્રતા પછી પણ આ સમસ્યાઓ ને કારણે દેશમાં વિકાસના રસ્તા ને આપણે સાંકળો બનાવી દઈશું???
આજે ભારત દેશ માત્ર વિકાસશીલ જ દેશ છે શા માટે???આ પ્રશ્નો નો જવાબ છે આ ગોડી મીડિયા પાસે??

આ મહામારી સામે એકજૂટ થઇને લડવાનું છે ત્યારે આ લોકો નફરતના વાઇરસ ને ફેલાવીને દેશમાં અંધાધૂંધી ફેલાવવાનું એક ખરાબ કામ કરી રહ્યા છે તે કેટલા અંશે યોગ્ય છે??

બિમારીનો હોય છે કોઈ ધર્મ??
કયા ધર્મનાં ગ્રંથમાં લખ્યું છે કે આ બીમારીને ધર્મ છે...??
અરે નફરત એટલી હદ સુધી વિસ્તરી ચૂકી છે કે પેટનો ખાડો પૂરવા માટે ની જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા જવા માટે પણ ધર્મ જોવામાં આવે છે..શું માનવતા સામે આ મોટો પડકાર નથી??
અરે આવે સમયે તો દેશમાં મદદરૂપ થઈ એક બીજાને સાથ આપવાનો હોય ત્યારે એક મૂર્ખ ની જેમ આમ નફરત ના વાઇરસના સકંજામાં સપડાઇ જઈએ એ કેટલું યોગ્ય છે..??
માટે સમજી જાવ માનવતા પર ખતરો ના બનો...માનવતાને ના ભૂલો...એકજૂટ થઈ આ મહામારી સામે લડત ચલાવો...પ્રશાસનને પૂરો સાથ આપો...
સમજી જાવ કે દેશમાં "ન થવાનું થઇ ગયું...."

નોંધ- અહીં પ્રસન્ન ભટ્ટ દ્વારા કરવામાં આવેલા લેખની એક નાનકડી સમીક્ષા મેં કરી છે....એમાં મારો નિશ્ચય કોઈ ધર્મ ની શાન માં ગુસતાખી કરવાનો નથી...મારા માટે દરેક ધર્મ દરેક માણસ એક સમાન છે...
બસ એક જાગૃત નાગરિક તરીકે દેશના લોકોની આંખો ઉઘાડવાનું નાનકડું કામ કરવાનો પ્રયાસ કર્યો છે...તેથી ભૂલચૂક હોય તો મને માફ કરવા વિનંતી...

૩.હયાતીના હસ્તાક્ષર

ગઈકાલે એક પરિપત્ર વાંચ્યો કે સરકારનાં જે પેન્શનરો છે એમણે પોતાની હયાતીની ખરાઈ કરવાની રહેશે. તો જ એમને તેમનું પેન્શન મળી રહેશે નહિતર એમને મળવાપાત્ર પેન્શન સ્થગિત કરવામાં આવશે...

ત્યારે એક વિચાર મગજમાં આવી ગયો...🤔

કે માણસ ની હયાતી એટલે તો માણસે જન્મ થી આજીવન સુધી કેટલા પાસા જોયા છે કેટલું જીવ્યો ??અને કેવું જીવ્યો?? કોના માટે જીવ્યો એનો હિસાબ...અને હજુ એ કેટલા પાસા જોવા નો છે એનો સરવાળો...

"અહી હયાતીના હસ્તાક્ષર - ખરાઈ માગે છે....

તો શું ખરેખર માનવી હયાત છે...??

ખરેખર એ પોતાની હયાતીના હસ્તાક્ષર આપવા યોગ્ય છે...??

એ પોતાનાં માટે, પોતાના સ્નેહીજનો માટે જાગે છે...??

મને તો પરિસ્થિતિ જોતા નથી લાગતું કે માણસ જાગતો હોય...

મને તો એમ જ લાગે છે કે તે ગાઢ નિંદ્રામાં સૂતો છે અને આવા પરિપત્રો દ્વારા તેને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે...

જેમ ઢોલ નગારાં વગાડીએ તો પણ કુંભકર્ણ નિંદ્રામાં જ રહેતો હતો તેમ આજનો માનવી પણ ગમે એટલું એના કાનમાં વગાડો એ નથી ઉઠવાનો જાણે....

કેમકે એણે પરિસ્થિતિ સામે પોતાનાં હથિયાર હેઠાં મૂકી દીધા છે...

એ કળિયુગ નો કુંભકર્ણ બની ગયો છે...

એ નહીં જાગે...!!

જ્યારે માણસ પોતાનાં અધિકારો ની લડત લડવામાં આગળ નથી આવતો ત્યારે એણે એવા સમયમાં પોતાની હયાતીના હસ્તાક્ષર આપવા એ મારા મનમાં હાસ્ય ઉપજાવે એવું થોડું લાગ્યું....

૪.ઘરમાં થયાં આ હાલ

"આ બહુ મોટું નગર!

છે દિવસ ને રાતના જેવું કશું,
જાણ છે એની ફક્ત લોકોને બસ.
કોણ કોનું સાંભળે કહેવાય ના!!"

આધુનિક સમયમાં માનવી એટલો બધી યાંત્રિક અને ઝડપી બની ગયો છે કે તેની પાસે સમય નામની કોઈ વસ્તુ જ નથી જાણે...
એ પોતાના કામ પર એટલી બધી દોટ મૂકે છે કે એને બીજું કંઈ પણ એના સિવાય દેખાતું જ નથી...બસ જાણે એને જ આ પૃથ્વી પર સૌથી વધારે કામ હોય એમ આખો દિવસ કામ કામ ને કામ...
કામ તો જાણે એને મળેલી દુનિયાની આઠમી અજાયબી...જેની પાછળ એ પોતાનો બધો જ સમય ખર્ચી નાખતો હોય છે...
એને પોતાના ઘરમાં શું ચાલી રહેલું છે એ જાણવાનો પણ સમય નથી હોતો જાણે...એટલે કેટલીક વાર તો પોતાનાં પરિવારના લોકો પણ એના થી વેગળાં થઈ જતાં હોય એમ લાગે છે...પોતે એક મશીનની માફક આખો દિવસ ચાલ્યા જ કરે છે પોતાના કામની પાછળ...

૧.પરંતુ જ્યારથી આ કોરોના વાઈરસે માજા મૂકી છે ત્યારથી આવા લોકો ને અકાળે પોતાનાં ઘરે રહેવાનો મોકો મળ્યો છે...
પરંતુ એમાં પણ કેટલાક તો કંટાળી જતાં હોય છે...
અને સ્વાભાવિક છે કે કોઈ એક વ્યક્તિ એક ની એક જગ્યાએ ઘણાં સમય સુધી રહે તો એ કંટાળી જાય...થકાન અનુભવે...પણ જો એ કોઈ બીજાનું ઘર હોય તો આવું બને એ સ્વાભાવિક છે...પણ આ તો એને એના પોતાનાં ઘરમાં રહેવાનું છે...એ ઘર કે એમાં એણે ભાગ્યે જ કોઈની સાથે સમય પસાર કર્યો હશે...
અને આ જ ઘરમાં એને હવે કંટાળો આવે એ કેવું...??
વિચારો કે એક સ્ત્રી આખી જિંદગી આ જ ઘરમાં રહીને પોતાનાં દિવસો પસાર કરે છે...કુટુંબના લોકો માટે હંમેશા પોતાનો કિંમતી સમય અર્પે છે...તો શું તમે તો બસ આ માંડ એક કે બે મહિના જ ઘરમાં રહ્યા છો..તો આ સ્ત્રી આખું જીવન એનું આ જ ઘરમાં પસાર કરે છે...તો એના વિશે વિચારવા જેવું છે...
એને તો કંટાળો આવે તોયે એનું ઘર ને આનંદ આવે તોયે એનું ઘર...એ એના જીવનરૂપી લોકડાઉનમાં હમેશા ફસાયેલી રહે છે...

૨. છે ગરીબોનાં કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે...

આપણને બધા ને ખબર છે કે સમાજનાં ત્રણ વર્ગોની આર્થિક સ્થિતિમાં કેટલો બધો ભેદ છે...ધનિક વર્ગ પાસે કેટલી બધી અઢળક સંપત્તિ છે...બિચારા ગરીબ વર્ગ ને કેટલી લાચારી...બસ ભીખ માંગીને જ આખું જીવન વિતાવવાનું...અને આવા સમયે દેશ આખો બંધ છે...લોકોનાં કામ ધંધા બંધ છે તો બિચારા ગરીબ લોકો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે...ઘરે રહીને એમની શું હાલત થતી હશે...!!
મધ્યમ વર્ગનું પણ કંઇક આજ પ્રકારનું છે...એમની વિટંબણાઓ પણ કેટલી અપાર છે..!! મોંઘવારીનો માર પણ અસહ્ય...મધ્યમવર્ગના લોકો એ હંમેશા આર્થિક ભીંસ વેઠવી પડે છે...તો આવા સમયે એ લોકોની હાલત પણ ના રહેવાય કે ના સહેવાય જેવી થઈ છે...

આવા સમયે બધાએ એકજૂટ થઈને એકબીજાને મદદરૂપ થઇને આ સમયને હરાવવાનો પ્રયત્ન કરવો જ પડશે...
કહેવાય છે કે,

"વિના સહકાર નહીં ઉદ્ધાર"...

આ કહેવત પ્રમાણે માણસના જીવનમાં વ્યક્તિગત,સામાજિક, કે કૌટુંબિક કોઈ પણ ક્ષેત્રે સહકાર જરૂરી જ બની રહે છે...
આથી દરેક અમીર ગરીબ કે માધ્યમ વર્ગના લોકો એ આ સમયે એકબીજા ને મદદરૂપ થઇને આ હાલતને સુધારવા પ્રયત્ન કરવો જ જોઈએ...
આ મહામારી સામે લડવા માટે ઘરમાં રહી ને પણ એકબીજાને મદદરૂપ થવું જ પડશે...

૫.સોનાની ચીડિયા v/s સોશિયલ મીડિયા


કબૂતર જા ...જા...જા...કબૂતર જા...જા...જા...

ફૂલ તુમ્હે ભેજા હે ખત મેં...

લીખે જો ખત તુજે...

પહેલાંના સમયમાં પક્ષીઓ દ્વારા, દૂત દ્વારા,તાર- ટપાલ દ્વારા આમ અલગ અલગ માધ્યમો દ્વારા સમાચાર કે માહિતી મોકલાવવામાં આવતી હતી...અને કંઈ કેટલોય સમય વીતી જાય ત્યારે એ સમાચાર પહોંચતા હતા...
દા.ત. કોઈકના ઘરે બાળકનો જન્મ થાય છે અને એના સમાચાર પોતાના સ્નેહીજનોને મોકલવા હોય તો એ સમાચાર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તો એ બાળક ખાસ્સુ મોટું થઈ ગયું હોય...
પરંતુ જેમજેમ પરિવર્તન આવતું ગયું તેમ તેમ માનવી પણ ઝડપી બનતો ગયો અને એટલા વાયુવેગે સમાચાર ની દુનિયા પણ ઝડપી બનતી ગઈ...હવે તો માત્ર ઘડીનાં છઠ્ઠા ભાગમાં જ સમચાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જતાં હોય છે...

માનવી હવે ઓનલાઇન થઈ ગયો છે...વાયુવેગે દોડી રહ્યો છે...

સમાચાર આવે એ મહત્વની વાત છે...જેનાથી દેશ વિદેશની હલચલ અંગે માહિતી મળી રહે છે...

પરંતુ આજના સમયમાં મીડિયા ચેનલો દ્વારા માત્ર જુઠાણું જ ફેલાવવામાં આવે છે...પત્રકારો દ્વારા સાચી માહિતીની છાનબીન કર્યા વગર બસ બેધડક જૂથ ફેલાવવામાં આવે છે...પોતાની ન્યુઝ ચેનલો ની પબ્લીશિટી માટે ‍ એ ઠેર ઠેર થી જુઠાણું એકઠું કરીને જાણે મોજથી જમણવારમાં જેમ વહેંચણી કરનારા જમવાનું વહેંચે તેમ એ સમાચારો ને પીરસતા જોવા મળે છે...
પણ આ સમાચાર અમુક અંશે જ સાચા હોય છે...
તેઓ બસ સાચી માહિતી એકત્ર કર્યા વગર જ સૌથી પહેલાં એમની ચેનલના સમાચાર પહોંચે એ લાલચે બાજ નજરે રાહ જોઈને જ બેઠા હોય છે...
ખરેખર મીડિયા દ્વારા જે આ કામ કરવામાં આવે છે તે સન્માનનીય નહિ પરંતુ સજાને પાત્ર ગણવું જોઈએ...
હાલનાં મીડિયા વારા તો બસ માત્ર ઝહેર જ ઓકે છે...
ભારત દેશની મીડિયાને માત્ર હિંદુ મુસલમાનોને લડાવવા નો કિસ્સો તો જાણે એમને બાજરાના રોટલા સાથે શુધ્ધ ઘી મળી ગયું હોય એમ એ આ મુદ્દાને પીરસતા જ જાય છે...પીરસતા જ જાય છે...

નફરતનો જે ઝહેર આપણા સમાજમાં ફેલાઈ રહ્યું છે તે આવા મીડિયાવાળા થી જ ફેલાયું છે...પોતાના સ્વાર્થ ખાતર એ લોકોની લાગણીઓ સાથે રમત રમે છે...દેશમાં નફરતનો ઝંડો લહેરાવવા નું શરમજનક કામ આજકાલની સમાચાર ચેનલો દ્વારા થઈ રહ્યું છે...

કહેવાય છે કે માનવી એક જગાએથી બીજી જગા વિશેની માહિતી મેળવે તો પરસ્પર ભાઈચારો,પ્રેમ,લાગણી જેવું ભાવનાઓનો તેનામાં વિકાસ થાય...અને આ માહિતી એને સમાચારો દ્વારા જ મોટા ભાગે મળે...પણ આધુનિક પરિસ્થિતિ જોતા આ બધા મૂલ્યો ભૂલાય ગયા હોય એમ લાગે છે...

સમાચાર પત્રો દ્વારા પ્રેમ,લાગણી ભાઈચારો નહિ પણ નફરતની j હવા ફેલાવવામાં આવે છે...પરસ્પર એકબીજા પ્રતિ ઘૃણા જનમાવવાનું કામ આજકાલના સમાચાર પત્રો, ન્યૂઝ ચેનલો દ્વારા કરવામાં આવે છે...જે ખરેખર ખૂબ મોટો અપરાધ ગણાય...

લોકોને પણ ખબર છે કે તમારે તમારી ચેનલો ચલાવવાની છે..
પણ ચેનલો તમારી ચાલે જ જો તમે પરસ્પર ભાઈચારો ફેલાવવાનું ઉમદા કાર્ય કરો તો...
આમ તમારી ચેનલો ક્યારેય નહી ચાલે...પરસ્પર નફરતની હવા ફેલાવાથી ક્યારેય તમારી પ્રગતિનો રસ્તો તમને નહિ મળે ...

ખરેખર દેશની નાગરિક તરીકે મને ઘણું દુઃખ થાય છે..કે મારો દેશ કે જે એક સમયમાં "સોનાની ચીડિયા" કહેવાતો હતો એ આજે આ ગોડી મીડિયાના રસ્તે દોડનાર બની ગયો છે...
સમાચાર ચેનલો દ્વારા જે સમાચાર પ્રગટ કરવામાં આવે છે એમાં એટલું જુઠાણું ફેલાવવા લાગ્યા છે કે હવે સાચા સમાચાર પણ જૂઠા લાગવા માંડ્યા છે...
એટલે હવે આપણે જ ખુદ સતર્ક રહીને આવી સમાચાર ચેનલો અને નફરતનું ઝહેર ઓકનાર સમાચારો થી દુર રહીએ તો જ દેશની ભલાઈ નો માર્ગ મળી રહે...👍

અહીં મેં માત્ર મારી વેદનાને રજૂ કરીને જાગૃતિ ફેલાવવાનું નાનકડું કામ કર્યું છે.કોઈ વ્યક્તિની ભાવનાને ઠેસ પહોંચે એવું હું ઈચ્છતી નથી.

૬.મોડર્ન જમાનો ઘુરતો થયો


કહે છે લોકો...

"જમાનો આજે મૉડર્ન બની ગયો...
સમય જાણે ગોલ્ડન બની ગયો..."

જમાનો મૉડર્ન બની ગયો છે... આપણે આ વાતને કંઈ કેટલીય વાર સમાજનાં લોકો પાસેથી ક્યાંક ને ક્યાંક સાંભળતા જ હોઈએ છીએ...કંઈ થોડું વધારે પડતું બોલાય જાય તો કે હવે લોકો બોલવામાં પણ મૉડર્ન બની ગયા છે...થોડું ધીમે કે થોડું ઉતાવળથી ચાલીએ તો પણ કહે કે આધુનિક બની ગયા છે લોકો... રસ્તામાં થી જતાં હોય અને કોઈ ઓળખીતું મળી જાય અને જો એને બોલાવવાનું રહી ગયું હોય તો જાણે જન્મો જનમથી એમને બોલાવ્યા વગરનાં આપણે રહી ગયા હોય એમ આપણા કાનમાં ઘી રેડી રેડીને સંભળાવે...અને કહે છે જમાનો મૉડર્ન થઈ ગયો છે...અરે મારા વહાલાં ભાઈઓ અને બહેનો કોઈ તમને બોલાવવા ન માગતાં હોય એવું હોતું જ નથી.. એ તો ક્યારેક માણસ એની ધૂનમાં જતો હોય તો તમને જોયા ન પણ હોય..એમાં શું ખોટું થઈ જાય છે..!! અને પછી આપણે કહીએ કે જમાનો મૉડર્ન થઈ ગયો છે..ના ચાલે આવું...આ મૉડર્ન જમાનો ન કહેવાય..
ક્યાંક કશુંક વધારે પડતું બોલાય જાય તો કહે...આઇ હાઈ જો તો ખરી કેટલી જુબાન ચાલે છે... કાતરની જેમ જુબાન ચાલે છે..😲😲 હાલાકે એણે જે વાત કરેલી હોય યા જે વધારે પડતું બોલાયું હોય એમાં ૧૦૦% શુધ્ધ ૨૪ કેરેટ સોનાની ચળકાટ ધરાવતું સત્ય છુપાયેલું હોય...છતાં પણ બસ કહે કે જમાનો મૉડર્ન થઈ ગયો છે..

આ મૉડર્ન છે..??

આ મૉર્ડનિટી છે..??

અરે આ મૉર્ડનિટી નહીં આ તો તમારી માનસિકતા પંદરમી સદીમાં જીવતાં લોકો કરતાં પણ ઓછી અંકાતી હોય એમ લાગે છે...

ગઈકાલે એક નવો અનુભવ થયો.....

આજે મેં અને મારી મિત્રએ નક્કી કર્યા મુજબ અમે મારા ગામથી ૨૬ કિમી.દૂર થોડું કામ હોવાને કારણે મારી પોતાની એક્ટિવા લઈને જવા માટે નીકળ્યા...હા મને ખબર છે લોકડાઉન ચાલે છે પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવાં માટે તો જવું પડેને...અને એમ પણ ભરૂચ જિલ્લો કોરોના મુક્ત છે..તો સોશીયલ ડિસ્ટન્સ જાળવીને અને માસ્ક વગેરે પહેરીને જવું એ કંઈ ખોટું નથી...
તો અમે ગયા એમાં ખોટું છે...??!!!
પવિત્ર રમઝાન મહિના નો સમય, ૪૨ ડિગ્રી તાપમાન ,રોજો રાખેલો, અને આવે સમયે ફૂલ સેફ્ટી જાળવવા માટે મોઢા પર દુપટ્ટો બાંધી, કાળાં ચશ્મા પેહરી, ઘરેથી એક્ટિવા ભગાડી મુકી...
પણ....પણ....જમાનાની મૉર્ડનિટી જુઓ...ચશ્મા પહેરીને ગાડી પર જોતાં એ રીતે ઘુરે લોકો જાણે એમને હમણાં જ ગાવાનું મન થતું હોય...
" गोरे गोरे मुखड़े पे काला काला चश्मा।।।"😀

અરે મુખડું તો બાંધેલું હતું... તો પણ એમણે તો ઘુરવું જ પડે...
ઘૂરે ના તો એમની મૉર્ડનિટી ખબર ના પડે ને...!!

વધુમાં જ્યારે મારી મિત્રને લેવા એના ઘરે ગઈ તો એ પણ મારા જેમ દુપટ્ટો બાંધી ગોગલ્સ પહેરી નીચે આવી...ત્યાં તો પછી ઘુરાનારાઓ નું પૂછવું જ શું...!!

આ વખતે કહેવાનું મન થાય છે...

"માનવી હમણાંનો ગૂગલ બની ગયો...
પણ જાણે ગોગલ્સ ને ઘૂરતો બની ગયો..."

હું આ લોકોને કહેવા માગું છું કે અરે યાર...ગોગલ્સ તો છોકરા પણ પહેરે છે..જુઓને એમને એમને કેમ નથી જોતાં આમ ઘુરી ઘુરીને..પણ ના એ તો અસામાન્ય વાત કહેવાય ને..જ્યારે એક ગોગલ્સ કોઈ છોકરીની આંખો પર જુએ તો એને ઘૂરી ઘૂરીને તાકી તાકીને જુએ...પોતાની આંખોની ફિકર કર્યા વગર એ આંખોનું શું થશે..??સામે ગોગલ્સ વારી કેવો હાવ દર્શાવશે..??પણ ગોગલ્સ વારી થોડી હટકે હતી હાં....
પરંતુ એ લોકો જાણે કહેતા હોય કે...

ओ लाल दुपत्तेवाली तेरा नाम तो बता।।
ओ काले चश्मे वाली तेरा नाम तो बता।।😀

પછી આવા લોકોને મને કહેવાનું મન થઇ જાય છે...

ओ नाम के दीवाने तेरा काम तो बता।।

બિચારા એ લોકોનાં પ્રશ્ન નો જવાબ તો આપવો પડે નહિતર એમને ખોટું લાગી જાય...😱
કેમકે મારી જુબાન આમ જ થોડી મીઠડી છે...તો ઉપરથી આટલું બધું મીઠું સહન ન કરી શકે...

આરે ગામડું છે..હું પણ જાણું છું કે આ બધી બાબતો ગામડાંમાં સામાન્ય ન ગણાય..હું પણ સમજુ છું...પરંતુ તમે જ્યારે દરેક બાબતે કહેતાં હોય કે જમાનો મૉડર્ન બની ગયો છે...તો આ મૉડર્ન જમાનામાં તમે પણ મૉડર્ન કેમ નથી બની જતાં...હેં...

હું કહું છું કે...

"ગામડું હવે ગામડું નથી રહ્યું પાકી ગયેલો ફોલ્લો છે.."

તો હવે એમાં થોડું આ રીતનું વિચારવાનું છોડીને પોતાના કામકાજમાં ધ્યાન લગાવો...મેહનત કરો...જીવનમાં ઘણું બધું છે...એની મજા લો...માત્ર કોઈની છોકરીને આમ મૉડર્ન શહેરી ઢબ થી એક્ટિવા લઈને કે કાળાં ચશ્માં પહેરીને જતી જોઈને એને ઘુરા ન કરો...એને પણ શરમ જેવું મહેસૂસ કરાવતા હોય એમ એને ઘુરવાનું બંધ કરો...

તમારી એ વાત અહી સાર્થક ના કરો કે...

માનવી ઓનલાઈન તો થઈ ગયો...
પણ હજુ કોઈની મૉડર્ન છોકરીને જોઈ લાઈન છોડતો રહી ગયો...

અહિં માત્ર કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી વિશે ભેદ રાખીને નથી કહેવા માગતી કશું...અહી સમગ્ર સમાજ ની વાત કરું છું...સ્ત્રી હોય કે પુરુષ દરેકની વિચારસરણી હજુ પણ ગામડાંઓમાં આ પ્રકારની છે...
કોઈ સ્ત્રી પણ આ જ રીતે ઘૂરીને જ જુએ છે ગામડાંમાં...એતો જાણે પાછલાં જનમનું કંઈ વેર હોય એની સાથે એમ મોં મચકોડી મચકોડીને ઘૂરે...😀

પણ ખેર આપણે શું... આપણે આપણી લાઈન નહિ છોડવાની આપણે ખુલ્લી મુક્ત વિચારસરણી અપનાવીને દરેકને આવકારવાની હિંમત આપણામાં કેળવવી એજ સૌથી મોટું કામ...એટલે ઘૂરે એને ઘૂરવા દો...માતાપિતાએ છૂટ આપી છે પછી આવા નકામા કામ ધંધા વગરનાં રિએકશન પર ધ્યાન આપીને જીવનની મજા નહિ બગડવાની હોં....👍🙂

૭.આધુનિક ચારણકન્યા

સાવજ ગરજે
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !l
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ-કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

હું ધોરણ ૪ માં અભ્યાસ કરતી હતી ત્યારે ગુજરાતી વિષયમાં કવિતા આવતી હતી...મોટાભાગે લોકોને એ કવિતા વિશે જાણકારી હશે જ અને અહી પણ ફરી એ કવિતાની યાદ તાજી થાય એ માટે કવિતા મૂકી છે...અને એ કવિતાનું નામ છે..."ચારણકન્યા" !!

આ કવિતામાં કથાવસ્તુ એ છે કે તુલસીશ્યામ થી થોડે દૂર આવેલાં ખજૂરીના નેસ નામનાં વિસ્તારમાં એક સાંજે ગીરના જંગલનો રાજા સાવજ - સિંહ અચાનક ત્રાડ પાડી આવે છે...આખા નેસ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય જાય છે.આ સિંહ એક વાછરડાં ને ઉપાડીને ત્યાંથી જતો હોય છે..ત્યારે આ ખૂંખાર સાવજની પાછળ માત્ર ૧૪ વર્ષની હીરબાઈ નામની ચારણકન્યા ડાંગ લઈને દોડે છે અને ડાંગ ઉગામી ને સિંહને ઊભી પૂંછડીએ ભગડવાનું સાહસિક કાર્ય કરે છે..અને હિરબાઈની આ સાહસિકતાને સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ અમર કર્યું છે..

એ સમયની ચારણકન્યા એ સાહસિક,ખમીરવંતી,ખુમારી યુક્ત,અત્યંત વીર આમ દરેક પ્રકારનાં ગર્વ અનુભવી શકાય એવા ગુણો ધરાવતી હતી..માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં સિંહને ભગાડનાર આ કન્યાની બહાદુરી પર સલામ કરવાનું માન થાય..સિંહની જેમ ત્રાડ કરીને સિંહને ભગાડવાં નું કાર્ય એ કરે છે અને પોતાનાં પ્રદેશને સિંહથી બચાવી હેમખેમ ઘરે આવે છે.

પરંતુ આધુનિક ચારણકન્યા જુઓ..એનામાં પણ છે સાહસિકતા,વીરતા,ખુમારી, ખમીરી જેવા ગુણો પરંતુ ખરા સમયે એના આ ગુણોને ઉપયોગમાં લેવા માટે એ ખચકાટ અનુભવે છે..

આપણે કહીએ છીએ કે સ્ત્રી એ પુરુષ સમોવડી બની છે.હા સાચું છે..બિલકુલ સાચું છે..દરેક જગ્યાએ તે આગળ વધી છે પરંતુ આધુનિકતાની ઓજલમાં જાણે એ છુપાઈ ગઈ હોય એવું પ્રતીત થાય છે.

એ સમયની ચારણકન્યા હતી કે જે માત્ર ૧૪ વર્ષની હતી..એવું ના હતું કે એ શ્વેત ,સુંવાળી,નાજુક ,નમણી ન હતી..એ પણ અત્યારની કન્યાઓની જેમ અત્યંત આકર્ષક, સ્વરૂપવાન હતી પરંતુ એનામાં હતું સાહસ અને આ જ સાહસને કારણે ખૂબ ગર્વ અનુભવી શકાય એવું કામ કરે છે..

આધુનિક સમયની છોકરીઓ જુઓ એ શ્વેત,સુંવાળી,નાજુક નમણી, પોતાનાં રૂપને જ માત્ર સંવારતી હોય એમ એ નાજુક બનીને પોતાની જાતને કમજોર બનાવવાના પ્રયત્નોમાં જ લાગેલી છે.પોતાના શરીરની સુંદરતા જ જાણે એકમાત્ર તેના માટે હથિયાર છે એવું માની ને એને વધારવા માટે ના પ્રયત્નો કરતી જોવા મળે છે..પરંતુ હું આ આધુનિક ચારણકન્યા ને કહેવા માગું છું કે..માત્ર રૂપને સજાવવાની હરોળમાં મહાન નહિ બનાય..રૂપની સાથે સાહસિકતા,ખુમારી,જેવા ગુણોનું પણ પોતાની અંદર આરોપણ કરવું પડશે તો જ આ સાવજ રૂપી સમાજ સામે અવાજ ઉઠાવવા લાયક બનાશે..

હાથમાં ડાંગ લઈ ખૂંખાર સિંહને ભગાડનાર ચારણકન્યા હીરબાઈ પાસે થી આજે આધુનિક સમયની છોકરીઓએ પ્રેરણા લેવી જરૂરી છે..આજે જ્યારે વાત કરવામાં આવી રહી હોય મહિલા સશક્તિકરણ વિશે તો આ વિચારને માંડ હજુ અમુક અંશે જ દેશના લોકો દ્વારા પચાવવામાં આવે છે સંપૂર્ણ પણે આ દેશના લોકો મહિલાઓ જાગૃત થાય સ્વતંત્ર થાય એ માટે પોતાનાં વિચારો બદલવા માગતાં નથી.પરંતુ આવા સમયે આધુનિક સ્ત્રી પણ કંઇક અંશે જવાબદાર છે આવા લોકોની વિચારસરણી પાછળ..કેમકે આજની સ્ત્રીઓ સશક્ત બનવા તો માંગે છે..અને બની પણ છે..પરંતુ હજુ પણ પરિસ્થિતિ જોતા મને કહેવાનું મન થાય છે કે...

"શ્વેત સુંવાળી ચારણકન્યા..
નરથી બીતી ચારણકન્યા..."!!

આપણે જોઈએ છીએ કે આજે કંઈ કેટલીય કન્યાઓને રહેંસી નાખવામાં આવે છે...એના પર જુલમ કરીને એને તરછોડી દેવામાં આવે છે...સમાજનાં નીતિનિયમોને કારણે બંધનમાં રહી એ પોતાનો અવાજ બહાર લાવી શકતી નથી...આધુનિક સ્ત્રીઓ એ પુરુષપ્રધાન આ દેશમાં કેટલાક અંશે હજુ પણ પોતાનો અવાજ દબાવી બેઠી છે..એમાં વાંક કોઈ પુરુષનો નથી કે દેશની અન્ય કોઈ પ્રજાનો નથી..પરંતુ તેનો જ છે..એનામાં કુદરતે અપાર શક્તિ આપેલી છે...કોઈપણ પ્રકારની મુશ્કેલી સામે એ એકલા હાથે લડત કરવા માટે હિંમત ધરાવે છે..એને કુદરતે અનેરી તાકાત આપેલી છે આ તાકાતનો એ જો ઉપયોગ કરીને આગળ વધે તો કોઈપણ અન્ય વ્યક્તિ ની મજાલ નથી કે તેની સામે આંખ ઉઠાવીને જોઈ શકે..

પરંતુ આધુનિકતાની આડમાં એ પોતાનું સ્વમાન ખોઈ બેસી છે.સાહસ,પરાક્રમ,વીરતા,પ્રમાણિકતા આ બધા લક્ષણોથી જાણે એ સો કોસ દૂર હોય એવો આભાસ હાલની પરિસ્થિતિ જોતા લાગે છે.નાજુક અને નમણી બનવાની હરીફાઈમાં એણે પોતાની સ્વવિકાસની ગતિને ધીમી પાડી દીધી છે..

આજે આપણે જોઈએ છીએ કે સ્વતંત્રતાના આ દોરમાં હજુ પણ તે પોતાની સ્વતંત્રતાની આડે જાણે વાળ બનીને ઊભી હોય એમ લાગે છે. એમાં કોઈ અન્ય વ્યક્તિ કે પુરુષપ્રધાન આ દેશની વિચારસરણી નો વાંક નથી પરંતુ આ આધુનિક - મૉડર્ન બનેલી ચારણકન્યાઓનો જ છે..

આવા સમયે મને પેલી ૧૪ વરસની ચારણકન્યા થી તદ્દન વિરુદ્ધનું ગીત રજૂ કરવાનું મન થાય છે..

સાવજ ગરજે...
(અહિં સાવજ એટલે પુરુષપ્રધાન સમાજ)
માનવમહેરામણ ગરજે...
કળિયુગનો કલિ ગરજે...

ક્યાં ક્યાં ગરજે?..
સમાજ કેરા વનમાં ગરજે...
બાવળના જાળામાં ગરજે...
લોકોનાં ખેતરમાં ગરજે...
ગામને પાદરે ગરજે...
જ્યાં જુઓ ત્યાં એ જ ગરજે...

આ થઈ પુરુષપ્રધાન સમાજમાં પુરુષની વાત. એ તો ગરજે જ કેમ કે એના સ્વભાવમાં જ એ અંકાયેલું છે..પરંતુ એના આ સ્વભાવ સામે આધુનિક સ્ત્રી બંધ બેસતી નથી.કેમકે એને સ્વતંત્ર થવું છે.પરંતુ સાહસિકતા,પ્રમાણિકતા,વીરતા,નિર્ભયતા જેવા ગુણોથી દૂર રહીને એણે સ્વતંત્ર થવું છે.પરંતુ એ ક્યારેય આ બધા ગુણોથી પર રહીને આઝાદ મુક્ત પંખી બની શકશે નહિં. એણે સવાજરૂપી સિંહની દહાડ સામે પોતાની ડાંગ ઉઠાવવી જ પડશે..

"આંખ તારી કેવી ઝબૂકે...
વાદળમાં જાણે વીજ ઝબૂકે...
જાણે બે અંગાર ઝબૂકે...
ટમટમતી બે જ્યોત ઝબૂકે...!!!

આ રીતે આધુનિક ચારણકન્યા પણ પોતાનાં ઉપર થઈ રહેલા અત્યાચાર સામે પોતાની આંખ ખોલી લડત ચલાવશે તો કોઈ પણ રીતે તે સમાજનાં દંભી તાણાવાણામાં ગૂંથાઈ રહેશે નહિં. એણે હિરબાઈની જેમ જ સમાજનાં લોકો સામે ત્રાડ પાડીને પોતાની શક્તિનો પરચો બતાવવો જ પડશે.

"ત્રાડ પાડી કે ઊભો રે તું...
પાપી કુત્તા ઊભો રે તું...
કાયર દુત્તા ઊભો રે તું...
ચોર લૂંટારા ઊભો રે તું...
માનવતા શત્રુ ઊભો રે તું...
સમાજ પાપી ઊભો રે તું...!!

આમ, આધુનિક સ્ત્રી પણ જો પોતાની હિંમતને,સ્વને ઓળખી આવા પાપી લોકો સામે પોતાનું સાહસ બતાવશે તો કોઈ પણ સમાજનો દુશ્મન તેની સામે આંખ ઉઠાવીને જોઈ શકશે નહિં.

પછી મને પણ કહેવાનું મન થશે કે...

"શ્વેત સુંવાળી ચારણકન્યા...
જગદંબા શી ચારણકન્યા...
ડાંગ ઉઠાવી ચારણકન્યા...
ત્રાડ ગજવી ચારણકન્યા...
આમ કરતાં...
સાવજ રૂપી નર ભગાવ્યો...
તેં તારો કાળ ભગાવ્યો...
તેં આ કાયર ને ભગાવ્યો...
તેં આ મોટાં શત્રુને ભગાવ્યો..."!!!

અહીં મેં આધુનિક સમાજમાં સ્ત્રીઓએ દબાવેલા એમનાં અવાજને બહાર લાવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે..સમાજની કોઈપણ વ્યક્તિને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ બીજો ઈરાદો નથી.માત્ર આધુનિકતાની આડે છુપાયેલી સ્ત્રીની સ્વતંત્રતાનો સદુપયોગ કરવા માટેની વાત કરી છે...

આભાર...😊

૮.માણસ - મુક્ત ગગનનું પંખી

"મુક્ત ગગન નું પંખી માત્ર એક
જે ખીલે વર્ષો સુધી છેક...!!

બાળપણ માં તે સૌથી અનેરું
મોટપમાં એ બને રૂપેળુ‍...!!"

'મુક્ત' મુક્ત એટલે છૂટું ... કોઈપણ પ્રકારનાં બંધનો વિનાનું ... કોઈપણ પ્રકારની જવાબદારી વિનાનું ... પરંતુ આ રીતથી તો માણસ એક જ અવસ્થામાં રહી શકે છે... માત્ર તેના બાળપણમાં ન કોઈ ઈર્ષા , ન કોઈ દ્વેષ ,ન કોઈ ચિંતા , ન કોઈ ફિકર ... બસ પોતાની જ મસ્તીમાં મશગુલ..જ્યાં જાય ત્યાં પોતાની ખુશ્બુ ફેલાવે એ મુક્ત પંખી.
પોતાના કલરવ અને કિલ્લોલથી ગમગીન વાતાવરણને પણ ખુશનુમાં બનાવે.. પોતાની કાલીઘેલી ભાષામાં અલગ અલગ પ્રકારના કાલ્પનિક વિચારો દ્વારા બધાંને હસાવે આ જ સૌથી મજાની મુક્ત ગગનનું પંખી..
પરંતુ એ જ્યારે મોટું થઈ જાય છે ત્યારે એના પર ઘણી બધી જવાબદારીઓ આવી પડે છે..અને આ જવાબદારીના બોજ નીચે એ મુક્ત મને વિહરી શકતું નથી...

પરંતુ બાળપણથી જ જો એને મુક્ત મને ઉડવા માટે પાંખો મળી જાય તો આકાશને આંબવા જેટલી શક્તિ એ પોતાનામાં લઈને ફરે..ખુલ્લા મનથી મોકળાશથી એને જીવનમાં આગળ વધવાનો મોકો મળે તો એ ચોક્કસ કોઈપણ શિખર સુધી પહોંચવા સક્ષમ બને...અને એ શિખર પર જઈને નીચે ઊભેલાં લોકોને એ અવાજ દઈને કહે કે...

"સાંભળો મારો અવાજ..
મળી છે પાંખો મને આજ...!!"

પરંતુ એની આ ઊડતી પાંખોને રોકવામાં આવે, કાપી નાખવામાં આવે તો એ મનમાં ને મનમાં રુંધાઈ જાય છે..મોટપ કેરી માયા એનામાં બાળપણમાં જ લાદવામાં આવે તો એ મુક્ત હૃદયે વિહરી શકતું નથી...

માણસ પાંખ વિનાનું પંખી છે..પણ એનાં જીવનમાં એ ઉમ્મીદ ની પાંખો વડે ઉડે છે...ઉમ્મીદ, આશા એ જ એની પાંખો છે..મુક્ત મને એ પોતાનાં સ્વપ્નો સાકાર કરે તો ચોક્કસ ઊંચાઈ સુધી પહોંચી જ શકે છે...

"ઊડવું મારે દૂર ગગન..
થઈ સ્વપ્નોમાં મગન...!!"

મકરંદ દવે કહે છે એમ કે,

"ગમતું મળે અલ્યા ગુંજે ના ભરીએ..
ગમતાનો કરીએ ગુલાલ...!!"

અર્થાત્ કે મનુષ્ય ને જયારે પોતાનાં મનનું કરવાનો મોકો મળે છે...ત્યારે એ પાછું ફરીને જોતો નથી...અત્યંત હોંશ થી એ તે કાર્યમાં મન લગાવે છે..અને એમાં સફળતા પણ ધાર્યા કરતાં વધારે મળે છે...

આપણે જોઈએ તો આપણા સમાજમાં મોટા ભાગનાં લોકો પોતાનાં સંતાનો ને એમની મરજી વિરુધ્ધના ક્ષેત્રમાં ભણવા મૂકે છે...અને પછી એ સંતાન એ ક્ષેત્રમાં સફળ થઈ શકતું નથી...
એને જવું હોય આર્ટસ વિભાગમાં અને એનાં માતાપિતા અન્યોની દેખાદેખીમાં એને સાયન્સ વિભાગમાં એડમિશન લેવડાવે છે..અને પછી એ બાળક પોતાની કેપેસિતી બહારનું ભણતર સારી રીતે ભણી શકતો નથી..પરિણામે એને એમાં નિષ્ફળતા મળતી હોય છે...

પરંતુ જો વાલીઓ એને એનાં પસંદગીનાં ક્ષેત્રમાં મોકલશે તો એ ચોક્કસ પોતાનું નામ રોશન કરવાનો જ છે...એને એ ક્ષેત્રમાં પૂરા મનથી મુક્ત હૃદયથી વિચારવાનો મોકો મળે અને તે એમાં સફળ પણ થાય છે...

માણસ એ અળવીતરું પંખી છે...એનામાં ઈશ્વરે જિજ્ઞાસાવૃત્તિ ફૂટી ફૂટીને ભરી છે...આથી એનું ચંચળ મન એક જગ્યાએ સ્થિર થઈ શકતું નથી...માટે એ નવું નવું જાણવાનો પ્રયત્ન કરતો જ રહે છે...આ માટે એને મુક્ત વિચારસરણીની જરૂર પડે છે..તેથી તેને જો આ રીતનું મુક્ત વાતાવરણ મળે તો એ ચોક્કસ કંઇક મેળવીને જ જંપે છે...પોતાની ફેલાયેલી પાંખો વડે એ આખા ગગનને આંબી શકે છે...!!

૯."કેસર હોય તો કસર કરવી નહિં...."

ઉનાળાની આ
ઋતુમાં ગરમીનો
પડે કહેર...!!

ન મળે જ્યારે
તાજા માજા શાક ને
બકાલું અહીં...!!

ત્યારે આવે છે
કેસર કેરીઓની
મહેર અહીં...!!

મારા મમ્મી કહે છે..કે ઈશ્વર - અલ્લાહ - ભગવાન - પ્રભુ...જે કહો એ ક્યારેય પણ એના સંતાનો સાથે અન્યાય કરતો નથી...એનું તાજુ ઉદાહરણ કહું તો...ઉનાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી બહુ ઓછા મળી રહે છે...મળે તે પણ જેમ શિયાળામાં તાજા માજા મળે છે એમ મળતા નથી...ત્યારે ભોજન લેતી વખતે આવા શાકભાજીનું શાક બનાવી ખાઈએ પણ તે પેટ ભરીને ખવાય નહીં...આથી આવા સમયે કેરી ખાઈને પોતાનું પેટ ભરીને આનંદ મળતો હોય છે...

એમાંય જો કેસર કેરી મળી જાય તો તો આનંદ જ કંઇક અલગ હોય છે...
ભગવાને ઉનાળાની ઋતમાં કેરી આપીને પોતાના સંતાનોને અનેરી ભેટ આપી છે...

કેસર હોય
ત્યાં કરીએ નહિ એ
કસર હવે...!!

કેરી એટલે ફળોનો રાજા...!!
ખરેખર એને ફળોનો રાજા કહેવું એ સાચું જ છે...!!

૧૦. ફર્સ્ટ લવ

સાંવરિયો રે મારો...સાંવરિયો...
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો..."

આ એક ગુજરાતી કવિતા છે...

પરંતુ માત્ર સાંવરિયો જ નહિ...મારા જીવનનો પ્રથમ પ્રેમ એ મારા માતાપિતા છે...કે જે હંમેશાં હું જે માગું એ માંગવાની બીજી જ ક્ષણે મારા સામે ધરી દે છે...
એટલે હું એમના માટે કહું છું કે...

હું તો ખોબો માગું ને લાવી દે દરિયો...
માવતરિયા રે મારા માવતરિયા...

ખરેખર જેણે નવ મહિના પેટમાં રાખીને મારું વજન ઊંચક્યું..મારા માટે કડવું પણ અમૃત માનીને ખાધું..પોતે મેં ભીની કરેલી પથારીમાં સુઈ મને સૂકામાં સુવડાવી..આંગળી પકડીને ચાલતાં શીખવ્યું..દુનિયાનાં કાવા દાવા થી પર રાખી..પોતે અનેક કષ્ટો સહન કર્યા..પોતે ભૂખી રહી મુજને અન્નનો દાણો ખવડાવ્યો.. એ જ મારો "ફર્સ્ટ લવ.."

ખિસ્સા ખાલી હોવા છતાં ક્યારેય ના નથી પાડતાં..પોતે ફાટેલા કપડા પહેરી અમને મનગમતા કપડાં અપાવ્યા..અપ્રગટ પ્રેમની ધારાઓ વહેવડાવી..ગુસ્સામાં છલકાતો પ્રેમ આપ્યો..દુનિયાની રંજીશોમાંથી બહાર આવવાનો માર્ગ બતાવ્યો.. અમને આગળ વધારવા પોતે પાછળ રહ્યા..પેટે પાટા બાંધી ને એમને ભણાવ્યા..અમારા માટે દુનિયાનાં દરેક વાર સહન કર્યા..જેમની હાજરી એ સૂરજ સમાન કે જે હોય ભલે ગરમ..પણ દિલ જેમનું સાવ નરમ.. બસ એ અને માત્ર એ જ મારો "ફર્સ્ટ લવ.."

જેમનાં માટે પોતાના સંતાનો જ આખી દુનિયા.. એ જ મારો "ફર્સ્ટ લવ.."
વહાવ્યો જેમણે એમનો પરસેવો..આપવા અમને સુખનો પડછાયો.. એ જ મારો "ફર્સ્ટ લવ.."
અત્યારે મને આ સ્થાન પર પહોંચાડવા માટે એમણે કરેલી મેહનત એ જ મારો "ફર્સ્ટ લવ.."
એક ખોટા સિક્કાને બનાવ્યો જેમણે અમૂલ્ય કિંમતી હીરો એ જ મારો "ફર્સ્ટ લવ.."
અંધારામાં આપી રોશની એ જ મારો "ફર્સ્ટ લવ.."
જેમનાં માટે જેટલું લખું એટલું ઓછું...કદાચ શબ્દો પણ ખૂટી જાય... એ જ મારો "ફર્સ્ટ લવ.."

૧૧.આઝાદી?

"દે સલામી આ ત્રિરંગાને જેનાથી તારી શાન છે..

શિર ઊંચું રાખજે સદા એનું જ્યાં સુધી દિલમાં જાન છે..!!

આજે આપણે દેશમાં ૭૪મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યા છે...૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો...પરંતુ આજની પરસ્થિતિ જોતાં મને લાગે છે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થઈ ગયો પણ હજુ ભ્રષ્ટાચાર,નાતજાતના ભેદભાવ,અપરાધ,હિંસા વગેરે જેવી સમસ્યાઓ સામે એક ગુલામની જેમ પોતાનું જીવન જીવી રહ્યો છે.

આપણા દ્વારા ચૂંટવામાં આવેલા અભણ અને ઠોઠ નેતાઓ લોકોને અંદરોઅંદર લડાવી રહ્યા છે.કેટલીક વાર ધર્મનાં નામે તો કેટલીક વાર છૂટ અછૂટના નામે.આજે પણ આપણે રાષ્ટ્રવાદ અને પ્રાંતવાદના ગુલામ બની ગયા છે.આવી સમસ્યાઓ સામે હજુ સુધી પૂરેપૂરી સ્વતંત્રતા મેળવી શક્યા નથી.બિનસાંપ્રદાયિકતા ધરાવતાં આપણા આ દેશમાં વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે દેશનાં લોકો સાંપ્રદાયિકતા તરફ વળી રહ્યા છે.

ભારત દેશ આઝાદીનાં ૭૪ વર્ષો પછી પણ હજુ માત્ર વિકાસશીલ દેશોમાં જ ગણાય છે એનું કારણ છે કે દેશનાં અભણ અને ઠોઠ નેતાઓ લોકોને અંદરોઅંદર લડાવી દેશની વિકાસની પ્રક્રિયાને અટકાવી રહ્યા છે. પોતાનાં સ્વાર્થ ખાતર તેઓ નફરતનો ફેલાવો કરે છે પરિણામે દેશનાં વિકાસનો રસ્તો સાંકળો બની રહ્યો છે.
આપણા દેશમાં દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રહી શકે છે.દરેકને પોતાની મરજી અનુસાર ધર્મ પાળવાનો હક છે.દરેક ધર્મનાં લોકો એક સમાન છે. સમાનતા,સ્વતંત્રતા જેવા અધિકારો સંવિધાનમાં આપવામાં આવ્યા છે..પરંતુ આજે આપણું સંવિધાન રચાયાને ૭૧ વર્ષ પછી પણ આપણા દેશનો નાગરિક સુરક્ષિત રહી શકતો નથી.એને કેટલીયવાર જાતિવાદના ભોગ બનવું પડે છે.એનું કારણ છે આપણા દ્વારા પસંદ કરવામાં આવેલાં નેતાઓ કે જે પોતાના સ્વાર્થ ખાતર લોકોને અંદરોઅંદર લડાવી દેશનાં વિકાસના રસ્તાને રૂંધી રહ્યા છે.

ગુજરાતી સાહિત્યમાં ગઝલકાર ઝલન માતરી કહે છે કે,

"મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી..!!"

અહીં ઝલન માતરી કહે છે કે ,ધર્મનાં નામે રમખાણોના આગ ચાંપતા લોકો શેતાનથી પણ બુરા છે..!
આવી જ રીતે વર્તમાન ચિત્ર જોતાં લાગે છે કે દેશમાં રહેલાં કહેવાતા દેશનાં રક્ષકો લોકોને અંદરોઅંદર લડાવીને ધર્મનાં નામે રમખાણો ને આગ ચાંપે છે..એનું કારણ છે આપણામાં રહેલી નિરક્ષરતા...આઝાદીનાં ૭૪ વર્ષ પછી પણ આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ માત્ર ૬૩% છે..કારણકે આપણે શિક્ષણ પ્રત્યે જોઈએ એવી જાગૃતતા ધરાવતાં નથી. પૂરતાં પ્રમાણમાં શિક્ષણ મેળવતા નથી.જો આપણે દેશને સંપૂર્ણ રીતે સ્વતંત્ર બનાવવો હશે તો આપણે પૂરતાં પ્રમાણમાં શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે.

પ્રિયકાન્ત મણિયાર કહે છે,

"મેં મકાનો બાંધવાને જે ઘડ્યા..
રે તે ખીલાં અહીં જડ્યાં..!!"

અહીં ઈશુ ખ્રિસ્ત ને વધ સ્તંભ પર જડી દેવામાં આવે છે એ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.ભગવાન ઈશુને વધસ્તંભ પર જોઈને લુહાર કે જેણે ખીલા બનાવ્યા હતાં એ ખીલા વધ સ્તંભ પર જોઈ લુહાર પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.

અર્થાત્ કે અહીં એ વાત સિદ્ધ કરવામાં આવી છે કે જ્યારે કોઈ સર્જક પોતાનું સર્જન કરે છે ત્યારે એના પાછળ એનો કોઈ ચોક્કસ હેતુ રહેલો હોય છે અને જ્યારે આ સર્જનનો દુરુપયોગ કરવામાં આવે ત્યારે એ સર્જકનું હૃદય દુઃખથી દ્રવી ઊઠતું હોય છે.

આ જ રીતે આઝાદીનાં લડવૈયાઓએ દેશને આઝાદી અપાવવા માટે ઘણાં સખત પ્રયત્નો કર્યાં, પોતાનાં જીવની કુરબાની આપી,અત્યાચારો સહ્યા અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યો. દેશને સોનાની ચીડિયા બનાવ્યો.પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં લાગે છે કે એમણે આઝાદી પછી જે ભારતનું સ્વપ્ન જોયું હતું એ આજે સાકાર થતું જોવા મળતું નથી.
આજે દેશમાં નિરક્ષરતા, ગરીબી,બેકારી,ભ્રષ્ટાચાર,અત્યાચાર, જાતિવાદ, પ્રાંતવાદ જેવી મહાકાય સમસ્યાઓ સામે આપણે ઝઝૂમી રહ્યા છે.
આપણે જો આપણા દેશમાંથી આવી સમસ્યાઓને નષ્ટ કરવી હશે તો પૂરતાં પ્રમાણમાં શિક્ષણ મેળવી એ શિક્ષણનો સદુપયોગ કરવો પડશે.એને લોકહિતના કાર્યોમાં જ ઉપયોગમાં લેવું પડશે તો જ આપણને પૂરતાં પ્રમાણમાં સ્વતંત્રતા મળી છે એવું સાર્થક થશે..!!

"रंग चदे जो उतरे ना अब वो जाम नहीं मिलता।
जुठों की इस दुनिया में सच्चा पैग़ाम नहीं मिलता।।
जो चींटी तक ना मार शके वो छाए है गली महोल्लों में।
वतन पर जो मित जाए क्यों उसका नाम नहीं मिलता।।"

"खुद मिट जाओ मगर इतिहास मत मिटने दो।
धर्मों को तो बांट दिया है पर देश मत बंटने दो।।"

આપણને સાચી આઝાદી ત્યારે જ મળશે જ્યારે આપણે ખુદ એકબીજાનાં ગુલામ નહિં પરંતુ એકબીજાનાં મિત્ર બનીશું,ધર્મનાં નામે નફરત નહિં ફેલાવીએ,પરસ્પર ભાઈચારો કેળવીશું,બંધુત્વની ભાવના કેળવીશું,એક ઝૂટ થઈ દેશની સમસ્યાઓનો ઉકેલ શોધીશું તો જ સાચી આઝાદી,સાચી સ્વતંત્રતા મળી છે એવું નિશ્ચિત થશે.!!


✍️ શબીના આઇ.પટેલ
કાવી