મીની બજારમાંથી આવતાં આવતાં છાપાવાળા પાસે થી પોતાનાં ઘરે આવતું એક છાપુ લઈ આવે છે અને એમાં એ પોતાનો ફોટો જોઈ ઘણી ખુશ થઈ જાય છે...
ઉછળતી, કૂદતી,દોડતી એ એનાં પપ્પાને બતાવવા માટે ઘરમાં આવે છે...
પપ્પા... ઓ પપ્પા...ક્યાં છો તમે પપ્પા...??
જુઓ મારો ફોટો પેપરમાં છપાયો છે...જુઓ પેલી ગઈકાલે મેં નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધેલો અને એમાં મારો પહેલો નંબર આવેલો એનો ફોટો છપાયો છે જુઓ....
પપ્પા...!! (છણકો કરીને)
એનાં પપ્પા એને જલ્દી જવાબ નથી આપતાં તો e મનોમન બબડી ઊઠે છે...આ પપ્પા તો ક્યારેય મારી એક બુમથી સાંભળતા જ નથી ને..!!
લાવ જોવા દે એ ક્યાં છુપાયા છે...
આટલું બોલી એ એનાં પપ્પાને ઘરમાં શોધવા લાગે છે...
એટલામાં તો એની મમ્મી છાયાબેન રસોડામાં થી બહાર આવે છે..
અરે અરે...આ છોકરી છે કે આફત...કેટલી વાર કીધું આમ ઉછળકૂદ ના કર્યા કર...છોકરી માણસને આમ આટલું ઉછળકૂદ નહીં કર્યા કરવાનું...
મમ્મી શું તું પણ જ્યારે હોય ત્યારે આમ જ કહ્યા કરે છે...શું છે હું છોકરી છું તે દોડવા ચાલવાનો હક મને પણ છે ભાઈલું ની જેમ...
માં દીકરી વચ્ચે આમ વાતો ચાલતી હતી એવામાં રસિકભાઈ આવે છે...શું મીની ની મા તું પણ...!!દીકરીને આમ શું વારંવાર રોકટોક કર્યા કરે છે...
"આવ મારા વ્હાલા દીકરા મારી પાસે આવ..."
શું વાત છે કહે મને..??
આમ કહી રસિકભાઈ પોતાની મીનીને પોતાનાં ખોળાં માં બોલાવી કે છે...
મીની હજુ માંડ ૧૦ વરસ ની છોકરી છે...અને આટલી નાની ઉંમરમાં જ એનામાં નૃત્યનું જબરું ટેલેન્ટ છે...આથી એની શાળાની નૃત્ય સ્પર્ધામાં એ હંમેશા પહેલાં ક્રમે જ આવતી અને એની આ જીતની સૌથી વધુ ખુશી રસિક ભાઈને થતી...
છાયાબેન ને હમેશાં મીનીની આ જીતની કંઇક ઓછી જ ખુશી થતી.તેઓ હંમેશાં તેમની દીકરીને પ્રેરણા આપવાને બદલે નાસીપાસ કરી દેતા.
છાયાબેન આજે પણ મીનીને ટોકે છે..અને બબડતાં બબડતાં એ પોતાના કામ માટે રસોડામાં ચાલ્યા જાય છે.
"દીકરી છે..આમ માથે ન ચઢાવાય..મોટી થઇને સાસરે જવાનું છે.ઘરનાં કામકાજમાં મન લગાડવાનું કહેવાને બદલે એનામાં નાચવા - ગાવાના શોખને વધારો છો..આમ ને આમ જો એની આ નાચવા ગાવાની જીદ વધી જશે તો એ મોટી થઇને પણ આ જ જીદ પર અડીખમ રહેશે.મને ખબર છે કેટલી જિદ્દી બનાવી દીધી છે એને આ તમારાં લાડકોડથી." :- છાયાબેન રસિકભાઈ ને બીજા દિવસે કહે છે
રસિકભાઈ છાયાબેન ને શાંત કરતાં,..શાંત થઈ જા મારી વહાલી,મીની આપણી દીકરી છે આપણી..આમ તે કઈ કાચું મૂકવા ન દઉં એને..એને જીવનમાં જે કરવું હોય એમાં એ આગળ વધશે અને તું જોજે એક દિવસ એ આપણા કુટુંબનું નામ રોશન કરશે..
છાયાબેન છણકો કરી ત્યાંથી જતાં: હું ઉ ઉં...નામ રોશન કરશે..નામ બગડે નહીં..જો જો ક્યાંક..
ખરી છે આ મીની મા,નાહકની ચિંતા કરે છે.મીની મારી દીકરી છે અને એ મારાં છે ચીંધેલા રસ્તા પર જ ચાલશે..અરે ચાલશે નહિ...દોડશે..દોડશે..;રસિકભાઈ મનમાં ને મનમાં પોતાની દીકરી માટે ગર્વ અનુભવે છે..
મીની ત્યાર પછી દરેક વરસે નૃત્ય સ્પર્ધામાં પ્રથમ આવતી અને હવે તો એણે નૃત્ય સાથે સંગીતમાં પણ જોડાવાનું શરૂ કર્યું હતું.એમાં પણ એનાં મધુર અવાજ થી શાળામાં પ્રથમ આવતી.ધીરે ધીરે સમય જતાં મીની દશમું ધોરણ પુરુ કરી પોતાના આગિયાર - બાર ધોરણમાં અભ્યાસ માટે પોતાની માસીના ઘરે સુરત જતી રહી.મીનીના જવાથી ઘર સુનું થઈ ગયું.છાયાબેન આ વાત માટે પણ રસિકભાઈ સામે વાંધો ઉઠાવે છે.પરંતુ રસિકભાઇ ની જીદ સામે તેમણે નમતું મૂકવું જ પડે છે.
બીજી બાજુ મીની પોતાનાં અભ્યાસ સાથે નૃત્ય અને સંગીતની દુનિયામાં પણ પોતાના પગરણ ચાલુ રાખે છે અને તે તે માટે ના ક્લાસમાં પણ જાય છે. મીનીને આ કામ માટે તેના પપ્પાનો પૂરેપૂરો સાથ મળે છે.આમ મીની સુરતમાં પણ પોતાની શાળાની દરેક નૃત્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ ને પહેલાં નંબરે આવે છે. એણે આ વખતે તો શાળાનાં વાર્ષિક કાર્યક્રમમાં એણે ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં એના સંગીત અને નૃત્ય થી એણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા..બીજા દિવસે એની ફોટો ફરી પેપરમાં છપાય છે અને તે રવિવાર હોવાને કારણે આયુષ સાથે એના ઘર કોસંબા આવે છે.
આજે પણ એ નાની હતી ત્યારે જેમ ઉછળતી કૂદતી એના પપ્પાને બૂમો પાડતી હતી એજ રીતે ઘરમાં આવે છે...
પપ્પા ...ઓ પપ્પા...જુઓ આજે ફરી એકવાર મારો ફોટો છાપામાં આવ્યો છે..
અને દરેક વખતની જેમ રસિકભાઈ આજે પણ મીનીને ખીજવવા માટે વહેલો જવાબ આપતા નથી..
મીની ખિજાઈને: પપ્પા તમારે બહાર આવવું છે કે નહિ..બહાર આવો નહિતર હું આયુષ સાથે પાછી ફરી જાઉં છું...
અરે રે...ના મારા દીકરા હું તો મસ્તી કરતો હતો...આ હું આવ્યો જો..એવી તે કંઈ હું તને પાછી જવા દેતો હશે...!! ચાલ લાવ તો જોઉં કેવો ફોટો છપાયો છે...?!શું લખ્યું છે...!!??
રસિકભાઈ પેપર મીનીનાં હાથમાં થી ઝુંટવતા: અરે વાહ ખરેખર ફોટા પરથી તો લાગે છે કે મારી દીકરીએ ખૂબ સરસ નૃત્ય કર્યું છે..અને ઈનામ પણ સરસ મળ્યું છે ને..!!વાહ... મારા દીકરા વાહ..
અભિનંદન...ખૂબ ખૂબ અભિનંદન...
પોતાનાં પપ્પાએ કરેલા વખાણથી મીની ખુબ ખુશ થઈ જાય છે અને રસિકભાઈ ને ભેટી પડે છે...
છાયાબેન અગાશીએથી કપડાં સૂકવીને નીચે આવે છે.મીનીને જોઈને બોલ્યા: આવી ગયો તોફાન મહેલ... ચાલ હવે જમી લે..ભૂખી થઈ હશે કૂદી કૂદીને...
(છાયાબેન આમ તો એક મા હતા એટલે માનું સ્નેહ તો છલોછલ એમનામાં હતું પરંતુ સમાજનાં લોકોનાં ડરથી એમની દીકરી માટેની ચિંતા પણ બરાબર હતી..)
રસિકભાઈ ,મીની અને આયુષ જમવા બેસે છે..છાયાબેન જમવાનું પીરસતા પીરસતા આયુષની મા એટલે કે એમની બહેનની ખબર પૂછે છે..આયુષ બોલવા જાય છે ત્યાં જ મીની વચમાં જ એને અટકાવતાં બોલવામાં માંડે છે...અરે મમ્મી ...માસી...માસીની તો વાત જ ના કર... એ એકદમ ફર્સ્ટ ક્લાસ છે..અને આમ ચપળ ચપળ બોલતી મીનીને બોલતાં બોલતાં અંત્રસ જાય છે..ખાંસી આવી જાય છે...
છાયાબેન એને પાણી આપતાં એની પીઠ પર હાથ ફેરવે છે...કહુ છુ કે આમ તારું તોફાન બંધ કર..વચ્ચે શું બોલવાની જરૂર હતી તારે...જોયું ને વચ્ચે બોલવાનું પરિણામ...ક્યાંક શ્વાસ રુંધાઈ જાય તો...!!
છાયાબેન મીની માટે ગુસ્સે થઈને પોતાની ચિંતા વ્યક્ત કરે છે.રસિકભાઇ તેમને બોલતાં અટકાવે છે..અરે ઓ મારાં ધર્મપત્ની...આમ તે કંઈ મારી દીકરીનો શ્વાસ ન રુંધવા દઉં..હજી તો એણે મારું નામ રોશન કરવાનું બાકી છે..ભગવાન પાસે મેં એની લાંબી ઉંમર માગી લીધી છે..રસિકભાઇ મીની ના માથા પર વહાલ ભર્યો હાથ મૂકે છે...
રવિવારનો દિવસ પૂરો થતાં મીની સોમવારે વહેલી સવારે સુરત જવા માટે આયુષ સાથે નીકળી પડે છે...
મીની ફરી પોતાનાં અભ્યાસમાં મગ્ન થઈ જાય છે..સાથે સાથે સંગીત અને નૃત્યની તાલીમ પણ એ ચાલુ જ રાખે છે.મીની બારમું ધોરણ સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે પાસ કરે છે..અને હવે તેને આગળ ભણાવવા માટે એમ. ટી.બી.કોલેજમાં આર્ટસ વિભાગમાં પ્રવેશ મેળવવાની વાત ચાલે છે...મીની રસિકભાઈ પાસે આવી કહે છે...પપ્પા મારે એમ.ટી.બી.કોલેજમાં એડમિશન લેવું છે... એ પણ આર્ટસ વિભાગમાં...હવે તે માટેની પ્રક્રિયા ચાલુ થવાની છે...
અરે .. મારા દીકરાને જેટલું ભણવું હોય એટલું એને છૂટ છે..બસ ખાલી તારી મા ની ચિંતા સમજીને આગળ વધવું....રસિકભાઇ મીનીને સમજાવતાં બોલ્યાં..
ઓકે પપ્પા તમે ચિંતા ના કરો હું બધું સમજુ છું...મીની થોડો ગર્વ અનુભવતાં બોલી.
છાયાબેન બંનેની વાત સાંભળી બંને પાસે આવે છે.મો બગાડીને બોલે છે..(ચિંતાની રેખાઓ એમનાં ચહેરા પર વર્તાતી હોય એમ દેખાય આવે છે..)
શું હજુ દીકરીને આગળ ભણાવવા માટેનાં સપના જોવડાવો છો..આ સમય એનો ભણવાનો નહી પણ હાથ પીળાં કરવાનો છે..બહુ થયું હવે,બહુ ભણી લીધું હવે સમાજમાં સારો મુરતિયો જોઈને એના લગ્નની વાત કરો..આમ ને આમ ઉંમર વીતી જશે તો કોઈ છોકરો એનો હાથ પકડવા રાજી નહિ થાય...
રસિકભાઈ છાયાબેન ની ચિંતા દૂર કરતાં હોય એમ બોલે છે,: મારી દીકરી માટે સારા મુરતિયા શોધવાની જરૂર નહિ પડે.એના માટે તો મુરતિયા સામે ચાલીને આવશે..જો જે તું મને યાદ રાખીશ...
(મીની જેમજેમ મોટી થતી ગઈ એમ એમ એની સુંદરતામાં વધારો થતો ગયો.. એ અત્યંત મનમોહક બનતી ગઈ..એની સુંદરતા સાથે એનું વ્યક્તિત્વ આકર્ષક લાગવા લાગ્યું હતું..
છાયાબેન ને આ જ વાતની ચિંતા હતી કે એની સુંદરતા જોઈને કોઈ માથા ફરેલ છોકરો એનો ફાયદો ન ઉઠાવી જાય.આ ચિંતામાં ને ચિંતામાં તેમણે મીનીને આગળ ભણવા માટે પરાણે હા પાડી.)
મીની પોતાની મમ્મીને ગળે વળગાડી ભેટી પડી.અને ઉછળતી કૂદતી એણે આયુષને ફોન કરીને બોલાવી લીધો..
હેલો,આયુષ મને લેવા માટે આવી જા..મમ્મી પપ્પા એ મને ભણવા માટે મંજૂરી આપી દીધી છે...આવતીકાલે આપણે કોલેજ જઈને એડમિશન ફોર્મ ભરી દઈએ..
આયુષ બીજા દિવસે મીનીને એમ.ટી.બી.કોલેજમાં એડમિશન માટે લઈ ગયો અને મીનીએ આર્ટ્સ વિભાગમાં ગુજરાતી વિષય સ્વીકારી અભ્યાસ ચાલુ કર્યો.કોલેજમાં પણ મીની પોતાના નૃત્ય અને સંગીત ના શોખ પર વધુ ધ્યાન રાખવા માંડ્યું.કોલેજમાં પણ એ દર વરસે યોજાતી નૃત્ય અને સંગીત સ્પર્ધામાં પોતાનો એક્કો જમાવવા લાગી...
એક દિવસ થોડા દિવસની રજાઓ પડતાં તે પોતાની કેટલીક બહેનપણીઓ ને લઈને પોતાનાં ઘરે આવે છે..ત્યારે છાયાબેન બહાર તડકામાં મરચું સુકવતા હોય છે.
મીનીને સામેથી ઉછળતી કૂદતી આવતી જોઈ એ અત્યંત ખુશ થઇ જાય છે..પણ મીની માટેની એમની ચિંતા હજુ અકબંધ જ છે...મીનીને રોકતાં બોલે છે..અરે તું હજુ પણ એવી જ છો.હજુ સુધી સુધરી જ નથી..હે ભગવાન..(માથે હાથ દઈ બીજા હાથે પ્રેમ થી મીની ને એક ટપલી મારે છે..)
મીની વળી પાછી એનાં બાળપણની આદત મુજબ રસિકભાઈ ને બૂમો પાડે છે...
પપ્પા... ઓ પપ્પા...ક્યાં ગયા?? જુઓ હું આવી છું હું...આજે તો મારી બહેનપણીઓ પણ આવી છે જુઓ જલ્દી...!!
રસિકભાઈ દરેક વખતની જેમ આજે પણ મીનીને ખીજવવા માટે જાણી જોઈને બહાર આવતા નથી..જ્યારે મીની પાછું જવાની વાત કરે છે ત્યારે મીનીને બહાર આવીને ભેટી પડે છે...
અરે મારો દીકરો આમ રિસાઈ જાય થોડું ચાલે..!!?
આમ કહીને મીનીને વહાલ કરવા માંડે છે..સાથે એની બહેનપણીઓને પણ આવકાર આપે છે..
એ દિવસે રાત્રે બધા જમીને બેઠા હોય છે એ વખતે મીની કંઇક રમત રમવાનું વિચારે છે..અને બધા અંતાક્ષરી રમવાની યોજના બનાવે છે.બધા શબ્દ અંતાક્ષરી રમે છે...
શબ્દ અંતાક્ષરી રમતા રમતા મીની ખૂબ જ ઉત્સાહમાં છે...
પપ્પા ચાલો ..ચાલો... મ પરથી નામ બોલો...
રસિકભાઈ ના મોઢેથી મ પરથી મીની શબ્દ નીકળે છે...
ત્યારબાદ છાયાબેન નો વારો આવે છે ત્યારે એમના ભાગ લ અક્ષર આવતા એ લ પરથી લગ્ન શબ્દ બોલે છે..ત્યારે મીની છણકો કરી બોલે છે.. ઓ હો મમ્મી...તારા મોઢેથી તો આ જ શબ્દ નીકળવાનો હતો હંમેશની જેમ મને ખબર જ હતી...હું લગ્ન જ નથી કરવાની જા..મીની હળવા છણકા થી છાયાબેન સામે અંગૂઠો બતાવે છે..
છાયાબેન દીકરીની ચિંતામાં મીની ઉપર ગુસ્સે થઈ જાય છે...
ગુસ્સામાં બોલે છે...
તો શું અહીંયા જ કાયમ રહેવાની છો. ?!! અમારે તો બહુ મન હોય કે દીકરીને કાયમ માટે અહીંયા રાખીએ. પણ સમાજમાં ચાર માણસો ભેગા થઈ શું વાતો કરે? સમાજની વચ્ચે રહેવાનું છે..મોઢું બતાવવાનું છે..તને કંઈ ખબર ના પડે કશી...🙄રસિકભાઈ છાયાબેન ને ગરમ થતાં જોઈ આખી વાતને ફેરવવાનો પ્રયત્ન કરે છે..મીની ચાલ તો બેટા અંતાક્ષરી આગળ વધારીએ. મીની અને તેની બહેનપણીઓ શબ્દ અંતાક્ષરી ચાલુ રાખે છે..મીની નો વારો આવતાં તેનાં ભાગ ન અક્ષર આવતા તે ખુશ થઈ ઉછળીને' નૃત્ય ' બોલે છે..તો છાયાબેન પાછા ડોળા કાઢી મીની સામે જોવા લાગે છે...
હજુ તારું આ ભૂત ઉતર્યું જ નથી..સાવ બગાડી નાખી છે છોકરીને.. કહું છું કોઈ સારો મુરતિયો શોધી નાખો,,છાયાબેન રસિકભાઈ સામે આંખો કાઢી બોલ્યાં..
હવે એનું ભણવાનું તો પૂરું થવા દે.હવે માત્ર એને બી. એ.પૂરું થવાના માત્ર છ મહિના બાકી છે.પછી જો એને આગળ ભણવું હોય તો એની મરજી.એની મરજી આગળ આપણે વાંધો ઉઠાવવાનો નથી.એનું ભણવાનું પૂરેપૂરું થઈ જશે પછી જ હું એના હાથ પીળા કરાવવાનું વિચારીશ; કેમ મીની સાચી વાત ને ??રસિકભાઇ મીની ના માથા પર ટપલી મારતાં બોલ્યાં.
હા પપ્પા બિલકુલ સાચી વાત છે તમારી..હજુ તો મારે બી. એ.પૂરું કરીને નૃત્ય અને સંગીતનાં ક્ષેત્રમાં આગળ વધવું છે..પછી જ જે થાય એ કરવાનું;; મીની થોડો રોફ જમાવતા બોલી.
છાયાબેન ચિંતામાં મોં બગાડીને બોલ્યાં; તો તો થઈ રહ્યા છોકરીનાં હાથ પીળાં..!!
અરે છોડને છાયા.. એ બધું સમય આવે જોઈ લેવાશે..રસિકભાઇ વાત માંડી વાળતાં બોલ્યાં..
ચાલો હવે બધા સૂઈ જાઓ..નહિતર આખી રાત આવા તોફાન વેડા કરીને કોઈને ઊંઘવા પણ નહિ દો.આખો દિવસ કામ કરીને થાકી છું એક તો..છાયાબેન થાકેલા અવાજે બધાને સૂઈ જવા સૂચન કરે છે..
મીની પોતાની રજાઓ માણી પાછી સુરત એના મિત્રો સાથે જતી રહે છે અને એણે એ દરમિયાન પોતાનાં અભ્યાસ સાથે નૃત્ય અને સંગીતમાં પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.. એ મન લગાવીને ભણવા સિવાય બીજું એના નૃત્યમાં ધ્યાન આપવા લાગી..
હવે માત્ર બે મહિનાની વાર હતી અને મીની માટે એક સોનેરી તક આગળ રાહ જોઈ રહી હતી.કોલેજ દ્વારા નૃત્ય અને સંગીતને લાગતી એક મોટી સ્પર્ધા થવાની હતી..જેમાં પ્રથમ ક્રમે આવનારને સ્કોલરશીપ માં નૃત્ય અને સંગીતનાં અભ્યાસ માટે વિદેશ જવાની પરવાનગી મળવાની હતી..
મીની એ રસિકભાઈ પાસેથી એ માટેની પરવાનગી મેળવી લીધી અને તે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેની સ્પર્ધા માટે તૈયારી કરવામાં લાગી ગઈ..
મીની જેટલી ભણવામાં પાવરધી હતી એટલી જ તે નૃત્ય an સંગીતના ક્ષેત્રે પણ ઘણી પાવરધી હતી.કુદરતે જાણે એને એ માટે જન્મજાત શક્તિ આપી હોય એમ નૃત્ય સંગીતથી એ તનમનથી જોડાયેલી હતી..ધીમે ધીમે સ્પર્ધાના દિવસો નજીક આવતા ગયા..મીની પોતાની સ્પર્ધા માટેની તૈયારી ખૂબ જ પુરજોશથી કરવા લાગી.. એ દિવસનો મોટા ભાગનો સમય પોતાની પ્રેક્ટિસ માં જ પસાર કરતી અને તેના નૃત્ય અને સંગીતનાં ટીચર તેને હમેશાં નવા નવા સ્ટેપ શીખવતા અને મીની તે સ્ટેપ ને ખૂબ જ જલ્દી ગ્રહણ કરી લેતી..આમ તે આખી કોલેજમાં પ્રખ્યાત તો હતી પણ હવે એણે આખી દુનિયામાં પ્રખ્યાત થવાનો મોકો એની સામે હતો..આ સ્પર્ધા દ્વારા એની જિંદગીને નવો વળાંક મળવાનો હતો.એના સ્વપ્નાઓ પૂરા કરવાનો આ ખરો સમય એની સામે આવી રહ્યો હતો.. એ ખૂબ જ મન લગાવીને પોતાની તૈયારી કરવામાં આગળ રહેતી..દરેકને મીની પર ખૂબ જ વિશ્વાસ હતો કે મીની આ ક્ષેત્રે આગળ વધશે અને કોલેજ ઉપરાંત ગામનું નામ રોશન કરશે..
પણ કહેવાય છે ને કે...
"ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે...
સ્પર્ધાને માંડ હજુ એક મહિનો બાકી હતો ને મીની ના જીવનમાં ન બનવાની ઘટના બની ગઈ...
મીની ના જીવનમાં ન બનવાનું બની ગયું..એક દિવસ મીની વહેલી સવારે પોતાનાં નૃત્યની પ્રેક્ટિસ કરી રહી હતી એકદમ તલ્લીન થઈને એ પોતાનાં નૃત્ય પર ધ્યાન અંકિત કરીને રજૂ કરી રહી હતી...એવામાં આયુષ હાંફળો ફાંફળો ત્યાં આવ્યો..અને એણે મીનીને નૃત્યની પ્રેક્ટિસ કરતી રોકીને પોતાની પાસે બોલાવી...
મીની આમ આયુષ ને હાંફતો જોઈ એને કુતુહલતા થી જોવા લાગી..
પહેલાં તો મીની ને આયુષ પર રીસ ચઢી કેમકે એને આમ એનાં નૃત્યમાં કોઈ દખલ કરે એ બિલકુલ ગમતું નહિં...પણ એ આયુષ ને આમ હાંફતો અને ડરેલો જોઈ એને પૂછવા માટે એની પાસે ગઈ...
બોલ શું છે??કેમ મને આમ અચાનક રોકી?? કેમ તારા મોં પર જાણે બાર વાગેલા હોય એમ લાગે છે??આમ કેમ હાંફળો ફાંફળો થઇને મને અહી નૃત્ય કરતા અટકાવવા આવ્યો છે??
મીની ને આમ સવાલો પર સવાલો કરતી જોઈ આયુષ રડવા લાગ્યો..મીની ને મનમાં ફાળ પડી નક્કી કંઇક ન બનવાનું બન્યું છે.. નહીંતર આયુષ આમ ક્યારેય એની સામે પોક મૂકીને રડે નહિ...
મીની આયુષ ને રડતો જોઈ એને પકડીને પૂછવા લાગી...બોલ શું થયું છે..??કેમ આમ રડે છે??
મીની ના સવાલનો જવાબ આપતાં આપતાં આયુષ બોલ્યો..
મીની માસા...!!!આટલું બોલતા તો આયુષ પાછો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ...
મીની બેબાકળી થઈ આયુષ ને પૂછવા લાગી... શું માસા...??શું થયું છે પપ્પાને બોલ ને શું થયું...??
રસિક માસા આપણને છોડીને આ દુનિયામાંથી હંમેશાં માટે જતાં રહ્યાં...
મીની ઉપર જાણે આભ તુટી પડ્યું હોય એમ એ ઊભી હતી એ જ જગ્યાએ ઢસડી પડી અને પોક મૂકીને જોર જોરથી રડવા લાગી...
એના પગ નીચેથી જમીન ખસી ગઈ..એનું દિલ ધબકારો ચૂકી ગયું...
ના...ના...આ ના બની શકે... મારાં પપ્પા મને છોડીને ના જઈ શકે... એમણે કહ્યું હતું એ મને છોડીને ક્યારેય નહિં જાય....
જેમતેમ કરીને આયુષે મીની ને સંભાળવા નો પ્રયત્ન કર્યો...અને તે મીનીને લઈને એના કુટુંબ સાથે કોસંબા આવવા માટે નીકળ્યો...
મીની આયુષ અને તેના પરિવાર સાથે એના ઘરે આવી. આંગણામાંથી જ મીની તેના પપ્પાને અરથી પર સૂતેલા જોઈને...પપ્પા... ઓ પપ્પા...જુઓ હું આવી...તમારી મીની....જુઓ પપ્પા...સાંભળો નહીંતર હું આયુષ સાથે.....
આટલું બોલતા તો મીની ધ્રુસકે ધ્રુસકે રડી પડી...એની આંખો સૂજી ગઈ...આજુબાજુના લોકો મીનીને છાની રાખવાનાં પ્રયત્નો કરવા લાગ્યા..પણ આ તો મીની હતી...એના પપ્પાની એકમાત્ર લાડકવાયી દીકરી... એ એના પપ્પા ને હમેશાં ની જેમ બૂમો પાડતી જ રહી...પરંતુ હવે એને જતી રોકવા માટે એના પપ્પા રહ્યા નહિ..હવે ક્યારેય પણ એનો અવાજ ન સાંભળવાનો ડોળ કરનાર રસિકભાઈ બહાર આવીને એને ભેટવા આવવાનાં નથી...
બધા રસિકભાઈ ને સ્મશાને લઈ ગયા....મીની પણ સ્મશાન જવા માટે જીદ કરવા લાગી...પરંતુ છાયાબેન આજે પણ એને રોકવા લાગ્યા અને એને સ્મશાન ન જવા દીધી...
આમ મીની અને એના પરિવાર પર મોટી આફત આવી પડી...સમય જતાં જેમતેમ કરી મીની પોતાની જાતને સંભાળી પોતાની મા પાસેથી કોલેજ જવા માટે પરવાનગી માગી...
મમ્મી હવે મારી સ્પર્ધામાં માત્ર ૧૦ દિવસ બાકી છે હવે હું કોલેજ જવા માગું છું...અને સ્પર્ધાની પૂરેપૂરી તૈયારી કરવા માગું છું...હું કોલેજ જવા માટે નીકળું છું..આયુષ આવે છે એ મને લઈ જશે..
પરંતુ છાયાબેન મીનીને કોલેજ જવા માટે ચોખ્ખી ના પાડી દે છે...
મીની હવે બહુ થયું..હવે તારે કોલેજ જવાની કંઈ જરૂર નથી..e તો તારા પિતાજી હતા તે મારી વાત માનતા ન હતા અને એમની વાત માનીને મારે પરાણે તને ભણવા માટે દૂર મોકલવી પડતી હતી.પરંતુ હવે મને રોકનાર મારી વાત ના માનનાર એ નથી..હવે તારે ભણવાનું નથી..હવે તારા હાથ પીળાં કરવાનો સમય જાણે વીતી ચૂક્યો છે..માટે હવે તારા ભાઇલું એ તારા માટે એના મિત્ર રાહુલ સાથે તારી સગાઈ નક્કી કરવાની વાત કરી છે..માટે આજથી દશમાં દિવસે તારી રાહુલ સાથે સગાઈની વિધિ ગોઠવી છે..હવે વધુ ભણવાના ને નાચવા ગાવાના સપનાં હેઠા મૂકી દે...
પણ મમ્મી મારું સ્વપ્ન...??પપ્પાનું સ્વપ્ન...?? એનું શું...અને માત્ર હવે દશ દિવસ જ બાકી છે પછી તમારે જેની સાથે મને પરણાવવી હોય પરણાવી દેજો..હું કઈ નહિ બોલું...
ના કીધું એટલે બસ ના...રાહુલ સારો છોકરો છે...એન્જિનિયર છે..સારું કમાય છે..આવો છોકરો હાથમાં થી ના જવા દેવાય સમજી...!!
પણ મમ્મી...!!
બસ હવે બહુ થયું મીની હવે એક પણ આગળ સવાલ નહિ...છાયાબેન કડકાઇથી બોલ્યાં..
મીનીના અત્યંત આગ્રહ કરવા છતાં છાયાબેન એક ના બે ન થયા.મીની કરગરી કાલાવાલા કર્યા..પણ છાયાબેન માન્યા જ નહિ..મીની ની ઈચ્છા ન હોવા છતાં રાહુલ સાથે એની સગાઈ નક્કી કરી દીધી...
મીની ના બધા જ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા...ત્યારબાદ દશમાં દિવસે એની રાહુલ સાથે સગાઈ કરવામાં આવી...
સગાઈના દિવસે કેમેરામાં મીની એના ભાઈને ફોટો પાડતાં જોયો..અને આ જોઈ મીની જાણે મનોમન કહેતી હોય કે...
પપ્પા... ઓ પપ્પા...જુઓ હું ...તમારી મીની...જુઓ....મારો ફોટો...
અને મીની ની આંખોમાંથી ટપટપ આંસુ ટપકવા લાગ્યા....
પરંતુ હંમેશા મીનીનો આ અવાજ ન સાંભળવાનો ડોળ કરતાં રસિકભાઈ આજે સાચે જ એનો અવાજ સાંભળવા માટે ત્યાં હાજર નથી...
સમાપ્ત