શબ્દ ગોષ્ઠિ (હાઈકુ સંગ્રહ) શબીના ઈદ્રીશ અ.ગની પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબ્દ ગોષ્ઠિ (હાઈકુ સંગ્રહ)

૧.ચાલ આવ તું

ચાલ આવ તું
મધદરિયે નૌકા
પાર કરીએ

ચાલ આવ તું
જીવતર નૈયાને
કિનારે કર્યે

ચાલ આવ તું
સંગાથે સથવારો
અહિં પામીએ

ચાલ આવ તું
ઘૂઘવતો સાગર
શાંત કરીએ

ચાલ આવ તું
હાથમાં હાથ ધરી
જીવી જાણીએ

૨."ભણકારા"

ભ્રમમાં રહ્યો
આઝાદી મળી હજુ
રહ્યો ગુલામ...!!

આઝાદી કાજે
સહ્યું ઘણું તોયે એ
રહ્યો ગુલામ...!!

ગુલામી તળે
દબાયો આજ પ્રથા
જૂની સંઘરી..!!

એવી આઝાદી
થૈ ભણકારા વાગે
કેવી ગુલામી..!!

૩."ખારવો"

ખેડે દરિયો
ખારવો સહારો લૈ
પાર ક્રે માર્ગ

દિશાસૂચક
સમ મધદરિયે
એ દીવાદાંડી

ભવસાગર
તરી જઈએ જેમ
મળે ઉજાસ

જીવતરના
રાહી, સ્નેહ સંદેશ
ફેલાવી રહ્યે

૪."હકીકત"

રાચું વાર્તામાં,
ઉડું સ્વપ્ને, જાણું
સત્ય છતાંયે..!!

છુપાયું અહીં
સઘળું જે કંઇક
મારું વિશ્વ એ..!!

જીવન એક,
વાર્તા અનેક, સત્ય
હકીકત એ..!!

૫.થા તત્પર..!

ત્યજી આળસ
ઉઠ મંઝિલ સુધી
કદમ માંડ...!!

ખંખેરી નાખ
તુજ આળસ ઊભી
કર ઓળખ...!!

શત્રુ મોટો ભૈ
માણસ તણો સદા
આળસુ પીર...!!

ઉઠ ઊભો થા
થા તત્પર ખંખેરી
તુજ આળસ...!!

૬.ખોરડે ઉજાસ

કોડિયું બળે
અંધકાર હટાવે
ઉજાસ પાથ્રે..!!

ખોરડું નાનું
અંધકાર હટે તે
અંત: ઉજાસે..!!

ભીતર ઝરણું
ઝળહળે ઉજાસ
કેરો દીવડો..!!

ખોરડે ભર્યા
લાગણી, સ્નેહ, શૌર્ય
કેરા ઉજાસ..!!

પ્રકાશ પાડે
ભીતર પ્રકાશિત
હૃદય જ્વાળા..!!

ઉર ઉંબરે
ઉજાસ, ન મહત્વ
અંધારપટ..!!

૭."જગનો તાત મહાન"

જગનો તાત
ઊભો મીટ માંડી ને
આભલ્ડી કોરી...!!

વરસી એ તો
ખૂબ વરસી ઊભો
હાથને જોડી...!!

મેહનત ને
લગનથી પકવે
ખેડુ અનાજ...!!

ખેતર શેઢે
બેઠો ને હાશકારો
અનુભવતો...!!

રહે નહિં રે
કોઈ ભૂખે અન્નનો
દાણો એટલો...!!

હૃદયે સ્થાપી
પર સુખની શોધ
જાણે મહાન...!!

૮."ઝંખું છું..."

નયન દ્રષ્ટિ
તુજ સંગ મિલાપ
ઝંખું છું પ્રિયા...!!

નાતો ગહેરો
મહેસૂસ કરતાં
કહ્યાં વગર...!!

દૂર છતાંયે
પ્રિયે સંગ અનેરુ
નજીકપણુ...!!

આંખો રડતી
હૃદય દ્વાર ખુલ્લાં
હૃદયસ્પર્શી..!!

૯."એક કલ્પના"

સોનેરી સાંજ
ખીલી હોય ને હોય
એ મુજ સંગ...!!

હોય સંગાથ
દઈ એકમેકનાં
હાથમાં હાથ...!!

નજર કેરી
થાય સંતાકૂકડી
જીતે હૃદય...!!

સ્નેહમિલન
નજરથી નજર
આંખમાં આંસું...!!

સદીઓ પછી
મળ્યાં હોય બે જીવ
આત્મા વિયોગી...!!

ઢળતી સાંજ
લઈ આંખોમાં તેજ
થાય વાયદો...!!

છોડશું નહિં
હાથ કે સાથ સદા
રહીશું સંગ...!!

૧૦."મહેંદી કેરો રંગ"

"મહેંદી કેરો
રંગ, અનેરી પ્રીત
પિયુ સંગ રે...!!"

"મહેંદી વાવી
મારા હૃદય કેરા
ઉપવનમાં...!!"

"ખીલે મહેંદી
કેરો રંગ વધે આ
પ્રીતનો સંગ...!!"

"મહેંદી હાથે
ગૂંથેલ પિયુ, તારા
નામની યાદી...!!"

"ન ચાહું હવે
બીજું કોઈ હું પિયા
ચાહું બસ તું...!!"

"લાલ છે રંગ
મહેંદી કેરો, પ્રેમ
રંગ છે લાલ...!!"

૧૧.પંખી ટહુક્યું...

પંખી ટહુક્યું
સૂરજ દાદા તેજ
પાથરે સોન...!!

કલબલાટ
કરે ઘર માળા તો
સાંજ પડી રે...!!

લઈ સોગાદ
સ્નેહ મિલન તણુ
ઝબૂકે તેજ...!!

૧૨."દૂષણ"

દૂષણ ભારે
સમાજ કેરું રહ્યું
બાળવિવાહ..!!

ઉંમર ઘર
ઘર રમવાની ને
સોંપે સંસાર..!!

હણે માનસ
બાળસહજ પામે
વિસ્મય જુદું..!!

બાળ જગત
નોખું અવિરત એ
પ્રેમ લાયક..!!

કરો નહિં રે
એની બરબાદી એ
હજી છે તૃણ..!!

લગ્ન ઉંમરે
લગ્ન કરવા પ્રણ
લઈ લો આજ..!!

૧૩."સફળતાની ઘેલછા"

નથી ઘેલછા
કોઈ સીમા મનુજ
ભૂલે સઘળું..!

ભવિષ્ય કેરી
ઘેલછામાં ચૂક્યો એ
વર્તમાનને..!

અતીત સાથે
રહ્યો જોડાઈ ભૂલ્યો
જીવન સાચું..!

સમય એવો
સરી પડ્યો સરકે
રેત હસ્તથી..!

સ્વપ્નોનું જગ
રાચતો હકીકત
શોધથી પરે..!

ગયો બનવા
બાગ તણુ નાજુક
નમણું ફૂલ..!

બની ગયો એ
કાંકરા પથ્થર ને
ધરતી ધૂળ..!

સફળતાનો
નશો ચડાવી ભૂલ્યો
સંબંધ ઘણાં..!

૧૪."એક ઝલક..."

મળે તમારી
એ ઝલક રાહત
હૃદય તણી...!!

મળે સુકુન
આ આંખોને ઠંડક
એક ઝલક...!!

હારતું હૈયું
મેળવે જીત પામી
એક ઝલક...!!

એમાંય મળે
જો મધુર અવાજ
કર્ણને પ્રિય...!!

તડપ મટે
બેચેન હૃદયની,
ચેન ઘણુંયે...!!

અધૂરી પ્રીત
પૂરી થાય મળતાં
એક ઝલક...!!

૧૫."ખેડું હરખાતો"

"થયું મેઘનું
આગમન ખેડૂત
હૃદયે હાશ...!!"

"મીટ માંડી' તી
આભ નીરખી, નથી
હર્ષ સમાતો...!!"

"ખેતર શેઢે
ઊભો મીટ માંડી ને
જુએ ખેતર...!!"

"કુદરતનો
પાડ માનતો ખેડું
રે હરખાતો...!!"

૧૬."છળ"

રૂપ, રૂપિયા
આપે મહત્વ, સ્વાર્થ
કેરા સંબંધ..!!

રમતાં છળ
કપટ, માત કેરી
રમત આજ..!!

સગાં સંબંધી
નહીં નિસ્વાર્થ ભાવ
દરેક સ્વાર્થી..!!

ખોદે ખાડો તે
ઈર્ષા વળગાડી રે
નિજ શરીર..!!

૧૭."માતૃત્વની ઋણી"

"વર્ણવી શકું
નહિં શબ્દોમાં જેને
હું એ માતૃત્વ...!!"

"દેહમાં દેહ
પામતો આકાર લૈ
નવ મહિના...!!"

"ધારણ કરી
માતૃત્વ સંપૂર્ણ સ્ત્રી
જીવન ફળે...!!"

"ઝરણું વહે
અવિરત પ્રેમનો
પ્રવાહ એ મા...!!"

"જન્મ ,જીવન,
જતન.. જીવતર
આખું અર્પણ...!!"

"ઈશ્વર ભાળું
તુજ મુખડું દીઠી
સાક્ષાત્ રૂપ...!!"

"ચૂકવી શકું
નહિં તુજ કરજ
દૂધ તણુ હું...!!"

૧૮."એકધ્યાન"

બંસી બજૈયો
બાંસુરી બજાવે હાં
રાધા દોડતી...!!

નિહાળે રાધા
થઈ એકધ્યાન હાં
અનેરો કાન...!!

અંતર મન
કરે આનંદિત હાં
બંસી ઘેલી એ...!!

બાંસુરી તાલે
ઝૂમે હૃદય સંગ
રાધલડી હાં...!!

કદંબ વૃક્ષ
રાધા કાન બાંસુરી
એક તાલ...!!

૧૯."મળે જો હૂંફ"

મળે જો હૂંફ
સ્નેહનાં તાંતણે હું
બંધાઈ જાઉં...!!

મળે જો હૂંફ
હૃદય કેરા દ્વાર
ખીલે કમળ...!!

મળે જો હૂંફ
રચાય શમણાં નું
મેઘધનુષ...!!

મળે જો હૂંફ
લાગણીની ભરતી
ઉર ઉંબરે...!!

૨૦."ગૌરવ ગાન"

પ્રભાત થતાં
અનેરી ગુણવંતી
આ ગુજરાત..!!

સવાર પડે
ઉમંગ પથરાય
ગુર્જરી ગૃહે..!!

પનઘટ પે
શોરબકોર બેડું
ભરતી નાર..!!

ખેતર શેઢે
ખેડુ ઊભા હરખ
દેખીને મોલ..!!

બાળ જગત
કિલ્લોલ કરી રમે
સંગત રુડી..!!

હાલરડાં એ
માત કેરા ઉજાસ
જીવન માર્ગે..!!

હું ગુજરાતી
ને ગુજરાત મારું
ગૌરવ ગાન..!!

૨૧."કશ્મકશ"

અજાણ્યાં દ્વારે
અજાણ્યાં મહેમાન
ખળભળાટ...!!

કશ્મકશમાં
હૈયું વલોવાઈ આ
કેવું અજબ...!!

હૃદય દ્વારે
આફત ખડી એવી
જાણે મહાન...!!

હલચલ થૈ
ઉઠી નિજ ખોરડે
હૈયે ભડકો...!!

૨૨."વ્હાલ દરિયો"

"થઈ પ્રથમ
મુલાકાત પ્રકાશ
વેરતું મુખ..!!"

"આંગળી મૂકી
મુજ હસ્ત ક્ષેત્રે થ્યું
મન ઊજળું..!!"

"ફૂલ ખીલ્યું તે
જીવતર આખાને
સુવાસ એની..!!"

"જીવંત શાખ
બની ઉજાસ હૈયે
તેજ રોશની..!!"

"વ્હાલ દરિયો
રહેમત વરસી
સ્વર્ગ જરીયો..!!"

૨૩."તોયે અનાથ"

જગનો તાત
નહાય પરસેવે
વેરે આનંદ...!!

ઉગવે અન્ન
મિટાવે ભૂખ ભરે
માનવ પેટ...!!

ન જુએ ટાઢ
તડકો, ગરમીની
નહિ ફિકર...!!

થઈ સદાયે
ખેતમાં વ્યસ્ત બને
જન સેવક...!!

ભરવા આખા
જગનું પેટ જોતો
ઊંચે આકાશ...!!

ઊભો લઈને
સુખ તણો સૂરજ
ઊગે એ આશ...!!

કહે જગનો
તાત છતાંયે મળે
એને ઉદાસી...!!

ન મળે એને
પોતાની મહેનતનું
ફળ હંમેશાં...!!

થઈ લાચાર
કરે એ જીવનને
પોતાનાં ટુંકુ...!!

નીતિ કેવી આ
સરકારની ?થાય
તાત અનાથ...!!

૨૪."આવી રહેમત"

સારા જગની
ખુશી એક તરફ
રહી જાય એ...!!

ફોઈ બની એ
ખુશી કરે આ મન
ને ,પ્રફુલ્લિત...!!

લખું શું એના
માટે જે હોય ખુદ
પરીનું રૂપ...!!

આંગણે ખીલ્યું
ફૂલ રૂડું મજાનું
આજ અમારે...!!

થઈ ખુદાની
રહેમત અનેરી
આજ આંગણે...!!

લાવી દીકરી
ખુશીઓ આજ બાગમાં
ખીલ્યું ફૂલ તો...!!

બક્ષિશ આપી
ખુદાએ બેટી રૂપે
આ અનમોલ...!!

બનાવે ખુદા
એને ઈમાનદાર
નેક હંમેશા...!!

૨૫.શોધું ક્યાં.?

શોધું ક્યાં તને
હું આજ અભિમાની
જગમાનવ..!!

શોધું કરુણા
આજ જગત તણા
કળિયુગમાં...!!

કે છુપાયેલી
દેખાય જાય ક્યાંક
તું હે કરુણા...!!

જડ માનસ
અંધારપટ જગ
ન ભાળું કૃપા...!!

૨૬."વિજયી સ્મિત"

"સત્ય, અહિંસા
તપ, ત્યાગ સ્થાપિત
એમાં વિજય..!!"

"હારજીતની
ન ફિકર લડવું
પ્રાણ મૂકતા..!!"

"પથ્થર ખાધે
ઠોકર વાગે ખરી
જીત દેખાણી..!!"

"ભૂખ્યાં જનનું
ભોજન ને રડતાં
જનનું સ્મિત..!!"

"ભાળી સ્મિત તે
અંતરમન કરે
વિજયી સ્મિત..!!"

૨૭.વેપારી

કરતા હવે
મદદનો વ્યાપાર
જાણે વેપારી..!

શોધે મદદે
સ્વાર્થને એમાં પણ
નહિં નિસ્વાર્થ..!

બનવું ખાસ
કરી મદદ હૈયે
એક જ આશ..!

માનવ આજ
યંત્રમાનવ નથી
માનવ આજ..!

સથવારો બે
ઘડી આપી કરતો
ગુમાન સદા..!

જડ માનસ
પીગળે નહિં બને
નિર્જીવ દેહ..!

૨૮."કહેણી રહી"

કહેણી રહી
હાથીદાંત દેખાય
જુદા ખાવાના...!!

માનવ કાજે
સાર્થક નીવડતી
કહેણી આજ...!!

લાગે હંમેશાં
સાથે પણ હોય ન
અંતરે સાથે...!!

બોલે કંઇક
ને કરે કંઈ રાખે
જુદી નિયત...!!

ગજરાજ કે'
જાણે ન બદનામ
કર તું મને...!!

૨૯.મુઠ્ઠીમાં આભ

આંબી જાઉં હું
આભ ને બાંધી લઉં
મુઠ્ઠીમાં આભ..!!

તરવરાટ
હૈયે ને હામ ધરી
હોઠે અનેરી..!!

જગ જુદેરી
પહેચાન એવી જ
હૈયે દસ્તક..!!

૩૦.સમય નૃત્ય

મનુજ જીવ
પાંગળો સમયનાં
નૃત્ય આગળ...!!

નાચ નચાવે
કાળ ભરખી જતો
સઘળું આય્ખુ...!!

પ્રાણ પંખીડું
તત્પર જાણે ઉડે
તાંડવ નૃત્ય...!!

શ્વાસ હથેળી
લઈ આવતું નૃત્ય
જીવન કેરું...!!

તાલ બદલે
ડગલે ને પગલે
સમય નૃત્ય...!!

૩૧."હાઈકુ"

ડરીશ નહિ
શક્તિ તું છે મહાન
હારીશ નહિ...(૧)

માન પ્રભુનો
પાડ થઈ એક
શશક્ત જાન...(૨)

જનેતા તારી
ખૂબ આભારી થશે
ભાળી ત્વ કર્મ...(૩)

એક પ્રભુનાં
થઈ સંતાન સહુ
કરીએ દાન...(૪)

૩૨.પા પા પગલી

પા પા પગલી
કીધી ઝાલીને કર
આજ વિદાય..!!

ધૂળ ઢગલી
ઢગલી કેરી ઢેલ
ચાલી સાસરે..!!

ડગ માંડ્યા' તા
પકડી કર વળ્યાં
વાલમ ભણી..!!

સમય જતાં
વાર ન લાગી પિતા
નયન ભીનાં..!!

૩૩.આંગણે ખીલ્યું
ફૂલ ગુલાબનું એ
સુવાસ વેરે.!

વેરાન બાગ
મળે એને એનાથી
જીવંત શાખ.!

કરે અંધારે
ઉજાસ, બની ચાંદ
કેરી રોશની.!

કુદરતની
નિરાળી ભેટ તેને
બનાવું નેક.!

બેટી આપણી,
રહેમત ખુદાની
એ અનમોલ.!

જન્નત તણો
એ બનશે જરિયો
આપી વહાલ.!

દીકરી વ્હાલ
કેરો દરિયો લાગે
ખૂબ વહાલી.!

ભણી ગણી એ
થાય મહાન,દુઆ
કરે આ મન.!

૩૪."પ્રકૃતિ ને મા"

"કુદરતની
ભેટ મળી પ્રકૃતિ
ને ખોળો "મા"નો..!!"

"મટે જન્મોની
તરસ જો પ્રકૃતિ
કે ખોળો "મા"નો..!!"

"સુકુન સદા
પોઢતા બંને ખોળે
ખીલે આયખુ..!!"

"શાંત નીરવ
કલરવ દુનિયા
પ્રકૃતિ ને "મા"..!!"

"હૈયું ભરાઈ
છલકે અમી ધારા
ન મળે ખોળો..!!

૩૫."વરસાદનાં સ્વરૂપ"

ફર ફર તું
વરસી કર આજ
રૂંવાડા ભીના...!!

છાંટા સ્વરૂપે
ટપક સિંચાઇ તું
પધ્ધતિ બને...!!

થઈ પછેડ્યો
પલાળી નાંખ એમ
વરસ આજ...!!

વરસ આજ
નેવાધાર સંતૃપ્ત
કર આ ધરા...!!

અનરાધાર
વરસી વરસાવ
પાણીની ધાર...!!

કરા ફોરાં થી
લઈ મોટું સ્વરૂપ
વાગે ભડાકા...!!

ઢેફાં ભાંગ તું
વરસી ભાંગી નાંખ
ખેતર ઢેફાં...!!

વરસ અહીં
ધોધમાર કે બની
મુશળધાર...!!

તું તડા તડ
પડ મોઢા પર હે
અમર મેઘા...!!

આપ ખેતરનાં
ઊભેલાં પાકને આજ
જીવનદાન...!!

સાંબેલાધાર
વરસી ભર ક્યારા
કુવા સપાટી...!!

હેલી મંડાણી
કહેવાય એવો ન
વરસ મેઘા...!!

૩૬.થઈ દીકરી
કર્યો પ્રવેશ જ્યાં ત્યાં તો
છવાઈ ખુશી...!!

ચાલી પકડી
બાબુલનો હાથ જે
છોડીને ચાલી...!!

કરવા નવા
જીવનમાં પ્રવેશ
થામીને હાથ...!!

દીકરી મટી
બની ગઈ એ વહુ
કરવા સેવા...!!

૩૭.એ જ તો મારાં..!!

"સફળતાની
ઘડીમાં સહભાગી
એ જ તો મારાં..!!

"સુખમાં સુખી
દુઃખમાં દુઃખી થાય
એ જ તો મારાં..!!

"ન છોડે હાથ
કદી, પકડી રાખે
એ જ તો મારાં..!!

"સફળતાની
ચાવી આપે સદાયે
એ જ તો મારાં..!!

"એકલતા ન
આપે કદીયે મને
એ જ તો મારાં..!!

"દૂર રહીને
પણ નિભાવે સાથ
એ જ તો મારાં..!!

"અધૂરી રહે
સઘળી સફળતા
ન હોય જો એ..!!

૩૮."જનનીની હાશ"

યુદ્ધ એંધાણ
ખત પહોંચ્યો આજ
જંગે ચઢવા...!!

દીકરો જતો
યુદ્ધ લડવા છાતી
ગજ ફૂલતી..!!

રોજ સવારે
આંખો ખુલે પ્રાર્થના
કરતી માત..!!

જનની કેરી
આશિષ ફળી આજ
દીકરો ઘેર..!!

પ્રગટી આશ
થઈ અનેરી હાશ
દેશ જીતાડ્યો..!!

૩૯."કળિયુગનો કુંભકર્ણ"

"સૂતો એ ગાઢ
નિંદ્રામાં ને કહેતો
હું હયાત છું..!!"

"કુંભકરણ
પોઢતો જેમ એમ
નીંદર ગાઢ..!!"

"પડકારોથી
લડવાને સક્ષમ
તોયે હારતો..!!"

"રહેતો નહિ
આગળ અધિકાર
લડત માટે..!!"

"કળિયુગનો
જાણે કુંભકરણ
માનવ આજ..!!"

"સાક્ષી આપતો
હયાતીની પણ એ
નથી હયાત..!!"

"ને કહેતો કે
હું છું હયાત પણ
ક્યાં એ હયાત..??"

૪૦."પાનખરમાં આવતી યાદ"

પાનખરમાં
આવે એમની યાદ
દઈને સાદ...!!

વસંત ઋતુ
આવતાં પાનખર
ઝૂમે હૃદય...!!

એમનાં એવાં
આગમને ઝુમતું
મારું હૃદય...!!

એ આવે જેમ
પાનખરમાં આવી
વસંત ઋતુ...!!

દલડું મારું
સાત રંગોમાં હોય
જેમ રંગાણુ...!!

હૈયે ટાઢક
થાય હંમેશાં,થાય
મનને શાંતિ...!!

આમ તો આવે
યાદ એમની હર
હંમેશ માટે...!!

પાનખરમાં
આવે એમની યાદ
દઈને સાદ...!!


૪૧."વરસ હે મેઘા.!"

વરસ મેઘા
મન મૂકીને આજ
તરસ્યા અમે...!!

વિરહ મટે
સૂકી ધરાનો,થાય
મિલન રૂડું...!!

ખેડુંના મન
પાર ન હરખનો
થાય એ ખુશ...!!

બહુ રીઝવે
તું માંગતો માનને
આવવા માટે...!!

મિટાવ તૃષા
જગ માનવની હે
અમૂલ્ય મેઘા...!!

૪૨."ભોળપણની મિશાલ"

ભોળપણની
મિશાલ હું કહું તો
એ મારાં પપ્પા...!!

૪૩."રમતાં એવી રમત"

જીવન રમે
સુખ દુઃખની હવે
સંતાકૂકડી...!!

સંતાઈ જાય
સર્વ જન રમતાં
એવી રમત...!!

૪૪.
"પ્રકૃતિ - મુજ મિત્ર"

"પ્રકૃતિ જાણે
જીવનની ખીલતી
વસંત ઋતુ..!!"

"પંખીનો એવો
કલરવ મધુર
તે મુજ મિત્ર..!!"

"પ્રકૃતિ સુર
રેલાવે જાણે રમ્ય
સરગમ એ..!!"

"માથે ઓઢેલ
કુદરતનો પાલવ
તે મુજ મિત્ર..!!"

"હરે મનડું
રમણીય સૌંદર્ય
પ્રકૃતિ તણુ..!!"

"પ્રકૃતિ સંગ
ભૂલકાંઓની મસ્તી
તે મુજ મિત્ર..!!"

૪૫."એ બાળપણ"

બાળપણ એ
જ તો છે ભોળપણ
સરસ એવું..!!

બાળક નાનું
રૂડું મજાનું સ્મિત
વેરે ચોપાસ..!!

ભાવ માસૂમ
હૈયું તદ્દન સાફ
રાખી ફરતું..!!

બાળપણમાં
લહેરાતું જીવન
રહે નિર્દોષ..!!

માસૂમિયત
ખજાનો એ, ઈશ્વર
જાણે સાક્ષાત..!!

વીતે સોનેરી
સ્વપ્નો કેરી સંગતે
એ બાળપણ..!!

ફિકર વિના
રહેતું બેફિકર
એ બાળપણ..!!

મનમોજીલું
લાગે સુંદર એવું
એ બાળપણ..!!

લાગણી કેરું
સરવૈયું ચીતરે
એ બાળપણ..!!

સંબંધ કેરો
સરવાળો કરતું
એ બાળપણ..!!

ભાવોની કરે
ના બાદબાકી કદી
એ બાળપણ..!!

સ્નેહ સ્વરૂપ
સરનામું વહાવે
એ બાળપણ..!!

વાદમાં પણ
પ્રસરાવે સંવાદ
એ બાળપણ..!!

સ્થાન ન હોય
શાણપણનુ જેમાં
એ બાળપણ..!!

ખોવાયા પલ
એ અણમોલ આજ
શોધું હું એને..!!

૪૬.મનનું મધુવન

મધુવન થૈ
મહેકે મન સૂકું
રૂનું પૂમડું

મન માળવુ
તરવરાટ કરે
અનેરો સ્નેહ...

મસ્તિષ્ક રેખા
મન બિચારું રહ્યું
સાવ અભણ

ભાષા અનેરી
મન માળવાની તો
વાંચવી રહી

મન માળવું
તરવરાટ કરે
નહિં બંધાય

૪૭."ડગલું ભર્યું"

ભર્યું ડગલું
ને દીઠા કંટક ત્યાં
જીવન રાહે

પુષ્પ બનાવી
કોમળ કીધાં રાહ
કંટક કેરા

ના ડરવું ના
હઠવું પાર કરી
પાષાણ ધરા

જિંદગી આખી
સંઘર્ષ રુડો લડું
હસતે મોંએ

૪૮.કહેવાય કે...

કહેવાય કે
હું મહેફિલે પણ
એકલો સદા..!

કહેવાય કે
સહુ સંગ રે પણ
સદા એકલો..!

કહેવાય કે
હું તારો ને તું મારો
પણ ન કોઈનો..!

કહેવાય કે
જીવતરે કિલ્લોલ
પણ ક્યાં સુધી..?

૪૯."ઉપેક્ષા થશે"

મનુજ ચાહે
ઈચ્છા મૃત્યુ નિશ્ચિત
થશે ઉપેક્ષા

ઉગતાં પ્હેલાં
આથમવાની દોટ
થશે ઉપેક્ષા

તરતાં પ્હેલાં
ડૂબવા તરફ દોટ
થશે ઉપેક્ષા

હસતાં પ્હેલાં
રડવાની હોડ થૈ
જશે ઉપેક્ષા

જીવતાં પ્હેલાં
મૃત્યુ તરફ દોટ
થશે ઉપેક્ષા

૫૦."નિરાંત"
ભમી સકળ
વિશ્વે નિરાંત ઘર
મહીં સ્થિર થૈ

ધરતી છેડો
ઘર, કહેણ સત્ય
નીવડે સદા

✍️ શબીના આઇ.પટેલ
કાવી