તું બદલાઈ ગઈ છો Vaishali Katariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું બદલાઈ ગઈ છો

આજે મારું મન વિરક્ત મન હતું. કોઈ પ્રત્યે કોઈ જ લાગણી કે સહાનુભૂતિ ન હતી. બસ મારી દુનિયા મેં મારા પૂરતી સીમિત બનાવી નાખી હતી. વારંવાર સંબંધ કે લાગણીના નામે મને હરાવવામાં આવી રહી હતી. જ્યારે આવા મતલબી લોકોના મતલબનો અર્થ મને ખબર પડી એટલે લાગણી વગરનું બનવાનું મન થયું.

ખરેખર આજે હું એક લાગણીવિહીન બની ગઈ.. ભાવાત્મક બાબતે શૂન્યમાં ગણતરી થવા લાગી. જ્યારે લાગણીવિહીન બની ગઈ ત્યારે લોકોની લાગણી સાચી છે કે ખોટી....કે પછી આપણને બતાવવાં ઢોંગ કરે છે એ ધીરે ધીરે ખબર પડવા લાગી.

લાગણીવિહીન બનવું એ પણ સહેલું નથી... એના માટે તમારામાં ભોળપણ હોવું જોઈએ.. જ્યારે લોકો પોતાના સ્વાર્થ માટે તમારા ભોળપણનો ફાયદો વારંવાર ઉઠાવેને ત્યારે હારી ચૂકેલા તમે....ત્યારે તમને જે બનવાની ઈચ્છા થાય છે ને એ છે લાગણીવિહીન બનવું.

હું એટલે લાગણીવિહીન બની ગયેલ વૈષ્ણવી. આજે ઘણા દિવસ પછી વોટ્સએપમાં એક મેસેજ હતો. મેસેજ તો જાણીતી ફ્રેન્ડનો હતો એટલે સમજી ગઈ કે કામ સિવાય મેસેજ નહિ હોય. ફોનમાં આવતી સિસ્ટમનો ઉપયોગ કરીને બધા મેસેજ વોટ્સએપમાં ચેટ ખોલ્યા વગર બહારથી વાંચી લીધા. તો મેસેજ એવા હતાં કે...

"હેલ્લો."
"તારું એક કામ હતું......"
"મને જોઈ આપને છેલ્લી વખતનું મેડીકલમાં કેટલું કટ ઓફ હતું......."
"અત્યારે જલ્દી જ....."

છેલ્લો મેસેજ હતો કે 'અત્યારે જલ્દી જ '...આ લખવનાનું એનું કારણ સમજી ગઈ હતી કે મેસેગમાં બે ટીક બતાવ્યાં હશે...

એને ખરેખર ન હતી ખબર કે હું બદલી ગઈ છું... એની સામે જ મને એ લાગણીમાં રમાડી જતી...એ આજે લાગણીવિહીન બની ગઈ છે. મેં વાંચી લીધા હતાં મેસેજ...


આ મેસેજમાં ખાસ કંઈ એવું જરૂરી કામ ન હતું લાગતું...એટલે એમાં જવાબ આપવાનું ટાળ્યું.. બની શકે કે કાં પછી વળી કોઈ કહી શકે કે ખબર હોય તો જવાબ દેવામાં શેનું અભિમાન... પણ એની નિસ્વાર્થ ભાવે જે મદદ કરી કે એના કામ કરી આપ્યા... એ જોયા વગર એણે મારી લાગણી સાથે છેડછાડ કરી મને હાસ્યનું પાત્ર બનાવી દીધું હતું..

બીજે દિવસે ફ્રી થઈને જવાબ આપ્યો....
"આ બાબતની મને ખાસ જાણ નહિ હો." મેં નિખાલસતાથી જવાબ આપી દિધો..

"ઓકે , વાંધો નહિ..." ખોટું ન લાગે તો એક વાત કહું?" એણે તરત બે મેસેજ કરી દીધા..

મેં કહ્યું...." વાંધો નહિ કે...."

" તું ખરેખર બદલાઈ ગઈ છો? "

"સાચે યાર?" મેં પણ એની સામે એક પ્રશ્ન છોડી દીધો.

"જ્યારે મેં તને કહ્યુંને કે... મને આ જાણી દે... મને ખબર હતી તું ઓનલાઈન જ હઈશ...એટલે કહ્યું, અત્યારે જલ્દી....કેમ કે તું ફ્રી ના હો એટલે તારા ડેટા ઓફ હોય.... બીજી વાત એ કે...આ બાબતની મને ખાસ જાણ નહિ એમ..." તારા આવા જવાબો જ સાબિત કરી આપે કે તું બદલાઈ ગઈ એમ....બાકી આવી બાબતની જાણકારી તને જ હોય એ આખી હોસ્ટેલને ખબર હતી... "

"હું તારી સાથે વાતો કરવા આવતીને ત્યારે મને ખબર છે... તારે બે - ત્રણ સગાવ્હાલા ફોન આવતાં આવી બાબતો પૂછવા... એ બાબત તો સામાન્ય હોય શકે પણ સિનિયર દીદી જે હોસ્ટેલ છોડીને જતાં રહ્યાં એના પણ કોલ આવતાં આવી બાબત પૂછવા.... અને આજે તું આવા જવાબ આપે છે મને.....? શું હું તારી ફ્રેન્ડ નથી...?"

આટલા લાંબા બે મેસેજ, હું ખાલી વાંચતી હતી ..બધામાં એનો જવાબ ન આપ્યાનો ગુસ્સો બતાવી રહી હતી...પણ હજુ સુધી હું કશું બોલી ન હતી....ખાલી એના કહેલા શબ્દોનો ખરેખર વાસ્તવિક અર્થ સમજી રહી હતી. છેલ્લું વાક્ય ખૂચ્યું મને....શું હું તારી ફ્રેન્ડ નથી....?

મને હજુ યાદ છે... ફ્રેન્ડનાં નામ પાછળ મારી સાથે જે જે ખરાબ કર્યું હતું એ....છતાં એ મારી ફ્રેન્ડ છે એમ સમજી મેં તેને માફ કરી....પણ છેલ્લે શું કર્યું...? મારી તબિયત બોવ ખરાબ હતી...તો એટલું કહ્યું... મારી સાથે હોસ્પિટલ આવીશ? જવાબ હતો કે ...યાર મારે તો અહી મારા માસી રહે એનાં ઘરે આજે જવું જ પડશે, ઘણાં સમયથી મને મળવા બોલાવે છે...... મેં પરિસ્થિતિ સમજી...આગળ કઈ જ ના કહ્યું... હોસ્પિટલથી જ્યારે હું પાછી આવી રહી હતી ત્યારે....મોલમાં બહાર આંટા મારતી જોઈ લીધી મેં.... બસ ત્યારે સ્વાર્થ અને સાચી લાગણીની કિંમત ખબર પડી...

શું હું તારી ફ્રેન્ડ નથી...આ વાક્ય એ ફરી આંખ સામે ભૂતકાળ લાવી દીધો..

" મિત્ર કોને કહેવાય એ જરા મહાભારતમાં જોજે.. કર્ણને ખબર હતી કે યુદ્ધ સ્વયં ભગવાન સાથે છે તો પણ એની વિરુદ્ધ રહી દુર્યોધનનો સાથ આપ્યો..
કેમ કે એ જાણતો હતો કે જ્યારે ભરી સભામાં સુતપુત્ર કહી અપમાન કરવામાં આવ્યું ત્યારે ખાલી ફક્ત દુર્યોધને જ તેનો પક્ષ લીધો હતો.... આને કહેવાય મિત્રતા... " બસ નાનો અમથો આટલો મેસેજ મોકલી દીધો...

ત્યાં તરત જવાબ આવ્યો...."ઓહ.... મેં સાચું કહ્યું હતું ને કે તું બદલાઈ ગઈ.... પણ સાવ આવી રીતે બદલાઈ જઈશ એની આશા મને ન હતી..."

આનો જવાબ મારી પાસે ન હતો એટલે ખાલી વાંચી લીધો....પણ આજે હું ખુશ હતી...મારું મન મોકળાશ અનુભવી રહ્યું હતું... એક વિરક્ત મન બની ગયું હતું...

----------------------- ----------------------

આશા રાખું છું.....તમને આ લાગણીયુક્ત ટુંકી વાર્તા ગમી હોય....તમે તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવજો.... ક્યારેક માણસ મનનો ખૂબ મજબૂત હોય પણ ક્યારેક લાગણીથી ભાંગી પડે છે... પછી તેનામાં હિંમત નથી હોતી આવા માણસો સામે લડવામાં... પણ હિંમત કરીને એને પણ જવાબ આપવો જોઈએ...



આભાર

- વૈશાલી કાતરીયા
28-04-2021