Understanding – Misunderstanding of Ego – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

અહંની સમજ – ગેરસમજ – દિવ્યેશ ત્રિવેદી

મહાન સિકંદરના જીવનના ઘણા પ્રસંગો એવા છે, જેમાંથી એનું વિશિષ્ટ વ્યક્તિત્વ છતું થાય છે. આમ છતાં સિકંદર ભારત આવ્યો અને પોરસને હરાવ્યો એ પછીનો પ્રસંગ બહુ ચર્ચાયો છે. કેટલાક લોકો એવું પણ પ્રતિપાદિત કરી રહ્યા છે કે પોરસ હાર્યો જ નહોતો. ખેર, આપણે તો ઇતિહાસને જ માનવો રહ્યો. સિકંદરના પોરસ સાથેના એ પ્રસંગમાંથી પણ શોધવા બેસીએ તો સિકંદરના વ્યક્તિત્વનાં વિવિધ લક્ષણો છતાં થયા છે. આવું જ એક લક્ષણ એનો અહમ્ છે. આપણે જેને અહમ્ તરીકે ઓળખી છીએ એ ખરેખર તો માત્ર માનવીનું જ નહીં, દરેક પ્રાણીનું લક્ષણ છે. પોતાના અસ્તિત્વનો અહેસાસ કરવો અને કરાવવો એ જ આ લક્ષણનું હાર્દ છે. એમાં ગૌરવ પણ આવી જાય છે અને અહંકાર પણ આવી જાય છે. પોતાની સિદ્ધિ કે સફળતાનું માણસ ગૌરવ ન કરે તો પછી એ સિદ્ધિ કે સફળતાનો અર્થ શું? સિદ્ધિ કે સફળતા માત્ર પોતાના પૂરતી જ મર્યાદિત રાખવાની વાત કદાચ સંતને શોભે, સંસારીને એ કેવી રીતે પોસાય? સિકંદર સમ્રાટ બન્યો અને વિશ્વવિજય માટેની એને ઝંખના જાગી એની પાછળનું ખરું ચાલકબળ આ અહમ્ જ છે. છતાં ઊડીને આંખે વળગે એવો વિરોધાભાસ એ છે કે માણસ જેમ જેમ ઉપર ઊઠતો જાય છે અને સફળતાનાં એકથી એક ઊંચાં શિખરો સર કરતો જાય છે તેમ તેમ એનો અહમ્ ઓગળતો જાય છે. એનામાં રહેલી હું પદની લાગણી પાતળી બનતી જાય છે. તત્વચિંતકો કહે છે કે કોઈ પણ સિદ્ધિ માટે હું પદની લાગણી જરૂરી છે, પરંતુ એ જ લાગણી પાતળી બનતી જાય છે. તત્વચિંતકો કહે છે કે કોઈ પણ સિદ્ધિ માટે હું પદની લાગણી જરૂરી છે, પરંતુ એ જ લાગણી સિદ્ધિ પ્રાપ્તિના માર્ગમાં અવરોધક પણ બની શકે છે. કદાચ સિકંદર આ વાત બહુ સારી રીતે સમજી ગયો હતો. એનું હું પદ ઓગળ્યું ન હોત તો પોરસ સાથે એણે કંઈક જુદો જ વ્યવહાર કર્યો હોત એ સહેજે સમજી શકાય તેવી વાત છે.

આપણે આપણી વ્યવહારની ભાષામાં ‘અહમ્’ શબ્દનો બહુ છૂટથી ઉપયોગ કરીએ છીએ. આ શબ્દ વાપરતી વખતે આપણને અભિમાન અને હું પદ જેવો અર્થ જ અભિપ્રેત હોય છે. પરંતુ એને માટે ‘અહમ્’ શબ્દ વાપરવો યોગ્ય નથી. ‘અહમ્’ નો અર્થ કંઈક જુદો છે. મનોવિજ્ઞાને આ શબ્દની વિગતે મીમાંસા કરી છે. એથી આ શબ્દને બરાબર સમજવા જેવો છે. થોડા સમય પહેલાં ગાંધીનગરના કેટલાક યુવાનો દ્વારા ચાલતી ‘ઓએસીસ’ સંસ્થામાં એમની સાથે વાર્તાલાપ કરવાનું ઈજન મળ્યું. એમણે વિષય રાખ્યો હતો, “ઈગો-અવર બિગેસ્ટ એનિમી.” એમણે તો ‘ઈગો’ એટલે કે ‘અહમ્’ને આપણો સૌથી મોટો દુશ્મન ગણી લઈને જ વાત શરૂ કરી હતી. પરંતુ છેવટે એમણે માનવું પડયું કે, “ઈગો ઈઝ અવર બેસ્ટ ફ્રેન્ડ.” આ કઈ રીતે?

‘ઈગો’ યાને અહંની વિગતે મીમાંસા મનોવિજ્ઞાની ડૉ. સિગ્મંડ ફ્રોઈડે કરી હતી. ફ્રોઈડ એક મનોચિકિત્સક હતો. એણે સંખ્યાબંધ દર્દીઓની સારવાર દરમ્યાન જે કંઈ નિરીક્ષણો કર્યા એમાંથી મનોવિજ્ઞાનના મહત્ત્વના સિધ્ધાંતો તારવ્યાં હતા. ફ્રોઈડને લાગ્યું હતું કે દર્દીની સમસ્યા અને એના વર્તનને સમજવા માટે એના વ્યક્તિત્વને સમજવું જરૂરી છે. આથી એણે વ્યક્તિત્વના મુખ્ય ઘટકો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ‘ઈગો’ યાને ‘અહમ્’ ને ફ્રોઈડ વ્યક્તિત્વના એક ઘટક તરીકે જ જુએ છે. પરંતુ અહંની વાત કરતાં પહેલાં તે મૂળ તત્વની વાત કરે છે, જેને તે ‘ઈડ’ કહે છે. એ પછી ‘અહમ્’ની વાત કરે છે અને છેલ્લે ‘અધિઅહમ્’ અથવા ‘સુપર ઈગો’ની વાત કરે છે. આ ત્રણેયને સમજવાથી વ્યક્તિત્વનો જુદો જ ખ્યાલ મળે તેમ છે.

મૂળ તત્વ (ઈડ): Id

ફ્રૉઈડે કહ્યું છે કે દરેક જીવંત વ્યક્તિમાં એક વિશિષ્ટ શક્તિ હોય છે જ છે, જે એને જીવતા રહેવા માટે હંમેશાં દબાણ કરતી રહે છે. આ શક્તિને એ જીવન શક્તિ તરીકે (Libido) તરીકે ઓળખાવે છે. આ શક્તિને કારણે જ આપણે જીવીએ છીએ. સમગ્ર જીવન દરમ્યાન આ શક્તિ એક યા બીજા સ્વરૂપે સતત કાર્યરત રહેતી હોય છે. તરતના જન્મેલા બાળકમાં પણ આ જીવનશક્તિ કાર્યરત હોય છે. આ જીવનશક્તિની સાથે અભિન્ન રીતે ‘ઈડ’ યાને કે મૂળ તત્વ જોડાયેલું છે. ઈડનું કાર્ય પોતાની લાગણી વ્યક્ત કરીને સુખ, સંતોષ તથા આનંદ મેળવવાનું છે. ફ્રોઈડ તો કહે છે કે આનંદ મેળવવો એ દરેક વ્યક્તિના જીવનનું મૂળભૂત ધ્યેય બની રહે છે. એ કહે છે કે ઈડ વ્યક્તિત્વનો મૂળ પાયો છે અને વ્યક્તિત્વના અન્ય ઘટકો એના ઉપર જ રચાય છે તથા તેમની વચ્ચેનો સંબંધ જ વ્યક્તિત્વનું સ્વરૂપ નક્કી કરે છે.

અહમ્ (ઈગો): Ego

આપણે જેને ‘અહમ્’ કહીએ છીએ એ કરતાં ફ્રોઈડની વ્યાખ્યા જુદી છે. એ કહે છે કે ‘અહમ્’ એટલે સંતોષ કે આનંદ મેળવવાની ઇચ્છા જાગે ત્યારે એની તૃપ્તિ માટે વ્યક્તિની આસપાસની પરિસ્થિતિ તેમજ વાસ્તવિકતાના ખ્યાલ સાથે પેદા થતી સમજ. આ વાસ્તવિકતાની સમજ પોતાની શક્તિ અને મર્યાદા, આવડત, સ્વભાવ, આજુબાજુનું ભૌતિક વાતાવરણ, સામાજિક બંધનો અને રિવાજો તથા સાંસ્કૃતિક ભૂમિકા વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે.

અહમ્ વિષે ઘણી બધી વાતો થયેલી છે. છતાં ફ્રોઈડ જેને અહમ્ કહે છે તેનો વિકાસ સ્વતંત્ર રીતે થતો નથી. બાળકમાં અહંનો વિકાસ થયેલો હોતો નથી. અહમ્નો વિકાસ અનુભવવો એ બુધ્ધિ, વિચારશક્તિ વગેરેના આધારે થાય છે. એક રીતે જોતાં અહમ્ એ મૂળ તત્વનો જ એક ભાગ છે. મૂળ તત્વમાં વાસ્તવિકતાનું ભાન ઉમેરાય એટલે એ અહમ્ બને છે. ફ્રોઈડના મતે પરિસ્થિતિ અને વાસ્તવનું ભાન અહંના કેન્દ્રમાં હોવાથી અહમ્ વ્યક્તિ માટે સંતુલનશક્તિ બને છે. મૂળ તત્વ તો હંમેશાં સંતોષ અને આનંદ મેળવવા જ દબાણ કરે છે, પરંતુ અહમ્નો વિકાસ થયા પછી મૂળ તત્વ દ્વારા રજૂ કરાતી ઇચ્છા સંતોષવાની આપણને સગવડ હોતી નથી. ક્યારેક ભૌતિક અવરોધો નડે છે, ક્યારેક સામાજિક બંધનો રોકે છે તો કયારેક નૈતિક આડશ આવી જાય છે. આવી પરિસ્થિતિમાં મૂળ તત્વ દ્વારા ઊભી કરાયેલી ઇચ્છાને સંતોષવા માટેનો એવો કોઈક માર્ગ શોધી કાઢવામાં આવે છે જેનાથી વાસ્તવિકતા કે નૈતિકતાનો ભંગ થતો ન હોય અને ઇચ્છાને સંતોષી શકાતી હોય, આવો કોઈક મધ્યમ માર્ગ શોધવાનું કામ અહમ્ કરે છે. એટલે જ ફ્રોઈડે અહમ્ને સંતુલન-શક્તિ કહેવાનું પસંદ કર્યું છે.

આ દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વ્યક્તિત્વમાં અહંનું કાર્ય કદાચ સૌથી મહત્વનું છે. અહમ્નો પાયો બુધ્ધિ, વિચાર, અનુભવ, સંવેદનાશીલતા, માહિતી અને જ્ઞાન છે. આ બધી બાબતો જેટલી સચોટ અને મજબૂત એટલો અહમ્ પણ મજબૂત. સહેજ આગળ વધીને વિચારીએ તો અહમ્ને વાસ્તવિકતા સાથે સતત સંપર્ક રહેતો હોવાથી ઈડ દ્વારા આગળ ધરાતી જુદી જુદી માગણીઓમાંથી કઈ ક્યારે સંતોષવી, કેવી રીતે સંતોષવી, કઈ ટાળવી કે માંડી વાળવી તે અહમ્ જ નક્કી કરે છે. જેના અહમ્ને વાસ્તવિકતાનો ઓછો પરિચય હોય એ ઈડની માગણી સંતોષવામાં થાપ ખાઈ બેસે છે. બીજી રીતે કહીએ તો અહમ્ એક વિવેક છે.

અધિ અહમ્ (સુપર ઈગો): Super Ego

અહંનો વિકાસ વાતાવરણના અનુભવો થવા માંડે એ સાથે શરૂ થાય છે. એમાં જયારે સામાજિક અને નૈતિક બાબતો ભળે ત્યારે અહંથી પણ એક ડગલું આગળ જઈને અધિ અહંનો વિકાસ થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા બધામાં કેટલાક ચોક્કસ કાર્યો પ્રત્યે અણગમો કે ઘૃણાનો ભાવ હોય છે, જેમ કે ચોરી, મારામારી, લૂંટફાટ, ખૂન, બળાત્કાર વગેરે. એવી જ રીતે કેટલીક બાબતોને ફરજ ગણી એ પ્રત્યે આપણે જાગૃત રહેવા પ્રયત્ન કરીએ છીએ. રડતા બાળકને વહાલ કરી ચૂપ કરાવવું કે ચોરી કરતાં કોઈને જોઈ જઈએ તો પકડીને ઠપકારવાનું મન થાય છે. ફ્રોઈડના મતે ખરાબ કાર્યો પ્રત્યેની ઘૃણા અને સારાં કાર્યો પ્રત્યેની જાગૃતિનો સમન્વય થાય ત્યારે તે અધિ અહમ્ બને છે. બીજી રીતે કહીએ તો અધિ અહમ્ એટલે વ્યક્તિનું આંતરિક નૈતિક નિયંત્રણ.

ઈડ, ઈગો અને સુપર ઈગોને એક સાદા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. ધારો કે આપણે સામૂહિક જમણવારમાં બધાંની સાથે જમવા બેઠા છીએ. આપણી થાળીમાં ગરમ ગરમ ભજિયાં પીરસાય છે. ભજિયાંની સોડમ સાથે જ આપણને એમ થાય છે કે એક ભજિયું તો ખાઈ લેવું જોઈએ, કેવી મજા આવે! આ અવાજ ઈડનો છે. પરંતુ અહમ્ તરત બોલી ઊઠે છે. અહીં પ્રાર્થના કર્યા પછી જ જમવાનું શરૂ કરવાની પ્રથા છે. હું એકલો ખાઈશ તો કેવું લાગશે? છતાં કોઈ જુએ નહિ એમ ધીમે રહીને મોંમાં મૂકી દેવામાં વાંધો નથી. પછી મોં પર હાથ રાખીને ખાઈ લેવાનું આ પછી અધિ અહમ્ એટલું જ કહે છે કે આપણે આપણા ઘરે નથી બેઠા. સમૂહમાં હોઈએ તો સમૂહના નિયમનું પાલન કરવું જ જોઈએ. કોઈ જુએ કે ન જુએ, આ રીતે ખવાય જ નહિ. થોડી રાહ જોવામાં કશું ખાટું મોળું નથી થઈ જતું.

અધિ અહંમાં એનાથી પણ આગળ કશુંક બને છે. અહમ્ એ વાસ્તવિકતાનું ભાન છે, પરંતુ અધિ અહમ્ એ વિવેક છે. અહંમાં બાહ્ય નિયંત્રણ અગત્યનો ભાગ ભજવે છે. એ જ બાહ્ય નિયંત્રણ આંતરિક નિયંત્રણ બને ત્યારે એ સાચું ચૈતન્ય (Conscience) ગણાય છે. બાળકને શીખવીએ કે ચોરી ન કરાય. માતા-પિતાની હાજરીમાં એ ચોરી ન કરે, પરંતુ માતા-પિતા હાજર ન હોય ત્યારે પણ એને વળગી રહે ત્યારે એ આંતરિક નિયંત્રણનું પરિણામ હોય છે. એવી જ રીતે ઘણા બધા માણસો કેટલાક આદર્શોને અપનાવી લે છે. કોઈ વખાણે કે ન વખાણે, કદર કરે કે ન કરે, વ્યક્તિ જ્યારે આદર્શોને પોતાની રીતે મૂલવીને એ પ્રમાણે વર્તન કરે ત્યારે અહંનો આદર્શ (Ego-ideal) બને છે. અલબત્ત, આવા આદર્શોના વિકાસમાં શરૂઆતમાં પ્રશંસા, વખાણ, કદર કે ઈનામ ટેકારૂપ ભાગ ભજવે છે. પરંતુ એક વાર એ આદર્શો રૂઢ બને પછી એને આવા કોઈ ટેકાની જરૂર રહેતી નથી.

કમનસીબે વાસ્તવિકતાઓની અધૂરી કે અધકચરી સમજને કારણે અહંનો પૂરતો વિકાસ થતો નથી. ઈડ ખૂબ પ્રબળ હોય ત્યારે એ અધિ અહમ્ પણ લાચાર બની જાય છે. આવે વખતે જ અહમ્ પણ નબળો હોય તો પછી થઈ રહ્યું. એક કામી પુરુષને બળાત્કાર કરવાની ઇચ્છા અતિ પ્રબળ હોય ત્યારે એ અનૈતિક કહેવાય, ખોટું કહેવાય, પાપ ગણાય એવી અધિ અહમ્ની વાતોને એ બાજુ પર હડસેલી દે છે. એ વખતે અહમ્ સમજાવા પ્રયત્ન કરે છે કે બળાત્કાર ગંભીર ગુનો છે. જન્મટીપ થઈ શકે છે. સમાજમાં બદનામી થશે. ઘરનાં સભ્યો માટે પણ મોં બતાવવાનું અઘરું થઈ જશે. ક્ષણિક આવેશ ખાતર જીવન ધૂળધાણી થઈ જશે. જેલમાં સબડવું પડશે. હવે જો અહંને આવી બધી સમજ પડતી ન હોય તો શું થાય?

સિકંદરે પોરસને હરાવ્યો અને એને સિકંદર સામે રજૂ કરવામાં આવ્યો ત્યારે ઈડ દ્વારા જ સવાલ પૂછાવ્યો હતો, “બોલ તારી સાથે કેવો વ્યવહાર કરું?” પોરસના જવાબે સિકંદરના અહંને સંકોરીને કહ્યું કે માણસ હારી પણ જાય. સજા કરવી હોય તો કરાય. પણ એ સાચું કહે છે. આજે એ હાર્યો છે, કાલે હું હારી શકું. અધિ અહમ્ કહે છે, સજા કરવામાં શી ધાડ મારવાની? એનાથી ઊંધું કરે તો ધાડ મારી કહેવાય!” અને સિકંદરે ઈડની વાત ના માની, અહમ્ અને અધિ અહમ્નું સાંભળ્યું. હવે કહો, ઈગો દુશ્મન છે કે મિત્ર?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED