ટપાલિયા સંસ્મરણો શબીના ઈદ્રીશ અ.ગની પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટપાલિયા સંસ્મરણો

(૧.)

ઈ.સ. ૧૯૯૫માં મારો જન્મ થયો...!

એ સમયે મારાં પપ્પા ગ્રંથપાલ તાલીમમાં અંબાજી ગયા હતાં.
એવું મારી મમ્મી પાસેથી જાણવા મળેલું..! પપ્પાએ મારાં જન્મની વાત છેક તાલીમમાંથી આવ્યાં ત્યારે જાણી..! કેમકે એ સમયમાં હજુ ટેક્નોલોજી પૂરજોશમાં વહી ન હતી.ઘરે લેન્ડ લાઈન ટેલીફોન ખરો પણ પપ્પાના લોકેશનનો ફોન નંબર ન હતો એટલે એમને જાણ કઈ રીતે કરવી..?
એટલા માટે પપ્પા જ્યારે તાલીમમાંથી આવ્યા ત્યારે એમણે મારાં જન્મ વિશે જાણ્યું..!!
આમ તો હું મારા ઘરે મારાં માતાપિતાનું ત્રીજું સંતાન હતું પણ મારાં જન્મની ખુશી એટલી જ હશે જેટલી પહેલાં સંતાન સમયે થઈ હશે..!! તો માનો કેટલી ખુશી થઇ હશે એ સમયે પપ્પાને જ્યારે તાલીમમાંથી આવી જાણ્યું હશે..!!

એ યુગ હતો ઑફલાઈન કોન્ટેક્ટનો..!

(૨.)

હું માંડ ત્રણેક વર્ષની હોઈશ..!

મારાં વખાણ નથી કરતી પણ મારાં મમ્મી કહેતાં હતાં કે ઘરમાં સૌથી વધારે હું ચકોર હતી..!! આખો દિવસ બસ કંઇક ને કંઇક બોલ્યાં જ કરતી..રમ્યા જ કરતી..ને કોઈ કંઇક પૂછે તો એનો કંઇક વિશેષ જ જવાબ આપતી..એના કારણે મારાં મોટીમાએ મારું ખીજ "ચંપક" પાડી દીધેલું...!

(જે હજુ પણ અકબંધ છે...ઘરમાં દરેકે મારો મોબાઈલ નંબર એ જ નામથી સેવ કરેલો છે..!!)

એ સમયે મારાં ઘરે મારાં મામા કે જે સુરેન્દ્રનગર રહેતાં હતાં એમનો કાગળ આવતો એ આપવા માટે ટપાલી મારા ઘરે આવતાં એમને જોઈને સૌથી વધારે હું ખુશ થઈ જતી..!!

મમ્મીને કુતૂહલવશ પૂછતી..કોનો કાગળ છે એમ..? તો મમ્મી કહેતાં ઇશાક મામાનો કાગળ છે..!

ત્યારબાદ જયારે પણ મારા ઘરે ટપાલી આવતાં ત્યારે ભલે કોઈનો પણ કાગળ હોય હું ટપાલીને જોઈને જોર જોરથી તાળીઓ પાડીને ગીત ગાતી હોય એમ બોલવા લાગતી...

"ઇશાક મામાનો કાગળ આયવો"..."ઇશાક મામાનો કાગળ આયવો..."

એ હતી એ જમાનાની મારી ખુશી...જે ઑફલાઈન હતી..!

(૩.)

હું માંડ ત્રણેક વર્ષની હોઈશ..!

એ સમયે ગામમાં માંડ અમુક ઘરોમાં જ લેન્ડ લાઈન ટેલીફોન ની સુવિધા હતી... એ ઘરોમાં મારું ઘર પણ હતું...!
એ સમયે મારાં ઘરે ટેલિફોનની ઘંટડી વાગતી ત્યારે એનાં રણકારને સાંભળવા માટે મારા કાન ઉત્સુક હોય અને હું કોઈનો પણ ફોન આવે એટલે હું જોર જોરથી ગીત ગાતી હોય એમ બોલવા લાગતી...

"વલી મોટાનો ફોન આયવો"..."વલી મોટાનો ફોન આયવો..."

એ હતો એ સમયનો મારો સૌથી પ્રિય રણકાર...
(#ટેલિફોનની ઘંટડી)

(૪.)

હું પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી...!

એ સમયે અમારી શાળામાંથી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ભરૂચ જિલ્લામાં સ્કાઉટ ગાઈડ સંઘ ખાતે લઈ જવામાં આવતાં...!

મને બાળપણથી જ ફરવાનો ઘણો શોખ તેથી મેં પણ સ્કાઉટ ગાઈડ સંઘ ખાતે જવામાં રસ દાખવ્યો...! અને ભણવામાં હોશિયાર હોવાને કારણે શાળામાંથી મારા શિક્ષકે પણ મને ત્યાં લઈ જવા માટે મંજૂરી આપી દીધી...!

સ્કાઉટ ગાઈડ સંઘમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી...એમાં મેં પણ નાટકમાં ભાગ લીધેલો..!
આ નાટકમાં મારે ટપાલી બનવાનું હતું...મારો અભિનય એવો હતો કે મારે એક વૃદ્ધ માતાને એનાં દીકરાની ટપાલ આપવા માટે જવાનું હતું... વૃદ્ધાને વાંચતાં ન આવડતું હોવાને કારણે એ પત્ર મારે વાંચીને સંભળાવવાનો હતો... મેં વૃદ્ધાના દીકરાના પત્રને વૃદ્ધાને વાંચી સંભળાવ્યો...પત્ર સાંભળીને વૃદ્ધા અત્યંત ખુશખુશાલ ચહેરે મને પણ દુઆ આપવા લાગ્યા...!!

એ હતો ઑફલાઈન દુઆ લેવાનો મારો સમય...!

આમ, અહીં મારાં જીવનનાં કેટલાક પ્રસંગો દ્વારા હું ઑફલાઈન અને ઓનલાઈન જમાનાની ભેદરેખા થોડે ઘણે અંશે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું...!!

આજે આ બધું જાણે નામશેષ થઈ ગયું છે...!

હવે ક્યાં રહી એ ખુશીના સમાચાર મોડેથી સાંભળવાની મજા...
ક્યાં રહી એ મામાના કાગળ આવવાની રાહ જોવાની મજા...
ક્યાં રહી હવે મારી એ ગીત ગાવાની મજા...
ક્યાં રહી એ ટપાલી કાકા દ્વારા વાંચવામાં આવતાં પત્રને સાંભળીને મળતી દુઆ...!!

ઓનલાઈન જમાનામાં ઑફલાઈન સંબંધો નાશવંત થતાં હોય એવું વર્તાવા લાગ્યું છે...!!

સઘળું ઓનલાઈન...સંબંધો પણ ઓનલાઈન...લાગણીઓ પણ ઓનલાઈન...માણસો પણ ઓનલાઈન...!!!🙏

~જીવનનાં કેટલાંક સંસ્મરણોમાંથી...