સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી – દિવ્યેશ ત્રિવેદી

કહેવાય છે કે મહાન સિકંદર પોતાના દરબારીઓ, સૈનિકો અને નિકટના સાથીઓના જીવનની મહત્ત્વની ઘટનાઓને પ્રસંગોપાત યાદ કરીને સંબંધોના સેતુને સંસ્મરણો દ્વારા મજબૂત કરતો રહેતો. આપણા કોઈક મિત્રને એના જન્મ દિવસે કે લગ્નતિથિએ યાદ કરીને અભિનંદન પાઠવીએ તો એને ખૂબ આનંદ થાય છે અને એ આત્મીયતાનો અનુભવ કરે છે. આવી શુભચેષ્ટા ક્યારે અને કેવી રીતે કામ લાગે છે એની આપણને ખુદને ખબર નથી હોતી. ક્યારેક કોઈક વ્યક્તિ આપણને ઘણા સમય પછી રસ્તામાં મળી જાય અને ‘કેમ છો?’ પૂછે ત્યારે જો આપણે એને ઓળખી જ ન શકીએ તો એને અપમાનિત થયાની લાગણી થાય છે, એની લાગણી ઘવાય છે. એ સિવાય પણ કેટલીક વસ્તુઓ યાદ રાખવાના ઘણા લાભ છે. ટેલિફોન નંબરો, ઘર નંબર કે સરનામું, ચોક્ક્સ બનાવ કે પ્રસંગની વિગતો, મહાન લેખકોનાં અવતરણો, હ્રદયસ્પર્શી કાવ્યો કે શાયરીઓ, ટુચકાઓ વગેરે યાદ હોય અને કોઈકને એ સંભળાવીએ ત્યારે સામાને આનંદ મળે છે એથી વધુ આનંદ આપણને મળે છે. પરંતુ આ બધાંનો આધાર સ્મૃતિ અથવા યાદદાસ્ત પર છે. એટલે જ સતેજ સ્મૃતિ સફળ માણસ માટેની મહામૂલી મૂડી બની રહે છે.

મહાન ફિલસૂફી પ્લુટો તો કહેતો હતો કે સ્મૃતિ એ જ સાચું જ્ઞાન છે. એના મતે સ્મૃતિ વિના જ્ઞાનનો અર્થ નથી. સિસરોએ પણ કહ્યું છે કે જગતની તમામ ચીજનું સંગ્રહસ્થાન એટલે સ્મૃતિ. સારી યાદદાસ્ત હોય તો માણસ કદી નોંધારો બનતો નથી. સતેજ સ્મૃતિ સફળતા માટે અનિવાર્ય તો છે, પરંતુ જીવવા માટે પણ એ એટલી જરૂરી છે. કેટલીક વાર માણસ કેવળ સ્મૃતિઓને સહારે પણ જીવી લેતો હોય છે. એટલે જ દરેક માણસ ઈચ્છે કે એની સ્મૃતિ શક્ય તેટલી તેજ ધારદાર હોય, પરંતુ આ બાબતમાં બહુ ઓછા લોકો એવા હોય છે જે પોતાની જાતને નસીબદાર માને છે. અનેક લોકો પોતાની નબળી યાદદાસ્તનો વસવસો કરતા જોવા મળે છે. કેટલાકની યાદશક્તિ તો સારી હોય છે, પરંતુ તેઓ એવી ફરિયાદ કરતા હોય છે કે અણીના સમયે જ એમની યાદદાસ્ત જવાબ દઈ જાય છે. પરીક્ષાખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓને આવું અનેક વાર થતું હોય છે. લગભગ એ જ પ્રકારે બીજી એક એવી ફરિયાદ સાંભળવા મળે છે કે ઘણી વખત અવસરે વાત યાદ નથી આવતી અને પાછળથી યાદ આવે છે.

અણીના સમયે કોઈક વાત યાદ ન આવે ત્યારે અવશ્ય અકળામણ થાય. છતાં એ સાથે એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે આપણને બધું જ યાદ રહે એ જરૂરી નથી તેમ હિતાવહ પણ નથી. જીવનની દરેક પળ આપણને એવી ને એવી યાદ રહેતી હોય તો અનેક સમસ્યાઓ સર્જાય. આપણા જીવનમાં સારા પ્રસંગોની જેમ માઠા પ્રસંગો પણ બને છે. સ્વજનોની વિદાયથી માંડીને દુઃખ, અપમાન, નિષ્ફળતા, હતાશા અને શોકના બધા જ પ્રસંગો આપણા માનસ પર સતત તાજા ને તાજા જ રહેતા હોત તો આપણે જીવી શકત ખરા? શાંતિથી જીવવા માટે પણ કેટલુંક ભૂલવું જરૂરી બને છે એટલી જ મહત્ત્વની વિસ્મરણની જરૂરિયાત પણ છે.

સરેરાશ સ્મરણશક્તિ એ સામાન્ય માણસનું લક્ષણ છે. સામાન્ય માણસ જ્યારે અસામાન્ય બનવા ઈચ્છે છે ત્યારે જ એને તીવ્ર સ્મરણશક્તિની ઝંખના જાગે છે. આપણા વ્યવહારજગતમાં આપણે એવી અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું આવે છે. જ્યાં સ્મરણશક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં તો સ્મરણને જ સૌથી વધુ મહત્ત્વ મળેલું છે. બુધ્ધિ કે સમજદારી કરતાં પણ તેજ સ્મૃતિ ધરાવતી વ્યક્તિ એમાં વધુ સફળ થાય છે. આ જ કારણે મનોવિજ્ઞાને સ્મરણ વિષે ઘણો અભ્યાસ કર્યો છે. સ્મરણ-વિસ્મરણની આવી પ્રક્રિયામાં મનોવિજ્ઞાન ઘણું ઊંડું ઊતર્યું હોવા છતાં હજુ એનાં ઘણાં રહસ્યો ઉઘડયાં નથી. આ વિશિષ્ટ લક્ષણને બીજી કઈ કઈ બાબતો સાથે કેટલો સંબંધ છે એ પણ હજુ પૂરેપૂરું નક્કી થઈ શક્યું નથી. આવી કેટલીક બાબતો અમાન્ય ઠરી છે. કેટલીક બાબતો વિષે મતભેદો છે તો કેટલીકનો શરતી સ્વીકાર થયો છે. છતાં સ્મૃતિને લાગણી અથવા સંવેદના સાથે ગાઢ સંબંધ છે એટલું ચોક્ક્સ જોવા મળ્યું છે.

દરમિયાન અનેક લોકો પોતાની સ્મૃતિ વધારવા કે સતેજ કરવા સાચા-ખોટા ઉપાયો પ્રયોજતા રહે છે. સ્મૃતિ વધારવાની જનસામાન્યની લાલસાનો લાભ લેવા મોટી મોટી કંપનીઓ અને ઔષધ ઉત્પાદકો બીડું ન ઝડપે તો જ નવાઈ લાગે. બજારમાં સ્મૃતિ વધારવાની દવાઓનો ઢગલો જોવા મળે છે. પરંતુ આવી દવાઓ સ્મૃતિમાં વધારો કરે છે કે નહિ એ પ્રાયોગિક અને વૈજ્ઞાનિક રીતે સાબિત થવાનું બાકી છે. એક એવો તર્ક છે કે સારી સ્મૃતિને તંદુરસ્તી અને માનસિક સ્વસ્થતા સાથે ઠીક ઠીક સંબંધ છે. આવી દવાઓ તંદુરસ્તી અને માનસિક સ્વસ્થતા મેળવવામાં ઉપયોગી થતી હોય એમ આડકતરી રીતે સ્મૃતિ સતેજ બનાવવામાં યોગદાન આપતી હોય એ બનવાજોગ છે. અલબત્ત, મનોવિજ્ઞાને સ્મૃતિ અને વિસ્મૃતિની પ્રક્રિયાને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કર્યો છે અને એથી મનોવિજ્ઞાન સ્મૃતિના વિકાસ માટેના કેટલાક ઉપાયો બતાવી શકયું છે. થોડા જાગૃત પ્રયાસોથી આપણી સ્મૃતિને આપણે જ મજબૂત બનાવી જ શકીએ છીએ.

સ્મૃતિના વિકાસના નુસખાઓ તરફ વળતાં પહેલાં સ્મૃતિ અને વિસ્મૃતિ (Forgetting) વિષે મનોવિજ્ઞાને કરેલી મીમાંસા પર નજર કરવી જરૂરી છે. મનોવિજ્ઞાનિક રીતે સ્મૃતિ એટલે અગાઉ થયેલી, સાંભળેલી, અનુભવેલી કોઈ પણ પરિસ્થિતિનું આપણા માનસપટ પર ફરી ઉપસ્થિત થવું. આટલી વાત પરથી બે બાબતો સ્પષ્ટ થાય છે. એક તો એ છે કે સ્મૃતિ માટે અગાઉ થયેલો અનુભવ અનિવાર્ય છે. જે વસ્તુ જોઈ નથી જેને સ્પર્શ કર્યો નથી, જેને સૂંઘી નથી કે જેને ચાખી નથી યા અન્ય કોઈ રીતે અનુભવી નથી એ સ્મૃતિમાં આવી શકે નહિ. આવો કોઈક પણ અનુભવ થયો હોય અને એ માનસપટ પર સજીવન થાય ત્યારે જ એને સ્મૃતિ કહેવાય. બીજી વાત એ છે કે ક્યારેક કોઈક વાત વિસ્મૃતિ થઈ જાય કે યથાસ્વરૂપે યાદ ન પણ આવે, તોય એ મગજમાં ક્યાંક તો પડેલી જ હોય છે. કોઈક વાત અચૂક સમયે યાદ ન આવે, પરંતુ પાછળથી યાદ આવે એનો અર્થ એ છે કે દિમાગના કોઈક ખૂણામાં એ પડેલી હોય છે.

સ્મૃતિ આપણા દિમાગમાં કેવી રીતે અને કેવા સ્વરૂપે જળવાય છે એ વિષે હજુ આપણી પાસે કોઈ નક્કર માહિતી નથી. મનોવિજ્ઞાન અને શરીરશાસ્ત્રના અભ્યાસોમાંથી કેટલીક કડીઓ મળે છે ખરી. મનોવિજ્ઞાને આ માટે આપણા મગજમાં કોઈક સ્મૃતિરેખાની કલ્પના કરેલી છે. આ ક્લ્પના એવી છે કે આપણે જે કંઈ અનુભવીએ છીએ તો મજ્જાતંત્રમાં કોઈક રીતે પોતાની નિશાની છોડી જાય છે. એ નિશાનીને કારણે જ એ અનુભવને આપણે પાછળથી માનસપટ પર જીવતો કરી શકીએ છીએ. કવિતા યાદ રાખવાથી માંડીને તરવાની કે વાહન ચલાવવાની પ્રક્રિયા પણ આવી જ સ્મૃતિ બની જાય છે.

મનોવિજ્ઞાને સ્મરણ અથવા સ્મૃતિની પ્રક્રિયાને બરાબર સમજવા તથા સમજવા માટે એને ચાર ઘટકોમાં વહેંચી નાખી છે. આ ચારેય ઘટકોને ટૂંકમાં સમજી લેવાથી સ્મરણની પ્રક્રિયા સહેલાઈથી સમજાશે.

ગ્રહણ: (Reception)

સ્મૃતિની પ્રક્રિયાનું આ અત્યંત સાદું છતાં અત્યંત મહત્ત્વનું પ્રથમ પગથિયું છે. કોઈ પણ વાતને યાદ કરવા માટે આપણે એનો અનુભવ કરેલો હોય એ જરૂરી છે. આ અનુભવ દ્રશ્ય, સ્પર્શ, શ્રવણ, સ્વાદ કે અનુભૂતિના રૂપમાં હોવો જોઈએ. આમાંનું કશું જ ન હોય તો સ્મૃતિનો સવાલ જ ઊભો ન થાય. આમ તો આપણે હરેક પળે કોઈક ને કોઈક અનુભવમાંથી પસાર થતા જ હોઈએ છીએ. ઘણા લોકોને મળીએ છીએ, ઘણા ચહેરા જોઈએ છીએ, ઘણાં દ્રશ્યો આપણી આંખે ચડે છે, ઘણાં શબ્દો સાંભળીએ છીએ, પરંતુ એ બધું જ આપણને હંમેશાં યાદ રહેતું નથી. કેટલુંક તો જાણે મગજમાં જ પ્રવેશતું નથી અને કેટલુંક તરત છટકી જાય છે. એટલે જે અનુભવને આપણું મગજ ગ્રહણ કરે છે અથવા સ્મૃતિરેખા રૂપે અંકિત કરે છે એ જ સ્મૃતિ તરીકે માનસપટ પર પાછું આવે છે. કોઈ પણ અનુભવનું કેટલું અને કેવું ગ્રહણ થાય છે એનો આધાર અનેક બાબતો પર રહેતો હોય છે, જેમ કે એ અનુભવ વખતની માનસિક સ્થિતિ, વ્યક્તિની ઉંમર, ધ્યાન, બૌધ્ધિકક્ષમતા, સમજશક્તિ વગેરે એટલે સારું ગ્રહણ એ સારી સ્મૃતિની પહેલી શરત છે એમ કહી શકાય.

ધારણ: (Retention)

સ્મૃતિની પ્રક્રિયામાં ગ્રહણ એ શરૂઆત છે. એટલે એનાથી વાત પતી જતી નથી. ગ્રહણ પછીનું બીજું પગથિયું ધારણ છે. જે અનુભવનું ગ્રહણ થયું હોય એ સ્મૃતિરેખા રૂપે અંકિત થાય એટલું જરૂરી નથી, પરંતુ એ સ્મૃતિરેખા જળવાઈ પણ રહેવી જોઈએ. જાળવવાની નહિ તો એ ફરી માનસપટ પર જીવતી થઈ શકે નહિ. આ રીતે જળવાવાની પ્રક્રિયા એ જ ધારણ છે. ઘારણની તીવ્રતા અથવા અસર જુદી જુદી હોય છે. કેટલીક બાબતોનું ધારણ લાંબો સમય રહે છે તો કેટલીક બાબતોનું ધારણ નબળું હોઈને ટૂંકા ગાળા માટે રહે છે. ગ્રહણ જેટલું સારું થયું હોય એટલું ધારણ પણ સારું થાય છે. આ ઉપરાંત ધારણ સારી રીતે થાય એ માટે બીજી કેટલીક બાબતો પણ મહત્ત્વની બની જાય છે. વ્યક્તિની ઉંમર, એનું અનુભવજગત અને એનાં રસ-રુચિ ઉપરાંત હેતુઓ પણ અગત્યનો ભાગ ભજવે છે. ગમતી વાતનું ધારણ વધુ મજબૂત હોય છે. વળી પરીક્ષા માટે વાંચેલી વસ્તુનું ધારણ નબળું હોય છે, કારણ કે એનો હેતુ મર્યાદિત હોય છે. ધારણમાં વ્યક્તિનાં મનોવલણો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

આહ્વાન: (Recall)

ગ્રહણ અને ધારણ પછીનું મહત્ત્વનું પગથિયું આહ્વાન છે. આહ્વાન એટલે બોલાવવું. ક્યારેક કરેલો અનુભવ મગજમાં સ્થપાયો હોય છતાં એને બોલાવીએ નહિ ત્યાં સુધી એ માનસપટ પર આવે નહિ. ક્યારેક આપણે કોઈક વ્યક્તિનું નામ કે કોઈક ગીતની પંક્તિ યાદ કરવા અકળામણ થાય એટલી હદે મથામણ કરીએ છતાં એ યાદ ન આવે. થોડી વાર પછી એ અચાનક યાદ આવી જાય. એનો અર્થ એ થયો કે ગ્રહણ અને ધારણ તો થયું હતું, પરંતુ આહ્વાન થતું નહોતું.

પરખ: (Recognition)

સ્મૃતિની પ્રક્રિયાનું ચોથું પણ અત્યંત મહત્ત્વનું પગથિયું છે. આપણે કોઈ અનુભવનું ગ્રહણ કરીએ, એની મગજમાં સ્થાપના થાય અને એને આપણે સ્મરણ પર બોલાવીએ પણ ખરા, પરંતુ સ્મરણપટ પર આવેલી વાત એ જ છે કે કોઈક ભળતી જ બલા છે એ ખબર જ પડે તો વાત નકામી થાય. એટલે જ આપણે સ્મૃતિપટ પર બોલાવેલી વાત એ જ એની પરખ સ્મૃતિ માટે ખૂબ જરૂરી ગણાય. કેટલીક વાર આપણે કોઈક વ્યક્તિને મળીએ ત્યારે એના બીજા નામે બોલાવીએ છીએ. એ વખતે આપણે એમ જ માનતા હોઈએ છીએ આપણને જે નામ યાદ આવ્યું એ જ સાચું છે. આવું એ ગ્રહણના બીજી કોઈક બાબત સાથેના સામ્યને કારણે બનતું હોય છે. એટલે જ આપણને જે વાત યાદ આવી છે એ ભૂતકાળના અબુભવની જ પ્રતિકૃતિ છે એવી ખાતરી થવી જોઈએ. આટલું થાય ત્યારે જ સ્મૃતિની પ્રક્રિયા પૂરી થઈ ગણાય. ક્યારેક સ્મૃતિ તાજી થવા છતાં આ એ જ અનુભવનું પુનરાવર્તન છે એવી વાત આપણું મન માનવા તૈયાર નથી થતું. એ વખતે પણ પરખ ન થઈ હોવાથી જ એમ બનતું હોય છે.

સ્મૃતિની પ્રક્રિયાનાં આ ચાર પગથિયાં સમજયા પછી ગ્રહણ, ધારણ અને આહ્વાન વિષે થોડો વધુ વિચાર કરવા જેવો છે. ગ્રહણ અને ધારણ શી રીતે થાય છે, શાને કારણે થાય છે, શાથી નબળું કે સબળું થાય છે વગેરે વિષે ઘણો વિચાર થયો છે. ગ્રહણ-ધારણ પર અસર કરનારી સૌથી મહત્ત્વની બાબત જે તે અનુભવની તીવ્રતા છે. સ્પષ્ટ અને સ્પર્શી જાય એવો અનુભવ વધુ યાદ રહે છે. મતલબ કે એનું ગ્રહણ અને ધારણ મજબૂત હોય છે. એવી જ રીતે જે અનુભવ એકથી વધુ વખત મળે અથવા જેનું પુનરાવર્તન થાય એનું પણ ગ્રહણ–ધારણ નબળું પડે છે. સવારે શું ખાધું એ સાંજે યાદ રહે છે, પરંતુ બે દિવસ પછી એ ભૂલાઈ જાય છે. એવી જે રીતે જે વાત પર આપણે ખાસ ધ્યાન આપ્યું હોય એ વધુ સારી રીતે યાદ રહે છે. બેધ્યાન હોઈએ ત્યારે એવા અનુભવનું ગ્રહણ-ધારણ નબળું બને છે. વળી આપણને જેમાં રસ હોય એવી વાતનું ગ્રહણ અને ધારણ મજબૂત બને છે. રસ ન હોય એ વાત આઘી જ રહી જાય છે. ફિલ્મી ગીતો યાદ રહી જાય છે અને કવિતા યાદ રાખવા વધારે પ્રયાસો કરવા પડે છે. ટૂંકમાં ગ્રહણ અને ધારણ પર અનેક બાબતો અસર કરે છે.

એવું જ આહ્વાનનું છે. આહ્વાનમાં સહચારનો નિયમ (Law of Association) મહત્ત્વનો ભાગ ભજવે છે. સહચાર એટલે સાથે રહેલી કે સાથે ચાલતી બાબત. સહચાર ત્રણ પ્રકારે રચાય છે–સમીપતા (Closeness), સામ્ય (Similarities) અને વિરોધ (Contradiction). કોઈ બે બાબતો સમય, સ્થળ કે અર્થની દ્રષ્ટિએ એકબીજાની નજીક હોય ત્યારે સમીપતાનો સહચાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિ આપણને ગોવામાં મળી હોય અને ફરી અમદાવાદમાં મળે ત્યારે એને જોતાં જ આપણને ગોવા યાદ આવી જાય છે. એની સાથે માણેલા આનંદના પ્રસંગો પણ યાદ આવી જાય છે. એવી જ રીતે એક જ અનુભવ જેવો બીજો અનુભવ એની સાથે જ યાદ આવે ત્યારે ત્યાં સામ્ય કામ કરે છે. એક શબ્દ સાંભળતાં એ જ અર્થ ધરાવતો બીજો શબ્દ આ રીતે યાદ આવતો હોય છે. એવું જ વિરોધનું પણ છે. કેટલીક વાર અમુક બાબતો એના વિરોધને કારણે યાદ આવે છે.

સ્મૃતિનાં આટલાં રહસ્યોનો પરિચય મેળવ્યા પછી વિસ્મૃતિ માટે કારણભૂત બાબતોને પણ સમજી લેવી જોઈએ. સ્મૃતિ અને વિસ્મૃતિ બન્ને સમજયા પછી જ સ્મૃતિને સતેજ કરવાના વ્યવહારુ ઉપાયો વિષે વિચારી શકાય. આ બન્ને બાબતો હવે પછી.