Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 4

ભાગ - 4
જીમ પર પૂજાની જોબ રેગ્યુલર ચાલી રહી છે.
કરણ પણ મનોમન પૂજા વિશે મૌન રહી ખાલી આંખોથી પૂજા પ્રત્યેની પોતાની હમદર્દી કે પ્રેમ પ્રગટ કરી રહ્યો છે.
ઈશ્વરભાઈ પણ શેઠને લઈને જીમ પર રોજ આવી રહ્યાં છે. બધુ બરાબર ચાલી રહ્યું છે, ઈશ્વરભાઈ પણ,
પૂજાને જીમ પર કોઈ તકલીફ નથીને ?
એનું ધ્યાન રાખી રહ્યાં છે, ને પૂજાને હિંમત પણ આપી રહ્યાં છે, સાથે-સાથે ઈશ્વરભાઈ સાથે અવાર-નવાર પૂજા વિશે વાત કરતો કરણ પણ દિલથી પૂરેપૂરો પૂજાની નજીક આવી ગયો છે.
ઈશ્વરભાઈને પણ રામ જાણે, કરણ પ્રત્યે કોઈ પોતીકું હોય એવો ભાવ થઈ રહ્યો છે, સામે કરણને પણ ઈશ્વરભાઈ પ્રત્યે અંદરથીજ લાગણી અને લગાવ થઈ રહ્યો છે.
ઈશ્વરભાઈ અને કરણનો આ એકબીજા પ્રત્યેનો લગાવભર્યો વ્યવહાર એ બંનેની સમજ બહાર છે.
બસ આમજ બધુ બરાબર ચાલતું હોય છે, ને...
એક દીવસ રોજના નિયમ પ્રમાણે ઈશ્વરભાઇ શેઠને જીમ પર ઊતારી, ગાડી રીવર્સ કરી પાર્ક કરતા હોય છે, ને ત્યાંજ બાજુમાં પડેલ એક મોંઘી ગાડીને, ઇશ્વરભાઇની ગાડી થોડી ટકરાઇ જાય છે.
ઈશ્વરભાઈની ગાડીની સાથે-સાથે એ મોંઘી ગાડીને પણ થોડો ઘસરકો વાગી જાય છે.
ગાડી ટકરાવાનો અવાજ આવતા
તે ગાડી લઈને આવેલ બે-ત્રણ આવારા ટાઈપના લોકો દોડીને ઈશ્વરભાઈની ગાડી પાસે આવે છે.
હજી ગાડી પાર્ક કરી રહેલ ઈશ્વરભાઈને તેઓ જેમ-તેમ બોલવાનું ચાલુ કરી, ઈશ્વરભાઈને ગાડીમાંથી ઉતારી વધારે ઉગ્ર થઈ, ઉંચા અવાજે જેમ-તેમ બોલવા લાગે છે. અને એ ત્રણ આવારામાંથી એક તો ઈશ્વરભાઈનો કોલર પકડી તેમની પર હાથ ઉપાડવા જાય છે.
હવે આ ઝઘડાનો અવાજ ઉપર જીમમાં કરણને સંભળાતા તે જીમની ગેલેરીમાંથી આ દ્રશ્ય જુએ છે, કે બે ત્રણ લોકો ઈશ્વરભાઈને મારી ને ધમકાવી રહ્યા છે.
અચાનક કરણ પોતાનો પિત્તો ગુમાવી દે છે, ને ફટાફટ જીમ પરથી નીચે આવીને, કરણ એ લોકોની બરાબરની ધોલાઈ કરે છે.
એમા કરણ પણ થોડો ઘાયલ થાય છે.
પરંતુ
કરણનો આજનો આક્રોશ જાણી જતા, પેલા લોફરો પોતાની ગાડી લીધાં વીના પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી જાય છે.
જીમ પરથી આ ઘટના ઈશ્વરભાઈના શેઠ પણ જુએ છે.
તેમને મનમાં થાય છે કે,
કોઈ અજાણ્યાજ, અને તે પણ એક ડ્રાઇવર માટે આજે કરણે લોફરના હાથમાંથી છોડાવવા, પોતાનો જીવ જોખમમાં મૂક્યો, તે બદલ શેઠ પણ કરણને શાબાશી આપે છે.
આજે ખુદ કરણને પણ મનમાં થાય છે કે, ઈશ્વરભાઈને લોફરોના હાથે માર ખાતા જોતા,
તેને કેમ આટલો બધો ગુસ્સો આવી ગયો ?
હા, પરંતુ આજે પૂજા કરણે જે રીતે ઈશ્વરભાઈ માટે પોતાનો જીવ જોખમમાં મુકીને તેમના માટે જે ગુસ્સાથી કુદી પડ્યો હતો, તે જોઈ મનોમન બહુ ખુશ હતી.
થોડા દિવસ પછી, જીમમાં રેગ્યુલર આવતી એક પૂજાની ઉંમરની એક છોકરીનો જન્મદિવસ હોય છે.
તેણે તેના ઘરે આયોજન કરેલ જન્મદિવસની પાર્ટીમાં પૂજાને પણ ખાસ આમંત્રણ આપ્યું હોય છે.
આમેય પૂજા પાસે પોતાનું વ્હીકલ નહીં હોવાથી તે, બસમાંજ અપડાઉન કરતી હોય છે,
એટલે એ છોકરીની જન્મદિવસની પાર્ટીમાં જવા માટે પૂજા રોજ કરતા આજે થોડી વહેલી જીમ પરથી નીકળે છે, રસ્તામાંથી ગિફ્ટ ખરીદી, રીક્ષામાં પૂજા તે છોકરીના ઘરે પહોચે છે.
ઘરે જવાનું મોડું ન થાય, માટે પૂજા ફટાફટ જન્મદિવસની શુભેછા અને પોતે લાવેલી ગિફ્ટ આપી ત્યાંથી ઘરે જવા નીકળે છે.
પૂજા બહાર રોડ પર આવેલ બસ-સ્ટોપ પર બસની રાહ જોતી ઊભી છે.
શિયાળાનો સમય હોવાથી અંધારું થઈ રહ્યુ છે.
રીક્ષા દેખાઈ નથી રહી, એટલે બસ સીવાય બીજો વિકલ્પ પૂજા પાસે નથી.
ત્યાંજ એક ગાડી ત્યાંથી નીકળે છે, થોડી આગળ જઈ એ ગાડી થોડીવાર ઊભી રહી પૂજા જયાં ઊભી છે, તેની પાસે રીવર્સ આવે છે.
વધું ભાગ 5 માં.