Featured Books
શ્રેણી
શેયર કરો

વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની - દિવ્યેશ ત્રિવેદી

એપ્રિલ - મે મહિનો આવે છે, અને યાદદાસ્તનો એક અંધારિયો ખૂણો ઝળહળી ઊઠે છે. સંસ્કૃતિના એક લકવાગ્રસ્ત અંગમાં ચેતનાનો સંસાર થાય છે. કલબલાટ, કોલાહલ, દોડાદોડી, ધિંગામસ્તી અને પકડદાવ - થપ્પોના અવાજો બન્ને કાનને ખીચોખીચ ભરી દે છે. આંગળીઓના વેઢા કરતાંય વધુ વર્ષો વહી ગયાં હોવા છતાં એ બધું જાણે હમણાં જ બન્યું હોય એવો આભાસ થાય છે. ઈશ્વર જેવું કંઈક હોય અને એ પ્રસન્ન થઈને કંઈક માગવાનું કહે તો એ વર્ષો પાછાં માંગવાની લાલચ રોકાય નહિ. ભૂલેચૂકે જો એ સમય પાછો મળી જાય તો એનો કૉશેટો બનાવીને એમાં પુરાઈ જવાની પ્રબળ ઈચ્છા જાગે છે. ખબર છે કે આવું બનવાનું નથી. છતાં શ્વાસના ઊંડાણમાં લપાઈને એકલો એ સમય જિંદગીનું મહામૂલું ભાથું બની ચૂકયો હોવાથી વારંવાર સ્મૃતિપટ પર સળવળી ઊઠે છે.

એપ્રિલ-મે હોય કે દિવાળી, વેકેશનનો સમય એટલે મોસાળમાં ભેગાં થવાનો સમય. મુંબઈ, અમદાવાદ અને અન્ય સ્થળોએ સ્થાયી થયેલાં તમામ ભાણેજાઓને વેકેશનમાં મામાના ઘરનું વણલખ્યું આમંત્રણ હોય. પરીક્ષાઓ પૂરી થાય એ જ દિવસે રાતની ગાડી પકડીને સવારમાં મોસાળની હવાની સુગંધ ફેફસાંમાં ભરવાનો થનગનાટ હોય. મુંબઈથી માસીનાં દીકરા-દીકરી કિરણ, નીના, પપ્પુની આખી રાત રાહ જોવાઈ હોય. મામાનું વિશાળ ઘર એકાએક કોલાહલ અને કલબલાટથી ગાજતું થઈ જાય. સૌ એકબીજાને પોતપોતાની વાતો કરે, ગયા વેકેશનમાં કરેલાં તોફાનોને યાદ કરે અને નિર્દોષ પ્રેમભાવના રસાયણમાં ઓગળી જાય.

ઊંચા ઊંચા હીંચકા ખાવાનો આનંદ આજેય સોફામાં બેઠાં બેઠાં એક વિશિષ્ટ રોમાંચના આંચકા આપી જાય છે. બે જણ સુથારને ત્યાં જઈને ગિલ્લી-દંડા બનાવડાવી આવે. સુથારને પણ મામા કહેવાનો રિવાજ. મામાના ગામના દરેક વડીલને મામા કહેવાનું અને શહેરમાંથી આવેલાં ભાણેજાઓ માટેનો એમનો પ્રેમ પણ એવો જ નિર્વ્યાજ. બપોર કયાં પડી જાય એની યે ખબર ન પડે. બપોરે મામી જમવા માટે બૂમાબૂમ કરે. માંડ માંડ આખી ટોળકી ભેગી થાય અને ઘરના ચોકમાં રીતસરની પંગત પડે. રમવામાં એટલા ઓતપ્રોત થઈ જવાયું હોય કે જમવાનો કાર્યક્રમ ઘણીવાર વચ્ચે બાધારૂપ લાગે. જમ્યા પછી પાછાં એ જ તોફાન ધીંગામસ્તી, ઊંચા ઊંચા હીંચકા, પકડદાવ, થપ્પો અને નિર્દોષ મારામારી.

સાંજે એક બીજાના હાથમાં હાથ નાખીને ગામની છેક બહાર રેલવે સ્ટેશન પાસે આવેલા બગીચામાં ફરવા જવાનું અને ત્યાં કાલુ શરબતવાલાના બરફના ગોળાનો આનંદ માણવાનો. આજેય કોઈક વાર રસ્તા પર બરફના ગોળાની લારી દેખાઈ જાય તો એ દિવસો યાદ આવી જાય છે. અને ઊભા રહીને ગોળો ખાઈ લેવાની ઈચ્છા થઈ આવે છે. બગીચામાં પણ પકડદાવ અને થપ્પો તો હોય જ. અંધારું થવા માંડે એટલે પાછા ઘેર પહોંચી જવાનું. રાત્રે પાછી પંગત પડે જમીને અંતકડી રમવાની. અંતકડીમાં ફિલ્મી ગીતો ઓછાં - પાઠ્યપુસ્તકમાં આવતી કવિતાઓ, નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં અને મીરાંના ભજનો વધુ હોય. રાત્રે છાપરા પર લાઈનસર પથારીઓ પડેલી હોય. ઠંડી ઠંડી સફેદ ચાદર પર આબોહવાનો આનંદ, તારા ગણવાની કસરતો, બાજુમાં સૂતેલાને ગલીપચી કરવાની મજા અને ઓશિકાની ખેંચાખેંચનો મામા કે માસી ઘાંટો પાડે ત્યારે જ અંત આવે.

આખા દિવસનો થાક ઓઢીને સૂતાં પછી સવાર ક્યારે પડે એની યે ખબર ન રહે. એવો સ્વાદિષ્ટ થાક અનુભવ્યાને ય જાણે વર્ષો વીતી ગયાં. સવારે ઘરના ઓટલે લાઈનસર મોંમાં દાતણ ખોસીને બેસી જવાનું. મહેંકતું અને મઘમઘતું દૂધ પેટમાં પડે એ પહેલાં તો પાછા તોફાને ચડી જવાની તાલાવેલી કૂદકા મારતી હોય. ભૂલેચૂકે મામા કે મામી કોઈક કામે બહાર જવાનું કહે તો એકને બદલે આખી ટોળકી નીકળી પડે. રસ્તામાં પણ એ જ ધીંગામસ્તી આવતા-જતાને અથડાવાનું અને ચાલતા ઊંટની નીચેથી નીકળી જવાની શરતો લગાવવાની. ઊંટ ભડકયું અને કિરણને પડી હતી એવી લાત પડે ત્યારે મામાની બીકથી પસીનો છૂટી જાય. પરંતુ એ દિવસે મામાએ ઊંટવાળાને ધમકાવી નાંખ્યો હતો. મામાને મન ભાણેજાઓનો વાંક થોડો જ દેખાય?

થોડા દિવસ ગામની એ હવામાં વીતાવ્યા પછી દાદાજી પાસે ઉત્કંઠેશ્વર મહાદેવ પહોંચી જવાનું. વાત્રકનો એ કાંઠો, ઠંડું ઠંડું પાણી, આંખ પર હાથ મૂકી દેવો પડે એવો મીઠો અને ધમધમાટ પવન, બપોરે નદીના પટમાં થતી સકરટેટી અને તડબૂચની મજા. સકરટેટી અને તડબૂચમાં જાણે ખાંડની ચાસણીનું ખાતર નાખ્યું હોય એવી મીઠાશ. બપોરે બોર તોડવા જતાં કાંટા વાગે, રાયણ માટે પડાપડી થાય અને પછી રેતીના ઢગલા પર દોડાદોડી કરતાં કરતાં કયારેક કોતરોમાં પણ નીકળી જવાય. ઝાડી-ઝાંખરા અને જંગલોનાં એ દ્રશ્યો જોઈને રૉબર્ટ ફ્રોસ્ટ કે ઉમાશંકર જોશીને કઈ રીતે કવિતા સૂઝી હશે એનો અત્યારે ખ્યાલ આવે છે. સાંજે નદીના તટમાં એક હાથ ઊંડો ખાડો ખોદીએ અને નીચે પાણી દેખાય ત્યારે દરેક જણ વારાફરતી બૂમ પાડે, “એ, મારા કૂવામાં પાણી આવ્યું!” ઓ.એન.જી.સી. ના ઈજનેરોને કૂવો ખોદ્યા પછી જે રોમાંચ નહિ થતો હોય એવો આનંદ એ એક હાથ ઊંડો ખાડો ખોદીને અનુભવાતો હતો. ભીની રેતીનાં ઘર બને, મુકેશ એના પર પગ મૂકીને તોડી નાંખે એટલે રડવાનું અને નીના પછી પ્રેમથી મનાવે એટલે માની જવાનું.

ઝાંઝરી પાસેથી તૂટેલી બંગડીઓના કાચ વીણી લાવીએ અને મંદિરના ઓટલે બેસીને એની ડિઝાઈનો બનાવીએ. કાચ ક્યાંક વાગી જાય નહિ એટલે દાદાજી ટોકે અને તોય ના માનીએ એટલે દાદાજી કહે કે, “આ તો ભૂતડીના કાચ કહેવાય. એ ઘરમાં ન લવાય.” અર્થ સમજાય નહિ, પણ કોઈક અગમ્ય બીકના માર્યા બધા જ કાચ પાછા ઝાંઝરી પાસે જઈને ફેંકી આવીએ. ક્યાંકથી કાગળ લાવીને એની હોડીઓ બનાવીએ અને ઝાંઝરીનાં કાચ જેવાં વહેતાં જળમાં રમતી મૂકીએ. હોડીની સાથે સાથે દોડવાની મજા અને જેની હોડી આગળ નીકળી જાય એની તાલીઓ તથા પાછળ રહી જાય એનો રડમસ ચહેરો -યાદદાસ્તની આ બધી થાપણો બની ગઈ છે.

મંદિરના ઘંટનો અવાજ, આરતી સમયની ઝાલર અને પછી ઘુમ્મટ પર ચડી જવાના સાહસોનો એ દોર કયાં પૂરો થઈ જાય અને વેકેશન પૂરું થતાં પોતપોતાને ઘેર જવાનો વખત આવે ત્યારે બધાંની આંખો ભરાઈ જાય. ઉનાળા પછી દિવાળીના અને દિવાળી પછી ઉનાળાના વેકેશનની રાહ જોવાનું શરૂ થઈ જાય.

આજે તો ગામની હવા જ બદલાઈ ગઈ છે. મામાના એ ઘરમાં વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ છે. અને ચોક નાનો બની ગયો છે. દાદાજીની ફરફરતી સફેદ દાઢી અને ઘેરો અવાજ એ ઘરની હવામાં કોઈક ખૂણેથી સળવળાટ કરી ઊઠે છે. વઘારની સુગંધ લઈને ‘બાળામાસીએ દાળનો વઘાર કર્યો’ એવું હવે પરખાતું નથી. પ્રસંગે જ ગામમાં ભેગાં થવાનો અવસર ઊભો થાય છે. એવો અવસર આવે છે ત્યારે બધું જ પાછું તાજું તાજું થઈ જાય છે. નિયમિત લોટ માગવા આવતા મહારાજ કે અલખ નિરંજનના ચીપિયાનો ધ્વનિ લુપ્ત થઈ ગયો છે. વેકેશનમાં મોસાળમાં જવાની એ સંસ્કૃતિ ટી.વી. - વિડિયો અને હિરો-હોન્ડાની ઘરેરાટીઓમાં ખોવાઈ ગઈ છે. દાદાજીની વાતો ટી.વી. સિરિયલોમાં કેદ થઈ ગઈ છે. કાચી કેરીની એ ખટાશ સાવ બદલાઈ ગઈ છે. મેળાઓ ટ્ર્રેડ-ફેરમાં ફેરવાઇ ગયા છે અને મામાના ઘરની સંસ્કૃતિએ એક ઓરડામાંથી બીજા ઓરડામાં પગ મૂકી દીધો છે. એ ઓરડાનું તાળું ખોલતાં જ બધું મઘમઘવા માંડે છે.

સુદર્શન ફાકીરને ‘વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની’ જેવું ગીત એ ઓરડામાંથી જ સૂઝ્યું હશે. કેસેટમાંથી એ ગીત વહે છે. ત્યારે શબ્દોની સાથે વહી જવાય છે. એ પૂરું થાય છે, ત્યારે દિમાગમાં એક સૂનકાર વ્યાપી જાય છે. ગ્રીક કવિ વેસલીઝ જી. વિટસેકસીઝના શબ્દો યાદ આવે છે, “સમયનું પિંજર ભિડાઈ ચૂક્યું છે. એટલે જ તો પાંખો ફફડાવીને ઊડી લીધાનો આનંદ લઉં છું. ગમે તેટલું નાનું, તોય આકાશ એ આકાશ છે ને!”