લેખનો પ્રકાર:- કાવ્ય
કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ઉડાન
નીકળી હું આજે સપનાની સફરે,
ભરી એક ઉડાન સફળતાની,
જોઈ દુનિયા નજીકથી,
ઘણાં પોતાનાં મળ્યા પારકા થઈને.
ભરી ઉડાન મિત્રોની ટોળીમાં,
મળ્યા બધા પારકા પોતાના થઈને.
શું આ જ છે જીવન?
જયાં પોતાના સ્વાર્થ સાધે છે, અને
બહારનાં નિઃસ્વાર્થ સંબંધો નિભાવે છે!
ઉજવણી
છે આજે વર્ષનો અંતિમ દિવસ,
આશા છે બધાંને જશે એ બધું લઈને.
રાહ જુએ છે સૌ કોઈ
આવે નવું વર્ષ અને લઈ જાય કોરોના
કે પછી લઈ જાય એમનાં તમામ દુઃખ દર્દ.
કરશે આજે રાત્રે સૌ કોઈ વધામણાં
આવકારશે નવા વર્ષને કરીને ઉજવણી.
કોઈ કેક કાપશે તો કોઈ અવનવી વાનગી બનાવશે,
મળવું તો બન્યું છે મુશ્કેલ, તો મળશે બધા ઓનલાઈન.
પણ સાચી ઉજવણી તો એ જ કરશે,
જે મદદ કરશે જરૂરિયાતમંદને!
હોય એટલાં સક્ષમ તો જાઓ મદદે અન્યની,
કરો ઉજાણી લાવી હાસ્ય કોઈ લાચારનાં મુખ પર!
સાચી ઉજવણી એ જ હશે જે
અપાવશે સંતોષ મનને,
કરાવશે દિવ્ય આનંદની અનુભૂતિ!
ઘર
કોઈ રહે મહેલમાં તો કોઈ રહે ઝૂંપડામાં,
કોઈને ગમે કુદરતનો સંગાથ,
તો કોઈને વ્હાલો વનવગડાનો વાસ,
અંતે તો સૌ કોઈ માંગે રહેવા,
જયાં વસે છે પ્રેમનો સહવાસ.
સૌને વ્હાલું પોતાનું ઘર,
માંગે રહેવા ત્યાં જીવનભર.
ભલે રહે રાજીખુશીથી,
પણ તોય...........
હોય ઈચ્છા સહુ કોઈને કે
મારે પણ હોય એક મારા
સપનાનું ઘર.
ઘર
ધરતીનો છેડો ઘર,
જયાં મનને શાંતિ મળે એ ઘર,
થાક્યો માણસ તાજગી અનુભવે તે જગ્યા ઘર,
બાળક જયાં કિલકિલાટ કરે તે જગ્યા ઘર,
મોટા મોટા મહેલ હોય કે હોય નાનું ઝૂંપડું,
દરેકને વ્હાલું પોતાનું ઘર.
કરે સજાવટ સૌ કોઈ ઘરની,
હોય એ ગરીબ કે અમીર.
જીવનભરની યાદો સમાવે એ ઘર.
ભલે બન્યું હોય ચાર દિવાલોથી,
સમાવે સૌને એ ઘર.
સાક્ષી પૂરે છે દરેક ઘર,
નાનાં નાનાં ઝગડાઓ હોય કે હોય
ખુશીઓનાં પ્રસંગ.
એક જ વાત યાદ રાખવી
ઘર છે એક મંદિર, જો રાખો એને મનથી
નહીં તો બની જશે એ ખંડેર
લાગણીઓના અભાવથી.
પુસ્તક
ચાલો મળાઉં તમને મારા કેટલાંક મિત્રો સાથે,
ન તો એમનાં હાથ પગ, ન તો એમનું મોં.
ક્યારેય કોઈને કંઈ ન કહે રહે હંમેશા ચૂપ.
નિતનવા છે રુપ એમનાં રહે સદાય મારી સાથે.
જો એકને મૂકું તો બીજો મિત્ર રહે સાથે.
કોઈ છે જ્ઞાનનો ભંડાર, તો કોઈ ઔષધિનો,
કોઈ વળી મનોરંજન આપે તો કોઈ આપે સલાહ,
કોઈ ફેરવે પરીઓની દુનિયામાં, તો કોઈ કરાવે દેવ દર્શન.
કોઈ બતાવે ડરામણા ચહેરા તો કોઈ કરાવે સફર,
કોઈ લઈ જાય સાહસ કરવા તો કોઈ ફેલાવે રહસ્ય,
કોઈ ખડખડાટ હસાવે તો કોઈ ચોધાર આંસુએ રડાવે.
છે ખાસિયત દરેક મિત્રોની અલગ,
ન થાઉં હું ક્યારેય એમનાથી અલગ.
આ વાત છે મારા ખાસ મિત્રોની,
આ વાત છે એક પુસ્તકની.
છે જમાનો આજે ઈ - પુસ્તકોનો,
તોય જાળવ્યો છે દબદબો આ પુસ્તકોએ.
ન આપે એ દગો ક્યારેય,
હંમેશા બતાવે સાચી રાહ.
આપું સૌને એક જ સલાહ :
આખું પુસ્તક નહીં તો વાંચો બે પાનાં રોજના.
ભલે એનો અમલ ન કરો પણ
કંઈક તો એમાંથી જાણો નવું.
અમારી મુલાકાત
ફરતી હતી મોજથી,
જીવતી હતી જીવન એકલી.
હતા મમ્મી પપ્પા અને
વ્હાલા નાના ભાઈ બહેન.
લાગતું હતું કે આ જ છે
સૌથી સુંદર સગપણ,
નથી જરુર બીજા કોઈ પણ
વ્યક્તિની આ જીવનમાં.
પાડી દીધી હતી ના ઘરમાં,
કે ન શોધશો કોઈ મારા માટે,
પણ અચાનક આવી વાત,
ઊડતી ઊડતી અમારા
લગ્નના માંગાની, હતી ના
છતાં મન ખેંચાયું કોઈક
લાગણીના તારે એ તરફ,
રાખી મુલાકાત અમારી અચાનક,
અને અમે મળ્યા એકબીજાને,
નક્કી જ કર્યું હતું બંને જણાએ
ના જ પાડવી છે આ સગપણ માટે,
પણ થયું શું અચાનક આ મનમાં,
કે ના પાડવા દિલ તૈયાર જ ન થયું,
અને અંતે બંનેએ પાડી હા.
થયાં લગ્ન અમારા એક અચરજ સાથે,
અને અમે મળ્યાં એકબીજાને હંમેશ માટે!