|પ્રકરણ 10|
સુગમની મા એ જ્યારથી સુગમ અને શિવાની વિષે સાંભળ્યું ત્યારથી એના મનમાં તો શરણાઈ વાગવા માંડી હતી ને બે ત્રણ વાર સુગમના પપ્પાને કહી દીધેલું “મેં થોડા ઘરેણા જુદા જ રાખ્યા છે – એને અત્યારની ફેસન ની ડિજાઇન પ્રમાણે બનાવી દેશું” – “મુબઈ સુધી કેટલા ને લઇ જશું” – પપ્પા પછી કહેતા ‘હજી બન્ને મળે છે – મળી નથી ગયા –“
સાંજ સુધીમાં તો જાણે કશું થયુ જ નથી એવી તાજગી મા ના મોઢા ઉપર આવી ગઈ. સુગમને દોડાદોડ કરીને આવ્યાનો સંતોષ થયો. મનોમન શિવાનીને ક્રેડીટ આપી – ને રણકી – સુગમ થોડે દુર ગયો ને બધી હકીકત જણાવી ને દિલથી આભાર માન્યો. – આ બાજુ મા રીંગ વાગી ત્યારથી સુગમને ફોલો કરતી હતી – “મારી હાર્યે વાત કરાવજે, જો ઈ નવરી હોય તો હો, કામમા હોય તો પછી.” - સુગમે ફોન આપ્યો મા એ શિવાનીને આશીર્વાદ આપ્યા. “બેટા, મેં તો તને હજી જોઈ નથી, પણ આ સુગમ અમારે દિલનો બહુ ચોખ્ખો તે મારાથી છુપાવી ન શકે – તારી હાર્યે વાત કરતો’તો ત્યારે એની આંખમાં દેખાણી તું મને બોલ ! સાચવજે હો એને”
સુગમને થયું કે મા, મારામાં હું પણ હજી જોઈ નથી શક્યો એ જોઈ ગઈ ! સાંજના રાઉન્ડમાં ડોક્ટર્સ આવ્યા.બધા રીડીન્ગ્સ અને રીપોર્ટસ જોઇને કહ્યું “કાલે જશો ને ઘેર ! દીકરાની સેવા લેજો બરાબર ! “
બીજા દિવસે બધી પ્રોસેસ પતાવીને બધા ઘરે પહોચ્યા. સુગમના પપ્પા ને અચાનક યાદ આવ્યું ને સુગમને પૂછ્યું “અરે દીકરા આ બધી ધમાલમાં તને પૂછવાનું જ ભૂલી ગયો, તેં ઓફીસમાં રજાની વાત કરી છે ને ? “
“ડોન્ટ વરી, પપ્પા. ગઈકાલે રાજકોટ એરપોર્ટ પર ઉતરીને પહેલું કામ એ જ કર્યું. મેડમને ઈ-મેઇલ કર્યો અને ફોનથી વાત કરી લીધી. એમણે કહ્યું છે કે, આખું વિક ત્યાં રહેજે. પછી જો સાવ સારું હોય મધરને તો જોઈન ઓન મન્ડે.”
સુગમના પપ્પાને રાહત થઇ, મમ્મી એ પણ મુંબઈની દિશામાં જોઇને દુખણા લીધા. ને કહ્યું “ભગવાન ! તારી મેડમને બહુ સફળ કરે”
આ બાજુ સુગમ મોટાભાગે ઘરમાં મા ની સેવા અને પપ્પા સાથે વાતોમાં સમય વિતાવે છે. ઘરમાં આવન જાવન પણ વધી છે. મનીષ ઉર્ફે મન્યો અને બીજા એક બે જે ગામમાં જ હતા એવા ગોઠીયાઓ આવતા. મા ને પપ્પા એ ત્રણ દિવસ પછી કહ્યું પણ ખરું કે “સુગમ, તારે થોડું બહાર જવું હોય તો જઈ આવ આ દોસ્તારો સાથે” – ને સુગમ ઉપડ્યો એક સાંજે. એના ગામના દરિયે. ફોન કર્યો – વિડીઓ કોલ શિવાનીને – એને કહેવું હતું કે જો – જો આ મારા ગામનો દરિયો. પણ, somehow કનેક્ટ ના થયો. સાદો વોઈસ કોલ પણ ના પીક અપ થયો. મેસેજ આવ્યો. “કરીશ મોડા ફોન” - શું હાલ હતા ત્યાં શિવાનીના ? ચાલો એન જ કહેવા દઈએ.
***** **** *****
રવિવારે સવારે સુગમની ફલાઈટ ઉડી ત્યારથી, હું શિવાની – રોજના જેવી જ આમતો દેખાઉં છું, અરીસામાં પણ રોજ જોઈ લઉં છું. ઘરમાં કે ઓફીસમાં ય કોઈ એ ખાસ કશું જ નોટીસ નથી કર્યું. પણ, પણ મને એવું લાગે છે કે કશુક બાદ થયું છે મારામાંથી. સમીકરણ માડુ તો શિવાની લેસ સ.. સ. સમથીંગ ઈઝ ઇકવલ ટુ – જવાબ ? એ જ નથી મળતો ને. પણ, સ્થિતિ બહુ વિચિત્ર છે. મન યાદોથી ભરેલું છે. પણ લાગે છે સાવ ખાલી. ખાલી મન હોવાથી કામ જે થાય છે, થાય છે પણ સાવ મીકેનીકલ. સુગમ આવ્યા પછી, એની નજીક જતી ગઈ એમ કામમાં પછી એ ઘરનું હોય કે ઓફીસ, એક રણકાર સંભળાતો. મને જ સંભળાતો. પણ આ બે –ત્રણ દિવસથી ઓફીસનું કામમાં કી બોર્ડનો અવાજ જ આવે છે. ઘરના કામમાં ઘણા વખતે કુકર ની સીટી કર્કશ લાગી.
ફોન ઉપર રોજ વાત થતી. અને હા એના મમ્મીએ તે દિવસે શું કહેલું – “એની આંખમાં દેખાણી તું મને બોલ “ વાઉ, કેવી નજર હશે એમની કે આવો એક્સ – રે જોઈ શકી. આ દિવસોમાં હું જયારે જયારે દરિયો જોઉં કે પછી કોઈ ગાર્ડન પાસેથી પસાર થાઉં, કે કામથ પાસેથી નીકળું ત્યારે દરેક મોજામાં, કે દરેક પાંદડાના ફફડાટમાં કે દરેક ટેબલ પર મને સુગમ જ સંભળાય. અરે હા એનો વિડીયો કોલ આવેલો તે કોલ બેક કરવાનો છે – calling આવ્યું – અને યેસ્સ connecting પણ આવ્યું. ડેટા ઓન છે, - અને હા ! આ શું થોડું અંધારું છે ?
“ યેસ ! શિવાની.. તું કનેક્ટ થઇ ખરી. “
“કનેક્ટ તો છું જ ને.... અને હા આ આટલું અંધારું ને અવાજ ધીમો પાણીનો – નાઈટ મોડ પર કરને કેમેરા – “
“ લો ! રાજરાણી જી.. આ નાઈટ મોડ.. હવે – દેખાય છે દરિયો ? ખાસ બીજીવાર આવ્યો અહીં...આ છે મારા ગામનો ઘુઘવાટ. એટલે કે ગામના દરિયાનો ઘુઘવાટ. એક કામ કર તું પણ પહોચી જા જુહુ બીચ પર. દરિયા ટુ દરિયા વાત કરીએ. અરબી સમુદ્ર કોમન છે – એટલે કોઈ ચાર્જ નહિ લાગે – ને હા કદાચ We can see each other via Sea”
“ ઓ પીસીમાર કુમાર. બીજી વાતો કરો, અને હા એમ અત્યારે જુહુ બીચ ના જવાય.. ઘરે કામ હોય – નવરા નથી અમે કે બબ્બે વાર રખડવાનો સમય મળે”
“અબે એ ! આ.. આ. છે ને નજારો બતાવવા ખાસ આવ્યો છું – હેતુપૂર્વક ની કોઈપણ સ્થળની મુલાકાત એ રખડપટ્ટી ન કહેવાય”
“ ગામે ગામથી ગીતા જ નીકળે જાણે – ને તું કૃષ્ણ કુળનો ખરો જ ને -.. પણ... આ દરિયો જોઈને થાય છે કે તારામાં ત્યાંના દરિયાની સભરતા સિંચાણી છે... હું તો.. હું તો દરિયે શું.. ઘર અને ઓફિસમાં પણ ખાલી જ હોઉં છું !!
“અરે કેમ કેમ - ?”
“બે ત્રણ દિવસથી છે આવું – કશુક ખૂટે છે”
“ હા – હવે બધું બેસે છે, મનમાં –મગજમાં – કે હું ય આ દરિયે આવ્યો તો જુના દોસ્તારો સાથે – મસ્તી કરી અમે ખુબ. પણ.. પણ.. અમુક ક્ષણ એવી આવે છે કે સામે ભરતી હોય પણ અંદર ઓટ. એટલે આ ‘મેળાપ ના અભાવ’ બન્ને પક્ષે ખાલીપો લાવે છે”
“કેમ છે મા ને ? – તારે ત્યાં વધારે રહેવું પડે એમ છે ?”
“મા ને સારું છે. એકદમ ફ્રેશ લાગે છે. મોટા ભાગે તો હું આવી જઈશ સન્ડે”
“થેંક ગોડ – ફોર બોથ – ચલ હવે મુક ફોન – આવી જા જલ્દી”.
ફોન મુક એમ કીધા પછી શબ્દો વગરની થોડી વાતો કરી ને. ફોન ડીસકનેક્ટ કર્યો અમે હજી જોડાયેલા હતા. આજની વાત થઇ પછી જરા જોર આવ્યું હોય એવું લાગ્યું. સાથે એક કૌતુક થયું કે જોર આવ્યું પછી હળવા થવાયુ. ઘરમાં ફરતા ફરતા કેલેન્ડર પર બે ત્રણ વાર આવનારા રવિવાર પર નજર પડી. દર વખતે એક વિચાર ઝબકે – એની નજર ક્યાં પડતી હશે ?