બારણે અટકેલ ટેરવાં - 1 Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બારણે અટકેલ ટેરવાં - 1

ભૂષણ ઓઝા

| પ્રકરણ – 1 |

 

અરે હું કાઈં અગસ્ત્ય ૠષિ છું કે સાત દરિયા પીને તારી પાસે આવતો રહું !.. હા, આ સમંદરની લહેરને વળગીને, મારી એ વળગાટની છાપ મોકલાવું છું, તારી પાસે એ લહેર પહોંચે એને વળગીને એ છાપ મેળવી લેજે. કોણે કીધું હતું છે.....ક ત્યાં જવાનું ડોલરના દેશમાં. તો હવે આ કોલરથી જ ચલાવવું પડશે.

 

હા... તો તમને કોઈ પ્રશ્ન થાય કે આ બધું શું છે ? - તો કહી દઉં કે હું સુગમ. અહીં અત્યારે મુંબઈના દરિયા કિનારે બેઠો છું, મારી વાત ચાલતી હતી શિવાની સાથે. એ મારી સખી છે.... ...મિત્ર છે કે.... આમ જુઓ તો કશું defined નહીં આમ પરસ્પર ને મળતા રહેવાના ઉમળકા અપરંપાર. આ શહેર વિષે અનેક માન્યતા પ્રવર્તે છે.. આ માયા નગરી છે, અહી ઘડીયાળના કાંટે જીવન ચાલે, માણસ લોકલની અને જીવનની ભીડમાં જ ઘસાઈ જાય, પોતાના બાળકોને સુતેલા જ જોયા હોય વગેરે વગેરે... જો કે, આમાંનું થોડા ઘણા અંશે સાચું છે. કારણો અનેક છે કેટલાકને ખરેખર બે છેડા ભેગા કરવામાં તકલીફ છે તો કેટલાકને છેડો ક્યાં પૂરો કરવો એની તમાં જ નથી, પાયો જોયા વગર સ્કાયસ્ક્રેપર બનાવવા હોય છે આ લોકોને. સોરી, સોરી બીજા તર્ક પર જતો રહ્યો. વાત શિવાની અને મારી હતી. હવે અત્યારે અમારા સાથે એવું થયું છે કે લાગણીના તાણાવાણા સાવ ગૂંથાઈ ગયા ને એ પોતાનો તાર ખેંચતી ખેંચતી ત્યાં લઇ ગઈ અમેરિકા. એટલે યુ નો આ તાર વગરના ફોનથી ચલાવવું પડે છે. અમે એમાં મળતા વૈવિધ્યનો ઉપયોગ કરીએ વોઈસ કોલ, વ્હોટસએપ કોલ, વિડીઓ કોલ, સાદી ચેટ બધું ય. આ જો હમણાં ફોન પત્યો ને મેસેજ આવ્યો...જોઈએ શું કે છે... “ એકલો એકલો બડ બડ ના કરીશ કો’ક, છે એવો માનશે પાગલ... MAD. “ - “ બાય ફોર નાવ, સુગુ”. બોલો ત્યાં બેઠી બેઠી પણ મને ટેગ લગાવવાનું ચુકે નહિ, લ્યો હું ય જવાબ આપું બરાબર – અરે આ શું યલ્લો ઈમોજી પેલો ઘરઘરાટી વાળો મૂકીને મેડમ last seen મોડ પર.. ચાલો આપણે આપણું કામ કરીએ... 

 

**** **** **** 

 

તો સુગમ ભલે એનું કામ કરતો આપણે થોડી વાત કરીએ. ક્યારેક ફસડાતા ને સતત અથડાતા એવા મુંબઈના લોકજીવનમાં મનભેર જીવનારો છે આ સુગમ. બોલકો છે એટલે થોડીવાર એનેય બોલવા દેશું.....સુગમ મૂળ તો ગુજરાતના પશ્ચિમી દરિયાકિનારાના એક ગામનો...સ્કૂલિંગ ત્યાં થયું. એના પિતાજી બેંકમાં હતા અને એ બેંક એ ક્ષેત્રની લીડીંગ બેંક કહેવાય એટલે ગામમાં બધા ઓળખે, માનથી બોલાવે. સુગમની સ્કુલમાં પિતાજીએ સ્પષ્ટ કહી દીધેલું શિક્ષકોને કે બધા જેવો જ એને ટ્રીટ કરવો. ને થતું પણ એવું જ. કથાનાયક છે એટલે એને પહેલેથી ઓળખાવવો તો ખરો ને. તો સુગમ ઇન સ્કુલ. 

 

સાવ પ્રાયમરી ધોરણ. સુગમ ભણવામાં હોશિયાર. ચબરાક અને બોલકો. નેતાગીરીના દોરા ય ફૂટ્યા’તા તે મોનીટર બન્યો. સાહેબ ક્લાસમાં ના આવે ત્યાં સુધી બીજા છોકરાઓ ને સંભાળે. ટપારે. હાજરી પૂરે. સાહેબ આવે એટલે હોમવર્ક તપાસવાનું ય સોંપે એને. ના લાવ્યા હોય એને સાહેબે નક્કી કરેલા ધોરણો પ્રમાણે સજા થાય. એકવારનું ન હોય તો માત્ર થોડીવાર ઉભા રહેવાનું. બે-ત્રણ વાર હોય તો ક્લાસની બહાર ઉભા રહેવાનું અને નિયમિત રીતે અનિયમિત એવા ‘નંગ’ ને અંગુઠા પકડાવે. સુગમ કુમાર ‘મોનીટરી’ ના કેફમાં ‘હોમ વર્ક’ ચુક્યા બે વાર. તે ઉભા રહ્યા ક્લાસની બહાર. ત્યારથી સ્વયં શિસ્ત ચોંટ્યું ચિત્તમાં. આગળ વધતા સ્કુલમાં ચાલી જાય અને કરવા જ પડે એવા તોફાન કરે. સાથે સાથે બે શોખ વિકસ્યા. એક તો બોલવાનો. વકતૃત્વ પર વિશ્વાસ અને પિતાજીને આ ગમતી વાત તે એ વાંચન સામગ્રી આપે. તે ખીલ્યા સુગમભાઈ. અને બીજા શોખમાં તો એવું થયું કે એક દિવસ ચાલુ સ્કુલે ધીમી ધારે વરસાદ શરુ થયો... સુગમ જેવા મસ્તી પરસ્ત છોકરાઓ પુસ્તક અને બ્લેકબોર્ડ માંથી બહાર નીકળ્યા.બારીમાંથી નજારો જોયા કરે. સુગમને નવા કલર્સ દેખાયા. પંખીના ટહુકા જીલ્યા એણે આંખમાં.. ને ક્લાસવર્કની નોટબુકના પીન પેજ પર પેન્સિલ ફરી.. સ્કેચ ૧.. ૨.. ૩. સાહેબને ખબર પડી.. note હાથમાં લીધી. સુગમ ચુપ. પણ, આ શું ? શિક્ષકે પીઠ થાબડી... ને કહ્યું રીસેસમાં આવજે ત્રિવેદી સાહેબ (ચિત્ર શિક્ષક) ને note. બતાવજે. પ્રથમ ચિત્રને મજબુત મોટીવેશન, ને સુગમમાં પાંગરી Observation ની ટેવ અને ચિત્રકળા. આ રીતે ભાઈ સ્કુલની હદ પાર કરી ગયા, સારા સ્કોર સાથે. 

 

પહેલી ઠેક લગાવી ને પહોંચ્યો એક જાણીતા શિક્ષણધામમાં. અનેક કોલેજ ને અનેક હોસ્ટેલ. અરે હા ભાઈ હા... સુગમ નોક કરી રહ્યો છે મને કે એ વાત મને કહેવા દો. તો કહે ને કોણ ના કહે છે.. ઓવર ટુ સુગમ. 

 

**** **** ****

 

યેસ્સ...મેં વિતાવેલ કોલેજ અને હોસ્ટેલ લાઈફ... એની અજીબોગરીબ કહાણી તો સુગમવાણીમાં જ કહેવામાં આવશે. એન્ટ્રી જ ધમાકેદાર. મારા ગામથી બસમાં બેગ-બિસ્તરા સાથે બેઠો. બારી વાળી સીટનો મોહ તો ચાલુ જ. ગામની દુકાનો,ઘરો, શેરીઓ, સોસાયટી...આ મારી સ્કુલ.. ભાઈબંધો બધું પસાર થતું ગયું.. ને પછી આ બાજુ વૃક્ષો દોડે, પેલી બાજુ ખેતર.. પહાડ.. રસ્તામાં છુટા છવાયા વાહનો.. ઓહ ! બારીમાંથી વાછટ આવી... ને પછી તો ધોધમાર. ફોટા પાડવાનું ચાલુ. આંખમાં ને દિલમાં. ઉતરવાના સ્ટેન્ડે પહોચ્યા ત્યારે યાદ આવ્યું કે બિસ્તરો તો હતો બસની ઉપરના કેરિયરમાં. હું કોરો ઉતર્યો પણ ગાદલું ને ચાદર લથબથ. સુરજની સામે હાથ જોડ્યા.. કે મહારાજ ટક્જો, તપજો ને તપાવજો. એકાદ વીકમાં બધું થાળે પડ્યું. કોલેજ અને હોસ્ટેલમાં ગોઠવાયા. પછી ઘમરોળ્યું કેમ્પસ. ઓહ.. વાઉ.. આ નગરીમાં એટલા બધા વૃક્ષો છે.. જેટલા ગામથી અહી સુધી હાઈ વે પર પણ નથી. સાંજ પડે ને વૃક્ષો પર પંખીના કલબલાટ અને હોસ્ટેલીયાના ગોકીરાની કવ્વાલી જામે. 

 

હોસ્ટેલ એટલે જીવનની મોટ્ટી કિતાબ ને હોસ્ટેલિયા એટલે દરેક પાને ઉભેલો શિક્ષક. બીલીવ મી, જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહ્યો છે એને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ના ક્લાસ ભરવા ના પડે. અહી આવીને પહેલી ગાળ સીધી સાંભળી અને પહેલી સંભળાવી કોઈને. અરે અહીતો સંબોધન જ...! અહી હોસ્ટેલની લોબી સિવાય કોઈ લોબી નહિ. ગામ, જાતી, જ્ઞાતિ બધું ગુમ. ધમ્માલ અનલીમીટેડ. ગામમાં તોફાન શીખેલા અહી કારસ્તાન પણ શીખવા મળે. અને હા.. ભણવા સમયે કોઈ કોઈનું નહિ. એક્ઝામ સમયની રાત – books ના પાનાં ઉથલે ને ઝોકા ખાતો પાર્ટનર ધબ્બો ખાય દોસ્તાર નો – “એલા **** જાગતો રહે નહિતર અમને ઊંઘ ચડશે – ચલ એવું હોય તો ચા પી આવીએ” - ને બહુ મજજાની વાત એ કે સવારના ચાર વાગે નાસ્તાની લારી ખુલે બોલો “બ્રહ્મ મુહુર્ત માં વાંચનારા માટે” આમ સાદી વાત પણ, વાંચનારા કરતા વેચનારાની કન્સર્ન દાદ માગી લે એવી. જતો હું પણ ક્યારેક. સવારે ટોળીમાં. ને આહહા કેટલા કલર્સ પરોઢના આકાશના. ધરતીના. ઠંડીની સવારે તાપણે બેઠેલ વસ્તીના. ને એકઝામગ્રસ્ત ચર્ચાના ચગડોળે ચડેલ વિદ્યાર્થીના. ચીતર્યું છે આ બધુય. બીજું ઘણું ય ચીતર્યું, લીધા વગર કાગળ, એની વાત આગળ.