વિપુલ શાહ અને પૂજા શાહ નાં અમે બે સંતાન મનોજ અને
હું. હું પહેલી જન્મી, મારો ભાઈ પાંચ વરસ પછી જનમ્યો.
બાળપણથી જ મારા ઉપર એવી છાપ કે મારાં માબાપને હું
જોઈતી નહોતી. એમને જોઈતો હતો પહેલા ખોળે દીકરો પણ આવી ગયી મૃણાલી !!!.
એટલે બન્ને આ બાબતે લડ્યા કરતા. અને મારા ઉછેરમાં એ ખટાશ કાયમ રહી. હું વણજોઈતી છું, એમ મને હંમેશાં લાગ્યા કર્યું. તેમાં વળી મારા જન્મ પછી પાંચ વરસ સુધી બીજું સંતાન ન થયું. એટલે કાયમ બન્નેનાં મન ઉંચાં રહેતાં. એમનો એ ઉદ્વેગ અવારનવાર મારા ઉપર ઠલવાતો. છેવટે મારા ભાઈ મનોજનો જન્મ થયો, ત્યારે ઘરમાં વાતાવરણ બદલાયું.
પરંતુ આ બદલાયેલું વાતાવરણ મારા માટે તો વધુ અકળાવનારું જ બની રહ્યું. ઘરમાં હવે દીકરો જ જાણે બધું હતો. એને રમાડવાનો, લાડ લડાવવાનાં, પાણી માગે તો દુધ આપવાનું !!
મનોજ મોટો થતો ગયો તેમ તેમ મને હવે અકળામણ વધવા લાગી તેની બધી કાળજી લેવાતી જ્યારે મારા પર કોઈ ધ્યાન પણ નતું આપી રહ્યું. ઘણી વાર મને અહેસાસ થયા કરતો કે મારો જન્મ ખોટો શાહ પરિવાર માં થયો કાશ હું બીજા ના ઘરે જન્મી હોત..હું મનોજ ને પ્રેમ કરતી હતી પણ માતા પિતા ના ભેદભાવ ના કારણે મન અકળાઈ જતું જેથી ક્યારેક મનોજ પ્રત્યે પણ નફરત થતી.
એમ કરતાં કરતાં અમે ભાઈબહેન મોટાં થયાં. અમે બન્ને ભણી ને નોકરીએ લાગ્યા મનોજ ના લગ્ન થયાં. મારે લગ્નની જંજાળમાં પડવું નહોતું. હું એકલી જ રહી. લગ્ન કરીને ભાઈ અમારી સાથે એકાદ વરસ રહ્યો હશે. પણ એની પત્નીને સાથે રહેવાની ઈચ્છા નહોતી. તેમાં ભાઈની સુરત બદલી થઈ. એ બન્નેને જે જોઈતું હતું એ થઈને જ રહ્યું !
માબાપને ઘણી ઈચ્છા હતી કે મનોજ એમને સાથે સુરત લઈ
જશે પણ જાતજાતનાં બહાના બતાવી એ બન્નેએ એમને ટાળ્યાં.
છેવટે બે-એક વરસે વહુની સુવાવડ વખતે બન્ને ને સુરત જવા
મળ્યું. બન્ને હોંશે હોંશે ગયેલાં. પણ મનોજને ત્યાં પણ પહેલી
દીકરી જન્મી, ત્યારે બન્નેનાં મન ફરી ખાટાં થઈ ગયાં. બીજી
સુવાવડ વખતે તો માતા પિતાને હતું જ કે હવે મનોજ ના ઘરે દીકરો આવશે; પણ બીજીયે દીકરી જ આવી. આમેય મમ્મીને વહુ સાથે મીઠો સંબંધ તો બહુ હતો જ નહીં. હવે વધુ ને વધુ બગડતો ગયો. છેવટે માતાપિતા આવીને મારી સાથે જ રહેવા લાગ્યાં.
હું એમને બહુ સારી રીતે રાખતી. પ્રેમથી એમની બધી જ કાળજી લેતી. છતાં એમનો જીવ હંમેશાં મનોજમાં રહેતો. અવારનવાર એને યાદ કર્યા કરતાં.
હું કહેતી, ‘તમે દીકરો-દીકરો કરીને યાદ કરો છો; પણ આ બે વરસમાં દીકરાનો બે લીટીનો કાગળ સુધ્ધાં આવ્યો છે ? અને હમણાં ચાર-છ મહીનાથી તો ફોનથીયે તમારા ખબર નથી પૂછ્યા તોય હું જોતી કે એમનું મન મનોજમાં ખુંપેલું હતું. અને
જ્યારે જાણ્યું કે વહુ ફરી સગર્ભા છે, ત્યારે તો બન્ને મનોજ પાસે જવા એકદમ તલપાપડ થઈ ગયાં. પરંતુ ભાભીએ આ વખતે પોતાનાં માબાપને બોલાવેલાં. આ બન્ને અહીં જ રહ્યા બન્ને શુભ સમાચાર જાણવા એકદમ આતુર હતાં.
એક દિવસ મનોજ નો ફોન આવ્યો કે આ વખતે ફરી દીકરી નો જન્મ થયો છે ત્યાં તો બન્ને ને આઘાત લાગ્યો હોય એમ જ સુનમુન થઈ ગયા !!
પપ્પા બોલ્યા : “અરે, ભગવાન ! અમારો વંશવેલો ભુંસાઈ જવાનો છે !'
હું : ‘કેમ, આ ત્રણ દીકરીઓ તમારા વંશની નથી ? એ
તમારો વંશવેલો આગળ નહીં વધારે ?”
મમ્મી : દીકરી એ દીકરી અને દીકરો એ દીકરો. દીકરીથી કાંઈ
વંશવારસો જળવાતો હશે ? દીકરી તો ગયા જનમની લેણદાર
!! અને દીકરો હોય તો માબાપનો આધાર થાય.'
હું : ‘તમારો દીકરો છે ને ! કેટલો આધાર થયો છે ?'
મમ્મી : ‘એ તો એની વહુને લીધે. બાકી, દીકરાનું ઘર એ જ
આપણું ઘર કહેવાય. માણસ દીકરીને ઘરે રહે તે લાચારીથી.
દીકરાને ત્યાં જ હક્કપુર્વક રહી શકાય.’
હું : ‘તમે દીકરાને ત્યાં કેવા હક્કપુર્વક રહેતાં હતાં, તે મને
ખબર છે. એ તો એમને ગરજ હતી એટલે તમને બોલાવેલાં.
છતાં તમે જ કહેતાં કે દીકરા-વહુ બન્નેનું વર્તન તમારી સાથે
કેટલું અતડું હતું ! માએ તો વહુ તરફથી થતું અપમાન કેટલું
ગળી જવું પડતું !'
ઘડીક તો બન્ને થોડાં શાંત થઈ ગયાં. પણ પછી મા
બોલી, “અમારે તો હવે ગઢપણ આવ્યું અમે કેટલા દીવસો કાઢવાના ? પણ મારા મનોજયા ને હે ભગવાન, હજી એક દીકરો થઈ જાય ”
દીકરો...દીકરો...દીકરો... હું તંગ આવી ગઈ. મને મનોજે પણ આમને જણાવવાની ના પાડેલી, એટલે મેં કહ્યું નહોતું. હવે મારાથી રહેવાયું નહીં.
હું બોલી ‘હવે તે શક્ય નથી. તું ગમે તેટલી પ્રાર્થના કરે કે બાધા-આખડી રાખે, દીલીપને હવે દીકરો થવાનો નથી.”
મમ્મી : ‘કેમ, કેમ શું કામ નહીં થાય ?'
હું : ‘કેમ કે ભાભીએ આ વખતે ઓપરેશન કરાવી નાખ્યું
છે.”
‘શું?...શું ?’ બન્નેને માથે જાણે આભ તુટી પડ્યું. બાપુએ
બે હાથે કપાળ કુઢ્યું અને માં નીચે ફસડાઈ પડી. અને આ
દીકરી મનમાં ને મનમાં સમસમી રહી !