ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 14 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 14

"કેપ્ટ્ન આ બાજુ આવો આ તરફ જ ગયો છે પીટર.' ખડકો પાસેના પાણીમાં સૌથી મોખરે ચાલી રહેલો જ્યોર્જ બોલ્યો.


બધા જ્યોર્જની પાછળ પાછળ પાણીમાં જતાં હતા. જ્યોર્જ જે તરફ પીટર ગયો હતો એ તરફ બધાને લઈને આગળ વધી રહ્યો હતો. જેમ જેમ બધા આગળ વધતા હતા એમ-એમ એમની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો કારણ કે આજુબાજુ ખડકો અને પાણી જ દેખાતું હતું. પીટરનો ક્યાંય પત્તો નહોંતો. બધા પેલી શેવાળ જામેલી શીલા સુધી આવી પહોંચ્યા હતા.


"જ્યોર્જ સામે જો. ત્યાંથી આ કુંડાળાકાર ખડકોની અંદર જવાય એવી જગ્યા છે.' કુંડાળાકાર ખડકોની અભેદ દીવાલની અંદર જવાની વિશાળ જગ્યા બતાવતા કેપ્ટ્ન હેરી બોલ્યા.


"ચાલો જલ્દી કદાચ પીટર પણતરફ જ ગયો હશે.!' કેપ્ટ્નની વાત સાંભળીને જ્યોર્જ બોલ્યો.


પાણી હવે ઊંડું થતું જતું હતું. અહીંયા કમરથી પણ વધારે ઊંડું હતું. દરિયો શાંત હતો એટલે ઠીક હતું. નહિતર ઉછળતા મોજાઓ વચ્ચે આવી રીતે પાણીમાં આગળ વધવું ખુબ જ અઘરું હતું. પીટરનો ક્યાંય પત્તો નહોતો એટલે એન્જેલાનો ચહેરો એકદમ રડમસ થઈ ગયો હતો. એ ક્રેટીના સહારે પાણીમાં આગળ વધી રહી હતી.
આખરે બધા કુંડાળાકાર ખડકોની વચ્ચે રહેલી વિશાળ જગ્યાએથી અંદર પ્રવેશ્યા.


"અરે જહાજ અહીંયા.!' સૌથી પહેલા કુંડાળાકાર ખડકોના આ વિશાળ કિલ્લા જેવી રચનામાં પ્રવેશેલો જ્યોર્જ બોલી ઉઠ્યો.


જ્યોર્જના મોઢેથી જહાજ શબ્દ સાંભળીને બધાનો થાક ગાયબ થઈ ગયો. જહાજ જોવાની જીજ્ઞાશામાં બધા ઝડપથી કુંડાળાકાર ખડકોની અંદરની જગ્યામાં ઘૂસી ગયા. બધા જોયું તો પાણીની સપાટીથી ત્રણ સાડા ત્રણ મીટરની ઊંચાઈએ પાંચ સમતલ પથ્થરો ઉપર એક મહાકાય વિશાળ જહાજ સ્થિર અવસ્થામાં પડ્યું હતું.


"જહાજ તો મળી ગયું. પણ આપણો પીટર ખોવાઈ ગયો ?' ફિડલ એકી નજરે જહાજને નીરખતા બોલ્યો.


ફિડલ હજુ આટલું જ બોલ્યો હતો ત્યાં તો જહાજની સામેથી ધબાક દઈને જોરદાર અવાજ આવ્યો. અવાજ સાંભળીને બધા એકદમ ચોંકી ગયા. બધા અવાજની દિશામાં જોયું તો કીટલીક શિલાઓ સામેના ખડકો પાસે ગબડી પડી હતી અને પીટર એ શિલાઓથી થોડેક દૂર એક બીજી નાનકડી શિલા ઉપર ઉભો હતો.


બન્યું એવું કે જે શિલાઓ લોખંડના મોટા સળિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલી હતી. એમનાથી થોડેક દૂર એક બીજી નાનકડી શિલા હતી. પીટર જ્યાંથી દરિયાનું પાણી ઊંડા ખાડામાં પડી રહ્યું હતું. ત્યાંથી થોડોક ચાલીને એ આ નાનકડી શિલા પાસે આવ્યો. અને જેવો પીટર શિલાની ઉપર ચડ્યો કે પેલા વિશાળ ખાડાની આજુબાજુ લોખંડના સળિયાઓ વડે જોડાઈને ઉભેલી વિશાળ શિલાઓ એ ખાડા ઉપર ધબાક અવાજ સાથે પડી. ખાડા ઉપર શિલા પછડાઈ એટલે એ વિશાળ ખાડો પુરાઈ ગયો. અને એમાં જઈ રહેલું દરિયાનું પાણી અટકી ગયું.


ખાડામાં જતું પાણી અટકી ગયું હોવાથી દરિયાની સપાટી વધવા લાગી. ત્યાં પીટરની નજર સામે જહાજ તરફ આવી રહેવા કેપ્ટ્ન હેરી અને એના સાથીદારો ઉપર પડી. પીટર ગૂંચવાયો. કારણ કે દરિયાની સપાટી ઝડપથી ઉપર વધી રહી હતી. અને એના બધા સાથીદારો તથા ક્રેટી અને એની પત્ની એન્જેલા પણ પાણીમાં હતી.


"જ્યોર્જ.. જલ્દી તમે બધા આ જહાજ ઉપર ચડી જાઓ. દરિયાની સપાટી વધી રહી છે.' પીટરે શિલા ઉપર ઉભા-ઉભા જ જ્યોર્જ સામે જોઈને બુમ પાડી.


"હા.. પીટર તું પણ આવતો રહે આ બાજુ.' પીટરની બુમ સાંભળીને જ્યોર્જે પણ સામો સાદ દીધો.


"દરિયાને વળી શું થયું.! અચાનક પાણીની સપાટી વધવા લાગી છે.' કેપ્ટ્ન હેરી મનોમન બબડયા.


થોડીવારમાં બધા જે પાંચ વિશાળ પથ્થરો ઉપર જહાજ સ્થિર પડ્યું હતું ત્યાં આવી પહોંચ્યા. અને એ પથ્થરોની એક બાજુએ થઈને જહાજ ઉપર ચડી ગયા. જોકે જહાજ ઉપર ચડવા માટે અડધો કલાક જેટલી મથામણ કરવી પડી. પીટર પણ આવી પહોંચ્યો. પીટર જહાજ ઉપર આવતાની સાથે જ એન્જેલા ઘણા વર્ષોના વિયોગ બાદ પોતાના પ્રેમીને મળતી હોય એવીરીતે પીટરને ભેંટી પડી.


"પીટર અચાનક દરિયાની સપાટી વધવાનું કોઈ કારણ તારા ધ્યાનમાં આવે છે ?' સ્થિર પડેલા જહાજના તૂતક ઉપર ઉભા-ઉભા જ કેપ્ટ્ન હેરીએ પીટરને પ્રશ્ન કર્યો.


"હા.. મને ખબર છે દરિયાની સપાટી વધવાનું કારણ.!' પીટર ધીમા ગંભીર અવાજે બોલ્યો.


"ખબર હોય તો ચૂપચાપ કેમ ઉભો છે અમને પણ બતાવને.!!' રોકી ઉત્સાહિત અવાજે બોલ્યો.


"હું જ્યાં ઉભો હતો. ત્યાં એક મોટો અને ખુબ જ વિશાળ ખાડો હતો. દરિયાનું પાણી એ ખાડામાં જતું હતું. આગળ ખબર નહિ ક્યાં જતું હશે પણ આ ખાડામાં જતું હતું એની પાક્કી ખબર છે મને. અને એ ખાડાની આસપાસ લોખંડના જાડા તાર વડે એકબીજા સાથે જોડાયેલી ઘણી બધી વિશાળ શિલાઓ ઉભી હતી. એ બધી મોટી શિલાઓથી દૂર એક નાનકડી શિલા હતી. હું જેવો એ નાનકડી શિલા પાસે પહોંચ્યો કે તરત જ પેલી લોખંડના સળિયા વડે એકબીજા સાથે જોડાયેલી શિલાઓ એ ખાડા ઉપર જોરદાર અવાજ સાથે પટકાઈ. અને એ ખાડો પુરાઈ ગયો. ખાડો પુરાઈ ગયો હોવાથી ખાડામાં પડી રહેલું દરિયાનું પાણી પણ અટકી પડ્યું. અને આ પાણી અટકી પડવાના કારણે દરિયાની સપાટી વધી રહી છે.' પીટર બધી વાત એકીસાથે અને એકીશ્વાશે બોલી ગયો.


"ઓહહ એમ વાત છે.!' પીટરની વાત સાંભળીને કેપ્ટ્ન બબડયા.


બધા જહાજના તૂતક ઉપર ઉભા ઉભા વધી રહેલી દરિયાની સપાટી જોવા લાગ્યા. અડધા કલાકમાં તો દરિયાની સપાટી ત્રણ મીટર જેટલી વધી ગઈ. હવે દરિયાનું પાણી જહાજને અડી રહ્યું હતું. હજુ જો દરિયાની સપાટી પાંચ-છ મીટર વધારે વધી જાય તો જ આ પથ્થરો ઉપર પડેલું જહાજ દરિયામાં સરળતાથી તરી શકે.


"કેપ્ટ્ન દરિયાની સપાટી વધી રહી છે એ પ્રમાણે તો મને લાગી રહ્યું છે કે એક કે બે કલાકમાં આ જહાજ દરિયામાં તરતું થઈ જશે.' પ્રોફેસર કેપ્ટ્ન હેરી સામે જોઈને અનુમાનિત અવાજે બોલ્યા.


"હા, પ્રોફેસર મને પણ એવું જ લાગી રહ્યું છે.' કેપ્ટ્ન પ્રોફેસર સામે જોઈને હકારમાં ડોકું ધુણાવતા બોલ્યા.


"પણ જહાજ તરતું થાય ત્યાં સુધી પહેલા જહાજની તપાસ કરવી ખુબ જ જરૂરી છે કેપ્ટ્ન.! પહેલા ચાલો આપણે જહાજની બધી કેબીન અને એનું એન્જીન તથા બળતણ છે કે નહિ એ તો તપાસી લઈએ.' પ્રોફેસર ફરીથી ગંભીર થતાં બોલ્યા.


"તમારી વાત એકદમ સાચી છે પ્રોફેસર ચાલો જલ્દી નીચે.' આમ કહીને કેપ્ટ્ન તૂતક ઉપરથી નીચે તરફની સીડી ઉતરવા લાગ્યા.


આ જહાજની બનાવટ પછી જહાજના દરેક ભાગ ઉપર વનસ્પતિમાંથી બનેલી વિશિષ્ટ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. એટલે જ ઘણા વર્ષો થઈ ગયા હોવા છતાં જહાજ ઉપર ક્યાંય જીવજંતુનું નામો નિશાન નહોતું જોવા મળ્યું.


કેપ્ટ્ન આગળ વધ્યા એટલે એમની સાથે પ્રોફેસર, ફિડલ, રોકી, જ્યોર્જ, પીટર, ક્રેટી અને એન્જેલા પણ તૂતક ઉપરથી નીચે જહાજની કેબિનો તરફ જવા લાગ્યા. જહાજની દરેક કેબીનની બનાવટ સ્પેનિશ જહાજોને મળતી આવતી હતી. અમૂક કેબિનોમાં ખલાસીઓના કપડાં, શિયાળાની કડકડતી ઠંડીમાં ઉપયોગી નીવડે એવા મજબૂત જોડાં, નાના-મોટા હથિયારો વગેરે અનેક વસ્તુઓ વ્યવસ્થિત રીતે પડી હતી.


એન્જીન રૂમમાં સાદી બનાવટના સાત વિશાળ એન્જીનો હતા. જેના દ્વારા સમગ્ર જહાજનું સંચાલન થતું હતું. એન્જીન રૂમની બાજુમાં જ કોલસાનો ભંડાર જેવો એક રૂમ હતો. જેમાં જહાજનું એન્જીન ચલાવવા માટે કોલસો ભરેલો હતો. થોડીકવાર વાર થઈ ત્યાં આખું જહાજ આમ તેમ હલવા લાગ્યું.


"ઓહ. શું થયું જહાજ તૂટી રહ્યું છે કે શું ?' પહેલીવાર જહાજમાં ચડેલી ક્રેટી ભયની મારી બુમ પાડી ઉઠી.


(ક્રમશ)