Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 64 - છેલ્લો ભાગ

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 64

રડી રડીને મગરમચ્છના પછતાવાના આસુંડા.. રાડ્યાં પછીના ડહાપણનો શું અર્થ..!!

❣️કૂબો સ્નેહનો❣️

ગુલાબી ગજરો ધરીને આમજ જતું રહેવા છે દિલ અમારું?
અલખ નિરંજન કહી ને આમજ જતું રહેવા છે દિલ અમારું?

ઝબૂરો માર્યો'તો હૈયે, તો માર... બોલનારા તો બોલ્યા કરશે,
એ વેણ કડવા ગળીને આમજ જતું રહેવા છે દિલ અમારું?

કહેતા'તા કે ના ફાવે અમને કશે રહેવાનું તો પછી લ્યો!
આ ખૂણે-ખૂણો ફરીને આમજ જતું રહેવા છે દિલ અમારું?

પછી શું? એવું થયું, પરોઢે હું, મરઘો, ટહુકો ને એ, અચાનક !
સ્મશાન ઘાટે વળી ને આમજ જતું રહેવા છે દિલ અમારું?©®-આરતી સોની -રુહાના

બધાની માફી માંગી રહેલી નતાશાને સમજાઈ ગયું હતું કે હવે પોતાની અંતિમ ઘડી આવી ગઈ છે.
"તેરા બહોત હી બડે ગુનહગાર હૈ હમ દિક્ષા હમેં માફ કરના.."

છાતીફાટ પશ્ચાતાપના આસુંનું સામ્રાજ્ય નતાશાની આંખો પર છવાઈ રહ્યું હતું. બોલતાં બોલતાં એનો શ્વાસ રુંધાવા લાગ્યો. વિરાજ, નતાશાના પગ પાસે ઊભો હતો. ડચકા લેતાં લેતાં વિરાજને પોતાની પાસે બોલવી એનો હાથ પકડી ત્રૃટક ત્રૃટક અવાજે એને કહ્યું હતું.
"વિરાજ.. હમારાં એપાર્ટમેન્ટ ઔર.. ગાડી હમને આપકે નામ કર દિયા હૈ...
યે સબ બેચકે, બેંક બેલેન્સ.. ઔર સબ નિકાલ કે.. હમારી તરફ સે હરિ આશ્રમ મે... લગા દેના..
ઓર.. હમારે પિતાજી કો ખબર કર દેના.. કિ હમ અબ નહિ રહે.. ઉન્હોંને હમેં ઘર સે નીકાલ દિયા થા ઔર અપની પ્રોપર્ટી સે બરતરફ કીયા થા.. હમ ઉનકે ભી બહોત બડે ગુનહગાર હૈ.."

વિરાજ આંખમાં આંસુ સાથે એને હુંકારો ભરી રહ્યો હતો.
"હમારે.. જાને કે બાદ.. હમારા ઈતના કામ કરના.. યે સબ આપ સંભાલ લેના.." જાણે એ પછી પોતાને હળવી ફૂલ મહેસૂસ કરીને પળવારમાં એની આંખો મિચાઈ ગઈ હતી.

નોખી લાગણીઓના કોઈ ચોક્કસ કોષ્ટક નથી હોતા. એમણે સૌએ નતાશાને કોઈ જ ફરિયાદ વિના દિલથી અંજુરી આપી હતી. વિરાજે ભારે હ્રદયે નતાશાની યાદોને દિલમાં દફનાવી દીધી. નતાશાને સાતા વળે એમ એના કહ્યાં મુજબ વિરાજે સઘળું વેચી કરીને બધાં કામ અટોપી દીધાં અને એની મિલકત લપકામણ ગામના હરિ આશ્રમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

વિરાજે ભારોભાર પસ્તાવા સાથે અમ્મા અને દિક્ષાની માફી માંગતા કહ્યું,
"તમારો બધાનો હું ગુનેગાર છું. તમને બધાંને બહુ તકલીફો આપી છે. અમ્મા તમે પોતાની ઇચ્છાઓ સમેટીને જીવનના સંઘર્ષો સામે ઝઝૂમીને હંમેશા સંબંધોને લીલુંછમ રાખ્યું છે અને દિક્ષાએ મારી ભૂલોની અવગણના કરીને જીવનને હંમેશા જીવંત રાખ્યું છે. તમે બંન્ને મને જે સજા આપશો મંજુર છે. મારા બાળકોનો પણ બહું મોટો હું અપરાધી છું.. "

"પોતાનાઓની કોઈ દિવસ માફી માંગવાની હોય ક્યાંય.? આટલું કહેવાથી જ મારો વ્હાલો કાન્હો અઘરાંથી અઘરાં કર્મોમાંથી મુક્તિ દઈ દે છે." વિરાજ અમ્માના આવા લાગણી સભર શબ્દો સાંભળીને, આંખોમાં આસું સાથે ગળગળો થઈને ભેટી પડ્યો હતો.

એમના ચૈતન્યથી ભરપૂર એમના વ્યક્તિત્વને શબ્દોમાં સમાવવું ખૂબ અઘરું કાર્ય છે. હંમેશા બીજાને સહારો આપવા તત્પર રહેતા હોય એ પોતાના જ દીકરાને સજા શું કરવાનાં હતાં.

"જન્મો જનમ તમારા કૂખે જ અવતરું એવી ભગવાનને પ્રાર્થના છે."

બાજુબાજુમાં ઊભેલા અમ્મા અને દિક્ષાને વિરાજ એકસાથે ભેટી પડ્યો હતો. ત્રણેયની આંખોમાં હરખના આસું સરી પડ્યાં હતાં. બાજુમાં ઉભેલો આયુષ બોલ્યો હતો,

"વાય યુ ઓલ ક્રાઇંગ? નાવ ડેડી ઇઝ કમ.. સો લેટ્સ એન્જોય.!"

અમ્માએ એને તેડી લીધો હતો ને કહ્યું,
“અરે બેટા કંઈ નહીં.. તું ચિંતા ના કર.. બધાંને ઈન્ડિયા યાદ આવ્યું છેને એટલે... તને પણ ઈન્ડિયામાં બહું ગમ્યું હતું ને..? ચાલો આપણે બધાંયે પાછાં આપણાં ગામ જવું છે ?"
અને એણે તો તરત જ મોઢું ઉપર નીચે હલાવી હા ભણી દીધી હતી. સુગંધનો દરિયો ઉમટી આવ્યો હોય એમ વાતાવરણમાં ચારેકોર ખુશ્બુ ફેલાઈ ગઈ હતી.

"હા અમ્મા તમે મારા મનની વાત કહી દીધી. અહીં રહીને એનું એ જ વાગોળી વાગોળીને ફરીથી એ દુઃખમાંથી પસાર નથી થવું. દુઃખ દાયક ક્ષણો યાદ આવે ફરીથી એવી ક્ષણોમાં નથી જવું. એ સમયને ફરીથી યાદ નથી કરવો. મારા સપનાઓનાં અનેક રંગોમાં થોડાંક રંગો તમારા હોય છે ને મને શ્રદ્ધા છે એ કાયમ રહેશે. એમાં તમારા દીધેલાં સંસ્કારનું સિંચન છે."

સૌના ચહેરા પર ખિલખિલાટ સ્મિતની લહેરખી, ઊગતા સૂર્યના ફેલાતા કિરણની જેમ ટપલી મારી ગઈ. વિરાજ અને દિક્ષાએ પણ વતન પરત ફરવાની તૈયારી દર્શાવી દીધી હતી. એમની બેઉંની પણ પાછા ફરવાની ઇચ્છા સાંભળીને અમ્માના હ્રદયમાં રોમેરોમ રાજીપો વહી રહ્યો. કંકુ ભેગા ચોખા પણ ભીના થયા હતા ! જંગલને ઉગવા માટે કોઈ બંધન ક્યાં નડે છે? પથ્થર ફાડીનેય કૂંપળો ફૂટી નીકળવાની ઘટના ઘટે છે અને લીલોતરી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરે જ છે. એટલે જ વતનમાં જ હવે પછીનું જીવન વ્યતિત કરવાનું નક્કી કરીને વિરાજે પોતાની કમાયેલી તમામ પ્રકારની માલમિલકત અને બેંક બેલેન્સ ઈન્ડિયા ટ્રાન્સફર કરી અમેરિકામાંથી બધું સમેટી લીધું હતું.

સ્નેહનું દસ્તાવેજીકરણ કરવું અત્યંત અઘરું કાર્ય છે. આખાં ઘરમાં સ્નેહનો ઓછાયો છવાઈ રહ્યો. એ જ તો કૂબો સ્નેહનો છે !

છેવટના નિર્ણયની ક્ષણોએ ખુશીથી રડતી આંખોમાં અજાયબ ચમકારો ભરી દીધો હતો.

વિરાજ અને મંજરી, અમ્માના કૂબામાંના સ્નેહના બે એક સરખા ભાગ. જાણે એક જ માણેક થંભના સોપારી ને સવા રુપિયે શોભતા લીલાછમ્મ કપૂરી બે ભીના ભીના પાન !

મોટા મોટા સપના અને મોટી મોટી ખુશીઓ પામવાની હોડમાં ઘણું બધું ગુમાવવું પડે છે. વિદેશમાં જ ખુશીઓનો ખજાનો નથી કે ત્યાંજ જીવનનો કોઈ નક્શો નથી હોતો. એ સમજવામાં વિરાજને વીસ વર્ષ નીકળી ગયાં. અમ્મા જેવો સ્નેહનો કૂબો હશે તો ઉગરી જવાશે બાકી દુઃખોના પડાવોમાંથી પસાર થઈને આખી જિંદગી નીકળી જાય છે. વાતો, યાદો, હાસ્ય, સ્મૃતિને ઉલેચી ઉલેચીને ખુશીઓનું લોલક, સ્નેહથી ભરેલો કૂબો રક્ષણ આપે છે.

જીવનના પાઠ્યપુસ્તક બહારના પૂછાતા દરેક પ્રશ્નોના જવાબો અડગ વિશ્વાસ અને અમીના ઓડકારમાં જ મળી જતાં હોય છે. એ અમ્માએ સાબિત કરી બતાવ્યું હતું.

કહેવાય છે કે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ છે‌‌, પણ એ છોડીને વિરાજ અને દિક્ષા ગુજરાતના મહેસાણા જિલ્લાના લપકામણ નામના નાનકડા ગામડાંમાં સ્વર્ગથી પણ સુંદર જીવન જીવવા લાગ્યાં હતાં.©®

-સમાપ્ત
-આરતી સોની

જેણે આખી વાર્તા વાંચી હોય તમને કેવી લાગી પ્લીઝ ખાસ આપનો એક રિવ્યૂ આપવા વિનંતી છે. હું પણ શીખી જ રહી છું એટલે મને પ્રેરણા મળશે. છેક સુધીના આપ સહુના સાથ સહકારની હું ખૂબ ખૂબ આભારી છું.. -આરતી સોની..🙏