Menka - Ek Paheli - 12 books and stories free download online pdf in Gujarati

મેનકા - એક પહેલી - 12




મેનકા તુષારની લોહીમાં લથપથ લાશ જોઈને ખૂબ જ ડરી ગઈ. તેની ચીસ સાંભળીને નીચે હોલમાંથી બધાં લોકો ઉપર તુષારના રૂમમાં આવી પહોંચ્યા. તુષારના ઘરનાં એક વેઈટરે તરત જ કોલ કરીને પોલિસને બોલાવી લીધી.

પોલિસ આવીને તુષારનો રૂમ ચેક કરવા લાગી. આ વખતે પણ પોલિસને હાથ કોઈ સબૂત લાગ્યું નહીં. ત્રણ ત્રણ મર્ડર થયાં હતાં. પણ પોલિસ ખૂનીને શોધવામાં નિષ્ફળ રહી હતી. જે પોલિસની સૌથી મોટી હાર સાબિત થઈ હતી.

"તમને કોઈ ઉપર શંકા છે?? બંને મર્ડર વખતે તમે બંને જગ્યા પર મૌજુદ હતાં. તો કદાચ તમે એવું કંઈ જાણતાં હોય. જે અમારી ખૂની સુધી પહોંચવામાં મદદ કરી શકે." પોલિસે મેનકાને પૂછ્યું. પોલિસના સવાલો સાંભળીને મેનકાએ એક ઉંડો શ્વાસ લીધો.

"નહીં, મને એવી કોઈ જાણકારી નથી. ઈનફેક્ટ હિમાંશુ જાદવના મર્ડર વખતે મેં ખુદ જ તમને કોલ કર્યો હતો." મેનકાએ પોતાને મર્ડર અંગે કોઈ જાણકારી નથી. એવું પોલિસને જણાવી દીધું. પોલિસ તુષારની લાશને ફોરેન્સિક લેબમાં મોકલીને જતી રહી.

પોલિસના જતાં જ બધાં પોતપોતાની ઘરે જવા નીકળી ગયાં. મેનકા પણ ઘરે જવા માટે પોતાની કાર તરફ આગળ વધી. બધાં તુષારના ઘરની બહાર હતાં. પણ હિતેશ ક્યાંય નજર આવતો ન હતો. મેનકા તેને શોધવાં અંદર જતી હતી. એ સમયે જ હિતેશ તેને બહાર આવતો દેખાયો. મેનકા તેની સાથે વાત કરવા આગળ વધી. ત્યાં જ હિતેશ મેનકાની સામે જોયાં વગર જ પોતાની કાર લઈને નીકળી ગયો.

હિતેશે મેનકા સાથે વાત નાં કરી હોય. એ પણ આવી ગંભીર પરિસ્થિતિમાં... એવું પહેલી વખત બન્યું હતું. પણ કદાચ હિતેશ સતત બે લાશ જોયાં પછી ડરી ગયો હશે. એમ સમજી મેનકા પોતાની કારમાં બેસીને ઘરે જવા નીકળી ગઈ.

ત્રણ ખ્યાતનામ ડિરેક્ટરોના ઉપરાઉપરી મર્ડર થયાં હતાં. દર વખતે લાશની હાલત બધાંને વધું ડરાવી મૂકે એવી જોવાં મળતી હતી. મેનકા એ બધું વિચારીને આખાં રૂમમાં આમથી તેમ ચક્કર લગાવી રહી હતી. આખરે કંટાળીને રાતનાં ત્રણ વાગ્યે એ ખુરશી પર બેઠી. તેને ખુરશી પર બેઠાં બેઠાં જ ઉંઘ આવી ગઈ.

હિતેશ પણ તેનાં રૂમમાં બેસીને મર્ડર બાબતે જ વિચાર કરતો હતો. તેણે પોતાનાં જીન્સના પોકેટમાંથી કંઈક કાઢીને કબાટના લોકરમાં મૂકી દીધું. પછી તે ફ્રેશ થઈને બેડ પર આડો પડ્યો. હિતેશને ઉંઘ આવી. ત્યાં સુધીમાં સવારનાં પાંચ વાગી ગયાં હતાં.

મેનકા ઉઠીને ન્હાવા માટે બાથરૂમમાં જતી હતી. ન્હાતી વખતે તેનું ધ્યાન ડાબા હાથની અનામિકા આંગળી પર પડ્યું. જેમાં તેને કાર્તિકે પહેરાવેલી રિંગ ન હતી. મેનકા બાથરૂમની ફર્શ પર રિંગ શોધવાં લાગી. પણ તેને રિંગ ક્યાંય નાં મળી. મેનકા ફટાફટ નાહીને બહાર નીકળી. બહાર આવીને તે આખાં રૂમમાં રિંગ શોધવાં લાગી. પણ રિંગ ક્યાંય ન હતી. એ સમયે જ માલતિ મેનકાના રૂમમાં આવી.

"મેડમ, હિતેશ સર તમને મળવાં માંગે છે. તે બહાર ઉભાં તમારી રાહ જોવે છે." માલતિના મોંઢે હિતેશનુ નામ સાંભળીને મેનકાનુ ધ્યાન ભંગ થયું. તેનું ધ્યાન રિંગ પરથી હટીને હિતેશ પર ચાલ્યું ગયું.

"તેને પાંચ મિનિટ પછી અંદર મોકલી દેજે." માલતિ રૂમની બહાર જતી રહી. પછી મેનકા પોતાનાં કપડાં અને મૂડ બંને વ્યવસ્થિત કરીને તૈયાર થઈ ગઈ. એ સમયે જ હિતેશ તેનાં રૂમમાં આવ્યો.

"હાય, આમ અચાનક કેમ આવવાનું થયું??" મેનકાએ હિતેશને પૂછ્યું.

"તારી એક વસ્તુ મારી પાસે રહી ગઈ હતી. એ જ આપવા આવ્યો છું." હિતેશે આરામથી મેનકાના રૂમની ખુરશી પર બેસીને કહ્યું. વસ્તુ નામ સાંભળતાં જ મેનકાના હોશ ઉડી ગયાં. તેની નજર તરત જ તેનાં ડાબા હાથની અનામિકા આંગળી પર પડી. પણ હિતેશનુ ધ્યાન એ તરફ જાય. એ પહેલાં જ મેનકા ફરી સ્વસ્થ થવાનો ડોળ કરવાં લાગી. જ્યારે તેનાં ચહેરા પરનો ડર નાનું બાળક પણ કળી જાય એમ હતું.

"પૂછીશ નહીં?? કે તારી એવી કંઈ વસ્તુ છે, જે મારી પાસે છે??" હિતેશે મેનકાનો પરસેવાથી રેબઝેબ ચહેરો જોઈને પૂછયું.

"મારી બધી વસ્તુઓ મારી પાસે જ છે. છતાંય એવું કાંઈ હોય. તો તું જાતે જ કહી દે." મેનકાએ પરાણે શબ્દો ગોઠવીને કહ્યું.

મેનકાની વાત સાંભળીને હિતેશ ખુરશી પરથી ઉભો થયો. તેણે તેનાં જીન્સના પોકેટમાંથી એક રિંગ કાઢી. એ એ જ રિંગ હતી. જે કાર્તિકે મેનકાને પહેરાવી હતી.

"આ રિંગ તારી જ છે ને??" હિતેશે ખબર હોવાં છતાં મેનકાને પૂછ્યું.

"હાં, આ રિંગ મારી જ છે. પણ તને આ રિંગ ક્યાંથી મળી??" મેનકા રિંગ જોઈને ખુશ થઈ ગઈ. તેણે તરત જ હિતેશનો જવાબ સાંભળ્યાં વગર જ હિતેશના હાથમાંથી એ રિંગ લઈને કહ્યું. જે મેનકાની સૌથી મોટી ભૂલ હતી.

"આ મને તુષારના રૂમનાં વોશરૂમમાથી મળી. વોશરૂમના દરવાજાની પાછળ પડી હતી. જેનાં લીધે કોઈનું ધ્યાન એ તરફ નાં ગયું." હિતેશે આખી કહાની દોહરાવીને કહ્યું.

"હું તારી પાસે આવી ત્યારે કદાચ પડી ગઈ હશે." મેનકાએ સફાઈ આપતાં કહ્યું.

"નહીં, હું જ્યારે નીચે હોલમાં તારી પાસે ઉભો હતો. ત્યારે તે રિંગ પહેરી હતી. તેનાં પછી જ્યારે તું તુષારના વોશરૂમમા મારી પાસે આવી. ત્યારે જ તારાં હાથમાં રિંગ ન હતી. જેનો મતલબ સાફ છે, કે તું જ્યારે તુષાર સાથે તેનાં રૂમમાં આવી. ત્યારે જ તારી રિંગ તારાં હાથમાંથી નીકળી ગઈ હતી." હિતેશે થોડાં કડક શબ્દોમાં કહ્યું.‌ જાણે એ એમ કહેવા માંગતો હતો, કે તુષારનુ મર્ડર મેનકાએ કર્યું હતું.

"તું કહેવા શું માંગે છે?? જરાં સાફ સાફ કહીશ??" મેનકાએ થોડી અકળામણ સાથે પૂછ્યું.

"તું તુષાર સાથે તેનાં રૂમમાં ગઈ હતી. તો જ્યારે હું તુષારના રૂમમાં ગયો. ત્યારે તું બહારથી કેવી રીતે આવી?? તારે તો તુષારના રૂમમાં હોવું જોઈતું હતું." હિતેશે મેનકાના સવાલ સામે નવો સવાલ ફેંક્યો.

"તું કહેવા શું માંગે છે?? મેં તુષારનુ મર્ડર કર્યું છે એમ??" મેનકા હિતેશના સવાલોથી પરેશાન થઈ ગઈ હતી. જેનાં લીધે તે શું બોલી રહી હતી. તેનું તેને ભાન ન હતું.

"માત્ર તુષાર જ નહીં. માનવ મહેતા અને હિમાંશુ જાદવને પણ તે જ માર્યા છે. તેનું મારી પાસે કોઈ સબૂત નથી. પણ તુષારના મર્ડરનુ સબૂત મારાં હાથમાં છે." હિતેશે આક્રોશમાં આવીને કહ્યું.

મેનકા હિતેશની વાતો સાંભળીને આગળ કાંઈ બોલી નાં શકી. તેનાં હાથ-પગ ધ્રૂજવા લાગ્યાં હતાં. જે જોઈને હિતેશ થોડો ઢીલો પડ્યો. તેણે મેનકાને બેડ પર બેસાડી.

"આ રિંગ મને મળી. એટલે તું અહીં છે. પોલિસને મળી હોત. તો તું અત્યારે પોલિસ સ્ટેશનમાં હોત. તારાં મનમાં શું ચાલે છે. એ હું નથી જાણતો. પણ આ બધાં મર્ડર પાછળ તારું કોઈ કનેક્શન છે. એટલું હું જરૂર જાણું છું.

હું તને પસંદ કરું છું. તારાં માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર છું. એ તું સારી રીતે જાણે છે. તો જે હકીકત છે. એ આજે જ મને જણાવી દે." હિતેશે મેનકા સામે માંડીને વાત કરી. જેનાંથી મેનકાનો ડર થોડો દૂર થયો. તે ઉભી થઈને રૂમની બહાર જતી રહી.

"માલતિ, મારે બે દિવસ માટે બહાર જવાનું છે. તારું આજનું કામ પૂરું થઈ ગયું છે. તો તું હવે ઘરે જા." મેનકાએ એકદમ શાંતિથી માલતિને કહ્યું. માલતિ તરત જ કિચનમાંથી બહાર નીકળીને ઘરનો મુખ્ય દરવાજો ખોલીને બહાર જતી રહી.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED