મેનકા - એક પહેલી - 4 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેનકા - એક પહેલી - 4




મેનકાએ બીજાં લોકોને પણ બોલાવ્યાં હતાં. એ સાંભળીને હિમાંશુને થોડી નવાઈ લાગી. પણ તે મેનકા સાથે કામ કરવાનો હાથમાં આવેલો મોકો હાથમાંથી જવા દેવા માંગતો ન હતો. હિમાંશુ પરાણે ચહેરા પર સ્માઈલ લાવીને, મેનકા જે તરફ ઉભી હતી. એ તરફ ગયો.

"બહું સારું કામ કર્યું. બધાંને એકસાથે જ બોલાવીને." હિમાંશુએ અચાનક જ ચહેરા પરનાં હાવભાવ બદલીને કહ્યું.

"તો જે ચર્ચા કરવાની છે. એ કરી લઈએ. પછી મારે કામ છે." મેનકાએ ઉતાવળ દર્શાવતાં કહ્યું.

મેનકા બધાં લોકો સાથે સેટ પર રહેલી એક ઓફિસની અંદર જતી રહી. હિમાંશુ પણ પોતાની કિસ્મતને કોસતો બધાં લોકોની પાછળ ગયો.

હિમાંશુ બધાંને તેનાં રોલ વિશે સમજાવવા લાગ્યો. રોલ તો પહેલેથી જ નક્કી કરેલાં હતાં. સ્ક્રીપ્ટ પણ તૈયાર જ હતી. પણ હિમાંશુએ એમાં થોડાં બદલાવ કર્યા હતાં. જે વાત કોઈ પણ વ્યક્તિને પસંદ આવી ન હતી.

"સર, આ બદલાવની કોઈ જરૂર ન હતી. આપણે બસ શુટિંગ પર જ ફોકસ કરવાનો હતો." ફિલ્મમાં મેનકાના પ્રેમીનો રોલ કરી રહેલાં હિતેશે કહ્યું.

"તો હવે મારે શું કરવું જોઈએ, ને શું નહીં. એ તું મને સમજાવીશ એમ!?" હિમાંશુએ ચહેરા પર ખુશ થવાનો ડોળ કરીને, ગુસ્સામાં કહ્યું.

હિમાંશુની વાત સાંભળીને મેનકાએ હિતેશનો હાથ પકડી તેને ફરી ખુરશી પર બેસાડી દીધો. જે વાત હિમાંશુને બિલકુલ પસંદ નાં આવી.

"આજની ચર્ચા પૂરી. હવે એક-બે દિવસમાં શૂટિંગ માટે મળીશું." હિમાંશુ સ્ક્રીપ્ટ લખેલી ફાઈલ ટેબલ પર પછાડીને જતો રહ્યો.

"આનાં ઈરાદા મને સારાં નથી લાગતાં." હિતેશે મેનકાના કાનમાં કહ્યું. પણ મેનકાએ હિતેશની વાત અવગણી કાઢી.

હિતેશ મેનકાને મનોમન જ પસંદ કરતો. શુટિંગ દરમિયાન તો હિતેશે ઘણી વખત મેનકાને પોતાનાં દિલની વાત કહી હતી. પણ હકીકતમાં એ મેનકાને પોતાનાં દિલની વાત કહેતાં ડરતો હતો. હિતેશ હંમેશા મેનકાનુ ધ્યાન રાખતો. તે મેનકાને બને તેટલી ખરાબ માણસોથી દૂર રાખવાની કોશિશ કરતો. જે વાતની જાણકારી મેનકાને પણ હતી. છતાંય મેનકાએ હિતેશને ક્યારેય કાંઈ કહ્યું ન હતું.

મેનકા સેટ પરથી સીધી શોપિંગ મોલમાં ગઈ. ત્યાં જઈને તેણે કાર્તિક માટે એક ગિફ્ટની ખરીદી કરી. શોપિંગ પછી મેનકા પોતાનું મનપસંદ આઈસ્ક્રીમ ખાવાં માટે પહોંચી ગઈ. એ તેની હંમેશાંની આદત હતી. શોપિંગ પછી તેનું આઈસ્ક્રીમ નક્કી જ રહેતું.

કાર્તિક માટે ગિફ્ટ ખરીદીને, આઈસ્ક્રીમ ખાઈને મેનકા ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચીને તેણે કાર્તિકનુ ગિફ્ટ સંભાળીને તેનાં રૂમનાં કબાટમાં મૂકી દીધું. એ કબાટમાં એક આલ્બમ હતો. એ જોઈને મેનકાના ચહેરા પર સ્મિત આવી ગયું.

મેનકા એ આલ્બમ કબાટમાંથી લઈને, બેડ પર બેસીને એક પછી એક બધાં ફોટોગ્રાફ્સ જોવાં લાગી. એમાં મેનકાના નાનપણથી માંડીને મોટી થઈ. ત્યાં સુધીનાં બધાં જ ફોટોગ્રાફ્સ હતાં. દરેક ફોટોમાં તેની બહેન આરતી તેની સાથે હતી. એને જોતાં જ મેનકાની આંખો ભરાઈ આવી.

મેનકાને ફોટોગ્રાફ્સ જોતાં જોતાં જ ઉંઘ આવી ગઈ. રોજે ઘરથી શૂટિંગ અને શૂટિંગથી ઘર વચ્ચે મેનકા પીસાઈ ગઈ હતી. મેનકાનુ સપનું વકીલ બનવાનું હતું. પણ એક અણબનાવે તેને સેલિબ્રિટી બનાવી દીધી હતી.

હિમાંશુ પોતાનાં બંગલામાં બેઠો બેઠો એક પછી એક દારૂનાં ગ્લાસ ખાલી કરતો હતો. પાછલી રાતે પણ તેણે એ જ કામ કર્યું હતું. પણ એ રાત અને આજની રાતમાં માત્ર એટલો જ ફરક હતો, કે પાછલી રાતે તેણે મેનકાને મળવાની ખુશીમાં દારૂની મોજ માણી હતી. તો આજે મેનકાએ ખુદ જ તેનો આખો પ્લાન ખરાબ કરી નાંખ્યો. તેનાં પસ્તાવામાં એ દારૂ પીને બધી વાત ભૂલવાની કોશિશ કરતો હતો.

દારૂ પીધા પછી હિમાંશુ ફરી સોફા પર જ સૂઈ ગયો. મેનકાને મળવાનાં પાગલપનમા હિમાંશુ ખુદને જ તકલીફ આપી રહ્યો હતો. પણ એ વાત તે સમજી શકતો ન હતો.

સવારે જ્યારે હિમાંશુની આંખ ખુલી. ત્યારે હિમાંશુને ફરી પોતાની હાર યાદ આવી ગઈ. એ સાથે જ તેની આંખમાં લોહી દેખાઈ આવ્યું. તેણે ટેબલ પર પડેલો ગ્લાસ સોફા સામે રહેલી દિવાલ પર ફેંકીને તોડી નાંખ્યો.

"મારી ઈચ્છા તો હું પૂરી કરીને જ રહીશ. એ પણ એક અઠવાડિયાની અંદર..." હિમાંશુ પોતાની જાતને જ ચેલેન્જ આપીને રૂમમાં જઈને શાવર નીચે ઉભો રહી ગયો.

શાવર લીધાં પછી તૈયાર થઈને કોફીનો કપ હાથમાં લઈને તે ગાર્ડનમાં જતો રહ્યો. ત્યાં જઈને તેણે મેનકાને કોલ કર્યો. બે વખત કોલ કર્યા છતાં મેનકાએ કોલ રિસીવ નાં કર્યો. ગુસ્સામાં આવીને હિમાંશુએ પોતાનો મોબાઈલ પણ પછાડીને તોડી નાંખ્યો.

મેનકા સવારનાં નવ વાગવા છતાં પણ સૂતી હતી. આલ્બમને ગળે લગાવીને, સૂતેલી મેનકા એક નાની બાળકી જેવી લાગી રહી હતી. તેને જોતાં જ કોઈપણ તેનાં પ્રેમમાં પડી જાય. એટલે જ કદાચ તેણે બે વર્ષમાં જ સારી એવી કારકિર્દી અને લોકોનો પ્રેમ હાંસિલ કર્યો હતો. મેનકાની કિસ્મતને પણ કદાચ એ જ મંજૂર હતું, કે એ વકીલ નહીં પણ અભિનેત્રી બને.


(ક્રમશઃ)