પ્રગતિ ભાગ - 36 ( અંતિમ ભાગ ) Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 36 ( અંતિમ ભાગ )

" પ્રગતિ ભાગ - 36 "

આખરે થાકીને વિવેક અને પ્રગતિ પાળી પર દરિયાને જોતા બેસી ગયા. બંને વચ્ચે કેટલીયવાર સુધી મૌન રહ્યું એ પછી, " વિવેક..." પ્રગતિએ વિવેકની સામે જોયું, " હવે ? " પ્રગતિમાં અવાજમાં માર્દવ હતો. વિવેકએ કોઈ જ જવાબ આપ્યા વગર પ્રગતિના ખભ્ભે હાથ વીંટાળીને એને પોતાના આશ્લેષણમાં લઈ લીધી......

વ્હેલી સવારે સાત વાગ્યે એલાર્મ વાગ્યો ત્યારે પ્રગતિ એકબાજુ જોઈને ઊંઘી સૂતી હતી અને વિવેક એની બાજુમાં સૂતો હતો. અત્યારે સુધીમાં વિવેક પાંચેક વખત પ્રગતિને ઉઠાડવા માટે એને હાથ મારી ચુક્યો હતો પણ પ્રગતિ કોઈ પ્રતિભાવ નહતી આપતી.

" આઆ....." આખરે કંટાળીને વિવેકએ પ્રગતિને ધક્કો માર્યો અને પ્રગતિ બેડની બીજીબાજુ નીચે પડે એ પહેલાં વિવેકએ એનો હાથ પકડી લીધો....

" આટલી વહેલું ઉઠીને શું કરવું છે....? " પ્રગતિ અકળાય.

" આપણે પાછા જઈએ છીએ....અગિયાર વાગ્યે ફ્લાઇટ છે....અહમદવાદ પહોંચીને પહેલા સીધા કોર્ટ જઈને અમુક ફોર્માલીટીઝ પુરી કરવાની છે અને પછી સીધું ઘરે....." વિવેકએ કહ્યું.

" વ્હોટ...!? "વિવેકની વાત સાંભળીને પ્રગતિની ઊંઘ ઊડી ગઈ. એ બિસ્તર પર બેઠી થઈ ત્યારે એનું ધ્યાન પડ્યું કે એણે ફક્ત વિવેકનું ટી - શર્ટ જ પહેરી રાખ્યું હતું. એણે બાજુમાં પડેલા બ્લેન્કેટથી પોતાના પગ ઢાંકયા....

" હવે શું છુપાવે છે....? " વિવેકને ટીખળ સુજી. પ્રગતિએ એની વાત પર બહુ ધ્યાન ન આપ્યું, " એમ નહિ....આર યુ સિરિયસ....? આઈ મીન... "

વિવેકએ એને વચ્ચેથી જ અટકાવી, " ઓફકોર્સ...." એણે પ્રગતિનો હાથ પકડીને પોતાની નજીક ખેંચી, " જો તે ઓલરેડી મને બહુ રાહ જોવડાવી છે, પણ તને અનુભવ્યા પછી મારા માં હવે વધુ રાહ જોવાની ધીરજ નથી સમજી. " વિવેકના ચહેરા પર તોફાની સ્મિત હતું, " જા તૈયાર થા. તને વધુ વાર લાગશે. " વિવેક ફરીથી બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયો.

બધું કામ પતાવીને વિવેક અને પ્રગતિ ઘરે પહોંચ્યા ત્યારે સુમિત્રાએ બંનેનું સ્વાગત કર્યું. પ્રગતિ મહારાજને પગે લાગી ત્યારે, " કોણ જાણે મને કેમ એવું લાગતું હતું કે તું હવે પાછી નહિ આવે....! " એમણે કહ્યું. પ્રગતિ ઉભી થઇ. બંનેની ભીની આંખો વચ્ચે એક શ્રેષ્ઠ સંવાદ થયો. મહારાજએ હાથ જોડીને મનોમન પ્રાર્થના કરી, " ઈશ્વર કૃપા....તે મારી દીકરીને પાછી મોકલી માટે તારો ખૂબ ખૂબ આભાર. "

ઘેર આવ્યાના થોડા દિવસ બાદ જ વિવેકનો બર્થડે આવાનો હતો. રજત અને શ્રેયા વિવેકની સરપ્રાઈઝ પાર્ટીની તૈયારીઓ કરવા માટે પ્રગતિની મદદ કરી રહ્યા હતા. બંસલ મેન્શનમાં ઉપર એક વિશેષ બેઠક માટે તૈયાર કરેલા મોટા ઓરડામાં ત્રણેય જણ તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે રજતએ અચાનક જ પ્રગતિના વાળમાં ભરાવેલુ કલ્ચ પકડીને એને પાછળથી ખેંચી. પ્રગતિએ હાથમાં પકડેલું નાનકડું પીલો રજત પર છૂટું ફેંક્યું, " તું મારી મદદ કરવા આવ્યો છે કે મારું લોહી પીવા....." એક સકેન્ડ અટકીને એણે શ્રેયા સામે જોયું, " જોઈ લે જે હં તું...આ ઈડિયટને પ્રેમ કરીને ભૂલ નથી કરીને ક્યાંક..." એ હસી.

" ભૂલ હોય તો પણ એ તો થઈ ચૂકી છે...." શ્રેયાએ કહ્યું.

" ઑય હોય..." પ્રગતિએ રજતને આંખ મારી.

શ્રેયા એક બાવીસ વર્ષની સામાન્ય છોકરી હતી. એક મિડલ કલાસ ફેમેલીમાંથી આવતી હોવાને કારણે આ ઉંમરે રોજ રોજ એના ઘરમાં એને પરણાવીને સેટેલ કરવા માટેની ચર્ચાઓ ચાલતી તો સામે રજતને પ્રેમમાં કે કોઈ સ્ત્રી સાથે સબંધ બાંધવામાં જરા પણ રસ નહતો. ઘરમાં એક તદ્દન નકામો કહી શકાય એવો સબંધ જોયા પછી એ ક્યાંક ને ક્યાંક આ બાબતથી ડરતો હતો. એ તો શ્રેયાને મળવા પણ નહતો માંગતો પણ પ્રગતિ એને હંમેશા જિંદગીમાં આગળ વધવા સમજાવતી. તું એને એક બે વાર મળ તો સહી.... પ્રગતિ હંમેશા કહેતી અને બસ માત્ર એની વાતનું માન રાખવા માટે રજત આમાં જોડાયો હતો પણ ઘણીવાર એ શ્રેયાનો પોતાનામાં રહેલો વિશ્વાસ અને પ્રેમમાં રહેલી શ્રદ્ધા જોઈને ડઘાય જતો. એ જાણતો હતો કે શ્રેયાના ઘરમાં એને લઈને રોજ રોજ નવી નવી વાતો થાય છે છતાં એ છોકરી રજત પર કોઈ દબાણ ન કરતી કે ન કોઈ બિનજરૂરી જીદ કે ઝઘડા કરતી. એ રજતને પૂરેપૂરો સમય આપવા ઇચ્છતી હતી. એને કોણ જાણે કેમ રજતની ચમકતી રાખોડી આંખોમાં વ્હાલનો દરિયો દેખાતો. પોતાના ઘરમાં રહેલી પરિસ્થિતિઓને કારણે એ ક્યારેક થાકી જતી તો પ્રગતિ સાથે વાત કરતી. પ્રગતિ એને પણ જુદી જુદી રીતે સમજાવાના પ્રયત્ન કરતી.....

ઘણું ખરું કામ કરાવ્યા પછી શ્રેયાએ પ્રગતિને પોકાર્યું, " પ્રગતિમૅમ, હવે કંઈ કામ છે ? નહીંતર હું ઓફિસે જાવ. વિવેક સરને કોઈ ડાઉટ ન જાય એ માટે મેં માત્ર અડધા દિવસની જ રજા લીધી છે...."

" રે ને....શું જરૂર છે ઓફિસ જવાની..." રજતએ કહ્યું તો ખરી પણ પછી પોતે આવું શું કામ બોલ્યો એ સવાલ પોતાની જાતને જ પૂછવા લાગ્યો.

" જવું પડશે..." શ્રેયાએ સ્મિત કરીને આગળ ઉમેર્યું, " અને હું રાતે પણ નહીં આવી શકું. સોરી....હું નથી ઇચ્છતી કે કોઈ વાત શરૂ થતાં પહેલાં જ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય."

પ્રગતિ એની નજીક ગઈ, " હું વાત કરું ઘરે ? " એણે પૂછ્યું. શ્રેયાએ ડોક ધુણાવીને ના પાડી. બે ત્રણ મિનીટ શ્રેયા સાથે વાત કર્યા પછી પ્રગતિએ રજતને કહ્યું, " રજત, આને ઓફિસ મૂકી આવ. "

" ના.... હું જતી રહીશ. " શ્રેયા રજતની નજીક ગઈ. " બાય...." કહીને એ સડસડાટ બહાર નીકળી ગઈ...

રાત્રે બરાબર બાર વાગ્યે પ્રગતિના સમજાવ્યા મુજબ સુમિત્રા વિવેકને પટાવીને ઉપર લઈ આવ્યા.....ઓરડાનો દરવાજો ખોલતા જ વિવેકને જુદા જુદા અવાજો વાળી ચીસો સંભળાય, " હેપ્પી બર્થડે....." અભય, રોહિત, રજત, આયુ, ડોલી અને પ્રગતિ બધા જ એકસાથે બોલી ઉઠ્યા. વિવેક ડઘાય ગયો. પ્રગતિ કોઈ પણ ની શરમ રાખ્યા વગર એને ગળે મળી, " હેપી બર્થડે...." પ્રગતિને પોતે આપેલી બ્લેક સાડીમાં જોઈને વિવેકની ખુશી બમણી થઈ ગઈ. થોડી જ વારમાં ત્યાં મહારાજ પણ પહોંચ્યા અને એમની પાછળ સૌ ના અનહદ આશ્ચર્યની વચ્ચે સુબોત બંસલ પણ આવ્યા. વિવેક આભારવશ નજરે પ્રગતિ તરફ જોઈ રહ્યો. વડીલોની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે કેક કટિંગ થયું. પાંચ સાત મિનિટ રહીને, દીકરાને જન્મદિવસની શુભકામનાઓ આપીને સુબોત ત્યાંથી જતા રહ્યા. થોડીવાર પછી સુમિત્રાની પાછળ મહારાજ પણ જતા હતા ત્યારે પ્રગતિએ એમને અટકાવ્યા, " તમે કેમ જાવ છો ? "

" ધૈર્યનું ધ્યાન રાખવા કોઈ ઘરની વ્યક્તિ જોઈએ બેટા.... " એમ કહીને સુમિત્રા ત્યાંથી નીકળી ગયા. પ્રગતિએ મહારાજની સામે જોયું, " મારે વહેલા ઉઠીને પાઠ કરવાના હોય...." એમણે પ્રગતિના માથે હાથ મુક્યો, " તમે બાળકો મજા કરો દીકરા...." એ સ્મિત આપીને જતા રહ્યા.

એમના ગયા પછી પ્રગતિએ વિવેકના ફેવરિટ જુના ગીતોની સીડી વગાડી અને રજતએ શેમપેઈનની બોટલ ખોલીને એને હવામાં ઉછાળી. બધા જ વાગી રહેલા મ્યુઝિક સાથે પોતપોતાની રીતે તાલ મેળવતા નાચી રહ્યા હતાં. રજત વિવેકના કૅમરામાં સરસ મજાના ફોટોઝ લઈ રહ્યો હતો.

" શ્રેયા કેમ ન આવી ? " લાઉડ મ્યૂઝિકની વચ્ચે વિવેકએ રજતના કાનમાં જોરથી પૂછ્યું.

" એના ઘરે ખબર નથી...." રજતએ કહ્યું.

" ચલા જતા હું કિસી ધૂન મેં...બદલ તે દિલ કે તરાને લીએ, મિલન કી મસ્તી તેરી યાદો મેં , હઝારો સપને સુહાને લીએ.... નનન ના ન નના...." થોડીવાર પછી વિવેક અને પ્રગતિ આ ગીત પર હસી હસીને મસ્તી કરતા કરતા કપલ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે સામે સોફા પર બેઠેલો રજત બંનેને જોઈ રહ્યો હતો. પ્રગતિને જોતા જોતા અચાનક જ એની આંખોના ખૂણા ચમક્યા. કોઈને ખબર ન પડે એમ પોતાની આંખો સાફ કરતો એ બાલ્કનીમાં જતો રહ્યો....

આયુ રજતની પાછળ ગઈ. એણે પાછળથી રજતના ખભ્ભા પર હાથ મૂકીને એને સહેજ દબાવ્યો, " તમે મોડા પડ્યા હતા રજતભાઈ....." એણે કહ્યું.

" શું ? કંઈ પણ બોલે છે...." રજતએ અજાણ્યા થવાનો ડોળ કર્યો. આયુએ બંને હાથ વાળીને ત્યાં રહેલી રેલિંગ પર ટેકવ્યા, પગને ક્રોસમાં ગોઠવીને પુરા કોન્ફિડન્સ સાથે પૂછ્યું, " ક્યાં સુધી જાતને છેતરશો....? " આયુના ચહેરા પર એક અકળ સ્મિત હતું. આયુનો આત્મવિશ્વાસ જોઈને રજતએ હથિયાર હેઠાં મૂકી દીધા, " અચ્છા....ઠીક છે....હવે જાણી જ ગઈ છે તો એક વાત સમજી લે..." રજત સહેજ અટક્યો, " અમુક સંબંધો અમુક હદ સુધી જ રહે ને તો જ પોતાના લાગે...." એણે એક સોહામણું સ્મિત કર્યું, " દોસ્તી, પ્રેમ અને લગ્નનું સુખ દરેકને એક સ્થાનેથી નથી મળતું...." એણે આયુ સામે જોઇને એના ગાલ પર એક થાપ મારીને આગળ ઉમેર્યું, " તું લક્કી છે......સાચવજે...." આયુએ ડોક ધુણાવી. રજત અને આયુની પાછળ એમને અંદર બોલવા માટે આવેલો વિવેક બંનેની વાતો સાંભળીને દરવાજે જ અટકી ગયો....

" પ્રગતિ અને રજતએ સામસામે બેસીને ક્યારેય આ વાતની ચર્ચા નથી કરી છતાં બંનેને એકબીજા પ્રત્યે કેટલું સન્માન અને સ્પષ્ટતા હતી." વિવેકને મનોમન વિચાર આવ્યો. એને બે મિનિટ માટે આવી ગજબ દોસ્તી પર ઈર્ષા થઈ આવી....વધુ એક ક્ષણ પણ ત્યાં રોકાયા વગર આયુની નજર એના પર પડે એ પહેલાં જ એ જેમ આવ્યો હતો એમ જ ત્યાંથી જતો રહ્યો.

લાંબીચુપકીદી પછી આયુએ કહ્યું, " ચાલો તમારી વાત માન્ય....પણ જેટલું સુખ હાથવેંતમાં છે એને તો જતું ન જ કરવું જોઈએ...." રજતે આયુની સામે જોયું, " શું કહેવા માંગે છે ? " એણે પૂછ્યું. આખરે આયુએ એક ઊંડો શ્વાસ લઈને રજતના રેલિંગ પર પડેલા હાથ પર પોતાનો હાથ મુક્યો, " શ્રેયા એક સારી છોકરી છે....." આટલું કહીને આયુ ત્યાંથી નીકળી ગઈ. રજત એને જતી જોઈ રહ્યો....એને આ વાત પર વિશ્વાસ જ નહતો બેસતો કે જે ઢીંગલીને એણે પોતાના ખોળામાં ઊંચકીને રમાડી હતી એ જ આજે એને જિંદગીની એક સમજ આપીને જતી રહી હતી.....જેની જ્યારે ને ત્યારે ચોકલેટ ખાવાની જીદ એણે પુરી કરી હતી, પુરેપુરા લાડ લડાવ્યા હતા એ છોકરી, એ ઢીંગલીએ આજે ઊંડે ઊંડે ક્યાંક એના અંતરમાં ઘુમરાતી એક વાત શોધી કાઢી હતી જે ખુદ એની નાનપણની પ્રિય મિત્ર પણ સમજી નહતી શકી અથવા તો સમજી શકે એમ નહોતી. રજતને નવાઈ લાગી, " સ્ત્રી જ્યારે મા બનતી હશે ત્યારે વધુ સમજદાર થઈ જતી હશે....! " એને મનોમન વિચાર આવ્યો. બે ક્ષણ એમ જ રહ્યા બાદ એ ફરી ઊંધો ફરીને રાતની નીરવ શાંતિના તોફાનમાં ખોવાય ગયો.....

પુરા ત્રણ કલાક નાના બાળકોની જેમ ધીંગામસ્તી કરીને બધા થાક્યા હતાં. આખરે વિવેકએ સાઉન્ડ સીસ્ટમ બંધ કરીને આસપાસ અછડતી નજર ફેરવી તો એને દેખાયુ કે અભય અને ડોલી આટલા સમય પછી પણ જાણે નવા નવા લગ્ન થયા હોય એમ એકબીજામાં ઓતપ્રોત હતા, રોહિત આયુને સુમિત્રાએ ખાસ એના માટે આપેલું ભોજન એને પ્રેમથી ખવડાવી રહ્યો હતો અને ઓરડાની વચ્ચોવચ આવેલા સોફામાં રજત લંબાયેલો હતો. એના હાથમાં મોબાઈલ હતો. એના ચહેરાના સતત બદલાતા રંગને જોઈને કોઈ પણ કહી શકતું હતું કે એ ચોક્કસ શ્રેયા સાથે વાત કરી રહ્યો હતો.

આયુની વાત સમજ્યા પછી રજતને લાગ્યું કે કદાચ આ સંબંધને એક મોકો ન આપીને એ પોતાની સાથે સાથે શ્રેયાને પણ અન્યાય કરી રહ્યો છે એટલે વધુ કંઈ જ ન વિચારતા એણે તરત જ શ્રેયાને મૅસેજ કર્યો, " શ્રેયા, હું જાણું છું કે તારા મનમાં મારા પ્રત્યે ઘણી જ લાગણીઓ છે....આજે આ સમયે હું તને વચન નથી આપતો પણ હું કોશિશ કરીશ કે તારી લાગણીઓની માવજત કરી શકું. હું હવે આ સંબંધમાં આગળ વધારવા માટે તૈયાર છું....." શ્રેયાએ તરત જ એનો મૅસેજ જોઈને એકસાથે ઘણા બધા હેપી ફેસીસ મોકલી આપ્યા....

" તો કાલે મળીએ ? " રજતએ કહ્યું.

" ચોક્કસ " શ્રેયાએ રીપ્લાય કર્યો. ત્યારબાદ બંને કેટલીયવાર સુધી ચેટ કરતા રહ્યા.....

વિવેકએ બધા પર અછડતી નજર કરી તો એને આસપાસ ક્યાંય પ્રગતિ ન દેખાય એ એને શોધતા શોધતા બાલ્કનીમાં પહોંચ્યો ત્યારે પ્રગતિ ત્યાં રહેલી બેઠક પર ચુપચાપ બેઠી હતી. વિવેક એની સામે હૅમોક પર ગોઠવાયો, " બસ....આવો ખાલી ખાલી બર્થડે એમ ને...."

પ્રગતિ વિવેકની વાતનો અર્થ સમજી ગઈ, " તમારી વિશેષ ભેટો માટે હજી કાલનો દિવસ પડ્યો છે...." એણે એક બગાસું ખાધું, " આઈ એમ સો ટાયર્ડ નાઉ...."

" એમ નહિ....મારે આજે જ જોઈતી હોય તો ? " વિવેકની વાત સાંભળીને પ્રગતિએ આંખના ઇશારાથી એને બાજુમાં આવવા કહ્યું. વિવેક હરખાયને એની બાજુમાં ગોઠવાયો ત્યારબાદ પ્રગતિએ એની સામે જોઇને કહ્યું, " નહીં મળે....." પ્રગતિ વિવેકના ખોળામાં તક્યો મુકીને એના પર માથું રાખીને સુઈ ગઈ, " ગુડ નાઇટ...." વિવેક પણ હસીને ત્યાં જ પાછળની દિવાલને ટેકો દઈને સુઈ ગયો.....

વહેલી સવારે સુમિત્રા ઉપરના ઓરડામાં આવ્યા ત્યારે રજત સોફા પર ઊંધો સુઈ રહ્યો હતો, એનો એક હાથ સોફાની નીચે લટકતો હતો અને ત્યાં જ એનીબાજુમાં એનો સેલ પડ્યો હતો, એની બાજુના સોફા પર આયુ સૂતી હતી અને એની ચુંદડીને વાળીને એનો તક્યો બનાવામાં આવ્યો હતો જેની ઉપર રોહિત માથું રાખીને જમીન પર બેઠા બેઠા જ સુઈ ગયો હતો. આ બાજુ એક ખૂણામાં ડોલી અભયના ખભ્ભા પર માથું ઢાળીને સૂતી હતી. સામેની કૉફી ટેબલ પર વધેલી કેકને ઢાંકીને રાખવામાં આવી હતી એ સિવાય આખા ઓરડામાં પીઝાના ખાલી ખોખા અને કોકના કેન્સ આમ તેમ રખડતા હતા. સુમિત્રાએ આયુ માટે જે દાળ ભાત નો બાઉલ આપેલો હતો એ ટેબલ પર ખાલી થયેલો પડ્યો હતો. સુમિત્રાએ આસપાસ નજર કરી તો સામેની સ્લાઈડિંગ વિન્ડોમાંથી એને બાલ્કનીમાં સુતેલા વિવેક અને પ્રગતિ પણ દેખાયા. સૌ ના ચહેરા પર બાળક સમી માસૂમિયત અને પાંચ વર્ષના છોકરાઓની જેમ કરેલી ગંદકી જોઈને સુમિત્રાને હસવું આવી ગયું. સુમિત્રાના અવાજથી એમની નજીકમાં સુતેલી આયુ તરત જ એક જાટકા સાથે બેઠી થઈ, " ધૈર્ય ઉઠી ગયો ? " એણે ઉઠતાંવેંત જ પૂછ્યું.

" બસ તૈયારી જ છે....એટલે જ બોલવા આવી છું. નીચે મુગ્ધાના રૂમમાં સુવડાવ્યો છે..." આયુ તરત જ સોફા પરથી ઉતરીને પોતાની ચુંદડી ખેંચીને ફટાફટ નીચે ઉતરી ગઈ..." અરે...." રોહિતના માથા નીચેથી આયુની ચુંદડી ખેંચાય એટલે એનાથી રાડ પડાય ગઈ. ઓરડામાં થયેલા શોરબકોરથી ધીમે ધીમે બધા જ જાગવા લાગ્યા. બાલ્કનીમાંથી વિવેકની પાછળ પ્રગતિ પણ ઊંઘરેટી હાલતમાં અંદર આવી.

" ચાલો અમે નીકળીએ...." અભયે કહ્યું.

" અરે ના ના....નાસ્તો કર્યા વગર હું કોઈને હલવા પણ નથી દેવાની...." કહીને સુમિત્રા સહેજ અટક્યા, " અભય તું એક કામ કર ડોલીને ગેસ્ટરૂમમાં લઈ જા, રોહિત તું આયુ પાસે જા, રજત તું મારી સાથે આવ અને તમે બંને પોતાના રૂમમાં જાવ....થોડીવાર આરામ કરી, ફ્રેશ થાવ પછી બ્રેકફાસ્ટ પર મળીએ....હું જરા અહિયાં સફાઈ કરાવી લવ...."

" અરે....એવી જરૂર નહીં....તમે બધા અમારા રૂમમાં જ ચાલો. " એક બગાસું ખાતા ખાતા પ્રગતિએ કહ્યું.

" ના.....આઈ મીન...અ બ..." વિવેકને સૂયું નહિ કે એને શુ કારણ આપવું....? વિવેકનું ઇમીડિયેટ રિએક્શન જોઈને બધા હજુ કંઈ સમજવાની કોશિશ કરે એ પહેલાં જ રજત વિવેકના ઈરાદા કળી ગયો. એ એકવાર નીચું જોઈને મૂછમાં હસ્યો પછી, "ચાલો કાકી...." સુમિત્રાના ખભ્ભે હાથ વીંટાળીને એમને ત્યાંથી લઈ ગયો. બાકી બધા પણ સુમિત્રાના કહ્યા મુજબ બંસલ મેન્શનમાં ગોઠવાય ગયા....

પ્રગતિ અને વિવેક રૂમમાં પહોંચ્યા ત્યારે પ્રગતિ વિવેકને ભેટીને ઊંઘી રહી હતી, " પ્રગતિ, ઓ પ્રગતિ....."

" હં.....હા " પ્રગતિ વિવેકથી અળગી થઈ, " હું ચેન્જ કરી આવું...." પ્રગતિ જતી જ હતી કે વિવેકએ એનો હાથ પકડીને પાછી ખેંચી, " જરૂર નથી...."

" શું તમે પણ...." પ્રગતિ ફરી વિવેકને ભેટી પડી.

" પ્રગતિ " વિવેકએ કહ્યું.

" હમમ....." પ્રગતિ હજુ પણ ઊંઘમાં હતી.

" યુ વોન્ટ ટુ સ્લીપ મોર ? " વિવેકએ પૂછ્યું.

" હમ..." પ્રગતિનો અવાજ હવે સાવ ધીમો હતો.

" ઓહકે....ફાઈન...." વિવેકએ પ્રગતિને ઊંચકીને બેડ પર વ્યવસ્થિત સુવડાવી.....

પહેલા મહેમાનો પછી રસોઈ અને ત્યારબાદ ઘરનું થોડુંઘણું કામ પતાવીને પ્રગતિ બપોરે થોડો આરામ કરવા માટે પોતાના રૂમમાં ગઈ ત્યારે વિવેકને કમરાની બહાર જોઈને એ નવાઈ પામી.

" તમે ક્યારે આવ્યા ? " એણે પૂછ્યું.

" તારા માટે એક સરપ્રાઈઝ છે....." વિવેકએ પ્રગતિની આંખો પોતાના હાથથી બંધ કરી, " અરે...પણ " એ પ્રગતિને અંદર લઈ ગયો. પ્રગતિએ આંખો ખોલી ત્યારે એને રૂમમાં પ્રવેશતા જ સામેની દીવાલ પર તરત જ દેખાય એવો આઠ બાય દસની ફ્રેમમાં મઢાવેલો પ્રગતિનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો દેખાયો. બહુ ધ્યાનથી જોતા પ્રગતિને ખ્યાલ આવ્યો કે આ ફોટો રજતના ઘરના સોફા પર પાડેલો હતો જેમાં પ્રગતિ પોતાના દાંત બતાવીને હસી રહી હતી.

" વાહ....! " પ્રગતિનું મોં ખુલ્લું રહી ગયું. " હજુ આમ ફર...." વિવેકએ પ્રગતિને પકડીને ઊંઘી ફેરવી. સામેની સ્ટડી ટેબલની બાજુની ખાલી દીવાલ પર એક દોરીમાં બાંધીને પ્રગતિના જુદા જુદા ફોટોઝ ગોઠવવામાં આવ્યા હતાં.....એક ફોટામાં પ્રગતિ બગીચામાં છોડ રોપવા બેઠી હતી, એકમાં બંને હાથમાં એક એક ચમચો લઈને એ રસોડામાં મહારાજને ડાન્સ શીખવતી હતી. એક ફોટામાં પ્રગતિ કોઈ બર્ફીલા પ્રદેશમાં પહાડોની વચ્ચે ઘાટા ભૂરા રંગનું કોસ્ટયુમ પહેરીને જાણે એને બહુ જ ઠંડી લાગતી હોય એવા પોઝમાં ફોટો પડાવતી હતી તો એકમાં પ્રગતિએ ફેશન હાઉસ જોઈન્ટ કર્યું એના બે મહિનાની અંદર જ એને બેસ્ટ ડિઝાઈનરનો એવોર્ડ મળ્યો હતો એની સ્મૃતિ હતી. આવા તો કેટલાય જુદા જુદા ફોટા ત્યાં ગોઠવવામાં આવ્યા હતા.

પ્રગતિ ફોટા જોઈ રહી હતી ત્યારે પાછળથી વિવેકએ એની કમરમાં હાથ નાખ્યો અને મોઢું એના ખભ્ભા પર ટેકવ્યું, " તારા પપ્પા મને કહેતા હતા કે મારી છોકરીને જીવતા શીખવાડજો.....એમને તો ખબર જ નથી કે એમની દીકરીને મારા કરતાં સારી રીતે જીવતા આવડે છે...." વિવેક હસ્યો.

" આ....આ બધું ક્યાંથી ? " પ્રગતિએ પૂછ્યું.

" થોડાક પાડ્યા છે અને થોડાક શોધવાની મહેનત કરી છે....." વિવેકએ કહ્યું.

" ઓહ માય ગોડ....થેન્કયું સૉ મચ...." પ્રગતિની આંખો પલળી ગઈ.

" હજુ આમ તો આવ...." વિવેક પ્રગતિને બેડરૂમ તરફ લઈ ગયો. બેડરૂમની દીવાલ પર એણે પોતાનો અને પ્રગતિનો લગ્નનો એક ફોટો સજાવ્યો હતો....

" આ એક જ ફોટામાં તું હસતી હતી...." વિવેકએ હસીને પ્રગતિની સામે જોયું. " આઈ લવ યુ " પ્રગતિ એને ભેટી પડી.

થોડા સમય બાદ આયુ અને રોહિત બેંગ્લોર શિફ્ટ થઈ ગયા. રજતએ જીવનમાં આગળ વધવાનો પોતાનો પ્રયત્ન માંડી રાખ્યો હતો. મહારાજ પોતાની નાનકડી વિરાસતમાં જ ખુશ હતા તો સુબોત બંસલ પોતાના રુવાબમાં. સુમિત્રા કોઈ પણ રીતે એમને ક્યાંય નડ્યા વગર પોતાના સમાજ સુધારણાના કાર્યો કરતા રહેતા. સમય જતાં વિવેક અને પ્રગતિનો સબંધ પણ મજબૂત બન્યો હતો. હવે ફેશન હાઉસ પ્રગતિ જ સાચવતી હતી જેથી વિવેકને ઘણી મદદ રહેતી હતી. એ હંમેશા પ્રગતિને કહેતો કે તારે મુંબઈ જઈને કામ કરવું હોય તો મને વાંધો નથી ત્યારે પ્રગતિ જવાબ આપતી કે ઘરની વાડી હોય ત્યારે બીજાના વાડામાં નોકરી કરવા થોડું જવાય....! ફેશન હાઉસને ઊંચાઈઓ પર લઈ જવું એ સુમિત્રા સાથે હવે પ્રગતિનું પણ સ્વપ્ન બની ગયું હતું.....

એકદિવસ વિવેક બેડરૂમમાં ઓફિસ જવા માટેની તૈયારીઓ કરતો હતો.....પ્રગતિ ડ્રેસિંગરૂમમાંથી ધીમા ડગલે જાણે જબરદસ્તી પગ આગળ વધારતી હોય એ સ્થિતિમાં શૂન્યમાં તાકતી બેડરૂમની સીડીઓ ચડી રહી હતી. વિવેકનું ધ્યાન એના પર પડ્યું. પ્રગતિની આંખો ભીની હતી અને ચાલ ધીમી. પ્રગતિ વિવેકની સામે આવીને ઉભી રહી....

" પ્રગતિ, શુ થયું ? " વિવેકએ પૂછ્યું ત્યારે પ્રગતિ બસ વિવેકની સામે જોઈ રહી.....એ અચાનક જ વિવેકને ભેટી પડી.

" પ્રગતિ યાર બોલ તો સહી શું થયું ? " વિવેકએ પ્રગતિને બાવડેથી પકડીને પોતાનાથી દૂર કરતો હતો. પ્રગતિ એનાથી અળગી થઈ. એણે ફરી વિવેકની આંખોમાં જોયું. પ્રગતિની આંખમાંથી આંસુના બે ટીપાં સરકી ગયા અને ચહેરા પર એક સ્મિત આવી ગયું....એ ફરી વિવેકને વળગી પડી, " તું તો મને ડરાવે છે યાર...." વિવેકનો અવાજ ધ્રુજી ગયો.

વિવેકને ભેટેલી પ્રગતિએ કહ્યું, " વિવેક...."એનો અવાજ ભીનો હતો. એ વિવેકથી થોડી દૂર થઈ, " વિવેક, આઈ....આઈ એમ પ્રેગ્નનેટ...." પ્રગતિના ચહેરા પર એક સોહામણું સ્મિત આવી ગયું.

" વ્હોટ....!? " વિવેક તરત જ નાના બાળકની જેમ પ્રગતિને ભેટી પડ્યો.....

શબ્દો અને લાગણીઓની શું રમત છે આ !
સંબંધો અને સ્નેહની કઈ લડત છે આ !
જ્યારે પળ વારમાં ક્ષણ બદલાય જાય છે.....ત્યારે થાય છે કે શું સમયચક્રની કોઈ ક્રૂર અદબ છે આ...!

સમાપ્ત.

- Kamya Goplani

( આપના સાથ, સહકાર અને પ્રોત્સાહન બદલ હું આપ સૌ વાચકમિત્રોની ખુબ ખુબ આભારી છું. આશા રાખું છું કે જલ્દી જ કોઈ નવી રચના હું આપ સૌ ની સમક્ષ પ્રસ્તુત કરી શકું. અહીં સુધી સાથ આપવા બદલ આપ સૌ ને ધન્યવાદ. 🙏🤗. )