Ego - 13 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 13

અહંકાર – 13

લેખક – મેર મેહુલ

દસ મિનિટ પછી સંકેત સ્ટોર રૂમમાં પ્રવેશ્યો. એ અંદર આવ્યો ત્યારે તેનાં ચહેરા પર પોલીસનાં નામનો ડર દેખાય રહ્યો હતો. તેનું શરીર જુદી જ રીતે પ્રતિક્રિયા આપી રહ્યું હતું એ વાતની ખાતરી, અંદર આવીને એનાં ઊભા રહેવાની સ્થિતિ આપતી હતી.

“ડરીશ નહિ સંકેત…અમે તને કંઈ નહીં કરીએ, અમે માત્ર હાર્દિક વિશે થોડા સવાલ પુછવા આવ્યા છીએ..” ભુમિકા સંકેતની કફોડી હાલત જોઈને કહ્યું.

“સામેની ખુરશી પર બેસી જા સંકેત..” જયપાલસિંહે પણ નરમાશથી કામ લીધું. સંકેત ખુરશી પર બેસી ગયો.

“તને હાર્દિક હેરાન કરતો હતોને ?” જયપાલસિંહે પૂછ્યું. સંકેતે હકારમાં માથું ધુણાવ્યું.

“કેવી રીતે હેરાન કરતો એ ?, કોઈ ઘટનાં યાદ હોય તો જણાવ..” ભૂમિકાએ પૂછ્યું. બંને વારાફરતી સવાલ પૂછતાં હતાં જેથી સંકેટનો ડર દૂર થઈ જાય.

“હાર્દિકસર નાની-નાની વાતોમાં મારી મજાક ઉડાવતાં” સંકેતે કહ્યું, “હું સવારે ઓફિસમાં આવતો એટલે તેઓ મને જુદા જુદા નામે મને બોલાવતાં, મારાથી કોઈ ભૂલ થાય તો તેઓ મને અભણ કહીને ચીડવતા અને રસ્તામાં તેઓ મને મળતાં ત્યારે તેઓ જાણી જોઈને મારી સાથે અથડાતાં અને મને ગાળો આપતાં..” સંકેતે વાત પૂરી કરી ત્યારે તેની અવાજ ધ્રુજવા લાગ્યો હતો.

“તું કોઈને ફરિયાદ ના કરતો ?” જયપાલસિંહે પૂછ્યું.

“આ જોબમાં હજી મારે બે મહિના જ થયા છે, હજી સુધી હું કોઈને સરખી રીતે ઓખતો પણ નથી સર..” સંકેતે કહ્યું.

“તો પણ તે કોઈને વાત તો કરી હશે ને ?”

“હા સર..મારા સિનિયર RO વિવેકભાઈ સાથે મેં વાત કરેલી..” સંકેતે કહ્યું.

“વિવેકભાઈએ શું કહ્યું હતું ?” ભૂમિકાએ પૂછ્યું.

“હાર્દિકસરની મજાક કરવાની આદત છે, શરૂઆતમાં જ્યારે વિવેકભાઈ નવા આવ્યા હતા ત્યારે હાર્દિકસર તેઓનું પણ આવી રીતે મજાક ઉડાવતાં, પછી ધીમે ધીમે બંને એકબીજાની ઓળખાણ થઈ એટલે હાર્દિકસર તેઓની મજાક ઉડાવતાં બંધ થઈ ગયા…એટલે મારે પણ હાર્દિસરની વાતો મનમાં લઈને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાંખવી એવી સલાહ વિવેકભાઈએ આપી હતી અને હું એવું જ કરતો…”

“ઓહ..” જયપાલસિંહે કહ્યું, “હાર્દિકનાં જન્મદિવસે પણ તેણે તારી મજાક ઉડાવી હતીને ?”

“હા સર…તેઓએ મારા નામ પર મજાક ઉડાવી હતી અને મને ગીત ગાઈને સંભળાવવા કહ્યું હતું..” સંકેતે કહ્યું.

“તો તે શું કર્યું હતું ?” જયપાલસિંહે પૂછ્યું, “ગીત ગાયું હતું કે નહિ ?”

“સર હું કોઈ સિંગર નથી અને મને એ કામ માટે જોબ પણ નથી મળી…મેં હાર્દિક સરને ગીત ગાવાની ના પાડી હતી એટલે તેઓએ ગુસ્સામાં મને ગાળો આપી છે અને મને મારવાની ધમકી પણ આપી હતી..”

“ઓહહ..” જયપાલસિંહે કહ્યું, “પછી શું થયું હતું ?”

“ત્યારે શિવસર મારા ભગવાન થઈ ગયા હતા અને મને બચાવીને દૂર મોકલી દીધો હતો..” સંકેતે કહ્યું ત્યારે શિવ માટે તેનાં દિલમાં જે લાગણી હતી એ તેનાં શબ્દોમાં અને ચહેરા પર દેખાતી હતી.

“પછી તું ક્યાં ગયો હતો ?”

“મારા સેલ્સ મેનેજરે મને પાંચ બિલ્ડર વિઝીટ કરવાનું કહ્યું હતું એટલે શિવાજી સર્કલ તરફની કન્ટ્રક્શન સાઈટો પર બિલ્ડરોને મળવા હું ત્યાં ચાલ્યો ગયો હતો..”

“સમજ્યો…” જયપાલસિંહે કહ્યું, “અને એ રાત્રે તું ક્યાં હતો ?”

“સર એ દિવસે મારા દોસ્ત રવિ બાવાળીયાનો જન્મ દિવસ હતો એટલે મોડી રાત સુધી હું તેઓની સાથે જ હતો..”

“કેટલા વાગ્યા સુધી ?” જયપાલસિંહે પૂછ્યું.

“લગભગ સાડા બાર સુધી…” સંકેતે કહ્યું.

“અને ઘરે ક્યારે પહોંચ્યો હતો ?”

“મારું ગામડું અહીંથી પચીસ કિલોમીટર દૂર છે એટલે બરોબર દોઢ વાગ્યે હું મારા ઘરે પહોંચ્યો હતો..”

“તારા દોસ્તો સાથે કેટલા વાગ્યા સુધી હતો એનો તું અંદાજો લગાવે છે અને ઘરે ક્યારે પહોંચ્યો એ ચોક્કસ સમય કહે છે… કેમ એવું ?”

“સર…મારા પપ્પા મોડી રાત સુધી ખેતરમાં પાણી વાળતા હોય છે..એ રાત્રે દોઢ વાગ્યે પણ મારા પપ્પા ઘરે નહોતા આવ્યા એટલે મેં તેઓને કૉલ કરેલો અને એટલે જ મને ચોક્કસ સમય યાદ છે..”

“ઓહહ..” જયપાલસિંહે કહ્યું, “ઘરમાં બીજું કોણ કોણ છે ?”

“મમ્મી-પપ્પા અને હું જ છું, મોટી બહેન છે એનાં લગ્ન થઈ ગયા છે”

“તો રાત્રે ઘરે મોડો પહોંચ્યો ત્યારે મમ્મીએ કંઈ નહોતું કહ્યું ?”

“મેં સાંજે જ ઘરે ફોન કરીને મોડો આવીશ એવું કહી દીધું હતું સર..”

“સમજ્યો..” જયપાલસિંહે કહ્યું, “હવે તું જઈ શકે છે..”

સંકેત ઉભો થઈને બહાર નીકળી ગયો.

“હવે કોને મોકલું મેડમ ?” સંકેત ગયો એટલે પ્યુને દરવાજો ખોલીને પૂછ્યું.

“કિરણ જોશીને મોકલો..” ભૂમિકાએ કહ્યું.

“જી મેડમ..”કહેતાં પ્યુને દરવાજો બંધ કરી દીધો. બે મિનિટ બાદ કિરણ જોશી સ્ટોર રૂમમાં પ્રવેશ્યો.

“બેસો..” જયપાલસિંહે કહ્યું. કિરણ જોશી ખુરશી ખેંચીને બેસી ગયો.

“હાર્દિક સાથે તમારાં કેવા સંબંધો હતા ?” જયપાલસિંહે પૂછ્યું.

“અમારી બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે સર..” કિરણ જોશીએ કહ્યું.

“આમ તો તમે બંને હરીફ હતાને ?” જયપાલસિંહે પૂછ્યું, “તો મૈત્રીપૂર્ણ સંબંધ કેવી રીતે જળવાઈ રહેતાં ?”

“હાર્દિક ક્યારે મારા કસ્ટમરને છીનવી જતો, ત્યારે અમારા બંને વચ્ચે ઉગ્ર વાતો થતી પણ ઘણીવાર એ સામેથી ફાઈલો પણ આપતો એટલે બધું સરભર થઈ જતું..” કિરણ જોશીએ કહ્યું.

“બરાબર..” જયપાલસિંહે કહ્યું, “અને હાર્દિક તમારા ROને હેરાન કરતો, ત્યારે તમે કેમ હાર્દિકને રોકતાં નહોતા ?”

“મજાક કરવાની હાર્દિકની આદત હતી સર…જેમ જેમ એ લોકોને ઓળખતો જતો એમ એમ તેનું વર્તન સુધરતું જતું..”

“ઓહ..” જયપાલસિંહે હુંહકાર ભર્યો, “તમે હાર્દિકનાં દોસ્ત હતા તો તેણે તમને પાર્ટી માટે આમંત્રણ પણ આપ્યું હશેને ?”

“હા સર…હાર્દિકે રાત્રે દારૂની પાર્ટી માટે મને આમંત્રણ આપ્યું હતું પણ મારે મારી પત્નીને લઈને મારા સાસરિયામાં જવાનું હતું એટલે મેં તેને ના પાડી દીધી હતી”

“પુરુષને પોતાનાં સાસરિયામાં જવું કોઈ દિવસ નથી ગમતું, તો તમારું જવાનું કારણ ?”

“તમે સાચું કહ્યું છે સર…મને પણ મારા સાસરિયામાં જવાની ઈચ્છા નહોતી જ, પણ મારાં સાળાનાં ઘરમાં લક્ષ્મીજી જન્મ્યા હતા એટલે તેની છઠ્ઠીમાં મારે જવું પડ્યું હતું..”

“ઓહ..સમજ્યો..” જયપાલસિંહે કહ્યું, “તમે લોકો પરત ક્યારે ફર્યા હતાં ?”

“બીજા દિવસની સવારે આઠ વાગ્યે..” કિરણ જોશીએ કહ્યું.

“તમારું સાસરિયું ક્યાં છે ?”

“બલીરામપુરમાં..” કિરણ જોશીએ કહ્યું.

“ઑકે..તમે જઈ શકો છો”

“થેંક્યું સર..” કહેતા કિરણ જોશી બહાર નીકળી ગયો. કિરણ જોશીનાં બહાર ગયા બાદ પ્યુન અરવિંદભાઈએ દરવાજો ખોલ્યો. એ પુછવા જતાં હતાં એ પહેલાં જ ભૂમિકાએ કહ્યું, “તમે જ અંદર આવી જાઓ કાકા..”

“શું..!” અરવિંદભાઈએ ચોંકીને કહ્યું, “હું અંદર આવું ?”

“હા.. તમે જ..અમારે તમને પણ થોડા સવાલ પુછવાના છે”

અરવિંદભાઈ અંદર આવીને ખુરશી પર બેસી ગયા.

“તમારે વારંવાર ફાઈલો લેવા-મુકવા સ્ટોર રૂમમાં આવવાનું થતું હશેને કાકા ?” ભૂમિકાએ પૂછ્યું.

“હા મેડમ…બધા કર્મચારીઓનાં કસ્ટમરની ફાઈલો ક્યાં પડી છે એ મને જ ખબર હોય છે..” અરવિંદભાઈએ સહેજ ગુરુર સાથે કહ્યું.

“તો પછી આ રૂમમાં કોણ વધુ સમય રહે છે એની પણ તમને ખબર હશે…” ભૂમિકાએ કહ્યું.

“જુઓ મેડમ…આ રૂમનો ઉપયોગ આ ડિપાર્ટમેન્ટનાં બધા જ કર્મચારી કરે છે પણ વધુ ઉપયોગ અહીંનાં સેલ્સ મેનેજરો કરે છે..”

“તમે હાર્દિક પાઠકની વાત કરો છો ?” ભૂમિકાએ મુદ્દાની વાત પકડી.

“હા.. હાર્દિકભાઈ પણ અને અન્ય સેલ્સ મેનેજરભાઈઓ પણ…”

“મને એક વાત કહો કાકા..” જયપાલસિંહે કહ્યું, “હાર્દિકનાં જન્મદિવસનાં દિવસે સવારે હાર્દિક અને તેના ટીમ મેમ્બર મીટીંગમાં વાતો કરી રહ્યા હતા ત્યારે તમે રૂમમાં આવ્યા હતા ?”

“હા સાહેબ..માનસી મેડમે મને એક ફાઇલ સ્ટોર રૂમમાં રાખવા આપી હતી એટલે એ ફાઇલ રાખવા હું સ્ટોર રૂમમાં આવ્યો ત્યારે એ પાંચેય લોકો સ્ટોરરૂમમાં હાજર હતા..”

“અચ્છા, તમે રૂમમાં આવ્યા ત્યારે એ લોકો ક્યાં ટોપિક પર વાતો કરી રહ્યાં હતાં ?”

“હવે એ તો રામ જાણે…હું તો ફાઇલ રાખીને નીકળી ગયો હતો સાહેબ…” અરવિંદભાઈએ કહ્યું.

“તો પણ કાકા…સહેજ મગજને જોર આપો…એક-બે શબ્દ યાદ આવી જાય તો..”

અરવિંદભાઈ વિચારમગ્ન અવસ્થામાં સરી ગયા.

“હા સાહેબ…યાદ આવ્યું” અરવિંદભાઈએ કહ્યું, “હાર્દિકભાઈ ફ્રેન્ડ એકલી હશે અને કંપની માટે જવું પડશે એવું કંઈક બોલ્યા હતા, જવાબમાં મોહિતભાઈ એને કંપની આપવવાળો ઓલરેડી છે એવું કહ્યું હતું..”

“બીજું કંઈ સાંભળ્યું હતું તમે ?”જયપાલસિંહે પૂછ્યું.

“રૂમમાં પ્રવેશીને મેં અહીં ફાઇલ રાખી હતી” અરવિંદભાઈએ ખૂણામાં રહેલા કબાટનાં ખાના તરફ આંગળી ચીંધીને કહ્યું, “ત્યારબાદ મેં હાર્દિકભાઈને બર્થડે વિશ કરી હતી અને મજાકમાં પાર્ટી ક્યારે છે એમ પૂછ્યું, તેઓએ જવાબમાં વ્રુક્ષ અવાજે સાંજે કૉલ કરું છું એમ કહ્યું હતું. હું મજાક કરું છું અને તેઓનાં ડેસ્ક પર એક કુરિયર રાખ્યું છે એવું જણાવીને હું ત્યાંથી નીકળી ગયો હતો…ત્યારબાદ હાર્દિકભાઈ સાથે મારી વાત નથી થઈ”

“ઓહ…તમે આ પાર્ટીવાળી વાત બીજા કોઈને કહી હતી ?”

“ના સાહેબ…પાર્ટીની મને ખબર જ નહોતી.. મેં કહ્યુંને મેં મજાકમાં કહ્યું હતું તો કોઈને કહેવાનો સવાલ જ નથીને..!!!” અરવિંદભાઈએ કહ્યું.

“તમે એ રાત્રે ક્યાં હતાં ?”

“મારા ઘરે જ…મારા પરિવાર સાથે..”

“સારું..હવે તમે જઈ શકો છો..” જયપાલસિંહે કહ્યું.

“હવે કોઈને નથી મોકલવાનાંને ? ઉભા થતાં અરવિંદભાઈએ પૂછ્યું.

“ના..” ભૂમિકાએ કહ્યું.

અરવિંદભાઈ ઊભા થઈને બહાર નીકળી ગયાં. જેટલા સસ્પેક્ટ હતાં તેની સાથે પૂછપરછ થઈ ગઈ હતી. ભૂમિકાએ બધી વાતો કાગલોમાં ટપકાવી લીધી હતી.

ત્યારબાદ ઊભા થઈને બંને ક્લસ્ટર હેડની ઓફિસમાં પહોંચ્યા.

“તમારો સમય બગાડ્યો એ બદલ માફી ચાહું કેતનજી..” જયપાલસિંહે આભારવિધિ માટે હાથ લંબાવીને કહ્યું, “અને સહકાર આપવા બદલ તમારો આભાર”

“એ તો અમારી નૈતિક ફરજ છે..” કેતન માંકડે ઉભા થઈને જયપાલસિંહ સાથે હાથ મેળવ્યો, “જરૂર પડે તો આપ બીજીવાર પણ આવી શકો છો”

“સ્યોર..” જયપાલસિંહે કહ્યું, “અમને હવે રજા આપો”

કેતન માંકડે બંને હાથ જોડીને અભિવાદન કર્યું એટલે જયપાલસિંહ અને ભૂમિકા દરવાજો ચીરીને બહાર નીકળી ગયા.

‘આ લોકોને એક કેસ મળી જાય એટલે પોતાને ડિટેકટિવ સમજવા લાગે છે અને અમારો કિંમત સમય બગાડે છે, જે માર્યો ગયો છે એ આમ પણ દુનિયામાં બોજો જ હતો તો શા માટે કાતીલને શોધે છે..’ મનમાં પોલીસની ટીકા કરતાં કેતન માંકડે લેડલાઈન ફોનનું રિસીવ હાથમાં લીધું અને એક નંબર ડાયલ કર્યો.

“હેલ્લો બક્ષી સાહેબ…” કૉલ રિસીવ થયો એટલે કેતન માંકડે કહ્યું, “તમને એક કેસ આપવાનો છે અને તમે વહેલી તકે એ કેસ સોલ્વ કરી આપશો એવી આશા રાખું છું”

“કોનો કેસ છે ?” ડિટેકટિવ રાજેશ બક્ષીએ પૂછ્યું. ડિટેકટિવ રાજેશ બક્ષી અને કેતન માંકડની મુલાકાત આ જ ઓફિસમાં થઈ હતી. રાજેશ બક્ષી પર્સલોનની ઇન્કવાઇરી માટે આવ્યા હતા અને વાતવાતમાં બંનેની ઓળખાણ થઈ હતી એટલે રાજેશ બક્ષી ડિટેકટિવ છે એવી જાણકારી કેતન માંકડને મળી હતી.

“હાર્દિક પાઠકનાં મર્ડર કેસ વિશે તો તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું જ હશે, એ કમજાત મારા ડિપાર્ટમેન્ટનો કર્મચારી છે અને હવે પોલીસ રોજ પૂછપરછનાં બહાને અમને હેરાન કરે છે..” કેતન માંકડનાં શબ્દોમાં પોલીસ તરફનો રોષ વ્યકત થતો હતો.

“તમે મને કેસની ડિટેઇલ્સ મોકલી આપો..હું જોઈ લઉં છું..” રાજેશ બક્ષીએ કહ્યું.

“સારું..”કહેતાં કેતન માંકડે ફોન કટ કરી દીધો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED